લ્યો,આ ચીંધી આંગળી : વેદનાનું વહન પણ વાયરલેસ હોઈ શકે

રજનીકુમાર પંડ્યા

એ બંને કવિઓ મારા પર કોપાયમાન થશે એની પૂરી ખાતરી સાથે એમનું વર્ણન કરું. જે જુવાન છોકરી એમને ફૂટપાથ પરથી જડી આવી હતી એનું વર્ણન કરું તો એ છોકરી પણ તાડકારૂપ ધારણ કરે તેની ખાતરી છે, પણ વેદનાના વાયરલેસવાળા વાચકો માટે એ જોખમ લેવાની તૈયારી છે. કંઈ થાય તો આ લેખકને બચાવજો.

ભાવનગરના કવિ હિંમત ખાટસુરિયા ૧૯૭૩માં કલકત્તાની નવજીવન સંસ્થાની સંસ્કાર શિબિરમાં ઉત્તરાધિકારી તરીકે ભાગ લેવા જવાના હતા. તેમની સાથે મહેન્દ્ર ગોહિલ પણ હતા. એ મહેન્દ્ર ગોહિલ તે બીજા કવિ. (ભાવનગરનું સુવિખ્યાત વ્યક્તિત્વ- જે પોતાની સ્થાનિક ન્યુસ ચેનલ ચલાવતા હતા. થોડા જ સમય પહેલાં અવસાન પામ્યા)

કલકત્તાના બેલુરમઠના પુકુર(તળાવ)માંથી એક પ્રભાતે હિંમત ખાટસુરિયા નાહીને ચાલ્યા આવતા હતા. એવે વખતે એમને એક શિબિરાર્થી હાંફળો-ફાંફળો સામે મળ્યો : ‘સાહેબ, સાહેબ, શિબિરની બહાર ફૂટપાથ પર એક છોકરી પડેલી છે.’

ચમકીને ખાટસુરિયા એ દિશામાં ઉતાવળી ચાલે ચાલ્યા.

મહેન્દ્ર ગોહિલ ઓરડામાં શૈયાસ્થ હતાં. ત્યાં કોઈ શિબિરાર્થીએ આવીને એમને ઢંઢોળ્યા : ‘સાહેબ, સાહેબ, બહાર ફૂટપાથ પર કોઈ જુવાન છોકરી પડેલી છે.’

મહેન્દ્ર ગોહિલ તો છલાંગ મારીને ઊભા થયાં. ‘આ વિસ્તારમાં શિબિર ચાલે ત્યાં સુધી સ્ત્રીવર્ગને આવવાની મનાઈ હતી, છતાં આ હું શું સાંભળું છું ! નક્કી કંઈ અણઘટતું-અણછાજતું બની ગયું. ‘નહીં તો ના બને આવું. બોલીને ગોહિલ શીઘ્ર દોડ્યા.

વચ્ચે જે છોકરી પડી હતી, તેનું વર્ણન હવે વિગતે કરું. અઠ્ઠાવીસ-ત્રીસની ઉંમર. ફૂટપાથ પર ચત્તીપાટ પડેલી. દેહ પર સંન્યાસીની જેવા કપડાં, ન અડકો તોય ખબર પડી જાય કે તાવ ધખધખે છે. નાક-નકશા તીખાં, શામળી. જોઈને એમ થાય કે સારાં કે આકર્ષક લાગવા માટે અતિ સુંદર હોવું જરૂરી નથી. અર્ધ-ભાનાવસ્થામાં પણ મલાજાની પૂરી કાળજી… પગમાં ચંપલ નહીં… ટૂંટિયું વળીને પડી હતી એટલે ભૂખી પણ હશે એમ લાગે. સમગ્ર દેખાવમાંથી ભદ્ર કુટુંબની ભણેલી છોકરી હોવાની છબી ઊપસે. તાવને કારણે ઉંહકારા કરે પણ, કશું માંગે નહીં… થોડે દૂર વાયરની ગૂંથેલી એક લીલી થેલી પડેલી. એમાં એક સફેદ સાડી, એક-બે કપડાં, ને એક નોટબુક દેખાય. ચાલતા ચાલતા ઊથલી પડી હશે. નહીં તો આમ અધવચ્ચે શા માટે લેટી જાય અને એ પણ આટલા  બધા પુરુષો ઊભા હોવા છતાં !

