સત્યજિત રાયની સૃષ્ટિ – ૧૪ – અશાનિ સંકેત

ભગવાન થાવરાણી

સત્યજિત રાયની  ૧૯મી ફિલ્મ અશાનિ સંકેત (૧૯૭૩) નું અંગ્રેજી નામ છે DISTANT THUNDER પરંતુ એનું શબ્દશ: ભાષાંતર થાય તોફાનની એંધાણી. ફિલ્મના કથાવસ્તૂમાં જે દુષ્કાળનો કેવળ આડકતરો – સાંકેતિક ઉલ્લેખ છે એ ૧૯૪૩ના બંગાળના મહાદુષ્કાળની વાત પહેલાં કરીને આખી વાત આરંભીએ.

૧૯૪૩માં અંગ્રેજ હકૂમતના ગાળામાં આકાર પામેલો આ દુષ્કાળ સંપૂર્ણત: માનવસર્જિત હતો. એમાં કુદરતનો કોઈ વાંક જ નહોતો. એક અનુમાન અનુસાર એમાં આ દુષ્કાળ અને એની આડઅસરોમાં બંગાળ-ઉડીશાની આશરે પચાસ લાખ માનવ જિંદગી હોમાઈ ગયેલી ! યા એમ કહો કે એટલા લોકોને મરી જવા દેવામાં આવેલા ! એ ગાળો બીજા વિશ્વયુદ્ધનો હતો અને આપણે સૌ, માનવ ઇતિહાસના કલુષિત ખલનાયક એડોલ્ફ હિટલર અને એમના નાઝી પ્રશાસનને (યોગ્ય રીતે જ) પચાસ લાખથી વધુ યહૂદીઓને યાતનાઓ આપી મારી નાખવા બદલ ગુનેગાર ઠરાવતા આવ્યા છીએ. આ જ ગાળામાં થયેલા અને એટલા જ નિર્દોષોને ભરખી ગયેલા આ નરસંહારનો ઉલ્લેખ વિશ્વ-ઈતિહાસમાં ભાગ્યે જ જોઈએ છીએ એ બલિહારી નહીં તો બીજું શું ? જૂઓ એ દારુણ ઘટનાની પૃષ્ઠભૂમિ.

આટલા બધા લોકો ભૂખમરા, મેલેરિયા, કુપોષણ અને હિજરતના કારણે મર્યા જ્યારે હકીકત એ હતી કે એના પહેલાંનું વર્ષ અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ કે નિષ્ફળ પાકનું મુદ્દલ નહોતું. વાસ્તવિકતા એ હતી કે બાજુના જ સિંગાપૂર અને બર્મામાં જાપાનીઓના હાથે માર ખાઈ રહેલા બ્રિટિશ લશ્કર માટે બંગાળના રાજ્યભરમાંથી અનાજ – વિશેષ કરીને ચોખા, જે આ પ્રજાનો મુખ્ય ખોરાક હતો – ની ખરીદી કરીને બ્રિટિશ સરકારે પોતાના ગોદામોમાં સંગ્રહ કરી લીધો હતો, ગરીબ જનતાને ભગવાન ભરોસે (મરી જવા માટે) છોડીને ! યુદ્ધગ્રસ્ત બર્માના કારણે ત્યાંથી પ્રતિવર્ષ થતી ચોખાની આયાત પણ બંધ હતી. રેલ-તંત્ર કેવળ લશ્કર માટે અનાજ-સામાનની હેરફેરમાં વ્યસ્ત હતું અને એમાં પાછું યુદ્ધગ્રસ્ત બર્માથી ભાગીને બંગાળ આવેલા શરણાર્થીઓનું ભારણ ! જેમની પાસે થોડાઘણા પૈસા હતા એ લોકો પણ અનાજના આકાશને આંબતા ભાવ સામે લાચાર હતા. આ બધા વચ્ચે બ્રિટનના યુદ્ધકાલીન વડા પ્રધાન જનાબ વિંન્સ્ટન ચર્ચિલ તો ભારતના વાઈસરોયને કહી ચૂક્યા હતા કે ‘ દુકાળ હોય કે ન હોય, ભારતીયો કીડા – મંકોડાની જેમ બાળકો પેદા કરશે જ.’ (અર્થાત મરવા દો એમને. તમે આપણા લશ્કરની ચિંતા કરો !)

અશાનિ સંકેત ફિલ્મ બંગાળના અને ભારતના મહાન નવલકથાકાર બિભૂતિભૂષણ બંધોપાધ્યાયની એ જ નામની નવલકથા પર આધારિત છે. આ એ જ સર્જક છે જેમની અમર કૃતિ પથેર પાંચાલી ઉપરથી રાયે આ પહેલાં ત્રણ ફિલ્મો પથેર પાંચાલી (૫૫), અપરાજિતો (૫૬) અને અપૂર સંસાર (૫૯) બનાવી હતી અને આ એ જ લેખક હતા જેમના પુસ્તક પથેર પાંચાલી માટે કવર ડિઝાઈન બનાવીને રાયે પોતાની કારકિર્દી આરંભેલી. એ રાયના અતિપ્રિય સર્જક હતા. એમનું માનવું હતું કે ફિલ્માંકનના પરિપ્રેક્ષ્યમાં એમની કૃતિઓ લગભગ યથાતથ પટકથાની ગરજ સારે છે ! ફિલ્મમાં રૂપાંતરણ માટે એમાં ભાગ્યે જ કોઈ સુધારા-વધારા કરવાની જરૂર પડતી. માનવી અને પ્રકૃતિ વચ્ચેના સંબંધ અંગે બિભૂતિભૂષણની કક્ષાનું ચિત્રણ ભાગ્યે જ કોઈ લેખકે કર્યું છે. (આ જ લેખકની વાર્તા હિંગેર કોચૂરી ઉપરથી શક્તિ સામંત જી એ સફળ હિંદી ફિલ્મ અમર પ્રેમ બનાવેલી.)

