અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : અમેરિકામાં ભારતીય લગ્ન

દર્શા કિકાણી

નોક્ષ-વિલમાં આવેલી મેરીએટ હોટલમાં અમારો ઉતારો હતો. અમરીશભાઈ અને તોરલના દીકરા અનંતના લગ્ન અમારી અમેરિકાની મુસાફરીનું નિમિત બની ગયું. ઘણા વખતથી  ‘અમેરિકા નથી જવું’ નો સંકલ્પ  ‘અમેરિકા ક્યારે જઈશું’ માં પલટાઈ ગયો અને અનંતના લગ્નની કંકોત્રી અમારા સપનાને સફળ કરી ગઈ. આજે એ જ લગ્ન માટે અમે નોક્ષ-વિલની પાસે આવેલ ટેનેસીમાં હાજર હતાં. સુંદર હોટલમાં રહેવાની બહુ સરસ વ્યવસ્થા કરી હતી. અમે પ્રવીણભાઈ-લિટલ સાથે એક રૂમમાં રહ્યાં. અમે હોટલ પહોંચ્યાં ત્યારે ઘણાં બધાં મિત્રો આવી ગયાં હતાં. આજે ગરબાનો પ્રોગ્રામ હતો. અમે પણ ગરબા માટે તૈયાર થઈ બધાંની સાથે નીકળી પડ્યાં. ફરી પાછી સંસ્કૃતિ અને તેની સાચવણીની વાત ! અમરીશભાઈ-તોરલના વેવાઈ ગુજરાતી જ અને  તેમના મિત્રો જ એટલે લગ્નમાં કોઈ અનેરો જ ઉમંગ હતો. મિત્રની દીકરી કેયા એક ઘેરથી બીજે ઘેર જવાની હતી એટલે કોઈ ચિંતા કે ઉત્પાતનું કારણ ન હતું.

ટેનેસીમાં અમરીશભાઈએ લગ્ન માટે એક ભવ્ય ફાર્મ (વાડી)  Castleton Farm બે-ત્રણ દિવસ માટે ભાડે રાખ્યું હતું જેમાં એક મોટો બંગલો, બે-ત્રણ હોલ, મોટી વિશાળ લોન, પાર્કિંગ માટે જરૂરી વ્યવસ્થા વગેરેનો સરસ રીતે સમાવેશ થતો હતો. ગરબાનું સુંદર સ્થળ આ વાડીમાં જ હતું. એક મોટો માંડવો સરસ રીતે શણગાર્યો હતો. માંડવા પાસે પણ મોટો ગાર્ડન હતો. અમે પહોંચ્યાં ત્યારે ઘણાં મહેમાનો આવી ગયાં હતાં. ગરમાગરમ જમવાનું (બુફે ) પીરસાઈ રહ્યું હતું. ગરબાનું સ્થળ, મહેમાનો અને તેમનો શણગાર તથા ભોજન એટલું બધું ભારતીય હતું કે ક્યારેક ભૂલી જવાય કે આપણે અમેરિકામાં છીએ કે અમદાવાદમાં ! અમે રાજેશના બધા મિત્રો માટે લગ્નમાં પહેરાય તેવાં સિલ્કનાં  જેકેટ લઈ ગયાં હતાં. મિત્રોની આખી ટોળકીએ સરસ મઝાના ઝભ્ભા સાથે સિલ્કનું જેકેટ પહેરી પ્રસંગની આભા અને ગરિમા વધારી દીધી. જમ્યાં બાદ  હાજર રહેલ સૌએ ગરબાની રમઝટ બોલાવી દીધી. તોરલનું પિયર નાગર અને નાગર બહેનો ગરબા-રસ બહુ કલાત્મક રીતે ગાય અને રમે. અહીં પણ નાગરાણીઓએ એ રસમ કાયમ રાખી! આપણા પ્રાચીન અને પ્રસંગોચિત ગરબા તથા રાસ બહુ શાલીનતાથી લોકો રમ્યાં. બધાંએ બહુ આનંદ કર્યો. રંગેચંગે ગરબાનો પ્રસંગ પાર પડ્યો. મોડેથી હોટલે આવ્યાં પણ જૂનાં મિત્રો આટલા વખતે મળતાં હોય તો સૂવાય કઈ રીતે? લોબીમાં ગેસનું તાપણું કર્યું હતું અને બેસવાની સગવડ પણ હતી. મોડી રાત સુધી ધાંધલ-ધમાલ, ટોળટપ્પા અને વાતો કરી લગભગ સવાર પડતાં રૂમ  પર આવી બધાં સૂઈ ગયાં.

