અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : કેરોલીના અને મર્ટલ બીચ [પુનઃ પ્રકાશિત]


સંપાદકીય નોંધઃ

‘અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર’ના ‘કેરોલીના અને મર્ટલ બીચ’નો પ્રવાસ ખરેખર ૩૧/૫, ૧/૬ અને ૨/૬/૨૦૧૭ એમ ત્રણ દિવસ માટે હતો.

પરંતુ અહીં પણ થયેલ સરતચૂકને કારણે માત્ર ૦૧/૦૬/૨૦૧૭ના એક જ દિવસનું વર્ણન પ્રકાશિત થયેલ.

આ બદલ થયેલ રસક્ષતિ માટે ફરી એક વાર ક્ષમાપ્રાર્થના સાથે આજે હવે ૩૧/૫, ૧/૬ અને ૨/૬/૨૦૧૭ ના ત્રણેય દિવસોનું વર્ણન એક સાથે માણીએ.


દર્શા કિકાણી

૩૧મી મે, ૨૦૧૭

સવારે અગિયાર વાગે જે. એફ. કે. વિમાનીમથકથી  અમારે રેલે, નોર્થ કેરોલીના  જતી ફ્લાઈટ પકડવાની હતી. સવારે વહેલો નાસ્તો કરી જયેન્દ્રભાઈ અમને એરપોર્ટ મૂકી ગયા. માલા અને જયેન્દ્રભાઈની મહેમાનગતી બહુ માણી. તેમને છોડીને જવાનું મન બિલકુલ થતું ન હતું પણ આગળનો પ્રોગ્રામ નક્કી હતો એટલે ગયાં વગર ચાલે તેમ હતું નહીં. વળી માલા અને જયેન્દ્રભાઈની મહેમાનગતી અમે ફરી પણ માણવાના હતાં તેમના ફ્લોરિડાના ઘરે, એટલે થોડું દુઃખ ઓછું થતું હતું!

જે. એફ. કે. વિમાનીમથક પણ ઘણું મોટું છે. આટલું મોટું શહેર અને આટલો ટ્રાફિક એટલે મોટું તો હોય જ. પણ અમને જાણીને નવાઈ લાગી કે ન્યુ-યોર્ક અને બીજા ઘણાં મોટાં શહેરોમાં બે-ત્રણ કે વધુ વિમાનીમથક હોય છે.  અમે ટર્મિનલ-૨, પ્લેટફોર્મ-૪૯ પર આવ્યાં જ્યાંથી અમારે ડેલ્ટા એરલાઈન્સની ફ્લાઈટ લેવાની હતી. વિમાન સમયસર આવ્યું અને સમયસર ઉપડ્યું. અમારી બે-બે જણની સીટ થોડી દૂર-દૂર હતી. ડેલ્ટા એરલાઈન્સની મહેમાનગતિ માણતાં માણતાં, ડ્રીન્કસ અને ચીપ્સની મઝા લેતાં લેતાં અમે બે કલાકમાં રેલે આવી પહોંચ્યાં.

રેલેનું વિમાનીમથક આપણા અમદાવાદના વિમાનીમથક જેવું હતું. વ્યવસ્થિત પણ કંઈ અસામાન્ય નહીં. ફોનથી જ અમારા નવા યજમાન ડૉ. પ્રવીણભાઈ સાથે વાત થયેલી હતી એટલે અમે જેવાં નીચે આવ્યાં કે તેઓ ગાડી લઈને હાજર થઈ ગયા. ડૉક્ટર એટલે સ્પેશ્યલ લાભ કે સેવા રૂપે તેમને ગેટની સામે જ ગાડી કલાકથી વધારે સમય માટે ઊભી રાખવા દીધીહતી.પ્રવીણભાઈ અઢી કલાક ડ્રાઈવ કરી (લગભગ ૧૬૦ માઈલ દૂર) અમને લેવા આવ્યા હતા! એમના બીઝી સમયપત્રકમાં એક અઠવાડિયું ફક્ત અમારા માટે રીઝર્વ હતું! અમને આવું આતિથ્ય અને માનપાન મેળવીને બહુ જ આનંદ થતો હતો.

