શબ્દસંગ – કેળવણી : માતાપિતાનો પણ ધર્મ

નિરુપમ છાયા

ડૉ રૂપલ માંકડ સંપાદિત કેળવણી વિષયક કાવ્યોના પુસ્તક “ક કવિતાથી કેળવણી” માંના કાવ્યોને કેળવણીનાં મહત્વનાં અંગોમાં વિભાજીત કરીને એનો આસ્વાદ લઈ રહ્યા છીએ. ગયાં બે સોપાનો (૧૭.૨.૨૦૨૧ અને 3.3.૨૦૨૧)માં અનુક્રમે  આપણે બાળકો અને શિક્ષકોને સ્પર્શતાં કાવ્યોની ચર્ચા કરી.

                 શિક્ષણના ત્રિવેણી પ્રવાહમાં બાળકો અને શિક્ષકો ઉપરાંત વાલીઓનો પણ એક મહત્વનો પ્રવાહ છે. આજે સંજોગોને કારણે પરિસ્થિતિ એવી થઈ છે કે બાળકો માટે પરિવારમાં માતાપિતાએ જે રીતે બાળકનાં શિક્ષણમાં રસ લેવો જોઈએ એને બદલે કાં તો બાળકને ઉત્તમ વ્યવસ્થાઓ અને સાધનસામગ્રી પૂરી પાડીને બાળક માટે કશુંક કરી છૂટ્યાનો સંતોષ લેવાય છે, અથવા તો બાળક પર અભ્યાસ, હોમવર્ક, સમયસર શાળાએ જવા વગેરે અંગે દબાણ કરાય છે અને ટકા લાવવાનો  ભાર લાદી, પોતાની મહત્વાકાંક્ષાઓ બાળકનાં માધ્યમથી પૂરી કરવા અપેક્ષાઓનો પહાડ ઊભો કરી દેવામાં આવે છે.આ વિષચક્રમાં બાળકનો, એની કુમળી લાગણીઓનો કોઈ ક્યાંય વિચાર જ થતો નથી.

                    પ્રસ્તુત પુસ્તકમાં વાલીઓને સ્પર્શતાં કાવ્યોમાં કઈંક આવા જ વિચારો ભાવાત્મક રીતે વણી લેવાયા છે એ આપણે જોઈશું. વાલીઓમાં  બાળક પાસે અપેક્ષા રાખનારા અને વર્તમાન શિક્ષણથી ભિન્ન મત ધરાવનારા એમ બે પ્રકારના હોય છે. વળી શિક્ષણનાં માધ્યમ અંગે વલોણું કરતાં  કાવ્યોનો પણ આસ્વાદ લઈશું.

                  બાળમાનસનો વિચાર કરીએ તો સમજણ આવતાં આવતાં  આસપાસની  પ્રકૃતિ પ્રત્યે મુગ્ધતા અનુભવતાં બાળક એ આનંદમાં જ મગ્ન રહેવા માગે છે. પણ શિક્ષણ અને એ અંગેનું માતાપિતાનું વલણ એને વિક્ષેપરૂપ લાગે છે. આવો ભાવ દર્શાવતાં કાવ્યો પ્રથમ  જોઈએ એટલે માતાપિતાનો  વ્યવહાર સ્પષ્ટ થશે. ‘આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે, પતંગિયાને કહી દો, સાથે દફતર લાવે.’ પંક્તિઓ સાથે શિક્ષણ કાવ્યમાં બાળક કહે છે કે અમને કહી શકો છો તો આ પ્રકૃતિનાં તત્વોને પણ નિયમ પાલન, ફી ભરવાનું કહો  અને, ‘આ ઝરણાઓને સમજાવો સીધી લીટી દોરે, કોયલને પણ કહી દેવું ન ટહુકે ભરબપ્પોરે.” તો ખરા.! વળી બાળક મૂંઝવણ પણ અનુભવે, ‘દફતર ખોલું તો એમાંથી  નીકળે છે પ્હાડ’… ‘મને સમજાતું નૈ’ (ઉષા ઉપાધ્યાય) પંખીની પાંખે દફતર નથી ટીંગાતું એટલે એય..ને, ‘એ તો ઉડવાની મોજે કેવાં ગીત મીઠાં ગાતું!’ પ્રભુજીને ક્યાં ટાઈ બાંધવાની હતી! અને રીક્ષામાં ઠુંસાયા વિના બોલાયેલી કાનજીની ગીતામાં લેસનનો ભાર નથી. બાળકની આ અકળામણ ક્યાં કોઈ સમજે છે!

