વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી :: કામદાર રાજ્ય વીમા નિગમનો ૨૦૧૭—૧૮નો વાર્ષિક અહેવાલ શું કહે છે?

જગદીશ પટેલ

કામદાર રાજ્ય વીમા કાયદો એટલે કે ઇ.એસ.આઇ.કાયદો કામદારોની સામાજિક સુરક્ષા માટે ખાસ બનાવેલો કાયદો છે. જે કારખાનામાં ૧૦ કે તેથી વધુ કામદારો કામ કરતા હોય તે ફેકટરી, દુકાન, મૉલ, સિનેમા— બધાને આ કાયદો લાગુ પડે છે. આ કાયદો ફરજીયાત છે. એટલે કે કંપનીના મનમાં આવે તેને ઇ.એસ.આઇ.નો લાભ આપવાનું અને બીજાને નહી તેમ ચાલે નહી. કંપનીમાં કામ કરતા તમામ કાયમી કામદાર કે કોન્ટ્રાકટ કે ઉધ્ધડ કામદાર સૌને માટે ફરજીયાત છે. તમને નંગદીઠ પગાર ચુકવતા હોય કે બાંધેલો પગાર હોય, દર મહીને તમારા પગારમાંથી ફાળો કાપીને માલિકે ઇ.એસ.આઇ. કોર્પોરેશનમાં જમા કરાવવાનો હોય છે.

આ કાયદાની જોગવાઇ મુજબ કામદારના પગારના ૧.૭૫% અને માલિકોના ફાળા પેટે પગારબીલના ૪.૭૫% થઇ પગારબીલના ૬.૫% ફાળો ચુકવવાની જોગવાઇ હતી પરંતુ નરેન્દ્ર મોદીએ બીજીવાર ચુંટાયા પછી ૧ જુલાઇ ૨૦૧૯થી અમલમાં આવે તે રીતે ઉદ્યોગો અને કામદારોને ભારે રાહત આપી આ ફાળામાં ઘટાડો કર્યો છે અને હવે કામદારના પગારમાંથી માત્ર ૦.૭૫% અને માલિકોના ફાળાપેટે માત્ર ૩.૨૫% ચુકવવાના છે. કામદારો માટે આ ઘણો મોટો લાભ કહેવાય અને તેનો લાભ સૌએ લેવો જોઇએ. સમગ્ર ભારતમાં ૩ કરોડ ૧૧ લાખ કામદારો આ કાયદાનો લાભ મેળવી રહ્યા છે. કુલ ૧૩ કરોડ ૩૨ લાખ લાભાર્થીઓ છે. દેશમાં તેની ૧૫૪ હૉસ્પિટલો અને ૧૫૦૦ દવાખાના દ્બારા એ સેવા આપે છે. તે ઉપરાંત ખાનગી હૉસ્પિટલોમાં પણ સારવાર આપવામાં આવે છે. ૨૦૧૭—૧૮ના વર્ષ દરમિયાન ૬૮૬૭ કરોડ તબીબી લાભો આપવામાં નિગમે ખર્ચ કર્યો. આ વર્ષ દરમિયાન ૨૩૪૮૦ કરોડ રૂપિયાની આવક સામે ૯૧૬૧ કરોડનો ખર્ચ નિગમે કર્યો. વડા પ્રધાનને ઇ.એસ.આઇ.માં ખાસ રસ હોય તેમ જણાય છે. અગાઉ તેમણે એવો સુધારો કરાવ્યો હતો કે વીમાની હૉસ્પિટલોમાં દર્દીના ખાટલાની ચાદર દરરોજ બદલવામાં આવશે. વડોદરાની વીમા હૉસ્પિટલના અમારા પોતાના એવા અનુભવ હતા કે દર્દીની લોહીથી ખરડાયેલી ચાદર પણ બદલવામાં ન આવે અને દર્દીએ પોતાના ઘરેથી ચાદર અને ઓશીકા લઇને જવું પડે. વડાપ્રધાને આ યોજનાને ઇ.એસ.આઇ—૨ એવું નામ આપ્યું અને તેની જાહેરાત મોટા શહેરોમાં મોટા હોર્ડીંગ દ્બારા આપવામાં આવી. દરરોજ જુદા રંગની ચાદરની વ્યવસ્થા કરવામાં આવી. એ કારણે ખબર પડે કે આજે નવી ચાદર નાખી છે કે નહી. આ જાહેરાતના થોડા સમય બાદ અમે ઇ.એસ.આઇની સ્થાનિક મીટિંગમાં પુછ્યું કે વડોદરાની હૉસ્પિટલમાં આ યોજનાનો અમલ શરુ થયો કે કેમ. અમને કહેવામાં આવ્યું કે આ યોજના માત્ર કામદાર રાજ્ય વીમા નિગમ સંચાલિત હૉસ્પિટલ માટે જ છે, કામદાર રાજ્ય વીમા યોજના દ્વારા સંચાલિત હૉસ્પિટલ માટે નહી! દેશમાં જે ૧૫૪ હૉસ્પિટલ બતાવાય છે તે પૈકીની માત્ર ૩૬ હૉસ્પિટલો જ નિગમ દ્વારા સંચાલિત છે એટલે કે મોટાભાગની  ૧૧૮ —હૉસ્પિટલો યોજના દ્વારા ચલાવાય છે. આ યોજના દ્વારા ચલાવાતી એટલે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સીધા અંકુશ હેઠળની હૉસ્પિટલ. ગુજરાતમાં અમદાવાદની બાપુનગરની મોડેલ હૉસ્પિટલ અને અંકેલશ્વરની વીમા હૉસ્પિટલ જ નિગમદ્વારા ચલાવાય છે. આમ ચાદર બદલવાની યોજના માત્ર ૩૬ હોસ્પિટલો પુરતી જ, પણ પ્રચાર આખા દેશમાં મોટી જાહેરખબરો દ્વારા!

