મારું વાર્તાઘર : છેલ્લી બાતમી

રજનીકુમાર પંડ્યા

વીજળીના ઝાગઝગા દીવા તો અત્યારે છે. એ વખતે ક્યાં એવી બાદશાહી હતી ? કાકાને ઘેર રાતે બેસવા જતી વખતે બાપા મારા હાથમાં ફાનસ પકડાવતા. ના રે, ટૉર્ચ-બોર્ચ તો કબાટમાં  રાખીને,બતાડી બતાડીને પાડોશીને બાળવાની ચીજ. એટલે એની જરૂર ક્યારે પડે ? ક્યાંક ક્યારેક સરપ-બરપ નીકળે, ને ક્યાંક અગોચરમાં પેસી ગયો હોય ત્યારે કાચના કબાટમાંથી એને બહાર કાઢવાની. મહીં બે મસાલાની ગંડેરી (બેટરી સેલ) નાખવાની, ને શેરડો એ અગોચરમાં ફેંકવાનો. ફાધર કહેતા કે ફાનસ લાઈટ ફેલાવે, એનું અગોચરમાં કામ નહીં. ઊલટાની એનાથી ઘાસફૂસમાં ભડકો થવાની બીક. મતલબ, બેટરી છેટે લગી શેરડો ફેંકવા કામમાં આવે. ને આપણે ક્યાં રોજ છેટે લગી શેરડા ફેંકફેંક કરવાના હોય? ક્યારેક જીવજંતુ જનાવરનો સંશય હોય ત્યારે શેરડા ફેંકવા બેટરી ખપે. બાકી ફાનસના અજવાળે જ રાત નીકળે. પાછલી રાતે તો વળી એની વાટ ધીમી કરી કાઢવાની. ઘાસલેટની બચત થાય.

જો કે, હાલ એ બધું યાદ કરવાથી કોઈ મતલબ નથી. મેં તો ફાનસને જોયાનેય જુગ થયો.

‘કેમ, સાચી વાત ને | તું ભલે એક જમાનામાં ફાનસને અજવાળે વાંચતી હોઈશ, પણ અત્યારે સાઠ વર્ષે એને અડવાનીય મરજી થાય ? સાચું કહેજે તો |’

ડોશી હવે મને હસબન્ડ નથી માનતી. ફ્રેન્ડશિપ જેવા રિલેશન છે એટલે વાત બી એ બરની કરે. બોલી : ‘તમે બી ખરા છો. વાંદરા જેવું છે. એક વાતે ચડી ગયા એટલે ચડી ગયા. સડેડાટ. છેક મૂળ લગી વયા જાવ છો. અત્યારે ભલું તમને ફાનસ-બાનસ ને એવું સાંભર્યું ! મેલો ને પૂળો એનો | મિનેષનાં લગ્નમાં કોને કોને બોલાવવા છે એનું લિસ્ટ કરો. દેવદિવાળી ઢૂંકડી આવી. ઝાઝા દિ’ નથી આડા. કરવાનાં કામ પે’લા કરો.’

‘આ લે લે.’ મેં કહ્યું :‘આ પ્રસંગની વાત સુ જ જૂના દિવસોની વાત તાજી થઈ. અમારા નવા ઘરનું વાસ્તું હતું, ને હું તને જોવા આવેલો ને ત્યારે તું મૅટ્રિકનું વાંચતી હતી, કરેક્ટ ?’ મેં કહ્યું : ‘ને એ વખતે પાડોશનાં બે-ચાર છોકરા-છોકરિયું તમે સૌ એક જ ફાનસના અજવાળે વાંચતાં. બોલ, આય કરેક્ટ?’

એ જવાબ ન આપે ત્યારે એને હું યસના ખાનામાં ખતવું છું. એ દિવસે એને જોવા ગયા પછી વાડાના એકાંતમાં મારી બે વાંભ પહોળી કરીને મેં એને ઊભી રાખીને પૂછેલું. ’હું તમને ગમ્યો ?’ એણે જવાબ નહોતો આપ્યો.એટલે મેં એને એ વખતે બી યસના ખાનામાં ખતવેલ. મારા ફાધર મને કાયમ કહેતા કે ગરાગ જો પડીકું વળતું હોય ત્યાં લગી ના ન ઓચરે તો આપણે ઝડપ કરવી. પડીકું એની ઝોળીમાં નાખી જ દેવું. ફાધર કહેતા કે સોમાંથી નવ્વાણું ઘરાકને ઝોળીમાંથી પડીકું કાઢીને પાછું આપવામાં પોતે નાનીમાના થૈ ગ્યા હોય તેવું લાગે છે. અહમ કોને ક્યે ? સંસ્કૃતમાંય મૌનને મરજીનું મહારૂપ બતાવેલું છે. અને એ મહારૂપ મોટી મોટી આડચને હટાવીને એક પા મેલી દે છે. સામેનામાં તેવડ જોઈએ.