એક અન્ય રસપ્રદ આડવાત. રાયનું કુટુંબ ટાગોર પરિવાર સાથે ગાઢ સંબંધો ધરાવતું. ૧૯૪૦મા માતા સુપ્રભા રાયના આગ્રહથી સત્યજિત ટાગોરના શાંતિનિકેતનની વિશ્વ-ભારતીમાં અભ્યાસાર્થે દાખલ થયા. નવી જ ખરીદેલી ઓટોગ્રાફ બૂક રવિંદ્રનાથને ધરીને માએ કહ્યું કે આમાં મારા દીકરા માટે કશુંક લખી દો. બીજા દિવસે ટાગોરે કહ્યું કે મેં સત્યજિત માટે એ બૂકમાં કશુંક અગત્યનું લખ્યું છે પણ એ એને હમણાં નહીં સમજાય. મોટો થશે ત્યારે સમજાશે. એમણે લખ્યું હતું  ” નદીઓ અને પર્વતો જોવા મેં જગતભરના પ્રવાસો ખેડ્યા છે. ક્યાં-ક્યાં નથી ગયો ! ઘણું બધું જોયું પણ મારા પોતાના ઘરની બહાર જ ઘાસના તૃણ ઉપર બાઝેલું ઝાકળનું ટીપું જોવાનું જ ચૂકી ગયો ! એ બિંદુ જે એની ગોળાઈમાં આખ્ખાય બ્રહ્માંડનું પ્રતિબિંબ લઈને બેઠું છે. “ 

અશાનિ સંકેત ફિલ્મ, ટાગોરે જે શીખ આપી એનો પરિપાક છે.

હવે ફિલ્મ પર આવીએ.

નૂતનગાંવનું તળાવ. ચોમેર હરિયાળી. પક્ષીઓનો કલરવ. લહેરાતાં ખેતરો. ઝૂમતા વૃક્ષો. કુદરત એના પરમ નિખારમાં. પશ્ચાદ-સંગીતમાં જોકે આવનારી કોઈક આફતનો અદ્રષ્ય સંકેત છે.

તળાવમાં નહાતી નવયૌવના અનંગા (બાંગલાદેશી અભિનેત્રી બબીતા) નો હાથ, તળાવમાંથી જાણે કમળ ખીલ્યું હોય તેમ બહાર નીકળે છે. કિનારેથી બહેનપણી એને બૂમ પાડી આકાશમાં ઊડતા અનેક હવાઈ જહાજો જોવાનું કહે છે. એ ૧૯૪૩નો સમય છે જ્યારે વિશ્વયુદ્ધના ઓળા સિંગાપૂર અને બર્મા સુધી પહોંચી ચૂક્યા હતા. અનંગા જહાજો જોઈને કહે છે, ‘ કેવું સરસ ! જાણે ઊડતા સારસ પક્ષીઓ !’ બહેનપણી પણ પાણીમાં ઝંપલાવે છે. એ ડૂબકી મારીને બહાર ડોકાતી નથી એટલે અનંગા એના નામની બૂમ પાડે છે. માથું બહાર કાઢી સખી કહે છે  ‘ચિંતા ન કરીશ. હું એમ મરીશ નહીં. અમારા ગામમાં કોલેરા ફાટી નીકળેલો. મારા કુટુંબના આઠ લોકો મરી ગયા. હું બચી ગઈ !’ 

બધી સ્ત્રીઓ ગામ ભણી પરત. અનંગા એના પતિ ગંગાચરણ ચક્રવર્તી ( સૌમિત્ર ચેટર્જી ) સાથે હમણાં જ આ ગામમાં રહેવા આવી છે. ગામમાં એમનું ઘર એકમાત્ર બ્રાહ્મણનું ઘર છે એટલે ગામમાં સારો માન-મરતબો છે. ગંગાચરણ કર્મકાંડ ઉપરાંત વૈદું પણ જાણે છે. ગામમાં ‘ ભણેલો-ગણેલો ‘ પણ એ એકલો જ છે. અનંગા એટલી રૂપાળી છે કે બહેનપણીઓના મતે  ‘ એના આવવાથી ગામ ચમકી ઊઠ્યું છે ‘ પસાર થતી સ્ત્રીઓને નીરખતો કદરૂપો જદૂ (નોની ગાંગૂલી ) દૂર ઊભો છે. એ ઈંટના ભઠ્ઠામાં માલ સપ્લાય કરે છે. એને સ્ત્રીઓને તાકવાની આદત છે. 

અનંગા પોતાના ખોરડે પહોંચે છે તો મોતી ( ચિત્રા બેનર્જી ) એની રાહ જૂએ છે. એ એના જૂના ગામની બહેનપણી છે. નીચી જાતિની છે. અનંગાને પગે લાગે છે તો અનંગા  ‘ અરે ! મને અડતી નહીં નહીંતર મારે પાછું નહાવા જવું પડશે. ‘ એ આભડછેટ એના સદીઓ જૂના સંસ્કાર છે પણ એમાં કોઈ સૂગ કે નફરત નથી. અમાનવીયતા તો નહીં જ. અનંગા પોતાના જૂના ગામ અને સખીઓને યાદ કરતાં કહે છે કે આવી છો તો થોડાક દિવસ રોકાઈ જા. 

ગંગાચરણ આવે છે. એના એક હાથમાં અનાજની થેલી, બગલમાં છત્રી અને બીજા હાથમાં તાજી માછલી છે. ‘ સિદ્ધિચરણને તળાવમાંથી આઠ માછલી મળી અને એક દાનમાં આપી બ્રાહ્મણને. ‘ ખોરડાની બાજૂમાં ઉછેરેલો શાકભાજી ઉગાડવાનો વાડો પણ હર્યો-ભર્યો છે. અનંગા પ્રેમથી મોતીને થોડુંક તેલ આપીને કહે છે કે જા, તળાવે નહાઈ આવ. 

ગંગાચરણ જમતાં-જમતાં પત્નીને કહે છે ‘ આજે બિશ્વાસને મળી ગામમાં પાઠશાળા શરૂ કરવાની વાત કરીશ. વૈદું અને પુરોહિતપદું તો છે જ. ટેકો રહેશે. ‘ જમતાં-જમતાં એ બાજૂમાં ફરતા કૂતરાને કોળિયો નાંખે છે. અનંગા, ‘ આજે મારી બહેનપણીએ શું કહ્યું, ખબર ? કે મારા રૂપથી ગામમાં અજવાસ-અજવાસ થઈ ગયો છે. બોલો ! ‘ ગંગાચરણ ખરાઈ કરવા અનંગાને તાકી રહે છે.

કોઈ ગામડિયો તબિયત દેખાડવા આવ્યો છે. ગંગાચરણ એની નાડી જૂએ છે. ‘ તબિયતનું નિદાન કરવું સહેલું નથી. કાલે કંઈક આડુંઅવળું ખાધું હશે. એ એને પડીકી આપે છે. પેલો આભાર માની જાય છે તો ગંગાચરણ બૂમ પાડી ‘ તારી પાસે સરસિયું છે ને ? બેક વાટકી મોકલાવજે. કહી પોતાની ફી વસૂલવાનો જુગાડ કરે છે !

