ચેલેન્‍જ.edu : સફળ શિક્ષકનાં સાત સોનેરી સૂત્રો

રણછોડ શાહ

સંકલ્પ સાચી શક્તિ છે,
સદ્‍ભાવ સાચી ભક્તિ છે.

છૂટી શકાય કુવિચારોથી,
તો એ જ સાચી મુક્તિ છે.

ન ઝૂકે અન્યાય સામે,
એ જ સાચી વ્યક્તિ છે.

સંકલિત: ચુનીભાઈ પટેલ

સફળ શિક્ષક કોને કહી શકાય? પ્રશ્નનો ઉત્તર શિક્ષકના વિષયવસ્તુના જ્ઞાન અને તે શીખવવાની ક્ષમતા ઉપર આધારિત હોવાનું આપણને લાગે. કેટલાક શિક્ષકો ખૂબ કંટાળાજનક વિષયાંગને અત્યંત રસપ્રદ બનાવી શકે છે (અને તેનાથી વિરુદ્ધ પણ સાચું છે કે કેટલાક શિક્ષકો અત્યંત રોચક વિષયાંગને નિરસ સ્વરૂપે વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરે છે!) જો કે,  શિક્ષકની સફળતાનો આધાર મહદઅંશે તેના વ્યકિતત્વ ઉપર હોવાનું આપણે માનીએ છીએ, પરંતુ ખરેખર તો તે શિક્ષકના અસરકારક પ્રત્યાયન અને વર્ગખંડમાંની ઉત્તમ શેક્ષણિક પ્રવૃત્તિઓ ઉપર આધારિત છે. વર્ગખંડમાં વિદ્યાર્થીઓ માટે ઉત્તમ ધ્યેયો પ્રાપ્ત કરાવવા માટે શિક્ષકની વર્ગખંડની શૈક્ષણિક તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ મહત્તમ ભાગ ભજવે છે.

શિક્ષક વર્ગખંડમાં પ્રવેશે ત્યાર પહેલાં અનૌપચારિક શિક્ષણ શરૂ થઈ જાય છે. શિક્ષકે વર્ગમાં દાખલ થતાં પહેલાં ધ્યેયો (goals)નક્કી કરવાના હોય છે. આ ઘ્યેયોની પ્રાપ્તિ માટે તે વિદ્યાર્થીઓ સમક્ષ કઈ રીતે રજૂ થશે તે નક્કી કરવાનું હોય છે. એક વાર વર્ગખંડમાં પ્રવેશ લીધા બાદ શિક્ષકે વિદ્યાર્થીઓને અલગ અલગ રીતે વૈવિઘ્યસભર ઉદાહરણો દ્વારા તેમને સમજ પડે તે રીતે વિષયવસ્તુની રજૂઆત કરવાની હોય છે. એક જ વિષય માટે વિષયપ્રવેશ અલગ અલગ સમયે જુદી જુદી રીતે કરવાનો હોય છે. આ એક પડકારરૂપ કાર્ય છે. વિદ્યાર્થીઓએ વિવેચનાત્મક વૈચારિક પ્રક્રિયા કરી વાસ્તવિક જીવનમાં શિક્ષણની ઉપયોગીતા વિશે ચીલાચાલુ સમજથી અલગ દૃષ્ટિકોણ અપનાવવો પડશે.

સફળ શિક્ષકમાં કેટલાંક વિશિષ્ટ લક્ષણો હોય છે. અગત્યનાં સાત લક્ષણો નીચે જણાવ્યાં છે. પ્રત્યેક શિક્ષક સફળતા પ્રાપ્ત કરી જ શકે છે. સફળતાનો મુખ્ય આધાર વ્યકિતના વલણ (attitude) ઉપર આધારિત છે.