મોદી સાહેબના આવ્યા બાદ એક તરફ એવી જાહેરાત થવા માંડી કે હવે ભારતના તમામ કામદારોને ઇ.એસ.આઇ કાયદા હેઠળ આવરી લેવાશે. તે માટે એમણે અમુક જીલ્લા પસંદ કરી આખા જીલ્લામાં કાયદો લાગુ કરવાનો નિર્ણય કર્યો. તબકકાવાર એમણે આખા જીલ્લા આવરી લેવાનું શરુ કર્યું. વડોદરા જીલ્લામાં પરિસ્થિતિ એ હતી કે નંદેસરીમાં કાયદો લાગુ હોય પણ બાજુમાં આવેલા રણોલીના એકમોને કાયદો લાગુ ન પડે. વાઘોડીયામાં રોડની એક તરફના એકમોને લાગુ પડે તો રોડની સામેની બાજુએ આવેલા એકમોને લાગુ ન પડે. જીલ્લામાં સાવલી અને પાદરા—જંબુસર રોડ પર ઔદ્યોગિક વિકાસ ઘણો થયો પણ આ વિસ્તારના એકમોને કાયદો લાગુ ન પડે. નડીયાદને લાગુ પડે પણ આણંદને લાગુ ન પડે. કારણ એવું કે આ કાયદા હેઠળ નોટીફાય કરવામાં આવેલા વિસ્તારને જ કાયદો લાગુ પડે. તે માટે નિગમના અધિકારીઓ સર્વે કરીને રાજ્ય સરકાર સમક્ષ પ્રસ્તાવ મુકે કે આ વિસ્તારને આવરી લેવા જેવો છે કારણ ત્યાં આટલા એકમો છે અને આટલા કામદારો છે વીગેરે. જો  રાજ્ય સરકાર પ્રસ્તાવ સ્વીકારે તો એ વિસ્તારને આવરી લેતું જાહેરનામું એટલે કે નોટીફીકેશન જાહેર કરવામાં આવે કે અમુક તારીખથી નકકી કરેલા વિસ્તારને કાયદો લાગુ પડશે. કેટલાક રાજયોમાં તો ખાનગી શાળાઓ અને ખાનગી દવાખાના—હૉસ્પિટલોને પણ કાયદો લાગુ કર્યો છે પણ ગુજરાતમાં કર્યો નથી. વડોદરા જીલ્લો આખો ૨૦૧૯ના આ કાયદા હેઠળ આવરી લેવાયો એટલે વિસ્તારવાર જુદા જાહેરનામા પ્રગટ કરવાની જરુર રહી નહી. ૨૦૧૭—૧૮ના વાર્ષિક અહેવાલ મુજબ દેશના ૨૪ જીલ્લા આખા અને ૪૨ જીલ્લા મુખ્યાલય આવરી લેવાયા છે. તે કારણે ૩,૩૨,૪૬૮ કામદારો વધ્યા. આ ૨૪ જીલ્લામાં હરીયાણાના ૨૧ જીલ્લા, પ.બંગાળના બે જીલ્લા, ત્રિપુરાનો એક જીલ્લો એમ ૨૪ જીલ્લા હતા. આ સમય દરમીયાન ગુજરાતનો એક પણ જીલ્લો આખો આવરી લેવાયો ન હતો પણ હાલ વડોદરા જીલ્લો આખો આવરી લેવાયો છે બીજી માહિતી નથી. દેશ આખામાં ૩૧—૦૩—૨૦૧૬ સુધીમાં ૩૯૩ જીલ્લા અને આ અહેવાલ મુજબ હવે ૫૨૬ જીલ્લા આખા આવરી લેવા માટેના જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. અમુક નવા વિસ્તારોમાં પહેલા બે વર્ષ માટે માલિકોનો ફાળો ૩% અને કામદારોનો ફાળો ૧% રાખવામાં આવે છે.