‘ટમેટું’(કિરીટ ગોસ્વામી)ના  માધ્યમથી બાળક શિક્ષણમાં વર્તાતા  ત્રાસની વાત કરે ત્યારે ‘કહે ટમેટું હસતાં-હસતાં બિલકુલ નોખી વાત:/ ખેલખેલમાં ભણીએ/ તો-તો મજા જ છે દિન રાત’ એમ પ્રેરણા મેળવતું  બાળક તો ‘અંક્ગાન’ ( કિરીટ ગોસ્વામી)માં આંકડાઓને પણ શીખવે, આ જ કવિ ‘ચાલ બિલાડા’ કહેતાં  સાથે શાળાએ લઈ જતા બાળકના  શિક્ષણ અંગેના  નિર્દોષ ભાવને રેખાંકિત કરે છે. તો કૃષ્ણ દવે ‘ઊઘડી ગઈ છે સ્કૂલ’ દ્વારા ઝટ ભણવા જવા ઇચ્છતાં પતંગિયાંની વાતથી બાળકને  પોતાને ગમતી સ્કુલની કલ્પના મૂકી દે છે. કારણ કે, , ‘ જેના પર બેસી ભણીએ તે બેંચ નથી છે ફૂલ’ ને ‘લેસનમાં તો સુગંધ આપે અથવા આપે રંગ’ પછી તો આવી શાળા ગમે જ ને!  કલ્પનામાં અડધી રાત્રે માળામાંથી ચકલી બોલાવે, ‘ચાલો રમીએ’ (મધુસુદન પટેલ) પછી બાળકને  લેસન કરતાં નીંદર આવે, લેસન ન થાય પછી વર્ગર્માં શિક્ષક ધમકાવે ત્યારે બીલ્લીપોપટ, કાબર, ગલુડિયાં સાથે, ‘ચક્લીબેને સ્કુલે જઈને ટીચરને ધમકાવ્યા, ‘લેસન થોડું ઓછું આપો’ એમ કહી સમજાવ્યા’ એવું કલ્પતાં બોજારૂપ લેસન માટે અણગમો પણ વ્યક્ત કરે.

એથી જ મુકેશ જોષીનાં  ‘મા મને કક્કો શીખવાડ’ અને ‘ ક્લાસ’ માં એ એવા અસંબદ્ધ લાગે તેવા પ્રશ્નો પૂછે, ‘મા, પેલા ઝાડની ટોચ પર બેઠેલા પંખીને કેમ કરી વાંચવું!’ વળી,તડકાનો રંગ પીળો  અને છાંયડાનો રંગ લીલો કેમ અને ગાંધીને ગોળી મારી  અને ઈશુને ખીલા જડ્યા કેમ? ‘ખુશ્બ્રૂએ વાયરાનું ટ્યુશન ક્યાં રાખ્યું છે તો પણ એ કેવી ફેલાતી.’ બોલો, છે જવાબ ?આવા તો કેટલાય પ્રશ્નો એને થાય !  નયન દેસાઈ ‘એક્ઝામ આવી’માં પણ ‘ફૂલ ખીલે છે કેમ, એનાં કારણ આપો મુરઝાવાનાં’ અને ‘પાણી અને મૃગજળના સંબંધો સમજાવવાના’ જેવા બાળ મનના તરંગો મૂકે છે. તો ગૌરાંગ ઠાકરને  ‘ગણિતનું ગીત’ માં બાળમન, ‘વરસાદી છાંટાને ગણતાં શીખવાડો સરવાળો’ અને કૂટપ્રશ્ન લઈને ઊભેલું ઝાડ ‘જગ આખામાં છાંયો કરવા જોશે કેટલી ડાળો,’ જેવું વિસ્તરણ સમજવા ઈચ્છતું દેખાય છે.  રમેશ પારેખના શબ્દોમાં તો ગદ્ય કે પદ્ય સ્પર્શે નહીં, પતંગિયું જોઇને સદ્ય વેકેશન પાડતો, ‘ઠોઠ નિશાળિયો’યે ‘મારી અભણ આંખનેભણવા મેલી તોયે ઠોઠની ઠોઠ’ અને ‘ઊડતી ચકલી જોતજોતાં ચકલી થઈને દોડે’ પછી અડફેટે આવે તો માસ્તરજીનાં ચશ્માં ફોડતી રમત માણે છે. કોન્વન્ટમાં ન જતા, યુનિફોર્મ ન પહેરતાં ‘વૃક્ષ’ને જોતાં બાળકનું મંથન જાણે સુરેશ દલાલ સમજે છે, ‘વૃક્ષ ભણતું નથી/ છતાં ઊગે છે અને વિકસે છે’…આપણને વીંધી નાખતો, વિચાર કરી મૂકતો કેવો સોંસરો  પ્રશ્ન છે!

