શબ્દસંગ : કેળવણીની ભાવનાત્મક અભિવ્યક્તિ

નિરુપમ છાયા

અક્ષરની  ઓળખાણથી બાળકની કેળવણીનો પ્રારંભ થાય છે ત્યારે પ્રથમ આવે છે ‘ક’. કમળ અને કલમ સાથે જોડીને એ ક શીખે છે.પણ વધુ વિચાર કરતાં કેળવણી અને કાવ્યમાં પણ સમાવિષ્ટ ‘ક’ સંકેતરૂપે એ બન્નેના વિશિષ્ટ સંબંધને જાણે સ્પષ્ટ કરે છે.  કાવ્ય સર્જન માટે મહત્વની બાબત ભાવ છે તેમ  કેળવણીમાં રૂઢ પ્રક્રિયા નહીં પણ ભાવ અને સંવેદના મહત્વનાં છે. આ તાત્વિક અને સાત્વિક સંબંધને જાણીતા કેળવણીકાર ડૉ. રૂપલ માંકડે એક જુદા જ દૃષ્ટિકોણથી જોયો. શિક્ષણ અંગેની ચિંતન, વિશ્લેષણ કે મનન જેવી બૌદ્ધિકતાને બદલે ઘૂંટાતી સંવેદનાઓને, હૃદયમાં ઊઠતા ભાવોને વાચા આપવાના પ્રયત્નરૂપે સર્જાયેલ કાવ્યો એમણે ‘ક કવિતાથી કેળવણી’ પુસ્તકમાં સંપાદિત કર્યાં છે.

પુસ્તક સાથે યાત્રા કરતાં એવું કહી શકાય કે એમાં  કોઈ શાસ્ત્રીય મંથન નથી પણ સંવેદનાત્મક, ભાવાત્મક દર્શન છે. પ્રારંભે તેઓ લખે છે, “કવિતા તે ટૂંકું, સચોટ, ઊંડી સંવેદનાથી પ્રગટ થયેલું અને આંતરિક લયને સ્પર્શનારું સ્વરુપ છે, જેમાં લાગણીઓને વાચા આપવાની અદ્વિતીય શક્તિ છે. શિક્ષણનું કાર્ય પણ આંતરલયને સંવાદી કરવાનું છે….સાહિત્ય અને શિક્ષણ બંનેનું અંતિમ ધ્યેય કે નીપજ આનંદ છે.” શિક્ષણના સાંપ્રત સમયના  પડકારો વચ્ચે સાચો સંદર્ભ ગુમાવી રહેલાં શિક્ષણ, અસહાયપણે એમાં ઘસડાઈને, બાળકનું ભલું ઈચ્છવા છતાં અહિત કરતાં માતાપિતા, બાળમાનસની ખરી સમજથી દૂર રહી,બાળકની સહજ ઈચ્છા, રસ કે સંવેદનો પ્રત્યે બધિર બની રહ્યાં છે એની પણ ચર્ચા કરે છે. પછી ઉમેરે છે કે, “સંવેદનસભર લોકોની સંવેદનાને પોષણ આપવું અને સૂતેલી સંવેદનાઓને જગાડવાનું કામ કરવું અનિવાર્ય થઈ પડ્યું છે….હૃદયમાં ચોક્કસ સ્થાને અસર કરી, આ કવિતાઓ આપણા બધિર માનસને એકવાર વિચાર કરવા પ્રેરે છે!” 