તેમના ધર્મપત્નીનું હુલામણું નામ લીટલ (Little), આપણે ગુજરાતીમાં ‘નાની’ કહીએ તેવું. લીટલ કદમાં નાની હતી પણ તરવરાટમાં મોટી હતી! એટલી એનર્જી કે પતંગિયાની જેમ બધે ફરી વળે! પ્રવીણભાઈના દવાખાનાનું ઈન્સ્યોરન્સ તથા સરકારી કાગળ-પત્રોનું ઘણું બધું કામ તેણે ઉપાડી લીધું હતું. તે અમને લેવા આવી શકી ન હતી પણ અમારા માટે તેણે સરસ નાસ્તા-પાણી પ્રવીણભાઈ સાથે ગાડીમાં મોકલાવ્યાં હતાં. અમે વાતો કરતાં કરતાં નાસ્તો કર્યો. બારી બહાર નજર પહોંચે ત્યાં સુધી  લીલ્લીછમ વનરાજી હતી. માણસોની વસ્તી કરતાં ઝાડ-પાનની વસ્તી વધુ હતી. દરેક રાજ્યની જમીનનો અમુક નિશ્ચિત ભાગ ગ્રીન બેલ્ટ તરીકે, જંગલો માટે અથવા નેચર પાર્ક તરીકે કે લીલોતરી માટે અનામત રાખવામાં આવે છે. કોઈ પણ સંજોગોમાં આ જમીન બીજા કોઈ પણ ઉપયોગમાં લઈ શકાતી નથી. મોટે ભાગે સરકાર આ જમીનોનું ધ્યાન રાખે છે. બહુ સુંદર વ્યવસ્થા હતી ગ્રીન અમેરિકા અભિયાનની!

વાતોવાતોમાં નોર્થ કેરોલીનામાંથી સાઉથ કેરોલીના આવી લાગ્યું. અમે એક નાના ગામમાં દાખલ થયાં. સરસ મઝાનું ગામ. ગામમાં એક રસ્તો, રસ્તાની બંને બાજુ થોડાં ઘરો, એક શાળા, એક હોસ્પિટલ, એક ચર્ચ, એક ગેરેજ, થોડી દુકાનો અને બાકી ખેતરો …… બસ, નાની અમથી દુનિયા!  આવા જ એક ગામમાં પ્રવીણભાઈનું દવાખાનું હતું. ભારતની જેમ જ, નાના ગામમાં ડૉક્ટર એટલે ભગવાન ! સુંદર બેઠા ઘાટનું બિલ્ડીંગ હતું, આજુબાજુ ફરતો નાનો બગીચો હતો. એન્ટ્રી પાસે જ બોર્ડ મારેલું હતું : ૩૧મે થી ૫ જૂન સુધી ડૉક્ટર મળશે નહીં.

અમે અંદર ગયાં. પ્રવીણભાઈની રૂમમાં સ્વામીબાપાનો સુંદર મઝાનો ફોટો હતો, જાણે તેમની છત્રછાયામાં જ કામ થતું હતું! અમને અત્યાર સુધી  પ્રવીણભાઈની અધ્યાત્મિક પ્રવૃત્તિઓનો  ખ્યાલ ન હતો. તેમણે સ્વામીબાપા સાથેનાં તેમનાં સંસ્મરણોની ઘણી વાતો કરી. તેમને, તેમના જીવનને અને  તેમના દવાખાનાને જોવાની અમારી નજર બદલાઈ ગઈ. દવાખાનામાં ફરીફરીને બધા રૂમો જોયા, અપાતી સગવડો જોઈ, સરકારી નિયમો પ્રમાણે અને ઈન્સ્યોરન્સની જરૂરિયાત પ્રમાણે રાખતી ફાઈલો / રેકોર્ડ્સ / ડોક્યુમેન્ટેશન વગેરે જોયું. બહુ આનંદ થયો. પરદેશમાં પણ આપણા મિત્રો કેટલાં આગળ વધી ગયા છે ! બહારના વિસ્તારની સાથેસાથે તેમણે આંતરિક વિસ્તાર પણ કર્યો છે. ભૌતિક સમૃદ્ધિની સાથે સાથે તેમણે અધ્યાત્મિક સમૃદ્ધિ તરફ પણ ધ્યાન આપ્યું છે. પ્રવીણભાઈ જેવા પરદેશમાં વસેલાં ભારતીય પ્રોફેશનલ્સની પ્રગતિ આપણા સૌને માટે આનંદ અને ગૌરવની વાત છે. કદાચ વાચકને આમાં થોડી અતિશયોક્તિ કે પુનરોક્તિ લાગે તો માફ કરે પણ અમારી આ લાગણી દરરોજ વધુ ને વધુ દ્રઢ થતી જતી હતી!