પંડિત મોશાયને રસ્તામાં બધા પ્રણામ કરે છે. તાડના ઝાડ ઉપર ચડીને માટલા ટાંગતો માણસ પણ. ગંગાચરણ એને હાંક મારી કહે છે ‘ ઘરે થોડોક નીરો તો પહોંચાડજે.

દુકાનદાર બિશ્વાસની આગેવાની હેઠળ ગામલોકો હુક્કો ગગડાવતા બેઠા છે. ગંગાચરણ આવતાં માનપાન સાથે એને આસન પાથરી ઊંચે બેસાડવામાં આવે છે. એક માણસ દોડીને ઘરેથી એના માટે ચોક્ખો હુક્કો લઈ આવે છે. એ બિશ્વાસને કહે છે, ‘ આપણા ગામમાં શાળા શરૂ કરવી છે. છોકરાઓને મોકલશો ને ? ફી નહીં લઉં. પણ મારે ય ઘર તો ચલાવવું ને ! બની શકે તે આપજો.’ બિશ્વાસ કહે છે ‘ તમે તો અમારા ગામના મુકુટ છો. તમે તો હુતો ને હુતી એટલે દશ શેર ભાત તો થઈ રહે ને ? ગામના પુરોહિતની જબાબદારી પણ તમે જ સંભાળી લો. બાકી અમે બેઠા છીએ. ‘ગંગાચરણ શાસ્ત્રાર્થનો ઉપક્રમ કરી કેટલાક સંસ્કૃત શ્લોક (ખોટી રીતે) ઉચ્ચારે છે અને ડાયરાને પૂછે છે ‘ કંઈ સમજાયું ? ‘ બિચારા અભણ ગામલોકો આ  ‘ વિદ્વાન ‘ અને  ‘ જ્ઞાનના ભંડાર ‘ ઉપર વારી-વારી જાય છે. બિશ્વાસ કહે છે, ‘ પંડિત જી, અમને તો બસ પક્ષીઓની અને ઊઘડતી સવારના રંગોની ભાષા આવડે. ‘ (કેવી સ્વાભાવિક પણ અદ્ભૂત વાત!)

અસ્થાયી માંચડા હેઠળ શાળા શરૂ થાય છે. ગંગાચરણનું ગાડું ચાલી નીકળે છે. ગંગાચરણ એની પાસે ભણતા છોકરાઓ પાસેથી ક્યારેક તંબાકૂ – હુક્કો મંગાવી લે તો ક્યારેક વળી કોઈક વાણંદના છોકરાને કહી દે ‘ તારા પિતાને કહેજે, કાલે મારી દાઢી કરી જાય. ‘ !

સ્કૂલથી દૂર પોતડીભેર માણસ ઊભો છે. ( એવું લાગે જાણે ગામમાં ગંગાચરણ સિવાય કોઈ ઉપરનું પહેરણ પહેરતું જ નથી ! ) બોલાવતાં આવીને વિનવે છે કે એના કામદેવપૂર ગામમાં કોલેરા ફેલાયો છે તો તમે આવીને હોમ-હવન કરી ગામને બચાવો. ગંગાચરણ એને ઘરે લઈ જાય છે અને આખી વાત સાંભળ્યા પછી ગંભીર વદને કહે છે  ‘ બહુ અઘરું કામ છે. કુંડલિની જાગૃત કરવી પડશે. ખર્ચો થશે.‘  ‘ કોઈ વાંધો નહીં. ગામમાં સિત્તેર ઘર છે. પહોંચી વળાશે. તમે સામગ્રી લખી આપો. ‘ ગંગાચરણ ઓરડામાં જાય છે. અનંગાને પૂછે છે  ‘ તારી પાસે કેટલી સાડી છે ? કયા રંગની જોઈએ છે ? ‘ અનંગા પૂછે છે  ‘ તમે એમને ખરેખર કોલેરાથી બચાવી શકશો ? ‘ ગંગાચરણ, આપણે રાજી થઈએ એવો જવાબ આપે છે  ‘ ચોપડીઓમાં કોલેરાથી બચવાના ઉપાયો તો લખેલા જ હોય ને ! એ લોકોને એનો અમલ કરવાનું પણ ભેગાભેગું કહીશ ને !

કામદેવપૂરમાં કોલેરા ભગાડવાનું અનુષ્ઠાન. વિપુલ પૂજા-સામગ્રી અને વ્યંજનો. ( જે પૂજા પત્યા પછી પંડિત મોશાય ઘરભેગા કરવાના છે ) પૈસા. મિઠાઈ. અન્ન. ફળફૂલ. પુરોહિતને ઘેરીને શ્રદ્ધાપૂર્વક બેઠેલા ગ્રામજનો. હોમ-હવન. ગોર શંખ ફૂંકે છે. શ્લોક ઉચ્ચારે છે. બધા નતમસ્તક છે. હવે કોલેરા ગયો સમજો ! બધા ગંગાચરણ કરે તેમ વિધિનું અનુસરણ કરે છે. ‘ તમારા ગામમાં ઈશાન દિશામાં લીમડાનું એક ઝાડ હોવું જોઈએ. ‘ એ બિચારાઓને ‘ ઈશાન દિશા ‘ એટલે કઈ એ ખબર નથી અને પંડિત એ દિશા ભણી આંગળી ચીંધે છે તો બધા એના બ્રહ્મજ્ઞાનથી ચકિત ! એ દિશામાં ખરેખર ગામનો એક માત્ર લીમડો છે ! (ગંગાચરણ ગામમાં પ્રવેશતી વખતે જ એ લીમડો જોઈ આવ્યો હતો!) હવે ગંગાચરણ મૂળ વાત કરે છે  ‘ સાંભળી લો. હમણાં એકાદ મહીનો તળાવનું બંધિયાર પાણી પીતા નહીં. વાસી ખોરાક બિલકુલ બંધ. માખીઓ બેઠી હોય એ ખોરાક પણ ફેંકી દેવો. ‘ બધા વાજતે-ગાજતે ગોર મહારાજ પાછળ લીમડે ધજા બાંધવા નીકળે છે. 

