ગુજરે હૈ હમ કહાં કહાંસે (૨૩) – હોસ્ટેલની યાદો (૨)

       જીવનના એ પડાવ ઉપર પહોંચ્યો છું જ્યાં ભૂતકાળમાં માણેલા વિવિધ પ્રકારના અનુભવો યાદ આવતા રહે છે. એ પૈકીના કેટલાક    અહીં વહેંચવાનો અને એ સાથે જોડાયેલાં પાત્રોનું નિરૂપણ કરવાનો ઉપક્રમ છે. અમુક કિસ્સામાં પાત્રોનાં અને સ્થળનાં નામ ચોક્કસ કારણોસર બદલેલાં હશે. 

પીયૂષ મ. પંડ્યા

—————*—————-*——————-*——————-*——————

ગઈ કડીમાં પાંચ દાયકાઓ પહેલાંના હોસ્ટેલના દિવસોની મજેદાર યાદો તાજી કરી એમાં મિત્ર નિશીથ કેન્દ્રસ્થાને હતો. આ વખતે એટલા જ ઘનિષ્ઠ મિત્ર (ચન્દ્ર)શેખર આસપાસ ઘૂમતી વાતો કરીએ.

બન્યું એવું કે નિશીથ અને હું માઈક્રોબાયોલોજી ભણવા માટે નડિયાદની કૉલેજમાં જૂન ૧૯૭૧થી જોડાયા. એ સમયે શેખરે વલ્લભવિદ્યાનગરમાં કેમિસ્ટ્રીમાં પ્રવેશ લીધેલો. કૉલેજ શરૂ થયાના પંદરેક દિવસ પછી એ અમારી સાથે શનિ-રવિ પસાર કરવા નડિયાદ આવ્યો. એણે એ બે દિવસોમાં જોયું જાણ્યું કે માઈક્રોબાયોલોજી બહુ જ રસપ્રદ વિષય હતો. વળી અમે લોકો તો હોસ્ટેલમાં પણ જલસેજલસા કરતા હતા. એ પછીના એકાદ પખવાડીયા પછી ફરીથી શેખર અમારી હોસ્ટેલમાં પ્રગટ થયો. એના ચહેરા ઉપર ભેદી સ્મિત રમ્યા કરતું હતું. થોડી વાર પછી એણે પૂછ્યું, “બોલો, હું શું કામ આવ્યો હોઈશ?” અમે તો બહુ રમ્ય કલ્પનાઓ કરી લીધી. આખરે શેખરે પોતાના ખિસ્સામાંથી એક પોસ્ટકાર્ડ કાઢ્યું, અમારી તરફ લંબાવ્યું અને બોલ્યો, “લ્યો, વાંચો બેય જણા!” મને લાગ્યું કે કોઈ મુગ્ધ કન્યાએ પોતાની ઊર્મીઓ ઠાલવતો પત્ર લખ્યો હોવો જોઈએ. અને મેં એ બાબતે પૃચ્છા ય કરી લીધી. પણ નિશીથે સમજાવ્યું કે ગમ્મે એવી મુગ્ધાવસ્થામાં ય કોઈ બાળા પોસ્ટકાર્ડનો ઉપયોગ તો ન જ કરે. એને માટે ગુલાબી પરબીડીયું અને એ પણ અત્તર છાંટેલું હોય. પછી અમે એ પત્ર વાંચવાનું જ યોગ્ય જાણ્યું. એ શેખરના બાપુજીનો પત્ર હતો કે શેખરને નડીયાદ ભણવું હોય તો એ આગળ વધે. હકીકતે શેખરે વિદ્યાનગર પાછા જઈને પોતાના બાપુજીને કાગળ લખ્યો હતો કે એની ઈચ્છા માઈક્રોબાયોલોજી ભણવા માટે નડીયાદની કૉલેજમાં દાખલ થવાની હતી. એણે એ કાગળમાં કલ્પનાના રંગો ભરીભરીને કૉલેજનાં, વિષયનાં અને હોસ્ટેલનાં ભરપૂર વખાણ કર્યાં હતાં. નિશીથ અને હું તો રાજી રાજી થઈ ગયા. હોસ્ટેલની અગાશીમાં ભરાતી સંધ્યાબેઠકમાં સૌને શેખરનો પરિચય પણ કરાવી દીધો.

