નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ – ૬

‘હું ભિખારણ નથી કે કોઈ પાસે કંઇ માગું–ભગવાન પાસે પણ નહીં. અરે, મુક્તિ પણ વગર માગ્યે મળવી જોઈએ’

નલિન શાહ

જે ગામમાં આજે શશીનો પ્રવાસ હતો ત્યાંથી પાછા આવવા કોઈ ગાડું મળવાની શક્યતા નહોતી. ઠંડીમાં ધૂળમાટીથી છવાયેલા કાચા રસ્તા પર અઢી-ત્રણ માઇલનો પગપાળો કરી સાંજે શશી ઘેર આવી. ઠંડા પાણીથી સ્નાન કરી ઘર આંગણે તુલસીક્યારા પાસે કોડિયું પ્રગટાવી આંખો બંધ કરી નતમસ્તક હાથ જોડ્યા. તે જ વેળા રાજુલ દાખલ થઈ. દીવાના આછા પ્રકાશમાં બેનનો ઉજ્જવળ સોહામણો ચેહરો, તન્મયતાથી એકીટશે જોઈ રહી.

‘ભગવાન પાસે શશી શેની યાચના કરતી હશે?’ રાજુલને કૂતુહલભર્યો વિચાર આવ્યો. શશીએ આંખ ખોલીને ચિત્કાર પાડી રાજુલને ભેટી પડી.

‘શું યાચના કરતી હતી તું?’ રાજુલે આંખનો મિચકારો કરી પૂછ્યું.

‘જોયું ને શ્રદ્ધાનું ફળ? આંખ ઊઘાડું ને મારી સામે મારી પ્યારી ઢીંગલી ઊભી હોય, એથી વધુ મને શેની અપેક્ષા હોય?’ શશીએ હસીને કહ્યું.

‘મને ઢીંગલી ના કહે, હું હવે મોટી થઈ ગઈ છું. બે એક વર્ષમાં તો બાપુને મારા લગ્નની ચિંતા કરવી પડશે.’

‘ઓહો, બે મહિનામાં તો ઢીંગલીમાંથી લગ્નનાં સપનાં જોવા જેટલી તું મોટી થઈ ગઈ હશે એની તો મને કલ્પના જ નહોતી.’ રાજુલને છાતીસરસી ચાંપતાં શશી બોલી ‘ચાલ અંદર અહીં ઠંડક છે.’

‘હેં, દીદી કહે ને, શું માગતી હતી ભગવાન પાસે?’ રાજુલે બેનનો હાથ પકડી અંદર જતાં પૂછ્યું.

‘હું ભિખારણ નથી કે કોઈ પાસે કંઇ માંગુ–ભગવાન પાસે પણ નહીં. અરે મુક્તિ પણ વગર માગ્યે મળવી જોઈએ, માગેલા દાનનું કોઈ મહત્ત્વ નથી.’

‘કેમ તારું ગ્રામસેવાનું આદરેલું ધર્મયુદ્ધ વગર માગ્યે સિદ્ધ થશે?’

‘અહીં મારા માટે માગવાનો સવાલ છે. સંસ્થા માટે તો હું ખોળો પાથરીને ભિક્ષા માગીશ.’

રસોડામાં લોટ પલાળતાં શશી બોલી, ‘તારી ઉંમર પ્રમાણે તું બહુ વાતો કરતાં શીખી ગઈ છે. આ ઉંમરમાં આ પ્રૌઢતા ખરેખર અચરજ પમાડે એવી છે.’

‘ઉંમર થતાં પહેલાંની પ્રૌઢતા હંમેશાં આવકાર યોગ્ય નથી હોતી’. રાજુલે ગંભીરતાથી જવાબ આપ્યો. ‘ચાલ એ વાત જવા દે. હજી જીજાજી નથી આવ્યા?’

‘આવતો જ હશે. એમ તો અમે ઘણુંખરું સાથે જ હોઈએ છીએ, પણ આજે એણે કોઈ બીજા ગામે કાર્યકર્તાઓની મિટિંગ બોલાવી હતી… પણ રાજુલ તે મને આજે બેનને બદલે દીદી કેમ કહ્યું?’

‘શરતબાબુની નવલકથાઓમાંથી શીખી છું, મને એ સંબોધન બહુ ગમે છે.’