‘ગઈ તિથિ તો જોશીય વાંચતો નથી. આપણે આજની માંડોની.’ એ બોલી અને પછી કાંખઘોડીને ટેકે ટેકે બાલ્કનીમાં જઈને બેઠી. કોણ જાણે કેમ, મને દરિયો જોઈને એના એકોએક મોજેમોજે દાઝ ચડે છે, ને આવડી આ મોજાંનો હિસાબ રાખવાનો હોય એમ ટીકી ટીકીને જોયા કરે છે ! સારું છે કે રાતે દીવાદાંડી શેરડા ફેંકે છે એ દેખાય છે,બાકી દરિયો બાલ્કનીમાંથી દેખાતો નથી. નહીં તો મારે સંસારવે’વારનાય ફાંફાં પડી જાત.

‘ઠીક છે.’ મેં રવજીને કહ્યું :‘અલ્યા, લિસ્ટ લઈ આવ. ડાયરીમાંથી ઉતારેલ છે. એટલે મારે તો એટલું જ જોવાનું કે એમાંથી કોને કોને ખેડવવાના છે.’

‘આમાં ખેડવવાની વાત વળી ક્યાંથી આવી?’

‘તું મૂંગી રે’.’ મેં જરી ગરમી બતાવી: ‘ડાયરી નિર્જીવ વસ્તુ છે. એમાં તો આપણા ટેલિફોનના લાઈનમેનનું બી નામ હોય. તો શું આપણે એને બી નોંતરવાનો ? લિસ્ટમાંથી એને ખેડવવો જરૂરી કે ની?’

હું લિસ્ટ જોતો હતો, અને એ દરિયા સામે જોવા માંડી. એને પાછું એમ બેઠાં બેઠાં કાંઈક ને કાંઈક ગણગણવાની બી ટેવ. આભમાં ઊગે છે નવલખ તારલા, અગણિત સિંધુ તરંગ, શાને રે લાગે છે તોય એકલું | આવું કાંઈક તો એ સમજો ને કે રોજ ગણગણતી હશે. કોલેજમાં ભણેલાં ગીત માણસ ભૂલતું નથી. કાંઈ વાંધો નથી. નુકસાનકારક નથી. નિર્દોષ છે. મને એનો બાધ નથી.

‘આ લવજી લખમશીને લખવું જરૂરી છે?’

‘કાઢી નાખો.’

મેં ચેકો માર્યો. આમ કામ પતવાં જોઈએ. અચાનક જ ભૂરા છગન પર આંગળી ખોડંગાઈ. ભૂરો છગન, ભૂરો છગન, ભૂરો છગન. એક જમાનામાં હતો ત્યારે હિમાલયને તોળનારો હતો, હવે કીડી હેઠેય ચગદાઈ મરે એવો. એનું શું કામ છે ? નકામો ઈર્ષા કરે. બે વેણ વાંકાં બોલે, પૈસો ઊગ્યો છ બાકી | બોલે જ નહિં, પણ બોલે તો બોલે એવું કે આપણને એના હાથમાંથી ડિશેય પાછી ઝંટી લેવાનું મન થાય. એના કરતાં ન બોલાવવો સારો. દેખવુંય નહીં, ને દાઝવુંય નહીં. ખેડવો એને. ખેડવ્યો.

‘તમારા હાથમાં તે ઈન્ડિપેન છે કે છરી? બસ, કાપ્યા જ કરો છો ?’

‘દરિયા ભણીથી મોઢું ફેરવીને ભલું તને આણીપા જોવાનો ટાઈમ મલ્યો?’

‘તમે કેટલાકને ખેડવો છો એ જોઈ રહી છું.’

‘લે.’ મેં એકદમ લલિત રામદાસ ચંદેલના નામ પર ચેકો માર્યો : ‘લે, આ આનેય કાપ્યો, હવે કહેવું છ’ કાંઈ ?’

‘કોણ હડફેટે ચડ્યો વળી?’

‘આ તારી સાથે ફાનસને અજવાળે વાંચતો એ લલ્તો…’

દરિયા ભણી મોઢું ફેરવી ગઈ એ. કાંઈ બોલી જ નહીં. બોલી તો એટલું બોલી: ‘દૂર દૂરથી એક મછવો આવતો ભાળું છું.’

‘બોલ,આ લલ્તાના નામ પર મૂકું ને ચેકો!’ મેં કહ્યું :‘ને અમસ્તોય એ ક્યાં દરિયાપારથી આવવા નવરો છે?’

 ***

હું જાણું છું, પણ બોલું નહીં. એક જમાનામાં મને બાતમી મલી હતી કે આ લલ્તો આની પાછળ પડ્યો હતો.ફાનસના અજવાળે આને એક વાર વાંચતાં વાંચતાં ઝોકું આવી ગયું. પડત સીધી ફાનસ ઉપર! લલિતિયાએ ટાઈમસર એને બાવડું પકડીને બેઠી ના કરી હોત તો ગળાનો દુપટ્ટો સળગત. બસ આમાં આ વળી, જરા એના ભણી ઢળી ગઈ. બીજું તો શું હોય એ ઉંમરમાં?

