શ્વાસમાં વાગે શંખ : જીવતરના ભળભાંખળાંની ઉદઘોષણા

દર્શના ધોળકિયા

અખંડ એક ધાર અજબ કો વહી રહી,
ખૂલી ખુદાઈ ત્યાં જુદાઈ કો નહીં રહી !

ભીંજાય સકળ ખલક ત્યાં ન ઝલક કો જુદી,
કરોડ આંખ નૂર તો એક જ ગ્રહી રહી !

અનંતમાં ઝગી રહ્યા અગણિત તારલા,
ન આંખ તેની કો કથા જુદી કહી રહી !

ન સૂર્ય જ્યોતિ જેવું કે ન ચંદ્રિકા સમું,
બતાવી નૂર એવું ખલક સૌ ચહી રહી !

રસે રસાય જ્યાં બધું જ સમરસે શમી,
ન આભ, અવનિ કેરી ભિન્નતા તહીં રહી !

ન દિવસ, રાત, કાળ, સ્થાન, રંગ, રૂપ કો,
અખંડ એકતાર લહર એ મહીં રહી !

ધગે ન ધોમ કે ન ભોમ શીતથી ધ્રૂજે,
તૂટેલ તારને જ એ થીજી દહી રહી

અનંત વિશ્વમાં સમાય દેવજ્યોતિ એ,
દશે દિશાથી સ્નેહધોધ શી સહી રહી !

ડૂબ્યાં પ્રપૂર્ણ એ રસે, તર્યાં જ એ બધાં,
અચૂક અમર બુટ્ટી એવી છે જહીં રહી !

ઉતારી દેહ પર જુઓ બધું જ બ્રહ્મ આ !
અદલ જુદાઈ ત્યાં પછી કોની કહીં રહી !

અરદેશર ફરામજી ખબરદાર

ઈ.સ. ૧૮૮૮માં દમણ મુકામે જન્મેલા કવિ ખબરદારે માધ્યમિક શિક્ષણ મુંબઈમાં મેળવ્યું. વ્યવસાયે તેઓ વેપારી પણ એમનો જીવ કવિનો જ બની રહ્યો. ગુજરાતી સાહિત્યમાં એમનું મુખ્ય અર્પણ કવિતાક્ષેત્રે જ રહ્યું. એમનો કાવ્યાદર્શ દલપતરામથી પ્રેરાયેલો હતો. કવિતાક્ષેત્રે તેમણે ખંડકાવ્યો, રાસગરબા, ભજનો, સૉનેટો જેવા વિભિન્ન પ્રકારો ખેડ્યા. કટાક્ષકાવ્યો પણ તેમણે આપ્યાં ને ગુજરાતને દેશનું સૌપ્રથમ મહિમાગાન કરવાનો યશ પણ તેમની કવિતાઈ મેળવ્યો. ઉતરાર્ધની કવિતાઓમાં સાક્ષાત્કારની ઝંખના ને ચૈતન્યતત્વની પરખ થયાનો આનંદ પણ ગવાયો. પ્રસ્તુત ગઝલ તેની સાક્ષી પૂરે છે.

જ્યાં જ્યાં નજર ઠરે છે ત્યાં ત્યાં પ્રભુને પેખતા-દેખતા કલાપીની જેમ ખબરદારના જીવનમાં પણ જાણે ભળભાંખળું થયું છે ને કવિ સમક્ષ ખુદા ઉદઘાટિત થયો છે. જીવતરના પ્રવાહમાં વહેતાં-વહેતાં છેવટે જે હાથ લાગવું જોઈએ તે કવિને લાગ્યું છે એ કવિ એક અનેરા પ્રસાદથી, પ્રસન્નતાથી સંતૃપ્ત થઈ ગયા છે.

‘અખંડ એક ધાર અજબ કો વહી રહી’

સમગ્ર જગત જાણે એકાકાર થઈ ગયું. જુઓ-જુઓ, સૂર્યોદય થયો ને તેનો પ્રકાશ ચારેકોર ફેલાઈ ગયો. ખુદાનું નૂર ઊઘડ્યું ને એ દિવ્ય જ્યોતિએ સઘળું કંઈ અભિન્ન છે તેનું ભાન કરાવી દીધું. મધ્યકાલીન સંતોને જેમ કવિ ખબરદારની નિદ્રાય પૂરી થઈ ને જાગતાંવેંત  જે દેખાયું તે જગતનું ખુદા સાથેનું અદ્વૈત ! સારુંય જગત આ નૂરથી ભીંજાઈ રહ્યું ને એમાંનો એકેય ચહેરો ઈશ્વરથી જુદો ન રહ્યો. કરોડો આંખોમાં જે પ્રકાશ વરતાયો  તે એનો જ હતો. ચારેય બાજુથી જાણે પ્રભુ જ કવિને આલિંગી રહ્યો. કરોડો નજર કવિને નિહાળતી રહી પ્રભુ થઈને, કવિનેય પ્રભુ બનાવીને.

