શ્વાસમાં વાગે શંખ : પ્રમાદની વેદના ને અપ્રમાદની અભીપ્સા

દર્શના ધોળકિયા

મારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી;
એક મટકું ન માંડ્યું રે, ન ઠરિયાં ઝાંખી કરી
… ૧

શોક મોહના અગ્નિ રે, તમે તેમાં તપ્ત થયા,
નથી દેવન દર્શન કીધાં, તેમાં રમી રહ્યાં
…૨

પ્રભુ સઘળે બિરાજે રે, સૃજનમાં સભર ભર્યાં,
નથી અણુ પણ ખાલી રે, ચરાચર માહીં ભળ્યા
….૩

નાથ ગગનના જેવા રે, સદા મને છાઈ રહે,
નાથ વાયુની પેઠે રે, સદા મુજ ઉરમાં વહે
….૪

જરા ઊઘડે આંખલડી રે, તો સન્મુખ તેહ સદા,
બ્રહ્મ, બ્રહ્માંડ અળગાં રે, ઘડીયે ન થાય જુદાં
…. ૫

પણ પૃથ્વીના પડળો રે, શી ગમ તેને ચેતનની ?
જીવે સો વર્ષ ઘુવડ રે, ન ગમ તોયે કંઈ દિનની
….૬

સ્વામી સાગર સરીખા રે, નજરમાં ન માય કદી,
જીભ થાકીને વિરમે રે, વિરાટ વિરાટ વદી
. …૭

પેલાં દિવ્ય લોચનિયાં રે, પ્રભુ ક્યારે ઊઘડશે ?
આવાં ઘોર અંધારા રે, પ્રભુ ક્યારે ઊતરશે ?
…૮

નાથ, એટલી અરજી રે, ઉપાડો જડ પડદા,
નેન નીરખો ઊંડેરું રે, હરિવર દરસે સદા.
…૯

આંખ આળસ છાંદો રે, કરો એક ઝાંખી કરી,
એક મટકું તો માંડો રે, હૃદય ભરે નીરખે હરિ
….૧૦

ન્હાનાલાલ દલપતરામ કવિ  

એક જ પરિવારમાં પિતા ને પુત્ર મળીને, ગુજરાતી ભાષાની સૌથી વધુ વર્ષ સુધી સેવા કરે એવી વિરલ ઘટના આપણને સાંપડે છે, કવીશ્વર દલપતરામ ને ન્હાનાલાલની પિતા-પુત્રની જોડીમાં.શ્રીમાળી બ્રાહ્મણ કુટુંબમાં કવિ-પિતા દલપતરામને ત્યાં  ૧૮૭૭માં ન્હાનાલાલનો ચોથા પુત્ર તરીકે જન્મ. વીસમી સદીના પ્રથમ દસકામાં કલાપી ને ન્હાનાલાલ બંને કવિરો કાન્ત જેવા મરમી કાવ્યજ્ઞ દ્વારા પોંખાયા. અનંતરાય રાવળે ઉચિત રીતે અવલોક્યું તેમ, “ ગુજરાતના હૃદયને કાવ્યભીનું અને રસભીનું કરવામાં ગદ્યક્ષેત્રે જેમ ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાનો તેમ કવિતાક્ષેત્રે ‘કલાપી’ અને ન્હાનાલાલ્ને કવિતાનો ફાળો અવિસ્મરણીય છે.”

