નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ – ૮

સમાજ-સેવકોને પણ આખરે આવાં નામ અમર કરવાની હવસવાળાં દાનવીર કહેવાતાં લોકો સામે માથું નમાવવું પડે છે.

નલિન શાહ

ઘેર પહોંચ્યાં ત્યારે સુધાકર આવી ગયો હતો. રાજુલને જોઈને ચહેરા પર કૃત્રિમ સ્મિત લાવી બોલ્યો, ‘અરે રાજુલ હજી તું ગઈ નથી? મોડું થઈ ગયું હશે એટલે ને? ચિંતા ના કર હજી છેલ્લી બસ બાકી છે. રાત પડી જાય તો પણ શું તને કોણ ખાઈ જવાનું છે? તું પોતે જ વાઘ જેવી છે.’

‘હું જઈશ જ્યારે મારે જવું હશે ત્યારે, સમજ્યા?’

‘હા, હવે સમજ્યો તું  કેમ ના ગઈ.’

‘શું સમજ્યા?’

‘તને એમ થયું હશે કે અહીં આવી જ છું તો ધનલક્ષ્મીની હવેલી પણ જોઈને જઉં.’

‘સુધાકર…’ શશીએ ઊંચે અવાજે એને ચુપ રહેવાનો ઇશારો કર્યો.

સુધાકરને પણ લાગ્યું કે મશ્કરીને બહાને એ ન બોલવાનું બોલી ગયો હતો. રાજુલની પ્રતિક્રિયાની કલ્પનાએ શશીનાં મનમાં ફડફડાટ પેદા કર્યો. પણ હવે વાતનો દોર રાજુલે એના હાથમાં લઈ લીધો હતો.

‘તમારી વાત સાવ સાચી છે જીજાજી. તમારી એ ધનલક્ષ્મી તો આ ગામની દેવી સ્વરૂપ કહેવાય અને હવેલી મંદિર સમાન. તમારે ગામનો ઉત્કર્ષ કરવો હોય તો એને યાત્રાનું સ્થાન બનાવો. એ દેવીને વિનંતી કરો કે એની એક સોનાજડિત મૂર્તિ મોકલે, જેને ત્યાં સ્થાપિત કરીને હવેલીને ભવ્ય મંદિરનું સ્વરૂપ આપો. જેથી શ્રદ્ધાળુઓ દૂરદૂરથી માનતા રાખવા અહીં આવવા પ્રેરાય. કોને ખબર તમારી વિનંતીને માન આપી આ ધૂળ-માટીના પ્રદેશમાં એ દેવી ક્યારેક ક્યારેક કદાચ દેખા પણ દે અને ગીતાના એ વાક્ય ‘સંભવામિ યુગે યુગે’માં લોકોની શ્રદ્ધા દૃઢ થાય અને તમારી શ્રદ્ધાને કારણે એ દેવી એનો અહમ્ પોષવા બેચાર કૂવા ખોદાવી દે, ધર્મશાળા બંધાવી દે, સ્કૂલનાં મકાન માટે કદાચ ધન પણ આપે. સમાજ-સેવકોને પણ આખરે આવાં નામ અમર કરવાની હવસવાળાં દાનવીર કહેવાતાં લોકો સામે માથું નમાવવું પડે છે. તમારું ગ્રામસેવાનું કામ પણ આવું જ છે ને, ખોટું કહું છું, દીદી?’

શશી અસમંજસમાં હતી. એ સમજી ના શકી કે રાજુલ તિરસ્કારયુક્ત ગુસ્સામાં બોલતી હતી કે હળવી મજાકમાં.

‘તું સાચું કહે છે રાજુલ, સિદ્ધાંતોની સફળતા માટે જીવનમાં ઘણી બાંધછોડ કરવી પડે છે, જેમાં માનવતાનો અંશ પણ નથી, એવાની સામે પણ ક્યારેક ક્યારેક કેવળ એનો અહમ્ પોષવા માથું નમાવું પડે છે.‘જો ખરેખર એવું થાય તો તું આવીશને મંદિરમાં દેવીની સ્થાપના વખતે?’ સુધાકરે મજાકમાં પૂછ્યું.

