ફિર દેખો યારોં : સરકારનો વિરોધ રાષ્ટ્રનો વિરોધ નથી, અને રાષ્ટ્રનો દ્રોહ તો બિલકુલ નથી

બીરેન કોઠારી

બંધારણીય માળખા અનુસાર આપણા દેશમાં લોકશાહી શાસનવ્યવસ્થા છે, જેમાં અભિવ્યક્તિસ્વાતંત્ર્ય પ્રત્યેક નાગરિકનો મૂળભૂત હક લેખવામાં આવેલો છે. આમ છતાં, આપણી સમાજવ્યવસ્થા હજી એવી થઈ નથી કે જેમાં આ હકનું માહાત્મ્ય થઈ શકે. આપણી કુટુંબવ્યવસ્થા અને એ પછીના ક્રમે શાળાકીય શિક્ષણમાં સવાલ ઉઠાવવાની વૃત્તિને દાબી દેવામાં આવે એવું વાતાવરણ મોટે ભાગે જોવા મળે છે. અભિવ્યક્તિસ્વાતંત્ર્ય આ તબક્કે વિકસી ન શકે તો પછી આગળ જતાં તેને વિકસવાની તક સાવ ઓછી રહે છે. અભિવ્યક્તિસ્વાતંત્ર્યને આપણે વિરોધ માનીએ છીએ અને આ લક્ષણ આગળ જતાં વિકસીને વિરોધને દ્રોહ માનવા લાગે છે.

અંગ્રેજોનું આપણા દેશમાં શાસન હતું ત્યારે પોતાના વિરુદ્ધ ઉઠતા અવાજને દાબી દેવા માટે તેમણે રચેલી દંડસંહિતામાં રાજદ્રોહનો સમાવેશ કર્યો હતો. અંગ્રેજોની વિદાયના ‘અમૃત મહોત્સવ’ની ઉજવણીઓ આગોતરી શરૂ થઈ ગઈ છે, પણ અંગ્રેજોના જમાનાનો આ કાયદો અને ખાસ તો, તેની સાથે સંકળાયેલી માનસિકતા હજી અડીખમ છે. પક્ષને, બલ્કે વધુ સ્પષ્ટતાથી કહીએ તો પક્ષના એક નેતાને રાષ્ટ્ર માની બેસવું, તેનો વિરોધ કરનારને રાષ્ટ્રદ્રોહી જાહેર કરવા, તેમની પર રાજદ્રોહની કલમ ઠોકી બેસાડવી, અને એ રીતે નેતાવિરોધી સૂરને દાબવાનો પ્રયત્ન કરવો એ આવી માનસિકતાનું પ્રતિબિંબ છે.

લોકશાહીમાં સૌથી પહેલું તો નાગરિકોએ સમજવું રહ્યું કે દેશ અને સરકાર બન્ને અલગ બાબતો છે. નેતા કે પક્ષ તો ઠીક, સરકાર સુદ્ધાં કંઈ દેશ નથી. કોઈ પણ મુદ્દે સરકારની ટીકા યા વિરોધ થઈ જ શકે, અને સરકારની ટીકા કે વિરોધ રાષ્ટ્રદ્રોહ ન જ કહેવાય. ‘આર્ટિકલ 14.કોમ’ નામના, કાનૂની બાબતો સાથે સંકળાયેલા એક વેબપોર્ટલના અભ્યાસ અનુસાર 2010થી લઈને2020ના ગાળામાં અગિયારેક હજાર લોકો પર રાજદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જેમાં 2010થી 2014 દરમિયાન કુલ 3762 અને 2014થી 2020 દરમિયાન 7136 લોકોનો સમાવેશ થાય છે.

રાજદ્રોહનો આરોપ એટલે ભારતીય દંડસંહિતાની કલમ 124-અ. વક્રતા એ છે કે જે અંગ્રેજોએ આપણે ત્યાં આ કાનૂન અમલી કરાવ્યો એમણે પોતાના દેશમાં તેને નાબૂદ કરી દીધો છે. આપણે ત્યાં અંગ્રેજોના જમાનાનો આ કાયદો વધુ અસરકારક અને તીવ્રપણે નવેસરથી પ્રયોજાઈ રહ્યો છે. રાજદ્રોહનો આરોપ જેમની પર લગાવવામાં આવે એ લોકો મુખ્યત્વે સરકારની નીતિઓનો વિરોધ કે ટીકા કરતા હોય છે. ઘણા કિસ્સામાં આ માટે વ્યંગ્યનો સહારો લેવામાં આવતો હોય એમ બને છે. સરકારની નીતિ પર ચાહે બોલીને કે પછી દોરીને કે લખીને વ્યંગ્ય કરવો રાજદ્રોહ શી રીતે બની જાય?

