ચી મિહન માટે એક ગુજરાતી કવિતા – સિતાંશુ યશશ્ચંદ્ર / આસ્વાદ : વેણીભાઈ પુરોહિત

વેબગુર્જરીના વાચકો માટે બિરલા ફાઉન્ડેશન દ્વારા સરસ્વતી સન્માન પામેલ અને ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી પામેલ શ્રી સિતાંશુભાઈ યશશ્ચન્દ્રની એક વિશિષ્ટ કવિતા પ્રસ્તૂત છે. આ એક એવી કવિતા છે જેનો આસ્વાદ પ્રથમ વાંચવો જરૂરી છે તે પછી જ કાવ્યનો નાદ અમજાશે. સિતાંશુભાઈએ સહર્ષ મોકલેલ અનુમતિ તેમની નોંધ સાથે તથા ગૌરવ અને આભારની લાગણી સહિત..

(વે.ગુ. પદ્યસમિતિ વતી, દેવિકા ધ્રુવ અને રક્ષા શુક્લ.)


સિતાંશુભાઈની નોંધઃ ‘ ટેન્ક તળે હું કચડાતો રે ‘ એ વાક્યના વિવર્તો.

 આ શ્રુતિ કાવ્યની સપાટી નીચે એક વાક્ય પડ્યું છે: ” ટેન્ક તળે હું કચડતો રે.” વિયેતનામ માં અમેરિકી ટેન્ક હો કે Tienanman Square માં ચીનની, સહુ કચડનારનો  એક હુકમ હોય છે, કોઈ કચડાનારે‌ કહેવુ‌ નહીં કે‌ એ‌ કચડાય છે. પણ પ્રજા, કોઈ પણ ટેન્ક ની  સામે થનાર કોઈ પણ વ્યક્તિ કોઈક ને કોઈક રીતે જ્યારે એ વાત કહે છે. ક્યારેક ગાંધીના કંઠે, ક્યારેક માર્ટિન લ્યુથર કિંગ ના, ક્યારેક ભગતસિંહના તો ક્યારેક હો ચી મિહન ના અવાજમાં. ત્યારે ટેન્ક ની પીછેહટ થયા વિના રહેતી નથી. એની આ કવિતા છે. Sound Poem. એકથી‌ વધારે અર્થમાં “sound”.


ચી મિહન માટે એક ગુજરાતી કવિતાઃ (સિતાંશુ યશશ્ચંદ્ર)
 આસ્વાદ(વેણીભાઈ પુરોહિત)

બારાખડીના બળવાખોર અક્ષરો – વેણીભાઈ પુરોહિત

પુરાણમાં કે પછી ઈતિહાસમાં સાચેસાચા માથાના ફરેલા માણસો બહુ જ ઓછા મળે છે અને આવા માથાના ફરેલા હોવા છતાંય માથાના ઠરેલા હોય એવા માણસની સંખ્યા ઘણી અ૯પ..

હજી ગઈકાલના તાજા જ ઈતિહાસમાં માથાનો ફરેલો છતાં ય માથાનો ઠરેલો એક મક્કમ માનવી આપણે જોયો… એનું નામ છે હો ચી મિન… ઉત્તર વિયેટનામના આ અડીખમ તાતો તપસ્વી શરીરે તો મુઠ્ઠી હાડકાંનો માનવી હતો, પણ સંક૯પમાં પહાડ જેવો તોતિંગ હતો. મુઠ્ઠી જેવડું જ એનું રાજ્ય, ટાંચાં સાધનો, બધુ યુ ટાંચુ સમજો ને ! પણ એની પ્રજાનું હીર તેજાબ જેવું. પોતાના આ ખંડિત દેશના આ એક ખંડની સ્વતંત્રતા પર જો કાઈ તરાપ મારવા આવે તો વકરેલી વાઘણની જેમ તેના પર ત્રાટકે અને સ્વતંત્રતાને છંછેડનારાના છક્કા છૂટી જાય. આવી પ્રજાના ઘડવૈયા હો ચી મિહને અમેરિકાને વર્ષો સુધી હંફાવ્યું, પણ નિશાન નમવા દીધું નહિ. પ્રજાના આ પ્રણેતાને, સ્વતંત્રતાના આ સંરક્ષકને રાજકીય લેબલ મારવું હોય તો ચી મિહન એક સામ્યવાદી હતો.

ગઈકાલના તાજા ઈતિહાસમાં એણે અમેરિકા જેવા શસ્ત્રાસ્ત્રોથી અને સૈનિકોથી સાધનસંપન્ન અને સુસજ્જ દેશને ગજબની ગૂંગળામણનો અનુભવ કરાવ્યો હતો. આ હો ચી મિહન એટલે મૂર્તિમંત ખમીર. આ હો ચી મિહન માત્ર મરણિયો યુદ્ધો નહોતો, માત્ર જીવનવીર નહોતો. તેનામાં એક કવિ પણ બેઠો હતો. અમેરિકા સામે આવો કોઈ નાનકડો દેશ ટક્કર ઝીલી શકે નહિ, એવી ટક્કર ઝીલી અને આઝાદીની લડત ચલાવી.