અમે થોડીવાર તેમના દવાખાને હતાં તેટલી વારમાં તો તેઓ આજુબાજુમાં બધાંને મળી આવ્યાં અને અમારી પણ ઓળખાણ કરાવી દીધી! અડધો કલાક ડ્રાઈવ કરી અમે ગેટેડ કોમ્યુનીટીમાં તેમના મહાલય જેવા ઘરે પહોંચ્યાં ! શું ઘર અને શું અંદરની વ્યવસ્થા અને સુશોભન! ૩-૪ એકરના પ્લોટમાં શું સુંદર બગીચો! શું સોસાયટી! લિટલને પહેલી વાર મળ્યાં પણ જાણે વર્ષોથી ઓળખતાં હોઈએ તેવું લાગે! પટલાણીએ મઠિયા, ચેવડો અને કોરો નાસ્તો તૈયાર રાખ્યો હતો તેને ન્યાય આપ્યો. અમને  નીચેનો  રૂમ ફાળવવામાં આવ્યો હતો. કોઈ ફાઈવસ્ટાર હોટલમાં હોઈએ તેવો નજારો હતો. સુંદર કલાકૃતિઓ અને ફોટાઓથી ઘર સજાવ્યું હતું.

રસોડામાં એક ગોરી છોકરી, કિમ્બર્લી, રસોઈનું કામ કરતી હતી. લિટલ રોજ તો કામકાજમાં બહુ વ્યસ્ત હોય એટલે તેને મદદ માટે આ ગોરી છોકરી આવતી. તે ગાડી લઈને કામ પર આવતી અને બાકીના સમયમાં ભણતી પણ ખરી. પહેલી વાર ભારતીયના ઘરમાં ગોરી છોકરીને મદદમાં જોઈ એટલે ઉલ્લેખ કરવા યોગ્ય લાગ્યું. સાનંદ-આશ્ચર્ય, ગરમ ગરમ રસોઈની સાથે સાથે આગળના પ્રોગ્રામની બીજી ઘણી તૈયારી થતી જોઈ. થોડી જ વારમાં અમારાં વડોદરાનાં જૂનાં મિત્રો દીના અને નિરંજન ગોદીવાલા આવી લાગ્યાં. અમે લગભગ ૩૫ વર્ષે મળ્યાં! પ્રવીણભાઈએ ખાસ એમને અમને મળવા માટે આમંત્ર્યા હતાં અને તેઓ પણ ત્રણેક કલાક ડ્રાઈવ કરીને અમને મળવા માટે આવ્યાં હતાં ! દીના તો સાથે પીચ અને મુઠિયા લાવી હતી. આવો પ્રેમ અને આવી મહેમાનગતિ આપણે ભૂલતા જઈએ છીએ પણ આ અમેરિકન ભારતીયોએ આપણી પરંપરા જાળવી રાખી છે.