મેં એ બાતમીના આધરે જ પરણ્યાની પહેલી રાતે પૂછ્યું હતું : ‘બીજું કંઈ થયેલું !’

‘બીજું કાંઇ એટલે ?’

આ સામા સવાલના આધારે જ મેં એના ટકા વધારે મૂકેલા. સીધો હિસાબ છે. જો આડુંઅવળું એ લોક કાંઈકેય કરી બેઠાં હોય તો એ ‘બીજું એટલે ?’ એમ પૂછે નહીં. આપણને બી ગરમી ચડી હતી. બધા જ સવાલ શરીરની એ રાતની ચડેલી ભરતીમાં રફેદફે થઈ ગયા. થઈ જવા દીધા. આપણને મમ મમથી કામ છે. ટપ ટપથી નહીં.

પછી તો હું એ બધું યાદ કરવામાં ના માનું, કારણ કે સાંભળવા મુજબ લલિત રામદાસ ચંદેલ એડન ચાલ્યો ગયેલો. કંપની સ્થાપેલી હશે. મારે ને એને કોઈ સીધી પીછાણ થોડી હતી? આ તો એક વાર દિવાળી કાર્ડ આવેલું એમાંથી સરનામું ઉતારી લીધેલું. સંઘર્યો સાપેય કામમાં આવતો હોય તો સંઘર્યા સરનામાં કેમ કામ ના આવે ? એટલે. આજે આ લિસ્ટમાં એના નામ પર ચોકડી મારી. બાકી ડાયરીમાંથી એને કમી ના કરું. સંઘર્યા સરનામાં તો ક્યારેક કુબેરના ખજાનાની બાતમી આપવાવાળાં નીકળે.

પણ પહેલો છોકરો મારે ત્યાં જન્મ્યો. નામ પાડવા માટે મેં મારી સિસ્ટરને સિદ્ધપુરથી બોલાવી હતી. તે એણે ઓળીઝોળી વખતે મારું કીધેલ નામ ના પાડ્યું, ને પાડ્યું લલિત ! તરત જ મને ભટાકો લાગ્યો ! રાશીમેળ વગરનું આ નામ વળી ક્યાંથી ટપકી પડ્યું ?

પણ પછી મને બાતમી મારી નોકરાણી મારફત મળી તે આ. મારી બહેન તો બિચારી અલ્લાઈ ગાવડી. એના મનમાં નામ હતું રાશિ પ્રમાણે મિનેષ, પણ એની ભાભીએ જ એનું બ્રેઈનવૉશ કીધું: ‘નણંદબા, મને લલિત નામ બહુ ગમે. એ જ રાખોની ફાઈનલ ! છોકરો મારો એટલે મને વારંવાર લેવું ગમે એવું નામ પાડો. પાડો લલિત.’

અચ્છા ! અચ્છા ! અચ્છા ! તો મામલો આમ છે. નામ તો પાડતાં પડી ગયું. પણ મારા બાબલાને મારે કયા નામે બોલાવવો એ મારી મુનસફીનીવાત છે. હું એને મિનેષ જ કહેવાનો.

બહેને સિદ્ધપુરની વાટ પકડી કે તરત  મેં આને ઘઘલાવી હતી : ‘મતલબ, તારા મનમાંથી હજુ એનું નામ ભૂંસાણું નથી,એમ ?

‘કેનું?’

ઓકે, ઓકે. એનાથી સહજ બોલતાં બોલાઈ ગયું છે. બાકી પેલો ફાનસના મામલાવાળો લલિત એને હવે યાદ બી નથી નહીં. તો ‘કેનું?’ એમ ના પૂછે, છતાં ક્રૉસ તો મેં કર્યો જ : ‘લલ્તો યાદ આવે કે?’

સંજોગની ડિમાન્ડ હતી કે એણે યાદ આવતો  હોય તો ના ભણવી, પણ આના મગજનું વાયરિંગ જરા ફોલ્ટવાળું છે. જવાબ દીધો : ‘હા ને, યાદ કેમ ના આવે ?’

‘એમ?’ મેં પૂછ્યું :‘શું યાદ આવે ?’

આજ લગ્નજીવનનાં દસ વર્ષે એણે થોડીક વધુ બાતમી રિલીઝ કરી :’હવે તમને કહેવામાં વાંધો નથી.’ એણે ઊંધા સૂતેલા બાબલાની પીઠ પર હથેળી પસવારી: ‘પણ ફાનસવાળા મામલા પછી હું એની ભૂરકીમાં આવી ગયેલી. અમે રોજ મળતાં, પણ નિર્દોસ ભાવે હોં !’