‘ના બાબા ના. હું અને દીદી તો અસ્પૃશ્યની કક્ષામાં ગણાઈએ. અમે તો દૂરથી જ તમાશો જોઈશું.’

શશી મલકાઈને સાંભળતી રહી, બોલી, ‘હવે તમને કોઈને ભૂખ લાગી છે કે નહીં?’

‘બહુ લાગી છે,’ રાજુલ બોલી, ‘તને ને જીજાજીને કાચા ખાઈ જઉં એટલી.’

‘છી છી, તું માંસાહારી ક્યારથી થઈ ગઈ?’ સુધાકરે નાક ચઢાવી પૂછ્યું.

‘મંદિરના પૂજારીઓ એ કામ રોજ કરે છે તો ક્યારેક હું કેમ ના કરું?’

‘આવું બોલે તો ભક્તોનાં હૈયાને ઠેસ ના પહોંચે?’

‘એ બધા ભક્તોની ભક્તિ મેં નિહાળી છે,’ રાજુલ બોલી, ‘એ પૂજા, એ પ્રસાદ અને આચમન એ બધું પૂજારીઓ ને ભક્તોનું ષડ્યંત્ર છે ભગવાનની સામે, કશું પ્રાપ્ત કરવાની લાલચમાં થતું ધતિંગ છે.’

‘એટલે કે તું પૂજા, ભગવાન કશામાં નથી માનતી?’ સુધાકરે કેવળ એને છંછેડવાના ઇરાદાથી પૂછ્યું, પણ રાજુલ ગંભીર હતી. ‘હું કેવળ ધતિંગમાં નથી માનતી. ભગવાન હોય તો સર્વત્ર છે કેવળ મંદિરમાં નહીં; ને ભગવાનના નામનું રટણ કરવું કે શ્લોકો બોલવા એ પૂજા નથી. કોઈ ભૂખ્યા ગરીબને અન્ન આપો એ પૂજા છે, દુઃખીને સાંત્વન આપો એ પૂજા છે, કોઈ લાચારને સહારો આપો એ પૂજા છે, વૃદ્ધ મા-બાપની સેવા કરો એ પૂજા છે, તમારું કાર્ય, નોકરી કે ધંધો ઈમાનદારીથી કરો એ પૂજા છે, અરે તમારું કશી લાલચ વગર થતું ગ્રામસેવાનું કામ પણ પૂજા છે. ભગવાન તો પ્રેમ અને શ્રદ્ધાનો વિષય છે પણ મંદિરમાં જનારા એ લાલચુઓ ના સમજી શકે એટલે એ વિષયની કોઈ સાથે ચર્ચા કરવાનું ટાળું છું. એટલે જીજાજી, એ ચર્ચા બંધ કરી તમારી પત્નીને પૂછો કે જમવાનું આપવાની છે કે નહીં? સહનશીલતાની પણ હદ હોય છે.’

શશી આભી બનીને સાંભળી રહી, ‘અરે રાજુલ આ બધું જ્ઞાન તે ક્યાંથી પ્રાપ્ત કર્યું?’

‘આ જ્ઞાનનો વિષય નથી. સંવેદના, પ્રતીતિ – એક જુદો અનુભવ છે જે સમજાવાથી ના સમજાય અને તે પણ ભૂખ્યા પેટે?’

શશીએ બધાની થાળીઓ પીરસીને જમતાં જમતાં રાજુલને નિહાળતી રહી: ‘કોઈ માને કે આ છોકરી તો હજી સોળમા વર્ષમાં પ્રવેશી રહી છે!’ એણે વિચાર્યું. ‘હવે એ ગામમાં ના સમાઈ શકે, એણે બહાર જવું જ રહ્યું, બીજી દુનિયામાં, જુદા વાતાવરણમાં.’