વિદ્યાર્થીકાળમાં, ન્હાનાલાલે  પોતે જ નોંધ્યું છે તેમ, ‘૧૮૯૩ના વસંત સત્રમાં દુકાળિયાને અન્ન મળે ને અકરાંતિયા ભાવે આરોગે એમ ગુર્જર નવસાહિત્ય મ્હેં વાંચ્યું ને વાગોળ્યું.’ એલફિન્સ્ટન અને ડેક્કન કૉલેજના વિદ્યાર્થી ન્હાનાલાલે ઇતિહાસ ને તત્વજ્ઞાન સાથે એમ.એ. કરેલું. તેમના અર્થશાસ્ત્રના અધ્યાપક કાશીરામ દવે, સ્વામિનારાયણ સોપ્રદાયની ધર્મભાવના, પ્રાર્થના ને બ્રહ્મસમાજના સંસ્કારોએ કલ્પનાશીલ પ્રકૃતિના ન્હાનાલાલની ધર્મદ્રષ્ટિનેય સંગીન બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો. ગીતાના અભ્યાસનું સાતત્ય તેમનાં આંતરજગતને સતત પ્રેરતું-પોષતું રહ્યું. પ્રણય ને ભક્તિની સાથેલાગી સાધના કરના આ કવિએ તેમનું ‘પ્રેમભક્તિ’ ઉપનામ સાર્થક કર્યું.

પ્રસ્તુત કાવ્યમાં કવિ એક પ્રકારનું દ્વંદ્વ અનુભવે છે. એક બાજુથી કવિના અંતસ્તલમાં સ્થાયીભાવરૂપે પડેલી અધ્યાત્મરતિએ, પ્રભુપ્રીતિએ તેમને પ્રભુનાં અસ્તિત્વની સમજ અવશ્ય અર્પી છે, પણ બીજી બાજુ એ સમજની આંગળીએ ચાલીને પ્રભુ પ્રત્યે ડગ માંડવાનું કવિથી હજુ બની શક્યું નથી. પણ કવિમાં પડેલી પેલી અધ્યાત્મપ્રીતિ કવિને જાગૃત કરવા મથે છે. આ મથામણ, મંથના પ્રભાવે કરીને કવિ અસ્ફુટ સ્વરોમાં આ કાવ્ય ગણગણી ઊઠ્યા છે.

ન્હાનાલાલનાં નયનો સમક્ષ પ્રભુ હતા તો હાજરાહજૂર પણ કવિના નયનોએ જોઈતો સાથ ન આપ્યો એની મૂંઝવણ, એનો વિષાદ કવિને ઘેરી વળ્યો. કમરે હાથ મૂકીને સાવ મોઢામોઢ ઊભેલા પ્રભુ પ્રત્યે કવિની આંખ મંડાઈ જ નહીં, એ આંખો અટવાઈ ગઈ સંસારના વ્યામોહમાં, શોકમાં. આમ, મનુષ્યનું કાયમ આ જ કમનસીબ રહ્યું. એ જોવું જોઈએ ત્યાં જોઈ ન શક્યો ને ન દેખવાનું દેખવા પાછળ સમય વેડફતો રહ્યો.

આ નયનો પ્રભ તરફ મંડાયાં નહીં એ તો નયનોનું કમભાગ્ય ખરું જ, પણ એનાથીય વધુ કમનસીબની વાત પાછી એ ઘટી કે આ નયનોને પ્રભુની બરાબર પિછાન હતી. પ્રત્યક્ષ થયેલો પ્રભુ કેવો છે ? ઠેર-ઠેર ફેલાયેલો, સચરચરમાં વ્યાપ્ત  આકાશ જેવો સર્વવ્યાપી ને વાયુની જેમ વીંટળાયેલો. કવિને લાગે છે કે એ છે તો ખરો, અહીં જ છે ને છતાંય યોજગો દૂર.

આ કહ્યું ન કરતી આંખ જો જરાક ખૂલે તો બેડો પાર થઈ જાય ! પ્રભુ સમગ્ર બ્રહ્માંડથી એક ક્ષણ પણ વેગળા નથી ને કવિની મુમુક્ષુવૃત્તિ, સહજ જિજ્ઞાસાને વશ થઈને તો તેઓ કવિને આંગણે આવીને ઊભા રહ્યા ! પણ હાય ! પૃથ્વીના આ જીવને કાળાં ડિબાંગ  અંધારાં ઘેરી વળ્યાં છે. આ અપાર ચૈતન્યને એ શેં ઝીલે ? સામે ઊભેલો સ્વામી સાગર શો વિરાટ ! નજરમાં માય નહીં તેવો, જીભથી પ્રશંસા ન કરી શકાય તેવો અપરિમેય.

