કારાવી નિગમના વર્ષ ૨૦૧૭—૧૮ના અહેવાલને આધારે
જગદીશ પટેલ
ગુજરાતના કેટલા જીલ્લા આ કાયદા હેઠળ?
આ અહેવાલ મુજબ ગુજરાતના ૩ જીલ્લા આખા આવરી લેવાયા છે, ૧૯ જીલ્લાના અમુક વિસ્તારો આવરી લેવાયા છે અને ૧૪ જીલ્લા એવા છે જેનો કોઇ વિસ્તાર આવરી લેવાયો નથી. હવે તમે ૩+૧૯+૧૪ કરો તો સરવાળો ૩૬ થાય. પણ ગુજરાતમાં તો છે માત્ર ૩૩ જીલ્લા. એટલે કે આ અહેવાલમાં લોચો છે. આપણે તો ગુજરાતનું જોયું, બીજા રાજયોની માહિતી પણ નથી અને જોયું પણ નથી પણ આટલાથી આપણને શંકા તો થાય કે બીજા રાજયોના આંકડામાં પણ આવો લોચો હોઇ શકે. એ કદાચ એમ કહેવા માગે છે કે “ગુજરાતનો ૧ જીલ્લો (વડોદરા) આખો આવરી લેવાયો છે, ૧૮ જીલ્લાના અમુક વિસ્તારો આવરી લેવાયા છે અને ૧૪ જીલ્લા એવા છે જેનો કોઇ વિસ્તાર આવરી લેવાયો નથી. આમાં ૩૩નો સરવાળો બરાબર થાય છે. અમે આ માહિતી નિગમના અન્ય એક દસ્તાવેજમાંથી મેળવી છે. આ ઔંદ્યોગિક રીતે વિકસીત રાજય કહેવાય છે જેના અડધાથી થોડા ઓછા જીલ્લા (૪૨.૪%)માં આ કાયદો લાગુ કરાયો નથી. જે જીલ્લાઓમાં આ કાયદો બીલકુલ લાગુ પડતો નથી તેમાં કચ્છ, ગીર સોમનાથ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, મહીસાગર, નર્મદા, પાટણ અને તાપી છે.
હકીકત શું છે?
બીજી એથી વધુ અગત્યની માહિતી એ છે કે આ અહેવાલ ૧૭—૧૮નો છે અને તે સમયે તો ગુજરાતનો એક પણ જીલ્લો પુરેપુરો આવરી લેવાયો ન હતો ત્યારે આ અહેવાલ ત્રણ જીલ્લા આખા આવરી લેવાયાની માહિતી આપે છે! ગુજરાતનો એકમાત્ર જીલ્લો વડોદરા છે જે આખો આવરી લેવાયો છે અને તે માર્ચ ૨૦૧૯થી આવરી લેવાયો છે, તેની પહેલાં નહી. આમ આ બાબતે અહેવાલ ગેરમાર્ગે દોરે છે.
માલિકોની સંખ્યાઃ
આ કાયદો એવા વિસ્તારોને લાગુ પડે છે જે વિસ્તારો માટે જાહેરનામા પ્રગટ કરાયા હોય. કારાવી નિગમે ગુજરાતને ત્રણ વહીવટી વિભાગોમાં વહેચ્યું છેઃ અમદાવાદ, વડોદરા, સુરત. ત્રણે વિભાગોમાં થઇ ૪૯,૯૧૭ માલિકો, જેમાં કારખાનાં, દુકાનો, સિનેમાઘર વગેરે આવી જાય અને જેમાં ૧૦ કે તેથી વધુ કામદારો હોય. ભારત આખામાં કુલ ૧૦,૩૩,૭૩૦ માલિકો છે તે પૈકી ૪.૮% ગુજરાતમાં છે.
કામદારોની સંખ્યાઃ
ગુજરાતના ત્રણે વિભાગોમાં થઇ ૧૪.૧૬ લાખ કામદારો આવરી લેવાયા છે. સમગ્ર ભારતમાં ૩૧૧.૧૮ લાખ કામદારો આવરી લેવાયા છે. આ ૧૪.૧૬ લાખમાં હાલના કામદારો ઉપરાંત ૧,૬૨,૫૭૦ એેવા લાભાર્થી છે જેમને હાલ લાભ મળી રહ્યા છે પણ તેમનો ફાળો જમા થતો ન હોય કારણ તેઓ કામ કરતા ન હોય (કામદારોને કાયમી અપંગતા તેમજ આશ્રિત લાભ મળે છે) કામદારોના ૪.૫% ગુજરાતમાં છે અને કુલ લાભાર્થીના ૪.૫૯% ગુજરાતમાં છે. જેમ માલિકોમાં છે તેમ વીમા કામદારોમાં પણ ગુજરાતમાં જેટલા છે તે કરતાં લગભગ ૨૧ ગણા ભારતમાં છે.
ગુજરાતમાં વીમા હોસ્પીટલમાં કેટલી પથારી?
ગુજરાતના કુલ ૬૧.૨૫ લાખ લાભાર્થીઓ (કામદારો અને તેમના કુટુંબીઓ) માટે ૧૩૬૦ જનરલ પથારીઓ, ૬૬ સગર્ભા મહીલાઓ માટે પથારીઓ અને ૬૧ ટીબીના દર્દીઓ માટે થઇ કુલ ૧૪૮૭ પથારીઓ ઉપલબ્ધ છે. દેશમાં કુલ ૧૮,૨૬૬ જનરલ, ૨,૩૭૬ સગર્ભા માટે અને ૧,૨૮૯ ટીબીના દર્દીઓ માટે થઇ કુલ ૨૧,૯૩૧ પથારીઓ છે. કુલ પથારીઓની ૬.૭૮% પથારીઓ ગુજરાતમાં છે. જનરલ પથારીઓની સૌથી વધુ સંખ્યા ૩૧૭૪ પ. બંગાળમાં છે, દેશની કુલ પથારીના ૧૪.૪૭%. ત્યાં ૧૮.૫ લાખ કામદારો (ગુજરાતના ૧૪.૧૬ લાખ) અને ૭૫.૮૧ લાખ કુલ લાભાર્થી છે (ગુજરાતના ૬૧.૨૫ લાખ). પ.બંગાળની વસ્તી ગુજરાત કરતાં લગભગ દોઢી છે (૯.૧ કરોડ). ગુજરાતમાં ૧૩૫૦ કામદારે એક પથારી છે. પ.બંગાળમાં દર ૫૧૪ કામદારે એક પથારી છે. આમ પથારીઓની સંખ્યા બાબત ગુજરાત પ.બંગાળ કરતાં પછાત ગણાય. પ.બંગાળમાં લાંબા સમય સુધી રહેલું ડાબેરી શાસન અને મજબુત મજૂર આંદોલન એના કારણ હોઇ શકે.
