લ્યો,આ ચીંધી આંગળી : શ્રીમાન સ્વસ્થ ! તમારા પગ નીચેની ધરતી ધ્રૂજે છે…

રજનીકુમાર પંડ્યા

‘આના વિશે લખજો હોં, સાહેબ !’

પાછળ હાથના આંકડા ભીડીને ચલતાં ચાલતાં મેં ઉપરછલ્લી હા પાડી અને કનુભાઈ માલકાણી મને અને દિલીપ રાણપુરાને જે ઢોરવાડો બતાવતા હતા તેના ઉપર નજરની હળવી પીંછી ફેરવી.

ત્યાં વળી કનુભાઈ માલકાણી બોલ્યા : ‘અને ભાઈ, આની વાત તો કંઈક અનોખી જ છે હોં ! લખજો.’

ઢોરવાડાની બાજુમાં એક મંદિર હતું. એના પૂજારીની ‘ઘાટ ઘાટકા પાની પીયા હમને’ વાળી વારતા આલેખવાનું કનુભાઈનું સૂચન. એ હજુ થોડું ગાળી ગાળીને મનમાં ઉતારું ત્યાં ત્રીજું પાનું એ ઊતર્યા : ‘અને આ કાથોડી કોમ વિશે તો ખાસ કલમ ચલાવવા જેવી છે, સમજ્યા ?’

દિલીપ રાણપુરાએ અને મેં પરસ્પર જોયું. પહોળી મોરીના ખાદીના લેંઘા અને પંખાની જેમ વળાંકવાળી ચાળવાળા અને ક્યાંક ક્યાંક જળી ગયેલા ખાદીના ઝભ્ભાવાળા કનુભાઈ માલકાણીને આ દુનિયાની દરેક વસ્તુ અદ્‍ભુત લાગતી હતી. પ્રૌઢ વયને પણ પાર કરી ગયેલા આ  ગોરેવાન પણ બેઠી દડીના માણસમાં આ મુગ્ધતા કેવી રીતે અકબંધ ? મારો તો પરિચય સાવ તાજો, પણ દિલીપ રાણપુરા ત્રીસ-પાંત્રીસ વરસથી ઓળખે. જો કે એ લોકોય મળ્યા છેક પચીસેક વરસે. એટલે મેં દિલીપને પૂછ્યું: ‘આ કનુભાઈ માલકાણી આમ સૌ પર ઓળઘોળ કેમ છે ?’

‘એમના વિશેય લખવા જેવું છે.’ દિલીપ રાણપુરાનો જવાબ. પછી કહે :‘હું નહિ કહું. તું કઢાવજે.’

આદિવાસી સેવા સમિતિ, શામળાજીના આ સામાન્ય કર્મચારી કનુભાઈ માલકાણીના જીવનમાં શું લખવા જેવું હોય ? ધંધુકાનો આ નોનમેટ્રિક માણસ. મૂળ સેવાદળિયો. રાષ્ટ્રીય ચળવળમાં પડ્યો. નેતા થવાના ગુણ નહીં, પણ નેતાપછવાડે ચાલવાનો  ગુણ. સર્વોદય આશ્રમ, ગુંદીમાં થોડી તાલીમ લીધી. સંતબાલજીના  પરિચયમાં આવ્યા, પણ ક્યાંય ઝળકી જઈને છવાઇ છવાઈ જવાનું વિત્ત નહીં. બસ, કોઈનું ચીંધ્યું કામ કરવાની તત્પરતા. ૧૯૫૨માં ક્યાંય સેવાકાર્યમાં જોતરાવાનું મન થયું. સાબરકાંઠા વિસ્તારની આદિવાસી કોમમાં શિક્ષણના પ્રસાર બદલ જાલીમ રજવાડાના સિપાઈઓનો માર ખાઈ ખાઈને રીઢા થઈ ગયેલા લોકસેવક નરસિંહભાઈ ભાવસારે એ દિવસોમાં શામળાજીમાં આદિવાસી સેવા સમિતિ શરૂ કરેલી. કનુભાઈએ એમને લખ્યું : ‘હું આવું ?’

જવાબમાં નરસિંહભાઈએ લખ્યું : ‘આ તો રાફડા તોડવાનું કામ છે. બત્રીસલક્ષણા હો તો દોડ્યા આવો.’

બત્રીસલક્ષણા એટલે શું એ જાણવા માટે કનુભાઈ ૧૯૫૨માં ત્યાં ગયા ને રહી પડ્યા.

