ફિલ્મસંગીતના નકશીકારો (૧૩) – દત્તારામ વાડકર

પીયૂષ મ. પંડ્યા

મોટા ભાગના ચાહકો શંકર-જયકિશનની જોડીને ફિલ્મી સંગીતના મહાન સંગીતકારો તરીકે ગણાવતા હોય છે. એ બન્નેની આ અપાર લોકચાહનાનું શ્રેય એમની સર્જકતા જેટલું જ એમના કાબેલ સહાયકોને અને વાદ્યવૃંદને પણ આપવું રહ્યું. એમની કિર્તીનો રથ દાયકાઓ સુધી વિના વિઘ્ને દોડતો રહ્યો એમાં બે સારથીઓનો અનન્ય ફાળો રહ્યો છે. એ પૈકીના એક – સેબેસ્ટીયન ડી’ સોઝા – નો પરિચય આપણે ગઈ કડીમાં મેળવ્યો. બીજા હતા દત્તારામ વાડકર, જેમણે સ્વતંત્ર સંગીતકાર તરીકે પણ પોતાનું નામ અંકિત કર્યું છે. અહીં એ નોંધવું જરૂરી છે કે ફિલ્મી સંગીતના સુવર્ણકાળ દરમિયાન ‘દત્તા’ નામધારી ત્રણ સંગીતકારોએ પ્રદાન કર્યું છે. એ પૈકીના એક હતા દત્તા કોરેગાંવકર, કે જેઓ કે. દત્તા તરીકે ઓળખાયા. અન્ય હતા દત્તા નાયક કે જેમને આપણે એન. દત્તા તરીકે જાણીએ છીએ. ત્રીજા એટલે કે દત્તારામ વાડકરે માત્ર દત્તારામ તરીકે ઓળખાવાનું પસંદ કર્યું. શંકર-જયકિશનની બનાવેલી તર્જમાં સૂરો અને તાલની રંગપૂરણી મહદઅંશે સેબેસ્ટીયન અને દતારામ કરી આપતા હતા. એમાં પણ સ્પષ્ટ કાર્યવિભાજન હતું. તાલવાદ્યોનો વિભાગ દતારામ સંભાળતા હતા અને બાકીનાં તમામ વાદ્યોનું સંચાલન સેબેસ્ટીયન હસ્તક રહેતું હતું.

ગોવાના કોઈ કસબામાં ખુબ જ ગરીબ કુટુંબમાં સને ૧૯૨૯માં જન્મેલા દતારામને પોતાની જન્મતારીખ વિશે પણ આધારભૂત માહીતિ નહતી. એમણે એટલી નાની વયે પિતા ગુમાવી દીધેલા કે એ દત્તારામની સ્મૃતિમાં પણ નહોતા રહ્યા. બાલ્યાવસ્થા એવા સંજોગોમાં વિતી કે ભણવાની તક જ ન મળી. એમનાં માતા સારું ગાઈ શકતાં હોવાથી કોઈએ મુંબઈ જઈ, નસીબ અજમાવવા સૂચવ્યું. ૧૯૪૨માં મા-દીકરો મુબઈ આવી ગયાં. ત્યાં એમનાં માતાને કોઈ કોઈ કાર્યક્રમોમાં ગાવાનું કામ મળવા લાગ્યું. એવામાં એક શુભેચ્છકે એમના માતાને કશી જ પ્રવૃત્તિ ન કરતા દતારામને સંગીતમાં પલોટવા માટે સૂચવ્યું માએ એ સૂચનનો અમલ કરતાં દતારામને તે સમયના પ્રખ્યાત તબલાંનવાઝ એવા પંઢરીનાથ નાગેશકર પાસે તાલિમ લેવા મૂક્યા. એ પછી એમણે બીજા તબક્કાની તાલિમ યશવંત કેલકર નામના ગુરૂ પાસે લીધી. કેલકર દતારામને તાલવાદ્યો તો શીખવતા જ હતા, સાથે સાથે એમણે એમને પ્રસિધ્ધ સંગીતકાર અને મેન્ડોલીનવાદક સજ્જાદહુસૈન પાસે શાસ્ત્રીય રાગોની તાલિમ પણ અપાવી. આમ, સંગીત બાબતે દત્તારામની પાયાની સમજણ કેળવાઈ, તે ઉપરાંત સંગીતનાં વ્યવસાયિક ધોરણોનો પ્રાથમિક ખ્યાલ પણ વિકસ્યો.

