ગુલામ મોહમ્મદ અને તેમનાં ગાયકો : ૧૯૪૩-૧૯૪૯

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ

ગુલામ મોહમ્મદ (૧૯૦૩ – ૧૭ માર્ચ ૧૯૬૮) બીકાનેર (રાજસ્થાન)નાં સંગીત કળાકારોનાં કુટુંબમાં જન્યા. તેમની શરૂની તાલીમ તેમના તબલાવાદક અને અને રંગમંચના કસબી, પિતા નબી બક્શ પાસે થઈ. જોકે ગુલામ મોહમ્મદની આખી કારકિર્દીમાં તેમને ઘટના બની ગયા પછી થોડો મોડેથી જ તેનો, મળવો જોઈએ તે કરતાં ઓછો, લાભ મળે એવી જ નિયતિ ગુલામ મોહમ્મદની કારકિર્દી માટે લખાઈ હશે. આવી ઘટનાઓને આગળ જતાં યાદ કરતાં રહેશું

ગુલામ મોહમ્મદ માટે જે પણ કંઈ લખાયું છે તે દરેકમાં તેમની કોઈને કોઇ આગવી ખાસીયતની જ વાત હોય. પરંતુ તે સાથે એક અફસોસ પણ વ્યક્ત થયો જ હોય કે આટલા બધા પ્રતિભાવાન કલાકારના કમનસીબે તેને ભાગે આખરે તો ‘અસફળ સહાયક સંગીત દિગ્દર્શકો’ની ક્લ્બનું જ સભ્યપદ જ આવ્યું ! ૪૦ વર્ષની કારકિર્દીમાં માત્ર ૩૭ ફિલ્મોમાં જ તેમણે સંગીત આપ્યું એટલી નોંધ લેવાથી તેમની સંગીત પ્રતિભાનો નહીં તો પરિચય મળે કે નહી તો થાય તેમને ન્યાય. એટલે જ, કોઈ પણ કલાકારની યાદને તાજી કરતી આપણી લેખમાળાઓની શ્રેણીમાં આપણે હવે દર માર્ચ મહિને ગુલામ મોહમ્મદનાં જાણીતાં અને (વધારે તો) ઓછાં જાણીતાં ગીતોને યાદ કરીશું

ગુલામ મોહમ્મદની યાદ તાજી કરતી આ લેખમાળાની શરૂઆત આપણે ગુલામ મોહમ્મદે જે અલગ અલગ ગાયકો પાસે ગીતો ગવડાવ્યાં તેનાં વિહંગાવલોકનથી કરીશું. તેમણે જે તે સમયે ગાયકોની પસંદગી કરી હશે તેમાં પોતાની પ્રતિભાની બહુમુખીતાને રજૂ કરવાની તેમની નેમની સાથે સાથે એ ફિલ્મોનાં નિર્માણ પરિબળોની પણ ભૂમિકા રહી હશે. ખેર, કારણ જે પણ હોય, દરેક ગાયક સાથેનાં તેમનાં ગીતોમાં તેમણે એ ગાયકની ખૂબીઓને સંવારવાની સાથે સાથે પોતાની નૈસર્ગિક સંગીતશૈલીને પણ પૂર્ણતઃ નીખરવા દીધી છે તેટલું નિશ્ચિતપણે જણાઇ રહે છે. હાલના આ પ્રારંભિક તબક્કે, આપણે ગુલામ મોહમ્મદનાં ઓછાં જાણીતાં ગીતોને પસંદ કરવાનો ઝોક રાખ્યો છે.

હમીદા બાનો – ઊડ જા રે ઊડ જા પંછી પી પી મત બોલ – મેરા ખ્વાબ (૧૯૪૩) – ગીતકાર: એમ ઈ અશ્ક઼

ગુલામ મોહમ્મદને સ્વતંત્ર સંગીતકાર તરીકેની પહેલી તક ૧૯૪૨માં બનાવી શરૂ થયેલ સ્ટંટ ફિલ્મ, ‘મેરા ખ્વાબ’માં મળી, જે પરદા પર ૧૯૪૩માં રજૂ થઈ. જોકે, ફિલ્મ સંગીતના કેટલાક ઈતિહાસકારોનું કહેવું છે કે તેમની સૌ પહેલી ફિલ્મ તો ૧૯૩૭ની ‘બાંકે સિપાહી’ હતી. નસીબની કેવી બલિહારી છે કે એ ફિલ્મનું કોઈ ઠામ ઠેકાણું જ શોધ્યે મળે તેમ નથી.