(૧) વિધેયાત્મક વલણ (A positive attitude)

શિક્ષકે સફળતા પ્રાપ્ત કરવા શિક્ષણ, વિદ્યાર્થી, વાલી, સાથી મિત્રો અને સંસ્થા તરફ હકારાત્મક અભિગમ રાખવો ફરજિયાત છે. (૧) મારા વર્ગનાં તમામ વિદ્યાર્થીઓ શાળામાં શિક્ષણ લેવા માટે જ આવે છે. (૨) મારા સાથી શિક્ષક મિત્રો ખૂબ સારા અને વિદ્વાન છે. (૩) મારી સંસ્થા ઉત્તમ છે. (૪) સમાજમાં પરિવર્તન માત્ર શિક્ષણના માઘ્યમથી જ આવશે. આ ચાર બાબતો / માન્યતાઓ શિક્ષકની સફળતાના પાયામાં રહેલી છે.

વિદ્યાર્થીઓ શાળામાં આવતા અગાઉ ટયૂશનમાંથી શીખીને આવે છે તેથી વર્ગખંડમાં શાંત બેસતા નથી તેવી માન્યતાવાળા શિક્ષકને સફળતા વરતી નથી. વિદ્યાર્થી તો ઉત્સાહનો ધોધ છે. તેને તો શિક્ષણના પ્રવાહમાં સતત તરતાં તરતાં આગળ વધવું છે. શિક્ષક તેને વહાલ, પ્રેમ અને અસરકારક રીતે શીખવે તો તે અભ્યાસ કરવા સદાય તત્પર હોય છે. પ્રત્યેક વિષયાંગ અનેક રીતે શીખવી જ શકાય. શિક્ષકે સમયે સમયે નવા નવા અભિગમ વિશે ચિંતન અને મનન કરવું જરૂરી છે. શિક્ષક એકનો એક વિષય ચીલાચાલુ રીતે વીસ-પચીસ વર્ષ શીખવે તો બાળકોને તે ગમતું નથી. નવી નવી રીતે જે તે વિષય કે વિષયાંગ શીખવ્યો હોય તો જ શિક્ષકનો વીસ વર્ષનો અનુભવ ગણી શકાય. જો એક જ રીતે શીખવ્યું હોય તો એક જ વર્ષનો અનુભવ ગણાય. શાળાના પ્રત્યેક અનુભવને ખુલ્લા મનથી તપાસો. અગાઉના પોતાના તથા અન્યોના અનુભવના આધારે કોઈ પણ ઘટનાની મુલવણી કરશો નહીં. વર્ગખંડમાં બનતા તમામ બનાવો અનન્ય (unique) હોય છે. મહેરબાની કરીને અન્યના બનાવોને આધારે ધારણાઓ કરી નિર્ણય લેશો નહીં. શિક્ષણમાં પ્રત્યેક શાળા, આચાર્ય, શિક્ષક, વિદ્યાર્થી અને વાલી એકબીજાથી તદન ભિન્ન હોવાથી તેમાં સામાન્યીકરણ (generalisation) ચાલશે નહીં. અહીંયાં પ્રત્યેક પ્રસંગે શિક્ષકે પોતાની વિવેકબુધ્ધિ, સમજ, અનુભવ અને જ્ઞાનના આધારે વિધેયાત્મક વલણથી (positive attitude) નિર્ણય કરવાનો છે. પ્રત્યેક પ્રસંગે અનાત્મલક્ષી (objective) રહેવાનું છે, એક પણ વખત આત્મલક્ષી (subjective) રહેતાં વિદ્યાર્થીની જિંદગી

ખતમ થઈ જશે. શિક્ષકનો વ્યવસાય જાગૃત અને જીવંત વ્યક્તિઓ સાથે હોવાથી ધારણાઓ ઉપર નહીં પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ સમજાશે તો જ પ્રગતિ શકય બનશે.

યજ્ઞ મહીં હોમાઈ જવું છે,
કોઈ પ્રકારે ગાઈ જવું છે.

ક્રૂર ભલે નિશ્ચય દુનિયાનો,
લેશ ન રાખું ભય દુનિયાનો.

જે વીતે તે વીત!
મારે ગાવું જીવન-ગીત.