ગામનું બળદગાડું ગંગાચરણને એના મહેનતાણા સાથે એને ગામ મૂકવા જઈ રહ્યું છે. દૂરથી રસ્તે કોઈ બૂમ પાડે છે. ગાડું ઊભું રહે છે. એ દીનબંધુ ભટ્ટાચાર્ય (ગોવિંદ ચક્રવર્તી) છે. કહે છે, ‘ સામે જ મારું ગામ છે. હાલત ખરાબ છે મારી. બ્રાહ્મણ છું. વૃદ્ધ થયો છું. ચોખાના ભાવ અમારા ગામમાં રાતોરાત વધી ગયા છે. તમને મળ્યું એમાંથી કંઈક આપો ને મને. ‘ ગંગાચરણ એને પોતાની પાસેના ધાનમાંથી થોડુંક આપી કહે છે ‘ અમારા ગામમાં તો ચોખાના ભાવ વધ્યા નથી. ‘  ‘ હશે, પણ લોકો કહે છે યુદ્ધ શરુ થયું છે. બધું મોંઘું થશે.’ દીનબંધુ આશીર્વાદ આપી જાય છે. 

ગંગાચરણ માછ-ભાત જમતાં જમતાં અનંગાને  ‘આપણા રાજાની જર્મનો અને જાપાનીઓ સાથે ચાલી રહેલી લડાઈ’ ની વાત કરે છે અને આવનારા કઠિન સમયની પણ. ‘ તેં આકાશમાં ઊડતા પ્લેન જોયા નથી? ‘

ગંગાચરણ શીશો લઈ યાસીનની દુકાને જાય છે પણ ત્યાં કેરોસીન ખલાસ છે. ‘ પૈસા આપતાં વસ્તુ ન મળે એ તો આ પહેલીવાર જોયું. લોકો એને આદરપાત્ર માની સલાહ આપે છે કે ચોખા અને મીઠું ભેગું કરી રાખો. કામ લાગશે. ( આ દુકાળ નથી પણ અન્ય કશુંક છે એ જતાવવા સર્જક, ગંગાચરણની પાછળ જ લીલાછમ ખેતરો અને જળસભર પુકુર દેખાડે છે ! )

ચુટકી ( સંધ્યા રોય – એ હિંદી ફિલ્મો અસલી નકલી, પૂજા કે ફૂલ, રાહગીરમાં દેખાયાં હતાં ) અને ગામની અન્ય સ્ત્રીઓ પગથી લાકડાનો સંચો ચલાવી ડાંગર છડે છે. એમાંથી મહેનતાણારૂપે એ બધાંને થોડાક ચોખા મળી રહે છે. 

દીનબંધુ ગંગાચરણના ઘરે આવે છે. અનંગા એકલી છે. એ વૃદ્ધને બેસાડે છે. ‘ બ્રાહ્મણ છું. જમીને જઈશ. ‘ અનંગા એમને ભાવપૂર્વક જમાડે છે. હુક્કો પેટાવી આપી, પાથરણું પાથરી આરામ કરવાનું કહે છે. 

ગંગાચરણ પોતાના વરંડામાં દીનબંધુને સૂતેલો જોઈ ચમકે છે. અનંગા એને ઇશારાથી બધું સમજાવે છે. ‘તો તેં તારા ભાગના ભાત પણ એને ખવડાવ્યા ? કેરોસીનની, ચોખાની અછત થઈ છે. કોઈ અજાણ્યાને આમ ખવડાવતાં પહેલાં ત્રણ વાર વિચારવું.’  ‘મહેમાન આવે તો ખવડાવવું તો પડે જ ને ! ‘મહેમાન જાગે છે. ‘ અમારું માંડ પૂરું કરીએ છીએ અને તમે..’ દીનબંધુ માથું કૂટી પોતાના દારિદ્ર્યની વાત કરે છે. એ ઊભા થઈ જવાની તૈયારી કરે છે. અનંગાને આમ કોઈને હાંકી કાઢવું ગમતું નથી. મહેમાન થોડેક દૂર જાય છે અને અનંગા નારાજગીથી કહે છે ‘ તમે એમને ખાલી હાથે જવા દીધા ? ‘  ‘ એ ભિખારી છે. લુખ્ખો છે.’  ‘ ના. જાવ. એમને પાછા બોલાવી આવો.’ પત્ની આગળ લાચાર થઈ ગંગાચરણ ભટ્ટાચાર્યને પાછા બોલાવી રાત રોકી લે છે. ‘ કાલે જજો હવે. ‘

મહેમાન રાતે પણ ભરપેટ જમે છે. બુઢ્ઢો દરેક રીતે જાણકાર પણ છે. એ વાત કરે છે કે આપણે ત્યાં બર્માથી જે બરછટ ચોખા આવતા હતા એ પણ યુદ્ધના કારણે હવે આવતા નથી. આપણું અનાજ મિલેટ્રીને મોકલાવી દે પછી આપણા માટે શું વધે ? બન્ને પુરુષો વચ્ચેની વાતચીત સાંભળતાં કંટાળેલી અનંગા ધણીને અંદર બોલાવે છે. ‘ ચુટકીને ત્યાં ગામની સ્ત્રીઓ ડાંગર છડવા જાય છે. મહેનતાણું પણ આપે છે. હું જાઉં ? ‘  ‘તું બ્રાહ્મણ છો. હલકા વરણના લોકોને ત્યાં મજૂરીએ જઈશ ? અને તને એ આકરું કામ ફાવે ? ગામના લોકો આપણને કેવા આદરથી જૂએ છે ! બધાની નજરમાં નીચા પડીએ. ના. હું ચોખાની વ્યવસ્થા કરી લઈશ. યુદ્ધ પુરું થશે એટલે બધું સમુંસૂતર થઈ જશે. બહુ નહીં ચાલે આ બધું. કુરુક્ષેત્રનું યુદ્ધ પણ અઢાર જ દિવસ ચાલેલું. બસ, કોઈને મફતમાં જમાડ નહીં.અનંગા ગંગાચરણના મોઢે હાથ મૂકી ધીમે બોલવાનું કહે છે. બુઢ્ઢો જાગે છે એટલે. 

સવાર. બિશ્વાસની દુકાને ચોખા તોળાય છે. લેનારાની અમર્યાદ ભીડ. ગંગાચરણ આવી ભીડથી દૂર પોતાના વારાની રાહ જોતો બેસે છે. અચાનક એક માણસ ધસી આવી, ચોખાની બોરી ઉપાડી ભાગે છે. અંધાધૂંધી. ટોળાના બધા લોકો લૂંટફાટ ઉપર ઉતરી આવે છે. ગંગાચરણ એકાદ ચોરને રોકે છે તો એને ધક્કો મારી પાડી દેવામાં આવે છે. 