બીજે દિવસે જ કોલેજના આચાર્યસાહેબ પાસે જઈને શેખરે પ્રવેશ મેળવી લીધો. અભ્યાસ શરૂ થયે ત્રણ અઠવાડીયાંથી પણ વધુ સમય વિતી ચૂક્યો હતો પણ એણે સાહેબને ખાતરી આપી કે પોતે પહોંચી વળશે. બીજો તબક્કો હોસ્ટેલમાં પ્રવેશ મેળવવાનો હતો. સામસામેની રૂમોમાં રહેતા નિશીથ અને હું ટૂંકા ગાળામાં એવી તો પ્રતિષ્ઠા અર્ચિત કરી ચૂકેલા કે અમારા સહનિવાસીઓ અમે ત્રણેય એકસાથે એક જ રૂમમાં રહેવાનું પસંદ કરશું અને પોતે છૂટશે એમ વિચારીને રાહત અનુભવવા લાગ્યા.

પણ અમારા રેક્ટર દૂધવાળા સાહેબે એમ ન થવા દીધું અને શેખરને અન્ય એક રૂમમાં એક જગ્યા ખાલી હતી, એ ફાળવ્યો. જો કે દિવસનો મોટો ભાગ તો અમે સાથે જ વિતાવતા હતા. એની શાલિનતા અને એનું સૌજન્યશીલ વર્તન અનુભવવાથી અન્ય છોકરાઓને લાગ્યું કે શેખરના આવવાથી નિશીથ અને હું થોડા ટાઢા પડશું. પણ એમની એ ધારણા અલ્પજીવી નિવડી. કેમકે ‘પાણા કરતાં ઈંટ પોચી’ જેવો મામલો હતો. સામાન્ય રીતે બહુ જ શાંત એવો શેખર ક્યારેક ખીજાય તો સામે મળે એના ગાભા નીકળી જતા. શેખરની આ અવસ્થાને બધા ‘શેખર બદલ્યો’ એમ ઓળખાવતા. વળી અન્યોને અમે ખીજવતા હોઈએ ત્યારે મળતો શેખરનો પ્રચ્છન્ન ટેકો અમારે માટે ઉદ્વીપકનું કામ કરતો.

અમે ત્રણેએ સાથે મળીને બહુ આનંદદાયી સમય વિતાવ્યો છે. ટીખળી સ્વભાવને છોડીને અમારામાં અન્ય બદમાશી ન હોવાથી મહદઅંશે અમે પૂરી મંડળીમાં ખાસ્સા સ્વીકૃત બની ગયા હતા. રોજ સાંજે હોસ્ટેલની અગાશીમાં મળતી બેઠકમાં અમારી સામુહિક બેઠકમાં અમને ‘આમ બધી રીતે સારા ને આનંદી, પણ બહુ નજીક ન જવાય’ પ્રકારના ગણવામાં આવતા હતા. 