વીમા દવાખાનાઃ
ઇ.એસ.આઇના મેડિકલ મેન્યુઅલ મુજબ દર ૫૦૦૦ વીમા કામદારે એક દવાખાનું હોવું જોઇએ. તે હિસાબે ગુજરાતમાં જો ૧૪.૧૬ લાખ વીમા કામદાર હોય તો તેમને માટે ૨૮૩ દવાખાના જોઇએ. તે સામે ગુજરાતમાં આ અહેવાલ અનુસાર માત્ર ૧૦૩ દવાખાનાં છે. હાલ ૧૩,૭૧૯ વીમા કામદારે એક દવાખાનું છે. ભારતમાં ૩ કરોડ ૮૬ લાખ કામદારો માટે ૧૫૦૦ દવાખાનાં છે એટલે કે ૨૫,૭૯૬ કામદારે એક દવાખાનું છે. તે જોતાં ગુજરાતમાં સ્થિતિ સારી ગણાય. જો કે કેરળમાં ૯.૮૯ લાખ કામદારોમાટે ૧૪૩ દવાખાનાં છે એટલે કે પ્રતિ ૬,૯૧૮ કામદારે એક દવાખાનું છે જે પ્રતિ ૫૦૦૦ કામદારે એક દવાખાના માપદંડથી ઘણું નજીક છે. પ.બંગાળમાં ૨૫ વર્ષના ડાબેરી શાસન પછી પ્રતિ ૨૮,૯૧૮ કામદારે એક દવાખાનું છે જયારે તામિલનાડુમાં સૌથી વધુ ૨૧૬— દવાખાના છે જે પ્રતી ૧૭,૯૧૦ કામદારે એક છે.
કયા રાજયમાં કેટલા વીમા કામદાર?
ઇ.એસ.આઇના આ અહેવાલ મુજબ સૌથી વધુ કામદારો નોંધાયા છે મહારાષ્ટ્રમાં (૪૧.૬૯ લાખ). તે પછી તામિલનાડુ આવે છે (૩૮.૬૮ લાખ). ત્રીજા નંબરે ૩૧.૨૫ લાખ કામદારો સાથે કર્ણાટક આવે છે. ૧૪.૧૩ લાખ સાથે ગુજરાત છેક ૯મા નંબરે છે. અને છતાં ગુજરાત દેશનું ઔંદ્યોગિક રીતે વિકસીત રાજય ગણાય છે! દક્ષિણના રાજયો ઉત્તરના રાજયો કરતાં વધુ પ્રગતિશીલ છે તે આ પરથી જણાય છે.
બીમારી માટે સેવા કેટલા કામદારોએ લીધી?
જુદી જુદી બીમારીઓ માટે કેટલા વીમા કામદારોએ સેવા લીધી તે જોઇએ. ગુજરાતમાં ૨૦૧૬—૧૭ દરમિયાન દર હજારે ૧૦૯ કામદારોએ સેવા લીધી જયારે ભારતમાં આ આંકડો ૩૮૯ હતો. ૨૦૧૭—૧૮ દરમિયાન આ આંકડા વધુ નીચા ઉતરે છે — ગુજરાતમાં હજારે ૧૦૦ કામદાર અને ભારતમાં હજારે ૨૮૩ કામદાર સારવાર લેવા જાય છે. યાદ રહે આ બંને આંકડા હજારે છે એટલે કે દર છે જયાં કુલ કેટલા કામદારો છે તે જોવાનું રહેતું નથી. આનો અર્થ સ્પષ્ટ છે કે ગુજરાતમાં બહુ ઓછા કામદારો સેવા લેવા જાય છે — કાં તેમને જરૂર પડતી નથી કાં તેઓ બીજે જાય છે.
તબીબી સારવાર પેટે ખર્ચઃ
તબીબી સારવાર આપવા પેટે ગુજરાતમાં રાજય સરકાર અને કારાવી નિગમ દ્વારા કુલ રૂ..૨૯,૭૭૪ લાખનો ખર્ચ કર્યો જે પ્રતિ વ્યક્તિ રૂ..૧,૯૫૧.૦૪ આવે છે પણ સમગ્ર ભારતમાં કુલ ખર્ચ રૂ. ૭,૧૭,૭૦૪.૬૨ લાખ અને પ્રતિ વ્યક્તિ રૂ. ૨,૧૬૫.૦૮ થયો. કશું સમજાય છે? ગુજરાતમાં બહુ કરકસરપુર્વક ખર્ચ કરવામાં આવે છે.
માંદગીના પ્રમાણપત્રોઃ
૨૦૧૬—૧૭ દરમિયાન ૧,૪૯,૮૫૬ (૧૧.૯%) કામદારોને માંદગીના પ્રમાણપત્રો કાઢી અપાયા જયારે ૨૦૧૭—૧૮માં ૧,૫૭,૦૪૫ (૧૦.૨૯%)ને કાઢી અપાયા. આમ આગળના વર્ષ કરતાં ૧૭—૧૮ દરમિયાન ઓછા કામદારોને લાભ અપાયો. માંદગીના પ્રમાણપત્રો જેટલા વધુ તેટલી વધુ ચુકવણી વીમા કામદારોને કરવી પડે એટલે કે કામદારોનો ફાયદો તે વીમા નિગમનું નુકસાન અથવા વધુ ખર્ચ.
