
સંપાદકીય નોંધઃ
‘અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર’ના ‘ન્યુ-યોર્ક, એલિસ ટાપુ અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ના મણકાના ૨૮/૦૫/૨૦૧૭ના દિવસનાં વર્ણન પછી હજુ ૨૯/૦૫ અને ૩૦/૦૫ના દિવસે પણ આ સ્થળનો પ્રવાસ ચાલુ રહ્યો હતો.
પરંતુ સરતચૂકથી તે યથાનુક્રમમાં પ્રકાશિત કરવાનું ચુકાઈ ગયું હતું. તે બદલ થએલ રસક્ષતિ માટે ક્ષમાપ્રાર્થના સાથે આજે હવે ૨૮/૦૫/૨૦૧૭ના દિવસનાં વર્ણન પછી હજુ ૨૯/૦૫ અને ૩૦/૦૫ના દિવસોની ગતિવિધિઓ માણીએ
દર્શા કિકાણી
૨૯/૦૫/૨૦૧૭
બીજે દિવસે સવારે પાઉં-ભાજીનો નાસ્તો કરી અમે નીકળી પડ્યાં. કાર એક મિત્રને ત્યાં પાર્ક કરી. ક્વીન્સ ટાવરથી બસ અને પછી મેટ્રો લઈ અમે વર્લ્ડ ટ્રેડ સેન્ટર (World Trade Centre) અને ટવીન ટાવર (Twin Towers) પહોંચ્યાં. ચાલતાં ચાલતાં આખો વિસ્તાર જોયો. વાતાવરણમાં એક દુખદ ભીનાશ અનુભવાઈ. જયેન્દ્રભાઈ પોતે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના હાદશા વખતે ત્યાં નજીકમાં જ હતા અને આખો કિસ્સો તેમણે નજરે જોયેલો અને અનુભવેલો છે. હજી પણ તે વિસ્તાર નજીક જવું તેમને ગમતું નથી અને તે દિવસની વાતો કરવાનું તેઓ ટાળે છે.
સ્ટેચ્યુ ઓફ લિબર્ટી (Statue Of Liberty) જવા માટેની ટિકિટ પહેલેથી લઈ રાખી હતી એટલે બોટમાં સહેલાઈથી ચઢી ગયાં. એકાદ ટિકિટમાં કંઈ તકલીફ લાગી ત્યારે જૂનો ઇમેલ કાઢી સોફ્ટ કોપી બતાવી તો તેને પણ સ્કેનરથી તપાસી માન્ય ગણી ! ટેકનોલોજી કેટલી ઝડપથી આગળ વધી રહી છે તે જાણીને આપણને આનંદ થાય. જો કે સલામતી અને સુરક્ષાની તકેદારી અને તપાસ વિમાન જેવી જ જડબેસલાક હતી.
ઝીણો ઝીણો વરસાદ ચાલુ હતો. આખી બોટ લગભગ ખુલ્લી જ હતી એટલે વરસાદની મઝા પેટ ભરીને માણી! દૂરથી દેખાતી ન્યુ-યોર્ક શહેરની પ્રખ્યાત સ્કાય લાઈન પણ એકેક બિલ્ડીંગ ઓળખી શકાય તેવી રીતે જોઈ. થોડીવારમાં એલિસ ટાપુ (Ellis Island) પર બોટ ઊભી રહી. ઐતિહાસિક મહત્તા ધરાવતો આ ટાપુ રળિયામણો છે. ૧૯૨૦ પહેલાં લાખો લોકો એલિસ ટાપુ થઈ અમેરિકામાં પ્રવેશ્યાં હતાં. ન્યુ-યોર્ક શહેરની, એલિસ ટાપુની અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની ભરપૂર માહિતી ત્યાંના ત્રણ માળના પ્રદર્શન વિભાગમાંથી મળી. થોડી વાર એલિસ ટાપુની મઝા માણીને પાછી બોટ પકડી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પહોંચ્યાં. દૂરથી જ સ્વતંત્રતાની દેવીની લીલા રંગની ભવ્ય અને સુંદર પ્રતિમા દેખાતી હતી. ટાપુ પર તો બહુ ભીડ હતી. જાતજાતનાં અને ભાતભાતનાં લોકો સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના દર્શન કરવા આવ્યાં હતાં. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અમેરિકાનું બહુ જાણીતું અને માનીતું પ્રવાસન સ્થાન છે.