મોંમાં કોળિયો મૂકતાં પણ શશીની નજર રાજુલ પર જ ટકતી હતી જાણે એને પહેલીવાર જોતી હોય, પણ રાજુલ પામી ગઈ.

‘શું જુએ છે? તને એમ તો નથી લાગતું કે હું ગાંડી થઈ ગઈ હોઉં. કદાચ એટલે જ બા-બાપુ મારાં લગ્નની ચિંતામાં પડ્યાં લાગે છે ને હવે તું પણ એમાં ભળી જાય.’

‘ચૂપ, ખબરદાર જો પાછું લગ્નનું નામ લીધું તો?’ શશી કૃત્રિમ ગુસ્સો દાખવી બોલી.

‘શું કરીશ તું?’ રાજુલે એને પડકારી.

‘તેં મારું ઉગ્ર સ્વરૂપ હજી જોયું નથી.’

‘હા, હા, હા, તું ને ઉગ્ર સ્વરૂપ તે પણ મારી સામે?’ રાજુલે અટ્ટહાસ્ય કરતાં કહ્યું.

‘શું કરું? હું છું જ એવી નબળી કે તારાં સો ખૂન પણ માફ કરી દઉં’ શશી નીચું જોઈ બોલી.

‘બસ, ફક્ત સો જ?’

‘હા, અત્યારે એટલાં પૂરતાં છે.’ શશીએ સખ્તાઈથી કહ્યું ને ખાતાં ખાતાં એઠાં હાથે એને વળગી પડી.
આ બે બહેનોની નૌંક-ઝોક જો ભગવાન જોતા સાંભળતા હોય તો એને પણ થયું હશે કે, ‘આવાં કુટુંબમાં જો મારો વાસ થયો હોય તો રોજ શુદ્ધ ઘીની મીઠાઈ કદાચ ના પામું પણ ધુતારાઓથી છૂટકારો જરૂર મળી જાય.’

હવામાં ઠંડક હોવા છતાં બંને બહેનો છત પર વગર ગાદીના કાથાના ખાટલામાં આડા પડી ભવિષ્યની રૂપરેખા દોરવામાં લિન થઈ ગયાં’તાં. હજી એ નિર્ણય નહોતાં લઈ શકતાં કે વડોદરાની કોઈ કોલેજમાં હોસ્ટેલમાં રહી આગળ શિક્ષણ કરવું કે કોઈ મનગમતા વ્યવસાય માટે જરૂરી શિક્ષણ લેવું જેથી આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકાય.

રાજુલે ગંભીરતાથી કહ્યું, ‘દીદી, મારે માટે આટલાં બધાં સપનાં ના સેવ. આ બધું શક્ય ના બને તો તને પરાવાર દુઃખ થશે.’

‘શક્ય કેમ ના બને?’ શશીએ મક્કમતાથી પૂછ્યું.

‘પૈસા ક્યાંથી આવશે?’

‘એ બધો વિચાર મેં કર્યો છે. અમારી સંસ્થાનું કાર્યક્ષેત્ર બહુ વિશાળ છે. ગ્રામસફાઈ, તબીબીસેવા ઉપરાંત અંધશ્રદ્ધા, દહેજ, બાલવિવાહ-નિવારણ અને સૌથી વધુ મહત્ત્વના ઉદ્દેશો છે. ગૃહઉદ્યોગ અને સ્ત્રી કેળવણી અમારા કાર્યક્રમોની સફળતા માટે સરકાર અને ખાસ કરીને દાનવીરો તરફથી પ્રાપ્ત થતું ફંડ પૂરતાં પ્રમાણમાં છે. તારા જેવી તેજસ્વી વિદ્યાર્થિનીને કોઈ પણ ક્ષેત્રમાં શિક્ષણ પ્રાપ્ત કરવા સંસ્થા બધી રીતે મદદરૂપ થશે; મારી ભલામણ વગર પણ.’