જોકે એટલું જરૂર નોંધવું જોઈએ કે આ એ સમય છે જ્યારે તેઓ રફીક઼ ગઝનવી, ઈર્શાદ અલી, અનિલ બિશ્વાસ જેવા સંગીતકારો પાસે વાદ્ય કલાકાર તરીકે કામ કરતા હતા. તેમાંથી સંગીત નિર્દેશક તરીકેના પદની બઢતી તેમને નૌશાદના સહાયક તરીકે કારદાર ફિલ્મની શારદા (૧૯૪૨)મા મળી. નૌશાદ અને તેમનો આ સંબંધ, ગુલામ મોહમ્મદે સ્વતંત્ર સંગીતકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું પછી, છેક આન (૧૯૫૨) સુધી ચાલુ રહ્યો. તે ઉપરાંત, ગુલામ મોહમ્મદની આખરી ફિલ્મ ‘પાકીઝા’નું પણ અધુરૂં રહેલ  કામ નૌશાદે પુરૂં કરીને આ સંબંધને અંજલિ આપી હતી.

ઝોહરાબાઈ અંબાલેવાલી – તેરે બીના ઓ બાલમ કૈસે કટેગી મોરી રૈના બતા જા – મેરા ગીત (૧૯૪૬) – ગીતકાર: રમેશ ગુપ્તા

આ ફિલ્મનાં ૧૬ જેટલાં ગીતો માટે બાલ મુકુંદ, શંકર રાવ વ્યાસ, ગુલામ મિયાં અને રીજરામ એમ ચાર સંગીતકારોએ કામ કર્યું હતું. હિંદી ફિલ્મ ગીતકોષમાં અમુક જ ગીતો માટે સંગીતકારની ઓળખની નોંધ લેવાઈ છે. પ્રસ્તુત ગીત માટે હિંદી ફિલ્મ ગીત કોષ ગુલામ મિયાંનું નામ સંગીતકાર તરીકે નોંધે છે. જો કે સિનેમાઝી પર ખાત્રીપૂર્વક ગુલામ મિયાં ગુલામ મોહમ્મદ જ છે તેવું જોઈ શકાય છે.

ગીતમાં આપણે તાલ વાદ્ય તરીકે ઢોલકનો બહુ આગવો પ્રયોગ સાંભળી શકીએ છીએ.

 

જી એમ દુર્રાની – ખેલ નહીં… ખેલ નહીં ગીર ગીર કે સંભલના – ડોલી (૧૯૪૭) – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

હિંદી ફિલ્મોમાં ઘોડા / ઘોડાગાડીનાં ગીતોના પ્રકાર તરીકે ઓળખાતાં ગીતોમાંનું આ ગીત છે. ગીતની લય ઘોડાની ચાલ સાથે તાલ મેળવતી ઝડપી લય છે, પણ ગીત પોતે નીચા સુરમાં છે, જાણે કે ઘોડો ચલાવતાં ચલાવતાં ગાયક કંઈ ઊંડા વિચારમાં હોય.

 

મુકેશ, સમશાદ બેગમ – તેરે નાઝ ઉઠાનેકો જી ચાહતા હૈ – ગૃહસ્થી (૧૯૪૮) – ગીતકાર: શકીલ બદાયુની

અહીં ગુલામ મોહમ્મદ તાલ વાદ્ય તરીકે ‘ડફ’નો પ્રયોગ કરે છે. ડફના પ્રયોગને પણ પ્રચલિત કરવાનું શ્રે ગુલામ મોહમ્મદને ફાળે છે.

જાણકાર બ્લૉગ મિત્રોનું કહેવું છે કે પરદા પર ગીત પ્રાણ અને શારદા પર ફિલ્માવાયું છે. શારદા ‘૭૦-‘૮૦ના દાયકાના કલાકાર વિનોદ મહેરાનાં બહેન હતાં. 

 

મોહમ્મદ રફી – નિગાહેં મિલાને કો જી ચાહતા હૈ – પરાઈ આગ (૧૯૪૮) – ગીતકાર: તન્વીર નક્વી 

ગીતની બાંધણી મૂળે ‘કવ્વાલી’ની શૈલી પર છે, અંતરાનો ઉપાડ આલાપ શૈલીમાં છે, પણ તાલ વાદ્ય કવ્વાલી કરતાં ‘સોફ્ટ’ છે.