પછી તો સંગીતનો જલસો જામ્યો! સાથે ખાણીપીણી તો ચાલુ જ હતી ! ભૂખ લાગે તેમ  થોડો થોડો નાસ્તો કરતાં જઈએ અને ગીતો ગાતાં જઈએ અને સાંભળતાં જઈએ. બારવાગે પ્રોગ્રામ થોડો અટકાવી રસ-પૂરી સાથે ભાણું ભરીને જમ્યાં અને પાછો જલસો આગળ વધ્યો! પ્રોગ્રામ ગોઠવનાર મિત્રોની કારીગરી મુજબ આજે પ્રવીણભાઈની વર્ષગાંઠને દિવસે અમે સૌ મિત્રો તેમની સાથે હતાં. અમે બધાંએ તેમને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી. હિન્દી ફિલ્મી ગીતો બધાંય ભારતીયોને એક ગાંઠે ગાંઠવાનું કામ કરે છે! અમારી શાળા સી.એન.વિદ્યાલયમાં પણ સંગીતનું મહત્ત્વ હતું અને અમે પ્રાર્થનામાં રોજ ગીતો ગાતાં. એ ગીતો પણ યાદ કરીકરીને ગાયાં, જાણે શાળાના દિવસોમાં પહોંચી ગયાં!

+ + +

૦૧/૦૬/૨૦૧૭

રાતના મોડેથી સૂઈ ગયાં અને સવારે વહેલાં ઊઠી ગયાં કારણ કે પ્રવીણભાઈએ એટલાન્ટીક સમુદ્ર પર આવેલ મર્ટલ બીચ (Myrtle Beach) જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. ગુગલના સર્વે પ્રમાણે એડવેન્ચર સ્પોર્ટ્સ અને ફેમિલી ફન માટે વોર્મ ટ્રોપિકલ હવામાનનો આ સારામાં સારો બીચ છે. ફાફડા-જલેબીનો નાસ્તો કર્યો ત્યાં તો લિટલે  ગાડીમાં ચાર મોટાં બોક્સ ચડાવી દીધાં. અમારો સામાન પણ ગોઠવી દીધો અને અમે સૌ બીચની સફરે નીકળી પડ્યાં.

પ્રવીણભાઈએ ગાડીમાં બેસીને સૌથી પહેલાં ‘હનુમાન ચાલીસા’ નો પાઠ કર્યો! આપણે ત્યાં કોણ કરે છે? માણસ જયારે પોતાની સંસ્કૃતિથી દૂર જાય છે ત્યારે તેને પોતાની સંસ્કૃતિની કિંમત સમજાય છે. પરદેશમાં રહેલાં ભારતીયો આપણી સંસ્કૃતિ બહુ સરસ રીતે સાચવી રહ્યાં છે તેનું આપણને બહુ ગૌરવ થાય છે. પ્રવીણભાઈની  ગાડી તો પુરપાટ દોડવા લાગી. એક જગ્યાએ બીજી ગાડી સહેજ પાસે આવી અને અમે સૌ જરા ડરી ગયાં અને રીટાએતો જોરથી ‘હરી ઓમ’ ‘હરી ઓમ’ કરી મૂક્યું અને પછી તો થોડી થોડી વારે અમે બધાં ‘હરી ઓમ’ ‘હરી ઓમ’ કરી મજાક કરવા લાગ્યાં.