બીજી બાજુ નાણાં પ્રધાન અરુણ જેટલીએ વર્ષ ૨૦૧૫ના પોતાના બજેટ ભાષણમાં એમ કહ્યું કે ઇ.એસ.આઇ.ને સ્વૈચ્છિક બનાવાશે. હાલ તે ફરજીયાત છે. જો સ્વૈચ્છિક કરાય તો મોટાભાગના એકમો છેડો ફાડી નાખે તેવો સંભવ હતો. માલિકો અને મજુરોને તેની સેવાઓથી બિલકુલ સંતોષ નથી. લાગે છે કે એ વિચાર પર પુર્ણવિરામ હવે મુકી દેવાયું છે.

અસંગઠિત ક્ષેત્રના કામદારોને ઇ.એસ.આઇ. હેઠળ આવરી લેવાની માગણી વિવિધ સંગઠનો દ્વારા વારંવાર થતી રહે છે. એનડીએની ૨૦૧૪ની સરકારમાં બંડારુ લક્ષ્મણ મજુર મંત્રી હતા ત્યારે ૨૦૧૬માં તેમણે દિલ્હી અને હૈદરાબાદના રીક્ષાચાલકોથી અસંગઠીત ક્ષેત્રના કામદારોને સમાવવાની શરુઆત કરી હતી પણ થોડા દિવસ અગાઉ અમે હૈદરાબાદમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે જે ૬ રીક્ષાચાલકોને યોજનાના ઉદઘાટન સમયે યોજનામાં સમાવી કાર્ડ આપ્યા હતા તે પછી એક પણ કામદાર જોડાયો નથી! કારણ એવું કે સ્વરોજગાર કરનારા આવા કામદારોને માટે વર્ષે રુ.૧૨૦/— ભરીને માત્ર તબીબી સેવાઓ એમાં આપવાના હતા. હવે તમામ નાગરિકોને સરકારી દવાખાના હૉસ્પિટલોમાંથી તબીબી સેવાઓ વિનામુલ્યે મેળવવાનો અધિકાર છે તે સંજોગોમાં એ લોકો શા માટે આ નાણાં ખર્ચે? બાંધકામ કામદારોને આવરી લેવા માટેનો નિર્ણય થયો કે તરત બિલ્ડરોના સંગઠનોએ વાંધો ઉઠાવ્યો અને જણાવ્યું કે તમે જીએસટી લાગુ કરતી વખતે “વન નેશન વન ટેકસ”ની વાત કરો છો અને પછી બાંધકામ મજુરોના કાયદા હેઠળ સેસ પણ ઉઘરાવો અને હવે અમારા માથે ઇએસઆઇનો ફાળો નાખો છો તે બરાબર નથી. એ લોકો કૉર્ટે ચડ્યા અને હું માનું છું હજુ તેના પર કોઇ હુકમ કૉર્ટે કરેલ નથી.

હાલ નિગમનો ૨૦૧૭—૧૮નો વાર્ષિક અહેવાલ ઉપલબ્ધ છે. તે અહેવાલમાં જોતાં નીચે મુજબની માહિતી મળે છે—

૧. કાયદામાં વીમા કામદારોને દાંતનું ચોકઠું, ચશ્માં, સાંભળવાનું મશીન,કાખઘોડી જેવા સાધનો આપવાની જોગવાઇ છે. તે હેઠળ એમણે નીચેના કોઠામાં જણાવ્યા મુજબ સાધનો આપ્યા.

અનુક્ર્મસાધનનું નામવીમા કામદારોની સંખ્યા
1કૃત્રિમ અંગ47
2દાંતના ચોકઠાં533
3ચશ્માં7274
4બહેરાશ હોય તેને સાંભળવાના મશીન (હિયરીંગ એઇડ)355
5હૃદય માટે પેસ મેકર46
6કાખઘોડી અને સર્જીકલ બુટ384
7કરોડરજ્જુ માટેનો ટેકો કે પટ્ટો3115
8ગળા/ડોક માટેનો પટ્ટો1329
9આંખ માટે લેન્સ (મોતિયો ઉતરાવે તેને જે નાખે છે તે લેન્સ)6542
10અન્ય1575
 કુલ21200

૩ કરોડ ૧૧ લાખ વીમા કામદારોમાંથી માત્ર ૨૧,૨૦૦ (૬.૮%)ને લાભ મળ્યો તે સુચક છે.