અનંગા ચુટકી સાથે મજૂરીએ જોડાઈ છે. ગંગાચરણ ખાલી થેલો લઈને ઘરમાં પ્રવેશે છે. અનંગા એને પોતે કમાઈ લાવેલા ચોખા દેખાડે છે. ‘જો ઝૂકવું જ હોય તો આપણે બન્ને સાથે ઝૂકીશું.ગંગાચરણ જાણે પત્નીએ લીધેલું પગલું સ્વીકારતો હોય એમ કહે છે. 

ચોખાના ભાવ કૂદકે ને ભૂસકે વધતા જાય છે. બમણા. ત્રણ ગણા. ગામના અનેક લોકો હવે ભીખ માંગવા લાગ્યા છે. અનંગાથી આ દ્રષ્ય જીરવાતું નથી. એ પોતે અને પતિ ખાય કે એની પ્રકૃતિ અનુસાર આ માગણોને આપે ?

ચુટકી કહે છે, ચાલ, જંગલમાંથી થોડાક કંદમૂળ તોડી લાવીએ. મારા પિતાએ તો ભાવ વધ્યા અને ઘરમાં ભરેલા ચોખા વેંચી માર્યા. હવે ભૂખે મરવાનો વારો આવ્યો. તળાવના જીવડા પણ મારીને ખાવા પડે છે. અનંગા ચુટકીને એ જીવડા કઈ રીતે રંધાય એ પૂછે છે ! 

બિશ્વાસની દુકાન બહાર ફરી ટોળું. ‘ ચોખા ખલાસ છે તો શું આપું હવે ? દુકાન લૂંટાઈ એ તમે જોયું તો ખરું. ‘ પણ ગંગાચરણને એ છાનેખૂણે કહે છે  ‘ તમે બ્રાહ્મણ છો. મોડેકથી આવી પાંચ શેર લઈ જજો. ‘ ગંગાચરણ લોકોને કહે છે કે ચોખાનો નવો પાક તો તૈયાર છે તો એ ખાવને ? ‘ એ લીલા ચોખા અત્યારે ખાઈએ તો કોલેરામાં પટકાઈએ. સૂકવવા તો દેવા પડે ને !

ગામના હરિયાળા રસ્તા ઉપર ચુટકી એકલી. પેલો દાઝેલા ચહેરાવાળો જદૂ એનો રસ્તો રોકે છે. ‘ તારી રાહ જોતો’તો. ‘ એને ચુટકી ગમે છે. ખિસ્સામાંથી ચોખાની મુઠ્ઠી ભરી એ ચુટકીને દેખાડે છે. ‘ મને સંતોષે તો તને આપીશ. ‘ ચુટકી એને ધુત્કારીને આગળ વધે છે. 

પસાર થતો ગંગાચરણ ગામના તળાવના પાણીમાંથી સ્ત્રીઓને પેટ કાજે જીવડાં વીણતી જૂએ છે. ઘરે આવી અનંગાને કહે છે, ‘ બધું અનાજ અચાનક ગયું ક્યાં ? તકલીફ એ છે કે આપણે ખેડુતો પર નભીએ છીએ. આપણી પોતાની જમીન હોત તો આ દિવસો ન જોવા પડત. મને ખબર મળ્યા છે કે ચૌદ ગાઉ દૂરના શંકરપૂરમાં કોઈક ઘોષબાબૂ પાસે ચોખા છે. એમનો ભાવ જોકે વધારે છે પણ જઈ તો આવું. બાકી મહિને આ તેર રુપરડીમાં પુરું થાય કેમ ? ‘ અનંગા પોતાની બંગડી ઉતારી આપે છે. ‘ ગમે તે થાય, તું ભૂખી રહેતી નહીં. અનંગા કહે છે, મને અરુચિ જેવું છે. એ ગર્ભવતી છે. આવી પરિસ્થિતિમાં પણ ગંગાચરણ રાજી થાય છે. 

ગંગાચરણ શંકરપૂર ચોખાની તલાશમાં જાય છે. રસ્તામાં એક અર્થીને પસાર થતી જૂએ છે. નિવારણ ઘોષ (અનિલ ગાંગૂલી) કહે છે  ‘બ્રાહ્મણ આગળ જૂઠું નહીં બોલું. ચોખા તો છે પણ વેચવાના નથી.‘  ‘હું ચૌદ ગાઉ ચાલીને આવ્યો છું. રોકડા આપીશ.’  ‘પૈસાને શું બટકાં ભરીશ ?’ ગંગાચરણ નિરાશ થઈ પાછો ફરવા જાય છે તો નિવારણ બૂમ પાડી રોકે છે. ‘ બ્રાહ્મણ છો. જમીને જાઓ. તમારા પૂરતા ભાત આપું. ઘરમાં રાંધવાની જગ્યા છે. નિરાંતે રાંધી લો. (એ જમાનામાં બ્રાહ્મણો એમનાથી નીચી જાતિના લોકોના હાથનું બનાવેલું ખાતા નહીં.) માછલી, દૂધ પણ આપી જાઉં છું. જમીને આરામ કરો. પછી જજો. મારી દીકરી ખૈંતી (સુચિતા રોય) તમને બધું ગોઠવી આપે છે.