કુટુંબ નિયોજનઃ
કુટુંબ નિયોજન એ મહત્ત્વનો રાષ્ટ્રીય કાર્યક્રમ છે. હજુ આટલા વર્ષે પણ સમાજમાં પુરૂષ નસબંધી સ્વીકાર્ય નથી તે નીચેના કોઠામાં મુકેલી વિગતો જોતાં સમજાય છે. સમગ્ર ભારતમાં આ ત્રણ વર્ષ દરમિયાન આ સતત ઘટતો આંકડો છે. શું રૂઢીવાદી શાસનનો પ્રભાવ હશે? ગર્ભપાત કરાવવાના આંકડા પણ સતત ઉતરતા ક્રમમાં છે. ગુજરાતમાં ૧૧૪, ૫૪ અને ૨૮ છે જયારે ભારતમાં આ આંકડા અનુક્રમે ૬૫૭, ૧૯૮ અને ૧૫૨ છે. શું ભાજપ શાસનમાં કુટુંબ નિયોજન કાર્યક્રમ નબળો પડયો છે? અલબત્ત માત્ર ઇ.એસ.આઇના આંકડા જોઇ આવું વિધાન કરવાનું જોખમી નીવડે.
કોઠો – ૧
પુરુષ નસબંધી | મહિલા કુટુંબ નિયોજન ઓપરેશન | |||||
૨૦૧૫-૧૬ | ૨૦૧૬-૧૭ | ૨૦૧૭-૧૮ | ૨૦૧૫-૧૬ | ૨૦૧૬-૧૭ | ૨૦૧૭-૧૮ | |
ગુજરાત | ૦૨ | ૦૦ | ૦૨ | ૨૨૨ | ૧૪૯ | ૬૭ |
ભારત | ૧૦૩ | ૬૦ | ૩૨ | ૧૫૭૯ | ૧૦૭૨ | ૧૩૧૯ |
દર હજારે કુટુંબ નિયોજનના ઓપરેશનનો દર આ ત્રણ વર્ષ દરમિયાન અનુક્રમે ગુજરાતમાં ૨.૮૭, ૧.૫૧ અને ૦.૫૧ હતો અને ભારતમાં આ દર ૪૧.૭૩, ૯.૮૮ અને ૯.૯૬ હતો. આંકડા પુરતા બોલકા છે.
આયુષઃ
આયુષની સેવાઓ કારાવી નિગમ અને કારાવી યોજના બંનેમાં અપાય છે. ગુજરાતમાં આયુર્વેદની સારવાર નિગમની બે હોસ્પિટલમાં અને યોજનાના ૪૬ દવાખાના/હોસ્પિટલમાં અપાય છે. યુનાની, સિદ્ધ અને હોમિયોપથી પધ્ધતિની આરોગ્ય સેવા ગુજરાતમાં કારાવી યોજનામાં કયાંય અપાતી નથી, હોમિયોપથીની સેવા નિગમની બે હોસ્પિટલોમાં મળે છે. સમગ્ર ભારતમાં આયુર્વેદની સારવાર નિગમના બાવન દવાખાના/હોસ્પિટલમાં અને યોજનાના ૧૧૦ દવાખાના/હોસ્પિટલમાં અપાય છે. એટલે કે નિગમના જે ૧૧૦ દવાખાના/હોસ્પિટલમાં અપાય છે તે પૈકી ૪૬ ૪૧.૮% — એકલા ગુજરાતમાં છે. કેવો આયુર્વેદ પ્રેમ! એમ કહેવાનું મન થાય કે અહીં પણ કન્જર્વેટીવ કહેતાં રૂઢીચુસ્ત શાસનનો પ્રભાવ કામ કરતો હશે. સિદ્ધ અને યુનાની સમગ્ર ભારતમાં નિગમના એક પણ દવાખાના/હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી પણ યુનાની યોજનાના ૩ દવાખાના/હોસ્પિટલમાં તો સિદ્ધ યોજનાના ૨૭ દવાખાના/હોસ્પિટલમાં અપાય છે. શું યુનાની કરતાં સિદ્ધ વધુ લોકપ્રિય છે કે શાસન એને વધુ મહત્ત્વ આપે છે? હોમિયોપથી સારવાર નિગમના ૪૬ અને યોજનાના ૪૩ દવાખાના/હોસ્પિટલમાં અપાય છે પણ યોગ નિગમના ૧૫ અને યોજનાના ૧૫ દવાખાના/હોસ્પિટલમાં જ અપાય છે.
હોસ્પીટલમાં તબીબોની સંખ્યાઃ
કારાવી નિગમ જેનું સંચાલન કરે છે તે બાપુનગર હોસ્પિટલમાં ૧૨૮ તબીબોની મંજુર થયેલ જગ્યાઓ પૈકી ૯૨ (૭૧.૮%) ભરાયેલી છે. ગુજરાતની ૧૧ હોસ્પિટલોમાં કુલ ૪૩૨ તબીબોની મંજુર થયેલ જગ્યાઓ પૈકી ૨૩૮ (૫૫.૦૯%) ભરાયેલી છે. અંકલેશ્વરમાં માત્ર ૨૦.૬% તબીબોની જગ્યા ભરાયેલી છે, જામનગરમાં ૫૮.૮૨%, વાપીમાં ૩૯.૨૮%, ભાવનગરમાં ૮૩.૩%, રાજકોટમાં ૫૮.૮૨%, સુરતમાં ૬૬.૬%, વડોદરામાં ૭૪.૪%, કલોલમાં ૩૭.૫%, રાજપુરમાં ૬૨.૫%, નરોડામાં ૩૭.૫% તબીબોની જગ્યા ભરાયેલી છે.
હોસ્પિટલમાં કેટલી પથારી ભરાય છે?
