નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ – ૪

હવે એ આઝાદ હતી અને અઢળક સંપત્તિની માલિક પણ….

નલિન શાહ

દીકરો અવતર્યાના સમાચારે ભંવરલાલને ગાંડા જેવા કરી દીધા. રેવતીએ ગોળધાણા વહેંચ્યા અને ભગવાનની સામે મોંઘીદાટ મીઠાઈનો થાળ ધર્યો. જ્યારે પડોશના લોકોએ કહ્યું કે, ‘ત્રીજી વહુએ કુળદીપક આપી કુંટુંબને ઉગાર્યું’ ત્યારે રેવતી લોકોનું મંતવ્ય જીરવી ના શકી.

‘એમાં વહુએ શી ધાડ મારી? આ તો મારી સેવાઓનું ફળ છે. મારા ભગવાન રીઝ્યા.’

જ્યારે નામકરણની વિધિ થવાની હતી ત્યારે રેવતીએ સાસરેથી આવેલી એની દીકરીને ચેતવી, ‘ફોઈ તરીકે તારે મારા ભગવાનના નામોમાંથી જ એક પસંદ કરવાનું છે. દા.ત. મોહન, મુરલીધર, બંસીધર, મધૂસુદન, શ્રીનાથ, શંકર વગેરે.’ પત્નીનાં સૂચનથી ભંવરલાલે નામની બાબતમાં માની સામે મક્કમતા દર્શાવી. ‘આઝાદી પછી દેશમાં ક્રાંતીનું વાતાવરણ સર્જાયું છે. હવે ગામડામાં એ વડોદરા અને અમદાવાદ જેવા શહેરોની અસર વર્તાવા માંડી છે. એટલે નામ તો નવા જમાનાને અનુરૂપ જ હોવું જોઈએ.’

એણે ગામમાં રહેતા મુંબઈ શિક્ષણ પામેલા એક શિક્ષકને પૂછ્યું અને એની સલાહથી સૂચવેલા નામોમાંથી ધનલક્ષ્મીની પસંદગીનું નામ ‘પરાગ’’ સૂચવ્યું. રેવતીએ ના છૂટકે નમતું જોખવું પડ્યું. પણ વહુનો વધેલો મોભો એનાથી ના જીરવાયો. વહુ સામે મોરચો માંડવા એ મોકાની પ્રતીક્ષા કરતી રહી, પણ નસીબે યારી ના આપી. સંપત્તિના વારસને ઉછેરતો જોવાની તક પણ ના સાંપડી. પંચોતેર વટાવી ચૂકેલી રેવતી પથારીવશ થઈ. વહુની અવગણના અને મહેણાંની પ્રતિક્રિયા કરવાનું સામર્થ પણ ના રહ્યું. જ્યારે ધનલક્ષ્મીએ એની સામે ભંવરલાલને બેધડક કહ્યું કે, ‘‘ઓ ભાભી તમે થોડાં થોડાં થાવ વરણાગી’ ની એક નવી રેકોર્ડ મંગાવી આપો.’ ત્યારે રેવતી સમસમી ગઈ. હવે તો વાચા પણ ગુમાવી બેઠી હતી. છેવટે યાતનામાંથી છૂટકારો થયો, રેવતીએ આંખ મીંચી દીધી. જ્યારે વાજતેગાજતે એની પાલખી નીકળી ત્યારે ધનલક્ષ્મીએ લૂગડાનો છેડો એના મોં પર ઢાંકી પોકે પોકે રડવાનો ડોળ કર્યો.

ધનલક્ષ્મીએ વહેલી સવારે ભગવાનની મૂર્તિની સામે ખોળો પાથરી માથું નમાવ્યું. ‘મોડું મોડું પણ છેવટે તેં મારી સામે જોયું ખરું.’