૦૩/૦૬/૨૦૧૭

સવારે નાસ્તો હોટલમાં જ કરવાનો હતો. પીઠી અને મોસાળું જેવા પ્રસંગો હતા પણ કુટુંબીઓ સિવાય મિત્રોની હાજરી પાંખી રહી. અમે જરા વહેલાં ઊઠ્યાં હતાં એટલે રીતી-રિવાજોમાં ભાગ લેવાની મઝા આવી. વેવાઈને ત્યાંથી અને મોસાળથી સરસ રીતે શણગારીને મગજ  અને બીજી મીઠાઈઓ આવી. અમે પણ યાદ રાખીને અમદાવાદથી લગ્ન માટે ખાસ મીઠાઈ લઈ ગયાં હતાં. વેવાઈઓએ એકબીજાનાં મોં મીઠાં કરાવ્યાં. હોટલની આસપાસની ટેકરીઓ અને તેની નજીકનું વાતાવરણ એટલું ખુશનુમા હતું કે રૂમમાં બેસી રહેવાનું અશક્ય હતું. ઘણાં રસ્તાઓ પર ‘Private’  નું બોર્ડ મારેલું હતું. મોટા મોટા બંગલાઓ અને આગળ સુંદર બાગ-બગીચાઓ હતા. એકદમ એકાંત લાગે તેવા શાંત રસ્તાઓ ઉપર અમે કલાકેક ચાલ્યાં.  અગિયાર વાગે બધાં ગેલેરીમાં ભેગાં થયાં અને નાસ્તો કર્યો. નાસ્તો તો ખાલી બહાનું હતું બાકી તો ધમાલ કરી. બધાં મિત્રો જાણે સ્કૂલે જતા બાળકો બની ગયા હતા.

બપોરે દોઢ-એક વાગે બધાં સમયસર જમી અને તૈયાર થઈ ટેનેસી જવા નીકળી પડ્યાં. કારમાં વરઘોડો નીકળ્યો! જો કે હવે તો અહીં અમદાવાદમાં પણ એવું જ થાય છે. મોટી ગાડી સરસ ફૂલોથી શણગારી હતી. અનંતની ભાભી ગાડી ચલાવતી હતી અને વરરાજાની માતા તોરલ બાજુમાં બેઠી હતી. અનંત પાછળની સીટ પર  બેઠો હતો.સુંદર ભારે વસ્ત્રોમાં સજ્જ મિત્રો અને સગાવહાલાંઓ ગાડીની સાથેસાથે ડાન્સ કરતાં કરતાં ધીમે ધીમે લગ્ન સ્થળ બાજુ જતાં હતાં. આશરે ૫૦૦ મીટર ચાલ્યાં હોઈશું ત્યાં તો વરને પોંખવા સાસુ અને બીજો મહિલાવર્ગ હાજર થઈ ગયો. વરમાળા, નાક ખેંચવાનું વગેરે બધી વિધિઓ અહીં જેવી જ ! સરસ માંડવો બાંધ્યો હતો, પણ મહેમાનોની હાજરી વધુ હતી. વળી તડકો પણ ઘણો હતો. માંડવાને બદલે અમે તો આસપાસ ખુલ્લામાં જ જમાવી દીધું. લગ્નગીતો અને મંગલાષ્ટક પણ એકદમ દેશી! પંડિતે  લગ્નની વિધિ સંસ્કૃતમાં અને પછી અંગ્રેજીમાં સમજાવતા સમજાવતા સરસ રીતે સંપન્ન કરી. કન્યા અને વરના ઘણાં વિદેશી મિત્રોએ બહુ ઉમંગથી ભારતીય પોષક પહેરી  લગ્નની વિધિમાં ભાગ લીધો.