                       પ્રકૃતિની  સહજતા સાથે બાળકને વહેવું ગમે છે. પણ આજની શિક્ષણ પદ્ધતિ, વ્યવસ્થા અને સ્પર્ધા એને અવરોધ રૂપ લાગે છે. કૃષ્ણ દવે ધારદાર કટાક્ષમાં કહે છે ‘અત્તર રહી જાય નહીં ફૂલમાં’…ઊંચે આકાશ દેખાડી ડાળ /પાછું પંખીને કહેવાનું ઝૂલ મા./બીજું શું કરવાનું સ્કૂલમાં ?   ‘દફતર’(ભાવેશ ભટ્ટ), ‘દફતરનો બોજ’(આશા પુરોહિત), અનુભવતાં બાળકને જોઈ ‘દફતરને પણ ગુસ્સો આવ્યો’(વિવેક મનહર ટેલર) માં પણ એ જ રીતે વ્યંગમાં બાળકની મૂંઝવણ સ્પષ્ટ થાય છે.

એટલે પછી વિવિધ પરિસ્થિતિથી મૂંઝવણ અનુભવતાં ‘વિદ્યાર્થીનો ભગવાનને પત્ર’(સાંઈરામ દવે ) જાય છે, ‘હા, કદાચ શિષ્યવૃત્તિના પૈસા/અને મફત જમવાનું નિશાળમાં મળે છે/એટલે મારા મા-બાપ/મને રોજ ૫ કલાક નિશાળે તગડી દે છે.’ કેટલાક પ્રશ્નો પણ મૂકે છે, તને ૩૨ પકવાન પીરસાય , હું મધ્યાહ્ન ભોજનના એક મુઠ્ઠી ભાતથી ભૂખ્યો ઘરે જાઉં, મારી નાની બેનના ફ્રોક પર થીગડુંયે મારવા કોઈ ન આવે, તારે તો નવા નવા વાઘા…’ ‘ભારભર્યા ભણતર’ની જેમ માતૃભાષા કે અંગ્રેજી એવો  શિક્ષણનાં માધ્યમનો પ્રશ્ન પણ છે.

રવીન્દ્ર પારેખ ‘હરિગીત’માં હરિને સંબોધીને અંગ્રેજી માધ્યમથી જીવન શૈલીમાં થતાં પરિવર્તન પર વ્યંગ કરે છે, ‘હરિ, તમારું નામ જૂનું છે, હરિનું હેરી કરીએ હેરી?’ અંતે મમરો પણ મૂકી દે છે, ‘કે.જી. ના એ. તો ય પલટતો મોહન ગાંધીજીમાં’….તુષાર શુક્લ ‘ફુગ્ગાવાળો’ પ્રસંગ કાવ્યમાં ફુગ્ગાવાળાન ફુગ્ગા વેચતા નથી અને એક બાળક ‘I WANT RED BALOON’ કહેતાં એની મમ્મી નીચે આવીને કહે છે, ‘ ફુગ્ગા કહેશો તો અહીં કોઈ બહાર નહીં આવે…/બલૂન કહો બલૂન… ફુગ્ગાવાળો….આ શીખીને રાજી થયો છે/ હવે એ ગલીમાજ નહીં રસ્તા પર પણ બૂમ મારે છે,/બલૂન…/ RED, YELLOW, GREEN, BLUE, BALOON.. છેલ્લી પંક્તિઓ ગુજરાતીને બદલે અંગ્રેજીમાં લખીને પોતાની વાતને ચોક્કસતાથી ઈંગિત કરી છે.