દુનિયાની આઠમી અજાયબી તરીકે જાણીતી સ્વતંત્રતાની દેવીની આ પ્રતિમા એક સ્વતંત્ર દેશની બીજા સ્વતંત્ર દેશને આપેલી ભેટ છે. સિવિલ વોર પછી ૧૮૬૫માં ફ્રાંસના બુદ્ધિજીવીઓને મન થયું કે અમેરિકાના સ્વતંત્રતા અને સ્વાધીનતાના ઉન્નત વિચારોને વધાવવા જોઈએ. ૧૮૬૫માં જ બર્થોલડી નામના ફ્રેંચ કલાકાર આ પ્રતિમાની પરિકલ્પના કરે છે અને તેની ટીમ સાથે કામ આરંભ કરે છે. ૧૮૭૧માં તે અમેરિકા આવી સ્થળ પણ નક્કી કરે છે. ૨૧ વર્ષ બાદ (૧૮૮૬માં) તે જ જગ્યાએ ૧૫૧ ફૂટ ઉંચી પ્રતિમાની લગભગ તેટલા જ ઊંચા સ્થાનક કે બેઠક પર સ્થાપના થાય છે. પ્રતિમા જેટલી ભવ્ય છે તેટલું ભવ્ય તેનું સ્થાનક છે. પ્રતિમાને જોતાં જ દિલમાં સ્વાધીનતાની લહેર ઊભરાઈ આવે છે. સ્વતંત્રતાની દેવી અમર રહો!
સ્વતંત્રતાની દેવીના ટાપુ પર મ્યુઝીયમ અને પ્રદર્શનની સાથે સાથે કાફે, ગીફ્ટ શોપ, ચોપડીઓની દુકાન, રેસ્ટોરાં વગેરે ઘણી સુવિધાઓ છે. પ્રતિમાના સ્થાનક પર સરસ મ્યુઝીયમ અને પ્રદર્શન છે. તે જોઈને અમે દેવીની પ્રતિમા, દેવીના હાથમાંની મશાલ અને પ્રતિમાની અંદરની રચના જોઈ. આંખોને અંજી નાખે તેવી બહુ ભવ્ય પ્રતિમા અને અન્ય રચના છે. તેની સાચવણી સારી એવી જાહેમત માંગી લે. લોકોની ભીડ બહુ હતી (અને કદાચ કાયમ રહેતી હશે) એટલે બધી જગ્યાએ લાઈનમાં ઊભા રહેવું પડતું હતું. વ્યવસ્થા સારી હતી અને મિત્રો સાથે હતાં એટલે આખો અનુભવ બહુ સુખદાઈ રહ્યો અને પાછાં ક્રુઝમાં જ ન્યુ-યોર્ક આવી લાગ્યાં.
જે રીતે આવ્યાં હતાં તે રીતે પાછાં જવાનું હતું, મેટ્રોમાં, બસમાં અને પછી કારમાં. પાછાં વળતાં પહેલાં થોડું ચાલ્યાં. સેન્ટ્રલ પાર્કની મઝા માણી. શહેરની મધ્યમાં આવો મોટો અને સુંદર બગીચો જોઈને ખૂબખૂબ આનદ થયો. બાગની નજીક જ બહાર રસ્તા પર આવેલ ટ્રમ્પ ટાવર પણ જોયું. સેન્ટ્રલ પાર્કની બહાર સુંદર રંગબેરંગી બગીઓ જોઈ. મુંબઈમાં મરીન ડ્રાઈવ પર ફરતી ઘોડાગાડીઓ યાદ આવી ગઈ. પણ આશ્ચર્ય એ વાતનું હતું કે અહીં તો સુંદર રંગબેરંગી બગીઓ ચલાવનાર સુંદર યુવતીઓ હતી !
બે મેટ્રો, એક બસ અને પછી કારની સવારી કરી અમે ઘેર પહોંચ્યાં, ત્યારે માલાની દીકરી નમ્રતાએ સ્વાદિષ્ટ ભોજન તૈયાર રાખ્યું હતું! ગરમાગરમ ભોજન કર્યા બાદ અમે નમ્રતાની મીઠડી દીકરી અનાયા સાથે રમ્યાં. ડાહી અને ગમી જાય, વળી બધાંની સાથે હળીમળી જાય! બે દિવસ સાથે રહી પણ એને રડતી તો જોઈ જ નથી. કદાચ દાદા-દાદી અને નાના-નાની સાથે રહેતી હશે એટલે. જો કે અહીંનાં બાળકો આમ પણ ઓછું રડતાં જોવા મળ્યાં.