‘ને તું આજ મને કે’ છો ?’

‘મને મારી મા કે’તી તી કે એકાદ બાબો પેટ પડી જાય પછી ધણી જરી આપણને સમજી શકે એવો બની જાય છે.’

ઘા ખાઈ ગયો હું. એક જગ્યાએથી ઉઘરાણી પતાવવાની જલદી ના હોત તો વધુ પડપૂછ  કરત. રાતે પડખું ફરીને સૂઈ ગયેલો. ઊંઘ બહુ આવતી હતી. સવારે સાઉથ ઈન્ડિયા ખરીદ માટે નીકળવાનું. આમાં બને છે શું કે મન આપોઆપ સમાધાનને માર્ગે જ આગળ વધે. હશે જુવાનીમાં જો નિર્દોસભાવે મળતાં હોય તો એનું શું છે હવે ? માન્યું કે છોકરાઓના મનમાં પાપ હોય છે. પણ છોકરીઓની જાત સાવધ રહેતી હોય છે. એમાંય આ તો ભારે મરજાદી. માટે એવું ના હોય | એવું ના જ હોય | એવા તો કંઈક લલ્તા આંટા મારે. ગજ ના વાગ્યો હોય કદાપિ.

એક વાર એની સગ્ગી બહેન, એનાથી નાની સવા વરસ, પણ એનો જ બીજો નમૂનો જોઈ લો, મને કહે : ‘જીજાજી, ક્યાંક અમને સૌને ફરવા લઈ જાઓ ને !’

જોગાનજોગ, મારે ઘઉંના નમૂના જોવા ભાલ ભણી જવાનું હતું. નળ સરોવર અનુકૂળ પડે. મિનેષના જન્મ વખતે એ સાળી ધનબાદથી આવવાની હતી, પણ આવી ન શકેલી. તે આજે મિનેષ બાર વરસનો થયો ત્યારે મેળ ખાધો. મેં પૂછ્યું :‘નળ સરોવર જવું છે ? બોલ, કાલ નીકળીએ.’

‘નળ સરોવર મેં તો જોયું નથી, મારી બહેન જઈ આવી છે.’ એ બોલી :‘બહુ વખાણ કરતી હતી.’

સાળીને જોઈને હું જરી રોમેન્ટિક થવા ગયો. કહ્યું : ‘તું ય અહીંથી ગયા પછી વખાણ કરતાં થાકીશ નહી.’ મેં મૂંડેલી મૂછ પર હાથ દીધો :’કોની કંપનીમાં જાય છે એ તો વિચાર.’

‘રાઈટ.’ એ બટકબોલી બોલી :‘કંપની વગર આવા સ્થળે જવાની મજા જ ના આવે. દીદી પણ સરસ મનગમતી કંપનીમાં ગઈ હતી !’

‘કોની કંપનીમાં?’ મેં ચમકીને પૂછ્યું :‘મને તો કોઈ દી’ વાત જ નથી કરતી તારી બહેન!’

સાળીના હોઠ ફરક્યા, બોલવા ગઈ, પણ ત્યાં મારી બૈરીએ અંતરાસ ખાધી. બહેન સામે કંઈક આંખ ચમકાવી એ તો આપણે તરત જોયું, પણ હું કાંઈ બાબલો થોડો છું ?’ સીઆઈડીમાં હોત તો ઘઉં-બાજરો તોળતો ના હોત. ઇસી મિનિટે પૂછ્યું : ‘કોણ ? લલિત સાથે હતો ?’

‘ખરો, ખરો, પણ ફેમિલી સાથે.’ સાળી બોલી :‘હોય એ તો !’

‘હોય એ તો!’ એમ એણે શું કામે બોલવું પડ્યું? હું કાંઈ ના સમજી શકું?

રાતે મેં મિનેષના સૂઈ ગયા પછી એને પૂછ્યું તો બોલી: ‘તમે શંકા-કુશંકા ના કરો તો સાચું કહું? હું અને લલિત સાથે જ નળ સરોવર ગયેલાં, પણ તમારા ગળાના સોગંદ !’ એણે મંગળસૂત્ર હાથમાં લઈને ગળે હાથ દીધા : ‘સાવ નિર્દોસ ભાવે હોં ! એકબીજાના પ્રેમમાં હતાં એની હું ક્યા ના પાડું છું ? પણ કળજુગ આમ નખ જેટલોય નહીં ?’

‘ખા મારા ગળાના સમ !’

‘તમારા ગળાના સમ વળી !’ બિચારી બોલી : ‘અરે એ લ….’ એને ઠેસ આવી હોય એમ સુધાર્યું: ‘મિનેસિયાથી તો વધુ મને કોઈ વહાલું નથી ને ! લો, એનાય સમ !’