૨. સદર કાયદા હેઠળ નોંધણી પામેલાં કારખાનાં/માલિકોની સંખ્યા ૮,૯૮,૧૩૮થી વધી ૧૩,૩૩,૭૩૦ થઇ. ૧,૩૫,૫૯૨ કારખાનાં/માલિકો વધ્યા.

૩. સદર કાયદા હેઠળ નોંધણી પામેલા કામદારોની— જે વીમા કામદાર તરીકે ઓળખાય છે — ૩ કરોડ ૪૩ લાખ અને લાભાર્થીઓની સંખ્યા ૧૩ કરોડ ૩૨ લાખ થઇ. અગાઉના વર્ષે એ સંખ્યા૩,૧૯,૬૨,૯૧૦ હતી એટલે કે એક વર્ષમાં ૨૩.૬૮ લાખ કામદારો વધ્યા. એમાં મહિલા કામદારોની સંખ્યા ૪૦,૮૯,૭૭૩ હતી તે વધીને ૪૫,૪૨,૦૨૯ થઇ. ૪,૫૨,૨૫૬ મહિલા કામદારોનો વધારો થયો. ૨૦૧૮માં વીમા કામદારોની સંખ્યા ૧.૭૪ કરોડ હતી તે ૨૦૧૮માં ૩.૧૧ કરોડ થાય છે તે બતાવે છે કે પાંચ જ વર્ષમાં આ સંખ્યા લગભગ બમણી થઇ છે. આ ઘણી ઉજળી બાબત છે. જો કે આ પાંચ વર્ષ દરમીયાન તબીબી સેવાઓ પુરી પાડવા એમણે જે ખર્ચ કર્યો તે ૨૦૧૪માં ૪૮૫૯.૯ કરોડ હતો તે વધીને ૬૮૬૭.૭૩ કરોડ થયો. એ ખર્ચ પણ બમણો થયો હોત તો ૯૭૧૯.૮ કરોડ થાત પણ ૨૮૫૨.૦૭ કરોડ ત્યાં એમણે બચાવ્યા. આ કાયદો લાભ આપવા માટે છે, બચાવવા માટે નથી તે યાદ રાખવું ઘટે. પૈસા છે એટલે ઉડાવી દો એમ નહી પણ અમર્યાદ ભેગું પણ ન કરો, કામદારોને સારી સેવા પુરી પાડો. કામદારોને ફરિયાદો જ ફરિયાદો હોય તો આ પૈસા ભેગા કરવાની જરુર નથી એમ કહેવું પડે.

૪. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને સુરત વીભાગમાં સ્થિતી નીચે મુજબ હતી.

વિભાગમાલિકો/કારખાનાકામદારોવીમા કામદારોકુલ લાભાર્થી
અમદાવાદ૨૮,૭૪૯૭,૨૭,૪૯૦૮,૦૪,૨૩૦૩૧,૨૦,૪૧૨
વડોદરા૧૦,૦૬૪૨,૫,૯૪૫૦૨,૯૨,૨૧૦૧૧૩૩,૭૭૫
સુરત૧૧,૧૦૪૪,૨૯,૧૬૦૪,૮૨,૨૩૦૧૮,૭૧,૦૫૨

સુરતમાં માત્ર ઓડીસાના ૮ લાખ કામદારો હોવાનું કહેવાય છે ત્યારે આ આંકડા બતાવે છે કે સામાજિક સુરક્ષા હજુ એમના સુધી તો પહોંચી જ નથી.

૫. આ વીમા કામદારોને સેવા આપવા માટે કા.રા.વી.નિગમની શાખા અને “પે ઓફીસ”ની સંખ્યા અનુક્રમે ૬૩૦ અને ૧૮૫ હતી તેમાં કોઇ વધારો થયો નહી. એમને માથે કામનો બોજ વધ્યો. કામદારોની તકલીફ વધી હશે તે દેખીતું છે.

૬. કાયદાનો અમલ બરાબર થાય છે કે નહી તે જોવા “ઇન્સપેકશન ઓફિસ” હોય છે તેની સંખ્યા ૪૦૧ હતી તે ઘટીને ૩૪૧ થઇ એટલે કે ૬૦ ઓફિસ બંધ થઇ. નિગમે શ્રમ સુવિધા પોર્ટલ શરુ કર્યું અને તે દ્વારા નિરીક્ષણની કામગીરી શરુ કરી તે કારણે આમ થયું હોવાનું કહેવાય છે. આ પોર્ટલ દ્વારા ૧૫,૧૪૧ નીરીક્ષણ કર્યા હોવાનું આ અહેવાલ જણાવે છે.

