શબ્દસંગ – કેળવણી: બાળમાનસના વિવિધ રંગો

નિરુપમ છાયા

કેળવણી વિષે ચિંતન થાય છે તેમ એના અંગેની સંવેદનાત્મક અભિવ્યક્તિ કાવ્ય દ્વારા વધારે પ્રભાવક રીતે વ્યક્ત થઈ શકે છે. ગુજરાતી ભાષામાં પણ શિક્ષણને કેન્દ્રમાં રાખીને કાવ્યસર્જન થયું છે. આવાં આમતેમ વેરાયેલાં કાવ્યોને કેળવણીકાર ડૉ. રૂપલ માંકડે ‘ક કવિતાથી કેળવણી’ શીર્ષક હેઠળ સંગ્રહિત કરી કેળવણીનું સર્વગ્રાહી ભાવાત્મક સ્વરુપ પ્રસ્તુત કર્યું છે. આ પુસ્તક કવિતાથી કેળવણી કેમ આપવી એવી સામાન્ય વાત નથી કરતું પણ કવિતાથી ભાવકને કેળવણી સાથે હૃદયપૂર્વક જોડાવા સહજ રીતે  દોરે છે. શિક્ષણનાં મહત્વનાં અંગ શિક્ષક વિશેનાં કાવ્યોની ચર્ચા આપણે કરી ગયા. હવે એવું  જ બીજું  મહત્વનું  અંગ બાળક જ્યાં કેન્દ્રમાં છે એ કાવ્યો જોઈશું.

                   ‘પહાડો, ઝરણાં જંગલ જોવા, પતંગિયાની પાંખો, પગમાં હરણાં,નયણે સપનાં, ને  હોઠોમાં ગાયન, અમે નાચતાં પુષ્પો, આપો દરિયા જેવું નર્તન.’ કહેતાં, ડૉ. હર્ષદેવ માધવ ‘અમે મજાનાં બાળક’ ની મીઠી, લીલીછમ્મ કલ્પના આપે છે. આજે રમતાં બાળકો  કાલ દેશને સુંદર કરવાની, કાગળની હોડીથી સાત દરિયા ખૂંદવાની, આભે અડવાની કલ્પના કરતાં, રોકેટ લઈને ઊડી, નભમાં ચાંદ પકડવાનાં  મધુર સ્વપ્નાં જુએ છે. આ સ્વપ્નાં સાથે શાળા એમને જ્ઞાન કોડીયું લાગે છે જેની જ્યોતિ શિક્ષક છે. એ પ્રકાશમાં ‘વાંકાચૂંકા અક્ષરમાંથી બનશે હીરામોતી, શૂન્ય થકી સુરજ ચિતરીશું અમે ગુર્જરી દીપક.’ એવી શ્રદ્ધા પણ છલકે છે.                    

          આ કલ્પના., સ્વપ્નો, શ્રદ્ધા સાથે  શિક્ષણ અને એની આસપાસની પરિસ્થિતિ, વ્યવહાર વગેરેને કારણે  કલ્પનામાં રહેલું  વિશ્વ વિખરાતું  જોતાં બાળકનાં હૃદયમાં, મનમાં સર્જાતાં વમળો, પ્રસરતી ઉદાસી અને એવી સંવેદનાઓ સાથે સંવાદી સૂર પૂરાવતાં કાવ્યો પણ છે. દફતર અને ચોપડીમાં હોય ત્યારે અટવાતા અને ટીવી સામે હોય ત્યારે મલકાતા બાળકનો પ્રશ્ન ‘આ તે કેવું’માં વ્યક્ત કરતા નયન દેસાઈને બાળકની ગૂંચવણો જાણે ‘દેખાય’ છે. ભાષા આવડે છે તો શાને વાંચવી? અને અઘરું ગણિત, ભારે ભૂગોળ વાંચવા છતાં પપ્પા ડફોળ કહે? જેલ જેવી લગતી શાળામાં જરાક રીસેસ  કે રજા પડે ત્યારે છૂટકારો માનતાં બાળકની, તેમ છતાં સમજ સ્પષ્ટ  છે કે, ‘કિન્તુ ભણ્યા વગર કદી  દૃષ્ટિ મળે નહીં, હીરાને પણ સરાણ પર ઘસવો પડે અહીં.’

