અજબ માન્યતાઓ…. અને….. એના ગજબ ખુલાસા !

હીરજી ભીંગરાડિયા

     “જો ખેતીમાં બરકત ન આવતી હોય તો  ખેડૂતોએ ઘરમાં “ઉંદર” પાળવા જોઇએ.” આવી માન્યતાના જોરે આસામના મોટા ભાગના ખેડૂતોના ઘરમાં હવે ઉંદર જોવા મળે છે. આસામમા ચા નું ઉત્પાદન ખુબ મોટું, પણ ઉંદરડાં ચાની પત્તી તો ખાતા નથી ! એટલે ખેડૂતો પોતાના ઘરમાં ઉંદરડાંઓને આકર્ષવા માટે ઘરમાં ખાસ અનાજ ભરેલા કોથળા રાખતા હોય છે. અરે ! અચંબો પમાડે એવી વાત તો એ છે કે ઘરમાં રાખેલા અનાજના કોથળા ઉંદરડાંઓ જે દિવસે તોડે તે દિવસને શુકનવંતો ગણી, તે ઘેર ખુશીનો માહોલ સર્જાય છે !

   જ્યારે આપણે ત્યાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ખેડૂતોના વાડી-ખેતરોમાં ઊભેલા ખેતીપાકોમાં અને ઘરના કોઠાર-ગોડાઉનોમાં ભરેલા તૈયાર અનાજ કે ખાદ્ય ચીજોમાં અન્ય જીવ-જંતુ કે જાનવરો થકી થતાં નુકસાનના પ્રમાણમાં સૌથી મોટું નુકસાન ઉંદરડાંઓ થકી જ થતું હોય છે. આવા આતંકી જીવને આસામના ખેડૂતો કેમ શુકનવંતો માનતા હશે તે આપણ ગુજરાતીઓને ઝટ ન સમજાય તેવી ઘટના છે.

      કચ્છમાં કચ્છીઓના ઘરની બહાર દિવાલ પર “કંકુના થાપા” શા માટે મારવામાં આવતા હશે એનો જવાબ ત્યાંની કોઇ ગૃહિણીને પૂછતા જડ્યો છે કે “ લક્ષ્મીને અમારું ઘર દેખાડી, આ તરફ લઈ આવવા માટે આ થાપા મરાય છે !” અને કેરળ વિસ્તારમાં વળી કેરેલિયન કુટુંબો રોજેરોજ વિવિધરંગી રંગોળીઓ પૂરે છે બોલો ! એમની પણ આજ ગણતરી કે “ સારી રંગોળી ભાળી લક્ષ્મીજી અચૂક આવે !” ઘર-આંગણાને શોભાવતી રંગબેરેંગી રંગોળી બસ, લક્ષ્મીને આકર્ષવા જ પૂરવામાં આવે છે.

        અને આપણે ત્યાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મોટાં શહેરો, કસબાઓ અને ગામડાંઓ સુદ્ધામાં આમથી તેમ દોડાદોડી ને હડિયાપાટી કરતી રીક્ષાઓના પાછલા ભાગે જૂનું બૂટ કે ચપ્પલ ટીંગાતું હોય તેવું દ્રશ્ય આપણે લોકોની નજરે ક્યારેક ચડે છે. આનું કારણ જાણ્યું છે કોઇએ ? મેં એકવાર રીક્ષો ચલાવતા અમારા ગામના ગોકળીને પૂછી જોયું હતું, એણે તો બસ એ બાબતે પોતાની અજ્ઞાનતા બતાવી “આવું કરવાથી શું લાભ થાય એની તો મને ખબર નથી, પણ રીક્ષાવાળા બધા ટીંગાડે છે એટલે મેં પણ લટકાવ્યું છે !” એવો ઉત્તર આપેલો.