ગંગાચરણ જાતે રાંધે છે. એ ગુમસૂમ છે. અનંગાને છોડી આમ પેટ ભરવામાં એને અપરાધ-બોધ થાય છે. થોડેક દૂર ઊભેલ નિવારણની વિધવા પુત્રી ખૈંતી એને નિહાળે છે. ‘ ઘરે કોઈક ભૂખ્યું છે એ વિચારો છો ને ?’  ‘હા. એ કાયમ મને જમાડીને જમે અને હું અહીં..’  ‘ તમે નિરાંતે ખાઈ લો. જતી વખતે ત્યાં દૂર વાંસ પાસે ઘડીક ઊભજો. હું તમને ઘરે લઈ જવા ભાત આપીશ. ખૂટી જાય તો ફરી આવજો. બનશે તો આપીશ. ‘

ચુટકીની આગેવાની હેઠળ સ્ત્રીઓ જંગલમાં કંદમૂળ શોધવા નીકળે છે. પેટ માટે કંઈક તો કરવું ને ! સાથે અનંગા પણ છે. એ થાકી છે. બાકીની સ્ત્રીઓ એનું ખૂબ માન રાખે છે. ‘ દીદી, તમારે આવવાની જરૂર નહોતી. તમારો ભાગ તો તમને આમેય આપવાના જ હતા. કંદમૂળ ખોદીને એ સૌ પાછી વળે છે. અનંગા પાછળ રહી જાય છે. એને શ્રમનો મહાવરો નથી. અચાનક કોઈ પુરુષ ઝાડીઓમાંથી નીકળી એને દબોચી લે છે. અનંગા બૂમો પાડે છે. ચુટકી અને અન્ય સ્ત્રીઓ ચીસ સાંભળી પાછી વળે છે. ચુટકી એ પુરુષને લાકડીથી ફટકારે છે. એ પુરુષ ઘાયલ થઈ બાજૂના નાળામાં ઊંધા માથે પડે છે. બધી સ્ત્રીઓ ભાગીને અનંગાના ઘરે પહોંચે છે. અનંગા શરમિંદગીથી કહે છે  ‘આ વાત બહાર ન જાય‘  ‘આવી વાત કોઈને કહેવાની હોય ?’ એક બહેનપણી કહે છે તો અનંગા  ‘ચુટકીને એવી વાતો ફેલાવવાની ટેવ છે.ચુટકીને લાગી આવે છે. ‘હું તમારી આવી વાત ફેલાવું ? ‘ એણે જ તો પેલા હુમલાખોરને લાકડીઓ ફટકારી હતી ! 

અનંગા દિગ્મૂઢ છે. બધી સ્ત્રીઓ જતાં એ તુરંત ગામના તળાવે જાય છે, ચોક્ખી થવા ! ગંગાચરણ પાછો ફરતાં એ એની છાતીએ વળગી ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડે છે. ગંગાચરણ સધિયારો આપે છે  ‘તું રડ નહીં. હું ચોખા લાવ્યો છું.’

એક બાજુ ચોખા અલભ્ય જણસ બની રહ્યા છે તો બીજી બાજુ કુદરત પુરબહારમાં છે. ચુટકીના ખોરડામાં શીકે પૂરાયેલી એક ખિસકોલી બહાર નીકળવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહી છે. ભૂખના કારણે ચુટકીની હાલત પણ એવી જ છે. એ કશોક નિર્ણય લઈ ઘરની બહાર નીકળે છે. કદરૂપો જદૂ એને ભઠ્ઠા તરફ આવતી જૂએ છે. એની સન્મુખ આવી ચુટકી પૂછે છે  ‘ચોખા ક્યાં છે ?’ જદૂ દોડતો ભઠ્ઠેથી ચોખાની થેલી લઈ આવે છે. મુઠ્ઠી ભરી એને દેખાડે છે. ચુટકી એનો હાથ ઝાટકી નાંખે છે. ‘ તારા માટે કેટલી બધી મહેનત કરીને ચોખા લાવ્યો અને તું !’ ચુટકી એને પૂછે છે  ‘તું મોઢે દાઝ્યો કેમ કરીને ?’ એ અકસ્માતે ફૂટેલા દારૂખાનાની વાત કહે છે. ‘તારી જિંદગી લાંબી લાગે છે.સર્જક રાય કુનેહપૂર્વક બાકીના ઘટનાક્રમની કલ્પના દર્શકો ઉપર છોડે છે. 

ચુટકી ભઠ્ઠામાંથી બહાર નીકળી અનંગાના ઘરે આવે છે. અનંગા ફાનસ પેટાવે છે. ‘ તેલ હશે ત્યાં સુધી ચાલશે. પછી અંધારું. ‘ ચુટકી પૂછે છે ‘ તમારે ચોખા જોઈએ ?’  ‘ક્યાં ગઈ હતી તું ?’  ‘ઈંટના ભઠ્ઠેઅનંગા બધું પામી જાય છે. ‘પતિ હોવા છતાં તું…’  ‘ભૂખ આગળ બધું ગૌણ બની જાય છે. અને એ મૂઓ આવ્યો ત્યારથી મારી પાછળ હતો.‘ (સર્જક રાય એ કદરૂપા વિલન-નુમા શખ્સની પણ ઉજળી બાજુ દેખાડે છે. એ ચુટકીને છેતરતો નથી. કદાચ એને ચાહે છે !)   તારે આ ગુનાની કીમત ચૂકવવી પડશે.’ કહી અનંગા ચોખા લેવાનો ઈનકાર કરે છે.  તો મરજો ભૂખે કહી ચુટકી જાય છે.

બિશ્વાસની દુકાન આગળ ભભૂકતો જઠરાગ્નિ લઈ લોકો ટોળે વળ્યા છે. ‘ તમે અનાજ સંતાડ્યું છે. ‘ ગ્રામજનોને ભરોસો અપાવવા બિશ્વાસ ગંગાચરણને ગોદામની ચાવી આપે છે કે ખોલીને દેખાડો આ લોકોને જેથી મારી વાત પર વિશ્વાસ આવે ! પણે શંકરપૂરમાં લૂંટફાટ પર ઊતરી આવેલા લોકો નિવારણ બાબૂને ઘાયલ કરી એમણે સંતાડેલું ધાન લૂંટી લે છે. ગંગાચરણ ત્યાં પહોંચી પથારીવશ નિવારણની તબિયત જૂએ છે. નિવારણ કરગરે છે ‘ મને જલદી સાજો કરો. હું તમને ભરી-ભરીને ચોખા આપીશ.

કોઈક સ્ત્રી આવીને અનંગાને જાણ કરે છે કે એના ઘરની સામેના ઝાડ નીચે કોઈક સ્ત્રી બેહોશ પડી છે. અનંગા દોડતી જાય છે. એ એના જૂના ગામની બહેનપણી મોતી છે. એના ઘરના બધા ભૂખમરાથી મરી ચૂક્યા છે. એ એના ગામેથી અહીં માંડ ચાલતી આવી છે. અર્ધભાનમાં છે. ‘ મને અડશો નહીં. તમારે નાહવું પડશે. મને માછ-ભાત આપો. ‘ અનંગા એના માટે કંઈક લેવા જાય છે. કોઈક કંદમૂળ લઈ આવે છે. ‘ માછલી તો અમે મહિનાઓથી જોઈ પણ નથી, બહેન. ‘ સામે મૂકેલા કંદ સામે જોતાં-જોતાં મોતીની આંખો સ્થિર થઈ જાય છે. ગંગાચરણ ગામમાંથી આવે છે અને મોતીની નાડી જુએ છે. એ મરણ પામી છે. દૂર ઊભેલો એક અજાણ્યો ગરીબ બાળક દોડતો આવીને પેલું કંદ ઉપાડીને દોટ મેલે છે !