એ સમયે દતારામ નિયમીત રીતે પોતાના રહેઠાણની બાજુમાં આવેલા એક અખાડામાં કસરત કરવા જતા હતા. એ જ અખાડામાં સંગીતકાર શંકરની પણ અવરજવર રહેતી હતી. એકવાર અનાયાસે દતારામની નજર અખાડાના એક ખૂણામાં ખુલ્લામાં છોડી દેવાયેલી તબલાંની એક જોડ ઉપર પડી. એમણે એની ઉપર હાથ અજમાવ્યો. યોગાનુયોગ એ સમયે બાજુની બાથરૂમમાં ન્હાઈ રહેલા શંકરના કાને એ અવાજ પડ્યો. શંકર પોતે પણ ઉત્કૃષ્ટ કક્ષાના તબલચી હતા અને એ સમયે પૃથ્વી થિયેટર્સનાં નાટકો સાથેની સંગીતકારોની મંડળીમાં જોડાયા હતા. એમના પારખુ કાને દતારામનો કસબ પડતાં જ એમણે એ કલાકારનું હીર જાણી લીધું. એમણે દતારામને એમની મંડળીના રીહર્સલમાં બીજા જ દિવસે બોલાવી લીધા. ત્યારે પૃથ્વી થિયેટર્સનાં નાટકો માટે સંગીત રામ ગાંગુલી તૈયાર કરતા હતા અને શંકર તબલાં વગાડવાની જવાબદારી નિભાવતા હતા. પહેલે જ દિવસે ત્યાં દતારામની મુલાકાત રામ ગાંગુલી, જયકિશન, શૈલેન્દ્ર, અને સુપ્રસિધ્ધ ફિલ્મદિગ્દર્શક રાજા નવાથે સાથે થઈ. એ બધાને પણ દતારામમાં ચમકારો જણાયો અને એમને નાટકોની બેકસ્ટેજ વ્યવસ્થા માટે કરારબધ્ધ કરી લેવામાં આવ્યા. ત્યાં નિયમીત જવાનું થવાથી દતારામ રાજકપૂરની નજરે પણ પડ્યા.