શેખરની ખાસિયત એ રહી કે વિપરીત સંજોગોમાં પણ એ ઝાઝો વિચલીત થયા વગર એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાના ઉપાયો શોધે. આવી વિકટ સ્થિતિ બહુ ઝડપથી સામી આવી ગઈ! અમારી પહેલી ટેસ્ટની તારીખો જાહેર થઈ ગઈ. અમારે તો ટેક્સ્ટ ખરીદવાથી શરૂ કરવાનું હતું. એ સમયે અમારા વિષય માટેનાં આંતરરાષ્ટ્રીય પ્રકાશનો અમદાવાદના ‘મહાજન બૂક ડેપો’માં જ મળતાં હતાં. આથી અમે ત્રણેય બીજે દિવસે અમદાવાદ પહોંચી ગયા. હજી દુકાનો ખૂલવાનો સમય નહોતો થયો એટલે અમે નિરુદ્દેશે ફરવા લાગ્યા. એવામાં ‘રૂપાલી’ થિયેટર પાસેથી પસાર થતી વેળા ધ્યાન પડ્યું કે ત્યાં ‘શર્મીલી’ ચાલતું હતું. પહેલો શૉ બપોરના બાર વાગ્યાનો હતો. અમે તાત્કાલિક નિર્ણય લઈ લીધો કે આ ફિલ્મ જોયા વગર પાછા જઈને બ્રહ્મહત્યાનાં પાતક ન વહોરવાં. આથી ત્યારે જ બૂકીંગ કરાવી લીધું. શૉ શરૂ થવાને દોઢેક કલાકની વાર હતી એટલે રખડપટ્ટી આગળ વધારી. રસ્તામાં ‘નટરાજ’ થિયેટર આવ્યું. ત્યાં ‘ગુડ્ડી’ ચાલતું હતું. શેખર કહે, “હાલોપ્પ, ત્રણથી છનો શૉ જયાને નામે લખી દઈએ. રૂપાલીથી શર્મીલી જોઈને અહીં રીક્ષામાં આવતા રે’શુ તો પાંચ મિનિટેય નહીં લાગે.” એ વખતે મેં યાદ કરાવ્યું કે અમે તો પાઠ્યપુસ્તક ખરીદવા આવ્યા હતા. પણ એનો હલ તો હાથવગો હતો. ચોપડી બજાર રાતના આઠ વાગ્યા સુધી ખુલ્લું રહેતુ હોવાથી ફિલ્મ જોયા પછી પાછા ફરતી વખતે અમારું મુખ્ય કામ કરશું અને પછી સીધા કાળુપૂર સ્ટેશને જતા રહેશું એવું નક્કી કરી, આમ, અમે ઉપરા ઉપરી બે ઉત્તમ ફિલ્મો જોઈ કાઢી. નટરાજ થિયેટરમાં ‘સોફ્ટી’ આઈસક્રીમ પણ ઝાપટ્યો. ત્યાંથી સીધા ‘ચન્દ્રવિલાસ’માં પહોંચી, શેખરના શબ્દોમાં ‘જ્યાફતું ઉડાડી’. છેવટે મોડી સાંજે ચોપડા બજારે પહોંચ્યા ત્યારે અમારે લેવાની હતી એ ટેક્સ્ટની માત્ર એક જ નકલ બચી હતી! દુકાનદારે જણાવ્યું કે તે દિવસે સવારથી જ નડીયાદની કૉલેજના છોકરાઓનો ધસારો રહ્યો હતો. અમે એક તો એક, વહેંચીને વાંચશું એવું વિચારીને એ આપવા કહ્યું ત્યારે ખબર પડી કે એ આવૃત્તિ આયાતી હોવાથી એનો ભાવ રૂપીયા નેવું હતો! બાકી દેશી આવૃત્તિ રુપીયા ત્રીશમાં મળતી હતી એ અમને ખબર હતી. ખીસ્સાં ઉંધાં ચત્તાં કરીને જોયુ તો એ ખરીદ્યા પછી ટ્રેનની ત્રણ ટીકિટો લેવા જેટલા જ પૈસા માંડ વધતા હતા.

બસ, ચોપડી લઈ, સ્ટેશને ગયા અને અડધી ચા પણ પીધા વગર રાતના અગિયાર વાગ્યાની આસપાસ નડીયાદ પહોંચ્યા. ત્યાંથી હોસ્ટેલ ત્રણેક કિલોમીટર દૂર હતી અને આજથી પાંચ દાયકા પહેલાં એમાંનો લગભગ દોઢેક કિમી. જેટલો રસ્તો તો સાવ ઉજ્જડ અને અંધારીયો રહેતો. પણ ઘોડાગાડી કે રીક્ષા કરવાનો વ્હેંત કોની પાસે હતો! રસ્તામાં મેં બબ્બે ફિલ્મો જોવા ન ગયા હોત તો સારું હતું એમ પસ્તાવો વ્યક્ત કરતાં શેખરે કહ્યું, “ શું રાખી (‘શર્મીલી’) અને જયા (‘ગુડ્ડી’) માટે આપડે આટલોયે ભોગ નો દેવો?” એ સાથે જ મને મારા ઉતાવળીયા વિધાન માટે પસ્તાવો થઈ ગયો.

એ પછીના દિવસોમાં અમને સમજાતું ગયું કે એક જ ટેક્સ્ટ વડે ત્રણેય જણાએ તૈયારી કરવી શક્ય નહતી. નોટ્સ તો બનાવી જ નહોતી. પછી છેલ્લા ઉપાય તરીકે એ પરીક્ષામાં ડ્રોપ લઈ લેવાનું નક્કી કર્યું. કૉલેજના સત્તાવાળાઓ માત્ર અને માત્ર માંદગીનું કારણ હોય, તો જ એને માટે મંજૂરી આપતા હતા. એક માયાળુ-દયાળુ ડાક્ટર પાંચ રૂપીયામાં યોગ્ય મેડીકલ સર્ટીફીકેટ કાઢી આપતા હતા એ અમને જાણ હતી. પણ કૉલેજવાળાઓને એ જાણ થઈ જતાં એવો નિયમ બન્યો કે માંદગીનું સર્ટીફીકેટ માત્ર ડૉ. આર.પી.પટેલનું હોય તો જ માન્ય ગણાશે. એ ડાક્ટર અમારી એજ્યુકેશન સોસાયટીના અગ્રણી હતા. ‘આરપીકાકા’ના નામે ઓળખાતા એ સજ્જન ખુબ જ પ્રેમાળ હતા. ખાસ કરીને હોસ્ટેલના છોકરાઓની સારવાર તો પૈસા પણ લીધા વગર કરતા. પણ, નખશીખ સિધ્ધાંતવાદી હતા. એમની પાસેથી માંદગી (જે હતી જ નહીં!) શી રીતે પ્રમાણિત કરાવવી એ કોયડો થઈ પડ્યો. પણ, દરેક મુશ્કેલીનો એક હલ હોય જ છે. અમે મુકુંદમાસાની મદદ લેવાનું વિચાર્યું.