સમય બદલાઈ ગયો હતો. દેશની આઝાદીને પગલે જમીનદારોનું વર્ચસ્વ પણ નષ્ટ થયું હતું. નવા જાહેર થયેલા ‘ખેડે એની જમીન’ કાયદા હેઠળ ભંવરલાલની મોટા ભાગની જમીન મામૂલી વળતરમાં એના ખેડૂતોને નામે થઈ ગઈ. ભંવરલાલ સાઠ વટાવી ચુક્યા હતા. ઉંમરના પ્રમાણમાં તબિયત કથળી ગઈ હતી. ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને નાની-મોટી બીમારીઓથી ભંવરલાલ ઘેરાઈ ગયા હતા. મુંબઈની હરકિશનદાસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા. એ સમય દરમિયાન ધનલક્ષ્મીની હાજરી જરૂરી હોવાથી એણે એટલા દિવસ પાંચ વર્ષના પરાગ સાથે રાખી સગાને ત્યાં નિવાસ કર્યો.

સાસુનું મૃત્યુ અને પતિની કથળેલી હાલતના કારણે એનું સામ્રાજ્ય હવે સંપૂર્ણ રીતે સ્થાપિત થઈ ગયું હતું. મુંબઈની જાહોજહાલી, ઊંચા મકાનો, વીજળીના દીવા. મોટરોની હારમાળ, ઘોડાવાળી વિકટોરિયા, મરીન ડ્રાઇવની રોનક, સિનેમા-હોટલો-ચોપાટીનો મેળો અને ભુલેશ્વરની દુકાનોએ ધનલક્ષ્મીના મન પર ઊંડી અસર કરી. ‘ક્યાં ખાબોચિયા જેવા એના ગામની નિર્જનતા અને ક્યાં મુંબઈની સદા સક્રિય માનવમેદની?’

ધનલક્ષ્મીએ મનોમન નિશ્ચય કરી લીધો ‘મારા દીકરાનું ભવિષ્ય આ શહેરમાં જ ઘડાઈ શકે તેમ છે, એ પછાત ગામમાં નહીં’.

એણે મુંબઈમાં સ્થાયી થયેલા ભંવરલાલના પિતરાઈ ભાઈના કુટુંબ મારફત એના પર દબાણ લાવવાનું શરૂ કરી દીધું. એ લોકોએ ભંવરલાલ પર માનસિક દબાણ લાવવામાં કોઈ કમી ન રાખી. ‘ગામમાં હવે કોઈ ખાસ કામકાજ નહોતું રહ્યું’, ‘સંપત્તિની કોઈ ખોટ નહોતી’, ‘દીકરાના ભવિષ્યનો વિચાર જરૂરી હતો, ‘બીમારીઓથી પીડાતા ભંવરલાલને તબીબી સારવાર આ શહેરમાં જ સાંપડી શકે તેમ હતી.’ ધનલક્ષ્મીએ પણ ગામમાં રહેવાની ઘસીને ના પાડી દીધી. ભંવરલાલે નમતું જોખ્યું અને ધનલક્ષ્મીએ કોઈ પણ વિલંબ કર્યા વિના સાંતાક્રુઝના અદ્યતન વિસ્તારમાં એક બંગલો ખરીદી લીધો, રાચરચીલું વસાવ્યું, મોટર ખરીદી, માણેકજી કુપર જેવી પ્રખ્યાત સ્કૂલમાં પરાગનું એડમિશન કરાવ્યું અને મુંબઈમાં વસવાટ શરૂ કર્યો.

પહેલી વાર ગામમાં હવેલીને તાળું લાગતાં ભંવરલાલનું હૃદય રડી પડ્યું. ગામ સાથે સંબંધ વિચ્છેદ થવાને કારણે કેટલીક સ્થાવર મિલકત યથાવત્ રહી, જેની કિંમત ભવિષ્યમાં અનેક ગણી થવાનો સંભવ પણ હતો. ગરીબ ખેડૂતો અને દેણદારો દ્વારા પ્રાપ્ત થયેલી અઢળક સંપત્તિમાંથી પરાગના ઉજ્જવળ ભવિષ્ય માટે યોગ્ય જગ્યાએ રોકાણ કરી લીધું, બાકીની કુટુંબના એશોઆરામ માટે ધનલક્ષ્મીને સુપરત કરી દીધી. ભંવરલાલ જાણતા હતા કે હવે એમની જિંદગીનો ભરોસો નથી એટલે પૂરી સંપત્તિનો અધિકાર ધનલક્ષ્મીના હાથમાં સોંપી દીધો હતો.

