‘શોલે’ની સૃષ્ટિ : ખાનાબદોશ નર્તકી

(આ શ્રેણીમાં ‘શોલે’ ફિલ્મમાં દેખા દેતા, નાની પણ ચિરંજીવ ભૂમિકા ભજવતા વિવિધ પાત્રોની, ફિલ્મની સ્ક્રીપ્ટમાં ન હોય એવી કાલ્પનિક કથાઓ મૂકવામાં આવી છે.)


– બીરેન કોઠારી

“માલિક !”

હીરો થોભી ગયો. બૂમ પાડનાર એક કાંટાળી વાડ તરફ ઈશારો કરી રહ્યો હતો. તેની પાછળ શું પોલિસ ફોજ છુપાયેલી હશે?

ના, પહેલો વિચાર આવો આવે ખરો, પણ બૂમ પાડનારના ઉચ્ચારણ પરથી સમજાઈ ગયું કે મામલો કંઈક જુદો હતો. કાફલો ઊભો રહી ગયો. હીરાએ કાન સરવા કર્યા. કોઈકના રડવાનો અવાજ આવતો હતો. ના, એ બિલાડાનો સ્વર નહોતો. ચોક્કસ, કોઈક નાનું બાળક હતું.

ઉતાવળે હીરો વાડ પાસે પહોંચ્યો. જોયું તો કાંટાળી ઝાડીમાં એક બાળકી પડી હતી. આઠ-દસ દિવસની હોય એમ લાગતું હતું. તેના નાજુક શરીર પર ઠેરઠેર ઉઝરડા પડ્યા હતા. સદ્‍ભાગ્યે હજી સુધી કોઈ પ્રાણીની નજર તેની પર પડી નહોતી. એનો મતલબ એ કે કોઈક તેને થોડા સમય પહેલાં જ અહીં મૂકી ગયું હશે. કોણ મૂકી ગયું હશે? શાથી મૂકી ગયું હશે? એ કશું વિચારવાનો સમય નહોતો. અહીંથી ગામ ઘણું છેટે હતું. ત્યાં જઈને પૂછવાનો પણ અર્થ નહોતો. હવે માત્ર એટલું જ વિચારવાનું હતું કે આનું કરવું છે શું? શસ્ત્રોની હેરાફેરી કરતા હીરાના હૃદયમાં હજી સંવેદના ધબકતી હતી. ક્ષણભરમાં તેણે નિર્ણય લઈ લીધો.

“લઈ લો આને.”

પોઠના બીજા સાથીદારોએ હીરાને વારતા કહ્યું, “હીરા, રહેવા દે. આપણી પર કાયમ પોલિસનો ડોળો હોય છે. સામે ચાલીને આ ઉપાધિ વહોરી લેવાની જરૂર શી?”

પણ હીરાએ નિર્ણય કરી લીધો હતો. તેનું પોતાનું લગ્નજીવન સાવ ટૂંકું નીવડ્યું હતું. એટલું ટૂંકું કે કોઈ સંતાન થાય એવી શક્યતા નહોતી. એક રાતે ગામની સીમમાં પડાવ નાંખેલો અને તેની પત્ની હીરા ઈંધણાં વીણવા માટે ગઈ હતી. તેની પત્નીનું નામ પણ હીરા હતું, અને પોઠના લોકો આ બાબતે મજાક પણ કરતા. કહેતા, ‘બબ્બે હીરા આપણી પાસે છે, તો પણ આપણે આ રીતે પોઠ ફેરવવી પડે છે!’ હીરાને ગયે બહુ વખત થયો. તે પાછી ન આવી એટલે હીરાને ચિંતા થઈ. માણસોને મોકલવાને બદલે તે પોતે જ તેને શોધવા ગયો હતો. સીમથી થોડે દૂર તેને હીરાની લાશ મળી હતી. કદાચ કોઈ જંગલી પ્રાણી….કે પછી….! જે હોય એ, હીરાની જોડી ખંડિત થઈ ગઈ હતી. ત્યાં જ ખાડો ખોદીને હીરાએ તેને દફન કરી હતી.

હીરાનું સ્થાન લઈ શકે એવી બીજી કોઈ સ્ત્રી હીરાના મનમાં વસતી જ ન હતી. પછી તો તેનો વ્યવસાય પણ એવો ફૂલ્યોફાલ્યો કે એ વિશે વિચારવાનો તેની પાસે સમય રહેતો નહોતો. આજે આ નાનકડી, જખમી બાળકીએ ફરી એક વાર તેને હલબલાવી મૂક્યો.

બાળકીના જખમની સારવાર કરવામાં આવી. તેના માટે દૂધની વ્યવસ્થા કરવામાં આવી. પેટમાં કંઈક પડ્યું એટલે તે હાથપગ ઉછાળી ઉછાળીને હસવા લાગી. જોતજોતાંમાં સૌ કોઈની તે પ્રિય બની ગઈ. તેને તેડીને સહુ ફરવા લાગ્યા. પોઠમાં મહિલાઓ આમ પણ ઓછી હતી. તેમને એક વધારાનું કામ મળ્યું એટલે એ પણ રાજીરાજી થઈ ગઈ.