ગુજરાતમાં કુલ ૧૧ હોસ્પિટલ છે જેમાં અમદાવાદ ખાતે બાપુનગરમાં (૩૦૦ પથારી) અને રાજપુર/હીરાપુરમાં જનરલ (૫૦ પથારી) અને નરોડામાં છાતીના રોગોની (૧૦૦ પથારી) હોસ્પિટલ છે. રાજકોટ, કલોલ, જામનગરમાં ૫૦ પથારીની, ભાવનગરમાં ૩૦ પથારીની છે. વડોદરામાં ૨૦૦ પથારીની અને સુરત—અંકલેશ્વરમાં ૧૦૦—૧૦૦ પથારીની હોસ્પિટલો છે. બાપુનગર સૌથી મોટી છે.
આ ૧૧ હોસ્પિટલોમાં કેટલી પથારીઓ દર્દીથી ભરાય છે અને પથારી દીઠ ખર્ચ કેટલો થાય છે તે નીચેના કોઠામાં જોઇ શકાય છેે. રાજકોટ જેવા ૧૮.૭૮ લાખની વસ્તી ધરાવતા શહેરમાં માત્ર ૫૦ પથારીની હોસ્પિટલ હોય તેમાં માત્ર ૧૦ તબીબ હોય અને ફકત ૧૫% પથારી ભરાતી હોય તો એના કારણો તપાસવાની જરૂર કોઇને જણાતી નહી હોય? અહીં પ્રતિદિન પથારીદીઠ ખર્ચ આવે છે રૂ..૧૧,૩૨૩/-. જુદી જુદી હોસ્પિટલોમાં આ ખર્ચ કેટલો આવે છે તે નીચેના કોઠામાં જોઇ શકાય છે.
કોઠો – ૨
અનુક્રમ | હોસ્પિટલ | પથારીદીઠ પ્રતિદિન ખર્ચ રૂ.. | કેટલી પથારી ભરાય છે? |
૧ | નરોડા | ૨૨૨૩૫ | ??* |
૨ | જામનગર | ૧૮૨૧૨ | ૮% |
૩ | ભાવનગર | ૧૪૦૧૯ | ૧૬% |
૪ | બાપુનગર | ૧૧૯૦૨ | ૬૨% |
૫ | રાજકોટ | ૧૧૩૨૩ | ૧૫% |
૬ | કલોલ | ૧૦૭૩૩ | ૧૬% |
૭ | રાજપુર | ૭૨૮૭ | ૫૮% |
૮ | અંકલેશ્વર | ૬૨૭૮ | ૨૮% |
૯ | સુરત | ૬૨૬૩ | ૨૯% |
૧૦ | વાપી | ૬૧૪૧ | ૬૮% |
૧૧ | વડોદરા | ૨૮૨૨ | ૬૭% |
* ૫૦ પથારીની આ હોસ્પીટલમાં કેટલી પથારી ભરાય છે તેની વિગત અહેવાલમાંથી મળતી નથી પણ ખર્ચ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે.
૫૦ પથારીની આ હોસ્પિટલમાં કેટલી પથારી ભરાય છે તેની વિગત અહેવાલમાં મળતી નથી પણ ખર્ચ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે.
આમાં ધોળો હાથી શોધી આપનારને ઇનામ!
માંદગી લાભઃ
૨૦૧૬—૧૭માં ગુજરાતમાં ૧૫,૩૫,૭૩૭ કામદારો સદર કાયદા હેઠળ આવરી લેવાયા હતા અને ૨૦૧૭—૧૮માં વધીને ૧૮,૯૦,૮૦૭ થયા. માંદગીલાભ એટલે માંદગીને કારણે ડોકટર રજા પર રહેવાનું કહી રજા કાઢી આપે તે રજાના નાણાં વીમા કામદારને ચુકવાય તે. કામદારોની સંખ્યા વધવા છતાં માંદગીલાભ લેનાર કામદારોની સંખ્યામાં ઘટાડો થયો.
કોઠો – ૩
વર્ષ | વીમા કામદારોની સંખ્યા | માંદગી લાભ લેનારા કામદારોની સંખ્યા | માંદગી લાભ લેનારા કામદારોનાં ટકા |
૨૦૧૬-૧૭ | ૧૫,૩૫,૭૩૭ | ૨,૧૦,૦૪૦ | ૧૩.૬૭% |
૨૦૧૭-૧૮ | ૧૮,૯૦,૮૦૭ | ૨,૧૩,૨૯૭ | ૧૧.૨૮% |
કામદાર દીઠ વરસ દીઠ રોકડ લાભ લેનાર (રોકડ લાભમાં માંદગી, અપંગતા લાભ વગેરે બધા રોકડ લાભ આવી ગયા) કામદારોની સંખ્યા (દર) માં પણ ઘટાડો થયો!
કોઠો – ૪
વર્ષ | અમદાવાદ | વડોદરા | સુરત | ભારત |
૨૦૧૬-૧૭ | ૦.૧૯ | ૦.૧૫ | ૦.૦૫ | ૦૧૦ |
૨૦૧૭-૧૮ | ૦.૧૫ | ૦.૧૩ | ૦.૦૪ | ૦.૦૯ |
પ્રતિ કામદાર પ્રતિવર્ષ માંદગીલાભના દિવસોની સરેરાશ સંખ્યા ૨૦૧૬—૧૭માં પણ ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં ઘટાડો થયો.
કોઠો – ૫
વર્ષ | અમદાવાદ | વડોદરા | સુરત | ભારત |
૨૦૧૬-૧૭ | ૦.૩૯ | ૦.૫૪ | ૦.૧૬ | ૦.૩૩ |
૨૦૧૭-૧૮ | ૦.૩૨ | ૦.૪૭ | ૦.૧૩ | ૦.૨૯ |
આ સમયગાળમાં દૈનિક લાભની સરેરાશ રકમ ૨૦૧૬—૧૭માં કામદારોને મળી તે કરતાં ૧૭—૧૮માં વધી છે. પગારો વધાવાને કારણે કામદારો અને માલિકોએ ભરેલા ફાળાની રકમમાં પણ વધારો થયો હોય તેથી દૈનિક લાભની રકમમાં વધારો થયો પણ તે મેળવનારા કામદારોની સંખ્યામાં ઘટાડો થયો. એની સામે સમગ્ર ભારતમાં આ દર ૨૦૧૬—૧૭માં રૂ. ૨૫૧.૪૩ હતો તે વધીને ૨૦૧૭—૧૮માં રૂ. ૨૬૦.૧૯ થયો! ગુજરાતમાં પગાર ધોરણ અન્ય રાજયો કરતાં સારા હશે તેમ માની શકાય.
