અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : ગ્રોટ્ટો ધોધ અને સ્મોકી પર્વત

દર્શા કિકાણી

૦૪/૦૬/૨૦૧૭

સવારે સમયસર ઊઠી અમે ગઈકાલની જેમ ચાલવા ગયાં. ચીર શાંતિનો અનુભવ થયો. અમારા ચાલવાનો અને પગલાં ભરવાનો પણ અવાજ સંભળાય તેટલી શાંતિ હતી. પાછાં આવીને નાસ્તો કરી તૈયાર થઈ આગલા મુકામે જવા નીકળ્યાં. આખો કાફલો ૧૩૦ કી.મિ. દૂર આવેલ સ્મોકી પર્વત તરફ આગળ વધ્યો! લગભગ આખો દિવસ આ પર્વતોની આસપાસ ધુમાડા જેવું (Smoky) લાગ્યાં કરે છે એટલે આ પર્વતોને સ્મોકી પર્વત (Smoky Mountains) કહે છે. અમે પુલિનભાઈ-મોના સાથે તેમની ગાડીમાં હતાં. જો કે બધી ગાડીઓ સાથે સાથે જ હતી. રસ્તો એટલો જ સુંદર, હરિયાળો, વ્યવસ્થિત……. દોઢેક કલાકમાં અમે સ્મોકી પર્વતમાં  ગ્રોટ્ટો ધોધ નજીક પહોંચ્યાં. અહીં ગાડીઓ પાર્ક કરી પર્વતો પર ટ્રેકિંગ કરવાનું હતું. લગભગ ૪ કી.મિ.ની રાઉન્ડ ટ્રીપ હતી. રાજેશને પગમાં થોડી તકલીફ હતી એટલે તે અને નિખિલભાઈ ત્યાં રોકાઈ ગયા અને અમે સૌ ટ્રેકિંગ માટે નીકળી પડ્યાં.

અમે બધાં મિત્રો ઝાડીઓવાળા પાતળા પથરાળ રસ્તા પર ધીમે ધીમે ચાલતાં હતાં. પર્વતના રસ્તા, પથ્થરો, ખાડા-ટેકરા એટલે ચાલતાં વાર લાગતી હતી, જો કે કંઈ મુશ્કેલી પડતી ન હતી. અડધો કી.મિ. ચાલ્યાં હોઈશું ત્યાં તો વરસાદ શરુ થયો. અમારી પાસે છત્રી કે રેઇનકોટ તો હતાં નહીં એટલે ભીના થયાં સિવાય છૂટકો ન હતો! થોડી ઠંડી પણ લાગવા માંડી. બધાં સાથે હતાં એટલે મઝા આવી. દોઢેક કલાક ટ્રેકિંગ કરીને અમે ગ્રોટ્ટો ધોધ પાસે પહોંચ્યાં. કાયમ વરસાદને કારણે ૨૫ ફૂટ ઊંચા આ ધોધમાં સરસ પાણી હતું. પથ્થરો એવી રીતે ગોઠવાયેલા હતા કે ધોધની નીચે બખોલ જેવું બની ગયું હતું અને સાચવીને ચાલીને ત્યાં જવાય તેવું હતું. અમે બધાં ધોધની નીચે પહોંચી ગયાં અને ઢગલો ફોટા પડ્યા! ભીના તો હતાં જ એટલે વધુ ભીના થયાં. બહુ સુંદર જગ્યા હતી. આટલું ચાલીને આવ્યા તે સાર્થક હતું.

દોઢ કલાક ચાલીને પાછાં બેઝ પર પહોંચ્યાં. અમને જોતાં જ રાજેશ અને નિખિલભાઈએ અમારું સ્વાગત કર્યું. રાજેશને જોતાં જ મને દાળમાં કાળું લાગ્યું, પણ હું કંઈ બોલી નહીં. થોડી વાર પછી વાત થઈ કે અમે ધોધ તરફ જવા રવાના થયાં પછી એ લોકો થોડું ચાલવા નીકળ્યા હતા અને વરસાદ શરુ થયો. ઝડપથી પાછા આવવા જતા રાજેશનો પગ લપસ્યો. પહેલાં તો નિખિલભાઈ ગભરાઈ ગયા પણ ક્ષણમાં જ તેમણે મામલો સાંભળી લીધો અને તરત જ બહુ હિંમત અને બાહોશીથી રાજેશને પકડી લીધા. બંને જણ સ્વસ્થ થયા પછી જોયું તો ઊંડી ખીણની  ધાર પર બંને ઊભા હતા અને જો ચારેક ડગલાં વધુ ચાલ્યા હોત તો શું થઈ જાત તે વિચારતા અત્યારે પણ કમકમા આવી જાય છે !

બધી ગાડીઓ પર્વતો પરથી ગામમાં લઈ ગયાં. ગામ નાનું અને સુંદર હતું. બહુ બધાં ટુરીસ્ટ હતાં. પર્વતના ગામોમાં એક પ્રાકૃતિક સૌન્દર્ય હોય છે અને ત્યાંની  હવામાં તાજગી હોય છે. ગામ નાનું હતું પણ વ્યવસ્થા સારી હતી. જમવા માટે સારી દુકાનો અને રેસ્ટોરાં હતી. પોતપોતાની પસંદગી મુજબ બધાં જુદા જુદા ત્રણ ગ્રુપમાં વહેંચાઈ ગયાં. અમે પ્રવીણભાઈ સાથે સબવે (Subway)માં જમ્યાં. સબવેની સેન્ડવીચમાં જે ગમે તે શાકભાજી અને સોસ નંખાવી શકાય એટલે પ્રવીણભાઈ અને રાજેશ અમારે માટે સ્વાદિષ્ટ સેન્ડવીચ અને ડ્રિન્ક્સ લઈ આવ્યાં. જમીને ક્યાં જવું તે વિચારતાં અને નક્કી કરતાં સારો એવો સમય લાગી ગયો. બધાં થાક્યાં હતાં એટલે જમ્યા પછી ટ્રેકિંગ કરવામાં રસ ઓછો હતો.