ગંગાચરણ કહે છે, ‘ મૃત્યુ વેળાએ પણ બિચારી અસ્પૃશ્ય ! અનંગા કહે છે કે જો મૃતદેહ અહીં પડ્યો રહેશે તો રાતે શિયાળોનો કોળિયો બની જશે. ગંગાચરણ  ‘ હું એની અંતિમવિધિની વ્યવસ્થા કરું તો તને કોઈ વાંધો નથી ને ? ‘

ચુટકી જદૂ સાથે શહેર ચાલ્યા જવાનું નક્કી કરે છે. ભૂખથી બચવાનો એની પાસે હવે આ એક જ રસ્તો બચ્યો છે ! જતાં પહેલાં એ અનંગાને પગે લાગવા આવે છે. ‘ હું નરકમાં પણ ભૂખે ન મરું એવા આશીર્વાદ આપો.

ગંગાચરણ-અનંગાના ઘર સામેથી થોડાક લોકો એમના ઘર તરફ આવી રહ્યા છે. બુઢ્ઢો ભટ્ટાચાર્ય અને એનો બહોળો પરિવાર. ‘ હવે ? ‘ અનંગા ચિંતાતુર છે. ‘ એમાં શું ? બેને બદલે હવે દસ થઈશું. ‘  ‘ ના. દસ નહીં, અગિયાર. ‘ અનંગા પતિ સામે જોઈ સસ્મિત કહે છે. 

ધીમે-ધીમે દૂરથી આવતું દીનુ ભટ્ટાચાર્યનુ કુટુંબ સેંકડો ભૂખ્યા લોકોના ટોળાંમાં પરિવર્તિત થઈ જાય છે જે બધા ભૂખ્યા બ્રાહ્મણ પરિવાર સાથે જોડાવા ( અને સાથે ભૂખનો મુકાબલો કરવા ! ) આવી રહ્યા છે !  પરદા ઉપરનું લખાણ  ‘ પચાસ લાખથી વધુ લોકો માર્યા ગયા હતા એ ભૂખમરા અને મહામારીમાં, જેને હવે ૧૯૪૩ના માનવસર્જિત દુષ્કાળ તરીકે ઓળખવામાં આવે છે ‘ …

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~* ~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~* ~*~*~

અશાનિ સંકેત એક એવા સર્જકની કૃતિ છે જેમણે વર્ણનાત્મક કરકસરનું મૂલ્ય એ હદે જાળવી જાણ્યું છે કે સમગ્ર ફિલ્મ દર્શકને કોઈ નીતિકથા – FABLE સમી ભાસે. વાસ્તવમાં દુષ્કાળના કારણે મૃત્યુ પામેલા પચાસ લાખ કમનસીબોની સામે ફિલ્મમાં ભૂખમરાથી કેવળ એક જ મૃત્યુ પ્રત્યક્ષ રીતે દેખાડાયું છે. ગામના ગણ્યા-ગાંઠ્યા લોકોના પ્રતીક દ્વારા સમગ્ર વિભીષિકાને રેખાંકિત કરાઈ છે. 

ફિલ્મમાં ડગલે ને પગલે ચોતરફ ફેલાયેલ હરિયાળી અને કુદરતનો વૈભવ દેખાડાયો છે, ભારપૂર્વક એ દર્શાવવા કે પ્રકૃતિ નહીં, ગુનેગાર કોઈક અન્ય છે. આપણે આ પહેલાં ચર્ચી ગયા એ ફિલ્મ કાંચનજંઘા સાથે આ ફિલ્મની સરખામણી એટલા પૂરતી રસપ્રદ છે કે એ ફિલ્મમાં પ્રકૃતિના રંગો અનુસાર પાત્રોના મનોવ્યાપાર બદલે છે. તડકો હોય ત્યારે બધા ખુશનુમા હોય, વાદળો ઘેરાય તો ચિંતિત, વરસાદ પડે તો ઉચાટભર્યા અને ધુમ્મસ-અંધકારમાં મૂંઝાયેલા અને અનિશ્ચિત. અશાનિ સંકેતમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી છે પણ માણસો ઘેરાયેલા, સ્વાર્થી, ગણતરીબાજ અને વિક્ષિપ્ત છે અને કાળેક્રમે એમાના ઘણા બધા ભીખ અથવા લૂંટફાટ કરવા બાધ્ય બને છે !

