વાંચનમાંથી ટાંચણ : ચેન્નાઈનો પક્ષીજણ

સુરેશ જાની

      કેમ નવાઈ લાગીને આ શબ્દ વાંચીને? પક્ષીગણ તો જીવશાસ્ત્રનો શબ્દ. પણ આ તો જણ છે, જણ – જીવતો જાગતો જણ. પણ અફસોસ! એ સ્પાઈડરમેનની જેમ ઊડી નથી શકતો – એ ઊડતા પક્ષીઓના પ્રેમમાં ગળાડૂબ બની ગયેલો, માણસ’ કહેવાય એવો એક જણ છે!

     આમ તો જોસેફ સેકર સાવ સામાન્ય માણસ છે. ચેન્નાઈના રોયાપેટ્ટા વિસ્તારમાં ભાડાના મકાનમાં ૨૭ વર્ષથી  તે રહે છે. મકાન પણ પચાસ વર્ષ જૂનું છે અને પાંચ ભાડવાત એમાં રહે છે. વ્યવસાયે તે ઇલેક્ટ્રિશિયન છે અને  કેમેરા પણ  રિપેર કરે છે. ઘણી વાત ઘરાક ન મળતાં તેને બે ટંક ભેગા કરતાં ફાંફાં પણ પડતા હતા. પણ જોસેફનું દિલ અમીર છે. ૬૩ વર્ષના જોસેફે ૨૦૦૫ ની સાલમાં આવેલ ત્સુનામી વખતે જોયું કે, બે ચાર પોપટ તેની અગાસી પર ચકલીઓએ ન ખાધેલા થોડાક ચોખા શોધવા આમ તેમ ઘૂમી રહ્યા હતા. આમ તો ત્યાં ચકલીઓ અને કબૂતર જ ચણ માટે આવતાં હતાં. તે ઘરમાં પાછો ફર્યો અને થોડાક ચણા લઈ આવ્યો અને અગાસી પર વેરી દીધા. બીજા આઠ દસ પોપટ પણ થોડીક જ વારમાં ત્યાં ભેગા થઈ ગયા અને આનંદની કિલકારીઓ કરવા લાગ્યા.  

      બસ , ત્યારથી જોસેફને આ નિર્દોષ પક્ષીઓની ભુખ શમાવવાનું ઘેલું લાગ્યું છે. વધારે પક્ષીઓ ચણી શકે અને ચણનો બગાડ ઓછો થાય  એ માટે અગાસી પર લાકડાના પાટિયા પર તે રોજ સવારે ૬ વાગે અને બપોરે ચાર વાગે આ પક્ષી વીશી ચાલુ કરે છે!  

       એક અંદાજ મુજબ, રોજના ૧,૦૦૦ પક્ષીઓ આ લોજમાં પધારે છે. શિયાળામાં તો આ આંકડો ૮,૦૦૦ સુધી પહોંચી જાય છે. આગંતુકોમાં  મોટા ભાગે પોપટ હોય છે. પણ કબૂતર અને ચકલી પણ ખરાં  જ. એ બે જાતનાં ચણ નીરે છે. પાણીમાં પલાળેલા અને વિટામિન પાવડર ઊમેરેલા ચોખા અને ચણા. પોતાની આવકનો ૪૦ % એ જીવદયાના આ કામમાં વાપરી નાંખે છે. સવારે ચાર વાગે જોસેફ ઊઠી જાય છે અને ૭૫ કિલોગ્રામ ચોખા પલાળી દે છે. કલાક બાદ પાંચ છ ફેરા કરી અગાસી પર ચોખા પીરસે છે.

      આ કામ પતી જાય પછી તે મકાનના ભોંયતળિયે આવેલી દુકાન ચાલુ કરે છે. બિમાર હોય અને માંડ ઊડી શકતાં હોય તેવાં  પક્ષીઓને તે પોતાના ઘરની હોસ્પિટલમાં સારવાર પણ આપે છે, અને તંદુરસ્ત બની જાય પછી એમને છોડી મૂકે છે. આવાં પક્ષીઓ તો તેનાં મિત્ર બની જાય છે. કોઈક વખત તેને બહારગામ જવાનું હોય, ત્યારે એના કુટુમ્બના સભ્યો આ કામ ચાલુ રાખે છે. આમ ૩૬૫ દિવસ આ અભિયાન પંદર વર્ષથી અટક્યા વિના ચાલુ જ છે.

     જોસેફનું આ સત્કાર્ય એટલું તો બધું જાણીતું બની ગયું છે કે,એની આ વીશી ચેન્નાઈના ઘણા પ્રવાસીઓ માટે યાદગાર મુલાકાત લેવાનું સ્થળ બની ગઈ છે!

સંદર્ભ –

https://www.thebetterindia.com/205287/chennai-unique-tourist-spot-parrots-parakeets-rescue-help-birdman-joseph-sekar-india

https://www.newindianexpress.com/cities/chennai/2020/jun/22/chennais-birdman-c-sekar-makes-ends-meet-for-birds-amid-covid-19-lockdown-2159641.html

Author: Web Gurjari

1 thought on “વાંચનમાંથી ટાંચણ : ચેન્નાઈનો પક્ષીજણ

  1. શ્રી જોસેફભાઇ જેવા અદનાં માનવી વિશે લખવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published.