મુખડાના આ બોલને સાહિર-રોશને નવા અંદાજમાં ‘દિલ હી તો હૈ'(૧૯૬૩)માં આશા ભોસલેના સ્વરમાં ગવાતી કવ્વાલીના સ્વરૂપે પેશ કરી, જે વધારે લોકચાહના મેળવતી રહી છે.

 

સુરૈયા – મોહે મેરા બચપના લા દે… જવાની ભાયે ના – કાજલ (૧૯૪૮) – ગીતકાર: ડી એન મધોક

વાદ્ય સજ્જામાં આપણને નૌશાદનાં ગીતોની છાંટ વરતાય !

સુરૈયાનાં ચાહકોને આ રમતિયાળ ગીત આજે પણ યાદ છે.

 

સિતારા કાનપુરી – દિલકી લગી જુબાં પર આયે તો ક્યા કરૂં – પગડી (૧૯૪૮) – ગીતકાર: શકીલ બદાયુની

પ્રેમના એકરારની મુગ્ધતાને વ્યકત કરતું ગીત શ્રોતાના કાનને પણ કેટલું મીઠું લાગે છે.

‘પગડી’નાં ગીતો પણ એ સમયે સારાં એવાં પ્રચલિત થયાં હતા> ડોલી , પણ ‘પગડી’ ઓલ ઈન્દીયા પિકઅર્સ બેનરની બીજી ફિલ્મ હતી. આ પછી ગુલામ મોહમ્મદે આ બેનર હેઠળની સળંગ ફિલ્મો – પારસ (૧૯૪૯), પરદેસ (૧૯૫૦), નાઝનીન (૧૯૫૧), ગૌહર (૧૯૫૩), રેલ કા ડીબા (૧૯૫૩), લૈલા મજનુ (૧૯૫૩), હૂર-એ-અરબ (૧૯૫૫) અને સિતારા (૧૯૫૫) – માટે સંગીત આપ્યું. કદાચ આ એક જ નિર્માણ ગૃહ હતું જેમણે ગુલામ મોહમ્મદને આટલું સળંગ કામ આપ્યું.

 

શમશાદ બેગમ – મસ્તી ભરી બહારને મસ્તાના કર દિયા – પગડી (૯૧૪૮) ગીતકાર: શકીલ બદાયુની

ફુટતી યુવાનીવાળા શશીકલા માટે શમશાદ બેગમનો સ્વર પ્રયોજાયો છે.

 

ગીતા દત્ત – ન તુમ મેરે ન દિલ મેરા, અઝબ હૈ બેબસી મેરી – દિલ કી બસ્તી (૧૯૪૯) – ગીતકાર: શકીલ બદાયુની

આ ફિલ્મમાં ગુલામ મોહમ્મદે ગીતા દત્ત પાસે બીજાં બે સૉલો, બે સ્ત્રી-પુરુષ યુગલ ગીતો અને એક સ્ત્રી-સ્ત્રી યુગલ ગીત પણ ગવડાવ્યાં છે.

તે સાથે બે, કરૂણ ભાવના, ગીતો લતા મંગેશકરના સ્વરમાં પણ છે.

 

લતા મંગેશકર, જી એમ દુર્રાની – દો બીછડે હુએ દિલ આપસમેં ગયે મિલ – શાયર (૧૯૪૯) – ગીતકાર: શકીલ બદાયુની

‘શાયર’નાં ગીતો પણ ખાસ્સાં લોકપ્રિય રહ્યાં હતા, તે પણ એ સમયે જ્યારે એ જ વર્ષમાં અંદાઝ (નૌશાદ), બરસાત (શંકર જયકિશન) અને મહલ (ખેમચંદ પ્રકાશ) જેવી ફિલ્મો સ્પર્ધામાં હતી.

જી એમ દુર્રાનીના સ્વરનો મુખ્ય પુરુષ પાત્ર માટે ઉપયોગ પણ ધ્યાન ખેંચે છે.

ગીત એ સમયે ઘણું લોકપ્રિય રહ્યું હતું.