ધનલક્ષ્મીને સંપૂર્ણ અધિકાર પ્રાપ્ત થતાં જ સાસુના હાથે પડેલી લપડાકો યાદ આવી ગઈ, અને એના ચહેરા પર એક કટાક્ષપૂર્ણ સ્મિત છવાઈ ગયું. હવે એના વરણાગી થવાની આડે કોઈ આવે તેમ નહોતું. વગર બાંયનો બ્લાઉઝ, બંગાળી ઢબની સાડી અને ઊંચી એડીના સેંડલ પહેરતાં કોઈ રોકે તેમ નહોતું. હજી એની ઉંમર પણ શું હતી? માંડ પચ્ચીસ પૂરાં થયાં હતાં. ભંવરલાલની તબિયત દિવસે દિવસે ક્ષીણ થતી જતી હતી. બહુ સમય કાઢે તેમ લાગતું નહોતું, પણ એની એમને બહુ ચિંતા નહોતી. ગરીબીમાં જીવતાં મા-બાપ અને બે નાની બહેનોનો વિચાર સુધ્ધાં કદાપિ આવ્યો નહોતો. ચિંતા હતી તો કેવળ પરાગને ફેશનેબલ ઢબથી ઉછેરવાની, અંગ્રેજી ઢબનું શિક્ષણ આપવાની, ખૂબ કમાતા જોવાની, મોટા કુટુંબમાં પરણાવવાની અને સૌથી વધુ તો સાસુપણાનો સ્વાદ ચાખવાની. આંખ મીંચીને ધનલક્ષ્મી ભવિષ્યનાં રંગીન સપનામાં ખોવાઈ ગઈ.

મુંબઈનો વસવાટ ભંવરલાલ માટે સૌથી વધુ દુઃખદાયક થઈ પડ્યો. છ મહિનાનો પથારીવશ એકાંતવાસ કારાવાસ જેવો હતો. હોસ્પિટલ ગામમાં હોત તો એમની માંદગી એક મહત્ત્વની ઘટના ગણાઈ હોત, સવાર-સાંજ લોકો એની પૂછપરછ કરવા આવતાં રહ્યાં હોત. ધનલક્ષ્મીએ તો લાંચ આપી મહામહેનતે એક ટેલિફોન કનેક્શન મેળવ્યું હતું, પણ જે ગણ્યા ગાંઠ્યા ન્યાતવાળા ગીરગામ, બોરિવલી અને સાયન જેવા દૂરના વિસ્તારમાં રહેતા હતા, એમાંના ઘણાં ખરાં પાસે ટેલિફોનની સગવડ નહોતી. જે લોકોને ક્યાંકથી ભાળ મળતી તો ક્યારેક મુલાકાતે આવતું. બાકીનો સમય ગાળવો ભંવરલાલ માટે વસમો થઈ પડ્યો હતો. પણ હવે પશ્ચાત્તાપનો કોઈ અર્થ સરે તેમ નહોતો. તે જવાન અને મહત્ત્વાકાંક્ષી પત્નીના હાથની એક કઠપૂતળી બની ગયા હતા. આખરે મોત એમની વ્હારે ધાયું અને તેમને યાતનામાંથી છૂટકારો મળ્યો.   

‘ગામમાં રહેતા હતા ત્યારે ભંવરલાલનું મૃત્યુ થયું હોત તો?’ ધનલક્ષ્મીને વિચાર આવ્યો અને વર્ષો પહેલાં રૂઢિચુસ્ત પછાત ગામમાં નજરે જોયેલાં દૃશ્યો મગજમાં તાજા થતાં એને કંપારી છૂટી. ઘરમાંથી નનામી કાઢતી વખતે મરનારની વિધવાએ ઘરના ઊંચા ઓટલા પરથી રસ્તામાં પછડાટ ખાવી પડતી હતી. કોઈ માનસિક આઘાતના કારણે નહીં, પણ દુઃખનું પ્રદર્શન કરવાનો રિવાજ નિભાવવા. માથું કૂટવું તો એ પ્રશંસાપાત્ર ગણાતું. કદાચ વાળ ઊતરાવી ખૂણો પણ પાળવો પડે અને અપશુકનિયાળ લેખાય એ વધારાનું.