કોઠો – ૬
વર્ષ | અમદાવાદ | વડોદરા | સુરત | ભારત |
૨૦૧૬-૧૭ | ૨૫૭.૨૯ | ૨૫૫ | ૨૮૮.૧૮ | ૨૫૧.૪૩ |
૨૦૧૭-૧૮ | ૨૭૭.૯૬ | ૨૮૪.૧૦ | ૩૧૬.૨૩ | ૨૬૦.૧૯ |
માતૃત્વ લાભઃ
૨૦૧૭—૧૮માં માતૃત્વ લાભનો દર અને એ સબબ જે સરેરાશ રકમ મળી તે નીચેના કોઠામાં જુઓ.
કોઠો – ૭
વર્ષ | અમદાવાદ | વડોદરા | સુરત | |||
દર | સરેરાશ રકમ | દર | સરેરાશ રકમ | દર | સરેરાશ રકમ | |
૨૦૧૬-૧૭ | ૭.૬૫ | ૨૫૫૬૭ | ૬.૩૭ | ૩૨૧૩૯ | ૬.૬૧ | ૩૦૭૦૮ |
૨૦૧૭-૧૮ | ૬.૧૧ | ૪૫૧૯૭ | ૭.૭૯ | ૫૧૪૦૮ | ૬.૮૮ | ૫૬૦૧૭ |
અપંગતા લાભઃ
કામને સ્થળે/કામને કારણે થયેલા અકસ્માતને કારણે કામદારને હંગામી અપંગતા આવે એટલે કે એ કામે જઇ ન શકે તે સમય દરમિયાન એને પડેલી રજાના પૈસા ઇ.એસ.આઇમાંથી આપવામાં આવે જેને અંગ્રેજીમાં ટીડીબી એટલે કે ટેમ્પરરી ડીસેબલમેન્ટ બેનીફીટ કહે છે અને જો કામદારનું કોઇ અંગ કપાઇ ગયું હોય કે એવી ઇજા થઇ હોય જેની અપંગતા ઇ..એસ.આઇ નિગમના બોર્ડ દ્બારા ૧૦૦ ટકા આકારાઇ હોય તો તેને તે ઇજા સબબ જીવનભર વળતર પેટે રકમ મળ્યા કરે તેને પરમેનન્ટ ડીસેબલમેન્ટ બેનીફીટ અથવા ટુંકમાં પીડીબી કહે છે.
૨૦૧૬—૧૭માં આ લાભ લેવાને પાત્ર હોય તેવા વીમા કામદારોની સંખ્યા અમદાવાદ—વડોદરા અને સુરત વિભાગોમાં થઇ ૧૧,૨૮,૬૬૦ હતી જે વધીને ૨૦૧૭—૧૮માં ૧૩,૮૨,૩૭૦ થઇ. (ઉપર માંદગીલાભ લેવાને પાત્ર કામદારોની સંખ્યા ૨૦૧૬—૧૭માં ૧૫,૩૫,૭૩૭ હતી અને ૨૦૧૭—૧૮માં ૨૧,૦૦,૦૪૦ હતી તેની સાથે સરખાવો. આ તફાવત જે તે લાભ સાથે જોડાયેલી શરતોને કારણે હોય છે).
હંગામી અપંગતા લાભ અને કાયમી અપંગતા લાભ મેળવનારા કામદારોની સંખ્યા અમદાવાદ,વડોદરા અને સુરત (સમગ્ર ગુજરાત) તેમજ સમગ્ર ભારતમાં વધી છે તે ચિંતાજનક કહેવાય. આનો સાદો અર્થ એટલો કે અકસ્માતોની સંખ્યા વધી રહી છે.
કોઠો – ૮
વિસ્તાર | વર્ષ | વીમા કામદારોની સંખ્યા | હંગામી અપંગતા | કાયમી અપંગતા | આશ્રિત લાભ | ||||||
પ્રતિ કામદાર પ્રતિ વર્ષ નવા બનાવાનો દર | પ્રતિ કામદાર પ્રતિ વર્ષ લાભના દિવસની સંખ્યા | પ્રતિદિન દૈનિક લાભની સરેરાશ રકમ | સ્વીકૃત નવા બનાવ | પ્રતિ ૧૦૦૦ કામદારે પ્રતિવર્ષ નવા બનાવનો દર | ઉધ્ધડ રકમ ચૂકવાઈ હોય તેવા કામદારોની સંખ્યા | વર્ષને અંતે કુલ લાભાર્થીઓની સંખ્યા | મૃત્યુના સ્વીકૃત બનાવોની સંખ્યા | વર્ષને અંતે કુલ લાભાર્થીઓની સંખ્યા | |||
અમદાવાદ | 2016-17 | 559255 | 0.01 | 0.19 | 325.04 | 620 | 1.11 | 623 | 10790 | 65 | 7756 |
2017-18 | 689955 | 0.01 | 0.16 | 355.43 | 478 | 0.69 | 156 | 11046 | 58 | 7905 | |
વડોદરા | 2016-17 5 | 219060 | 0.00 | 0.17 | 301.5 | 50 | 0.23 | 6 | 1857 | 36 | 897 |
2017-18 | 252970 | 0.00 | 0.15 | 328.14 | 51 | 0.20 | 5 | 1912 | 20 | 947 | |
સુરત | 2016-17 | 350345 | 0.00 | 0.04 | 341.10 | 39 | 0.11 | 0 | 933 | 18 | 1109 |
2017-18 | 439445 | 0.00 | 0.03 | 375.02 | 57 | 0.13 | 0 | 963 | 58 | 1261 | |
ભારત | 2016-17 | 24125584 | 0.00 | 0.14 | 300.42 | 11692 | 0.48 | 4894 | 257653 | 1796 | 110582 |
2017-18 | 30219870 | 0.00 | 0.10 | 307.36 | 11960 | 0.40 | 3409 | 269354 | 1739 | 114966 |
હંગામી ઇજાઃ
આ આંકડા દર્શાવે છે કે અમદાવાદમાં ૨૦૧૬—૧૭માં ૫,૫૯,૨૫૫ કામદારો પૈકી ૫,૫૯૨ (૦.૦૧%) કામદારોને અકસ્માતમાં હંગામી ઇજા થઇ અને ૨૦૧૭—૧૮માં ૬,૮૯,૯૫૫ કામદારો પૈકી ૬,૮૯૯ (૦.૦૧%) કામદારોને અકસ્માતમાં હંગામી ઇજા થઇ. વડોદરા અને સુરત માટેના આ દર શુન્ય હોવાનું જણાવાયું છે.