ગની દહીંવાલા

(૨) સાતત્યપણું (Constitency)

અભ્યાસપૂર્ણ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવાની જવાબદારી શિક્ષકના શીરે છે. વિદ્યાર્થીઓ તંદુરસ્ત શૈક્ષણિક પર્યાવરણની સતત અપેક્ષા રાખે છે. શિક્ષકના પક્ષે સાતત્યની ખૂબ જરૂર છે. શિક્ષકે અભ્યાસકીય રીતે સતત ગતિશીલ અને નાવીન્યસભર રહેવું પડશે. પોતાના વિષય અને શિક્ષણની પદ્ધતિ માટે નાવીન્ય લાવવાની જવાબદારી શિક્ષકની છે. શિક્ષક શરૂઆતનાં પાંચ વર્ષ ખૂબ સારી કામગીરી કરે અને ત્યાર બાદ ચીલાચાલુ પદ્ધતિએ શિક્ષણકાર્ય કરશે તો તે વિદ્યાર્થીપ્રિય બની શકશે નહીં. શિક્ષણમાં આવતાં પરિવર્તનો સ્વીકારી, સમજી અને વર્ગખંડને જીવંત બનાવવાનો છે. એક વિદ્યાર્થી કોઈ ગેરવર્તણૂક કરે ત્યારે તે તરફ ઘ્યાન ન આપે અને તેના કરતાં પણ નાની ભૂલ માટે બીજા કોઈ વિદ્યાર્થીને શિક્ષક શિક્ષા કરે તો તે વિદ્યાર્થીઓની આંખમાંથી નીચે ઊતરી જાય છે. આવા શિક્ષકના વર્ગમાં વિદ્યાર્થીઓ ઘ્યાન પણ આપતા નથી. વિદ્યાર્થીઓ શિક્ષણથી વિમુખ થઈ જાય છે.

(૩) ન્યાયીપણું – વાજબીપણું (Fairness)

કયારેક સાતત્યપણા અને ન્યાયીપણા વચ્ચે ગેરસમજ ઊભી થાય છે. એક જાતની પરિસ્થિતિમાં તમામ સમયે એક જ ધોરણ અપનાવે તેવા શિક્ષક ન્યાયી છે તેમ કહી શકાય. પ્રત્યેક દિવસે સારા શિક્ષકનો વ્યવહાર એક સરખો જ હોય છે. શિક્ષક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ વચ્ચે ભેદભાવભર્યો વર્તાવ કરે ત્યારે તે શિક્ષક ન્યાયી નથી તેમ ચોક્કસ જ કહી શકાય. શિક્ષક ક્રિકેટમાં ઉત્તમ દેખાવ કરનાર તરફ અન્ય રમતોની સરખામણીએ કૂણી લાગણી ધરાવી અથવા તો તેને વિશેષ લાભ આપે તો તે વાજબી છે તેમ કહી શકાય નહીં. વિદ્યાર્થીઓ આ બાબતે અત્યંત સંવેદનશીલ હોવાથી આવા શિક્ષકને ‘પક્ષપાતી’ કહેવાનું તરત જ શરૂ કરી દે છે. સંચાલક મંડળ માટે આવા શિક્ષકો ‘માથાના દુખાવા’ જેવા બની જાય છે. વિદ્યાર્થીઓ આવા પક્ષપાતી શિક્ષકોને ખૂબ સહેલાઈથી ઓળખી કાઢે છે.

(૪) ઉચ્ચ અપેક્ષાઓ (High Expectations)

અસરકારક શિક્ષક તેના વિદ્યાર્થીઓ પાસેથી ખૂબ ઊંચી અપેક્ષાઓ રાખે છે. શિક્ષકે તેના વિદ્યાર્થીઓની અપેક્ષાનો પારો ઊંચો જાય તે માટે ખૂબ મથવું પડે છે. ઓછા પ્રયત્નો કરશે તો તેનું પરિણામ નીચું જ આવશે. શિક્ષકે એવું વલણ અને વર્તન રાખવું જોઈએ કે જેથી તેના વિદ્યાર્થીઓ તેની અપેક્ષા સુધી જરૂરથી પહોંચી જ શકે. આ બાબતે વિદ્યાર્થીઓમાં સંપૂર્ણ વિશ્વાસ પેદા કરવાની જવાબદારી શિક્ષકના પક્ષે છે. આનો અર્થ એ નહીં કે શિક્ષકે વિદ્યાર્થીઓ પાસેથી અવાસ્તવિક અપેક્ષાઓ રાખવાની. આમ છતાં, શિક્ષકની વિદ્યાર્થીઓના શિક્ષણ તથા તેમની સિદ્ધિ માટેની અપેક્ષાઓ જ તેમની પ્રગતિ માટેનું એક અસરકારક પરિબળ હોય છે. આ શિક્ષણનો અત્યંત મહત્વનો સિદ્ધાંત સૌ શિક્ષકો અને વાલીઓએ પણ સતત ધ્યાનમાં રાખવો જરૂરી છે.