૭. કાયદા ભંગ માટે કોર્ટમાં દાખલ કરેલી ફરિયાદોની સંખ્યા વર્ષ ૨૦૧૭—૧૮ની શરુઆતમાં ૧૨,૫૩૮ હતી, વર્ષ દરમીયાન ૧૦ ફરિયાદો પાછી ખેંચાઇ અને ૮૭૧ ફરિયાદોનો નિકાલ થતાં ૩૧—૦૩—૧૮ને રોજ ૧૨,૨૩૭ ફરિયાદો નિકાલ માટે બાકી રહી. વર્ષ દરમિયાન માત્ર ૮૭૧ ફરિયાદોનો નિકાલ થાય તે આપણા ન્યાય વ્યવસ્થાની નબળી દશા સુચવે છે.

૮. વીમા હૉસ્પિટલ ૧૫૧ હતી તે વધીને ૧૫૪ થઇ એટલે કે વર્ષ દરમિયાન ત્રણ હૉસ્પિટલનો વધારો થયો.

૯. વીમા દવાખાના ૧૫૦૦ હતા તે વધીને ૧,૭૮૯ થયા એટલે કે ૧૧ દવાખાના વધ્યા. એમના મેન્યુઅલ મુજબ દર ૫૦૦૦ વીમા કામદારે એક દવાખાનું હોવું જોઇએ તે મુજબ ૩.૪૩ કરોડ કામદારો માટે દેશમાં એમના ૬૮૬૦ દવાખાના હોવા જોઇએ. એટલે કે ૫૦૭૧ દવાખાનાની ઘટ છે. કયારે પુરી કરશે? આ આંકડા મુજબ હાલ ૧૯૧૭૨ કામદારે એક દવાખાનું છે.

૧૦. વીમા તબીબી અધિકારીઓની સંખ્યા ૭૮૨૮ હતી તેમાં ૮૦નો વધારો થઇ ૭૯૦૮ પર પહોંચી. પણ ઇન્સુયરન્સ મેડિકલ પ્રેકટીશનરની સંખ્યા એટલી જ  ૯૮૦  રહી. જયાં ઇ.એસ.આઇના દવાખાના ન હોય અને વીસ્તાર મોટો હોય ત્યાં ખાનગી દવાખાના— જનરલ પ્રેકટીશનર —  સાથે કરાર કરવામાં આવે છે જયાં વીમા કામદાર તબીબી લાભ લઇ શકે. આ દવાખાનાના તબીબો સામાન્ય ભાષામાં પેનલ ડોકટર તરીકે ઓળખાય છે પણ નિગમ તેને માટે “ઇન્સુયરન્સ મેડીકલ પ્રેક્ટીશનર” શબ્દ વાપરે છે. આ વ્યવસ્થા હાલ આંધ્ર, આસામ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ચાલે છે.

૧૧. તબીબી લાભો પેટે રુ.૬૮૬૭.૭૩ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો. અગાઉના વર્ષે ૬૨૫૬.૫૭ કરોડનો ખર્ચ થયો હતો. ૬૧૧.૧૬ કરોડનો વધારો થયો.

૧૨. માંદગી લાભ, અપંગતા લાભ, આશ્રિત લાભ અને અંતિમક્રિયા લાભ પેટે રુ.૬૪૨.૮૪ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો. જે અગાઉના વર્ષે રુ.૧,૫૧૭.૯૩ કરોડ હતો. એટલે કે આ ખર્ચમાં ૮૭૫.૦૯ કરોડનો ખર્ચ ઓછો થયો. ૫૭%નો ઘટાડો નાનોસુનો ન કહેવાય. એક બાજુ વીમા કામદારોની સંખ્યામાં એક કરોડ જેટલો વધારો થાય છતાં અહીં જેને “રોકડ લાભ” કે “કેશ બેનીફીટ” કહે છે  જે મુખ્ય લાભો  ગણાય  તે પાછળ ખર્ચ ઘટ્યો છે. કારણ એવું હશે કે વીમા કામદારની નોંધણી થાય તે દિવસથી તેને બધા લાભ મળવા પાત્ર હોતા નથી. તે ૬ મહીના સુધી પોતાનો ફાળો આપે પછી જ મોટાભાગના રોકડ લાભો મેળવવાને પાત્ર બને છે. એટલે આ સમયગાળા દરમિયાન કેટલા કામદારો કયા લાભ મેળવવા પાત્ર હતા તેના આંકડા મળે તો જ મુલ્યાંકન થઇ શકે. સવાલ તો એ છે કે જો કામદારોની સંખ્યામાં ઘટાડો થયો ન હોય તો ખર્ચમાં ઘટાડો શી રીતે કરી શકાયો? આ લાભ ૩૬.૯૭ લાખ કામદારોને ચુકવાયા.