દોઢ કલાક ડ્રાઈવ કરીને અમે સુંદર બીચ પર પહોંચી ગયાં. અમારાં યજમાનોએ પહેલેથી બીચ પર આવેલ સરસ-મઝાની હોટલમાં રહેવાનું બુકિંગ કરાવ્યું હતું. ૨૧મા માળે આવેલું ચાર રૂમનું કોન્ડો ( ચાર બેડ રૂમ, સાથે રસોડું, ડ્રોઈંગરૂમ, મોટો વરંડો….) બે દિવસ માટે અમારું ઘર બની ગયું. સામાન મૂકી હાથ-મોં ધોઈ તૈયાર  થયાં ત્યાં તો લિટલે સાથે લાવેલ પેકેટમાંથી જ્યુસ અને હળવો નાસ્તો માઈક્રોમાં ગરમ કરી  ટેબલ પર ગોઠવી દીધો! ફરી ફરીને અમેરિકન-ભારતીય બહેનોના વખાણ કરવાનું મન થાય!  રૂમમાં સ્વચ્છતા અને સગવડો એટલી સરસ હતી કે બીચ પર જવું કે રૂમ પર બેસવું એ નક્કી કરવું અઘરું બની ગયું. વળી નીચે ગયાં તો હોટલનો પોતાનો સ્વિમિંગ પુલ હતો. ઘેરા  વાદળી રંગના  સર્પાકારે વિકસાવેલ પુલમાં જાકુઝી, ફુવારા, જંપિંગ બોર્ડ, બાળકો માટેની રમતો અને રાઈડ્સ …..બેસવા માટે ખુરશીઓ, તરવામાં સહાયતા માટે રિંગો, તરતાં પહેલાં શાવર, ચોખ્ખા ટુવાલોની વ્યવસ્થા, જરૂર પડે તો સ્વિમિંગ કોસ્ચ્યુમ પણ મળી રહે!  કોઈ કરતાં કોઈ કમી નહીં…… જલપરીના દેશમાં હોઈએ તેવું લાગે! વહેતા વાદળી પાણીને લીધે વાતાવરણ આખું જીવંત બની ગયું હતું. આટલી સગવડોની સામે માણસોનો પણ એટલો જ સહકાર. વાપરેલા ટુવાલો ચોક્કસ જગ્યાએ જ મૂકવાના. સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરેલી અસંખ્ય સુંદર લલનાઓ આસપાસ ફરતી હોય, પણ કોઈ અસામાજિક તત્ત્વ નહીં. કોઈનું પણ  અણછાજતું વર્તન નહીં. જાકુઝીમાં અજાણ્યા માણસો હોય તો પણ અસલામતી લાગે નહીં. સ્વતંત્રતા અને ઉચ્છૃંખલતા વચ્ચેનો ભેદ તરત જ દેખાય. અમે ઘેરથી જ (રૂમ પરથી જ) સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરીને આવ્યાં હતાં એટલે શાવર લઈ સીધાં પુલમાં પડ્યાં. સ્વિમિંગ તો મારી મનગમતી હોબી એટલે મઝા જ આવે. ઘણી બધી તરણ સ્પર્ધાઓમાં ભાગ લીધેલો પણ આટલાં બધાં માણસો સાથે પાણીની રમતો અને રાઈડ્સ મારે માટે નવી હતી. વળી જાકુઝીનો અનુભવ પણ નવો હતો. આખા શરીરને પાણીના ફ્લોથી મસાજ થાય. શરૂઆતમાં ગલીપચી થાય પણ પછી ગમે તો ટેવાઈ જવાય! અમે તો જાકુઝીની બહુ મઝા માણી! રીંગ લઈ ધીમે ધીમે સાપોલિયાની ગલીઓમાં ફરવાની તો શું મઝા આવી! ક્યારેક ઓચિંતું કૃત્રિમ વરસાદનું ઝાપટું આવી જાય, ક્યારેક કોઈ અથડાઈ પડે, ક્યારેક કોઈ કૂદી પડે, ક્યારેક મોટો બોલ તમારે માથે આવી પડે ! એટલું જીવંત વાતાવરણ ! બે-અઢી કલાક ક્યાં જતા રહ્યા તે ખબર જ ન પડી. રૂમમાં પાછાં આવ્યાં ત્યારે ખબર પડી કે કેવાં થાક્યા હતાં અને કેવાં ભૂખ્યાં થયાં હતાં ! અમે સહેજ નાહી-ધોઈને  તૈયાર થયાં ત્યાં તો જમવાનું ટેબલ પણ ફરી તૈયાર ! ગરમ હાંડવો, શ્રીખંડ અને પૂરી, ગરમાગરમ ચા-કૉફી,ત્રણ-ચાર  કોરા નાસ્તા…… વસ્તુઓની વિપુલતા સાથે આવડત, મેનેજમેન્ટ અને પ્રેમ ! જો કે વિચાર કરવાનું બાજુએ રાખી અમે પેટ ભરીને જમ્યાં! અને પાટલેથી સીધાં ખાટલે! બધાં બે કલાક ઘોટી ગયાં.

