બંદિશ એક, રૂપ અનેક – (૭૫) – ઠૂમરી : “ભીગી જાઉં મેં ગુઇયાં”

રાજસ્થાનની લઘુચિત્ર કલા, હાર્વર્ડ કલા સંગ્રહસ્થાન

નીતિન વ્યાસ

આજે માણીયે એક લોકપ્રિય ઠૂમરી, ભીગી જાઉં મેઁ ગુઇયાં

આ ઠૂમરીનાં શબ્દો સરળ છે. કોઈ “ભીગી જાઉં મેં ગુઇયાં” તો કોઈ ગુઇયાં ની બદલે “પિયા” શબ્દ વાપરે છે. 

શબ્દાંકન જોઈએ:

દૂર તક છાયે થે બાદલ
ઔર કહીં છાયા ન થા
ઇસ તરાહ બરસાત કા મોસમ
ઔર કભી આયા ન થા

બદરિયા ઝરણ લગી હાયે
ભીગી જાઉં મૈં ગુઇયા
બચાયે લહીઓ

ઝરણ લગી બદરિયા
ભીગી જાઉં મૈં પીયા
બચાયે લીયો

કંચુકી મોરી ભીજન લાગી
આવત લાજ દિખત નારી
વિનતી કરત
છૂપાયે લીયો

ભીગી જાઉં મૈં પીયા
બચાયે લીયો

આવી સાદી સીધી કવિતાના કવિનું નામ મળ્યું નથી. એકાદ જગા એ  પ્રસિદ્ધ મહાકવિ શ્રી સૂર્યકાંત ત્રિપાઠી, “નિરાલા” નામનો ઉલ્લેખ છે. પણ ખાત્રીબધ્ધ પુરાવો મળતો નથી.

આ ગીત રાધા કૃષ્ણના પ્રેમનુ પ્રતિક છે. વર્ષાઋતુમાં એક મુગ્ધ નારી, રાધા, પોતાના મનના ભાવ પ્રગટ કરે છે.

દુર દુર સુધી વાદળો ઘેરાયા છે, આ વાદળ રાધાના વિરહનુ પ્રતિક છે કારણ આવી વર્ષારુતુ તો ક્યારેય આવી નહોતી. કૃષ્ણ તો ગોકુળ છોડી મથુરા પહોંચી ગયા છે, પણ રાધાને મન તો એનો કહાન સદા એની સાથે જ છે. એ કોઈ કૃષ્ણને ઓળખતી નથી.

કાળા ડિબાંગ વાદળો હવે ઝરમર વરસવા લાગ્યા છે, રાધા એ પ્રેમવર્ષામાં ભિંજાતા પોતાના કહાનને વિનંતી કરે છે અરે! આ વરસાદે તો માઝા મુકી છે. અહીં રાધાનો પ્રેમ વર્ષાની હેલી રુપે પ્રગટ થાય છે, જેમાં એ તરબોળ થઈ ગઈ છે પણ સાથે સાથે લોક શું કહેશે એવી એક દુન્યવી ચિંતા પણ સતાવી રહી છે, એટલે એ પોતાના પ્રિયતમને વિનંતી કરે છે હવે તો મને આ લોકનિંદાથી બચાવી લો. વર્ષાની હેલીમાં મારી કંચુકી ભિંજાઈ રહી છે, સહુ ગોપીઓની નજરના બાણથી લજાઈ રહી છું. કહાન તું તો મારા અંતરમાં સદાય વસે છે તો આટલી મારી અરજ તું સાંભળ. તારા જ પ્રેમમાં ભિંજાયેલ મને તું તારા અંતરમાં છુપાવી લે, આ પ્રેમવર્ષાથી મને બચાવી લે કહાન.

રાગ ખમાજમાં ગવાયેલ આ બંદિશ વારંવાર સાંભળવી ગમે એવી છે.

અસ્તુ,

શૈલા મુન્શા

(સુગર લેન્ડ, ટેક્સાસ સ્થિત શ્રીમતી શૈલાબેન મુન્શા એક જાણીતાં લેખિકા અને કવિ છે.)