ઉદયન ઠક્કર પણ ‘ટચુકડી જા.ખ.’માં લાઘવથી ‘ગુમાઈ છે, ગુમાઈ છે, ગુમાઈ છે (નોંધવા જેવું છે,ત્રણ વાર ગુમાઈ ) કૉન્વન્ટ સ્કુલનાં કમ્પાઉન્ડમાંથી ……ગુજરાતી વાંચતીલખતી એક આખી પેઢી.’ બહુ જ ઓછા શબ્દોમાં જણાવેલું આનુ પરિણામ જુઓ, ‘….કાનુડાએ કોની મટુકી ફોડી?-એમ પૂછો તો/ કહેશે, જેક એન્ડ જિલની.’

           આટલી બધી મૂંઝવણ અને અકળામણ વચ્ચે શિક્ષણ મેળવી રહેલાં બાળકને સમજવાને બદલે માતાપિતાની અપેક્ષા કેટલી મોટી છે? મકરંદ દવે ‘રોજ નિશાળે’માં પોતાની માતા પ્રત્યે અણગમો વ્યક્ત કરે છે, ‘બા રોજ નિશાળે તગડે છે. …લે, મોઈ દાંડિયો મૂકાવી બસ દફતર દેઈ ઝગડે છે..’ કારણ કે માને તો બાળક શાળે જાય તેમાં જ રસ છે. ડૉ. રઈશ મનીઆર  તો બાળકો પાસેથી આપણી અપેક્ષાઓનું  ‘સે સોરી માય સન, સે સોરી !’શીર્ષક હેઠળ આપે છે. ત્રણ ત્રણ કલાક ટ્યુશન, ઘસી ઘસી અઢળક બદામ ખવડાવી, ઘી, શંખપુષ્પી-કોઈ ઉપાય બાકી નથી રાખતાં તોયે ‘કેમે યાદ ન  રહેતું લેસન’..સે સોરી….

વળી વિપિન પરીખ ‘સર્વોત્તમ’  કાવ્યમાં પહેલાં ધોરણમાં બીજાં નંબરે પાસ થનાર બાળકનાં માતાપિતા ચર્ચા કરે છે, … ‘આગળ જતાં ૧૦૫ માર્ક્સ લાવશે શી રીતે?/એને ડૉકટર થવાનું છે! પછી આ પાગલ સંસ્કૃતિ અને ‘માર્ક્સ એ જ કંઈ સર્વસ્વ નથી જીવનમાં,/ને  ડૉકટરી એ જ એકમાત્ર વ્યવસાય નથી જીવનમાં’ જેવો બંને વચ્ચેનો વિવાદ સાંભળી, ‘મુન્નો… ધ્રુજતી આંખે પૂછે છે મને:  ‘પપ્પા મારો કાંઈ વાંક હતો?’.  શું કહેવું !!! હિતેન આનંદપરા તો માબાપની આવી અપેક્ષાઓ અને દબાણને ‘હિટલર’ તરીકે ચીતરે છે. એટલે જ જરૂર છે , ‘ઝાડ મારે ના’માં મનોહર ત્રિવેદીએ કહેલી વાતને કાને ધરવાની… ‘ઝાડ મારે ન પોતાના ફૂલને …ઝાકળ લ્યો, હેતે નવરાવે… કાંટા તો ઝબ્બ દૈને  વાગે છતાંય એનાં ફૂલોને દેતા ના ડંખ..’ માતાપિતા સમજશે ?                                                                            