ઊઠીને ૨૧મા માળના વરંડામાંથી નીચેનો નઝારો જોયો! અકલ્પ્ય દ્રશ્ય હતું! દૂરદૂર નજર પહોંચે ત્યાં સુધી વાદળી રંગનું સ્વચ્છ પાણી જ દેખાય. વાદળિયું આકાશ સમુદ્રને મળે ત્યાં ઝાંખી ક્ષિતિજની રેખા દેખાય.આટલું વિશાળ આકાશ અને આવો અપાર સાગર એકબીજામાં કેટલી સરળતાથી મળી જાય …. ન આકાશને પોતાની ઊંચાઈનો કોઈ ગર્વ કે ન સાગરને પોતાની ગહનતાનું કોઈ અભિમાન ! માણસો પણ આટલી સરળતાથી જો એકમેકમાં હળીભળી જાય તો ધરતી પર જ સ્વર્ગ બની જાય ! એકદમ નીચે નજર નાંખી તો જે ઘેરા  વાદળી રંગના સ્વિમિંગ પુલમાં અમે બપોરે ધમાલ કરી હતી તે ખુલ્લા સમુદ્ર આગળ કેવો નાનો લાગતો હતો! અને છ ફૂટનો માણસ તો એક ટપકા જેવો દેખાતો હતો!

નીચે ઊતરી પાછાં દરિયે ફર્યાં, સ્વિમિંગ પુલ પર આંટા માર્યા, નાનકડા ગામમાં રખડ્યા, જરૂર વગર બેરીસ્તાની કૉફી પીધી! થોડી વારમાં અમારા યજમાનના  મિત્રો  ( સ્નેહા અને રાજુ ) આવી લગ્યાં. એમને  લઈ અમે રૂમ પર ગયાં. એ લોકો પણ એટલો બધો નાસ્તો અને પીણાં લાવ્યાં હતાં ! કદાચ ખાલી હાથે નહીં જવાનો રિવાજ હશે ! અમે ધમાલ-મસ્તી કરતાં હતાં ત્યાં બેલ વાગી. બધાંને નવાઈ લાગી. કોણ હશે ? અમે બધાં વરંડામાં હતાં અને લિટલે જઈ બારણું ખોલ્યું અને જોર જોરથી હસવાના અને આનંદના અવાજો સંભળાયા. લિટલ-પ્રવીણનો  દીકરો રોનક ખાસ અમને મળવા ૨૫૦ કી.મિ. ડ્રાઈવ કરી આવ્યો હતો. તે શેરલોતમાં કામ કરે છે. Ronak : Young MBA with a very good job and yet single! તે પ્રવીણભાઈની વર્ષગાંઠ ઊજવવા પૂરતી તૈયારી સાથે આવ્યો હતો. મોટો બુકે, કેક અને ડ્રિન્ક્સ લાવ્યો હતો. સાથે બહેન રોમાની પાંચ વર્ષની ડાહી-ડમરી દીકરી ‘મિલા’ હતી. મિલા એના મામા સાથે બહુ પ્રેમથી આવી હતી. નાના-નાનીને જોતાં તો ખુશખુશ થઈ ગઈ! અમારી સાથે પણ જોતજોતામાં હળીમળી ગઈ. વળી પાછો ખાવા-પીવાનો દોર ચાલ્યો! કેક, નાસ્તો અને ડ્રિન્ક્સ! ગામની મેક્સિકન રેસ્ટોરામાં રાત્રીભોજનની વ્યવસ્થા કરતો આવ્યો હતો. લિટલ-પ્રવીણની દીકરી એક અમેરિકનને પરણી છે. વેવાઈ પણ દિલદાર છે. બીચ પરથી પાછાં ફરતાં એમને  ઘેર થઈને જ જવાનું અમને ભાવભીનું આમંત્રણ આપ્યું છે! આપણે માનીએ કે મહેમાનગતી તો આપણે જ કરી જાણીએ. પણ આ વિદેશી મિત્રો તો જુઓ : અમારી સાથે નહીં કોઈ ઓળખાણ-પિછાણ અને છતાં  કેવું ભાવભીનું આમંત્રણ!