બનારસ બાજુ આ ઠૂમરી ગાયકી ને ‘બોલ બનાવ કી ઠૂમરી’ કહેવામાં આવે છે, જેમાં કલાકાર ગાયકીમાં  ભાવ દેખાડે, એક જ કડી ફેર ગાતી વખતે જુદા સુર અને રાગ માં ગાય. ક્યારેક તેની સાથે નૃત્ય ભળે છે અને અને ગાયનમાં આવતી હરકતો  મુદ્રા દ્વારા ભાવ પ્રદર્શિત કરેછે. આવી ભાવવાહી  બંદિશમાં એ રચના સાથે તેની ગાયીકા કે ગાયકનું નામ હંમેશ માટે જોડાઈ જાય. 

આજે સાંભળીએ  લોકપ્રિય ઠૂમરી,  “ભીગી જાઉં મેઁ ગુઇયાં” –  આ બંદિશ સાથે નામ જોડાયેલું  છે – બનારસનાં ઠૂમરી અને ટપ્પાનાં પ્રસિદ્ધ ગાયિકા શ્રીમતી સિદ્ધેશ્વરી દેવી. 

શ્રીમતી સિદ્ધેશ્વરી દેવી

શ્રીમતી સિદ્ધેશ્વરી દેવી (૧૯૦3-૧૯૭૭)

તારીખ ૧૮ માર્ચ ૧૯૭૭ નાં દિવસે પદ્મશ્રી, શ્રીમતી સિદ્ધેશ્વરી દેવીનાં દેહાવસાન સાથે હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત, ખાસ  કરીને ઠૂમરી ટપ્પા, દાદરા, કજરી ગાયકીનો  ચોથો  મહા સ્તંભ ધ્વસ્ત થયો. બેગમ અખ્તર, રસૂલન બાઈ. બડી  મોતીબાઈ અને  ચોથા  સિદ્ધેશ્વરી દેવીજી આ ગાયન કળા ને લોકપ્રિયતા નાં ઉચ્ચ  શિખરે લઈ ગયા. આ બધાં કલાકારો બોલ-ભાવની ઠૂમરી ગાવામાં માહિર.

ઘણી કર્ણ પ્રિય બંદિશો સાથે તેના ગાયકનું નામ જોડાયેલું  હોય છે. તેમ “ભીગી જાઉં મેઁ ગુઇયાં” સાથે  બનારસ ની પ્રસિદ્ધ ગાયિકા શ્રીમતી સિદ્ધેશ્વરી દેવી નું નામ અવશ્ય યાદ આવે. 

સને ૧૯૦૩માં વારસાગત સંગીત વિદ્યામાં પારંગત કુટુંબમાં તેમનો જન્મ. બે વરસની ઉંમરે મા ને ગુમાવી. નાની સિદ્ધેશ્વરી મોસાળમાં મોટી થઇ. મામી રાજેશ્વરીજી તે સમયનાં જાણીતા ગાયિકા. તેમની દીકરી પણ ગુરૂ પાસે સંગીતની તાલીમ લેતી હતી. પિતરાઈ બહેનથી ઠૂમરી બરાબર ગવાતી નહતી. એક દિવસ ગુરુજી નારાજગી જોઈ તે રડવા લાગી. રૂમની બહારથી જોઈ રહેલી  સિદ્ધેશ્વરી અંદર આવી પોતાની બેન ને સાંત્વન આપતા કહ્યું, “તું રડ નહીં  આતો સહેલું છે, જો હું ગાઈ બતાવું” અને નાની  સિદ્ધેશ્વરી એ ગાયું. 

ગુરુજીને  સિદ્ધેશ્વરીનું ગાયન એટલું ગમ્યું કે  એક બાળક  ઝંખતા એ વયસ્ક ગુરુ અને તેમનાં પત્ની તેમના મામા-મામી ને  આજીજી કરી ને કહ્યું કે “આ દીકરી અમને આપી દ્યો.” પછી તો ઇતિહાસ સર્જાયો. 

સિદ્ધેશ્વરીજીએ  શિસ્ત સાથે અથાગ મહેનતથી  સંગીત સાધના કરી, અને તે સમયનાં વિખ્યાત ગાયકો સર્વ શ્રી ઓમકારનાથજી, ફૈયાઝ ખાં, કેસરબાઈ વગેરેની હરોળમાં ગણાવા લાગ્યા.આ માટે હંમેશા તેઓ પોતાના ગુરુ બનારસના શ્રી બડે રામદાસજીને જીવનપર્યંતકરતા રહ્યા. વહેલી સવારે ઊઠી પરમ કૃપાળુ પરમાત્માનાં દર્શન અને ત્યાર બાદ ગુરુનાં ચરણસ્પર્શ કરી રિયાઝ શરુ કરતાં. 