એ સમયે નાટકોમાં પડતા મધ્યાંતર દરમિયાન પડદા પાછળથી સંગીત વગાડવાનો ચાલ હતો. પૃથ્વી થિયેટર્સનાં નાટકો માટે મધ્યાંતર દરમિયાન રામ ગાંગુલી, રામલાલ, જયકિશન અને શંકર અનુક્રમે સિતાર, શરણાઈ, હાર્મોનિયમ અને તબલાં ઉપર ધૂનો વગાડતા. થોડા જ સમયમાં ત્યાં તબલાં વગાડવાની જવાબદારી દતારામને પણ સોંપવામાં આવી.  જો કે એ પછીના લાંબા અરસા સુધી ફિલ્મી ગીતોના રેકોર્ડીંગ માટે વગાડવાની તક દતારામને ન મળી. છેવટે ફિલ્મ આવારા(૧૯૫૧)ના ગીત એક બેવફા સે પ્યાર કિયા માટે રેકોર્ડીંગના સમયે ઢોલક/તબલાંવાદક પંઢરીનાથ સમયસર પહોંચ્યા નહીં. આથી શંકરે ત્યાં હાજર એવા દતારામ પાસે એ કામ લીધું. પહેલી જ વાર ફિલ્મી ગીતના રેકોર્ડીંગ માટે વગાડી રહેલા દત્તારામે જરાયે ક્ષતિ  વગર એવું સુંદર વગાડ્યું કે પહેલા જ ટેકમાં એમનું વાદન ‘ઓકે’ થઈ ગયું. બસ, પછી દતારામની ગાડી બરાબરની દોડી. દત્તારામે નિયમીત ધોરણે શંકર-જયકિશનનાં બનાવેલાં ગીતોમાં વગાડવાનું શરૂ કર્યું. એ પૈકીનાં રાજા કી આયેગી બારાત ( ‘આહ’, ૧૯૫૩) અને ઈચક દાના બીચક દાના (‘શ્રી ૪૨૦’, ૧૯૫૫) જેવાં ગીતો સાથે સંગત માટે એમની ખાસ્સી પ્રશંસા થઈ હતી. વગાડવાની અસાધારણ આવડત ઉપરાંત દતારામની તાલ માટેની સૂઝ પણ બહુ ઊંચી હતી. આ કારણથી શંકર-જયકિશને એમને પોતાના સહાયક અને એરેન્જર તરીકે રાખી લીધા. આમ, શંકર-જયકિશનના વાદ્યવૃંદમાં સ્વરપટ્ટીવાદ્યો/Keyboards,  ફૂંકવાદ્યો/Wind Instruments  તેમ જ તંતુવાદ્યો/String Instrumentsના સંચાલન માટે સેબેસ્ટીયને અને વિવિધ તાલવાદ્યો માટે દત્તારામે મળીને યાદગાર કામ કર્યું. એ બન્નેની જોડી ફિલ્મી વર્તૂળોમાં પ્રખ્યાત થઈ ગઈ. દત્તારામે સળંગ ૩૫ વર્ષથી પણ લાંબા સમય સુધી શંકર-જયકિશનની સાથે કામ કર્યું. રાજ કપૂરની સંગીતમંડળીમાં મુકેશ અને લતા મંગેશકર, શંકર-જયકિશન, ગીતકાર શૈલેન્દ્ર તેમ જ હસરત જયપુરીની સાથે જ સેબેસ્ટીયન અને દત્તારામનો પણ સમાવેશ થતો હતો.

રાજ કપૂરની મહેફીલમાં દત્તારામ(જમણેથી બીજા)
જયકિશન, મુકેશ અને દત્તારામ
દત્તારામ, લતા મંગેશકર અને શંકર

ફિલ્મ ‘મૈં સુંદર હું’(૧૯૭૧)ના શંકર-જયકિશન દ્વારા નિયોજિત એક ગીતના ધ્વનિમુદ્રણની આ ક્લીપમાં સેબેસ્ટીયન વાદ્યવૃંદનું સંચાલન કરી રહ્યા છે અને દત્તારામ ગાયક કિશોરકુમાર પાસે તાલનું નિયમન કરી રહ્યા છે.

દતારામે એક સ્વતંત્ર સંગીતનિર્દેશક તરીકે પણ ‘અબ દિલ્હી દૂર નહીં’ (૧૯૫૭), ‘પરવરીશ’ (૧૯૫૮), ‘સંતાન’ (૧૯૫૯), ‘શ્રીમાન સત્યવાદી’(૧૯૬૦), ‘જીદગી ઔર ખ્વાબ’ (૧૯૬૧), ‘જબ સે તુમ્હેંદેખા હૈ’(૧૯૬૩) જેવી ફિલ્મોમાં એક કરતાં વધુ યાદગાર ગીતો આપ્યાં. બધી મળીને ૧૭ ફિલ્મો માટે એમણે સંગીત આપ્યું હતું. એમનાં બનાવેલાં અને ખુબ જ લોકપ્રિય થયેલાં ગીતોમાં ચૂં ચૂં કરતી આયી ચીડિયા, મસ્તીભરા હૈ સમા, અને ન જાને કહાં હમ થે, ન જાને કહાં તુમ થેનો સમાવેશ કરી શકાય. આ ગીતોનો ઉલ્લેખ એટલે કર્યો છે કે ત્રણેય ગીતોમાં તાલના ખુબ જ કર્ણપ્રિય પ્રયોગો સાંભળવા મળે છે. એક કુશળ તાલવાદ્યવાદક તરીકે દતારામે કરેલો એક મૌલિક પ્રયોગ એમના નામે લખાઈ ગયો છે, જે આજે પણ ‘દત્તુ ઠેકા’ તરીકે ઓળખાય છે. ઉદાહરણરૂપે ફિલ્મ ‘પોસ્ટબોક્સ નં. 999’(૧૯૫૮)નું એક ગીત સાંભળીએ. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં કલ્યાણજીએ ‘કલ્યાણજી વીરજી શાહ’ના નામે સંગીત આપ્યું હતું. એ સમયે કલ્યાણજી સાથે આણંદજી જોડાયા નહતા. આ ફિલ્મ માટે એમના સહાયક તરીકે લક્ષ્મીકાંત અને પ્યારેલાલ હતા.