(પ) વિનોદી સ્વભાવ (Sense of Humour)

શિક્ષકનો વિનોદી સ્વભાવ તેની ખૂબ મોટી મિલ્કત છે. સફળ શિક્ષક થવા માટે રમૂજીપણું ખૂબ ઉપયોગી પૂરવાર થયું છે. શિક્ષકનો રમૂજી સ્વભાવ વર્ગખંડમાં ઉત્પન થયેલ સમસ્યાને કારણે બનેલ ગંભીર વાતાવરણને તદન હળવું બનાવી દે છે. શિક્ષકની હાજરજવાબી રમૂજ વર્ગના વતાવરણને આનંદપ્રદ બનાવે છે. આને કારણે વિદ્યાર્થીઓ કદાચ અભ્યાસ તરફ વધારે ઘ્યાન આપી વધુ સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકે. ખાસ અગત્યની વાત તો એ છે કે શિક્ષકની રમૂજીવૃત્તિ વર્ગના વાતાવરણને હંમેશા હળવું ફૂલ જેવું અને આનંદમય રાખે છે, જેથી શિક્ષક પણ સુખ અને સંતોષની લાગણી અનુભવે છે. જેમ જેમ શિક્ષકની કારકિર્દીનો સમયગાળો વધતો જાય તેમ તેમ તેના આ સ્વભાવને કારણે તે વધુને વધુ સફળતા પ્રાપ્ત કરતો જાય છે. વ્યવસાયને અંતે આવા શિક્ષકની સમાજમાં એક અનોખી છાપ ઊભી થાય છે. તે અગ્રગણ્ય અને પ્રતિષ્ઠિત વ્યકિતઓમાં સ્થાન પામે છે. રમૂજ કરવા માટે નિમ્ન કોટીના ટૂચકા રજૂ કરનાર શિક્ષકને વિદ્યાર્થીઓ જલ્દીથી ઓળખી જતા હોવાથી સસ્તી લોકપ્રિયતા મેળવવા ટૂંકા રસ્તે જવું શિક્ષક માટે હિતાવહ નથી.

(૬) સાહજિકતા (Flexibility – લવચીકપણું)

સામાન્ય શિક્ષકમાંથી શ્રેષ્ઠ શિક્ષક બનાવવામાં આ સદ્‍ગુણ ખૂબ ઉપયોગી પૂરવાર થાય છે. આ વિશ્વમાં કશું પણ કાયમી નથી. દૃનિયા પરિવર્તનને આધીન છે. આ જગતમાં માત્ર ‘પરિવર્તન’ કાયમી છે. જે શિક્ષક આ વાત સમજી લે તેની ખૂબ પ્રગતિ થાય છે. તેને માટે આકાશને આંબવું સરળ બને છે. વર્ગખંડમાં અવનવા બનાવો બનવા, વિદ્યાર્થીઓની વર્તણૂકમાં વારંવાર ફેરફાર થવો, વર્ગખંડમાં ખલેલ થવી વગેરે અત્યંત સહજ અને સામાન્ય પ્રક્રિયાઓ છે. વિદ્યાર્થીઓ શિક્ષકના શિક્ષણકાર્ય દરમ્યાન દખલગીરી કરે તે સ્વાભાવિક છે કારણ કે તેઓની ઉંમર તેમને ચંચળ રાખે છે. આ પરિસ્થિતિમાં શિક્ષકનું મૃદુ વલણ જ તેને તણાવમુકત રાખે અને વર્ગખંડનો તણાવ પણ હળવો કરે છે. વિદ્યાર્થીઓ પણ શિક્ષક પાસેથી આ જ અપેક્ષા રાખે તે અત્યંત સ્વાભાવિક છે. વર્ગખંડ ઉપર કાબૂ પ્રાપ્ત કરવામાં શિક્ષકની મૃદુતા જ વહારે આવે છે. વર્ગખંડમાં ઊભી થતી તમામ સમસ્યાઓના ઉકેલનો આધાર શિક્ષકના મૃદુ સ્વભાવ ઉપર આધારિત છે. મૃદુતાનો અર્થ બીકણ કે ગભરુ કરવાનો નથી. શિક્ષકે વર્ગખંડ અને વિદ્યાર્થીઓથી ગભરાવાનું નથી. પરંત કુનેહપૂર્વક પોતાના મૃદુ સ્વભાવથી વર્ગખંડ અને વિદ્યાર્થીઓની સમસ્યાઓના ઉકેલ શોધવાના છે.