ગુરુજી નાં સ્વર્ગવાસ બાદ તેમનો આ ક્રમ ચાલુજ રહ્યો. ભગવાનની પૂજા કરી તેમની સામે બેસી ગાતાં. તેઓ દ્રઢ પણે માનતાં કે એક સરસ તાનમાં પ્રભુનાં દર્શન થાય છે. 

એક વખત, મુંબઈ ખાતે યોજાયેલા સંગીત સમારંભમાં તેમણે દિલ દઈને ભૈરવી ઠૂમરી, “કાહેકો ડારી  રે ગુલાલ બારી કે કાન્હાઇ” ની એવી સરસ જમાવટ કરી કે શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા. ગાયન પૂરું થતાં પ્રેક્ષકોએ ઉભાથઈ એ મહાન ગાયિકાનું અભિવાદન કર્યું. 

તેમના પછી આફતાબ-એ-મૌશિક઼ી ઉસ્તાદ ફૈયાઝ ખાં સાહેબનો ગાવાનો વારો હતો. તેમને વિનમ્રભાવે  સિદ્ધેશ્વરીજીને બિરદાવી ને કહ્યું “આ દિવ્ય સંગીત સાંભળ્યા પછી બીજું કોઈ સાંભળવાની ગુંજાઈશ નથી. એટલે હું નહિ ગાઉં.” એ સંગીતથી જે આહલાદક માહોલ વાતાવરણમાં હતો તે પોતાની ગાયકી વડે તોડી નાખવાની વાત ન કરી.  

એવી હતી એ સંગીત અને સંગીતકારોની બિરાદરી. 

સિદ્ધેશ્વરી બહુ સરળ અને આનંદી સ્વભાવનાં  હતા, 

તેમની એક લાક્ષણિક અદા હતી. તાન ગાતી  વખતે ડાબો હાથ કાન પર રાખી જમણો હાથ ઉપર આકાશ ભણી ઉઠાવતાં,  કોઈએ આ બાબત માટે પૂછ્યું  તો કહે, ” યે તાન તો ઉપરવાલે કી દેન હૈ, ઉસીકો સુનાતી  હું”. ૧૯૫૯ની સાલમાં અકાદમી આયોજિત સંગીત સમારંભમાં તેમને સાંભળવાનો લાહ્વો મળેલો. ગામ- ભાવનગર, સ્થળ  – શિશુવિહારનો રંગમંચ. 

અહીં પ્રસ્તુત રેકોર્ડિંગ જુનું છે અને સ્પષ્ટ નથી પણ સિદ્ધેશ્વરીજીની ગાયકીની મજા માણી શકાશે. સાથે તેમનાં દીકરી સવિતાદેવીએ સૂર પુરાવેલ છે:

બનારસ ઘરાણા ના વિખ્યાત ગાયિકા પદ્મ વિભૂષણ સ્વ. ગિરજા દેવીએ ગાયેલી કજરી

સ્વતંત્રતા સેનાની શ્રી મનમોહન ચક્રવર્તીનાં પુત્રી અને ઉસ્તાદ બિસ્મિલ્લા ખાંનાં માનસ પુત્રી પદ્મશ્રી ડો. સોમા ઘોષ

સંગીત શિરોમણિ સ્વ. શ્રીમતી પૂર્ણિમા ચૌધરી રાગ તિલક કામોદ

આ બંદિશ વિષે પંડિત અજય ચક્રવર્તી કહેછે કે તેમણે તેમનાં ગુરુ પાસેથી આ બંદિશ શીખી હતી, અને તે ગુરુ એ આ બંદિશ શ્રીમતી નયનાદેવીજી પાસેથી શીખી હતી. આ નયનાદેવીજી સગપણે સિદ્ધેશ્વરીજીનાં માશી થાય.
શ્રી કૌશિકી ચક્રવર્તી, રાગ ખમાજ

પંડિત શ્રી ઉલ્હાસ કાશિકારનાં શિષ્યા શ્રી શોભામિતા બેનરજી

‘રંગે બનારસ’ ઉત્સવ માં પંડિત શ્રી પંકજ મિશ્રા અને મનોજ મિશ્રા

હવે પછીની કલાકારો કલકત્તાની શ્રુતિ નંદન સંગીત શાળાની વિ દ્યાર્થીનીઓ છે:

નવોદિત ગાયીકા શ્રી અનુપમા રોય

શ્રી ભાનુપ્રિયા ચક્રવર્તી

શ્રી શુભમિતા જી, (એટલાન્ટા)

શ્રી પ્રોવિતા બનિક

શ્રી મેઘામીતા ઘોષ


શ્રી નીતિન વ્યાસનો સંપર્ક ndvyas2@gmail.com સરનામે કરી શકાશે.