૧૩. માંદગી લાભ એટલે કે માંદગીને કારણે વીમા તબીબી અધિકારી વીમા કામદારને રજા લખી આપે તે રજાના પૈસા કામદારને ચુકવવામાં આવે. કા.રા.વી. નિગમ એ માટે તબીબી અધિકારીઓ પર સતત દબાણ લાવતા હોય કે રજા ઓછી લખો. કામદારને તબીયત સારી ન હોય તો પણ તબીબ રજા કાઢી ન આપે એટલે કાં તો કામદારને છતી માંદગીએ કામ પર જવું પડે અથવા વગર પગારની રજા ભોગવવી પડે અથવા બીજા રસ્તા શોધવા પડે. નિગમ આ ખર્ચ ઓછો કરી શકે તો તેને એક ઉપલબ્ધિ અથવા મહાન સફળતા ગણે! ૨૦૧૭—૧૮ના વર્ષ દરમિયાન આ લાભ માછળ નિગમે ૪૧૦.૪૨ લાખનો કર્યો જે આગળના વર્ષ કરતાં ૮૩.૧૭ લાખ વધુ હતા. પણ વધુ ખર્ચ થવા પાછળનું મુખ્ય કારણ દૈનિક ચુકવણીના દરમાં થયેલો વધારો હતો. અગાઉના વર્ષમાં રુ.૨૫૧.૪૩ દૈનિક ચુકવણીનો દર હતો તે અહેવાલના વર્ષ દરમિયાન રુ.૨૬૦.૧૯ થયો તે કારણ. વર્ષ દરમિયાન પ્રતી કામદાર માંદગી લાભના દિવસ અગાઉના વર્ષમાં ૦.૩૩ દિવસ હતા તે ઘટીને ૦.૨૯ થયા. માંદગી ઘટી કે કંજુસાઈ કરીને, દબાણ લાવીને ઘટાડવામાં આવી તે સંશોધનનો વિષય છે. એ જ રીતે લંબાણ માંદગી લાભ દર ૧૦૦૦ વીમા કામદારે ૨૦૧૬—૧૭માં ૦.૨૩ હતો તે ઘટીને ૨૦૧૭—૧૮ દરમિયાન ૦.૧૮ થયો. ખર્ચ આમ ઘટે !

૧૪. અકસ્માતો વધ્યા. ૨૦૧૬—૧૭માં ૨૪૧.૨૫ લાખ કામદારોને અકસ્માત થયા હતા તેની સામે ૨૦૧૭—૧૮માં ૩૦૨.૧૯ લાખ કામદારોને અકસ્માત થયા. એટલે કે આગળના વર્ષ કરતાં વધુ ૬૦.૯૪ લાખ કામદારો અકસ્માતનો ભોગ બન્યા. તેમ છતાં નિગમનો ખર્ચ ઘટયો છે. હંગામી અપંગતા લાભ ચુકવવા પાછળ નિગમે ૨૦૧૬—૧૭માં રુ.૯,૮૭૩.૧૫ લાખનો ખર્ચ કર્યો હતો તેની સામે ૨૦૧૭—૧૮માં રુ.૯,૨૧૮.૨૦ લાખનો ખર્ચ કર્યો એટલે કે રુ.૬૫૪.૯૫ લાખનો ઓછો ખર્ચ થયો. પ્રતિવર્ષ પ્રતી કામદાર લાભના દીવસોની સરેરાશ અગાઉના વર્ષમાં ૦.૧૪ હતી તે ઘટીને ૦.૧૦ થઇ. આ સિદ્ધિ.દૈનીક ચુકવણીનો દર તો અહીં પણ વધ્યો હશે છતાં એમણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ફરી  સંશોધનનો વિષય.

૧૫. અકસ્માતને કારણે કાયમી અપંગતા માટે જે લાભ ચુકવવામાં આવે છે તેમાં દાવેદારોની સંખ્યા ૧૬—૧૭માં ૨,૫૭,૬૫૩ હતી તે વધીને ૧૭—૧૮માં ૨,૬૯,૩૫૪ થઇ. ૧૧,૭૦૧ દાવેદાર વધ્યા.અગાઉના વર્ષમાં ૧૧,૬૯૨ નવા બનાવ નોંધાયા હતા અને ૧૭—૧૮માં ૧૧,૯૬૦ થયા  ૨૬૮નો વધારો. પરંતુ દર ૧૦૦૦ કામદારે ૧૬—૧૭માં ૦.૪૮નો દર હતો તે ઘટીને ૧૭—૧૮માં ૦.૪૦ થયો. આ સમજવા જેવી બાબત છે. અકસ્માત વધે છે પણ દર ઘટે છે કારણ વીમા કામદારોની સંખ્યામાં વધારો થયો છે એટલે અકસ્માતો વધે છે એમ ન કહેવાય પણ ઘટે છે એમ કહેવાય, ભલે દાવેદારોના આંકડા વધતા હોય.નવા આવેલા દાવાઓ પૈકી જે દાવાઓ સ્વીકારવામાં આવ્યા તે પેટે ૧૬—૧૭માં રુ.૨૫,૨૯૩.૦૫ લાખનો ખર્ચ થયો હતો જે ૧૭—૧૮માં વધીને રુ.૨૬,૮૧૫.૫૧ લાખ થયો.રુ.૧,૫૨૨.૪૬ લાખનો વધુ ખર્ચ. અપંગતા લાભ ચુકવવામાં આવે છે તેવા વીમા કામદારોની સંખ્યા ૨૦૧૪માં ૨,૨૬,૭૦૫ હતી તે વધીને ૨૦૧૮માં ૨,૬૯,૩૫૪ થઇ. આ બાબતે વધુ સંશોધન થાય તો સમજાય કે આ બાબતે નિગમની કામગીરી કેવી છે અથવા કારખાનાઓમાં સલામતીના ધોરણોમાં સુધારો થઇ રહ્યો છે કે નહી.