       પણ આ ભ્રમણાનો ખરો જવાબ મળ્યો હતો મને એક ફોરવ્હીલ ગાડીવાળા પાસેથી. ઘણા વરસ પહેલાં હું મારી “રાજદૂત” મોટર સાયકલ પર સવાર થઈ ભાવનગર જઈ રહ્યો હતો. ભાવનગરમાં મારે સરદાર નગરમાં એક સંબંધીને ત્યાં અંગતકામ સર જવું હતું. રસ્તામાં કાળાનાળા-રૂપાણી સર્કલ વટ્યા પછી મારી સાઈડ કાપી એક અફલાતૂન, મસ્તમોટી, નહીં નહીં તોયે તે દિવસોમાં 25-30 લાખ રૂપિયાની કિંમતી કાર મારી આગળ થઈ. એ આગળ અને હું પાછળ એમ રસ્તો કાપ્યે જતા હતા એ દરમ્યાન મેં એ આગળ ચાલી જતી કારના પાછળના ભાગે નીચે લટકતું એક પગરખું-બૂટ જોયું. મને લાગ્યું કે મોટર માલિકની ખબર બહાર કોઇ મશ્કરે આ કર્યું હોય. કોઇ સાધનસંપન્ન સદગૃહસ્થ ખાહડા ટીંગાડવામાં થોડું માનતો હોય ? એવામાં ચાર રસ્તા આવતાં ટ્રાફિક કંટ્રોલરે અમારી સાઇડ બંધ કરી. મારી આગળ ચાલી રહેલી-ટીંગાતા બૂટવાળી ગાડી ઊભી રહી. મેં મારા રાજદૂતને સહેજ સાઈડ પર લઈ એ ગાડીની બાજુમાં ઊભી રાખી. ગાડીના દરવાજાનો કાચ ખુલ્લો હતો. અંદર બેઠેલા શેઠ સીગરેટ પી રહ્યા હતા.

       મારો સ્વભાવ છે થોડો જિજ્ઞાસુનો ! આવું કંઇક ઇદંતૃતિયં ભાળું એટલે પૂછ્યા વિના ન રહી શકું ! શેઠને નમસ્તે કહી પૂછી બેઠો. “શેઠ ! માફ કરશો, પણ તમારી જાણ બહાર કોઇએ ગાડી પાછાળ ખાહડું બાંધી દીધું લાગે છે !”  શેઠ તો બીડીની સટ લેવાનું ઘડીભર બંધ રાખી, મારી સામે ને સામે જ જોઇ રહ્યા, અને પછી એણે શો જવાબ આપ્યો કહું ? “કોઇ બીજાએ નહીં, મેં જ બાંધ્યું છે.- આવું જૂનું બૂટ-ચપ્પલ ગાડી પાછળ લટકાવેલું હોય તો રસ્તાના કોઇપણ અપશુકન ગાડી ઢુંકડા ન આવે, એ ગાડીની પાછળ જ ટીંગાઈ રહે !” એનો આવો જવાબ સાંભળ્યા પછી હજી ઘણી પડપૂછ મારે તેમને કરવી હતી પણ સાઇડ ખુલી ગઈ અને વાત અધૂરી રહી ગઈ. શું પૈસે ટકે માલેતુજાર થઈ ગયા કે શિક્ષણની મોટી ડીગ્રીઓ મેળવી લીધી એટલે માનસમાંથી વહેમ અને અંધશ્રદ્ધાથી મૂક્ત થઈ ગયા એવું થોડું હોય છે ?

       સુરતમાં મારા એક સંબંધીને ત્યાં ઘરના પ્રવેશદ્વારે “ઘોડાના પગનો નાળ”  ટીંગાડેલો ભાળી, આવું શું કામ ? એવો પ્રશ્ન પૂછતાં એમણે તો “કહેવાય છે કે દરવાજે ઘોડાનો નાળ ટીંગાડવાથી ધંધામાં બરકત આવે છે. એટલે સૌની જેમ અમે પણ ટીંગાડ્યો છે.” એવો જવાબ આપ્યો. અને “કોઇની ખરાબ નજરનો ભોગ ન બનવું પડે”  એ ભ્રમણામાં રાચતા રહેનાર કેટલાક ઘરોમાં બારણે “લીંબું-મરચાં” ટીંગાતાં આપણે જોઇ શકીએ છીએ. પણ આખા વિસ્તારમાં ખેરખાં ગણાય [નામ નહીં આપું ] એવા ડૉક્ટરના રહેણાકી ઘરના દ્વારની તો મને જાણ નથી, પણ તેમના દવાખાનાના દ્વારે “લીંબું-મરચાંનું તોરણ” ટીંગાડેલું ભાળ્યું ત્યારે તો મન દુખાશ્ચર્યમાં ડૂબી ગયું. ગયો હતો તબિયત બતાવવા અને વચ્ચે  આ લીંબું-મરચાં લટકાવવાના મહત્વ વિશે પૂછી બેસું અને ક્યાંક ડૉક્ટરના મગજનો પારો ઉછળ્યો હોય તો મારી બીમારીના નિદાન-સારવારમાં અંતરાય ઊભો ન થઈ જાય એ ગણતરીથી પૂછવાનું બંધ રાખ્યું, પણ મનમાં તો પ્રશ્ન ઘુમરાતો જ રહ્યો કે ડૉક્ટરી ભણતર ભણનારા વિદ્યાર્થીઓને મેડિકલ-શિક્ષણમાં શરીર વિજ્ઞાનનું જ્ઞાન જરૂર અપાતું હશે,પણ અંધશ્રદ્ધા-વહેમો અને કુરિવાજો બાબતેની માનસિક સફાઇ વિશે કશુંયે નહીં સમજાવાતું હોય !