                 આજનાં શિક્ષણ સાથે અવિચ્છિન્નપણે  જોડાયેલ, હોમવર્ક અને બાળકને જણાતો ‘હોમ વર્કનો દરિયો’ શીર્ષક હેઠળ  કિરીટ ગોસ્વામી કહે છે, ‘જાડાપાડા આ દરિયાનાં મોજાંનો નૈ પાર, ટીચર કહેતા-ગમેતેમ જાવાનું સામે પાર’. નાનાં દફતરમાં ભરાયેલા આ ગજબના દરિયાના ભારથી ઝૂકી પડેલું બાળક રાત-દી’ મથે તોયે એનો તાગ ન  મળે. ઝોકે ચડી જાય ત્યાં જ મમ્મી ‘જાગ’ કહે. આમ મૂંઝાયેલ બાળક સદાય ચમકતા જાણે રૂપકડું હાસ્ય વેરતા, શીતળતાને કારણે  મનમાં વસી ગયેલા ચાંદામામાને જ એનો ઉપાય પૂછે છે, ‘મજા ન આવે એવું ભણતર કાયમ ભણાય શું?’ કારણકે, ‘એવો દરિયો શું ખંખોળે; જેમાં નાં હો મોતી ! મારે આ ગોખણપટ્ટીની નથી હોડકી જોતી !’ અને અંતે જાણે પોતે  એકલો જ  નહીં, પણ કાનો, કુલદીપ, હરિયો પણ આવી  મૂંઝવણ અનુભવે છે એવું કહી આ દુઃખનું સાર્વત્રીકરણ કરે છે. અને હોમવર્કની  ફરિયાદ સાથે ‘પ્રભુ પંચાયતમાં: બાળક’ પ્રશ્ન કરે છે એનું  સુંદર કલ્પન પ્રણવ પંડ્યા પ્રસ્તુત કરે  છે, ‘હોમવર્ક વહેલું પૂરું થાય પ્રભુ,તો તને આવીને મળાય પ્રભુ!’ પ્રભુની  જેમ  મસ્તી કરવા, એ જગને રમાડે  છે એમ ભલે દહીં દૂધમાં રમવા માગતું બાળક રમતના મેદાનમાં શા માટે મંદિર બંધાય, રોજ ઝઘડતાં માતાપિતાને વઢવા, અને પરાણે એને પગે પડવું એ બાળમજૂરી જેવા પ્રશ્નો પણ કરે છે. કોરીપાટી જેવું બાળકનું મન સૂક્ષ્મ રીતે આસપાસનું જુએ એના  કેવા પ્રત્યાઘાત આપે છે એનું સુંદર મનોવિશ્લેષણ પ્રગટ થાય છે.

                  હોમવર્ક સાથે જ બાળક માટે અણગમતી બાબત પરીક્ષા છે. રોજ ‘ટેસ્ટ’ આપતા બાળક પાસે બેસ્ટમબેસ્ટ રહેવાની અપેક્ષા અને બાળકની મૂંઝવણ કિરીટ ગોસ્વામી બતાવે છે. ટી વી, ફ્રેન્ડસ રેસ્ટ  છોડી, બબ્બે ટ્યુશન, ફૂલ લેશનથી ઘેરાયેલ, બાળક જાણે ગૂંગળાય છે કારણકે, ‘દરિયો ભરાય જાય એટલું કરું પાકું, તોય નવા ક્વેશ્ચન પૂછાય !’ આ પરીક્ષાના હાઉમાંથી બાળક કેવી રીતે કયારે મુક્ત થશે? ઉત્તર શોધવો જ રહ્યો.