               જો કે કેટલાંક માતાપિતા વર્તમાન શિક્ષણથી સંતુષ્ટ નથી તેની વાત નિર્મિશ ઠાકર  ‘પુત્રને પહેલીવાર શાળાએ મુકતી વેળા’ સોનેટમાં કરે છે, ‘શું છે ફૂલો? મઘમઘ થતા વાયરા એટલે શું?’ આવું પૂછતાં એને એવું લાગે છે, ‘હું આ અચરજભરી વાર્તાને વિલાતી ભાળું  !’ પુત્રને શાળાએ મુકતી વેળા પોતાની સ્થિતિ યાદ આવે છે, ‘જ્યાં પ્રશ્નોના નહીં, કદી નહીં, ઉત્તરો હોય સાચા, જ્યાં ભૂંસાતી ક્ષણ ક્ષણ મહીં વિસ્મયોની જ ભાષા !’  અને સોનેટની અંતિમ પંક્તિમાં કહે છે, ‘ભીનાં પેલાં સગપણ આંખથી સ્હેજ લ્હોઈ, ખોયા એણે કલરવ હવે, વૃક્ષતા મેંય ખોઈ…’  પુત્રના કલરવ ખોવાઈ જશે એની કેટલી પીડા! આવી જ વાત ડૉ. રઈશ મનીઆર ‘રે બાળક!’ જેવા વેદના સભર  ઉદગાર સાથે કરે છે, ‘પસવાર્યો હાથ પીઠે તો દફતર નડી ગયું..’ પોતાના બાળકે પરીઓના દેશની વાત લીધી હતી પણ, ‘કાનાનું, માતરોનું ત્યાં લશ્કર નડી ગયું.’ અને પિતાને  લાગે છે, આ શિક્ષણથી, ‘વરસાદે મઘમઘે નહીં માટીની જેમ એ, અંતે  ઘડાને એનું આ ઘડતર નડી ગયું.’

અને પ્રણવ પંડ્યા ‘ખૂલતા વેકેશને બાળકની ગઝલ’ માં ‘બાળપણ શાળાએ પહોંચી જાય છે’ અને એ પિતા અનુભવે છે કે, ‘ઘંટ દુનિયાદારીનો વાગે અને ભોળપણનો તાસ પૂરો થાય છે..’ વિપિન પરીખ માની લાગણીને ‘થાય છે’માં શબ્દબદ્ધ કરે છે…તો તુષાર શુક્લ શિક્ષણમાં, પરીક્ષા, પરિણામ, એડમીશન, સ્પર્ધા વગેરેની ભીડમાં અકળાઈ જતા બાળકને પિતાના   ‘સાદ’ની  હૈયાધારણ આપે છે, ‘સાદ દેવો નહીં પડે, હું તારી પડખે જ હોઈશ’… આ જ કવિ પુત્ર દસમામાં આવે ત્યારે સામાન્ય માનસિકતાનું ચિત્ર દોરી અંતે વ્યથા ઠાલવે છે, ‘ ભણતરની આ હાલત ઋષિઓના દેશે?/કો’ક વિરલા હવે આ વિષચક્ર તોડો કે દીકરો દસમામાં આવ્યો…’

                  આ ઉપરાંત મુકેશ જોશી ‘દિવસો ગયા’, એષા  દાદાવાળા સ્કૂલ સામેના ‘વડલા’માં   અને હેઠળ કરેલા વિવિધ આનંદ પછી એ તૂટી પડતાં થયેલી વેદના, હનીફ મહેરી ‘એ પેન ને પાટી’માં જૂનું દફતરમાં  મળી આવતિ ચીજો, અને એક અજ્ઞાત કવિની પ્રખ્યાત રચના ‘ફરીથી મારે શાળાએ જવું છે’ દ્વારા વીતેલા સમયનાં શાળાનાં સંસ્મરણો પણ વાગોળે છે. શિક્ષણનાં મહત્વનાં ત્રણ ઉપરાંત અન્ય પ્રકીર્ણ કહી શકાય તેવાં ‘પુસ્તકો’, ‘ચાલુ પરીક્ષાએ’, ‘સ્કૂલ ક્યારેય બંધ ના થઇ શકે’ ‘SSCના વિદ્યાર્થીઓને વિદાય’, ‘ આ શાળાને તાળાં મારી દ્યો’ જેવાં કાવ્યો પણ મળે છે.        પણ સમગ્ર રીતે જોતાં અલગ જ દૃષ્ટિ સાથેનું આ સંપાદન એક ચોક્ક્સ ક્ષેત્રને ભાવાત્મક રીતે સ્પર્શીને સ્પંદનો જરૂર જગાડે છે એથી જ એવો આગ્રહ કરવાનું મન થાય કે શિક્ષણ સાથે સંબંધ ધરાવતા સહુ કોઈ પાસે આ પુસ્તક હોવું જ જોઈએ…..


શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.