પણ હવે એ આઝાદ હતી અને અઢળક સંપત્તિની માલિક પણ. પિયર સાથે સંબંધ ક્યારનો વિચ્છેદ કર્યો હોવા છતાં એને ખાતરી હતી કે બા-બાપુ શોક પ્રગટ કરવા આવ્યા વગર રહેશે નહીં. એટલે તાત્કાલિક એમને ખબર મોકલાવી હતી કે બીમાર રહેતા ઉંમરલાયક પતિનો યાતનામાંથી છૂટકારો થયો હતો એનો શોક અસ્થાને હોઈ શિષ્ટાચાર ખાતર પણ ટ્રેનમાં અથડાતાં આવવાના ત્રાસ ભોગવવાની જરૂર નથી. બંગલામાં જ્ઞાતિજનોથી દૂર રહેતી ધનલક્ષ્મીને કોઈ સામાજિક બંધન નડતાં નહોતાં. વૈધવ્યનો વેશ તો એણે નિયમોનું પાલન કરવા થોડા દિવસ ધારણ કર્યો. ‘હું તો પુનર્લગ્ન કરવા ધારું તોયે મને કોઈ રોકે તેમ નથી’ એણે કહ્યું, ‘પણ શું કરું? ગામમાં પરણવા જેવી થયેલી બે બહેનો શશી અને નાની રાજુલ છે. એટલે એમને ખાતર હું ચૂપ છું.’

હકીકતમાં નાની રાજુલ એનાં લગ્ન પછી જન્મી’તી અને જેને જોવા જવાની પણ એણે કદી પરવા નહોતી કરી. એટલે બહેનો માટે આપેલો ભોગ તો દંભ હતો અને થોડેઘણે અંશે સામાજિક નિયમોનું પાલન એક ચેષ્ટા હતી. એ બેધડક કહેતી કે ‘અત્યારે જ હું મારી મોટી મોટર લઈને ગામમાં પ્રવેશું તો સમાજના એ ઠેકેદારો ભૂખ્યા કુતરાની જેમ પૂંછડી પટપટાવતા મારી પાછળ દોડતા આવશે. મારે કશું કહેવાની જરૂર નથી, મારો પૈસો બોલશે, મારા દીકરાનો ઉછેર પણ હું એવી રીતે કરીશ કે પૈસાનું મહત્ત્વ એ અત્યારથી સમજે અને પૈસાના ઢગલા પર બેસી દુનિયાને ઝુકાવે.’

ધનલક્ષ્મીનો પુર્નલગ્ન કરવાનો મોહ જતો કરવાનું કારણ કેવળ એટલું જ હતું કે સંપત્તિ પર એના સર્વોપરી વર્ચસ્વમાં કોઈ ભાગીદાર ના બને. સાસુ થકી અનુભવેલી યાતનાઓની યાદો એના મગજ પર બોઝાની જેમ યથાવત્ હતી. સાસુપણાનું મહત્ત્વ એણે જાણ્યું હતું અને એ સાસુપણું જ ભવિષ્યમાં એનું વર્ચસ્વ જાળવી રાખવામાં મદદરૂપ થવાનું હતું. પણ એ ત્યારની વાત હતી જ્યારે દીકરો પરણવા જેટલો થાય.

સંજોગોએ પ્રદાન કરેલી મુક્તિનો આનંદ લૂંટવા ધનલક્ષ્મીએ એને અનુરૂપ સ્ત્રીઓનો એક નવો જ સમાજ રચ્યો હતો. બધાં સાધનસંપન્ન હતાં અને એકસરખી વિચારધારા ધરાવતાં હતાં. સેવાપૂજામાં સમયનો વ્યય કોઈને પાલવે તેમ નહોતો. ભગવાન ક્યાં નાસી જવાના છે? સમય પાકશે ત્યારે એ પણ થશે, ત્યાં લગી તો નાટક-સિનેમા, ઉજાણી અને સામાજિક પ્રસંગે મોટાઈનું પ્રદર્શન એ જ જીવનની સાર્થકતા માટે પૂરતું હતું.