પ્રભુની આવી સંપૂર્ણ ઓળખ કવિએ મેળવી લીધી. કદાચ શાસ્ત્રોની મદદથી, કદાચ ગુરુમુખે શ્રવણ કરીને, કે કદાચ કલપ્નાચક્ષુ દ્વારા, પણ માત્ર જાણકારીથી શું વળે ?

ને તો ય ન્હાનાલા અજાગૃતિમાંથી ઊગરી ગયા એક કારણે. એ કારણ હતું એમનામાં સળવળેલી સભાનતા. એમને થયેલો ઝબકાર. પ્રભુના વિરાટ રૂપને જોવાની ક્ષમતા પ્રત્યે પોતે સેવેલા પ્રમાદનું ભાન થવું એ જ તો પ્રભુપ્રાપ્તિનાં ભક્ત માટે ખૂલેલાં દ્વારની નિશાની, બંધ આંખના ભારથી ખળભળી ઊઠેલા કવિ માથું હલાવીને પોતાની મૂંઝવણ પ્રભુ પાસે જ તારસ્વરે ખોલતાં પૂછી બેસે છે :

‘પેલાં દિવ્ય લોચનિયાં રે, પ્રભુ ક્યારે ઊઘડશે ?’

નિરાશાની ગર્તામાં આધાર તો પ્રભુનો જ. તંતો-તંત નમ્રતાથી. કહો કે આર્જવથી કવિ આર્તનાદ કરી ઊઠ્યા છે. હે પ્રભુ ! તને ચારેકોર અભુભવું છું, શ્વસું છું, આલિંગું છું, સૂંઘું છું ને છતાંય દર્શનથી દૂર છું ને તેથી અતૃપ્ત છું. ક્યારે ઉલેચાશે આ ઘોર અંધકાર ? ક્યારે ઊતરશે કૃપાનો એ વરસાદ ? કવિ જાણે છે કે પ્રભુનાં દર્શન પણ પ્રભુની કૃપા વિના શક્ય નથી. એમાં બીજા કોઈના આશીર્વાદ કામ ન લાગે. પ્રભુ રીઝે તો જ પ્રત્યાયન સધાય. આ સમજ પણ પ્રભુની જ દીધેલી. ને આ નમ્રતાય પ્રભુપ્રેરિત જ સ્તો !

આથી જ ઊઘડું-ઊઘડું થવા મથતાં બંધ પોપચાંના થરકાટને પ્રત્યક્ષ કરતા કવિ માગે છે જડત્વનો નાશ. જાડ્ય દૂર કરવાની કૃપા. ‘નિઃશેષ જાડ્યાપહ’નું વરદાન. સ્થૂળતાથી મુક્ત થવાની કલા. બસ, એક વાર પ્રભુનો હાથ અડે તો જડ થયેલાં નયન ઝંકૃત થઈને બહાર નહીં, અંદર ભણી ખૂલે, ને માહીં પડેલો, દર્શન દેવા ઉત્સુક હરિવર તત્કાળ હાથવગો, બલકે નજરવગો બની જાય ! કવિયે જાણે નયનોનો પ્રમાદ. આથી કાવ્યની પ્રથમ પંક્તિ હરિને ઉદ્દેશીને થયેલી ક્ષમાપ્રાર્થનાની છે ને અંતે હરિ પ્રત્યેના વિશ્વાસથી નિશ્ચયાત્મક બનીને જાતને ઉદ્દેશીને જાગવા માટે તેને પ્રેરવાની છે.

