લુત્ફ-એ-શેર : મણકો # ૪૧

ભગવાન થાવરાણી

દુષ્યંત કુમાર ત્યાગી એમના પ્રથમ નામથી વધુ જાણીતા છે. હિંદી ગઝલને એક ક્રાંતિકારી મોડ આપવાનું શ્રેય એમને જાય છે. એમને હિંદી કરતાં હિંદુસ્તાની ગઝલકાર કહેવા વધુ યોગ્ય છે કારણ કે એમની રચનાઓમાં વિશુદ્ધ હિંદી શબ્દો ઉપરાંત ઉર્દૂ પણ ખાસ્સી માત્રામાં રહેતી. એમના મહત્વનું એક માપદંડ એ કે હિંદી ગઝલને  ‘ દુષ્યંત કુમાર પહેલાં ‘ અને  ‘ દુષ્યંત કુમાર બાદ ‘ એમ બે ફાંટામાં વિવેચકો દ્વારા વહેંચવામાં આવે છે ! એ એમની જ વિશિષ્ટ શૈલી છે કે કોઈ પ્રિય પાત્રના નજીકમાંથી પસાર થવાને તેઓ ‘ કોઈ નબળા પુલ પરથી ટ્રેનનું પસાર થવું ‘ કહી શકે અને ‘ એ ટ્રેન પસાર થતી વખતે પોતાની સ્થિતિને  ‘ કોઈક પુલનું ધ્રુજવું ‘ એમ મૂલવી શકે ! આ એ જ શાયર છે જે  ‘ તડકાની ચાદર ‘ બિછાવી શકે છે અને  ‘ છાંયડાનું ઓશીકું ‘ માથા હેઠળ મૂકીને આરામ ફરમાવી શકે છે ! એમના રાજનૈતિક કટાક્ષનો નમૂનો જુઓ :

ઉનકી અપીલ હૈ કિ ઉન્હેં હમ મદદ કરેં
ચાકૂ કી પસલિયોં સે ગુઝારિશ તો દેખિયે ..

એમનો કેવળ એક શેર મિમાંસા માટે પસંદ કરવો એ અઘરી વાત છે અને પડકાર પણ, પરંતુ ફિલહાલ આપણે આ નાનકડા શેર પર નજર સ્થિર કરીએ :

દેખિયે ઉસ તરફ ઉજાલા હૈ
જિસ તરફ રૌશની નહીં જાતી..

હવે આ વાત કેમ કરી સમજાવવી ! એ જગ્યાએ પ્રકાશ કઈ રીતે હોય જ્યાં રોશની પહોંચતી ન હોય ? કદાચ આ વાત સમજવા અહમદ ફરાઝનો આ શેર ઉપયોગી થાય :

ઢૂંઢ ઉજડે હુએ લોગોં મેં વફા કે મોતી
યે ખઝાને તુજે મુમકિન હૈ ખરાબોં મેં મિલે..

પણ આખા અર્થઘટનને આટલી જ વાત કહીને પડતું મેલીએ કે આપણી આ દુનિયામાં કેટલીય એવી જગાઓ અને લોકો છે જ્યાં લગી રોશની નથી પહોંચતી ( અથવા પહોંચવા દેવામાં નથી આવતી ! ). આ ઉપેક્ષિત સર્વહારા લોકોની નજીક જઈએ ત્યારે જ અસલી પ્રકાશ શું ( સંવેદના, પ્રેમ ) એની અનુભૂતિ થાય છે.

કોઈ પણ શેર ઉપર આનાથી વધુ પ્રકાશ ફેંકવો ખતરનાક છે ..


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

2 thoughts on “લુત્ફ-એ-શેર : મણકો # ૪૧

  1. દુષ્યંત કુમાર નાં ખજાના માંથી શ્રેષ્ઠ મોતી શોધવાની જહેમત દાદ માગી લે તેવી છે…..🌷🌷💮💮🌺🌺🌷🌷

Leave a Reply

Your email address will not be published.