બંદિશ એક, રૂપ અનેક (૭૬) : ” થાડે રહીઓ” – એક ઠૂમરીની સંગીતમય સફર

નીતિન વ્યાસ

ગોસ્વામી તુલસીદાસ રચિત “ઠુમક ચલત રામચંદ્ર બાજત પૈજનિયાં”, “કૌશલ્યા જબ બોલન ઠુમુકી ઠુમુકી ચલે પ્રભુ પરાઈ”. સંત શિરોમણી સુરદાસ ની રચના “ચલતી દેખ જસુમતિ સુખ પાઇ,  ઠુમક  ઠુમક ધરતી ચલી બ્રજ ઠાકુર પે, ઠુમકા ઠુમકી  ઠકુરાઈ ” વગેરે ભક્તિ પદોમાં પદ સંચાલન, મૃકુટી,  નેત્ર,  હસ્ત, કલાઈ, કમર, ગ્રીવા, હસ્તક દ્વારા પૂર્ણ હાવ ભાવ સહિત ગાયન અને સાથે નૃત્ય -આ અત્યાર ની અભિનવ ઠુમરી ગાયન  શૈલીનો મુખ્ય આધાર  છે,- એમાં કોઈ સંદેહ નથી. ભક્તિ, સંગીત અને નૃત્યને આવરી લેતી આ શૈલીમાં સંતો, ભક્તો, કવિઓ, મનિષીઓનું વિપુલ યોગદાન  રહ્યું છે.  તુલસીદાસ, સુરદાસ, કબીર, મીરાં, પહાકર વગેરે ફક્ત ભક્ત કવિ નહોતા. પણ ભારતીય સંગીત અને નૃત્યકલાનાં જાણકાર પણ હતા, એ ભક્ત કવિઓ ની રચનાઓ માં તાલ, રાગ, ભાવ આદિ પ્રતીતિ એ કવિઓ ના સંગીત જ્ઞાન નું પ્રત્યક્ષ પ્રમાણ છે. આ પદો ના રાગમય , તાલ બદ્ધ માધ્યમ  દ્વારા પોતાના ઈષ્ટ દેવ ની પૂર્ણ તન્મયતા થી આરાધના કરી બ્રહ્માનંદ ની પ્રાપ્તિ એજ એમનું ધ્યેય હતું.

જ્યારે દેશ ઉપર તત્કાલીન શાસન દ્વારા વિદેશી સંસ્કૃતિ જબરજસ્તીપૂર્વક ઠોકી બેસાડવામાં આવી રહી હતી, એ સમયે આ કવિઓનાં ભક્તિમય પદોએ ભારતીયતા, ભારતીય સંસ્કૃતિ અને ધર્મની રક્ષા કાજ જન જીવનમાં નવો પ્રાણ પુરી દેશ, ધર્મ અને  સંસ્કૃતિને નષ્ટ ભ્રષ્ટ થતાં બચાવી લીધેલી. આમ સંપૂર્ણ ભારત તેના આ મહાન કવિ સંતોનાં ભક્તિમય પદો અને સંગીત સાથે તનમનથી પ્રફુલ્લિત થઇ ઉઠેલું. 

ઠુમરી ગાયકીનું ઉગમ સ્થાન જે હોય તે, પણ આ પ્રાચીન રસ  કવિઓ રચિત ભક્તિમય પદો નું પૂર્ણ ભાવસહીત ગાયન સાથે નૃત્ય પ્રદર્શન મૂળ આધાર રહ્યો છે. આ ગાયન શૈલીની કર્ણપ્રિય અને મનમોહક 