૧૯૯૦માં એમને મળ્યો ત્યારે એ સંસ્થામાં કનુભાઇ માલકાણી આડત્રીસ વરસની નોકરીના અંતે હજાર-બારસોના પગારે પહોંચેલા હતા. મંત્રી ગણો તો મંત્રી, હેડ ક્લાર્ક ગણો તો હેડ ક્લાર્ક. આડત્રીસ વરસની એક જાહેર ટ્રસ્ટની નોકરીની આ ઉપલબ્ધિ. આંગળી સૂઝીને અંગૂઠો થઈ હતી–થાંભલો નહીં. એમની જિંદગીની આ સપાટ યાત્રામાં વળી જાણવા જેવું શું હોય ?

એટલે દિલીપને મરકીને મેં પૂછ્યું : ‘એમની જિંદગીમાં વિશેષતા શી ? પરાક્રમ શું ? કોઈ સંઘર્ષ શું ? જવા દે ને. એક અદના કર્મચારીની જિંદગીમાં લખવાજોગો મસાલો શો હોય ?

દિલીપે કહ્યું : ‘એક વાર એમને ઘેર જજે.’ પછી કહ્યું : ‘જુહાપુરામાં છે.’

હું ચમક્યો. પણ આવી વાતમાં જાહેરમાં ચમકવાનો લોકો અવળો અર્થ કરે. અમદાવાદમાં એવા દિવસો ચાલતા હતા.

  *******

‘આજે રજા છે. ભૂલી ગયા ?’

કનુભાઈનાં પત્ની સવિતાબહેને મારા સાંભળતાં પતિને આ કહ્યું. જે એમના બે જુવાન દીકરા અને એક જુવાન દીકરી પણ સાંભળે.

‘રજા ?’ કનુભાઈએ એમના ગોરા ચહેરા પરની આંખો પટપટાવતાં કહ્યું : ‘શેની રજા ?”

‘વાહ.’ સવિતાબહેન બોલ્યાં :‘તમારો તહેવાર છે ને તમને યાદ નથી ?’

‘કયો તહેવાર ?’ કનુભાઈએ પૂછ્યું : ‘શેની વાત કરે છે તું ?’

‘કેમ ? આજે ઈદ નથી ?’ સવિતાબહેને નવાઈથી હડપચીએ હથેળી મૂકી : ‘તમારો તહેવાર ને તમે ભૂલી જાઓ છો ?’

તરત જ મારા મનમાં આ બીજી વારનો ચમકારો થયો. આ શું વળી ? ઈદ ? તે પણ વળી આ કનુભાઈ (કનૈયાલાલ)નો તહેવાર ?

કનુભાઈએ ચમકારો વાંચી લીધો. એમણે ક્ષોભથી મારી સામે જોયું. એમના ત્રણ સંતાનોમાંથી એકાદની આંખોમાં જરા અણગમતો અંશ દેખાયો. આમાં મારે શું પૂછવું ? હું તો કોયડામાં વીંટળાઈ ગયો.

કનુભાઈએ હળવેથી મારો હાથ દાબ્યો : ‘પછી કહીશ.’

 ******

એ ‘પછી’માં જે જાણ્યું તે…

અબ્દુલ કરીમ કાળુભાઈ માલકાણી નામના મેમણ છોકરાને સમજણો થયો ત્યારથી કે ત્યાર પછી કદી ખબર ન પડી કે હિન્દુ શું ને મુસ્લિમ શું ? મોટા ભાઈ અબ્દુલ સતાર અને નાનો ભાઈ અબ્દુલ રજાક ને નાની બહેન હમિદા. આ સૌ મેમણ કોમમાં વરી-પરણી ગયા, પણ અબ્દુલકરીમને ઈસ્લામની કોઈ કટ્ટરતા નહીં. યુવાન વયમાં ધંધુકામાં હરિજન, ચમાર, વણકરોનું છાત્રાલય ચલાવેલું. મફત જમાડવાનું. સીધું અબ્દુલ કરીમ ગામમાંથી ભીખી આવે. ગામમાં આને કારણે એની સામે આભડછેડની હવા ફેલાઈ ગઈ. ગામ છોડ્યું એટલે નવલભાઈ શાહે ગુંદી બોલાવી લીધા. પછી દહેગામમાં સર્વોદય કેન્દ્ર શરૂ કર્યું. ત્યાં મેમણ છે એમ સૌને ખબર પડી એટલે એમની થાળી અલગ પડવા માંડી. આને કારણે મન ખાટું થઈ ગયું. એટલે આદિવાસી સમિતિમાં જોતરાઈ ગયા. એ વખતે અગમચેતી વાપરી.  નામ બદલીને કનૈયાલાલ કરી નાખ્યું. મતલબ કે કનુભાઈ. ગેઝેટમાં છપાવી પણ દીધું. લોકો નામ જાણીને હિન્દુ જાણે. ગાડું ચાલ્યું જાય. અમસ્તાય અખાજ તો ખાતા નહોતા. કથાવાર્તા ભાગવત પારાયણમાં જતા-આવતા, એટલે કે પાક્કા શું, સનાતની હિન્દુની છાપ જામી. અલબત્ત, ૧૯૫૫માં હિન્દુ કોળી પટેલની દીકરી સવિતાબહેનને એક મધ્યસ્થી મારફત પરણ્યા ત્યારે નિખાલસપણે કહી દીધું. ‘જન્મે મુસલમાન કહેવાઉં. સંસ્કૃતિએ હિન્દુ છું પણ ધર્મે માનવધર્મી છું.’ બહેન એમની આવી ટંચન વાત સાંભળીને પરણ્યાં. સંસાર ચાલ્યો. ઘરમાં જન્માષ્ટમીય ઉજવાય અને ઈદ પણ. સંઘર્ષ ચાલ્યો, પણ સમરસ ચાલ્યો. આંચકા આપે એવો નહિં.