આ ગીતના મુખડામાં 0.21 ઉપર લતા મંગેશકર ગાવાનું શરૂ કરે છે, ત્યાં તાલ બદલાઈ જાય છે. આ પ્રકારના પ્રયોગો દત્તારામ વારંવાર કરતા રહેતા. આવું જ અન્ય ઉદાહરણ ફિલ્મ ‘શ્રી ૪૨૦’ (૧૯૫૫)ના સુખ્યાત ગીતમાં સાંભળવા મળે છે. અહીં પણ મુખડામાં મન્નાડે ગાઈ લે અને લતા ઉપાડે છે ત્યાં એટલે કે 1.22 ઉપર તાલબદલો બહુ જ કર્ણપ્રિય બની રહે છે.

આ ઉપરાંત દતારામે ઢોલક/તબલાં વગાડ્યાં હોય એવાં કેટલાંક ગીતોની યાદી બનાવીએ તો ફિલ્મ ‘મધુમતિ’(૧૯૫૮)નાં ત્રણ ગીતો યાદ આવ્યા વગર ન રહે. આ ત્રણેય ગીતોના રેકોર્ડીંગ અગાઉ સંગીતકાર સલિલ ચૌધરીએ દત્તારામને તાલ શી રીતે વગાડવો એ બાબતે છૂટ્ટો દોર આપ્યો હતો. એટલે સમજી શકાય કે દત્તારામે પોતાની સૂઝથી તાલ વગાડ્યો હશે.

ફિલ્મ ‘અનાડી’(૧૯૫૯)ના અતિશય લોકપ્રિય ગીત ‘વોહ ચાંદ ખીલા વોહ તારે હંસે’ના અંતરામાં એકધારી ચાલી આવતી લયમાં દત્તારામે 1.37 ઉપર અને 3.05 ઉપર જે નાનકડો પ્રયોગ કર્યો છે તે માણવા જેવો છે.

ફિલ્મ ‘જીસ દેશમેં ગંગા બહતી હૈ’ (૧૯૬૧)ના ટાઈટલગીતમાં દત્તારામે ડફ ઉપર સાથ આપ્યો હતો.

રાજકપૂરને ઢોલક અને ડફ માટે વિશેષ લગાવ હતો એ જાણીતી હકિકત છે. એમના સ્ટુડીઓમાં થઈ રહેલી હોળીની ઉજવણી દરમિયાન રાજ ઢોલક ઉપર અને દત્તારામ ડફ ઉપર હાથ અજમાવતા જોઈ શકાય છે. બાજુના ફોટોમાં ગાયક મુકેશની સાથે દત્તારામ ડફ વગાડતા નજરે પડે છે.

એ જ ફિલ્મના ગીત ‘હો મૈં ને પ્યાર કિયા’માં પણ દતારામનું અનોખું વાદન સાંભળવા મળે છે.