પ્રભુનાં આવાં વ્યાપક દર્શનથી કવિની આંખ અંજાતી નથી, બલકે એ જ્યોત જાણે કવિની અંદર ઊતરીને કવિના સમગ્ર અસ્તિત્વને તેજોમય બનાવે છે ઝળાંહળાં કરી દે છે. એટલે પછી એ આંખ જ્યાં-જ્યાં મંડાય છે ત્યાં-ત્યાં પ્રભુનું અનામ રૂપ પ્રગટતું જાય છે. આકાશમાં ઝગી રહેલા તારકોની આંખ સાથે કવિની આંખ મળે છે ને બંને વચ્ચે તારામૈત્રક રચાય છે ત્યારે પણ કવિને લાગે છે કે અમારે બંનેને કંઈ જુદું કહેવાનું નથી. તારાનો જે દિવ્ય પ્રકાશ છે તે કવિને પણ લાધી ગયો છે. આ પ્રકાશને કોઈ નામ આપીને કવિ સીમિત કરવા માગતા નથી. એટલે જ એને સૂર્ય કે ચંદ્રપ્રકાશ સાથે ન સરખાવીને ‘અનામી’ નૂર કહીને કવિ એ નૂરની નિઃસીમતાની અદબ જાળવે છે. જ્યાં બધું જ એકરૂપ બનીને આ પ્રકાશમાં તાકી રહ્યું હોય ત્યાં કેવી અવનિ ને કેવું આભ !

આ અનંત દર્શનમાં દિવસ-રાત, કાળ, સ્થાન, રૂપ, સૌ કંઈ ડૂબી ગયું ને આ પ્રકાશ એ સર્વ પર રેલાઈને માત્ર જ્યોતરૂપે ઝળહળી રહ્યો. તમામ દ્વિધાઓ, અવસ્થાઓ લુપ્ત થઈ ગઈ. આકાશની તપ્તતા ને પૃથ્વીની શીતળતા શાંત થઈ ગયાં. અત્યાર સુધી વિખરાઈ ગયેલું સઘળું કંઈ એકરૂપ, અખંડ બની ગયું. સમગ્ર વિશ્વને બાથમાં લેતી આ દિવ્ય જ્યોતિ દશે દિશાઓથી  જાણે સ્નેહધોધ બનીને કવિ પર વરસી પડી.

ચોતરફ પ્રકાશથી ઘેરાયેલા કવિને આ દિવ્યદર્શનની ફલશ્રુતિ શી મળી? કવિ કાન્તને સાગરકિનારે  ચંદ્રદર્શન કર્યા પછી જેવી મળી હતી તેવી જ. કાન્તે ગાયું : ‘પિતા ! કાલના સર્વ સંતાપ શામે’ સમયે દીધેલા તમામ ઘા, સઘળાં દર્દો ભુલાઈ ગયાં, વિસરાઈ ગયાં, એમ નહીં પણ શાંત થયાં, રૂઝાઈએ  ગયાં, બલકે થયાં જ નહોતાં એવી પ્રતીતિ પામી શકાઈ.

દ્વંદ્વોનું આ પ્રકારનું નિર્મૂલન થયા પછી, આ મહાસમાધિમાં લીન થયા પછી એમાંથી બહાર આવવું તો મુશ્કેલ જ, બલકે અશક્ય, પણ કુશળ તારુ મહા સમુદ્રમાં તરતાં-તરતાં અંદર ચાલ્યો જઈને પાછો એનોઇ આનંદ માણતાં જરાક બહાર ડોકિયું કરે એમ અંદરના આ આનંદધોધને કિનારે ઊભેલાઓ માટે પ્રસાદરૂપે અંજલિમાં ભરીને કવિએ પણ બહાર ડોકિયું કર્યું ને પોતાને પ્રાપ્ત થયેલા અનુભવનો મહિમા કરતાં એને યત્કિચિંત સમજાવવાનો પ્રયત્ન કરતાં એક જ પંક્તિમાં પોતાના આનંદને વહાવીને જીવતરના રહસ્યની ચાવી આપી દીધી !