બંદિશોના રચનાકારનાં રૂપમાં લખનૌ નૃત્ય ઘરાણાના વિદ્વાન શ્રી ઠાકુર પ્રસાદ મિશ્ર ઠુમરીનાં લાલિત્ય અને ભક્તિમય પદોની રચના કરવાવાળા જનક પિતા ગણાય છે. એમની સમસ્ત રચનાઓ ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્ર અને તેમની ભક્તિ થી ઓતપ્રોત અને તેમને જ સમર્પિત છે,  ઠાકુર પ્રસાદ જી લખનૌ ઘરાણાંનાં મહાન નર્તક કાલિકા – બિન્દાદીનજી ના કાકા હતા.  બિન્દાદીનજી સ્વરચિત બંદિશો જુદાજુદા રાગ અને તાલ માં ગાવા સાથે નૃત્ય દ્વારા એક એક શબ્દ ને અને કલ્પના સાથે ભવાભિનય સાથે પ્રદર્શિત કરી સંગીત પ્રેમીઓને મંત્ર મુગ્ધ કરી દેતા. 

લખનૌ ની આ અલ્લડ કિશોર, ચપળ, દ્રુતલય -યુક્ત ઠુમરી ગાયકી જ્યારે ગોમતીનો કિનારો છોડી કાશી આવી અને અહીં શાંત, સૌમ્ય મા ગંગા નું પવિત્ર રૂપ જોયું, તો જાણે કાશી સુધીની યાત્રાની થકાન અપને આપ દૂર થઇ ગઈ, આ સ્વપ્નિલ સુખદ અનુભવથી જાણે પોતે જ રોમાંચિત થઈ ઊઠી. કાશીનું સંગીતમય વાતાવરણ, મા ગંગાની શાંત સૌમ્ય ધારા, કાશીનાં સંગીતજ્ઞો તથા સમસ્ત સંગીત પ્રેમીઓનો અતૂટ પ્યાર એટલો તો પસંદ આવ્યો કે તેણે એ લખનવી ઠાઠ, ચમકીલો ઝરી વાળો ચૂડીદાર પોષાક દુપટ્ટો સાનંદ સ્વેચ્છા એ તજી, દ્રુતલય યુક્ત ચપળ ચાલ ની ઠુમરી એ ચંચળતા ત્યાગી લજ્જાશીલ, શાલીન નવયૌવના અનુરૂપ બનારસી મનમોહક રેશમી સાડી પહેરી અલંકાર ધારણ કરી, નવો શણગાર અને નવા રૂપે ગંભીર વિલંબિત લય સાથે પ્રસ્તુત થઇ. ખરેખર ઠુમરી ગાયકીને ગોમતી અને ગંગાને  સાથે મેળવી વિશેષ તૃપ્તિ તથા અપૂર્વ શાંતિ પ્રાપ્ત થઇ. ગંગાતટ થી પોતાની નાજુક શાલીન ચાલ થી ગતિ કરતી તે વિશ્વનાથ મહાદેવ ની ગલી થી નારિયેળ બજાર, દાલમંડી  થઇ પુરા વારાણસી માં ફેલાઈ ગઈ. પેઢીઓ થી સંગીત સાધના માં પ્રવૃત ગાયક ગાયિકાઓએ હર્ષભેર અપૂર્વ પ્રેમ સાથે વધાવી લીધી. અવધની સરજમીન છોડી કાશી આવવાનું મુખ્ય ધ્યેય હતું – કાશી નગરી નું ગૌરવ, સાંસ્કૃતિક સંગીત, અહીં ગુણી સંગીતજ્ઞો ની સ્નેહ  ભરી  ગોદ અબોધ શિશુ જેવી ઠુમરી  સોળેકળાએ ખીલી. આ નવીન રૂપ સાથે એ સારાએ વિશ્વ માં ફેલાઈ. 

કાશીનાં રંગીલા, રસીલા, ભાવયુક્ત, ઉદાર, સંગીત પુજારીઓએ તેને શણગારી, વિશિષ્ટ રંગમાં બોલ-બનાવ, બોલ-બાંટ, બંદિશ ની ઠુમરીના રૂપમાં શૃંગાર, કરુણ, શાંત રસ થી ઓતપ્રોત કરી એવા હૃદય સ્પર્શી સ્વરૂપે પ્રસ્તુત કરી કે જે એક પથ્થર દિલને પણ પીગળાવી શકે તેવી ક્ષમતા ધરાવતી બની.