‘તું શરતબાબુને પણ વાંચે છે?’ શશીએ વિસ્મયતાથી પૂછ્યું, ‘સ્કૂલની અને આપણી ન્યાતની લાઇબ્રેરીમાં બેસી મેં ઘણું વાંચ્યા છે.’

‘મને તો ઘરમાં રહીને પણ તારી આ પ્રવૃત્તિઓની જાણ ના થઈ!’

‘ઘરમાં ચોપડી વાંચું તો બા ગુસ્સે થાય, કહે કે આવું બધું વાંચવાથી મગજ બગડી જાય. છેવટે તો સાસરામાં ઢસરડા જ કાઢવાના છે ને. વાંચવું જ હોય તો રામાયણ અને મહાભારતની કથાઓ વાંચ….’

શશી હસી પડી. ‘સારું એ તો કહે કે શરતબાબુ સિવાય અત્યાર સુધીમાં શું શું વાંચી નાખ્યું?’ મુન્શીની ઐતિહાસિક કથાઓ, રમણલાલ દેસાઇની નવલકથાઓ, પન્નાલાલ પટેલની ‘મળેલા જીવ’, ‘કંકું’, ‘માનવીની ભવાઇ’, ગોવર્ધનરામનું ‘સરસ્વતીચંદ્ર’ પણ વાંચ્યું, પણ છેલ્લા ભાગમાં ઘણું ના સમજાયું. સાચે જ દીદી, કુમુદની વ્યથા વાંચી હૃદય દ્રવી ઉઠ્યું. શું સ્ત્રીઓ મુંગે મોંએ સહન કરવા માટે જ પેદા થાય છે?’

‘શશીની આંખો વિસ્મયથી ફાટી ગઈ, ‘રાજુલ, તારું આ રૂપ હું પહેલી વાર જોઉં છું. હું જ ભોટ છું કે અત્યાર સુધી હું તને એક અણસમજુ બાલિકા જ સમજી રહી હતી.’ શશી એને માથે હાથ ફેરવી બોલી.

‘અને એક-બે વર્ષમાં નવોઢા થઈશ ત્યારે?’

‘ચૂપ’ શશી ચિડાઈને બોલી, ‘શું થયું છે? આજે તને કે આમ બોલે છે?’

‘શું ખોટું છે મોટી બેન ચૌદ વર્ષે પરણી તો.’

‘એની વાત જુદી હતી. ચાર ચોપડી ભણીને ઘરમાં બેઠી હતી, સમય અને સંજોગો પણ જુદા હતા.’

રાજુલ વાતને વળાંક આપતાં બોલી, ‘એ બધી વાત પછી. હું આજે આવી છું તો કેવળ તને પૂછવા કે મુંબઈમાં તારી બેનને ત્યાં તારો સત્કાર કેવો થયો? તું વધુ રોકાઈ કેમ નહીં? તેં કાગળમાં કશુ નહોતું લખ્યું છતાં હું તો સમજી ગઈ હતી. આજે તારા મોઢે સાંભળવા આવી છું.’

‘તું પણ ખરી છે’ શશી હસી પડી. ‘કાંઈ કહેવા જેવું હોય તો કહુ ને! સત્કાર જેવો થવો જોઈતો હતો તેવો થયો. અમે સત્કાર માટે થોડાં ગયાં હતાં? અમે આશીર્વાદ માટે ગયાં હતાં. વધુ રોકાવાનું કોઈ પ્રયોજન નહોતું અને અહીંનું પણ કામ ખોરંભે ચડે એ પોષાય એમ નહોતું. બસ આટલી નજીવી વાતને વગર કારણે તું પ્રલયનું સ્વરૂપ આપી રહી છે. ચાલ એ વાત જવા દે. બા-બાપુનાં શું ખબર છે? દુઃખી તો બહુ થયાં હશે મારાં પગલાંથી? પણ મારે એમને વધુ મુસીબતમાં નહોતાં નાખવાં એટલે અહીં આવી ગયાં. પણ અહીં આવ્યાં ત્યારે સમજાયું કે ત્યાંના કરતા અહીં ક્રાંતિની આવશ્યકતા વધુ છે. જેને માટે ભગીરથ પ્રયત્નો કરવા પડશે. આવજે તું મારી સાથે એક વાર, તારું હૃદય પણ દ્રવી જશે. તું પણ મારો જમણો હાથ બનીને મારી સાથે જોડાઈ જાય તો નવાઈ નહીં. પણ હું તને એમ ના કરવા દઉં, તારે જિંદગીમાં ઘણું કરવાનું બાકી છે. તને ભલે તાલાવેલી લાગી હોય પણ જો મારું ચાલશે તો બીજા પાંચ-સાત વરસ તારાં લગ્ન નહીં થવા દઉં. ચાલ હવે ભૂખ લાગી હશે. સુધાકર તો આવશે, કદાચ મોડું પણ થાય. આપણે જમી લઈએ.