      મારા જૂના ગામ ચોસલામાં એક ધનીમા કરીને વૃદ્ધા હતાં. અમે નાનાં હતા ત્યારે તેઓ કહેતાં “છોકરાંઓ ! જેને જેને રાત્રે બીવરાવી દે તેવા ભૂતના સોણાં આવતાં હોય તેમણે ઓશિકાની નીચે ધારદાર ચપ્પુ મૂકીને સૂઇ જવું. બસ, હવે બીક લગાડતું સોણું નહીં આવે. અને જે કોઇ છોકરાંને રાતમાં ખબરબારો પેશાબ થઈ જતો હોય તેમણે સૂતાં પહેલાં ખાટલા નીચે લાકડાનું એક ઢબકલું મૂકીને સૂવું ! આમ કરવાથી પથારી પલળવાનું બંધ થઈ જશે એવો આ ધનીમાનો તમને કોલ છે જાવ !” અને અમે ધનીમાનો એ પડકાર ઝીલ્યો ! ખાટલા નીચે લાકડાંનું ઢબકલું મૂકી જોવાનો પ્રયોગ મારા બાળગોઠિયા રહીમડાએ કરી જોયો. પણ ધનીમાનો એ કીમિયો  થયો નાપાસ ! રહીમડાની પથારી તો પલળવાની શરુ જ રહી હતી !

            પંજાબમાં કોઇ વધુ વખતથી બીમાર હોય અને કોઇ દવાદારુ લાગુ ન થતાં હોય તો “દરવાજાની દિવાલ પર બહારના ભાગે “ઝાડુ” –સાવરણી ટીંગાડી દેવાય તો દરદમાં રાહત થાય છે” એવી માન્યતા છે, અને એવું જ ડાંગના અમૂક વિસ્તારમાં બીમારીથી બચવા ઘરની દિવાલ પર ઝાડુ લટકાવાય છે. અરે આપણા સુરતમાં ચાઇનાગેટ-2 માં મેં રહેણાકી મકાનના બારણા આગળ રાત્રિ દરમ્યાન રંગીન પાણી ભરેલી બોટલો મૂકેલી જોઇ આમ કરવાનું કારણ પૂછતાં જવાબ મળ્યો કે “આવું કરવાથી રાત્રિ દરમ્યાન કૂતરાં દ્વારા કરાતી હગારની ગદકીમાંથી  બચી જવાય છે.” આ કીમિયામાં કંઇ ભલીવાર મને તો ન ભળાઇ, કારણ કે રોજ સવારના પહોરમાં વોકીંગ અર્થે મારે તે દરવાજા આગળથી નીકળવાનું થતું, અને રોજ હું ત્યાં જ કુતરાએ હગાર કરેલી ભાળતો.

    કોની વાત કરવી અને કોની ન કરવી ? આપણે ત્યાં આજના આ 21મી સદીના કોમ્પુટર યુગમાં પણ કોઇ સ્નેહી-સ્વજનના મૃત્યુ પછી વૈતરણી તરવા પરિવારજનોએ ગાયને પૂંછડે પાણી રેડવાનું, કોઇ યુવાન તો ઠીક, પણ નાનું બાળકેય જો છોકરો હોય અને કુંવારી અવસ્થામાં મૃત્યુ પામે તેની પાછળ લીલ પરણાવવા કે પછી અકસ્માતે કોઇ કુટુંબીજનનું મૃત્યુ થાય તો તેના “સુરધન” કે “શિકોતર” તરીકે ઘેર ગોંખલા પૂજ્યે રાખવા જેવી ઘણી સાવ હંબક ભ્રમણાઓ પ્રચલિત છે.