આ પ્રક્રિયા ના સમર્થ સાધકો હતા જેમણે પાયાનું કામ કર્યું તે સંગીતકારો હતા જગદીપ મિશ્ર, મૌજુદ્દીન ખાં , ભૈયા સાહેબ ગણપતરાવ, ગોહર જાન, મૈના વિદ્યાધરી, હુસ્ના બાનું, બડે એવં છોટે રામદાસ મિશ્ર ઇત્યાદિ. તે જમાનામાં ધ્વનિ મૃદિત કરવાનાં સાધનો ની હયાતી નહિવત હતી. એટલે પોતાનાં શિષ્યો ને શિખવાડવું તે એક ધ્યેય રહેતું. હા, ગોહર જાન, હુસ્ના બાનું  જેવાં કોઈ ગાયકની રેકર્ડ સાંભળવા મળે છે. બાકીનાં સંગીત સાધકોનો ઉલ્લેખ ફક્ત ઇતિહાસ વાંચવા મળે છે. 

(“ઠુમરી ની ઉત્પત્તિ, વિકાસ અને શૈલી” – લેખક શ્રી શત્રુઘ્ન શુક્લ) 

આજની બંદિશ: “થાડે  રહીઓ”

આ રીતે પરંપરાગત રીતે ભજન, ઠુમરી અને શાસ્ત્રીય ગાયન માં ઘણાં નામી ગાયકોએ બહેલાવી બહેલાવી ખૂબસૂરત અંદાઝ માં  પ્રસ્તુત કરીછે. આ દરેક સંસ્કરણમાં કલાકારો ને તેના શ્રોતા ગણ ચાહના  મળતી રહી  છે. 

શરુઆત કરીએ આફતાબ- એ-મુસિકી: મરહૂમ ઉસ્તાદ શ્રી ફૈયાઝ ખાંએ ગયેલ ઠુમરી (દાદરા)

થાડે રહીયો બાંકે યાર
બાંકે યાર

કજરા મેં ડારી આવું , અરી સેજ સમારે આવું
અરે કરઆવું સોલા શૃંગાર રે
થાડે રહીયો બાંકે યાર