(૭) વિદ્યાર્થીઓની હાજરીમાં વાદવિવાદ ટાળવો (Avoid confrontations in front of students)

વર્ગખંડમાં જયારે જયારે કોઈપણ મુદ્દા ઉપર વાદવિવાદ થાય ત્યારે કોઈ એક પક્ષ જીતે અને બીજો પક્ષ હારે. એક જૂથને સફળતા મળે અને બીજાને નિષ્ફળતા પ્રાપ્ત થાય. આ પરિસ્થિતિ યોગ્ય નથી. હંમેશ ‘વીન વીન’ પરિસ્થિતિ પેદા થવી જોઈએ. ખાસ કરીને વિદ્યાર્થીઓની હાજરીમાં શિક્ષક-વિદ્યાર્થી અથવા વિદ્યાર્થી -વિદ્યાર્થી વચ્ચેના મતભેદોની ચર્ચા કરવાનું ટાળવું જોઈએ. વર્ગખંડમાં શિસ્ત જાળવવાની જવાબદારી શિક્ષકની છે. વર્ગખંડમાં સંવાદિતા જળવાઈ રહે તે શિક્ષકની કરજનો એક ભાગ છે. શિસ્તના તથા વિસંવાદિતાના પ્રશ્નો બાબતે જાહેરમાં ચર્ચા કરવાનં વલણ ટાળવું બંને પક્ષ માટે હંમેશા સારું જ છે. જો વાદવિવાદ દરમ્યાન વિદ્યાર્થીની હાર થાય કે શિક્ષકની હાર થાય તો તેમને એકબીજાની સમક્ષ ઊભા રહેવાનું અત્યંત કઠિન બને છે. કયારેય શિસ્તના પ્રશ્નોને જાહેરમાં ઉકેલવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. આ પરિસ્થિતિમાં શિક્ષક વિદ્યાર્થીને કાંઈ શીખવી શકતા નથી. અન્ય વિદ્યાર્થીઓ આ સમયે શિક્ષકના વલણનું અત્યંત બારીકાઈથી નિરીક્ષણ કરતા હોય છે. શિક્ષક વિદ્યાર્થીને જે શીખવવા માંગે છે તે અન્યની હાજરીમાં શીખવી શકતા નથી. બને ત્યાં સુધી ખાનગીમાં વિદ્યાર્થીને એકલાને બોલાવી શાંત પાડી સંપૂર્ણ સમજ આપી જે તે મુદ્દાની વિશદ ચર્ચા કરી વિદ્યાર્થીને નિર્ણયમાં સામેલ કરી યોગ્ય નિર્ણય ઉપર આવવું હિતાવહ છે.

જો શિક્ષક શિક્ષણના આ મહત્ત્વના સાત પગથિયાંને આધારે આગળ વધે તો ચોક્કસ તે સફળતાના શિખરો સર કરે.

આચમન:

શક્ય હોય તો જાપ લઈને આવજે,
લાગણીનું માપ લઈને આવજે,
સ્વર્ગ તારાથી પછી ક્યાં દૂર છે?
સહેજ પશ્ચાતાપ લઈને આવજે.

અઝીઝ ટંકારવી


(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )


(તસવીર નેટ પરથી)

Author: Web Gurjari

1 thought on “ચેલેન્‍જ.edu : સફળ શિક્ષકનાં સાત સોનેરી સૂત્રો

Leave a Reply

Your email address will not be published.