લગ્નની વિધિ પત્યાં બાદ કોકટેઈલ(Cocktails)નો પ્રોગ્રામ હતો. વાડીમાં ઠેરઠેર મૂકેલાં સુંદર કલાત્મક પૂતળાં, લીલ્લી લોન  અને ઝૂમખેદાર ફૂલોના છોડને કારણે સાંજના સમયે વાડી વધુ મનોરમ્ય લાગી રહી હતી. માંડવાથી થોડે દૂર કોકટેઈલ / પીણાંની વ્યવસ્થા હતી.  બધાં મહેમાનો શાંતિથી લાઈનમાં ઊભા રહી પીણાં તથા ફરસાણ લઈ પોતાના ગ્રુપમાં તેની મઝા માણતાં હતાં. એટલા સમયનો લાભ ઊઠાવી નવ-વિવાહિત યુગલ અને તેમનાં મિત્રો તથા સગાવહાલાંઓએ ભેગાં મળી હોલમાં રીસેપ્શનની તૈયારી કરી નાંખી. લગ્નવિધિમાં ભારતીય પ્રથાઓનું માહાત્મ્ય રહ્યું હતું જયારે રીસેપ્શન સંપૂર્ણ રીતે પશ્ચિમની ઢબે ઉજવાતું હતું. મોટા હોલમાં ટેબલો ગોઠવેલાં હતાં અને દરેક ટેબલ પર બેસનારાંનાં નામ લખ્યાં હતાં. નામ પ્રમાણે જ અને તે જ ટેબલ પર બેસવાનું ! મારા મનમાં અમદાવાદના રીસેપ્શનની સાથે સરખામણી ચાલી રહી હતી. અહીંની ગોઠવણમાં દરેક માણસને ‘સ્પેશિઅલ’  હોવાની લાગણી થાય એવું હતું. બધાં બેસી ગયાં એટલે રીસેપ્શનના સ્ટેજ પર  નવ-વિવાહિત યુગલ અને તેમનાં નજીકનાં મિત્રો તથા સગાવહાલાંઓએ એન્ટ્રી મારી. આખું વાતાવરણ તાળીઓથી ગુંજી ઊઠયું. દરેક ટેબલ પર આવીને તોરલ બધાંને મળી ગઈ અને બહેનોને નાજુક કડું ભેટ આપી ગઈ. વર-વધૂ, તેમનાં માતા-પિતા, ભાઈ-બહેન વગેરે સૌએ પ્રસંગને અનુરૂપ સુંદર સ્પીચ આપી. વરના મોટાભાઈ અશેષ અને દાદી પૂ. કપિલાબાના વક્તવ્યો ખાસ નોંધનીય હતાં. ધીમે ધીમે એક-પછી-એક ટેબલ પરથી મહેમાનો જમવા માટે ઊઠતા ગયાં. જમવાની વ્યવસ્થા પણ સરસ હતી. કલાકેકમાં બધાંએ જમી લીધું પછી ડાન્સનો પ્રોગ્રામ શરુ થયો. નવ-વિવાહિત યુગલ અને નજીકનાં સગાવહાલાંઓનાં બાળકોએ ડાન્સ કર્યા બાદ ફ્લોર બધાં માટે ખુલ્લો હતો. બધાં ડાન્સ કરવા જોડાયા. ડાન્સને બદલે બોલીવુડના ગીતો પર ભારતીય નૃત્યો પણ થયાં. બધાંએ સારી એવી ધમાલ કરી. થાકીને લોથપોથ થઈને હોટલે પહોંચ્યાં પછી કોઈનામાં જાગવાની તાકાત રહી ન હતી!ક્રમશઃ


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: Web Gurjari

12 thoughts on “અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : અમેરિકામાં ભારતીય લગ્ન

 1. Aarey wah! This episode could as well have been in india, Except that quality, planning and execution of event was flawless! Great memories, our first wedding experience outside India!

 2. Lovely description of the wedding at THAKERS! You have amazing writing style and I enjoyed reading all of it! તમારી એન્ડ પુરા ફેમિલી ની ઇન્ડિયા થી હાજરી ” સોના માં સુગંધ ” હતા! નહેરુ જૅકેટ ખરેખર રંગ રાખ્યો!
  અમરીશ

  1. Thanks, Amrishbhai!
   ખરેખર અમારી અમેરિકાની ટૂર માટે તમારું કુટુંબ જ નિમિત્ત હતું. બહુ મઝા આવી!

 3. વિદેશમાં ભારતીય સંસ્કૃતિ સાચવવાનો પ્રયત્ન વધારે સભાનતાપૂર્વક થાય છે તેમ સાંભળ્યું હતું. દર્શાબેને તેનું પ્રત્યક્ષ ઉદાહરણ વર્ણવ્યું.
  અમેરિકામાં દેશી લગ્ન માણવાની મજા આવી…

  1. સાચી વાત છે! પરદેશના ભારતીયો અહીંના સ્થાનિક લોકો કરતાં વધુ ભારતીય લાગે છે. પહેલી પેઢી માટે તો આ એકદમ સાચી વાત છે!

 4. આપડે લોકો કેટલા દમ્ભી ને સ્વાર્થી છીએ. આપડા દેશ માં પેઢીઓ થી રહેતા મુસ્લિમો ને ખ્રિસ્તીઓ ને કોઈક રીતે દેશ માં થી કાઢવા છે. જેઓ નું મૂળ તો ભારતીય જ છે. માત્ર ધર્મ પરિવર્તન થયેલું છે.
  પણ અમેરિકા જેવા ખ્રિસ્તી દેશ માં ગમે તેમ કરીને ઘુસી જવું છે. અહીં ની ટેક્નોલોજી વગર એક મિનિટ ચાલે નહિ પણ પીપુડી તો હિન્દુત્વ ની જ ચાલુ રાખવી છે.

 5. તમે પ્રસંગમાં આવ્યા , એ જ ખૂબ આનંદની વાત. મિત્રો અને કુટુંબીજનોની હાજરી સાથે લગ્ન પ્રસંગ ઉજવાયો એનો અમને આનંદ અને યાદગીરી છે. ખૂબ સુંદર વર્ણન 👍👏👏. આભાર.

  1. Thanks, Toral! Pleasure was ours! There were moments when we felt that we were in India. And some moments were wonderfully western. Very nice combination of traditions and modernity!

 6. Toral & Amrish are great hosts. We are very happy to read the details of Thakers’ wedding. Unfortunately we were not able to attend the wedding functions.

Leave a Reply

Your email address will not be published.