(લગાવો પંચમ)…થાડે રહીયો બાંકે યાર
અરે બાંકે
થાડે રહીયો બાંકે યાર

અભી પામાલ કર ગયા મુઝે
અરે હાં…..વો જો દામન ઉઠાયે જાતા હૈ
થાડે રહીયો બાંકે યાર

અહીં પ્રસ્તુત છે શ્રી ખાં સાહેબની ગાયકીનું જીવંત પ્રસારણ

બનારસ ઘરાણાનાં ઠુમરી, ટપ્પાનાં પ્રખ્યાત ગાયીકા શ્રીમતી રસૂલન બાઈ

“ઠારે રહ્યો તું શ્યામ મૈં ગગરીયા ભર કર આઉં” વીસમી સદીના શરૂઆતનાં વર્ષોમાં શહેર ગયા ની મશહૂર ગાયિકા શ્રીમતી ઢેલાબાઇ. તે પોતાની સુમધુર અવાજમાં પ્રેમ થી આ ઠુમરી ગાતી તેવો ઉલ્લેખ વાંચવા મળ્યો. તેઓ ગાયનમાં  સારંગીને સ્થાને હાર્મોનિયમનો સહારો લેતાં. પછીતો ગયા ની ઠુમરી ગાયકી સાથે હાર્મોનિયમની સંગત એક આગવી ઓળખ બની ગઈ. ઢેલા બાઈ જેવું સુંદર ગાતી એવી જ સુંદર દેખાવ માં હતી. તેને પામવા માટે નવાબો અને જમીનદારો વચ્ચે ઝગડા, મારામારી અને ખૂન પણ થયેલા.  તે સમયમાં રેકોર્ડિંગ ના સાધનોનો અભાવ હતો. જે કઈ સચવાયેલું હતું તે તેમના કુટુંબીજનો એ નષ્ટ કરી દીધેલું. પણ બનારસ અને લખનવ ની જેમ ઠુમરી ગાયન માં ગયા ગાયકોની આગવી ઓળખ છે. તે બાબતે ડો. કુમુદ ઝા દીવાન નું પુસ્તક “The Earthy Thumari of Gaya” અને YouTube માં સંકલિત મુલાકાત સાંભળવા જેવી છે.  

આજ બંદિશ ભજન રૂપે સાંભળવા મળે છે. તેના શબ્દો છે::

થાડે રહીયો જી,
થાડે રહીયો ઓ ઘનશ્યામ રે,
ગગરી ભર ઘર આવું મૈં
એજી ગગરી ભર ઘર આવું મૈં
થાડે રહીયો ઓ બાંકે યાર
થાડે રહીયો ઓ ઘનશ્યામ,

સાસ નણંદ કો દે કે દિલાસા
દેકે દિલાસા હો
ચલી ચલૂંગી તોરે ધામ
થાડે રહીયો ઓ બાંકે શ્યામ
થાડે રહીયો ઓ ઘનશ્યામ રે

શ્રીમતિ શોભા ગુર્તું પાસેથી આ બંદિશ

“થાડે રહીયો રે બાંકે શ્યામ” રાગ ખમાજ, કલાકાર શ્રી રાજન સીજુર, ગયા ઘરાણા

સાંભળીયે ભજનિક રાજસ્થાન ના પંડિત શ્રી ચિરંજીલાલજી તંવર

આ ચીજ સાંભળીયે રાગ મિશ્ર પીલુમાં કૌશિકી ચક્રવર્તી પાસેથી

શુધ્ધ રાગદારીનાં ચાહક, પતીયાલા ઘરાણાંનાં વિદુષી ગાયિકા શ્રીમતી અંજના નાથ –
રાગ ખમાજ

ITC સંગીત રિસર્ચ એકેડમી નાં સ્કોલર શ્રીમતી શિંગવર્તી દાસ

ખયાલ, ઠુમરી અને ગઝલનાં કલકત્તાનાં પ્રખ્યાત ગાયક, સંગીતકાર, ફિલ્મ સ્ટાર અને લેખક શ્રી કુમાર પ્રસાદ મુખર્જી. તેમણે સંગીત ઉપર લખેલા પુસ્તકોમાં The Lost World of Hindustani Music એમેઝોન પર ઉપલબ્ધ છે. અહીં રાગ ખમાજ પ્રસ્તુત છે.

હવે જઈએ શ્રી મોરારી બાપુની રામ કથામાં –

થાડે રહીયો ઓ બાંકે યાર
પાંગળા ને બાપા ને પગ દીધા છે, અંધ ને દીધી છે આંખ
કોઢીયાના બાપા કોઢ મટાડ્યા એમાં મારો શું વાંક
હું તો આવ્યો તમારે બારણે દખભંજન કેરી આશ
થાડે રહીયો ઓ…. ઓ થાડે રહીયો ઓ બાંકે યાર

સાલ ૧૯૭૧ ની ફિલ્મ “પાકીઝા” : સંગીતકાર શ્રી ગુલામ મહંમદ દ્વારા સંગીતબદ્ધ, લતા મંગેશકરની ઠુમરી ગાયકી ની એક અણમોલ ભેટ એટલે “થાડે રહીયો ઓ બાંકે યાર”.
રાગ માંડ એક બિલાવલ થાટ નો રાગ છે. રાજસ્થાન ના ઘણાં લોકગીત આ રાગમાં સાંભળવા મળે છે. માંડની ગાયકી માં ઘણા લોકપ્રિય ગીતો છે, તે પૈકી એક “કેસરિયાં બાલમ પધારો મારે દેશ” આપ બધાએ સાંભળ્યું હશે.