એકાએક બંનેના મનમાં ઝબકારો થયો. એ દિવસોમાં છાપાઓમાં સર્વત્ર સુમિત્રા દેસાઈનું નામ ચારે તરફ ઝબકતું હતું. દક્ષિણ ગુજરાતના ઉદવાડા પાસેના તીરાગ નામના એક નાનકડા ગામની એ છોકરી. ગુજરાત, દીવ-દમણ અને કર્ણાટક એમ ત્રણ ત્રણ રાજ્યોના રાજપુરુષોના ગળાનું હાડકું બની ગઈ હતી. શી રીતે ? છાપાં એમ કહેતાં હતાં કે પોતાના ઘરના ફાર્મના મજૂરોના શોષણથી માંડીને એમનામાં વ્યાપેલા દાણચોરીના દૂષણ અને આખા દેશમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને કારણ આ ડબલ ગ્રેજ્યુએટ છોકરી ભારે વ્યથિત બની ગઈ હતી. આ દૂષણને નિર્મૂળ કરવાના નિર્ધાર સાથે એ ઘરની બહાર એકલી નીકળી પડી હતી…. પછી….

પછીની કથા પણ લાંબી હતી. ફરતા ફરતાં એ છોકરી ગોવા ગઈ હતી, ત્યાં સર્કિટ હાઉસમાં રહી હતી અને ગોવાના મુખ્ય પ્રધાનને મળી હતી. આક્રોશ ઠાલવ્યો ને પછી સત્યાગ્રહના પ્રતીકરૂપે સર્કિટ હાઉસનું બિલ ચૂકવ્યા વગર કર્ણાટક પહોંચી હતી. ત્યાં આર.ડી. કિટ્ટુર નામના પ્રધાનને મળી. ને પોતે ગુપ્ત રીતે ગોવા અને મુંબઈથી મળેલી માહિતી આપીને એમની ઊંઘ હરામ કરી નાખી હતી. જો એ માહિતી બહાર પડે તો સંખ્યાબંધ રાજપુરુષોનાં સિંહાસન ડોલી ઊઠે. છાપાંઓ એમ કહેતાં હતાં કે, કિટ્ટુરના બંગલે એણે એ રીતે ગરજીગરજીને વાત કરી કે તત્કાલ એને પાગલ જાહેર કરીને પુરુષો માટેના ‘આશા નિકેતન’ નામના મૈસુરના એક પાગલખાનામાં મોકલી દેવામાં આવી. પણ ત્યાંથી એ ગુપ્ત રીતે છટકી ગઈ, યા રહસ્યસ્ફોટથી ખૂબ ડરનારાં તત્ત્વોએ એને ગુમ કરી દીધી. આરોપ કિટ્ટુર પર આવીને સ્થિર થતો હતો. આ પછી આ કિસ્સે ભારેમાં ભારે ઊહાપોહ થયો. એના જીવતી યા મરેલી હોવા વિશે ધારાસભામાં-લોકસભામાં પ્રશ્નો ઊભા થયાં. મૈસુરના મંત્રી કિટ્ટુરે જાહેર કર્યું કે, પોતે એની ભાળ નહીં મેળવી આપે તો પોતે રાજીનામું આપશે. એની પાછળ રાજ્યની સી.આઈ.ડી. અને સેન્ટ્રલની સી.બી.આઈ. કામે લાગી હતી, પણ છોકરીનો પત્તો મળતો નહોતો. એ ક્યાં ઊતરી ગઈ હતી ? કે પછી ઓગળી ગઈ હતી ? કે મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી ?

મહેન્દ્ર ગોહિલ અને હિંમત ખાટસુરિયા કવિઓ છતાં પોતાની કવિતાઓ ઉપરાંત છાપાં પણ વાંચનારા કવિઓ નીકળ્યા. તરત ઝબકારો થયો. આ એ તો નહીં ? ડાયરી ફંફોસો. કાંઈ નીકળે છે ?

ડાયરીના નામે નોટબુક હતી. છોકરી ઘેનમાં સૂતી હતી. અને સામાન્ય રીતે બીજાની ડાયરી (જો કવિતાની હોય તો તો ખાસ) ને ન સ્પર્શનારા કવિઓ આ નહોતા. આ બંને તો ડાયરીનું પાનેપાનું વાંચી ગયા…. તો એમાં પાનેપાને મીરા નામ હતું. અલબત્ત, કોઈ મીરા દેસાઈનું નહીં પણ બાઈ મીરા ઑફ મેવાડનું. એમ લાગતું હતું કે કોઈ પણ કારણે છોકરી ઘરનો ત્યાગ કરીને ગોવા ગઈ હતી. ગોવા નામ કેમ પડ્યું તેના બે-ત્રણ ટપક ટપક ઉલ્લેખ હતાં. જે એનું સંશોધન હશે, પછી ત્યાંથી નીકળીને એ ચિત્તોડ પહોંચી હતી.