કેક, નાસ્તો અને ડ્રિન્ક્સને યોગ્ય ન્યાય આપી અમે મેક્સિકન રેસ્ટોરામાં જમવા ગયાં! અમેરિકામાં મેક્સિકન  રેસ્ટોરામાં જમવાની ફેશન લાગે છે! એક મોલમાં આવેલ આ મેક્સિકન રેસ્ટોરાનું સુશોભન વિશિષ્ટ, કલાત્મક અને સુંદર હતું.ઝાંખા પ્રકાશમાં તે વધુ સુંદર લાગતું હતું. સારી એવી ભીડ હતી. અમારે થોડી રાહ જોવી પડી. અમને ત્યાંનું સુશોભન જોવાનો સમય મળ્યો. અમને મેક્સિકન ભોજનનો પરિચય ઓછો એટલે પ્રવીણભાઈએ  જ અમારા માટે મેક્સિકન વેજ જમવાનો ઓર્ડર આપ્યો. જમવાનું સરસ હતું પણ પેટમાં જગ્યા ક્યાંથી લાવવી? લગભગ સાડા અગિયારે જમી કરીને રેસ્ટોરાંમાંથી બહાર આવ્યાં. રોનક મિલાને લઈને પાછો ૨૫૦ કી.મિ. ડ્રાઈવ કરી શેરલોત ગયો! મોડી રાત્રે શેરલોત પહોંચીને તેણે ‘સબ સલામત’ નો મેસેજ પણ કરી દીધો. ત્યાંના યુવાનો પણ પોતાનાં માં-બાપનું અને કુટુંબીઓનું કેટલું ધ્યાન રાખે છે ! કદાચ પ્રેમ દર્શાવવાની રીત અલગ હશે પણ પ્રેમ તો પ્રેમ છે! સ્નેહા-રજુ અને રોનક-મિલાને અમે પહેલી જ વાર મળતાં હતાં પણ જાણે વર્ષોથી ઓળખતાં હોઈએ એવું લાગ્યું!

રોનક નીકળ્યો પછી રાત્રે અમે ડ્રાઈવ પર નીકળ્યાં અને બ્રોડવે સ્ટ્રીટ (Broadway Street) પર ગયાં. અડધી રાત્રે પણ બ્રોડવે સ્ટ્રીટની શું રોનક હતી! કેટલી ઝાકમઝોળ હતી!  મોટા તળાવમાં પડતાં લાઈટોનાં પ્રતિબિંબ રોશનીને બેવડાવતા હતાં. દુનિયાની અજાયબી જેવાં મકાનો હતાં. બે મકાનો ધ્યાન ખેંચે તેવાં હતાં. એક મકાન ત્રાંસુ હતું તો બીજું ઊંધું ( upside down) હતું. ભોંયતળિયું ઉપર અને અગાસી નીચે ! ખાવાપીવાની દુકાનો ખુલ્લી હતી અને ઘણાં લોકો આપણા માણેકચોકની  જેમ અડધી રાતે ખાણીપીણીની મઝા માણી રહ્યાં હતાં. યુવાનો ડાન્સ ફ્લોર પર નાચી રહ્યાં હતાં. વાતાવરણમાં આનંદ અને ઉત્સવની લાગણી હતી.  હોટલ પહોંચ્યાં પછી વળી પાછી હાસ્ય અને સંગીતની મહેફિલ જામી. થોડાં કપડાં ધોવાં હતાં તે મશીનમાં નાખ્યાં. રાત્રે બે વાગે બધાં સૂતાં.