મા કદી છોકરાના સમ ખોટા ના ખાય. માનું છું, માનું છું. હશે. બીત ગઈ સો બીત ગઈ. એકલી સાથે ફરવા ગઈ એ હરામખોર સાથે એ ખરું, પણ પવિત્ર રહી. માનું છું. મેં એને નજીક ખેંચી લીધી.

છતાં સાળીના ગયા પછી બે-ચાર દિવસે શરીરે મને લગીર કળતર હતું. રોમાન્સનો તો વિચાર પણ આવી અવસ્થામાં ના આવે. ખાલી પડેલી જગ્યામાં ફરી સંશય. સંશય ? મેં પૂછ્યું : ‘પ્રેમમાં હતી તો એને પરણી કેમ નહીં ?’

‘એ બાવા, અમે વાણિયા. માવતર કોઈ કાળે હા પાડતાં હશે ? પણ એણે મારાં બા-બાપુજીને સમજાવવાની ટ્રાય કરેલી. એડન જતો રહ્યો, પણ છ-આઠ મહિને દેશમાં આવતો તે આ સારુ જ.’

‘તમે મળતાં ?’

‘ક્યારેક ક્યારેક, પણ…’ ફરી એણે ગળે હાથ દીધો :‘સાવ નિર્દોસ ભાવે જ હોં !’ પછી મારી આંખોમાં એણે તાકી તાકીને જોયું. પછી પાકે પાયે જ માનવું પડે એમ બોલી : ‘પછી તો એય બંધ થઈ ગયું. મારા કાકાને તો ઠીક, પણ મોટાભાઈને તમે ક્યાં નથી ઓળખતા ? ચામડું જ ચીરી નાખે ને! ધમકી આપેલી. એનો રેચ લાગ્યો. મળવાની મમત છોડી જ દીધી. હા, કાગળ પત્ર લખતો ક્યારેક.’

‘એ તો સમજ્યા હવે !’ મેં કહ્યું : ‘કાગળથી શું થાય છે ?’

‘તયેં ?’

‘હાય હાય!’ એણે એકાએક મારું કાંડું હાથમાં લીધું : ‘તમે તો ધગો છો ! હં, એમાં…! બાકી, તમે કાંઈ સખણા રો ? લાવો, લાવો પોતાં મૂકી દઉં.’

જાતવાન સ્ત્રી હોય તો જ જાતને સાચવી શકી હોય, ને એ જ ધણીની આટલી સેવા કરતી હોય, પણ…

પાછો દિમાગમાં ખટાકો બોલ્યો હતો એ વખતે : ‘પણ મને સવાલ એ થાય છે કે તું એમાંથી છટકી કેમ શકી ? તનેય એ લલ્તો ગમવા તો માંડેલો જ ને !’

‘હવે?’ એ તિરસ્કારથી બોલી: ‘કોઈકને કે’તા નહીં ! તમારી સાથે વેશવાળ થયા અગાઉથી, તમે અમારે ઘેર આંટાફેરા મારતા ત્યારથી તમે મને ગમવા માંડેલા…. ને તમને એક વાર જોયા પછી બીજા કોઈની દેન છે કે મને ગમી હકે ?’

એણે એના પુરાવા બી આપ્યા. એમ તો લલ્તો ઓછીનો નહોતો. સર્ચવૉરન્ટ કઢાવવા સુધીના લેવલે પહોંચ્યો હતો. આણે બચાડીએ એકાદી વાર ભૂલથી જીભ કચરી હશે કે મારાં મા-બાપ ભલે છોકરીની ના છે, ના છે એમ કહ્યા કરે, પણ જ્યાં લગી તું મારા ખુદના મોઢે ના ન સાંભળ ત્યાં લગી માનતો નહીં, ને હું સાત જન્મારેય ના તો કહેવાની જ નથી તે લખી લે.

‘તારી ભૂલ ના કહેવાય?’ મેં તરત એને ટપારી હતી :‘જો હું તને ગમવા માંડ્યો હોઉં તો તારાથી આવું બોલાય?’

‘સાંભળો તો ખરા?’ એણે બિચારીએ મારા માથેથી પોતું બદલ્યું. જૂનું નિચોવી કાઢ્યું. બોલી : ‘એણે દાણા મંતરાવ્યા હોય કે ગમે એમ, પણ હું બેભાનીમાં આવું બોલતાં સુ બોલી ગઈ. પછી પસ્તાવો બહુ થયો, પણ કે’વું કેને ? ને કોઈની મારફત કે’વારૂ તોય ઈવડો ઈ માને ? મારે તો ભારે ધર્મસંકટ થયેલું.’

‘પછી ?’

