બાળવાર્તાઓ : ૨૫ – દોસ્ત બનીને રહીએ

પુષ્પા અંતાણી

ભોલુ કબૂતર એના માળામાંથી બહાર આવ્યું. એણે આજુબાજુ ડોક ફેરવી, પણ કલ્લુ કાગડો ક્યાંય દેખાયો નહીં. ભોલુ કલ્લુને શોધવા માટે ઊડવા લાગ્યું. બે-ત્રણ ગોળ ગોળ ચક્કર માર્યા. ત્યાં એક ઘરના છજ્જાના ખૂણામાં ઉદાસ મોઢે બેઠેલા કલ્લુ પર એની નજર પડી. એ કલ્લુ પાસે ગયું. એણે કલ્લુને પૂછ્યું, “શું થયું છે? તું ઉદાસ કેમ છે?”

કલ્લુ કાગડાએ ઢીલા અવાજમાં જવાબ આપ્યો: “બીજુ શું હોય, એ જ પેલા બદમાશ બંટી કુરકુરિયાની રામાયણ! આજે મારી કાગડીની તબિયત સારી નથી એથી એ આરામ કરે છે ને ભૂખી છે. હું એના માટે ખાવાનું લેવા ઉકરડે ગયો. ત્યાંથી મને એક પૂરી મળી. પૂરી ચાંચમાં લઈ હું ઊડવા જતો હતો ત્યાં જ મેં બંટીને ઓચિંતો મારા તરફ ધસતો આવતો જોયો. હું ખૂબ ડરી ગયો, પૂરી મોઢામાંથી પડી ગઈ. હું ઝડપથી ઊડીને પાળી પર બેસી ગયો. જોયું તો બંટીએ એના પગથી પૂરીનો ભુક્કો કરી નાખ્યો અને ખુશ થતું ચાર પગે ઊલળવા લાગ્યું.પોતાને ખાવું નહોય તોય બીજાને ખાવા દેશે નહીં એવું બદમાશ છે બંટી કુરકુરિયું.”

કલ્લુની વાતમાં ટાપશી પૂરાવતાં ભોલુ બોલ્યું: “અરે કાલ શું થયું, ખબર છે તને? અમે બધાં કબૂતર પેલા ચબૂતરા પર ચણ ચણતાં હતાં. ત્યાં એકાએક કોણ જાણે ક્યાંથી બંટી છોનુંમાનું ટપકી પડ્યું, સાવ અમારી સામે. અમે બધાં તો એવાં ડરી ગયાં કે એકસાથે ઊડ્યાં. એમાં બે કબૂતર એકબીજા સાથે ભટકાયાં ને થોડે દૂર જઈને નીચે પડ્યાં. એ જોઈને બંટી, તું કહે છે એમ, કૂદકા મારતું નાચવા લાગ્યું. અમે ચણ્યા વગર ભૂખ્યાં જ ત્યાંથી ઊડી ગયાં.”

કલ્લુ કાગડો અને ભોલુ કબૂતર વાતો કરી રહ્યાં હતાં ત્યાં એમનું ધ્યાન વલી ચકલી પર પડ્યું. એ ક્યારામાંથી ખાવાનું ચણી રહી હતી. ભોલુ અને કલ્લુ ચકલીને બોલાવા જતાં હતાં એટલામાં બંટી કુરકુરિયું દોડતું આવ્યું. એ ઝાપટ મારીને ચકલીને ડરાવવા જતું હતું. ત્યાં જ ઉપરની અગાશીમાંથી કોઈએ પાણી ઢોળ્યું. પાણી બંટી પર પડ્યું. બંટી ગભરાઈને બાજુ પર ખસી ગયું ને વલી ચકલી બચી ગઈ. એ ડરીને અગાશીની પાળી પર બેઠી. ભોલુ અને કલ્લુ એની પાસે ગયાં. વલી હજી પણ ધ્રૂજતી હતી. ભોલુ અને કલ્લુને જોઈને ચકલીને સારું લાગ્યું. એ બોલી: “હું મારાં ભૂખ્યાં બચ્ચાં માટે ચણવા આવી હતી.” ભોલુ કબૂતર બોલ્યું: “સાચી વાત છે, પણ આ નાલાયક બંટી ક્યાં કંઈ સમજે જ છે? એ કોઈને સુખેથી જીવવા જ નથી દેતું.”

કલ્લુ બોલ્યો: “આનો કંઈક રસ્તો તો કાઢવો જ જોઈએ.” ભોલુ કહે: “કોણ રસ્તો કાઢે? બધાં એનાં કારસ્તાનથી ડરેલાં છે.” વલીમાં થોડી હિંમત આવી. એ બોલી: “એ જૂલી બિલાડીથી થોડું ડરે છે.” ભોલુ કહે: “જૂલીથી તો ડરે જ ને, એ કેવી તગડી છે.” કલ્લુને કંઈક યાદ આવ્યું. એ હસવા લાગ્યો, “અરે બંટીએ એક વાર જૂલીની પણ મસ્તી કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ જૂલીએ પંજો ઉગામી એને એવા નહોર ભરાવ્યા કે બંટી ચીસો પાડતું ક્યાંય ભાગી ગયું. ત્યારથી એ જૂલીથી દૂર જ રહે છે.”

કલ્લુની વાતને વચ્ચેથી કાપીને વલી બોલી: “પણ હમણાં-હમણાં જૂલી પણ બંટીથી લપાતીછુપાતી ફરે છે.”