સંગીતકાર રોશન ફિલ્મ ‘અજી બસ શુક્રિયા’ (૧૯૫૮) માટેના એક ગીતના રેકોર્ડીંગ માટે સ્ટુડીઓ પહોંચ્યા ત્યારે એમના ઢોલકવાદક આવ્યા નહોતા. પૂરતી રાહ જોયા પછી રોશને દત્તારામને બોલાવી લીધા. માત્ર અડધી કલાકમાં ગીતનું નિયોજન સમજી, દત્તારામે તાલ વગાડ્યો. પ્રસ્તુત છે એ ગીત. આ ક્લીપમાં વાદ્યવૃંદ પણ દેખા દે છે, જે ચાહકો માટે બોનસ સમાન છે.

યુ ટ્યુબ ઉપર જોવા મળતા દત્તારામના એક દીર્ઘ ઈન્ટરવ્યુમાં એમણે ફિલ્મ ‘આવારા’(૧૯૯૫૧)ના સ્વપ્નગીતના રેકોર્ડીંગને લગતી એક રસપ્રદ વાત કરી છે. સવારના દસ વાગ્યાની આસપાસ શરૂ થયેલું એ રેકોર્ડીંગ બીજા દિવસની સવારના છ વાગ્યા સુધી તબક્કાવાર ચાલ્યું હતું. રાજ કપૂર, શંકર, જયકિશન, સહાયકો સોની કેસ્ટેલીનો અને દત્તારામ, મન્ના ડે અને લતા મંગેશકર સાથે લગભગ ૪૦-૪૫ કોરસ ગાયક-ગાયિકાઓ, ૧૫૦ જેટલા વાદ્યકલાકારો રેકોર્ડીંગ સ્ટુડીઓમાં ઉપસ્થિત રહ્યાં હતાં. શરૂઆતના ‘તેરે બિના આગ યે ચાંદની’ વાળા ભાગનું વ્યવસ્થિત મુદ્રણ મધરાત સુધીમાં થયું. પછી ‘ઘર આયા’નો વારો આવ્યો. તે સમયે રાજ કપૂરે નિર્દેશકોને કહ્યું કે એમને તાલ સંતોષજનક નહોતો લાગતો. એમાં ફેરફાર જરૂરી લાગતો હતો. શંકર, જયકિશન અને કેસ્ટેલીનો સાથે દત્તારામ પણ મૂંઝાયા કે છેલ્લી ઘડીએ શું કરવું! એવામાં આ વાત ધ્યાનથી સાંભળી રહેલા સુમનરાવ નામના એક વાંસળીવાદકે કહ્યું કે એ લાલા ભાઉ નામક એક ઢોલકીવાદકને ઓળખતા હતા, એ કદાચ રાજને અપેક્ષિત તાલ વગાડી આપશે. રાજ કપૂરે પોતાની મોટર મોકલી અને એ કલાકારને અડધી રાતે તેડાવ્યા. દતારામ કહે છે કે લાલાને જોઈને પોતે તો ડઘાઈ જ ગયા! એ તો સ્થાનિક તમાશામાં વગાડતો હતો. એમને થયું કે લાક્ષણિક ગામીણ દેખાવ, પોષાક અને વર્તણૂક વાળો એ માણસ એવું તે શું વગાડશે, જે રાજને સ્વીકાર્ય હોય! પણ, લાલાએ ઢોલકી ઉપર પહેલી જ થાપ લગાવી કે દત્તારામ અને અન્યો ખુશ થઈ ગયા. એ પછી રીહર્સલ થયું અને રાજ કપૂરે તાલવાદન બાબતે સંતોષ વ્યક્ત કર્યો. આખરે બધું બરાબર થઈ રહ્યું અને ગીતનું રેકોર્ડીંગ સંપન્ન થયું. પરિણામે જે પ્રાપ્ત થયું છે એ ગીતને આજે ૭૦ વરસ પછી પણ હિન્દી ફિલ્મસંગીતના ઈતિહાસમાં એક શકવર્તી ઘટના તરીકે ગણવામાં આવે છે. સામાન્ય રીતે કેટલાક ‘જાણકારો’ રેકોર્ડીંગ સ્ટુડીઓની અંદર શું થયેલું એની કિંવદંતી પોતાની કલ્પનાનો મસાલો ભભરાવીને બનાવતા હોય છે. પણ. અંગ્રેજીમાં જેને ‘From Horse’s Mouth’ કહેવાય એવી ખુદ દત્તારામે જણાવેલી આ વાતમાં જે બન્યું હતું એ ઘટનાક્રમનું વર્ણન ખાસ્સું રોમાંચકારી છે. પ્રસ્તુત છે એ સંપૂર્ણ ગીત. બરાબર 5.42 ઉપર મેન્ડોલીન સાથે લાલા ભાઉની થાપ કાને પડવા લાગે છે. એ પછી અંતરાના પુનરાવર્તન અગાઉ 6.33 ઉપર મેન્ડોલીન સાથે ઢોલકનું ખુબ જ રોચક વાદન સંભળાય છે. એ જ ટૂકડો 6.42 પર પુનરાવર્તિત થાય છે. આનુ જ પુનરાવર્તન બીજા અંતરા દરમિયાન 7.11 અને 7.21 ઉપર માણવા મળે છે.