‘પછી પછવાડું ને આડી આવી ભીંત !’ એણે મારી છાતીએ બામનો ખરડ કર્યો. છાતીના વાળમાં હાથ ફેરવ્યો. મીઠું લાગ્યું. બોલી : ‘કરી કરીને ઇવડો ઇ કરે શું ? ગામના એક આગેવાનને મધ્યસ્થી કર્યા. આમ આગેવાન, આમ ગુંડો. મારા કાકાને એમણે બહુ દબામણી કરી એટલે કાકાએ કીધું કે મારી છોકરી સાથે લલ્તાને હરૂભરૂ તો સાત જન્મારેય નહીં થવા દઉં. હા, બહુ બહુ તો તમારી મોઢામોઢ કરાવી દઉં. આગેવાન નરસી ચાવડા કરીને હતો. એણે કહ્યું : હું લલિતને પૂછી જોઉં. એને એમ લાગતું હોય કે હું મળું એ એ પોતે મળ્યા બરોબર છે, તો મારી ના નથી. એણે લલિતને બોલાવીને પૂછ્યું કે બોલ તારા વતી હું મળીને પૂછી લઉં ? હવે લલિત જો ના પાડે તો નરસી ચાવડો ભભૂકે: એમ, તને મારામાં વિશ્વાસ નથી, એમ ? મારી ઉપર અવિશ્વાસ રાખવાવાળો હજુ લગણ કોઈ માઈનો લાલ પાક્યો નથી…. ને આમ તો લલિત બી કાઈ ગયો હશે. એણે હા પાડી. મારા કાકાએ ગોઠવણ કરી. છોકરી નરસી ચાવડાને એકલી, પણ ખુલ્લા ફળીમાં એકલી જ મળે, અને ના પાડી દે એટલે પછી ફૂલીઈસ્ટાપ! તમે તમારે રસ્તે, અમે અમારે રસ્તે, હવે કોઈ દી સામા મળતા નઈ.’

‘ભારે કરી.’ મેં કહ્યું :‘તારી વાત સાંભળીને મારો તો એક તાવ ઊતરી ગયો, ને બીજો ચડ્યો, પણ ગાંડી …..’ મેં એને નજીક ખેંચી: ‘તું આ આવડી મોટી વાત મને લગન પછી બાવીસ વરસે કરે છે? ખરો સંઘરાપો તારો !’

‘મારી બા કાયમ કે’તી કે પેટ પડ્યો વસ્તાર જરી મોટો થાય પછી ભાયડાવ લગીર ધીરી ધારણવાળા થઈ જાય છે. પછી સામાની વાત જીરવી શકે. બાકી, મારે તો આ વાત કાલ કરી હોત તોય શું ? અને આ આજ કરી તોય શું ? મરદનું પડખું સેવનારને બીક કોના બાપની ?’

ઊભી થઈને અરીસામાં જોઈને એ વાળ સરખા કરતી હતી ત્યારે મને પાછી તાલાવેલી થઈ: ‘પછી શું થયું ? પેલી ગોઠવણ સમીનમી પાર ઊતરી નરસી ચાવડાવાળી?’

‘પૂછવાની વાત છે?લો, હરણની પાછી સીતા થઈ કે નહીં ? અરે, પાર ન ઊતરી હોય તો આપણાં ઢોલિયાં ભાંગત ખરાં ?

વાત સાચી. જો ને, તાવની દવા આવી હશે એની કોને ખબર ?

   **** **** ****

લલિત રામદાસ ચંદેલનું નામ ખેડવી નાખ્યું. એમાં કાંઈ આભ તૂટી નથી પડ્યું. શેનું તૂટી પડે ? આ અમારો આડત્રીસ વરસનો સંસાર ધસી પડ્યો? ડોશીએ ભૃકુટિ જરા તંગ કરી, પણ એ તો અંદરથી આવેલા દમના હુમલાને ખાળવાના પ્રયત્નને કારણે બી હોય. એમ જ હશે. બાકી ક્યાં બાવીસ વરસ ? ક્યાં સાઠ ? આટલાં  વરસમાં તો દરિયાના કાળમીંઢ ખડકો બી રેતી થઈ ગયા હોય. વીજળીની ઝાગઝાગા રોશનીમાં ફાનસનાં અજવાસ તો આપોઆપ લૂછાઈ જ ગયાં હોય ને ! વળી, સૌથી મોટી વાત ! એણે આજથી સોળ વરસ અગાઉ સ્પષ્ટપણે ખખડીને કાનબુટ્ટી પકડેલી કે લલ્તાને એણે ફળિયા વચ્ચે નરસી ચાવડાની મારફત ના કહેવરાવેલ. એ વખતે એના મનમાં લલ્તા ભણી કેવો ધિક્કાર વછૂટ્યો હશે ? એમ લાગ્યું હશે કે ગોળના ગડબા સામેથી એક મંકોડો ઊંચી સૂંઢે પસાર થઈ ગયો. ગોળ તો કો’ક તકદીરવાળાના ભાગમાં જ હોય ને !

‘ડોશી.’ મેં કહ્યું :‘દીકરો પરણે છે એના હરખ આડે આ લલ્તાવાળી વાત આટલાં વરસે ના આવવી જોવે, હોં !’