હંગામી ઇજા માટે પ્રતિકામદાર પ્રતિવર્ષ અમદાવાદમાં ૨૦૧૬—૧૭માં ૦.૧૯ દિવસ લાભ અપાયો જે ૨૦૧૭—૧૮માં ઘટીને ૦.૧૬ થયો. વડોદરામાં આ દર અનુક્રમે ૦.૧૭ અને ૦.૧૫ દિવસ હતો અને સુરત વિભાગમાં આ દર ૦.૦૪ અને ૦.૦૩ હતો. સમગ્ર ભારતમાં આ દર ૦.૧૪ અને ૦.૧૦ હતો. બધે જ આ દર સતત ઘટતો દેખાયો છે તેના કારણ તપાસવા પડે. હંગામી ઇજાઓ ઘટતી રહે તે આનંદની જ વાત ગણાય પણ એ હકીકત છે કે કૃત્રિમ એ જાણવા વધુ ઉંડાણપૂર્વકની તપાસ જરૂરી બને.
હવે જોઇએ પ્રતિદિન દૈનિક લાભની સરેરાશ રકમ કેટલી ચુકવવામાં આવી તે. અમદાવાદમાં ૨૦૧૬—૧૭માં રૂ. ૩૨૫.૦૪ અને ૨૦૧૭—૧૮માં રૂ..૩૫૫.૪૩ ચુકવાયા. વડોદરામાં ૨૦૧૬—૧૭માં રૂ. ૩૦૧.૫૦ અને ૨૦૧૭—૧૮માં રૂ..૩૨૮.૧૪ ચુકવાયા. સુરતમાં ૨૦૧૬—૧૭માં રૂ. ૩૪૧.૧૦ અને ૨૦૧૭—૧૮માં રૂ..૩૭૫.૦૨ ચુકવાયા. ત્રણે શહેરોમાં સૌથી વધુ પગારો સુરત વિભાગમાં અને સૌથી ઓછા વડોદરા વિભાગમાં જોવા મળે છે.
કાયમી ઇજાઃ
અમદાવાદમાં ૨૦૧૬—૧૭માં ૫,૫૯,૨૫૫ કામદારો પૈકી ૬૨૦ (૦.૧૧%) કામદારોને અકસ્માતમાં કાયમી ઇજા થઇ અને ૨૦૧૭—૧૮માં ૬,૮૯,૯૫૫ કામદારો પૈકી ૪૭૮ (૦.૦૭%) કામદારોને અકસ્માતમાં કાયમી ઇજા થઇ.
વડોદરામાં ૨૦૧૬—૧૭માં ૨,૧૯,૦૬૦ કામદારો પૈકી ૫૦ (૦.૦૨%) કામદારોને અકસ્માતમાં કાયમી ઇજા થઇ અને ૨૦૧૭—૧૮માં ૨,૫૨,૯૭૦ કામદારો પૈકી ૫૧ (૦.૦૨%) કામદારોને અકસ્માતમાં કાયમી ઇજા થઇ. સુરતમાં ૨૦૧૬—૧૭માં ૩,૫૦,૩૪૫ કામદારો પૈકી ૩૯ (૦.૦૧%) કામદારોને અકસ્માતમાં કાયમી ઇજા થઇ અને ૨૦૧૭—૧૮માં ૪,૩૯,૪૪૫ કામદારો પૈકી ૫૭ (૦.૦૧%) કામદારોને અકસ્માતમાં કાયમી ઇજા થઇ.
આનો અર્થ એવો થાય કે બીજા બે વિભાગોની સરખામણીએ અમદાવાદ વિભાગમાં સૌથી વધુ અકસ્માતો થાય છે કે પછી એવો અર્થ થાય કે સૌથી વધુ નોંધાય છે? અમદાવાદમાં ૬૨૦ અકસ્માત, તો એ જ વર્ષે વડોદરામાં માત્ર ૫૦ અને સુરતમાં એથી પણ ઓછા ૩૯, અકસ્માત નોંધાય તેનો અર્થ એવો પણ ન થઇ શકે કે અમદાવાદ વિભાગના એકમો વધુ જોખમી કે વધુ અસલામત છે અને વડોદરા અને સુરતના એકમો વધુ સારા છે. એ નકકી કરવા ઘણી વધુ વિગતોની જરૂર પડે.
કાયમી ઇજાગ્રસ્તો ભારત અને ગુજરાતઃ
સમગ્ર ભારતમાં ૨૦૧૬—૧૭માં કુલ ૨,૪૧,૨૫,૫૮૪ વીમા કામદારો પૈકી ૧૧,૬૯૨ (૦.૦૫%) વીમા કામદારો અને ૨૦૧૭—૧૮માં ૩,૦૨,૧૯,૮૭૦ વીમા કામદારો પૈકી ૧૧,૯૬૦ (૦.૦૪%) કામદારો કાયમી ઇજાનો ભોગ બન્યા અને ગુજરાતમાં ૨૦૧૬-૧૭મા ૭૦૯ વીમા કામદારો અને ૨૦૧૭—૧૮માં અને ગુજરાતમાં ૫૮૬ કામદારો કાયમી ઇજાનો ભોગ બન્યા. આમ ભારતમાં ૨૦૧૬—૧૭માં જેટલા કામદારો કાયમી ઇજાનો ભોગ બન્યા તેના ૬.૦૬% ગુજરાતના હતા અને ૨૦૧૭—૧૮માં ગુજરાતનો આ ફાળો ૪.૮૯% હતો.