+ +
૩૦/૦૫/૨૦૧૭
આજે તો જાણે અમારે ન્યુ-યોર્કમાં ગુજરાત માણવાનું હતું ! સવારે માલાએ નાસ્તાની વ્યવસ્થા ઘર પાછળના બગીચામાં (Back-yard) કરી હતી. ફાફડા-જલેબી, પાપડી, મરચાં, ચટણી…… એકદમ ગુજરાતી નાસ્તો ! ન્યુ-યોર્કમાં પણ આવા ગરમાગરમ નાસ્તા મળી રહે છે! શાહી નાસ્તો કરી અમે તેમના ઘરથી ૩ કી,મિ. દૂર આવેલ શ્રીનાથજીના મંદિરે ગયાં. ભાવ વિભોર ભક્તો સાથે મળી આરતી કરી. સ્થાનિક ભક્તો અને પૂજારીને મળ્યાં. મંદિરમાં ઊભા હોઈએ ત્યારે ખ્યાલ પણ ના આવે કે આપણે અમેરિકામાં છીએ ! સરસ મઝાનો પ્રસાદ લઈ ઇન્ડિયન રેસ્ટોરાં ‘સંતૂર’ માં જમવા ગયાં. સરસ સ્વાદિષ્ટ ભોજન જમ્યાં. પરદેશમાં દેશી ખાવાની મઝા કંઈક અલગ જ હોય!
ઘેર આવીને અડધો કલાક આરામ કર્યો, ત્યાં તો સાંજના પ્રોગ્રામનો સમય થઈ ગયો! અમે એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ જોવા નીકળ્યાં. ધીમો ધીમો વરસાદ હતો અને આખું આકાશ વાદળોથી ઘેરાયેલું હતું. એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ જોવા માટે બહુ સારો દિવસ ન હતો પણ ટિકિટ પહેલેથી જ લઈ રાખી હતી એટલે અમે ગયાં. એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ એટલે ફરી પાછો ભીડવાળો ભરચક વિસ્તાર. કાર પાર્ક કરવાની મુશ્કેલી. જયેન્દ્રભાઈ અમને એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની નજીક ઊતારી ગયા. અહીં પણ લાઈન હતી. અમારી ટિકિટ બતાવી એટલે તરત અમને કહ્યું કે ” આજે હવામાન ખરાબ છે અને એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ જોવા માટે આજે યોગ્ય દિવસ નથી. તમે આવતા એક સપ્તાહમાં કોઈ પણ દિવસે આવી એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ જોઈ છો.” કેવી સાલસ વૃત્તિ ! કેવી ચોખ્ખી વાત! અમે તો બીજે દિવસે નીકળી જવાનાં હતાં એટલે તેમનો આભાર માની ખેદ સાથે આગળ વધ્યાં. ખરાબ હવામાનને લીધે ભીડ થોડી ઓછી હતી.
લીફ્ટમાં ૮૦મા માળે પહોંચ્યાં. દ્રષ્ટિમર્યાદા (Visibility) આશરે ૮૦-૧૦૦ ફૂટની હશે. ગેલેરીમાંથી બહાર જોઈએ તો શહેર આખું વાદળોમાં હોય તેવું લાગે. એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની વિગતો દર્શાવતું નાનું પ્રદર્શન જેવું હતું તે જોઈ અને ફોટા પાડી અમે બીજી લીફ્ટથી ૮૬મા માળે પહોંચ્યાં. ફક્ત ૧૫ મિનિટમાં દેખાતું સારુએવું ઘટી ગયું હતું. હવે તો ૨૦ ફૂટ પણ માંડ દેખાતું હતું. સામાન્ય સંજોગોમાં ૩૦ માઈલ દૂર સુધી જોઈ શકાય તેને બદલે ૩૦ ફૂટ દૂર પણ દેખાતું ન હતું ! વરસાદ, ઠંડી અને ૮૬ માળની ઊંચાઈ! હું અને રીટા તો રીતસર થથરતાં હતાં. થોડીવાર બંધ કમરામાં ઊભાં ત્યારે બહાર જવાની હિંમત આવી! બારણું ખોલી બહાર ગયાં તો ચોકીદારભાઈ ગમગીન વદન લઈ ઊભા હતા. અમને પૂછ્યું : ક્યાંથી આવો છો ? પહેલીવાર આવોછો? રહેવાનાં છો? કાલે અવાય તેમ નથી? અમારા કરતાં તેમના ચહેરા પર વધુ દુઃખ, ગ્લાની અને નિરાશા હતાં. આટલી સુંદર ઈમારત અને કાયમનો અદ્ભુત માહોલ અમે માણી નથી શકયાં તેની દિલગીરી તેના ચહેરા પર સ્પષ્ટ વંચાતી હતી.એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ જોવા આવેલ દરેક ટુરીસ્ટને સારામાં સારી સગવડ આપવાની તેની માત્ર ફરજ નહીં પણ તેનો ધર્મ છે એમ તે માનતો હતો અને કુદરતી કારણોને લીધે તે આજે તેની ફરજમાંથી ચૂકી ગયો હતો અને તેણે પોતાનો ધર્મ બજાવ્યો ન હતો તેનું તેને અપાર દુઃખ હતું! ધર્મની કેવી ઉત્કૃષ્ટ વ્યાખ્યા ! આપણા દેશના છાશવારે લડી પડતાં ધાર્મિક વડાઓ આ કહેવાતા નાના માણસ પાસે કેવા વામણા લાગે !