‘હું કાંઈ બોલી ?’

‘બોલી તો નથી, પણ તારી નજર બાતમી આપે છે કે તને એનું નામ ખેડવ્યું એ નથી ગમ્યું.’

‘ના રે….’ એણે બાલ્કની બહાર દરિયા ઉપર નજર દૂર લગી લંબાવી :‘હું તો આ દૂરદૂરથી નજીક આવતો મછવો જોઉં છું. એમાં આંખ ઝીણી થઈ ગઈ હશે. બાકી તમે એના નામ પર ચેકો મારો કે છરી…. લાગવાનું તો કાગળને જ ને !’

‘સમજાય એવું બોલ.’

ના બોલી – હવે આ એની ખામોશીને મારે ક્યા ખાતે ખતવવી ? પણ એ બધાં ખતવણાં છોડ-ચાલ, માંડ એક પછી એકને ખેડવવા.

પણ છોકરાના રિસેપ્શન વખતે મારી બેટી ના થવાની થઈ. મંચ ઉપર હું અને ડોશી દીકરા-વહુની બાજુમાં ઊભાં ઊભાં સૌના વધામણાં ઝીલતાં હતાં ત્યાં મારા ગુમાસ્તે આવીને મારા કાનમાં ફૂંક મારી :’શેઠ,ચાર ગાડીનો રસાલો લઈને કોઈ શેઠ એડનથી આવેલ છે.’

‘ક્યાંથી? ક્યાંથી ?’

‘એડનથી- શેઠ લલિત રામદાસ ચંદેલ કે એવું કાંઈક નામ છે.’

ઘડીભર તો બ્રહ્માંડમાં અંધારું છવાઈ ગયું. જરાક સ્વસ્થ ભારી મહેનત પછી થયો એટલે ડોશી સામે જોયું.

ડોશી બોલી : ‘તમે ખેડવેલ, પણ મેં કંકોત્રી મોકલેલ.’

જિંદગીમાં પહેલી વાર થયું કે ડોશી મૂંગી રહી હોત તો સારું હતું. એના મૌનને હું તો મનગમતે ખાતે ખતવત!

ત્યાં જ દરવાજે કોલાહલ થયો.

 **** **** ****

‘મારી બાએ મને શિખામણ આપી હતી.’ દીકરો-વહુ હનિમૂન ઉપર મહાબળેશ્વર ગયા પછી ડોશી વગર પૂછ્યે બોલી :‘કે છોકરા પરણી જાય તે પછી જ ધણીને પૂરું પેટ દેવું. મરદ એ વખતે દીકરા પછીના બીજા પગથિયે પડ્યો હોય છે.’

‘મેં તને કાંઈ પૂછ્યું ?’ મારી જીભે જરી કડવાશ આવી જ ગઈ : ‘તેં કંકોત્રી એને મોકલી તે ભલે મ્પકલી. મેં એનું અપમાન કર્યું ? કાઢી મૂક્યો ? હાથ મિલાવ્યા કે નહીં ? એ રાજી થઈને ગયો કે નહીં ?’

‘પણ….’

‘હું તારામાં ક્યાં કાંઈ સંશય કરું છું ? સાઠ વરસે સંશય તે વળી શેના કરવાના ? તું મને પરણી, સંસારસુખ દીધું – વારસદાર દીધો, મારી ગોવાળી કરી, ઘર સાચવ્યું. અરે પ્યાર દીધો, લલ્તાને તારા કપાળેથી તારી જાતે જ ખેડવી નાખ્યો. બસ, વધુ શું જોઈએ, ડોશી ?

‘બસ, એ જ કહેવા માગું છું.’ ડોશીએ પહેલી વાર ટોર્ચના શેરડા જેવી નજર મારા તરફ ફેંકી : ‘હવે દીકરો પરણી ગયો પછી કહેવામાં બાધ નથી. બધું દીધું તમને, પણ નિર્દોષભાવે દીધું, ફરજ તરીકે દીધું બાકી, પહેલોહક તો લલ્તાનો જ લાગતો હતો, હોં ! સમજી લેજો.’

‘એમ, એમ, એમ ?!!’ મારી નવાઈનો તો પર નહીં : ‘પણ તો પછી નરસી ચાવડાની આગળ તું ખોટું બોલી ને ! એને મોઢે કેમ ના પાડી? હા પાડી દેવી હતી ને ! લલિતને એના હકનું મળી જાત ને તને તારું મનગમતું.’

અચાનક વીજળીના દીવા ગુલ થઈ ગયા પછી થોડી વારે પેટવેલા ફાનસના પીળા જેવો ફિક્કો અજવાસ ડોશીની સિકલ પર દરિયાનાં પથરાયેલાં મોજાની જેમ ફરી વળ્યો: ‘હા ભાઈ, હું સ્ત્રીની જાત. મારી મજબૂરી, બીજું શું ? મારાં માવતરે મને મારા મામાને ત્યાં અગાઉથી જ ધકેલી દીધેલી.’