આવી જ કૈંક વાત ‘પરીક્ષા’માં કૃષ્ણ દવે કરે છે, ‘કાં તો સ્કુલમાં, કાં ટયુશનમાં, કાં ટેન્શનમાં રહીએ’….કારણ કે ‘નથી એકલા પાસ થવાનું, ટકા જોઈએ મોટા….’ અને જુઓ કેવું અદભૂત કલ્પન છે, આ પરીક્ષા અમારું ખળ ખળ વહેવું, કલકલ નિનાદેય ઝુંટવી લે છે !  ‘એચ ટુ ઓને ગોખી ગોખી ઝરણું ક્યાંથી થઈએ.’ રેસનો ઘોડો બનતાં બાળક કહે છે, ‘ પ્રવાસ ચાલુ થાય એ પહેલાં હાંફી જઈએ…’ આ કવિ તો બાળકની નિર્ભીક પ્રશ્ન પણ મૂકી દે છે, ‘રામ, કૃષ્ણ કે અર્જુન પણ ક્યાં દેતા રોજ પરીક્ષા?’ કિરીટ ગોસ્વામી પણ બાળકને મુખેથી  પરમેશ્વરને એક નિવેદન કરે  છે, ‘ પેલ્લે નંબર પાસ થવાનું રોજ’. પરમેશ્વર માથે તો ક્યાં કોઈ બોજ છે? ‘તારે માથે મોરપિચ્છ બસ; એનો ક્યાં કંઈ ભાર?’ એણે  ભલે ગોવર્ધન ઉપાડ્યો, એકવાર દફતર ઉપાડે ને ! બાળકને હોમવર્કનો કાળીનાગ નાથવાનો, ટેસ્ટનાં  કુરુક્ષેત્રમાં એકલા હાથે ટેક્સ્ટ બુકની કેવડી ફોજ સામે લડવાનું ! પરમેશ્વરના કામ કરતાંયે  ભણવું કેટલું અઘરું બની ગયું  છે ! ‘પરીક્ષા અને નેતા’માં  ભેદ કૃષ્ણ દવે બાળકના માધ્યમથી દર્શાવે છે. ઘણા વિદ્યાર્થીઓ  “નાપાસ થઈશ તો મમ્મી પપ્પાને શું મોઢું દેખાડીશ ” એવી બીકમાં ને  બીકમાં આત્મહત્યા કરી લેતા હોય છે’ એટલે એ પરથી ચુંટણી હારીને નેતાજી આપઘાત ન  કરી બેસે એવી બીક બાળક નેતાજી સામે વ્યક્ત કરે  છે. પણ નેતાજીનો ઉત્તર જુઓ, ‘ અમે ઓછા કાંઈ બાળક જેવાં ઈનોસન્ટ છીએ તે આવી નાની અમથી વાતમાં આત્મહત્યા કરી લઈએ ?  બેટા અમે તો આત્મહત્યા કરીએ નહીં કરાવીએ…’

                     શિક્ષણની આવી બધી કનડતી બાબતો છે છતાં જો કોઈ શાળા સર્જનાત્મક નૂતન કલ્પનોથી ચાલતી હોય, ક્રીયામુલક અને પ્રયોગશીલ હોય તો ત્યાં બાળકને કિરીટ ગોસ્વામી દર્શાવે છે તેમ ‘મનગમતો ક્લાસ’ મળે. પ્રાર્થના ગવાય, સુવિચાર લખાતા હોય, મધુર ગુજરાતી કાવ્યોનો નાદ ગુંજતો હોય, ક્યારેક ગુસ્સે થતા ટીચર મમ્મીની જેમ વહાલ પણ વરસાવે ત્યારે બાળક આનંદથી ગાઈ ઊઠે , ‘અઢળક અહીંથી લઈ જાશું , સહુ ભણતરનો અજવાસ’. આવી શાળાઓ બાળકોને મળે, તેમનું શૈશવ ખીલેલું ઉપવન બને અને તેઓ મઘમઘતો અજવાસ લઇ જાય એવી પ્રાર્થના જરૂર થઇ જાય.

                        શિક્ષણ સાથે સંકળાયેલા અન્ય મુદ્દાઓ વિશેનાં બાકીનાં કાવ્યોની વાત  કરતાં આ પુસ્તક સાથેની યાત્રા  આવતાં સોપાનમાં કરીને પૂરી કરીશું.  


શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

Author: Web Gurjari

1 thought on “શબ્દસંગ – કેળવણી: બાળમાનસના વિવિધ રંગો

Leave a Reply

Your email address will not be published.