ઠંડીમાં થથરતાં થથરતાં અને ચોકીદારભાઈની ભાવનાના વખાણ કરતાં કરતાં અમે એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગનો લેવાય તેટલો આનંદ લીધો. નીચે ઊતર્યાં ત્યાં તો જયેન્દ્રભાઈ અમને લેવા આવી પહોંચ્યા હતા. અમે ન્યુ-યોર્ક મેટ્રોના ભવ્ય સ્ટેશનોમાંનું એક એટલે ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ (Grand Central Terminal) જોવા ગયાં. ૧૯૧૩થી ટ્રેન ટર્મિનલ તરીકે વપરાતું, ઈજનેરી ખજાના જેવું અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું આ સ્ટેશન આજે પણ એના નામ પ્રમાણે ગ્રાન્ડ એટલે કે ભવ્ય લાગે છે. પ્રાચીન સંપતિના પ્રતીકરૂપ સોનેરી કલાકૃતિઓ (Golden paintings) સ્ટેશનની ભવ્યતામાં વધારો કરતાં હતાં.સ્ફટિક અને મોટામાં મોટા ટીફની કાચથી મઢેલી વિશાળકાય ગોળ ઘડિયાળ જાણે પાર્ક એવેન્યુ પર થતી બધી ઘટનાઓ પર નજર રાખતી હોય તેમ માહિતીબુથની ઉપર લટકતી હતી ! સાંપ્રત સમય પ્રમાણે સ્ટેશન પર જાતજાતની દુકાનો, કાફે અને ગીફ્ટ શોપ હતી અને ભાતભાતનાં ભોજન મળતાં હતાં.અનેક બાર અને રેસ્ટોરાં ત્યાંની ચહલપહલમાં વધારો કરતાં હતાં. ખરેખર જોવાલાયક સ્થળ હતું! એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગના દુખદ અનુભવ બાદ થોડી રાહત થઈ! જયેન્દ્રભાઈ આગ્રહ કરીને અમને આ સ્ટેશન જોવા લઈ આવ્યા તે સાર્થક હતું. મને એક સરસ વાક્ય યાદ આવ્યું : A traveller sees what he sees, the tourist sees what he has come to see! ઘેર પહોંચ્યાં ત્યારે પાણીપુરી અને ભેળનું ભોજન અમારી રાહ જોતું હતું. રાતના મોડે સુધી વાતો કરી અમે સૂઈ ગયાં. જયેન્દ્રભાઈએ ખાસ આગ્રહ કરી તેમનાં જેકેટ આપ્યાં જે અમને ઠંડી અને વરસાદમાં બહુ ઉપયોગી થયાં.
ન્યુ-યોર્ક તો ઘણું મોટું શહેર છે અને અમને ત્રણ દિવસ બહુ ઓછા પડ્યા. સમય હોય તો ન્યુ-યોર્ક અને ન્યુ-જર્સી થઈને ૭-૮ દિવસો જરૂર તમારી યાત્રામાં સમાવી શકાય.
ક્રમશઃ
સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com
Beautiful 🤩 Your narrative style reminds me of K Narayan of Malgudi days 💜
Thanks! That’s a big honour, Heenaben!
I remember… everyone at The Grand Central station seem to know Jay. I took a little while to connect the dots. He used to be the boss at NY Metro! No wonder…
That was a very proud moment for all of us because of Jayendrabhai! Thanks for reminding me! ☺️
Enjoying travelogue 👍. Very true “ A traveller sees what he sees, the tourist sees what he has come to see!”
Thanks, Toral! The credit of our USA tour goes to you and Amrishbhai along with all US friends!
Nice description. We saw the World Trade Center in 2008. The moment we are near the location, we get a gloomy feeling.
True, Bharatbhai! Lot of negativity….
Please join us every Friday for this dream travelogue!
Darsha,
You have explained your experience in NY City very nicely. We felt very sorry that due to the bad weather, you guys didn’t get a chance to fully enjoy the Empire State Building.
Our good memories are coming back while reading your articles.
Rajesh & Darsha, Thank you