૧૬. આશ્રિત લાભ એટલે જે કામદારોના કામને સ્થળે અકસ્માતને કારણે અથવા વ્યવસાયીક રોગને કારણે મૃત્યુ થયું હોય તેમના આશ્રિતોને પેન્શન ચુકવવામાં આવે છે તે. ૨૦૧૪માં આશ્રિત લાભ લેનારાની સંખ્યા ૯૬,૩૩૩ હતી તે ૨૦૧૮માં વધીને ૧,૧૪,૯૬૬.૧૬—૧૭માં ૧૭૯૬ દાવા સ્વીકારાયા હતા જે વધીને ૧૭—૧૮માં ૧૭૩૯ થયા. ૫૭ ઓછા કામદારના અવસાન થયા જે સારી વાત ગણાય. કેટલા દાવા સ્વીકારાયા નથી તે જો કે આ અહેવાલમાં જણાવાયું નથી. સ્વીકારાયેલા ૧,૭૩૯ દાવાને કારણે કુલ ૪,૩૮૪ આશ્રિતોને લાભ મળ્યો. દાવા દીઠ સરેરાશ ૨.૫૨ આશ્રિત ગણાય.

૧૭. બેકારી ભથ્થુંઃ રાજીવ ગાંધી શ્રમિક કલ્યાણ યોજનાના નામે બેકાર વીમા કામદારોને થોડા સમય માટે ભથ્થું ચુકવાય છે. ૧૬—૧૭માં ૫૦૮ દાવા થયા હતા જે વધીને ૧૭—૧૮માં ૫૯૧ થયા, ૮૩ વધુ (બેકાર) કામદારોએ દાવા કર્યા.૩.૭૨ કરોડના ખર્ચ સામે ૧૭—૧૮માં ૪.૨૬ કરોડનો ખર્ચ થયો. યોજનાની જાણકારી વધુ કામદારો સુધી પહોંચાડવી પડે અને દાવાની પ્રક્રિયા સરળ કરવી પડે. દાવેદાર પાસે એટલું બધું માગવામાં આવે કે એ થાકી જાય. વળી એના માલિક પાસે પણ દસ્તાવેજો માગવામાં આવે જે માલિક ન આપે તો પણ કામદારને લાભ ન મળે એવું બને.

૧૮. વહીવટી ખર્ચ ૧,૭૩૨.૦૨ કરોડથી ઘટી ૧,૦૩૧.૦૬ કરોડ થયો એટલે કે ૭૦૦.૯૬ કરોડ બચાવ્યા. આ ખર્ચ શી રીતે ઘટયો તે જાણવું જોઇએ. જરુર એક ઉપલબ્ધિ ગણાય અને તે માટે તેમની પીઠ થાબડવી પડે. એ કારણે વહીવટ કથળ્યો તો નથી ને તે જોવું જોઇએ. ખાસ કરીને વીમા કામદારોને સેવા મેળવવામાં તકલીફ તો થઇ નથી ને?

૧૯. તેમની રાજસ્વ આવકમાં આ સમયગાળા દરમિયાન ૬૬૨૭.૯૯ કરોડનો વધારો થયો.(૧૬૮૫૨.૩૮થી વધી ૨૩૪૮૦.૩૭ કરોડ). ફાળામાં ૬૪૧૪.૭૪ કરોડની વૃદ્ધિ થઇ. ૨૦૧૪માં આ વૃદ્ધિ ૯,૬૩૨.૫૪ હતી જે આ સમયગાળામાં બમણા કરતાં વધી છે. રાજસ્વ આવકમાં ફાળો, વ્યાજ, દંડ, જપ્તી, ભાડા અને અન્ય આવકનો સમાવેશ થાય છે.