કયા ઉદ્યોગોમાં અકસ્માતો વધુ થાય છે?
પ્રકિર્ણ ઉદ્યોગમાં સૌથી વધુ કામદારો અકસ્માતને કાયમી ઇજાનો ભોગ બન્યા. ૨૦૧૬—૧૭માં કાપડ ઉદ્યોગમાં ૩૦૮૫ કામદારો, એન્જીનીયરીંગમાં ૧૦૭૭ કામદારો ભોગ બન્યા. ૨૦૧૬—૧૭માં માત્ર આ બે ઉદ્યોગોના જ ૧૧૬૯૨ કામદારો થઇને કુલ અકસ્માતના ૩૫.૬% થાય છે. ખાદ્ય પદાર્થો, ઠંડા પીણાં અને તમાકુ ઉદ્યોગમાં ૫૪૭, રસાયણો ઉદ્યોગમાં ૩૬૫, વાહન વ્યવહારમાં ૭૧૬, ધાતુ ધરાવતા ખનીજ ઉદ્યોગમાં ૭૫૨, બીનધાતુ ખનીજ ઉદ્યોગમાં ૩૭૩, કાગળ અને પ્રિન્ટીંગમાં ૩૦૫, વાણિજ્ય સંસ્થાઓમાં (દુકાનો)માં ૮૨૩, હોટલ રેસ્ટોરાંમાં૩૨, સિનેમા થીયેટરમાં ૪૨, શૈક્ષણિક સંસ્થાઓમાં ૪૧ અને હોસ્પિટલોમાં ૬૮ કામદારો કાયમી ઇજાનો ભોગ બન્યા.
જીવલેણ અકસ્માતોઃ
અમદાવાદમાં ૨૦૧૬—૧૭માં ૬૫ કામદારો અકસ્માતમાં માર્યા ગયા અને ૨૦૧૭—૧૮માં ૫૮ (૦.૦૭%) કામદારો અકસ્માતમાં માર્યા ગયા. વડોદરામાં ૨૦૧૬—૧૭માં ૩૬ કામદારો અકસ્માતમાં માર્યા ગયા અને ૨૦૧૭—૧૮માં ૨૦ (૦.૦૭%). સુરતમાં ૨૦૧૬—૧૭માં ૧૮ કામદારો અકસ્માતમાં માર્યા ગયા અને ૨૦૧૭—૧૮માં ૫૮ (૦.૦૭%) કામદારો અકસ્માતમાં માર્યા ગયા. આમ ગુજરાતમાં ૨૦૧૬—૧૭માં ૧૧૯ અને ૨૦૧૭—૧૮માં ૧૩૬ કામદારોના અકસ્માતમાં મોત થયા જેમના કુટુંબોને સદર કાયદા હેઠળ આશ્રિત લાભ ચુકવાયો. ભારતમાં આ આંકડા અનુક્રમે ૧૭૯૬ અને ૧૭૩૯ હતા. ગુજરાતમાં જીવલેણ અકસ્માતો વધ્યા પણ ભારતમાં ઘટયા. આમ ભારતમાં ૨૦૧૬—૧૭માં જેટલા કામદારો માર્યા ગયા તેના ૬.૬૨% ગુજરાતના હતા અને ૨૦૧૭—૧૮માં ૭.૮૨% હતા.
કોઠો – ૯
વર્ષ | અમદાવાદ | વડોદરા | સુરત | ગુજરાત | ભારત |
૨૦૧૬-૧૭ | ૬૫ | ૩૬ | ૧૮ | ૧૧૯ | ૧૭૯૬ |
૨૦૧૭-૧૮ | ૫૮ | ૨૦ | ૫૮ | ૧૩૬ | ૧૭૩૯ |
કુલ | ૧૨૩ | ૫૬ | ૭૬ | ૨૫૫ | ૩૫૨૫ |
કઇ માંદગી થાય છે?
માંદગીના આંકડા આ અહેવાલમાં રાજયવાર અપાયા નથી પણ સમગ્ર ભારતના અપાયા છે તેથી રાજયની સરખામણી માટે જરૂરી આંકડાકીય માહિતી મળતી નથી. તેવી માહિતી રાજયની કારાવી યોજનાના અહેવાલમાં અપાવી જોઇએ અને તે અહેવાલ પ્રજાને સુલભ હોવો જોઇએ.
ફેફસાંના ટીબીમાં ૧૬—૧૭ની સરખામણીએ ૧૭—૧૮માં વધારો થયો છે. કામદારોમાં પણ તેમના કુટુંબીજનોમાં ઘટાડો થયો છે. ૧૬—૧૭માં કામદારોમાં ટીબી થવાનો દર ૧૦૦૦ કામદારે ૦.૩૩ હતો જે ૧૭—૧૮માં વધીને ૦.૩૪ થયો. ફેફસાં સિવાયના ટીબીમાં પણ વધારો જોવા મળ્યો. ૧૬—૧૭માં એ દર ૧૦૦૦ કામદારે ૦.૧૪ હતો જે ૧૭—૧૮માં વધીને ૦.૧૭ થયો. કટુંબીજનોમાં ફેફસાં સિવાયના ટીબીમાં પણ વધારો જોવા મળ્યો. ૧૬—૧૭માં એ દર ૧૦૦૦ વ્યક્તિએ ૦.૧૪ હતો જે ૧૭—૧૮માં વધીને ૦.૧૯ થયો.