‘તે નરસી ચાવડાને મળી એ કોણ ?’

‘એ રાંડનો ક્યાં મને જોયે ઓળખતો હતો ? એટલે એને ઊભાઊભ મળીને ચોખ્ખી ના ભખી આવી એ તો મારી નાની બેન ! સાવ મારા જેવી જ નથી લાગતી ? બાકી, હું હોઉં તો ના પાડતાં પહેલાં જીભ કચરીને જાન નો દઈ દઉં ?’

મારા અવાજમાં છેલ્લા પાટલાનો કરગરાટ આવી ગયો, ને કાં ડચૂરો : ‘ડોશી, ડોશી.’ મેં કહ્યું : આટલી બધી ટંચન બાતમી મને આજે આટલા આડત્રીસ વરસના ઘરવાસ પછી આપવાની કાંઈ જરૂર?’

‘મારી બા કાયમ કે’તી કે….’ એ બોલવા ગઈ, પણ પછી આગળ હરફ ના કાઢ્યો. ઠૂઠવો મૂક્યો. લે !

મૌનને મનગમતા ખાતે ખતવાય, ઠૂઠવાને મારે કયા ખાતે ખતવવો ?


આ વાર્તાની સર્જનપ્રક્રિયા

સ્ત્રી અને પુરુષ બન્ને મનુષ્યદેહી જ છે અને બન્નેના મગજની રચના પણ એકસરખી હોવા છતાં માનસનું બંધારણ એકસરખું નથી. સંરક્ષણાત્મકતા એ કોઇ પણ સ્ત્રીના માનસની આગવી ઓળખ છે, છતાં આમ લખતી વખતેય હું એ વાતે સાવધાન છું કે કોઇ પણ ધોરણે મેં ધારેલી એ ઓળખનું પણ સાધારણીકરણ ન થઇ જાય.

પુરુષમાનસના બહુ શિથિલ પધ્ધતિએ ભલે પોઝીટીવ અને નેગટીવ એવા બે જ લક્ષણો તારવીએ પરંતુ એના તો કરોડો સેક્શન્સ અને ક્રોસ સેક્શન્સ છે. એનું વાર્તા-નવલકથા-નાટ્યરૂપે આદિકાળથી આલેખન થતું આવ્યું છે.

આમ છતાં મારે કહેવાનું એટલું જ છે કે મારે આ બધુ બતાવવું છે એવા પૂર્વનિર્ધારથી  વાર્તા લખવા બેસી શકાતું નથી. એ રીતે નિબંધ લખી શકાય, પણ ફિકશન નહિં. એ તો હાથમાં કલમ પકડવામાં આવે તે ઘડીએથી સર્જકના નિયંત્રણ બહાર નીકળી જતી વસ્તુ છે. લખતી વખતે એનો દોર જાગૃત લેખકના હાથમાં નહિં, પરંતુ એના અવચેતનના આકાશમાં રમતો હોય છે.

પ્રસ્તુત વાર્તા સ્ત્રી-પુરુષના મનના એવા આટાપાટાની છે. આખી વાર્તા જ એવા આટાપાટાની છે, પણ જો પકડી શકાય તો કબડ્ડીનો છેલ્લો લંબાયેલો હાથ એના છેલ્લા ભાગમાં છે.


લેખક સંપર્ક –

રજનીકુમાર પંડ્યા
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

Author: Web Gurjari

10 thoughts on “મારું વાર્તાઘર : છેલ્લી બાતમી

 1. ખરેખર ચોટદાર વાર્તા…લગભગ સ્ત્રી પુરુષ ના અંતરમન માં આવું કહેવું કે ન કહેવુનુ ઘમાસાણ ચાલતું જ હોય છે……. મજાની વાર્તા…

  1. આહા…. અફલાતૂન વાર્તા… સર્જકને સો સલામ..

 2. વાહ !શું વાત છે સાહેબ? એક જ ઉચ્ચાર નીકળે સુપર્બ

 3. રજનીભાઇ,
  વાર્તા બહુ જ ગમી, કારણમાં તેના તળપદી શબ્દોમાં તમારી રજૂઆત. ‘લલ્તો’ વાહ વાહ. એક બીજો પ્રયોગ પણ બહુ ગમ્યો, આની મારે ક્યા ખાતે ખતવણી કરવી? અદભૂત અદભૂત.
  વારંવાર વાંચવાનું મન થાય તેવા શબ્દોનો જોઈ જવાબ નથી.

 4. ઉત્તમ વાર્તા. સચોટ, સ-રસ અને સરાહનીય!
  એકસૂત્રી, એકમાર્ગી અને એકત્વ નું અજોડ ઉદાહરણ!

Leave a Reply

Your email address will not be published.