૨૦. તેમના રાજસ્વ ખર્ચમાં ૫૬૬.૩૫ કરોડનો ધટાડો થયો. (૯૭૨૭.૭૧ કરોડથી ઘટી ૯૧૬૧.૩૬ કરોડ) આ ખર્ચમાં તબીબી લાભ, તમામ રોકડ લાભ, વહીવટી ખર્ચ, બાંધકામ ખર્ચ અને બીજી નાણાંકીય જોગવાઇઓનો સમાવેશ થાય છે.

૨૧. તેમના દવાખાના અને હૉસ્પિટલોમાં વીમા કામદારોની સંખ્યા ઘટી રહી છે. ૨૦૧૬—૧૭માં ૧૦૦૦ વીમા કામદારે ૩૮૯ નવા દર્દીઓ નોંધાયા જયારે ૨૦૧૭—૧૮માં એ સંખ્યા ૨૮૩ થઇ. એ જ રીતે વીમા કામદારના કુટુંબીજનોમાં ૨૦૧૬—૧૭માં ૧૦૦૦ વીમા કામદારે ૪૧૪ નવા દર્દીઓ નોંધાયા જ્યારે ૨૦૧૭—૧૮માં એ સંખ્યા ૩૨૨ થઇ. શાનો સંકેત છે આ? દેશમાં લોકોનું આરોગ્ય સુધરી રહ્યું છે એટલે દવાખાનામાં જવાની જરુર નથી પડતી? કે કામદારોને વીમા દવાખાનાની સેવામાં વિશ્વાસ ઘટયો છે? કે કામદારોની આર્થિક સ્થિતી એવી સુધરી છે કે વીમાના દવાખાના છોડી એ લોકોને ખાનગી દવાખાનામાં સારવાર લેવાનું પોસાય છે?

૨૨. હૉસ્પિટલના કેટલા ખાટલા ભરાય છે? કા.રા.વી.નિગમની પોતાની હૉસ્પિટલોમાં સરેરાશ ૬૮% અને કા.રા.વી. યોજના (રાજ્ય સરકારો દ્વારા જે ચલાવાય છે તે હૉસ્પિટલો)માં સરેરાશ ૪૧% ખાટલા ભરાય છે. દેખીતું છે કે રાજ્ય સરકારોની હૉસ્પિટલોમાં ઓછા કામદારો જાય છે. અથવા રાજ્ય સરકારની હૉસ્પિટલો પોતાને ત્યાં આવતા કામદારોને સીધા સરકારી હૉસ્પિટલમાં તગેડે છે જેથી પોતાને માથેથી જવાબદારી ખંખેરી શકાય. અમે વીમા હૉસ્પિટલમાંથી સરકારી હૉસ્પિટલોમાં રીફર કરવાના કામનું અંકેક્ષણ (ઓડીટ) થાય અને જરુરી પગલાં લેવાય તેવી માગણી કરીએ છીએ.

૨૩. સુરત ખાતે ૧૦૦ ખાટલાની વીમા હૉસ્પિટલ, સબ રીજીયોનલ ઓફિસ અને સ્ટાફ માટે રહેઠાણ, ઉલ્લાસનગર, મુંબઇ ખાતે ૧૦૦ ખાટલાની હૉસ્પિટલ, કાનપુરમાં પાંડુનગર ખાતે અને ભુવનેશ્વર ખાતે ૫૦ ખાટલાની હૉસ્પિટલના બાંધકામની મંજુરી આપવામાં આવી.

૨૪. રાજ્યોમાં સ્ટેટ ઓટોનોમસ બોડી/ ઇએસઆઇ સોસાયટી બાનવવાની દરખાસ્તને મંજુરી આપવામાં આવી. આવી સંસ્થાઓ કયારે બનશે અને તેનો શો ફાયદો થશે તે આવનારા દિવસોમાં ખબર પડશે. આ અહેવાલ ૧૭—૧૮નો છે પણ ૨૦૨૧માં પણ આવી સંસ્થાઓ બની હોવાની કોઇ માહિતી નથી મળતી. એમ થાય તો રાજ્ય સરકારોનો સીધો અંકુશ ઓછો થતાં વહીવટમાં સુધારો થવા સંભવ છે.

૨૫. નવા આવરી લેવાયેલા વિસ્તારોમાં તબીબી સુવિધા પુરતી ન હોય ત્યાં મોડીફાઇડ એમ્પ્લોયર્સ યુટીલાઇઝેશન ડિસ્પેન્સરી ખોલવાની દરખાસ્તને મંજુરી આપવામાં આવી. પણ ૨૦૨૧ સુધીમાં આવા દવાખાના કેટલ ખુલ્યા તેની માહિતી મળતી નથી.


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855

Author: Web Gurjari

2 thoughts on “વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી :: કામદાર રાજ્ય વીમા નિગમનો ૨૦૧૭—૧૮નો વાર્ષિક અહેવાલ શું કહે છે?

Leave a Reply

Your email address will not be published.