એક મોટો બંગલો બુક કરાવેલો હતો એટલે મોટા ભાગના બધાંએ બંગલે જવાનું નક્કી કર્યું. બંગલાને અહી કેબીન કહે છે પણ મારા મગજમાં એ નામ કેમેય કરી ઊતર્યું નહીં.  બંગલો દૂર હતો એટલે રાતના જમવા માટે પાછાં અવાય તેમ હતું નહીં. અમારો કાફલો પહેલાં ગામના સુપર સ્ટોરમાં ગયો. રસ્તાઓ બહુ કન્ફ્યુસિંગ….. એક-ને-એક ઢાળ અમે ચાર વાર ચડ્યાં અને ઊતર્યાં. છેલ્લે સુપર સ્ટોર મળી ગયો. આવા નાના ગામમાં પણ મોટો સ્ટોર હતો અને જીવન જરૂરી બધી વસ્તુઓ સહેલાઈથી મળતી હતી. અમે દૂધ, જ્યુસ, બ્રેડ, બટર, પીઝા વગેરે ખરીદ્યાં. સ્ટોર પરથી ખરીદી પતાવી અમે પર્વતમાં આવેલ બંગલે પહોંચ્યાં.

ગોળ ગોળ સર્પાકારે જતો રસ્તો પર્વત અને ઝાડીઓને લીધે બહુ જ સુંદર લાગતો હતો. સુંદર રસ્તો એક નાના વળાંક પછી એક બંગલા આગળ અટક્યો. આઠ બેડ રૂમ, સાથે ડ્રોઈંગરૂમ, રસોડું અને અન્ય સગવડો જેવી કે ફ્રીઝ, માઈક્રો, વાસણો, કાચના કપ-રકાબી, વોશિંગ મશીન……. ઘર જેવી પૂરી વ્યવસ્થા. ચાર લેવલ પર ફેલાયેલ બંગલામાં કેટલું બધું હતું! ત્યાંની જરૂરિયાત પ્રમાણે છેક નીચેના લેવલે એક જાકુઝી બાથની પણ વ્યવસ્થા હતી અને સાથે બે બેડરૂમ હતા. ઉપર બાલ્કનીમાં  હીંચકો હતો. રૂમમાં ૧૨-૧૫ માણસો બેસી શકે તેવી વ્યવસ્થા હતી. સાથે રસોડું, ડાઈનિંગ રૂમ અને બે બેડરૂમ. ઉપલા બે માળે નાના નાના બે બેડરૂમ. એક બેડરૂમમાં  તો બાળકો માટેની વ્યવસ્થા પણ હતી. બહાર પણ કેટલું સુંદર વાતાવરણ હતું ! ઊંચાં ઊંચાં ગગનચુંબી વૃક્ષો ઉપર ચારે બાજુ વાદળો છવાયેલ હતાં. વૃક્ષો પર પક્ષીઓ કર્ણપ્રિય અવાજ કરી રહ્યાં હતાં. વાદળોમાંથી ચળાઈ ચળાઈને સૂર્યનો પ્રકાશ આવી રહ્યો હતો! સર્પાકાર રસ્તા પર કોઈ દેખાતું ન હતું. નીરવ શાંતિ હતી.પર્વતોમાં આવી સરસ સાંજ ક્યાંથી માણવા મળે ! અડધો કલાક ચાલ્યાં પછી અમે પાછાં બંગલે આવ્યાં.

થોડાક મિત્રો જાકુઝીનો આનંદ માણવા ગયાં તો બાકીનાં મિત્રો રસોડામાં. થોડી જ વારમાં ગરમાગરમ જમવાનું તૈયાર ! મિત્રો સાથે જમવાનો આનંદ જ કંઈ ઔર હોય છે. વાનગીઓનું તેમાં કોઈ મહત્ત્વ નથી હોતું. સાથે બેસીને વાતો અને ધમાલ કરતાં કરતાં જરાક વધારે જ જમાઈ ગયું.

મેરીલેન્ડ રહેતાં અમારાં મિત્રો નયના અને નાનક અહીં રમવા માટે ખાસ રમતો (Couple Games) તૈયાર કરી લાવ્યાં હતાં. જમીને પહેલાં વાતોનો રાઉન્ડ ચાલ્યો, ગીતો ગયાં  અને પછી રમતો રમ્યાં. મોડાં મોડાં સૂઈ ગયાં. અમારે બીજે દિવસે ઓરલેન્ડો જવા નીકળવાનું હતું. લિટલે ઘણો બધો નાસ્તો સાથે લઈ જવા ભરી આપ્યો હતો.ક્રમશઃ


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: Web Gurjari

3 thoughts on “અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : ગ્રોટ્ટો ધોધ અને સ્મોકી પર્વત

  1. Very nicely expressed your experience with the group. Luckily Rajesh was okay with the unexpected incident.
    We missed the opportunity to meet and enjoy with you guys due to family emergency in NY.

Leave a Reply

Your email address will not be published.