+ + +

૦૨/૦૬/૨૦૧૭

બીજે દિવસે સવારે ઊઠતાં મોડું થઈ ગયું. તૈયાર થઈ ગરમાગરમ ઉપમા, ટોસ્ટ, ફળો અને ચા-કૉફી સાથે બ્રંચ (મોડો નાસ્તો) કરીને હોટલમાંથી વિદાય લેતાં બપોર પડી ગઈ. ૨૨મા માળથી નયનરમ્ય લાગતી દુનિયાના બહુ બધા ફોટા પડ્યા. નીકળવાનું કોઈને મન થતું ન હતું. આખરે નીકળ્યાં ત્યારે સારું એવું મોડું થઈ ગયું હતું અને અમારે લગભગ છ કલાક ડ્રાઈવ કરી નોક્ષ-વિલ (Knoxville) પહોંચવાનું હતું. નીચે ઊતરીને વળી પાછી બેરીસ્તામાં કૉફી પીધી! અમેરિકન વેવાઈને મળવાનો પ્રોગ્રામ નાછૂટકે કેન્સલ કરવો પડ્યો.

નોક્ષ-વિલ સુધી પહોંચવાનો રસ્તો સરસ હતો. રસ્તાની બંને બાજુ લીલ્લી હરિયાળી હતી. રસ્તા ઉપર ચોક્કસ અંતરે માઈલ-સ્ટોન અને સાઈન-બોર્ડ  મળી જ જાય. અહી અંતર માઈલમાં મપાય છે.  રસ્તા પરથી બહાર નીકળવાનું હોય ત્યાં એક્ષીટ (EXIT) નંબર લખ્યા હોય. ક્યાં જવા કયો એક્ષીટ લેવો તે નક્કી હોય તો સરળતાથી જ્યાં જવું હોય ત્યાં પહોંચી શકાય. વળી પેટ્રોલપંપ અને સાથે જરૂરિયાતો માટેનો સ્ટોર, વોશરૂમની સગવડ વગેરે પણ મળી જ રહે. આથી રોડની મુસાફરી સલામત અને સુખદાયક બની રહે છે. આ બધી સગવડોને કારણે  રજા પડતાં જ અમેરિકનો ફરવા નીકળી પડે છે અને દેશની પ્રાકૃતિક સમૃદ્ધિનો લાભ ઉઠાવે છે.અમે બે કલાકે પેટ્રોલ ભરવા ઊભાં રહ્યાં. કૉફી પીધી અને હાથ પગ છૂટાં કર્યાં. હનુમાન ચાલીસા અને આરતી ગાતાં ગાતાં બે કલાક વીતી ગયાં અને ફરીને ગાડી ઊભી રાખી. હવે તો નોક્ષ-વિલ નજીક જ હતું.

નક્કી કર્યું હતું તે સમય કરતાં ૪૦-૪૫ મિનિટ મોડાં અમે નોક્ષ-વિલમાં આવેલી મેરીએટ હોટલમાં પહોંચી ગયાં. જરાય થાક લાગ્યો ન હતો. મિત્રોની સંગતમાં આટલો રસ્તો હસતાં રમતાં ક્યાં નીકળી ગયો તે ખબર પણ ન પડી!ક્રમશઃ


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: Web Gurjari

13 thoughts on “અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : કેરોલીના અને મર્ટલ બીચ [પુનઃ પ્રકાશિત]

 1. Ice pravas varnan! Little- Pravin are great hosts as always. I had first hand experience during my surprise visit in Dillon.
  Glad you are enjoying your trip! Looking forward to you arriving at KA wedding in Knoxville!
  Amrish

 2. સુંદર વર્ણન. આ કોરોના મહામારી માં જુની યાદોમાં વાગોળતા વર્તમાન સમય પસાર કરી શકો. તમારી યાદશક્તિ ને ધન્યવાદ.

  1. Thanks, Manishbhai! This was written just after the tour….. It is being published now! But, true! We are enjoying our trip again and again! 🤠

 3. સુંદર વર્ણન. આ કોરોના મહામારી માં જુની યાદોને વાગોળતા વર્તમાન સમય પસાર કરી શકો. તમારી યાદશક્તિ ને ધન્યવાદ.

 4. You have Great memories with Little & Pravin. They are great hosts. Ronak is so nice and mixed with us very nicely.

 5. You have Great memories with Little & Pravin. They are great hosts. Ronak is so nice and mixed with us very nicely.

Leave a Reply

Your email address will not be published.