અને જો આ રાજદ્રોહ ગણાય, તેનાથી રાષ્ટ્રની સુરક્ષાને નુકસાન જતું હોય તો સંરક્ષણ કે વિદેશી ઘૂસણખોરીના એવા ઘણા મુદ્દાઓ છે કે જેનો સરકારે જવાબ આપવાનો થાય. એ જવાબ આપવાને બદલે કુપ્રચારનો આશરો લઈને જૂઠાણાંને સત્ય તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ રાજદ્રોહ ન ગણાય?

દિલ્હી વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રહી ચૂકેલા, ભારતીય વિધિ આયોગના ભૂતપૂર્વ ચૅરમૅન રહી ચૂકેલા એ.પી.શાહે 2017માં એમ.એન.રૉય સ્મૃતિ વ્યાખ્યાનમાળામાં આપેલા એક વક્તવ્યમાં જણાવ્યું હતું કે કલમ 124-અ ના વ્યાપક અર્થવિસ્તારને કારણે તેનો દુરુપયોગ રાજ્યસત્તાને પડકારે એવા લોકો સામે થવાની સંભાવના વધુ રહે છે. ચાહે તે જે.એન.યુ.ના વિદ્યાર્થીઓ હોય, બિનાયક સેન જેવા કર્મશીલો હોય, અરુંધતી રૉય જેવા લેખક હોય કે અસીમ ત્રિવેદી જેવા કાર્ટૂનિસ્ટ હોય. રાજદ્રોહની કલમની જોગવાઈના દુરુપયોગનાં આ ઉદાહરણ છે. કાનૂન સ્પષ્ટપણે જણાવે છે કે કેવળ સૂત્રોચ્ચાર ગુના માટે પૂરતો નથી. હિંસા ભડકાવવાનો હેતુ તેમાં સમાવિષ્ટ હોય તો જ એ ગુનો ગણાય. અલબત્ત, પ્રથમદર્શી તપાસના અહેવાલની નોંધણી અને કાનૂની કાર્યવાહીના આરંભ વેળાએ સર્વોચ્ચ અદાલતની નીતિને સુસંગત અર્થઘટન કરવાનો સવાલ ઉભો થતો નથી. આમ, રાજદ્રોહનો આક્ષેપ સહેલાઈથી મૂકી શકાય છે ખરો, પણ તે ભાગ્યે જ ટકી શકે છે. આમ છતાં, આખી પ્રક્રિયા દરમિયાન આરોપીની ખૂબ હેરાનગતિ થાય છે એ હકીકત છે. આરોપમાંથી કોઈ નિર્દોષ છૂટે તો પણ તેની સુનવણીની પ્રક્રિયા કોઈ સજાથી કમ નથી હોતી.

ન્યાયમૂર્તિ શાહની આ બાબત ઘણું બધું કહી જાય છે. રાજદ્રોહના આરોપ જે છૂટથી મૂકવામાં આવે છે એ જોતાં લાગે કે આરોપીને હેરાનપરેશાન કરીને વિરોધ કરવાની ખો ભૂલાવી દેવાનો આશય જ મુખ્ય હોય છે. સત્તાવાળાઓ કદાચ જાણતા હોય છે કે આરોપ ટકી શકવાનો નથી. પણ કોઈ એકલદોકલ વ્યક્તિ કે સંસ્થાની પાછળ સરકારનાં આખેઆખાં તંત્રોને છોડી મૂકવામાં આવે ત્યારે તેની શી હાલત થાય એ સમજવું મુશ્કેલ નથી. ‘એકને મારો, દસ હજારને ગભરાવી મૂકો’ના સિદ્ધાંતનો ઉપયોગ કેવળ ત્રાસવાદીઓ જ કરે છે એવું નથી. સરકાર પણ તે કરી શકે.

હવે સરકારો નાગરિકોનું એ હદનું ધ્રુવીકરણ કરતાં શીખી ગઈ છે કે સરકારવિરોધી ઉચ્ચારણ કરનારને આવા નાગરિકો જ ‘રાષ્ટ્રદ્રોહી’ ઘોષિત કરી દે. આ એક ખતરનાક લક્ષણ છે, જેનો ભોગ સરવાળે નાગરિકોએ જ બનવું પડતું હોય છે. હવે આ કાયદાને નાબૂદ કરવાની હિલચાલ શરૂ થઈ છે. આ કાયદો નાબૂદ થશે તો સત્તાધીશો કોઈ નવો કાયદો બનાવશે, જેનું નામ કંઈક બીજું હશે. કેમ કે, વિરોધ કોઈ પણ સત્તાધીશને ગમતો નથી.