લેખની શરૂઆત કરી ત્યારે મુખ્ય આશય જુદી જુદી ફિલ્મોનાં ગીતો વડે ગુલામ મોહમ્મદે પ્રયોજેલા અલગ અલગ પાર્શ્વગાયકોનાં ગીતોને યાદ કરવાનો હતો. પરંતુ અહીં ફરી એક વાર એ નિયમને બાજુએ કરવો પડશે, કેમકે ‘શાયર’નાં બીજાં બે યુગલ ગીતોમાં જુદાં ગાયકોનાં સંયોજનની સાથે ગુલામ મોહમ્મદે પ્રયોજેલાં નવાં તાલ વાદ્યોનો ઉપયોગ પણ ધ્યાન પર લેવો જરૂરી છે.

મુકેશ, લતા મંગેશકર – યે દુનિયા હૈ યહાં દિલ કા લગાના કિસકો આતા હૈ – શાયર (૧૯૪૯) – ગીતકાર: શકીલ બદાયુની

અહીં તાલ વાદ્ય તરીકે ગુલામ મોહમ્મદ ‘મટકાં’નો પ્રયોગ કરે છે. ઢોલક, ડફ અને મતકાં એમ ત્રણેય પરંપરાગત લોકગીત શૈલીનાં તાલ વાદ્યોને પ્રચલિત કરવાનું શ્રેય ગુલામ મોહમ્મદને ફાળે ગણાય છે.

કરૂણ ભાવનું ગીત છે, એટલે મુખ્ય નાયક માટે મુકેશના પાર્શ્વસ્વરનો પ્રયોગ કરાયો છે. ગીત ખાસ્સું લોકપ્રિય રહ્યું હતું.

 

મોહમ્મદ રફી, શમશાદ બેગમ – ઓ મોરે બાલમા…. કાહે મારી કટાર…હાય…. દૈયા…દૈયા..દૈયા… – શાયર (૧૯૪૯) – ગીતકાર: શકીલ બદાયુની

સંગીતનું, અને તેમાં પણ વાદ્યો વિશેનું તો ખાસ, મારૂં જ્ઞાન એટલું મર્યાદિત છે કે આ ગીતમાં મટાકાં અને ઢોલક એમ બન્નેનો તાલ વાદ્યો તરીકે પ્રયોગ કરાયો જણાય છે એમ કહેતાં પણ મારી હિમ્મત તો નથી જ ચાલતી! પ્રયોગમાં નવીનતા છે એટલું જરૂર કહી શકાય.

પૂર્વાલાપની વાદ્યસજ્જામાં છેક ‘પાકીઝા’નાં ગીતો માટે ગુલામ મોહમ્મ્દે જે વાદ્યસજ્જા સજાવી છે તેના અણસાર ભાળી શકાય છે.

ગીતનાં દૃશ્યો ધ્યાનથી જોતાં જોવા મળે છે કે પ્રેક્ષક દીર્ઘામાં બેસીને ગીતને (આગા સાથે), એ સમયનાં નૃત્ય ગીતોમાં જેમને જોવા  આપણે ટેવાયેલાં છીએ, તે કક્કુ બેઠાં છે અને બીજાં કોઇનું નૃત્ય માણી રહ્યાં છે !

 

હવે પછીના મણકામાં પણ આપણે ગુલામ મોહમ્મદના ગાયકો સાથેના પ્રયોગોના રંગપટના વિવિધ રંગોને માણીશું.

Author: Web Gurjari

4 thoughts on “ગુલામ મોહમ્મદ અને તેમનાં ગાયકો : ૧૯૪૩-૧૯૪૯

  1. ખુબ સરસ સન્કલન અને રજુઆત .અભિનન્દન. ભુલાયેલા મધુર ગીતોને સાંભલવાનો મોકો મ્લ્યો .

  2. મસ્ત સંકલન, અશોકભાઈ!
    ‘બાંકે સિપાહી’ના સંગીતકાર ગુલામ મહમ્મદ ખરા, પણ એ આ નહીં. એટલે તેમની પહેલી ફિલ્મ ‘મેરા ખ્વાબ’ જ કહી શકાય.

    1. ‘બાંકે સિપાહી’વાળા ગુલામ મોહમ્મદ બીજા એ નક્કી ઠરાવવા બદલ આભાર.
      આપણે જે ગુલામ મોહમ્મદની વાત કરી રહ્યાં છીએ તેમણે માડ ૩૫ /૩૭ ફિલ્મો સ્વત્રપણે કરી છે, એટલે તેમનાં ગીતો મોટા ભાગનાં ગીતોને યાદ કરવાનો આ શ્રેણીનો હેતુ રાખ્યો છે.

Leave a Reply

Your email address will not be published.