મંજૂષા – ૪૩. અમે જેવાં છીએ, તેવાં અમને સ્વીકારો

વીનેશ અંતાણી

તરુણાવસ્થા – ઍડૉલેસન્સ – વિશે થોડી વાતો, કોઈ કોમેન્ટ વિના. એક પિતા તરુણાવસ્થામાં પ્રવેશી રહેલા પુત્રને કહે છે: “મને તારા બૂટની દોરી બાંધવા દે, તું સ્કૂલનો યુનિફોર્મ પહેરે ત્યારે મને મદદ કરવા આપ. હું તારો હાથ પકડીને સડક પાર કરાવવા માગું છું. તું  નાનો હતો ત્યારે તારા માટે જે કરતો એ બધું જ એક વાર કરી લેવા માગું છું. તું નહાતો હોય ત્યારે બાથટબમાં તારાં રમકડાં તરતાં મૂકવા માગું છું, તું ગણિતના દાખલા કરવા બેસે તે પહેલાં તારી એકએક આંગળી પકડીને એક, બે, ત્રણ – એમ દસ સુધી ગણતરી કરાવવા માગું છું. હું આ બધું છેલ્લી વાર કરી લેવા માગું છું – કારણ કે મને ખબર પણ નહીં પડે ને તું એટલો મોટો થઈ ગયો હશે કે તને આખેઆખો જોવા માટે મારે મારા પગના પંજા પર ઊંચા થવું પડશે.”

      જૅનેક ટેરવૂડ નામના ભાઈએ તરુણાવસ્થામાં પ્રવેશેલી વ્યક્તિઓ શું અનુભવે છે એની વાત કરી છે. “કેટલાય લોકોએ મને કહ્યું છે, તરુણાવસ્થા તારી જિંદગીનો શ્રેષ્ઠ સમય છે. મને અને મારા મિત્રોને એવું લાગતું નથી. અમને લાગે છે, આ ઉંમર અનેક ગૂંચવાડાથી ભરેલી છે. અમારે કેટલાય પ્રકારના ડરનો સામનો કરવો પડે છે. હું બાળક હતો ત્યારે મને  કોઈ વાતની ચિંતા નહોતી. એ વખતે હું બહુ જલદી મોટો થઈ જવા માગતો હતો, હવે લાગે છે કે મોટા થવું સહેલું નથી. હવે મારે જાતે નિર્ણયો લેવા પડે છે અને એ નિર્ણયોને વળગી રહેવું બહુ મુશ્કેલ છે. હું નક્કી કરી શકતો નથી, મારે લોકોની વચ્ચે જવાનું છે, હું શું પહેરું તો ત્યાં આવેલા લોકોની વચ્ચે ઊભો રહેવા લાયક લાગું. હું અરીસામાં જોઉં છું ત્યારે જેવો છું તેવો મને જોઈ શકતો નથી, બીજાની નજરે હું કેવો દેખાઉં તો એમને ગમે એનો વિચાર કરવા લાગું છું. મારા મિત્રોએ પાર્ટી યોજી છે, હું એમાં જવા માગું છું, પણ મારાં માબાપ કહે છે, એવી પાર્ટીબાર્ટીમાં ન જવાય. આવું બધું મને બહુ તકલીફ  આપે છે, હું કોઈની સલાહ લઈ શકતો નથી, મને ખબર છે, એ લોકોની સલાહ મને જચશે નહીં”

      થોમસ એસ. મોનસન નામના વિચારક કહે છે: “તરુણાવસ્થામાં પ્રવેશેલાં છોકરા-છોકરીઓ તેઓ કોણ છે અને શું બનવા માગે છે એ જાણતાં હોતાં નથી. તેથી મુંઝાયેલા રહે છે, પરંતુ કયા કારણે મૂંઝવણ અનુભવે છે એની એમને ખબર પડતી નથી. એમને ગુસ્સો આવે છે, પણ કઈ બાબતે ગુસ્સો આવે છે તે જાણતાં હોતાં નથી. એમને લાગે છે, એમનો સ્વીકાર કરવામાં આવતો નથી, પણ એનું કારણ પૂછો તો તેઓ સ્પષ્ટ જવાબ આપી શકતાં નથી. એ લોકો એટલું જ જાણે છે કે તેઓ કશુંક બનવા માગે છે, કશુંક કરવા માગે છે. કશુંક એમના હાથમાં છે, પણ એ શું છે એની એમને ખબર હોતી નથી.”

      રોઝી ફોર્ડ નામનો તરુણ એની આખી પેઢી વતી કહેતો હોય એમ કહે છે: “અમે તરુણો છીએ. અમારે શું કરવું અને શું ન કરવું એ સમજાવતી કોઈ માર્ગદર્શિકા નથી. અમારે પ્રેમમાં પડવું છે, કેવી રીતે પડવું એના સ્પષ્ટ નિયમો અમારી જાણમાં નથી. તરુણાવસ્થા વિશે અમારી પાસે કોઈ અનુભવ નથી. એથી અમારા વિશે ધારણા બાંધી મંતવ્યો આપવાનું બંધ કરો. અમે જેવા છીએ એવા અમને સ્વીકારો.”

       એક લેખક તરુણોને કહે છે: “તમે બહુ ઓછા સમય માટે તરુણ રહેવાના છો, અને એ વાતની તમને ખબર પડશે તે પહેલાં તો તમે વયસ્ક વ્યક્તિ બની ગયા હશો. પછી કહેતા રહેશો, હું તરુણ હતો ત્યારે મેં આ કર્યું હોત, તે કર્યું હોત તો સારું થાત. એથી તરુણાવસ્થા તમારા હાથમાંથી સરી જાય તે પહેલાં આ વયનો જેટલો આનંદ માણવો હોય, માણી લો, આ ઉંમરે જે કરી શકો તે બધું જ કરી લો.’

      તરુણપેઢીનું કાઉન્સિલિન્ગ કરવાનું કામ કરતા ભાઈ એમની પાસે આવતા કિશોર-કિશોરીઓને સલાહ આપતાં કહે છે: “તમારાં માબાપ  અને તમારા શિક્ષકો સાથે સારી રીતે વર્તો. એ લોકો તમારા માટે શક્ય હોય તેટલું સારું કરવા માગે છે તે વાત પર ભરોસો રાખો. એમની વાતોથી તમને ચીઢ ચઢતી હોય તો પણ એમને ધીરજપૂર્વક સાંભળો. યાદ રાખો, એ લોકો તમારું ભલું જ ઇચ્છે છે અને તમારી સફળતા ઝંખે છે.”

તરુણાવસ્થાની બે હળવી વ્યાખ્યાઓ: “બાળકો પ્રશ્ર્નો પૂછવાના બંધ કરીને એમને અપાતા જવાબની સામે સવાલો ઊભા કરવા લાગે છે ત્યારથી તરુણાવસ્થાની શરૂઆત થાય છે.” બીજી વ્યાખ્યા, “તમારાં માબાપની વાત સાચી હતી એ તમને સમજાવા લાગે છે ત્યારે તમારાં સંતાનો તમે ખોટા છો એવું માનવા લાગ્યાં હોય છે…”

પંચોતેર વરસની મહિલા કહે છે: “કોણ કહે છે, હું બુઢ્ઢી છું? મનથી હું હજી તરુણ છોકરી જ છું.”

પ્રશ્ન જીવન પ્રત્યેના અભિગમનો છે.


શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.