ત્યાં જઈને ઈતિહાસ જાણ્યો તો એને પદ્મિની કે જેણે જૌહર કર્યું હતું (શિયળ બચાવવા સળગી મરી હતી) તે, અને પોતાના પુત્રને ભોગે રાજપુત્રને ધવડાવનાર પન્ના દાઈ અને ત્રીજું આ ભક્તકવિ મીરા-એમ ત્રણ સ્ત્રીઓનું ચરિત્ર સ્પર્શી ગયું હતું. એમાંથી છેલ્લે એણે વધુમાં વધુ ધ્યાન મીરા ઉપર કેન્દ્રિત કર્યું હતું, એટલે એનાં જીવન-કવન વિશેના મુગ્ધમાં મુગ્ધ અને આદર્શકેન્દ્રી શબ્દાલેખનો એમાં હતાં. ભાષામાં વ્યાકરણની પારાવાર ભૂલો હતી ને લેખનમાં પણ સ્વસ્થતા નહોતી. કોઈ હિસ્ટીરિક આવેગાત્મક ક્ષણોમાં લખાયેલું એ લખાણ હતું, એટલે પ્રવાહિતા જળવાતી નહોતી. ચિત્તોડથી એ મીરાના જન્મસ્થાન કુડકી ગઈ હતી. મેડાનામાં ગઈ હતી, ત્યાં ગ્રામવાસીઓએ એના કરેલા આતિથ્યનું વર્ણન હતું અને પછી એક જગ્યાએ સ્પષ્ટ લખ્યું હતું. ‘આ જ મીરા એક દિવસ રાજસ્થાનથી આ સુમિત્રાના ગુજરાતમાં આવી હતી ને એ જ ગુજરાતથી સુમિત્રા આ જ મીરાના મેવાડમાં આવી છે…’ આગળ  ઉપર એક નહીં પોસ્ટ કરાયેલો પત્ર પણ ડાયરીમાંથી મળી આવ્યો કે જે સુમિત્રા દેસાઈએ એના ભાઈને લખ્યો હતો, જેમાં પણ શોષણ સામે બળવાની વાત હતી.

આ બધું વાંચીને પછી કેન્દ્ર સરકારની સી.બી.આઈ. જે કરી ન શકી તે આ ભાવનગરના કવિઓએ કર્યું. આની ઉપર તો પાંચ હજારનું ઈનામ જાહેર થયું હતું. અરે, એમાંથી ત્રણ ચાર તો નાના નાના કાવ્યસંગ્રહો( એ જમાનાની વાત છે) છપાવી શકાય. એ લાલચ કંઈ ઓછી કહેવાય ? આજકાલ રૂપિયા ક્યાં છે ? વાચકો ક્યાં છે ? છે ક્યાં ? આ પાંચ હજારમાંથી રૂપિયાનો સવાલ હલ થાય. વાચકોનું જોયું જશે.

‘બહેન સાચું કહી દે, તું સુમિત્રા દેસાઈ છો કે નહીં ?’ મહેન્દ્ર ગોહિલે અંતે પૂછ્યું. એના ચહેરા ઉપર ગભરાટ વ્યાપ્યો. આનાકાની કરી, પણ હિંમત ખાટસુરિયાએ કવિની કોમળતા છોડીને મિકેનિક જેવી રુક્ષ ભાષામાં વાત શરૂ કરી કે તરત જ.

‘બારણાં બંધ કરો તો કહું.’ એ બોલી એને પોલીસની બીક હતી.