ગીત ની શરૂઆત મંદ સંભળાતા તંબુરના સુર,

चाँदनी रात बड़ी देर के बाद आई है
ये मुलाक़ात बड़ी देर के बाद आई है
आज की रात वो आए हैं बड़ी देर के बाद
आज की रात बड़ी देर के बाद आई है

લતાજીના અવાજમાં મધ્ય સપ્તકમાં શરૂ થાય છે. અને એ જ સ્વરને સારંગી સાથ આપે છે. ઘૂંઘરું ની અવાજ સાથે તબલા પર દાદરા નો ઠેકો, તીરકટ્ટ…. ધા ઘી ના /તા ઘી ના સાથે લય શરૂ થાય છે અને એક માહોલ ખડો થાય છે.

લતાજી આ બંદિશ માં આલાપ, હરકતમાં તરાના, સરગમ અને તોડો બખૂબી વણ્યો છે સિતાર અને સારંગી સંગતમાં વાગે છે. પ્રખર સારંગી વાદક પંડિત રામ નારાયણ અને સિતાર વાદક શ્રી રઈસ ખાં ની કાબેલીયતે ગીત ને કર્ણપ્રિય બનાવ્યું છે. તેમાં પણ ગીતની ત્રીજી કડીમાં आ जागे न कोई रैना है थोड़ी…..बोले छमाछम पायल निगोड़ी बोले અહીં લતાજી અટકે છે અને જાણે આપણા કાનમાં કહેતા હોય તેમ ….निगोड़ीऽ…बोले छमाछम पायल निगोड़ी….हो अजी धीरे से खोलूंगी द्वार रे सैय्याँ धीरे से …मैं तो चुपके से અહીં સંગીતકાર ગુલામ મહંમદ ની સંગીતની બારીક સૂઝ દેખાઈ આવે છે.

‘પાકીઝા’ નાં પાર્શ્વ સંગીતમાં નૌશાદ સાહેબે મોટે ભાગે ઠુમરીનો ઉપયોગ કર્યો છે. આમ આ ફિલ્મનાં સંગીતે ઠુમરી ગાયકીને ઉચ્ચ શિખરે બિરાજમાન કરી છે.

સાલ ૧૯૦૩ માં બિકાનેર રાજસ્થાન માં જન્મેલા શ્રી ગુલામ મહંમદના પિતાશ્રી નકી બક્ષ એક જમાનામાં વિખ્યાત તબલાવાદક હતા. ગુલામ મહંમદ ની કારકિર્દી તબલચી તારીખે શરૂ થયેલી. પછીથી નૌશાદ સાહેબ સાથે આસિસ્ટન્ટ મ્યુઝિક ડિરેક્ટર બન્યા.

ગીતની શરૂઆત ની ચાર લાઈન શ્રી કમાલ અમરોહીએ લખેલી છે, બાકીનું ગીત શ્રી મજરૂહ સુલતાનપુરી એ લખેલું છે. પણ ગીત ની થોડી કડીઓ પરંપરાગત રીતે આ ઠુમરીમાં ગવાતી આવી છે.

અહીં દિગ્દર્શક શ્રી કમાલ અમરોહીની કાબેલિયત જોવા મળે છે . સામાન્ય રીતે ફિલ્મમાં ગીત શરૂ થતાં ફિલ્મ ની વાર્તા એટલો સમય થંભી જાય પણ અહીં એવું નથી. અહીં કેમેરા દ્વારા કથા સાથે નૃત્ય – ગીત પડદા પર ચાલતું રહે છે જે એક પિસ્તોલ ધડાકા સાથે પૂરું થાય છે.