રાજુલ બેધ્યાનપણે સાંભળી રહી હતી. તેના વિચાર વંટોળે ચઢ્યા હતા. જેવી શશી થાળી માંડીને પીરસવાની તૈયારી કરવા જાય ત્યાં રાજુલે ગુસ્સામાં થાળી બાજુ પર ઠેલી દીધી. ‘થયું તારું ભાષણ પુરું? નથી તને જૂઠું બોલતાં આવડતું, નથી તું આડંબર કરી શકતી. એ પણ એક કળા છે જે સિદ્ધ કરવી તારે માટે સહેલી નથી. હું જમવાની નથી જ્યાં સુધી તું મને સાચી વાત ના જણાવે.’

શશી નીચું જોઈ રહી. તેની આંખમાંથી આંસુ સરી પડ્યાં. રાજુલ પણ એના ખોળામાં માથું નાખી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. બંને બહેનોએ એકબીજાનાં આલિંગનમાં અનુકંપાની સંવેદના આંસુઓમાં ઢાળી દીધી. સમય થંભી ગયો હતો અને શબ્દોનું ભંડોળ ખૂટી પડ્યું હતું. આંસુ પણ ખૂટી પડ્યાં ત્યારે શશીએ રાજુલને છૂટી કરી સાડીના છેડાથી તેના આંસુ લૂછ્યાં. ‘સાચું કહે છે તું રાજુલ, મને જૂઠું બોલતાં નથી આવડતું .પણ મારા દુઃખે તું દુઃખી થાય એ મારાથી કેમ સહેવાય?’

થોડી વારની ચૂપકીદી સેવી શશી બોલી, ‘તારી બહેન હોવા છતાં પંદર વર્ષની ઉંમરમાં આટલી માનસિક પરિપક્વતા મેં તારામાં ક્યારેય નહોતી કલ્પી. મને શંકા આવે છે કે તું નાની છે કે હું? અને બંને હસી પડ્યાં. શશીએ એના વાળ પકડી એનું મોઢું પાસે લાવી એના ગાલ પર ચુંબન કર્યું. ‘ચાલ, જમી લે પછી શાંતિથી હું તને બધી વાત કહું છું. તારાથી કશું નહીં છુપાવું. હજી રાત બાકી છે. કાલે પણ હું ક્યાંય નહીં જઉં. બસ તું અને હું – આપણો ભૂતકાળ અને આપણું ભવિષ્ય – કેટલી બધી વાતો કરવાની બાકી છે.’

 ત્યાં જ સુધાકર દાખલ થયો. થાકેલો દેખાતો હોવા છતાં રાજુલને જોઈને એનો થાક પળભરમાં ઉતરી ગયો. ‘બંને જમીને બેઠાં હશો, એકલો હું જ ભૂખ્યો છું.’

‘થોડું મોડું કર્યું હોત તો એમ જ થાત અને કદાચ ભૂખ્યા પણ રહેવું પડત’ રાજુલે ટકોર કરી, ‘એ જમાના ગયા કે પત્ની પતિની વાટ જોતા બેસી રહે અને એ પધારે પછી એના ચરણ ધોઈ એને ખાવાનું પીરસે ને પછી એની એઠી થાળીમાં વધેલું-ઘટેલું આરોગે. હવે તો જાતે પીરસીને ખાઇ લેવાનું, જો ખાવાનું બચ્યું હોય તો.’

‘ઓ બાપ રે, શશી કેટલું બોલે છે આ તારી ઢીંગલી.’ સુધાકરે મજાક કરી.

‘અરે હજી તેં એને સાંભળી છે ક્યાં? મને તો અત્યારથી દયા આવે છે એની જે એને પરણશે.’

‘કોઈ એને પરણશે ખરું?’ સુધાકરે ગંભીરતાનો ડોળ કરી પૂછ્યું. ‘એ પણ એક ચિંતાનો વિષય છે. બા-બાપુ માટે શશી હસીને બોલી અને વાતાવરણમાંથી છવાયેલી ગંભીરતા ઓગળી ગઈ.