Author: Web Gurjari

14 thoughts on “બંદિશ એક, રૂપ અનેક – (૭૫) – ઠૂમરી : “ભીગી જાઉં મેં ગુઇયાં”

 1. એકજ બંદિશની વૈવિધ્યપૂર્ણ રજૂઆતો માં ભીંજાવાની મઝા આવી.જોકે સુ.શ્રી. સિદ્ધેશ્વરી દેવીની ગાયકી takes the cake.
  શ્રીમતી શૈલાબેન મુન્શા નું વર્ણન પણ એટલું જ સુંદર છે.

  1. શ્રી યોગેભાઇ અને શ્રી ભરતભાઇ , સપ્રેમ પ્રતિભાવ બદલ ખરાદિલ થી આભા૨. -નીતિન

 2. ખુબજ સરસ સક્લન અને તેનું નિરૂપણ.. આભાર નીતિનભાઈ આવું સરસ મનોરંજક પીરસવા બદલ .
  ભરત ભટ્ટ

  1. શ્રી શુભમિતાજી ને મોકલવા બદલ તમારો અને તેમના અટલાન્ટાથી સંદેશ પાઠવવા બદલ તેમનો ખરા દિલ થી આભાર.

 3. શ્રીમતી કૌશીકી ની ગાયકી ખૂબ ગમી.
  નીતિનભાઈ આપના સંસોધનને આવકાર

 4. નીતિનભાઈ,
  બંદિશ એક, રૂપ અનેક માં હમેશ રમે વૈવિધ્ય લાવો છો. તમારી અથાક મહેનત દેખાઈ આવે છે. તમારી આ સફરમાં મારો નાનકડો સાથ સમાવી મને ખૂબ માન આપવા બદલ દિલથી આભાર.
  શ્રીમતી સિધ્ધેશ્વરી દેવીની ગાયકી અને એમની જીવનકથની વાંચવાની મજા આવી.

 5. મને આ બન્દિશનુ કલેક્શન ખૂબ જ ગમ્યુ.બધિજ નવોદિત ગાયિકાઓ બન્ગાળી એ નવલ વિશેશ.મેઘમિતા,શુભમિતા અને પ્રવિતાની પ્રસ્તુતિ ગમી.
  ઉલ્હાસ કશાકર નહિ પણ ઉલ્હાસ કશાળકર હોવુ જોઇએ.

 6. Nitinbhai,

  Very many thanks for presenting this kind of music and I really enjoyed it. Houston is very fortunate that it has 2-3 associations that bring music and culture of India by having very talented artists from all over the world. Kaushiki Chakraborty has been here at least 2-3 times and every time she gave a very remarkable performance. Another great thumri singer was Shobha Gurtu and her one rendition ચૈન નહિ ઘનશ્યામ I used to listen many times.

  Description of the Thumri by Shailaben and also information about the artist provided by you made the thing more interesting and enjoyable. Again thanks for giving us an opportunity to enjoy the result of your hard work.

 7. Rain is the sweet water that we can drink and gets rid of Tharas. Remind my childhood playing in the rain. We are so fortunate as a human born on Earth where there is plenty of water and we are trying to find water on the moon and Mars! God is within our hearts. Thanks for true Mano ranjan.

 8. આપ સર્વેના પ્રતિભાવ જાણવાનું ગમેછે અને તેનો હું ખરા દિલ થી આદર કરું છું આ શ્રેણી બાબત આપના તરફથી કોઇ સુચનો હોય તો તે જરુર લખવા નમ્ર વિનંતી છે. અગાઉ પ્રસ્તુત થયેલી ઘણુી બંદિશો વિશે આપ જેવા સંગીત પ્રેમી મિત્રો એ જાણ કરેલી. મારુ email address અહીં આ જ પાના પર આપ્યું છે.
  સપ્રેમ, સાદર – નીતિન વ્યાસ

Leave a Reply

Your email address will not be published.