દિવસો અને મહિનાઓ વીતતા ચાલ્યા. છોકરી બોલવાનો પ્રયત્ન કરતી હતી, પણ બોલી શકતી ન હતી. મોટી થતી ગઈ એમ સૌને ચિંતા થવા લાગી કે આ બોલી નહીં શકે કે શું? હા, તે સાંભળી શકતી ખરી. તેનું નામ પાડવાનું આવ્યું ત્યારે ઝાઝો વિચાર કર્યા વિના હીરાએ સૌના મોંએ ચડેલું તેનું નામ જ રાખી લીધું. સૌ એ બાળકીને ‘છોટી’ કહીને બોલાવતા હતા.

તેને ભણાવવા માટે નિશાળે મૂકવાનો સવાલ જ નહોતો. પોતાનું કોઈક સ્થાયી સરનામું હોય તો તેને શાળાએ મૂકે ને ! હીરાએ નક્કી કર્યું કે તેને પોતાની સાથે જ રાખવી. તે યુવાન બનતી ગઈ એમ તેનું રૂપ ખીલવા લાગ્યું. ક્યારેક છોટી એકલી એકલી નૃત્ય કરતી. તે ચપળ હતી, પણ નાચે ત્યારે વધુ ચપળ લાગતી. હીરાને થયું કે તેને પોતાના વ્યવસાયમાં સામેલ કરવા જેવી છે! પણ તે કરશે શું?

હીરા પાસે એક યોજના હતી. શસ્ત્રોની હેરાફેરીમાં મોટે ભાગે તેને પુરુષો સાથે જ કામ પાર પાડવાનું આવતું. સોદો કરવા માટે ગ્રાહકો આવતા, ક્યારેક રાત પણ રોકાતા. એ વખતે નાચગાન પણ હોય. આમ છતાં, ઘણી વાર એમ થતું કે સાવ છેલ્લી ઘડીએ સોદો પડી ભાંગે. એવે વખતે કશી દલીલ કામ ન લાગતી. હીરાએ હવે નાચગાનમાં વધુ એક આકર્ષણ ઉમેરવાનું વિચાર્યું. એવું આકર્ષણ કે સોદો કદી ફોક જવાની શક્યતા જ ન રહે.

બહુ જલ્દી તેને એવી તક મળી ગઈ. પીંપરી ગામની સીમમાં તેના કાફલાએ પડાવ નાંખ્યો હતો. આ વખતે શસ્ત્રો લેવા માટે બીજું કોઈ નહીં, પણ એ વિસ્તારનો ખૂનખાર ડાકુ ગબ્બરસિંઘ આવવાનો હતો. ગબ્બર સાથે સોદો થાય તો એ એક વખતનો ન હોય, પણ લાંબા ગાળાનો હોય એ હીરા સમજતો હતો. આથી તેણે નાચગાનની મહેફિલ યોજી હતી. એ રાતે તેણે પહેલી વાર છોટીને નાચવા માટે જણાવ્યું.

છોટી બોલી શકતી ન હતી, પણ તેનો નાચ બહુ આકર્ષક હતો. એ રાતે તેના નાચે ધારી અસર પેદા કરી. જો કે, ગબ્બરને એનાથી ખાસ ફરક પડ્યો હોય એમ જણાતું નહોતું, છતાં તેની સાથેનો સોદો પાકો થઈ જાય એમ લાગતું હતું.

છોટીનો નાચ અને જલાલનું ગાયન ! બેઉએ કમાલ કરી. છોટીના અંગેઅંગમાં જાણે કે વિજળી થરકતી હતી. એક તરફ નાચગાન ચાલી રહ્યું હતું એ જ વખતે એ સ્થળે બીજું પણ કંઈક ચાલી રહ્યું હતું. ઠાકુર બલદેવસિંહના બે મારાઓ જય અને વીરુ ગબ્બરને મારવા માટે ત્યાં પહોંચી ગયા હતા અને રંગમાં ભંગ પાડવાના હતા.

તેઓ પણ જાણે કે છોટીનો નાચ જોવા આવ્યા હોય એમ છોટીનું ગાયન પતે ત્યાં સુધી રાહ જોઈ હતી અને ગાયન પત્યું કે તરત ભડાકા કર્યા હતા.

જય અને વીરુની બહાદુરી માટે એ રાત યાદ રહેવી જોઈએ, પણ એ રાત સૌને છોટીના અદ્‍ભુત નૃત્ય માટે યાદ રહી ગઈ.

આ ક્લીપમાં 1976માં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન આર.ડી.બર્મન આ ગીત ગાઈ રહ્યા છે. તેમના અને અમજદખાનના આ ગીત સંદર્ભે મઝાના સંવાદ છે.