       સમાજમાં પ્રસરેલા ભ્રમ તો જુઓ ! બહારગામ જવા પગ ઉપાડ્યા હોય અને કોઇ “ક્યાં જાઓ છો ?” બોલી ક્યાંકારો કરે કે કોઇને બરાબર આ ટાણે જ “છીંક” આવે કે તાકડે બિલાડી આડી ઉતરે એટલે પત્યું ! આ બધા અપશુકનના એંધાણ ગણાય ! હવે ? કોઇ સારા પ્રસંગે હાજર થવાનું હોય, એ બંધ પણ કેમ રાખવું ? આવા ટાણે પછી જેમ કોઇ ટ્રસ્ટ કે સહકારી મંડળીની મિટીંગમાં “કોરમ” પૂરું ન થતાં અરધો કલાક ખમીને જે કાર્યવાહી થાય તે કાયદેસર ગણાય છે, તેના જેવું “ઘડીક નીચે બેસી જાઓ-પછી વાંધો નહીં”  એવું કહી,  હેઠા બેસી પછી પ્રયાણ કરે એટલે અપશુકન ટળી જાય બોલો !

   અરે ! જમીન ખરીદવી હોય, ગાય-ભેંશ-બળદ જેવું કોઇ જાનવર ખરીદવું હોય કે ટ્રેકટર ખરીદવું હોય, પણ “કળકળતો ખીચડો કે સામી ઝાળ નથીને ? અરે, વિંછૂડો પાછો પેટાળે તો નથીને” એ પહેલું જોવાનું ! તમે જ કહો, આ બધાનું હોવું કે ન હોવું-એમાં ખરીદીમાં શું ફેર પડવાનો હોય ? અને એ બળદ-ગાય કે ટ્રેકટર પાછા કોને હાથે અને ક્યા ચોઘડિયે દોરવા એનુંયે પાછું મુહૂર્ત જોવાનું ! શુકન-અપશુકન-મુહૂર્ત-ચોઘડિયાં એ મનની ખાલી માન્યતાઓ છે.જેમાંથી વહેલામાં વહેલા સૌએ બહાર આવવું જોઇએ.          

હવે તેથી વિપરીત: સમાજમાં એવા પણ કેટલીક પ્રથા અને રીતરિવાજો પ્રસરેલા છે, જો ઊંડા ઉતરીએ તો તેની પાછળ કોઇ ઉમદા ભાવનાઓ સમાયેલી જણાય વિના ન રહે. દા ત. મહારાષ્ટ્રીયન કુટુંબોમાં દરરોજ સવારમાં રસોઇની શરૂઆત કરતી વખતે વધુ નહીં તો છેવટ એક બે ચમચી પણ મીઠી રસોઇ-એટલે કે ‘શીરો” બનાવાય છે. એની પાછળ બસ એવી જ માન્યતા સમાયેલી છે કે “ચૂલો સળગે એટલે પહેલી વાનગી તો મીઠી જ બનાવવી ! એ મીઠી રસોઇની એક બે ચમચી ચૂલો-સ્ટવ-સગડી કે ગેસચૂલાને હોમી હવન કરવો અને એને ઇશ્વર રૂપ ગણી એવી પ્રાર્થના કરવી કે “આજના દિવસે તારા પર જે રસોઇ કરવામાં આવે છે તેના થકી અમારી આંતરડી ઠારે! !”

      બિહારમાં એવો રિવાજ છે કે જે ઓજારથી આપણે ધંધો કરતા હોઇએ, તે ઓજાર આપણા માટે “પૂજનીય” ગણાય. તે પછી ખેતીપાકની લણણી કરવાનું દાતરડું હોય, જમીન ખોદવાનો ત્રિકમ હોય કે ભલે દાઢી કરવાનો અસ્ત્રો હોય ! અરે કપડાં વેતરવાની કાતર કેમ ન હોય ! આ બધાં સાધનો આપણને રોટલો રળવામાં સાથ આપી રહ્યાં છે. એટલે દર મહિનાની પૂનમે દરેક લોખંડી સાધનોની પૂજા અવશ્ય કરવી જ જોઇએ.”

    આપણે ત્યાં પણ વરસો જૂનો રિવાજ છે જ કે જે લોકો વેપાર કરતા હોય,અને હિસાબનાં ચોપડા રાખતા હોય તેમણે બધાએ દિવાળી ઉપર “ચોપડા પૂજન” કરવાનું. હવે વિજ્ઞાન આગળ વધતાં ઘણાના હિસાબો કમ્પ્યુટર પર થવા લાગ્યા છે, તો મારવાડી વેપારીઓ ચોપડાની સાથોસાથ કમ્પ્યુટરની પૂજાને પણ શામેલ કરે તો વ્યાજબી જ કહેવાય.