કારકિર્દીની ટોચે પહોંચ્યા પછી પણ દત્તારામ તક મળે ત્યારે વરિષ્ઠો પાસેથી વધુ ને વધુ શીખવાની ધગશ ધરાવતા હતા. નીચેની છબીમાં ફિલ્મીસંગીતમાં તાલવાદનના પિતામહ ગણાતા કાવસ લોર્ડ પાસે દત્તારામ શિષ્યભાવે શીખી રહેલા જોઈ શકાય છે. સાથે શંકર તેમ જ આપણે આ લેખમાળાની દસમી કડીમાં જેમનો વિગતવાર પરિચય મેળવી ગયા છીએ એ કાવસજીના પુત્ર કેરસી લોર્ડ પણ નજરે ચડે છે.

જીંદગીનાં પાછલાં વર્ષોમાં દત્તારામે મુંબઈ છોડી, પોતાના વતન ગોવામાં સ્થાયી થવાનું પસંદ કર્યું. છેલ્લી અવસ્થામાં કીડનીની પથરીની બિમારી લાગુ પડી અને ૨૦૧૩ની આઠમી જૂને એમણે પોતાના વતનના ઘરમાં જ આખરી શ્વાસ લીધો. એક તાલવાદ્યના કલાકારે સમાંતરે એરેન્જર, શાયક સંગીતકાર અને સંગીત નિર્દેશક તરીકે પણ ઉત્કૃષ્ટ કામ કર્યું હોય એવું એકમાત્ર ઉદાહરણ દત્તારામનું છે એમ કહેવું અતિશયોક્તિ નહીં ગણાય.


નોંધ……

    આ કડીની લિંક્સ તેમ જ ક્લીપ્સમાંનાં ગીતોને ઈયરફોનની મદદથી સાંભળવા માટે ખાસ આગ્રહ છે.

    તસવીરો અને માહિતી નેટ ઉપરથી સાભાર.

    વીડિઓ ક્લીપ્સ એનો વ્યવસાયીક ઉપયોગ નહીં થાય એની બાહેંધરી સહ યુ ટ્યુબ ઉપરથી સાભાર.

    મૂલ્યવર્ધન: બીરેન કોઠારી


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

5 thoughts on “ફિલ્મસંગીતના નકશીકારો (૧૩) – દત્તારામ વાડકર

  1. વાહ સુંદર માહિતી. જેમનાં નામો ક્યારેય પ્રસિદ્ધિ ને નથી પામ્યાં તેવા આવા કલાકારોનો આટલો વિગતપૂર્ણ પરિચય આપવા બદલ આભાર અને અભિનંદન. આ બધા ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના Gems હતા.

  2. એક થોડી આડ વાત. રાજકપુરને ડફ વગાડતા કવિરાજ શૈલેન્દ્રએ શીખવ્યું હતું. આ હકીકત કવિરાજના સૌથી નાના પુત્ર શ્રી દિનેશ શંકર શૈલેન્દ્ર દ્વારા ફેસબૂક પર મુકાઈ છે.

Leave a Reply

Your email address will not be published.