એક છોકરીએ બક્ષેલી બંધ બારણાની કલ્પનાથી બંને થથરી ગયા. ‘બારણાં બંધ નહીં થઈ શકે. તું વિશ્વાસ રાખીને બધું કહી દે.’ છેવટે છોકરીની આંખમાં વિશ્વાસ જન્મ્યો. બધી વાત કરી. પાગલખાનામાંથી નોકરોની મદદથી એ નાસી છૂટી હતી. સત્ય સાંઈબાબાના આશ્રમમાં આશરો લેવા ગઈ. બધાએ ઓળખી પાડી, પણ આશરો આપવાની ના પાડી. જાતને સાચવતી સાચવતી એ કલકતાની ગાડીમાં ચડી બેઠી. પોલીસ પાછળ પડી હતી. માથે પાંચ હજારનું ઈનામ ગાજતું હતું, પણ ખુદની થેલી ખાલી હતી. ભૂખ-તરસ-થાક અને તાવ. બેલુરમાં ગુજરાતી લોકોની શિબિર છે એમ જાણીને આવી. રામકૃષ્ણ મિશનના ભવનના પ્રાંગણમાં પહોંચી ત્યાં જ ઢળી પડી.

આટલી વાત જાણ્યા પછી કવિઓએ સૌ પ્રથમ કામ એના માટે પગના સ્લીપર મંગાવવાનું કર્યું. થોડા રૂપિયા આપ્યા. એક પાકટ વ્યક્તિને ટ્રેનમાં એની સાથે એ રીતે સૂચના આપીને મોકલી કે એનાથી અળગા બેસવું. બાઈની ટિકિટ બાઈને આપી દેવી. પોલીસ પકડે તો એમ વર્તવું જાણે સાથે હતાં જ નહીં, ને છતાં પૂરી કાળજી રાખવી.

પણ શાંતિનિકેતનથી પાછા આવવું પડ્યું કારણ કે ત્યાં વેકેશન હતું. ‘પૂર્વ ગુર્જરી’ તંત્રી ગિરિરાજ ભારતીયનાં કુટુંબ સાથે એનું રહેવાનું ગોઠવ્યું, પણ ત્યાં તો ઘણા ગુજરાતી આવે જાય. પછી મુન્શી નામના વયોવૃદ્ધ સ્વાતંત્ર્ય સૈનિક જે પાછળથી નકસલાઈટ બન્યા હતા તેમને ત્યાં મૂકી. પણ એ લાંબું ચાલ્યું નહીં. એકાદ માસમાં જ કલકત્તા પોલીસે એને પકડી પાડીને પછી એના માતા-પિતાને સોંપી આપી.

અત્યારે એ કન્યા ક્યાં છે ? શું કરે છે ? એની શી માનસિક પરિસ્થિતિ છે એની જાણ નથી. મહેન્દ્ર ગોહિલ મને મળ્યા ત્યારે કહ્યું ! ‘એ માનસિક રીતે અસ્વસ્થ પણ હોય, પણ એક વાત તો નક્કી કે શોષિતો માટે એના દિલમાં અપાર કરુણા હતી. એમની વાત કરતાં કરતાં એનાં ચહેરા ઉપર આવેગ છવાઈ જતો – આક્રોશની હદ સુધીનો અને પછી એ ‘કંઈ કરી શકતી નથી.’ એવી લાચારીથી રડી પણ પડતી.’  

વાત કરતાં કરતાં મેં એમની અને હિંમત ખાટસુરિયાની ભીની આંખો તરલ જોઈને પૂછ્યું,‘પણ તમારી આંખમાં આંસુ કાં આવી ગયાં ?’

માત્ર શબ્દોનું જ વહન વાયરલેસ હોઈ શકે એવું નથી, વેદનાનું અને આંસુંનું પણ હોઈ શકે.


(નોંધ: લેખ ચાલીસ વર્ષ પહેલા લખાયેલો છે.

પરિચય:

મહેન્દ્ર ગોહિલ (જન્મ: ૭-૨-૧૯૪૭. અવસાન- ૨૦૨૦ / કવિ અને સંપાદક- આઠ જેટલાં પુસ્તકોના કર્તા ),

હિંમત ખાટસુરિયા( જન્મ: ૧૦-૧-૧૯૩૩, દલિત સાહિત્યના એક કર્મશીલ કવિ અવસાન ૨0- ૬-૧૯૯૧).


લેખકસંપર્ક-

રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

3 thoughts on “લ્યો,આ ચીંધી આંગળી : વેદનાનું વહન પણ વાયરલેસ હોઈ શકે

  1. સામાજિક કાર્યકરો ,શોષિત પીડિત માટે કામ કરનારા ઓ ની ભૂતકાળ માં પણ આવી જ સ્થિતિ હતી જે આજે ય છે.

Leave a Reply

Your email address will not be published.