           અમ ખેડૂતોની “કૃષિ વિકાસ મંડળ” ની એક મિટિંગમાં પ્રશ્ન આવ્યો કે “ જે વરસે જમીનમાં અળસિયાં વધુ દેખાય તે વરસે ઉપજણ વધારે આવે ? શું એ વાત સાચી કહેવાય કે ખોટી ?” અને ખેડૂતોની અંદરોઅંદરની ઘણી ચર્ચાને અંતે નક્કી થયું કે “આ વાત સાવ જ સાચી ગણાય. જમીનમાં જેમ અળસિયાંની સંખ્યા વધે તેમ તે જમીનમાં વરસાદી પાણીનો સંગ્રહ વધારે થાય, અળસિયાની હગાર દ્વારા કેટલાય પોષક તત્વોનું જમીનમાં ઉમેરણ થાય, જમીનનું બંધારણ સુધરે-એટલે કે જમીનની ફળદ્રુપતામાં વધારો થતાં ઉપજણ વધે વધે ને વધે જ !” આ કોઇ ભ્રમણા નથી. સત્ય-નક્કર હકિકત ગણાય. આ વાત પરથી ખેડૂતોએ ધડો એ લેવો જોઇએ કે ઉતરોત્તર અળસિયાંની સંખ્યા જમીનમાં વધે એવા કાર્યક્રમો કરતા રહેવા જોઇએ.

      આપ સૌની નજરમાં આવ્યું હશે જ કે વેપારી દુકાન ખોલે એટલે અંદર પ્રવેશ કરતાં પહેલાં દુકાનના દ્વારને ત્રણ વાર નમન કરી “તું રોટલો રળી દેનાર છે, તને નમું છું.” એવો મનમાં ભાવ ધર્યા પછી જ બારણાં ઉઘાડે છે. ખેડૂતોએ પણ વાડી-ખેતરને દરવાજે કે શેઢે જઈ, ધરતીને નમન કરવાનો શિરસ્તો ઊભો કરવો જોઇએ.

    વાવણી લાયક વરસાદ વરસે અને વાવણિયા જોડવાના થાય એટલે વાવણીનું સાધન દંતાળ, ઓરણી-ડાંડવાં, બળદિયા અને ખેડૂત સૌને કપાળે ચાંદલા અને મોઢામાં ગોળની કાંકરી, અને ડેલી બહાર નીકળતાં સામે મળનારને પણ મીઠાં મોઢાં કરાવવાનો જે રિવાજ છે તે બધી રીતે વ્યાજબી જ છે. એવું જ સમાજમાં પ્રચલિત માન્યતા છે કે “ખિજડાના ઝાડવે તો મામો બેઠો હોય, ખિજડો કાપવા ગયે મામો વળગે”, “પીપળાના વૃક્ષ પર તો ભૂતનો વાહ હોય ! એનાં ડાળી-પાંદડાં ન જ તોડાય !” અરે ! આંકડો તો હનુમાનદાદાનું પ્યારું ઝાડવું ગણાય, દેવદેરાં ચડાય, બાકી હનુમાનની હડીએ ન ચડાય-આંકડાનું કદિ બળતણ ન કરાય.” આવી બધી માન્યતાઓ સાવ હંબક નથી. એની પાછળ તો આપણા ગલઢેરાઓએ કોઇને કોઇ પર્યાવરણ રક્ષાનો ગર્ભિત અંદેશો સંગ્રહેલો હોય છે. એનો તો શક્ય તેટલો તેની સમજણ સાથેનો અમલ થાય એ જ આપણા સૌના લાભની વાત ગણાય.

      એવું જ હુતાસણીની અગ્નિઝાળની દિશા, જેઠીબીજનો ઝબકારો, અષાઢી પાંચમની વીજળી, ટીટોડીના માળાનું ઉંચાણ-નીચાણનું સ્થળ, ઝાડવે કાગડાના માળાની પસંદગીની દિશા, ચકલાંઓનું ધૂળીસ્નાન, માલઢોરનું ઝોલે ચડવું, કકણહાર પક્ષીનો બોલી કકળાટ, અને મોઢામાં ખોરાકી કણિકા અને ઇંડાળ સાથેની કીડી-મકોડાની ભાગંભાગ-આ બધા ચિહ્નો જોવા-તપાસવા અને એના પરથી વરસાદ અને વરહના અનુમાન બાંધવા એ કોઇ અંધશ્રધા કે ભ્રમણાઓ નથી, એ તો અનુભવના નિચોડરૂપ ગઢિયાઓની કોઠાસૂઝનું વિજ્ઞાન છે ભાઇ ! 


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

Author: Web Gurjari

1 thought on “અજબ માન્યતાઓ…. અને….. એના ગજબ ખુલાસા !

Leave a Reply

Your email address will not be published.