પ્રખ્યાત નૃત્યકાર શ્રીમતી સિતારા દેવી ની પૌત્રી શ્રી રસિકા મિશ્ર અને સાથે ગાવામાં બનારસના ડો. સોમા ઘોષ

મેધા જગાવત અને તેની નૃત્ય શાળા

એક સુરીલો અવાજ શ્રી ઈવી સિંહ

નહેરુ સેન્ટર, લંડન, શ્રી નિકિતા ઠકરાલ

ગાયક અને કલાકાર શ્રી હેમા અને સંગીતકાર શ્રી મનન

માસ્ટર આકાંક્ષા રાવ એક સંગીત પ્રતિયોગિતાના કાર્યક્રમ માં

શામક દાવર અને તેનું ડાન્સ ગ્રુપનો એક અલગ અંદાઝ

શ્રી સંજીવની ભલાન્દે અને તેમનું વાદ્યવૃંદ

એક ઠુમરીની યાત્રા પહેલાં ગોમતીથી ગંગા ઘાટ સુધીની જાણી. અને ત્યાર બાદ શ્રી ફૈયાઝ ખાં અને રસૂલન બાઇથી શરૂ કરી શ્રી લતા મંગેશકર ની મહેફિલ માણી.


“પાકીઝા” યુરોપના એક ચિત્રકારનું ચારકોલ પેઇન્ટિંગ 

૧૯૭૨ કે ૭૩ ની સાલ માં શ્રી લતાજી વડોદરા જાહેર કાર્યક્રમમાં ગાવા આવેલા. મહારાજ સયાજી રાવ યુનિવર્સિટીના ઉપક્રમે પેલેસ ગ્રાઉન્ડ માં એક યાદગાર પ્રોગ્રામ થયો. બીજે દિવસે સાંજે તેઓ મુંબઈ પરત જવાનાં હતા. તેમણે સવારે આયોજકોને વિનંતી કરી કે જો વ્યવસ્થા કરો તો મારે ખાં સાહેબ શ્રી ફૈયાઝ ખાં ની મઝારે ચાદર ઓઢાડવા જવું છે. આયોજકોને એ મઝાર વડોદરામાં ક્યાં છે તેની ખબર ન હતી ! !!


શ્રી નીતિન વ્યાસનો સંપર્ક ndvyas2@gmail.com સરનામે કરી શકાશે.

Author: Web Gurjari

7 thoughts on “બંદિશ એક, રૂપ અનેક (૭૬) : ” થાડે રહીઓ” – એક ઠૂમરીની સંગીતમય સફર

  1. સરસ રજુઆત. અંતથી ઇતી સુધી સરસ સંક્લન . આભાર નિતીનભાઈ.

  2. (“ઠુમરી ની ઉત્પત્તિ, વિકાસ અને શૈલી” – લેખક શ્રી શત્રુઘ્ન શુક્લ”
    ઠુમરીની ઉત્પતિની માહિતીથી લઈ જુદા જુદા ગાયકો દ્વારા ગવાયેલ બંદિશ “થારે રહિયો ઓ બાંકે લાલ” એનુ યુટ્યુબ સંકલન, અને પાકિઝા ફિલમમાં લતા મંગેશકર દ્વારા ગવાયેલ બંદિશની ખૂબ બારીકાઈથી નીતિનભાઈએ માહિતી આપી છે. એમની અથાક મહેનત દેખાઈ આવે છે.

  3. નીતિનભાઈ,
    બહોત ખૂબ. હજી તો અડધી જ સાંભળી અને એ પણ ફક્ત sample કરી છે. નિરાંતે બધી સાંભળીશ.
    અશોક

  4. As always you truly provided Manoranjan (Entertainment of Mind) for which I am thankful to you for your effort.

Leave a Reply

Your email address will not be published.