જાણીતા ચિંતક, પ્રબુદ્ધ કેળવણીકાર હરેશ ધોળકિયા આ પુસ્તકને વધાવતાં લખે છે, “ સાહિત્યકારો અને તેમાં પણ કવિઓ –આ રીતે ઝીણવટથી વિચારે અને અભિવ્યક્ત કરે, તે નવાઈ પમાડે છે….આ કાવ્યો…શિક્ષક વર્ગમાં પ્રવેશે તે પહેલાં તેને વાંચી-સમજી, પછી જ પ્રવેશે….આ પુસ્તક બાળક-જીવન-શિક્ષણ પ્રત્યે નવી જ દૃષ્ટિથી જોતાં શીખવે  છે…” મોરારિબાપુ આશીર્વચન પાઠવતાં સંપાદનને તાત્વિક દર્શનની ઊંચાઈએ લઈ જાય છે, “ કં બ્રહ્મમાંથી નીકળેલ કવિતાથી કેળવણીની પાવન ધારા શ્લોક અને લોકના સાગરમાં સમાય”….

                  આટલી વાત પછી આજનાં સોપાનમાં આપણે ‘શિક્ષક’ વિશેનાં કાવ્યો જોઈશું.

                   પુસ્તકના પ્રારંભે જ કવિ ઉમાશંકર જોશીનું,  શિક્ષકનું દર્શન કરાવતું કાવ્ય ‘હું છું શિક્ષક’ મૂક્યું છે એ બાબત જ  શિક્ષકનું મહત્વ સૂચિત કરે છે. કાવ્યની પ્રથમ પંક્તિમાં જ કવિ જાણે ગૌરવપૂર્વક ઘોષણા કરે છે, ‘હું છું શિક્ષક…’ આ શિક્ષકની શાળા કેવી, વિદ્યાર્થીઓ-શિષ્યો કોણ? એ શું કરે છે, વગેરે વિષે ધીરેધીરે ઘટસ્ફોટ કરે છે, ‘ચાલે મારી અહોનીશ શાળા !’  આ દિવસરાત ચાલતી શાળામાં વિદ્યાર્થીઓ ? ‘શાળા મારી સૂની છેક જ. મળ્યો શિષ્ય છે મુજને એક જ.’ પ્રશ્ન થાય તે પહેલાં કવિ ઉત્તર આપે છે,  ‘કોણ હશે એ ? દર્પણમાંથી જે દીસે, એ.’ અને આ શિષ્ય કરવી રીતે શીખે છે એ વાત ‘ચાલે એનું નિશદિન ભણતર’ પંક્તિઓમાં સ્પષ્ટ થાય તે સાથે જ, હવે જાણે કાવ્ય તત્વ ઉઘડે છે, દર્પણમાં પોતાનું પ્રતિબિંબ જોતો એ શિક્ષક પોતે જ પોતાનો વિદ્યાર્થી પણ છે. દર્પણ અને પ્રતિબિંબની યોજનામાં કવિ કર્મનું  કૌશલ્ય છે. એક વ્યક્તિમાં શિક્ષકની સાચી ઓળખનો પ્રયત્ન તો છે જ પણ એથીયે આગળ વધીને ઉચ્ચ ભૂમિકાએ શિક્ષકત્વ શોધવાનો, પામવાનો પ્રયત્ન રહ્યો છે. એની પરીક્ષા લેવાય છે પણ લેનાર આખું જગ છે.. પરીક્ષાનું ફલક કેટલું વિસ્તરેલું છે !  સ્વની આંતરશોધ પણ અહીં ઈંગિત છે. વિવિધ સમાજ મહીં ફરતાં એની પરીક્ષા સતત થતી જ રહે છે… એક એવા શિક્ષક જેના શિષ્યનું પરીક્ષણ-અન-અંત- અંતહીન છે…પરલક્ષીતા થકી સ્વલક્ષી આ કાવ્ય વ્યષ્ટિથી લઈને સમષ્ટિ સુધી વિસ્તરે છે. શિક્ષણ એટલે કેવળ શાળાનું ભવન, વર્ગખંડ, તાસ, અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો જ નહીં, એ તો સર્વ માટે સ્વના શોધની સતત ચાલતી, અનંત, જીવનને સ્પર્શતી પ્રક્રિયા છે એ આ કાવ્યનો ધ્વની છે. શિક્ષણનું સર્વોત્કૃષ્ટ દર્શન (ચિંતન નહીં) આ કાવ્યમાં પ્રગટ થાય છે. પુસ્તકમાં નાંદીરૂપે મુકાયેલું કાવ્ય સંપાદકની દૃષ્ટિનું પરિચાયક પણ બને છે. આ કાવ્યને દરેક શાળામાં કેન્દ્રસ્થાને મૂકવું જોઈએ, જેથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ શિક્ષણના વ્યાપક તત્વને સમજીને ઝીલી શકે.