ગામનાં અસંખ્ય જર્જરીત ઘરોમાં એક ઘર શશી અને સુધાકરનું હતું. ઓશરી, પરસાળ, રસોડું અને પાછળ વાડો જ્યાં બળતણનાં લાકડાં ને અનાજ દળવાની મોટી પથ્થરની ઘંટી રાખતાં હતાં. રસોડાને વાડાની વચ્ચે આકાશની નીચે ખુલ્લો ભાગ હતો. જ્યાં વાસણ ધોવાતાં અને બાજુમાં બે ઘરો વચ્ચે વહેંચાયેલો કુવો હતો. કુવાની બાજુમાં નહાવાની ચોકડી હતી. જ્યાં દોરી પર સૂકવેલી ચાદર બાથરૂમની ગરજ સારતી હતી. આટલું હતું શશીનું સામ્રાજ્ય. એને કોઈ રંજ નહોતો. કારણ આથી વધુ પામવાની એણે કોઈ અપેક્ષા સેવી નહોતી. ભૌતિક સમૃદ્ધિનો કોઈ મોહ હોત તો એના સોહામણાં વ્યક્તિત્વના બળે કોઈ પણ સંપન્ન પરિવારને પામી શકી હોત. પણ એની સુખ-સમૃદ્ધિની વ્યાખ્યા ભિન્ન હતી, જે કોઈ બીજા માટે સમજવી મુશ્કેલ હતી–કેવળ રાજુલ સિવાય.

આજના પ્રસંગ પછી એને અહેસાસ થયો કે રાજુલ એની સમવયસ્ક સહેલી બનવાની ક્ષમતા ધરાવતી હતી. એટલું જ નહીં પણ જરૂર પડે એની ઓથમાં જિંદગીની વિષમતાઓનો સામનો કરી શકે તેમ હતી.

સુધાકર ઓરડામાં ફાનસના પ્રકાશમાં આજના કાર્યની સમીક્ષા કરવા પથારીમાં જરૂરી કાગળો લઈને બેઠો. શશી અને રાજુલે વાસણો સાફ કરી ગોઠવી દીધાં અને રાત્રે ઠંડીથી બચવા ઓસરીમાં બે પથારીઓ પાથરી દીધી. હજી તો રાતની શરૂઆત હતી અને વાતાવરણ આહ્લાદક હતું એટલે વાતો કરવા છત ઉપર કાથાની દોરીનો ખાટલો ઢાળી આડા પડ્યાં.

શશીએ કશું પણ છુપાવ્યા વગર રાજુલને ધનલક્ષ્મીની મુલાકાત દરમિયાન એની આપવીતી સંકોચ કે આત્મગ્લાનિ અનુભવ્યા વગર વર્ણવી. રાજુલ એકચિત્તે સાંભળી રહી. એના ચહેરા પર છવાતા ગ્લાની કે ક્રોધના ભાવો તો એ રાતના અંધારામાં જોઈ ન શકી પણ એનો ભાસ એને જરૂર થયો. રાત અડધી વીતી ગઈ અને હવામાં ઠંડીનો ચમકારો લાગવા માંડ્યો. શશી રાજુલને પરાણે ઊઠાડીને નીચે ઓસરીમાં લઈ ગઈ. કશી પણ પ્રતિક્રિયા આપ્યા વગર રાજુલ પથારીમાં લાંબી થઈ, શશીનાં ગળામાં હાથ નાખ્યો અને આંખો મીંચી ચૂપચાપ પડી રહી.

‘રાજુલ ઊંઘ આવે છે ને?’ રાજુલે જવાબ ના આપ્યો, કેવળ નજદીક સરકી શશીની ભીંસને વધુ મજબુત કરી.

‘રાજુલ, સાંભળે છે?’ રાજુલે કેવળ હુંકારો કર્યો.

‘વિષાદની વીતેલી પળોને વાગોળવાથી કશું જ પ્રાપ્ત થતું નથી. વિસ્મૃતી પણ ક્યારેક વરદાન રૂપ હોય છે એ જ આશા રાખવી અર્થપૂર્ણ છે કે આવતી કાલ ગઈકાલ કરતાં ભિન્ન હોય.’
રાજુલે કોઈ પ્રતિસાદ ન આપ્યો.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.