એકયુટ હીપેટાઇટીસ બીમાં ૨૦૧૬—૧૭માં દર ૧૦૦૦ કામદારે ૦.૦૮ હતો જે ૧૭—૧૮માં વધીને ૦.૦૯ થયો. હોઠ, મોં અને ગળાના કેન્સરમાં પણ (૦.૧૦થી વધી ૦.૧૧) વધારો નોંધાયો. મૂત્રાશયના કેન્સરમાં પણ વધારો નોંધાયો (૦.૦૨થી વધી ૦.૦૫). કામદારોમાં દારૂને કારણે માનસિક રોગો અને વર્તનના રોગોમાં વધારો નોંધાયો છે. (૦.૨૨થી વધી ૦.૩૦), ઝામર(૦.૧૨થી વધી ૦.૧૪) વગેરે રોગોમાં વધારો નોંધાયો છે.
પણ આંતરડા, જઠર,ગુદા,લીવર અને બાઇલ ડકટ, સ્વાદુપિંડ, કંઠસ્થાન, ફેફસાં અને શ્વાસનળી, હાડકાં અને કાર્ટીલેજ, ચામડી, મેસોથેલીઓમા, સ્તન, ગર્ભાશયનું મુખ, પ્રોસ્ટેટ, મહિલાઓના જનનાંગો, મૂત્રમાર્ગ, આંખ, કેન્દ્રિય ચેતાતંત્ર, લોહી (લ્યુકેમીયા) જેવા કેન્સરના દર્દીઓમાં ઘટાડો નોંધાયો.
ડાયાબીટીસ વધી ગયો, વધી ગયો એમ આપણે બુમો પાડીએ છીએ પણ આ અહેવાલ મુજબ વીમા કામદારોમાં દર ૧૦૦૦ કામદારે ૧૭.૫૮નો દર ૧૬—૧૭માં હતો તે ઘટીને ૧૭—૧૮માં ૧૩.૧૩ થયો. તેમના કુટુંબીજનોમાં પણ ઘટાડો દેખાય છે (૧૮.૪૪થી ઘટી ૧૪.૬૬). એ જ રીતે કુપોષણ અને વીટામીન એની ઉણપમાં પણ ઘટાડો નોંધાયો છે. સ્થુળતા ૦.૫૪થી ઘટી ૦.૩૭ થઇ છે. જો કે કુટુંબીજનોમાં એ સ્થિર રહી છે. અલ્ઝાઇમર, પાર્કિન્સન, માથાનો દુખાવો અને આધાશીશી, એપિલેપ્સી, મોતિયો, નેત્રપટલ (આંખનો પડદો), અંધાપો, બહેરાશ અને કાનના રોગો, બ્લડ પ્રેશર(૧૪.૦૮થી ઘટી ૧૦.૧૩), હ્રદયરોગ, માયોકાર્ડીઅલ ઇનફ્રેકશન, હાર્ટ ફેઇલ્યોર વગેરે રોગો, અસ્થમા અને નાક—ગળાના વિવિધ રોગો, દાંતના રોગો, એપેન્ડીકસ, અલ્સરેટીવ કોલાઇટીસ, દારૂને કારણે થતો લીવરનો રોગ, ચામડીના વિવિધ રોગો, હાડકાના ઘનત્વના રોગો, સાંધાના રોગો, મસ્કયુલોસ્કેલીટલ રોગો, કિડનીના રોગો (કિડની ફેઇલ થવાનું પ્રમાણ ૦.૪૪થી ઘટી ૦.૧૫ થયું), માસિકસ્રાવના રોગો, મહિલાઓમાં વાંઝિયાપણું, ગર્ભપાત, પ્રસુતિ પછીનો રકતસ્રાવ, ખોપરીનું હાડકું ભાંગવું, હાથપગના હાડકાં ભાંગવા, હાડકા ખસી જવા, મચકોડ, દવાઓની ઝેરી અસર, એચઆઇવી (૦.૦૨થી ઘટી ૦.૦૦) વગેરેમાં ઘટાડો નોંધાયો છે.
ન્યુમોકોનીઓસીસ એટલે ધુળને કારણે થતા ફેફસાંના રોગો જેમ કે સીલીકોસીસ, એસ્બેસ્ટોસીસ, કોલ માઇનર્સ ન્યુમોકોનીઓસીસ, સાઇડરોસીસ, બીસ્સીનોસીસ વગેરેમાં ૦.૨૯થી ઘટી ૦.૧૦નું પ્રમાણ કામદારોમાં થયું. નવાઇની વાત એ છે કે કુટુંબીજનોમાં પણ આ રોગ એમને જોવા મળે છે અને એમાં પણ ૦.૩૯થી ઘટી ૦.૨૯ જેટલું પ્રમાણ નોંધાયું છે. આમ તો આ કાયદો કામદારો માટે જ છે તેથી વ્યાવસાયિક રોગો પર વધુ ધ્યાન અપાય અને તેના નિદાન થાય તેવી અપેક્ષા સ્વાભાવિક છે. નિદાન થાય તો આંકડા પણ મળે અને આંકડા હોય તો તેમાં જે વધઘટ જોવા મળે તે પરથી કયા વ્યવસાયમાં આ રોગોનું પ્રમાણ ઓછું કરવા ધ્યાન આપવાની જરૂર છે તે સમજાય અને પગલાં લઇ શકાય. પણ આખા અહેવાલમાં વ્યાવસાયિક રોગો વિષે કોઇ જુદી માહિતી જ નથી અને માંદગીમાં માત્ર આ ન્યુમોકોનીઓસીસ પૂરતી મર્યાદિત છે. કુટુંબીજનોમાં તો આ રોગોનું પ્રમાણ હોવું જ ન જોઇએ અથવા અતિઅલ્પ હોઇ શકે પણ કા.રા.વીમા નિગમના આંકડા તો કહે છે કે કુટુંબીજનોમાં પણ આ રોગ જોવા મળે છે તો તેમણે વિશેષ તપાસ કરી અહેવાલ આપવો જોઇએ કે આમ શાથી થાય છે. આવા આંકડાથી તો આ આંકડાની વિશ્વસનીયતા શંકાના ઘેરામાં આવે છે.
શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું: jagdish.jb@gmail.com || M-+91 9426486855