                   શૈલેશ પંડ્યા ‘નિશેષ’નાં ‘હું શિક્ષક’ અને ‘શિક્ષક’ એ બે કાવ્યો,  શિક્ષક્ત્વના વિશાળ સંદર્ભને તાકતા ઉમાશંકર જોશીનાં કાવ્યમાં જાણે સૂર પુરાવે છે. ‘મને ખાલી પુસ્તકિયો ભાર ન આપો, હું શિક્ષક છું’ એમ કહીને યાંત્રિકતામાંથી બહાર નીકળીને કશુંક અભિનવ, જુદું જ કરવા મથતા શિક્ષકની     કલ્પના પ્રસ્તુત કરતાં કવિ કહે છે, ‘મારે તો ચાંદ સૂરજ ઉગાડવા છે વર્ગખંડમાં, સાવ મને મશીનનો આકાર ન આપો…’ ચોમાસું જીવતું કરવા મથતા, પતંગિયાની જેમ મુક્ત આનંદથી વિહાર કરવા ઈચ્છતા હથેળીમાં લાગણીની હૂંફ સાચવીને બેઠેલા આ શિક્ષક કહે છે, ‘સાત સમંદરની ખળખળ ભરી છે મારી ભીતર, મને ખળખળ કોઈની ઉધાર ન  આપો….’   આ સ્વકીય-પોતીકા જ્ઞાનના ઉછળતા સાત સાત સમુદ્ર સાથે શ્રદ્ધાવંત શિક્ષક ગાઈ ઉઠે છે, ‘મારી ડાળ ડાળમાં ફૂટે છે આનંદની ટશરો, મને  ઉદાસીભરેલી કોઈ સવાર ન આપો’. આ પંક્તિઓમાં તો ગુણવંતભાઈથી લઈને એવા કેળવણીકારોની,  શિક્ષક સોગિયો બનીને વર્ગમાં ન પ્રવેશે એ વાત જ જાણે પડઘાય છે.  અંતે શિક્ષક માટે કાશી, મથુરા, હરદ્વાર નહીં પણ ‘શાળા, બાળક, શબ્દો અને પ્રેમ ચાર ધામ છે મારા’ માનતા આ કવિ બીજાં કાવ્ય ‘શિક્ષક’માં ‘કોરી આંખોમાં સ્વપ્નાં વાવે તે’, ‘ગ્રંથોના આટાપાટા ઉકેલી સૌને, મિથ્યા ગ્રંથિઓથી છોડાવે તે શિક્ષક’ જેવી વિવિધ પંક્તિઓ દ્વારા એક આદર્શ શિક્ષકની કલ્પના દર્શાવે છે.  એકંદરે આ કાવ્ય સીધું સપાટ લાગે, કદાચ એક પદ્યાત્મક નિબંધ પણ જણાય. સમગ્ર રીતે આ બંને કાવ્યો એક શિક્ષકની આકાંક્ષા, શીતળ, સ્વસ્થપણે વર્તમાન કેળવણી પ્રત્યેના  પ્રચ્છન્ન આક્રોશ સાથે  કેળવણીનું સાચું દિશાદર્શન પણ કરાવે છે.  તો વળી હિતેન આનંદપરા બાળકને સહજતા તરફ દોરવા,‘શિક્ષકને વિનંતી’ કાવ્યમાં ઝાડ, આકાશ, ખિસકોલી ઝાકળનું ટીપું વગેરે દ્વારા પ્રકૃતિનાં માધ્યમથી  શિક્ષક બાળકને શું શીખવાડે એવી અપેક્ષા વ્યક્ત કરે છે. એની વચ્ચે વર્તમાન શિક્ષણમાં સ્પર્ધા, દોટને પણ  ‘સોમાંથી છન્નું લાવવાની જીદ કરે જયારે બધા, શૈશવ કેવું રહેંસાય છે, એ પણ જરા શીખવાડજો’ જેવી ધ્યાનાકર્ષક પંક્તિઓ દ્વારા માતાપિતાને પણ ઢંઢોળે છે.