સત્તાધીશો ભલે ન સમજે, નાગરિક તરીકે આપણે સમજવું જ રહ્યું કે પોતાનો માનીતો નેતા એ પક્ષ નથી, પક્ષ એ સરકાર નથી, સરકાર એ રાષ્ટ્ર નથી. સરકારનો વિરોધ એ રાષ્ટ્રનો વિરોધ નથી. અને રાષ્ટ્રનો વિરોધ એ રાષ્ટ્રદ્રોહ નથી, નથી ને નથી જ. 


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧ ૮-૩–૨૦૨૧ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

2 thoughts on “ફિર દેખો યારોં : સરકારનો વિરોધ રાષ્ટ્રનો વિરોધ નથી, અને રાષ્ટ્રનો દ્રોહ તો બિલકુલ નથી

 1. JNU ના 35/40 વર્ષ ની ઉમર ના કનૈયા કુમાર જેવા પરિપક્વ વિદ્યાર્થી હિન્દુસ્તાન મુર્દાબાદ અને પાકિસ્તાન ઝિંદાબાદ જેવા નારા લગાવે તેને તમે શું કહેશો ? અરૂંધતી રોય જેવા સન્નારી કાશ્મીર ને છૂટું પાડવા ની હિમાયત કરે , તેને તમે શું કહેશો ?

 2. સત્તાપલટો is a sign of healthy democracy . And it should be welcomed . પણ કોઈ પાર્ટી બીજી પાર્ટી ને નાબૂદ કરવાની વાત કરે તો પછી એ dictatorship (સરમુખત્યારશાહી) કહેવાય . That is like cutting the wings of democracy . BJP સિવાય કોઈ બીજી પાર્ટી ને ફેવર કરતા હોઈ તો કોઈ ગુનો નથી .

  Whatever progress we see today, એ બધો વિકાસ gradually થયો છે. કોઈ એક વ્યક્તિ ના કારણે રાતો રાત નથી થયો .

  આંબેડકર – ઇન્ડિયા નું બંધારણ is considered To be one of the best and absolute Constitution in the world dear . – written by ડૉક્ટર આંબેડકર
  સરદાર પટેલ – આખા દેશ માં ફરી ને દેશી રજવાડા ને ભારત માં જોડ્યા – it was an impossible task
  નહેરુ – ખેતી, શિક્ષણ, સંરક્ષણ ખાતા બનાવી ને ઇન્ડિયન ઈકોનોમી ઉભી કરી
  ઇન્દિરા – ખાલિસ્તાન માટે ના બાળવા ને સખત હાથે ડાબી દીધો, ગરીબી હટવા માટે, કન્યા કેળવણી, વસ્તી નિયંત્રણ માટે બધું જ કર્યું. હમ દો હમારે દો ને જનતા એ સ્વીકાર કરેલો જ છે. કોઈ પણ educated Indian familly માં એક કે બે થી વધારે બાળકો નથી હોતા.
  બાંગ્લાદેશ ને પાકિસ્તાન થી અલગ કરવા માં મિલિટરી સહાય કરી
  રાજીવ – ઇન્ડિયા માં ઘર ઘર માં Television લાવ્યા , Computer ની technology India માં લાવ્યા . એના ફળ સ્વરૂપે આજે આખા world માં ઇન્ડિયા ઇસ નંબર વન ઈન software engeeniring
  મનમોહન સિંઘ – He propose and made countless changes but he was not good at bragging like મોદી so his achievements went unnoticed

  આ બધા કોંગ્રેસ Leaders હતા / છે અને HINDU જ છે. હિન્દુત્વ નો ઠેકો કંઈ BJP નો જ નથી. ગાંધીજી પોતે વૈષ્ણવ વાણીયા હતા – ચુસ્ત હિન્દૂ.

  મોદી supporters ખોટા બણગા ફૂંકવા નું બંધ કરે તો સારું . સત્તાપલટો એ healthy લોકશાહી નું લક્ષણ છે. And it should be welcomed . પણ લોકશાહી ની પાંખો કાપવાની વાત ના કરાય. નહીતો આરબ દેશો માં અને ભારત માં કોઈ ફેર નહિ રહે.

  પણ માત્ર વ્યક્તિ પૂજા માં જ માનનારી આપડી મૂઢ પ્રજા ધર્મ થી આગળ કઈં વિચારી શકતી નથી .

Leave a Reply

Your email address will not be published.