પણ પછી સંતાનો થયાં ને છૂપો, નાનો-મોટો ઘર્ષણનો પ્રસંગ બનવા માંડ્યો. છોકરો જન્મ્યો. નામ પાડ્યું બકુલેશ. મોટો થયો ત્યાં સુધી તો બધું સમુસૂતરું ચાલ્યું પણ પછી એનું વલણ સારું એવું ઈસ્લામી રંગે રંગાઈ ગયું. એણે ગેઝેટમાં જાહેર કરીને પોતાનું નામ કરાવી નાખ્યું ઈલિયાસ. જો કે, બાપ સાથે બિયાબારું ( વેર) લવલેશ નહિ, પણ વલણ થોડું પલટાઈ ગયું. આજે એ ૨૭નો. પછી બીજો છોકરો પોપટ. એનું વલણ બંને ધર્મ પરત્વે સમાધાનકારી. ઈદમાં સેવૈયા પણ ખાય ને નોરતામાં પ્રસાદ પણ. છતાં ગેઝેટમાં જાહેર કર્યું કે મારું નામ તારિક છે.

વચ્ચે છોકરી જન્મી અંજના. એ બાપ જેવી જ ચુસ્ત નીકળી. માનવધર્મી. આર્યુવેદિક ડોક્ટર થઈ ગઈ. રાજસ્થાનમાં દવાખાનું ખોલીને બેસી ગઈ.

આ શાંત-કલેશ વગરનું ઘર પણ એમાં આંતરપ્રવાહો નિરવપણે ટકરાયા કરે.અબ્દુલ કરીમના કનુભાઈ થયા, પણ બકુલેશનો ઈલિયાસ અને પોપટનો તારીક ! ઈલિયાસના ઘરમાં કનુભાઈની ભત્રીજી મુસ્લિમ રિવાજ મુજબ પત્ની બનીને આવી… એના પિતા એટલે કે કનુભાઈના સગાભાઈ. એ કટ્ટર મુસ્લિમ !

કનુભાઈ માલકાણી સ્થિર ખુરશીમાં બેઠા છે. પણ એ સ્થિર ખુરશીના તળિયે ક્યારેક તીવ્ર ધ્રુજારી અનુભવાય છે. કનુભાઈને પૂછું છું ત્યારે કહે છે : ‘આપણી લાઈફમાં તે વળી શું લખવા જેવું હોય ?’


(નોંધ: આ લેખ એકત્રીસ વર્ષ જૂનો છે. હવે  કનુભાઇ કે દિલીપ કોઇ નથી. કનુભાઇના પરિવારના પરિચયમાં પણ હું નથી. તેમનો ફોટો પણ ઉપલબ્ધ નથી  – લેખક)


લેખકસંપર્ક-

રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

7 thoughts on “લ્યો,આ ચીંધી આંગળી : શ્રીમાન સ્વસ્થ ! તમારા પગ નીચેની ધરતી ધ્રૂજે છે…

  1. બહુજ સરસ સત્ય જીવન વાર્તા. અખાજ નવો શબ્દ જાણવા મળ્યો.

  2. ગાંધી રંગે રંગાયેલો સવાયો ગાંધીવાદી. આવા માણસો થકી જ બાપુ ઉજળા બન્યા. કનુભાઈ અને એમના ધર્મપત્ની સાથે આપને પણ વંદન સાહેબ

  3. લખવા જેવું શું હોય? એમ લખીને આપણને છેક છેલ્લા વાક્ય સુધી જકડી રાખીને છેલ્લે વળી ફરી એકવાર લખે કે લખવા જેવું શું? … છતાં સરસ કંઈક વાંચ્યાનો ઓડકાર આવે… એ જ આપની માસ્ટરી છે રજનીભાઈ !!!

  4. રજનીભાઈ,
    બહુ જ સરસ, પણ કહાણી જાણે અધૂરી છોડી દીધી હોય એમ લાગ્યું, ‘હવે પછી શું ?’ જાણવાની ઉત્કંઠા રહી ગઈ.

Leave a Reply

Your email address will not be published.