એ સમયે મારાં પુષ્પામાશી અને મુકુંદમાસા નડીયાદમાં રહેતાં. સ્થાનિક હોવાથી મુકુંદમાસા બહુ મોટું મિત્રવર્તૂળ અને શુભેચ્છકો ધરાવતા હતા. એમની મદદ માંગવા એ જ સાંજે અમે એમને ઘરે જવાનું નક્કી કર્યું. જતાં પહેલાં રસ્તામાં આંખોને ખુબ જ ચોળીચોળીને લાલ કરી નાખી. પછી કાળાં ચશ્માં ચડાવી ને એમને ઘેર પહોંચ્યા, જેથી કહેવાય કે અમારી ત્રણેયની આંખો આવી હતી. પૂરી તૈયારી કરીને ઘરમાં પ્રવેશ્યા અને સૌની સહાનુભૂતિ પણ મેળવી લીધી. પરીક્ષા નહીં આપી શકાય એ બાબતે શક્ય એટલી હતાશા વ્યક્ત કરી. માસાએ કહ્યું કે એ પોતે બીજે દિવસે અમારી સાથે દવાખાને આવી, આરપીકાકાને ભલામણ પણ કરશે કે અમે તો એમના છોકરાઓ હતા. એવામાં રસોડામાંથી માશીનો સાદ આવ્યો, “એ હાલો છોકરાઓ! રસોઈ થઈ ગઈ છે.” ભગવાનનો પાડ માનતા અમે જમવા માટે ઉભા થઈએ એ પહેલાં માસાની સૌથી નાની દીકરી બિના બહાર રમી આવીને ઘરમાં દાખલ થઈ. માંડ છએક વરસની એ રમતિયાળ છોકરી તો સીધી અમારી સામે ધસી આવી અને “કોઈ રાતે ગોગલ્સ પહેરે!” બોલતાં એણે મારી અને શેખરની આંખો ઉપરથી એ ડાબલા ઉતારી લીધા. અમે બેય એવા કઠીન સંજોગોમાં ય સ્વસ્થ રહી ને પોતપોતાની આંખો ચોળવા માંડ્યા. મુકુંદમાસાએ બિનાને વઢી ને દૂર મોકલી આપી અને બધું સમુંસૂતરૂં પાર પડ્યું. ઘરેથી નીકળ્યા ત્યારે મુકુંદમાસાએ મારા હાથમાં ત્રીશ રૂપીયા મૂક્યા અને જરૂરી ટીપાં ખરીદી લેવા સૂચવ્યું. હવે પરીક્ષા નથી આપવાની એ ખ્યાલે અમે એટલા રાજી થઈ ગયા કે હોસ્ટેલે ચાલતા જવાનું સર્વાનુમતે નક્કી કર્યું.