રાજુલ ચુપકીદી સેવી સાંભળી રહી. ‘ધનલક્ષ્મી સાથે સ્પર્ધા કરવા જિંદગી હોમી દેવાના વાહિયાત વિચારો કરવાનું છોડી દે. એને વગર કારણનું મહત્ત્વ આપી તારી પ્રતિભા કુંઠિત ના કર. હવે નિર્ણય લેવાનો સમય પાકી ગયો છે કે તું જિંદગીના કયા ક્ષેત્રમાં આગળ વધવા માગે છે. બા-બાપુની ચિંતા તું મારા પર છોડી દે. તું કેવળ શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર.’

શશીની વાત સાંભળી રાજુલની આંખો છલકાઈ ગઈ. ‘દીદી, કાલે હું જે કાંઈ બોલી એ તો આવેશના ઊભરામાં બોલી હતી. એવો પ્રસંગ જો સાચે જ આવ્યો હોત તો કોણ જાણે પહેલી પીછેહઠ મેં જ કરી હોત. નથી મને પૈસાની ભૂખ, નથી આડંબરની ચાહના, પણ જિંદગીમાં પૈસાનું મહત્ત્વ હું સમજી છું. ભવિષ્યમાં જો મને પૈસાનું સુખ પ્રાપ્ત કરવાનો મોકો મળે તો એ સુખની મારે કોઈ કિંમત ન હોય જ્યાં સુધી તું અને બા-બાપુ એમાં ભાગીદાર ના બનો.’ એમ કહી રાજુલ શશીને ભેટી પડી ને બધી લાગણીઓ આંસુઓની ધારામાં વહેવા દીધી.

થોડી વારે સ્વસ્થ થઈ રાજુલ આકાશમાં તારાઓ ભણી મીટ માંડી પડી રહી. શશી એ એના વાળમાં આંગળીઓ ફેરવતાં શરારત ભર્યા લહેજામાં કહ્યું, ‘રાજુલ, કોણ જાણે કાલ કેવી હશે. શક્ય છે કે કોલેજમાં મારી આ રૂપાળી ઢીંગલી પર કોઈ ધનાઢ્યનો દીકરો મોહી પડે ને તું પણ દિલ દઈ બેસે તે પછી, ખાધું, પીધું ને રાજ કર્યું’ જેવું થાય!’

રાજુલે ઉંડો નિઃસાસો નાખ્યો જે ઘણું ઘણું કહી ગયો.

‘કેમ બોલી નહીં. પછી આ મારા ધૂળ-માટીનાં ગામમાં આવતાં શરમાય તો નહીં ને?!’ શશીએ હસતાં હસતાં પૂછ્યું.

રાજુલ સફાળી બેઠી થઈ ગઈ. ‘તું શું મને એ અભણ ને ઘમંડી, દુષ્ટ વિલાસી વિધવા જેવી સમજે છે?’

‘બસ, બસ, આટલાં બધાં વિશેષણો ના આપ એ બચાડીને’

‘બસ, આ જ એક ફર્ક છે તારા ને મારા વચ્ચે. તું એને બચાડી કહે છે ને હું એને નરકમાં સડતી જોવા તડપું છું.’

‘અરે રાજુલ, નરકમાં તો એ સુખી થઈ જશે કારણ એની મુંબઈની બધી સહેલીઓ પણ ત્યાં જ હશે.’

બંને બહેનો ખડખડાટ હસી પડી ને હવામાં પ્રસરેલી મધરાતની શીતળતા અચાનક અનુભવી ને નીચે આવી ખાટલામાં એકબીજાની ઓથમાં મીઠી નીંદરડીમાં ખોવાઈ ગયાં

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.