સમગ્ર કાવ્ય સહૃદયોને અપીલ કરે છે કવિની નમ્રતાને લઈને, પ્રમાદને ત્યાગવાની મથામણની સચ્ચાઈને લઈને. પ્રભુની પ્રત્યક્ષ અનુભૂતિને પહોંચવા માટે પોતાના રથને ઊંચે લઈ જવાનો વ્યાયામ કવિને સાચા અધ્યાત્મયાત્રી ઠેરવે એ પ્રકારનો છે. આવી જ મથામણમાંથી ગુજરતા રવીન્દ્રનાથે પ્રભુ પાસે શું પ્રાર્થ્યું છે ? કવિ કહે છે, ‘ભલે તમારાં દર્શન ન થાય, ભલે આ સંસારની ગુજરીમાંથી ગુજરવું પડે, ભલે મારાં ગાત્રો પૃથ્વી પર પસારીને હું પડી રહું. જે થવું હોય તે છો થાય પણ તમે હજુ મારે ઘેર પધાર્યા નથી એના ભણકારા સતત મને વાગ્યા કરે એટલું વરદાન દેજો.’

દલપતરામ જેવા પિતા, તત્વજ્ઞાન ને સ્વામિનારાયણ પ્રેરિત ઉત્તમ સંસ્કારો, ઝળહળતું કવિત્વ જેવી બાહ્ય પ્રાપ્તિઓથી પ્રભાવિત ન થઈને ન્હાનાલાલ આતમરામ ટાગોર જેવી આધ્યાત્મિક બેચેનીમાં તડફડતો રહીને હાથવગા રહેલા પ્રભુને સ્પર્શવા, સંતાકૂકડીની રમત પૂરી કરવ તલપતો રહ્યો એ જોતાં અનંતરાય રાવળે ન્હાનાલાલની આસ્તિકતાને સમજાવતાં કરેલું વિધાન યથાર્થ જણાય :

ન્હાનાલાલનાં આસ્તિક હૃદયે અને કવિ તથા ભક્તનાં કલ્પનાચક્ષુએ એમને જગતમાં,  બ્રહ્માંડમાં, એનાં શ્રીમંત તથા ઊર્જિત સ્વરોમાં બ્રહ્મનાં, હરિનાં દર્શન કરાવ્યાં છે એને કવિનું કવિદર્શન (એસ્થેટિક વિઝન) જ ગણવું હોય તો તેમ, અને કોઈ ભીતરી આધ્યાત્મિક અનુભૂતિએ ઉઘાડી નાખેલી દ્રષ્ટિ કહેવી હોય તો તેમ પણ એમના અંતરતમને તથા પ્રતિભાનયનને કોઈક રીતે, ક્યારેક બ્રહ્મ સંસ્પર્શ થઈ ગ્યો છે એટલું તો માન્યા વગર એમની ભક્તિકવિતાના અભ્યાસીને છૂટકો જ નથી.’

* * * * *

ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ
• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧
•ઇ-પત્રવ્યવહારનું સરનામું: dr_dholakia@rediffmail.com

Author: Web Gurjari

1 thought on “શ્વાસમાં વાગે શંખ : પ્રમાદની વેદના ને અપ્રમાદની અભીપ્સા

  1. અપ્રતિમ રચના. એક રમુજી વાત. પિતા દલપતરામને ન્હાનાલાલની ‘ડોલનશૈલી’ સામે અકળામણ હતી. દલપતરામે લખ્યું, “ડાહ્યાભાઈનો દીકરો ડાહ્યો દલપતરામ, ડફોળ પાક્યો નાનિયો બોળ્યું બાપનું નામ.”
    મારું એક મુક્તક…”અન્યના બાંધેલા માળખામાં કવિતા પૂરવી ગમતી નથી
    અમે તો ડોલન શૈલીનાં અનુરાગી દલપત છંદબંધી ગમતી નથી” સરયૂ પરીખ

Leave a Reply

Your email address will not be published.