લગભગ દોઢેક કિમી.નું અંતર કાપ્યા પછી થિયેટર્સની હારમાળા શરૂ થઈ. ‘પ્રભાત’, ‘અલંકાર’ અને ‘લક્ષ્મી’ પાસેથી તો અમે મન કઠ્ઠણ કરીને નીકળી ગયા, પણ ‘અલકા’ની બહાર ‘એક નન્હી મુન્ની લડકી થી’નું પાટીયું જોતાં જ શેખર “ભાઈ, મુમુ(તે સમયની પ્રખ્યાત નાયિકા મુમતાઝ)ની ફિલમ તો જોવી જ પડે હોં!” કહેતો અંદર જતો રહ્યો. અમે મહાજન જે પંથ લે એ વિના હિચકિચાટે લેવો એમ સમજીને એનો સાથ આપ્યો. બીજે દિવસે સવારે મુકુંદમાસા અમારી સાથે ડૉ. આર.પી.પટેલ પાસે આવ્યા. અમે એ બાબતે પૂરતી તૈયારી કરી રાખી હતી. ત્રણેય જણા આંખો ખુબ જ ચોળી ચોળીને રાતી કરીને દવાખાને ગયા. આરપીકાકાને બહુ શંકાની નજરે તપાસવું યોગ્ય ન લાગ્યું એ અમારું નસીબ. એમનાં આપેલાં સર્ટીફિકેટ ઑફીસમાં જમા કરાવી ને અમે સાવ નચિંત થઈ ગયા. આગલી સાંજે મુકુંદમાસાએ આપેલા ત્રીશ રૂપીયા એ પછીના ત્રણ જ દિવસમાં વાપરી નાખેલા. આ ૧૯૭૧ના ઑક્ટોબર મહિનાની વાત છે, જ્યારે અમારું માસિક ફૂડબીલ પાંત્રીશથી ચાળીશ રૂપીયાની વચ્ચે આવતું.

આવી બેફીકરાઈ છતાં S.Y.B.Sc. ની પરીક્ષાઓમાં તો અમે સારી રીતે પાસ થતા રહ્યા. યુનિ. પરીક્ષાનું પરીણામ પણ ઘેર બતાડવા જેવું આવ્યું. પણ, ‘એકધારા સુખમાં દિવસ કોઈના જતા નથી’ એવું કવિ અમથા કહી ગયા છે1 પાછી T. Y. B.Sc. ની પહેલી આંતરીક પરીક્ષા સામી આવી ને ઉભી રહી. આગલા વરસના અનુભવથી ઘડાયેલા એવા અમે એને માટે તો વેળાસર તૈયારી કરવા માંડ્યા હતા.. અમારું આયોજન એવું હતું કે રાતની એક ઉંઘ કરી લીધા પછી વહેલા ઉઠીને વાંચવું પણ એ સમયે આળસ ઉડાડવી જરૂરી બની રહેતી. આનો હલ શેખરે ગોતી કાઢ્યો. ઉઠીને અડધીએક કલાક અગાશીમાં બેસીને ગપ્પાં હાંકવાં, જેથી તાજગી આવી જાય. આ ઉપાય સારો એવો કારગત નીવડ્યો. આવું બેત્રણ દિવસ ચાલ્યા પછી અમે મોડી રાતે અગાશીમાં બેઠા હતા એવામાં શેખર કહે, “ ભાઈઓ, હાલો હવે રૂમમાં.” મેં એને કીધું કે હજી તો અમને બહાર આવ્યે દસ મિનિટ પણ નહીં થઈ હોય. એના જવાબમાં એ બોલ્યો, “હા, પણ બહુ ફ્રેશ થઈ જવાય છે ને, એમાં તરત ઉંઘ નથી આવતી ને પછી વાંચવું પડે છે”! એ વિધાન ઉપર હસવામાં અમે દસેક મિનિટ વધુ આરામ કરી લીધેલો.

આવી હળવાશ વચ્ચે પણ અમારી એ પરીક્ષા માટેની તૈયારી સંતોષજનક થતી રહી. પણ, એક પેપર એવું હતું કે જે સૌને બહુ અઘરું લાગતું હતું. નસીબજોગે સમયપત્રક એવી રીતે ગોઠવાયું કે એ પેપર અગાઉ રવિવારનો દિવસ હતો. આથી અમને નિરાંત વળી કે છેલ્લી ઘડીની તૈયારી માટે સારો એવો સમય રહેશે. શરૂઆતના પેપર્સ સારા લખાયા હોવાથી અમારા આત્મવિશ્વાસમાં ખાસ્સો એવો વધારો થયો. છેવટે શનિવારની સાંજે તો ‘હવે તો મચી પડવું છે, હોં!’ કહીને અમે ખરેખર મચી પડ્યા. પણ, રવિવારની બપોરે ભોજન પછી ભાન થયું કે ત્યાર સુધી કશુંય નથી આવડ્યું. છેવટે અમે ત્રણેય જણા એ મનોવ્યથામાંથી બહાર નીકળવા માટે ચા પીવા નીકળી ગયા. કૉલેજ પરિસરની બહાર એક લારીમાં ચા મળતી, ત્યાં જઈને બેઠા. ચા પીતેપીતે પણ અમારી વાતો ‘કાલની પરીક્ષાના પેપરમાં શું કરશું’ એ જ બાબતે થતી રહી. એકવારની ચા પીવાઈ રહી તે પછી પણ અમે લારીએ બેસી જ રહ્યા હતા. થોડી વાર પછી ફરી એક એક ચા ગટગટાવવાનું વિચાર્યું, એવામાં શેખર અચાનક જ કૂદકો મારીને ઉભો થઈ ગયો. અમે કાંઈ વિચારીએ તે પહેલાં એ દોડીને ત્યાંથી પસાર થઈ રહેલી શહેર તરફની બસમાં ચડી ગયો! ક્યાં ગયો હશે, શુંકામ ગયો હશે, કોણ જાણે! ઝાઝું વિચાર્યા વિના નિશીથ અને હું રૂમમાં જઈને વાંચવા માંડ્યા. ચારેક કલાક પછી શેખર પાછો આવ્યો. એ કહે, “જુઓ. આમેય કાંઈ ન્હોતું આવડવાનું ઈ મૂંઝારામાં! અહીં બેઠા બેઠા હેરાન થવું એના કરતાં હું તો ‘પારસ’ ફિલમ જોઈ આવ્યો મારા ત્રણ કલાક તો ટોપ ગ્યા. આ તમે અહીં વાંચતા રહ્યા છો, પણ ઈ ટેન્શનમાં વાંચેલું કેટલું આવડ્યું છે?” એની વાત તો ખરી હતી. નિશીથને અને મને તે સમયગાળામાં વાંચેલું એનો ઝાઝો ફાયદો જણાતો નહોતો.