ફિલ્મમાં શરુઆતમાં બધું રાબેતા મૂજબ છે. બધા સુખી છે અને એ સુખ પાછળનું મુખ્ય કારણ એ કે દરેકને બીજા દિવસના રોટલાના પ્રબંધથી વિશેષ કંઈ ખપતું નથી ! (આ નાચીઝના મતે સુખનું પરમ રહસ્ય આજે પણ આ જ છે !) ગામમાં વર્ણભેદ છે પરંતુ એ માનવતાના ભોગે નહીં. આપણે દર્શકો જાણે આખો ઘટનાક્રમ દૂરના અવકાશમાંથી મુગ્ધ રીતે નીરખતા હોઈએ એવું લાગે ! વાત માનવ-સર્જિત દુષ્કાળની અને એ નિમિત્તે બદલાતા માનવીય વલણોની તો છે જ પણ સાથોસાથ એ બ્રાહ્મણ ગંગાચરણની જાગૃતિની પણ છે. એ ગણતરીબાજ છે, સ્વાર્થી છે, ભોળા ગ્રામજનોને થોડા-ઘણા છેતરે છે ય ખરો, જૂઠ પણ બોલે છે. લોકોની એનામાં શ્રદ્ધાનો લાભ પણ ઉઠાવે છે પણ એ ક્રૂર કે અમાનવીય હરગીઝ નથી. ફિલ્મનો અંત આવતાં-આવતાં એ પોતે એની વર્ણ-વ્યવસ્થાની રૂઢ માન્યતાઓ ઉપર જાણે પુનર્વિચાર કરતો હોય કરતો હોય એવું લાગે ! આ માનસ-પરિવર્તન ફિલ્મની ઉપલબ્ધિ છે . એ જ્યારે કર્મકાંડથી કોલેરાને ભગાડવાનું નાટક કરે ત્યારે અંદરખાને તો જાણતો હોય કે એનાથી કંઈ વળશે નહીં એટલે ગામલોકોને છેલ્લે ભારપૂર્વક કોલેરાથી બચવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓનો અમલ કરવાનું કહેવાનું ચૂકતો નથી ! રાયના માનીતા સૌમિત્ર ચેટર્જીએ આ સરેરાશ મનુષ્યને અદ્ભૂત રીતે ઊભાર્યો છે. પણ ફિલ્મનું સૌથી સબળ ચરિત્ર તો છે અનંગા ! એ ભોળી છે, અભણ છે, જન્મજાત સંસ્કારના કારણે આભડછેટ રાખે છે પણ એ માનવતા અને કરુણાની સાક્ષાત્ પ્રતિકૃતિ છે. ફિલ્મમાં ડગલે નેપગલે એની આ વૃત્તિ ઉજાગર થાય છે. પોતે ઘસાઈને એ અન્ય માટે કશુંક કરી છૂટવા સદાય તત્પર છે, પોતે ભૂખી રહીને અન્યનું પેટ ભરવા એ આતુર છે અને આ બધું ઓઢેલું નહીં, પ્રાકૃતિક છે એના માટે ! બાંગલાદેશી અભિનેત્રી બબીતાએ એ ભૂમિકાને અદ્ભૂત કૌશલ્ય અને સાહજિકતાથી ભજવી છે ! ફિલ્મમાં આવતા અન્ય સ્ત્રી પાત્રો ( ચુટકી સહિત ! ) ખૂબસૂરત છે અને માનવીય ગુણોથી છલોછલ ! ફિલ્મના પુરુષ પાત્રો પણ એ હદે સાહજિક લાગે છે કે આપણને એમ જ લાગ્યા કરે કે એ બધા ખરેખર નૂતનગાંવ, કામદેવપૂર કે શંકરપૂરના નિવાસીઓ છે ! 

ફિલ્મમાં સંગીત સ્વયં રાયનું છે તો સિનેમાટોગ્રાફી સૌમેન્દુ રોયની. બન્ને ફિલ્મ માટે ઉપકારક. 

ફિલ્મમાં, વિકટ સમયે માનવતાનો કઈ હદે હ્રાસ થાય છે એની વાત છે તો સાથોસાથ એ જ કટોકટીની ક્ષણોમાં માનવતા કઈ રીતે મ્હોરી ઊઠે એના પણ અનેક ઉદાહરણો છે. વળી એ કેવી વિડંબના કે ગામની ઉપરથી પસાર થતા જે હવાઈ જહાજોને ગામલોકો આનંદ અને અચરજથી જૂએ છે એ જ ખરેખર એમને ભરખી જવાના નિમિત છે ! 

રાયની અન્ય ફિલ્મોની જેમ અહીં પણ અંત અદ્ભૂત છે. નાયક-નાયિકા પહેલાં એક ગરીબ પરિવારને પોતાના ઘર ભણી આશ્રય માટે આવતા ભાળે છે. પહેલાં એક પડછાયો, એક સ્ત્રી, બે છોકરા, ત્રણ છોકરી, પછી ડઝનો, સેંકડો, અગણિત લોકો ક્ષિતિજેથી કેમેરા તરફ ધસી આવતા દેખાય છે. એ હિજરત જીવન માટેના અવિરત સંઘર્ષનું પ્રતીક છે અને ભૂખે મરી રહેલા જગતની આશાનું પણ ! 

ફિલ્મ નીરખતાં-નીરખતાં, એ જ વર્ષે સર્જાયેલી શ્યામ બેનેગાલની ‘અંકુર પણ યાદ આવ્યા કરે, જોકે બન્ને ફિલ્મોના કથાવસ્તુ અને સંદેશ અલગ છે. મૃણાલ સેનની ૧૯૮૨ માં આવેલી અકાલેર સંધાને (દુષ્કાળની શોધમાં) પણ જરા જૂદી રીતે આ જ વિષય સાથે સંબંધિત છે. એમાં ૧૯૪૩ અને ૧૯૮૦નું સંધાન નિરૂપાયું છે. 

રાય મહદંશે બિભૂતિભૂષણ બંધોપાધ્યાયની લઘુ-નવલને વફાદાર રહ્યા છે. હા, મૂળ કથામાં નાયક-નાયિકાને કિશોર વયના બે બાળકો પહેલેથી છે એ બાબતને બાદ કરતાં. આ જ લેખકની મહાકૃતિ  પથેર પાંચાલી ઉપરથી રાયે બનાવેલી એ જ નામની મહાન ફિલ્મની વાત આવતા હપ્તે કરી આ શ્રુંખલાનું સમાપન કરીશું. 


(નોંધઃ આ ફિલ્મ યુ ટ્યુબ પર એક સળંગ ક્લિપમાં ઉપલબ્ધ નથી જણાતી. અહીં આપેલ લિંક પહેલી કડી છે. તે શરૂ કરતાં આગળની કડીઓ યુ ટ્યુબ પર જોવા મળે છે.)


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

8 thoughts on “સત્યજિત રાયની સૃષ્ટિ – ૧૪ – અશાનિ સંકેત

 1. આ ફિલ્મ વિશે શ્રી થાવરાણી જી એ લખેલ વાતો વાંચી ને જ હૃદય સોસરવું એક તીર ભોંકાયું હોય તેવી અનુભૂતિ થઇ, કલ્પના કરી ને કે આ ઘટનાઓ ની વાસ્તવિકતા ઓ કેવી દારુણ હશે !!!! આપની જેવા સંવેદનશીલ વ્યક્તિ આટલું સચોટ શ્રી રે જેવા મહાન સર્જક ની કૃતિ વિશે લખી શકે.. ખૂબ અભિનંદન સહ આભાર ….

 2. I learned heartbreaking facts of 2nd world war and British Raj from your writing. This will be a very difficult movie to watch. Thank you for writing a wonderful series.👍

  1. Thanks !
   Just one more remains and that tops them all. Rather Panchali. And curtains !
   It was great to get your comments on every episode !

  1. Thanks Captain Sahib for your kind words !
   The series concludes tomorrow with Ray’s Magnum Opus PATHER PANCHALI.

Leave a Reply

Your email address will not be published.