                       આવા શિક્ષકો નિવૃત્ત થાય ત્યારે એના અંતરના ભાવ કવિ કિશોર બારોટ  ‘નિવૃત્ત થયા શિક્ષકનું ગીત’ કાવ્યની આ પંક્તિઓમાં કલ્પે છે, ‘હૈયાના દફતરમાં કાળજીથી સંઘરું હું કલરવનો કૂણો અજવાસ, શાળાનો આ છેલ્લો દિવસ છે, કાલથી  તો વેઠવાની કાયમી અમાસ…’ કુમળા બાળકોના કલરવથી મળતો અજવાસ પણ કૂણો છે અને હવે એ કશું નહીં મળે એટલે અમાસનું અંધારું છવાઈ જતું શિક્ષકને ભાસે છે.  ‘બાળકની આંખોમાં જોયો છે ઈશ્વરનો વાસ’ પંક્તિઓમાં શિક્ષકનું સાર્થક્ય છે. આંગળીમાં અક્ષરના મરોડ અને કંઠોમાં ઘડિયાનાં સૂર રોપતા ગાંધી, અશોક, બુદ્ધ અને શિવાજી જેવાં પ્રેરક વ્યક્તિત્વ અને અન્ય વિષયો શીખવતાં વર્ગને  જીવંત કરતા આ શિક્ષકને  મોહેં-જો-ડેરોની જેમ  ઈતિહાસ બની જવાની ઉદાસી ઘેરી વળે છે કારણ કે, ‘કાળ તણા હાથે વાગ્યો છે બેલ અને બદલાયો જીવતરનો તાસ….’સમગ્ર કાવ્ય આપણી અંદર પણ શૂન્યતા પ્રસરાવી દે છે. પરંતુ, એવાયે શિક્ષકો છે જે નિવૃત્ત થતાં  લાચાર બની જાય છે. વિપિન પરીખનું નાનકડું પણ ધારદાર કાવ્ય ‘ફૂટપટ્ટી’ સમાજની ઉપેક્ષા કે બીજાં કોઈ કારણસર જન્મતી શિક્ષકની  લાચારી સામે લાલબત્તી ધરે છે. ‘સિંહ જેવો રોફ હતો’ એવા  શિક્ષકે જે વિદ્યાર્થીને  ખરાબ અક્ષર માટે હાથ પર ફૂટ મારેલું એ રસ્તામાં મળી જતાં …. ‘ઢીલા અવાજે કહે, ‘તને તો ખબર છે મારા અક્ષર સુંદર અને મરોડદાર છે, અને  હું હિસાબના ચોપડા પણ લખી શકું છું . તારી ફેકટરીમાં…… આ શબ્દો અને અધૂરી મૂકાયેલી, ચોટ પ્રગટાવતી પંક્તિઓ  કવિની ઉત્કૃષ્ટ સર્જકતાની  પરિચાયક  બની રહે છે.

                  અન્ય વિષયનાં કાવ્યોનો હવે પછી આસ્વાદ કરીશું.     


શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

Author: Web Gurjari

2 thoughts on “શબ્દસંગ : કેળવણીની ભાવનાત્મક અભિવ્યક્તિ

Leave a Reply

Your email address will not be published.