આવી બધી મજાક-મસ્તી વચ્ચે પણ અમે ત્રણેય વ્યવસ્થિત માર્ક્સથી પાસ થતા રહેતા હતા. પરીક્ષામાં ક્યારેય ગેરરીતીનો આશરો ન લીધો એ બાબતનો અમને ત્રણેયને આજે પણ સંતોષ છે. B.Sc.ની ડીગ્રી પણ એવા માર્ક્સ સાથે મળી કે શેખરની પસંદગી જંગલખાતાની અફસરની નોકરી માટે થઈ. એ માટે એને બે વરસ માટે કોઈમ્બતૂર ખાતેની ટ્રેનીંગ કૉલેજમાં બે વરસની તાલિમ લેવાની હતી અને પછી એ જ ખાતામાં ખુબ જ યશસ્વી કારકીર્દિના અંતે એ ‘ગુજરાત ઈકોલોજી મીશન’ના ડાયરેક્ટર તરીકે નિવૃત્ત થયો. નિશીથ હરિયાણાના કરનાલ ખાતેની પ્રતિષ્ઠીત સંસ્થા‘National Dairy Research Institute’   (NDRI)માં રાષ્ટ્રીય કક્ષાએ લેવાતી પરીક્ષામાં અગ્રતાક્રમ પામ્યો. ત્યાં અનુસ્નાતક ડીગ્રી મેળવી, એણે આણંદ ખાતેના  ‘નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ’ અને ‘મીલ્ક માર્કેટીંગ ફેડરેશન’માં સમયસમયે ખુબ જ જવાબદારીભરી અને મોભાદાર ખુરશીઓ ઉપર બેસીને વહીવટ ચલાવ્યો. મારી શૈક્ષણિક અને વ્યવસાયિક કારકીર્દિ પણ સાવ કાઢી નાખવા જેવી તો ન કહી શકાય.

અહીં અમારા ત્રણેયના હોસ્ટેલના સહવાસની એવી જ યાદો તાજી કરી છે, જે શુધ્ધ શાકાહારી કે કદાચ ફરાળી ગણાવી શકાય. યુવાનીના એ નાદાન દિવસોમાં આ ઉપરાંત ઘણાં તોફાનો, ટીખળો અને મસ્તી કરી છે, પણ એકેય પ્રવૃત્તિ એવી નથી આચરી જેનાથી એ સમયે માબાપને અને અત્યારે અમારે હેઠું જોવું પડવાનો સમય આવ્યો હોય..


   શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

4 thoughts on “ગુજરે હૈ હમ કહાં કહાંસે (૨૩) – હોસ્ટેલની યાદો (૨)

  1. ફરાળી એકરાર નામું ગમ્યું. અભિનંદન.

  2. હૉસ્ટેલની તમારી લોકોની ખાટીમીઠીને ‘ફરાળી ઑમ્લેટ’ કહી શકાય , પૂરૂં માંસાહારી નહીં અને સાવ શાકાહારી પણ નહીંં !

Leave a Reply

Your email address will not be published.