‘ડૂબ્યાં પ્રપૂર્ણ એ રણે તર્યાં જ તે બધાં,
અચૂક અમર બુટ્ટી એવી છે જહીં રહી.’

પ્રકાશ આ જગતમાં પડેલો વિરોધ તો જુઓ ! આ રસમાં જે ડૂબ્યા તે હકીકતમાં તર્યાં ! ને તમે જેને તરેલા માનો છો એ આ રસના સ્વાદના અભાવે હકીકતમાં ડૂબ્યા ! અહીં તો ડૂબી જવામાં જ તરવાની તૃપ્તિ. આ પ્રકાશનું દર્શન જ તો છે અમર જડીબુટ્ટી. મરતાને જીવનું દાન આપી શકવા સમર્થ એવી શામક જડીબુટ્ટી !  

હા, અહીં ખબરદારને અ દર્શન થયું કઈ શક્તિથી ? કવિ એનો માર્મિક ઉપાય સૂચવે છે :

‘ઉતારી દેહ પટ જુઓ બધું જ બ્રહ્મ આ !
અદલ ખુદાઈ ત્યાં પછી કોની કહીં રહી !’

શરીરરૂપી વસ્ત્રના આવરણને જરા દૂર તો કરી જુઓ ! પછી જ દેખાશે આ વિશ્વજ્યોત ! પ્રભુ પાસે જવાનો એક જ ઉપાય – નિરાવરણ થવાનો. ભાગવતમાં કૃષ્ણે ગોપીઓનાં કરેલાં ચીરહરણનું આ જ તો રહસ્ય છે. જે પ્રભુને મિત્ર માને તેણે પછી પ્રભુ પાસે આવરણ ઉતાર્યે જ છૂટકો. કેવાં-કેવાં આવરણો લઈને લોક પ્રભુ પાસે પ્રકાશની અપેક્ષા લઈને બેઠું છે ! કીર્તિનાં, ધનનાં, મદનાં, ઈર્ષાનાં –  પછી પરિણામ શું આવે ? ધીરો કહે છે તેવું :

તરણા ઓથે ડુંગર ને ડુંગર કોઈ દેખે નહીં  

પ્રભુ સામે જ પથરાયેલો પડ્યો છે. પણ ધૂળ જેવી બાબતોમાં વિખેરાઈ ગયેલો મનુષ્ય તેને દેખી શકતો નથી. આ એનું કમભાગ્ય ધોવું કેમ ? ઊજળું કેમ કરવું ? નિરાવરણ થઈને. નિર્મળ થવાની એ જ તો એક દિશા. એ થઈ જુઓ. પછી સઘળું બ્રહ્મ જ બ્રહ્મ.

ખબરદારની આ પ્રતીતિ એટલું તો ચોક્કસ સૂચવે છે કે અખિલ બ્રહ્માંડમાં ફેલાયેલી આ દિવ્યજ્યોતિનું દર્શન એ કોઈનો ઇજારો નથી. નિરાવરણ થનાર સૌને એ નિમંત્રેછે. કવિને પોતાને જીવનાન્તે જે દર્શન લાધ્યું છે તે અન્ય એક કાવ્યમાં ગાતાં કવિ કહે છે :

‘વાટ આ ઘડાશે જીવન આખરે
તેની થઈ પ્રથમથી રૂપરેખા,
જીવન પૂરું ઘડાઈ રહે ને પછી
દે તહીં જીવન નિજ પૂર્ણ દેખા.’

પ્રસ્તુત કાવ્ય કવિને જીવનનું પૂર્ણ દર્શન થયાની સાક્ષી પૂરે છે. જીવનની સૂક્ષ્માતિસૂક્ષ્મ અનુભૂતિને કાવ્યાત્મક ક્ષમતાથી ને છંદોવિધાનની શરૂઆતથી ઉપસાવવામાં ખબરદારને અહીં મળેલી સફળતા તેમને સાચા કવિની સાથે સક્ષમ અધ્યાત્મયાત્રી પણ ઠેરેવે છે.  

* * * * *

ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ
• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧
•ઇ-પત્રવ્યવહારનું સરનામું: dr_dholakia@rediffmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.