ભોલુ અને કલ્લુ એકસાથે બોલી ઊઠ્યાં: “કેમ, કેમ?”

વલી કહે: “જૂલીને બે દિવસ પહેલાં જ બચ્ચાં આવ્યાં છે. ત્રણ બચ્ચાં છે. હજી તો એમણે આંખો પણ નથી ખોલી. કહે છે કે જૂલી પોતાનાં બચ્ચાંનું રક્ષણ કરવા સાત ઘર બદલાવશે અને બચ્ચાંને ફેરવતી રહેશે. જેથી બંટી કે જૂલીનાં બીજાં દુશ્મોનોને ખબર જ ન પડે કે બચ્ચાં ક્યાં છે.”

 આમ ત્રણે બંટી વિશે બળાપો કાઢી રહ્યાં હતાં ત્યાં જ અચાનક હવામાન બદલાયું. ગાજવીજ સાથે જોરદાર વરસાદ તૂટી પડ્યો. વરસાદનું જોર એટલું હતું કે થોડી વારમાં ચારે બાજુ પાણી ભરાવા લાગ્યું. જોતજોતામાં જળબંબાકાર જેવું થઈ ગયું. ત્યાં રહેતાં બધાં પ્રાણીઓ અને પંખીઓ ગભરાઈ ગયાં અને ક્યાં જવું એની ચિંતામાં પડ્યાં.

ત્યાં જ રહેતો વિજુ વાંદરો બહુ ભલો હતો. એણે બધાં પંખીઓને પોતાના ઘેઘૂર વડલામાં યોગ્ય જગ્યાએ ગોઠવી દીધાં. ખિસકોલી, ઉંદર જેવાં પ્રાણીઓ પણ વડ પર ચઢી ગયાં. પાણીથી બચવા બંટી કુરકુરિયું પણ વડ પાસે આવ્યું, પણ એ ચઢી શક્યું નહીં. પાણીનું જોર વધવા લાગ્યું. બંટી કૂદીને બાજુના ઘરના ગેટ પર ચઢી ગયું. ચારે બાજુ પૂર જેવું વાતાવરણ થઈ ગયું હતું. ઘરમાં રહેતા લોકો પણ ઉપલા માળે ચઢી ગયાં. પાણી ગેટ સુધી ચઢે તે પહેલાં બંટી ઊંચી પાળી પર ચઢી ગયું.

વડ પર એકઠાં થયેલાં બધાંની નજર બંટી પર પડી. હવે જો જરા પણ પાણી વધશે તો બંટી ડૂબી જશે. કોઈ બોલ્યું: “ભલે ડૂબી જતું, એ છે જ એ લાગનું!” પણ વલી ચકલીને દયા આવી, “ના, ના, એમ તો એ મરી જશે.” ભોલુ કબૂતર કહે: “સાચી વાત છે, એ છે તો આપણામાંનું જને, આપણું સાથીદાર.” બધાંને વાત સાચી લાગી. બધાંએ વિજુ વાંદરાને કહ્યું: “તમે કંઈક કરો, બંટીને બચાવી લો.”

વિજુ શું કરી શકાય એ વિચારી રહ્યો હતો. પાણી તો વધતું જ જતું હતું. બંટી પણ ઊંચે જોઈ, જાણે કાકલૂદી કરતું હતું. મોઢું દયામણું અને આંખોમાં ડર. બધાંએ બૂમાબૂમ કરી નાખી; “વિજુભાઈ, જલદી કંઈક કરો, બંટીને બચાવી લો…!” વિજુએ એક ઝાટકા સાથે વડની લાંબામાં લાંબી વડવાઈ તોડી. એનો એક છેડો પોતે મજબૂત રીતે પકડ્યો, બીજો છેડો બંટી તરફ ફેંક્યો અને કહ્યું: “બં…ટી, તું આને પકડી લે અને તારા શરીર પર વીંટાળી લે.”

બંટી કુરકુરિયાએ વિજુએ કહ્યું એ પ્રમાણે કર્યું. વિજુએ ધીરેધીરે એને ઉપર ખેંચી લીધું. પાણીમાં ખૂબ પલળ્યું હોવાથી એ ધ્રૂજતું હતું. એણે જોયું કે એ જેમને હેરાન કરતું હતું એમણે જ એની જાન બચાવી હતી. એ શરમથી નીચું જોઈ ગયું. બધાં એની આસપાસ હતાં, પણ કોઈ એની સાથે બોલતું નહોતું.

બંટી એના આગળના બે પગથી મોઢું ઢાંકીને મોટેથી રડી પડ્યું. બધાંને આજીજી કરતું બોલ્યું: “મને માફ કરી દો. મેં તમને બધાંને ખૂબ રંજાડ્યાં છે, છતાં તમે મને બચાવ્યું છે. તમે મારી આંખ ઉઘાડી છે. હવેથી હું કોઈને જરા પણ હેરાન કરીશ નહીં. આજથી હું જ તમારા બધાંની ચોકી કરીશ.”

બંટીની વાત સાંભળીને બધાં ખુશ થઈ ગયાં. થોડી વાર પછી વરસાદ પણ બંધ થઈ ગયો. ધીરેધીરે પાણી ઓસરવા લાગ્યું. બધાં પોતપોતાના સ્થાને પહોંચી ગયાં. એ દિવસથી બંટી બધાંનો દોસ્ત બની ગયો.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.