 પૂરક નોંધ:

  • કેવળ ‘મેહબુબા મેહબુબા’ ગીત પૂરતી દેખા દેતી નર્તકીની ભૂમિકા હેલને ભજવી હતી. આ પાત્રનું નહોતું કોઈ નામ કે નહોતો તેના ભાગે કોઈ સંવાદ.

આજની પરિભાષામાં જેને ‘આઈટમ સોન્‍ગ’ કહેવાય એવા આ ગીતની સિચ્યુએશન સ્ક્રીનપ્લેમાં ક્યાંય નહોતી. રમેશ સિપ્પી અને તેમનાં પત્ની ગીતાએ પોતાની લંડનની મુલાકાત દરમિયાન ગાયક ડેમીસ રુસો/Demiss Roussos દ્વારા ગવાયેલું ગીત ‘Of all the things you’re telling me, I never heard you say’ સાંભળ્યું. ગીતની ધૂન તેમને પસંદ આવી ગઈ. ભારત આવીને તેમણે રાહુલ દેવ બર્મનને આ ગીત સંભળાવ્યું. આ જ ધૂન પર, આનંદ બક્ષીએ શબ્દો લખ્યા. રાહુલ દેવ બર્મનના ભાગે ખાસ કશું કરવાનું હતું નહીં, પણ એમ સીધેસીધી ધૂન મૂકી દેવામાં મજા શી? ધ્વનિ માટે અવનવાં બિનપરંપરાગત સાધનોનો ઉપયોગ કરતા રાહુલ દેવ બર્મને આ ગીતના આરંભે એવું જ મૌલિક સંગીત મૂક્યું. એ વિગતો અગાઉ શસ્ત્રોનો સંગીતપ્રેમી સોદાગરમાં આવી ગઈ છે.

  • સાત-આઠ વરસ અગાઉ ‘શોલે’ની 3-ડી આવૃત્તિ તૈયાર થઈ રહી હતી. એ વખતે હેલને ખાસ અનુરોધ કર્યો હતો કે ‘મેહબૂબા મેહબૂબા’ ગીતનું રિ-મિક્સ કરવામાં ન આવે. એમ થશે તો તેનો અસલ ચાર્મ માર્યો જશે એમ તેમનું કહેવું હતું. ફિલ્મના પટકથાલેખકો સલીમ-જાવેદનું પણ આમ જ માનવું હતું. તેમની વિનંતીને માન્ય રખાઈ હતી.

(તસવીર અને લીન્ક અનુક્રમે નેટ અને યૂ ટ્યૂબ પરથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

3 thoughts on “‘શોલે’ની સૃષ્ટિ : ખાનાબદોશ નર્તકી

  1. ‘છોટી’ સાંભળી શકે છે, પણ બોલી નથી શકતી – વાહ કેવી અદ્‍ભૂત કલ્પના છે. સલીમ જાવેદ કે રમેશ સિપ્પીને જો આ વાત ફિલ્મ બનવાતાં પહેલાં સૂઝી હોત તો તેઓએ ‘છોટી’ના ‘ડાન્સ’ સાથે તેને વણી લઈને શોલેમાં હજૂ એકાદ વધારે આકર્ષણ જરૂર ઉમેર્યું હોત.

    ફિલ્મમાં એ પ્રસંગ , કે એ પ્રસંગમાં કદાચ એ પાત્ર, ન પણ હોત તો પણ ફિલ્મના કથાપ્રવાહને ખાસ અસર ન પડે એવાં પાત્રોને આવી રોચક કલ્પના વડે બીરેનભાઈ ‘શોલેની સૃષ્ટિ’ને જે રીતે જીવંત કરે છે તે જોતાં આ લેખમાળા રજૂ થયા બાદ જો ‘શોલે’ ફરી એક વાર રજૂ થાય તો ફરી પાછી સુવર્ણ જયંતિ જરૂર કરે!

  2. સુપર સે કંઈ ઉપર.. excellent સે ભી ઉપર..
    શોલે વિષે તો social મીડિયા પર જ નહિ મારે ઘેર કલર કરવા આવેલા એ ની જોડે ય મેં શોલે ના ડાયલોગ ની મસ્તી કરેલી…. અગર કામ બિગાડા તો ગબ્બર સે બુરા કોઈ નહિ,કોઈ નહિ.અરી, ઓ સંમ્ભા,દીવાર કો હલકે સે છીલના, વરના તેરી ચમડી ભી ઐસે છીલુંગા જૈસે નચનિયા કે પૈરો કે નીચે બોતલ તોડકે નચાયા થા..😂😂😂

  3. વાહ, આખી ફીલ્મ યાદ આવી ગઈ, કોલેજમાં હતો ત્યારે જોઈ હશે, પણ ત્યારે ખાસ ગમેલુ ગીત નહોતું, પણ હવે બધું યાદ કરતાં રુવાંટી ઊભી થઇ જાય છે.

Leave a Reply

Your email address will not be published.