જીવનની સાર્થકતા સાધવામાં ધનલક્ષ્મીનો સારો એવો સમય જતો હતો. રાજસ્થાની રસોઈયો અને નોકરો ઘર સંભાળતા હતા. શિક્ષણના અભાવે સાહિત્યમાં તો રસ લેવાની એની ક્ષમતા નહોતી, પણ એનું અજ્ઞાન જાહેર ન થાય તે માટે  બેચાર જાણીતાં ગુજરાતી મેગેઝિન, છાપાં અને એનો મોભો વધારવા માટે એક-બે અંગ્રેજી મેગેઝિનો પ્રદર્શનમાં મૂક્યાં હોય એમ રખાતાં.

વરણાગી થવાની કળા તો ધનલક્ષ્મીએ એની પતંગિયાં જેવી શહેરી સહેલીઓની સોબતમાં સિદ્ધ કરી હતી. એનું મિત્રવર્તુળ સીમિત હતું અને એ મિત્રવર્તુળની બહાર પગ મૂકવાની એની હિંમત નહોતી. એને ખબર નહોતી ને ખબર પડે તો પરવા નહોતી કે શહેરમાં એવો પણ એક સમાજ હતો જ્યાં જે ઉપલબ્ધિઓની સરાહના થતી હતી, એમાં પૈસાની ગણના નહોતી થતી. છતાં પણ ત્રીસની ઉંમર વટાવી ચૂકેલી ધનલક્ષ્મી પૈસા ખર્ચીને પ્રાપ્ત કરેલી મહત્તાથી સંતુષ્ટ હતી.

આજે મહિનામાં એક દિવસ ધનલક્ષ્મીને ત્યાં યોજાતા એની મહિલા મિત્રોના સમારંભની તૈયારીમાં નોકરો ગૂંથાયેલા હતા. રસોડામાં નાસ્તા પાણીની સામગ્રી તૈયાર થઈ રહી હતી અને બહાર ડાઇનિંગ ટેબલ પર પ્લેટો, ચમચા વગેરે ગોઠવાઈ રહ્યાં હતાં.

ધનલક્ષ્મીનો દીકરો પરાગ શીમલાની પ્રસિદ્ધ સ્કૂલ બિશપ કોટનમાં શિક્ષણ લઈ રહ્યો હતો. વેકેશન નિમિત્તે એ મુંબઈ આવ્યો હતો. તેર વર્ષનો એનો દીકરો અંગ્રેજીમાં સડસડાટ વાતો કરી શકે છે, એ ધનલક્ષ્મી માટે અભિમાન લેવા જેવી વાત હતી અને આજે એની મિત્રોની સામે એનું પ્રદર્શન કરવા આતુર હતી. કોન્વેન્ટમાં ભણતાં એની સહેલીઓનાં બાળકો સામાન્ય રીતે ઘરમાં અંગ્રેજીમાં વાતો કરતાં હોઈ એ લોકો માટે એ મામૂલી બાબત હતી. પણ એ સમજવાની શક્તિ ધનલક્ષ્મીમાં નહોતી. આજના પ્રસંગને અનુરૂપ રાકેશને એને શોભતા કિંમતી પોષાકમાં સજ્જ કરવાની નોકરોને સૂચના આપી એ બેડરૂમમાં જઈ આડી પડી, ત્યાં જ ડોરબેલ વાગી.

નોકરાણી એ આવી સમાચાર આપ્યા, ‘બેન કોઈક આવ્યું છે.’

 ‘કોણ છે?’ ધનલક્ષ્મી વિસ્મય પામી. કારણ એની આવનાર સહેલીઓથી નોકરાણી પરિચિત હતી.

‘છે કોઈ ખાદીધારી બહેન, સાથે એક ભાઈ પણ છે. એ પણ ખાદીધારી છે, ખભે ઝોળી છે. હું નથી ઓળખતી.’

‘કોઈ ફાળો ઊઘરાવા તો નથી આવ્યાં? આવું છું.’

ધનલક્ષ્મી ઊભી થઈ, અરીસામાં જોયું, લૂગડું ઠીક કર્યું અને બહાર આવી.

આગંતુકને જોઈ અચરજમાં પડી ગઈ, બે ઘડી તાકી રહી. ‘કોણ?’ એણે વિસ્મયથી પૂછ્યું.

છેલ્લે જોયેલી નવ વર્ષની એની બહેન શશી આજે એકવીસ વર્ષની સ્ત્રીનાં રૂપમાં સામે ઊભી હતી.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.