એ યુદ્ધ દરમ્યાન ટેન્ક એટલે કે રણગાડીઓ તો વિફરેલા ગેંડાની જેમ ધસતી હોય, સર્વનાશ કરવા ત્રાટકતી હોય… એવી રણગાડીની આગેપીછે થતી હાલચાલ અથવા ગતિ અને તેમાંથી ઊઠતા ધ્વનિને નિરાળી અને મર્મવેધક રીતે પ્રગટ કરતી આ કવિતા છે. એમાં શબ્દનો ધ્વનિ છે અને ધ્વનિનો શબ્દ છે.

બારાખડીના અક્ષરોને ઉઠાવી-ગોઠવીને માનવીએ શબ્દો કર્યા.. અને એ શબ્દોને અર્થ આપ્યા. બધું ય જાણે કે સ્થાપિત, અરે સુસ્થાપિત. પણ ભાષાનાં બીબાંની બહારના કેટલાક બળવાખાર શબ્દો જન્મે છે. એ શબ્દો પણ આ હો ચી મિહન જેવા હોય છે. તે નિર્ધારિત ચોકઠામાં બેસતા નથી, અને છતાં એ શબ્દોનો અર્થ, એ અર્થનો ધ્વનિ ભાષાના ભડવીરોએ પણ સ્વીકારવો પડે છે.

આ કવિતા રણગાડીઓની અવરજવરના ગતિમાન ધ્વનિ પ્રગટ કરવા અક્ષરાને રૂઢિથી આડાઅવળા ગાઠવીને તેમાંથી સીધો અને સોંસરવો અર્થ આપણા અંતઃકરણ સુધી પડઘાઓ દ્વારા પહોંચાડે છે. અક્ષરની આ ગોઠવણી કોઈ પાગલ માણસની હાસ્યાસ્પદ રમત નથી, પણ પરિપક્વ પ્રતિભાનો પ્રેરક પ્રયોગ છે.

ચાલી રહેલા યુદ્ધ દરમ્યાન આગેપીછે, આડીઅવળી, ભડકેલી જંગલી હાથણીઓની જેમ દોડતી રણગાડીઓનો ધ્વનિ અને એ ધ્વનિમાંથી પ્રગટતો અર્થ એ આ કવિતાનું વસ્તુ છે. આંખો બંધ કરીને આ કવિતાનું પઠન સાભળો, અર્થનો આપોઆપ સાક્ષાત્કાર થઈ જશે. ટેન્કની ગતિના વર્ણનમાં જ યુદ્ધના જય અને પરાજયની પ્રતીતિ થઈ જાય છે.

કેટલાક પરાજય તે વિજયને ક્ષુલ્લક બનાવીને વધામણીના હકદાર બની જતા હોય છે. આ કવિતાની રચનામાં રૂઢ ભાષાએ નક્કી કરેલા શબ્દોનો અશાસ્ત્રીય પરાજય છે, પણ એ પરાજય એવો પાણીદાર છે કે ગોઠવેલા શાસ્ત્રીય શબ્દોનો વિજય ગોથું ખાઈ જાય.

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા ભારતીય બંગાળી દિગ્દર્શક સત્યજિત રેનું  ‘પ્રતિદ્વંદી’ નામનું ચિત્ર આવ્યું હતું, તેમાં ઉમેદવારની પરીક્ષા દરમિયાન એક પ્રશ્ન આવે છે કે દશકાનો મહત્વનો બનાવ કયો? ત્યારે ઉત્તર મળ્યો હતો કે ઉત્તર વિયેટનામ જેવો ખોબા જેવડો દેશ અમેરિકા જેવા વિશાળ અને વિકરાળ દેશ સામે ટક્કર ઝીલે છે, તે…! માનવીએ ચન્દ્ર ઉપર ઉતરાણ કર્યું તે નહિ? તેના જવાબમાં પેલા નોકરીના ઉમેદવારે બેધડક કહી દીધું કે એ તો ટેકનિકલી(વૈજ્ઞાનિક તંત્રસિદ્ધિથી ) બનવાનું જ હતું. ચંદ્ર ઉપરનું ઉતરાણ એ તો સાહસ છે, પણ ઉત્તર વિયેટનામ જેવો નાનકડો ટુકડો બનેલા દેશ અમેરિકા જેવી મહાસત્તાના દાંત ખાટા કરે એ ખમીર છે.

તો અહીં આપણને મળી છે સાદાઈમાં સાવેસાવ વિનોબાજી જેવા સૂકલકડી અને સાચા અર્થમાં પ્રજાકીય, લોકલાડીલા હો ચી મિહનનાં કેસરિયાંની કવિતા.

***

(‘કાવ્યપ્રયાગ’માંથી.)

ચી મિહન માટે એક ગુજરાતી કવિતાઃ (સિતાંશુ યશશ્ચંદ્ર)

  ટેન્કની આગેકૂચઃ

ટેન્ત કહું કચ ડાળે તો રે

ળેન્ક ટકું તચ હાડે તો તે

હેન્ક તળું કક કેડા તો ચે

હેન્ક ટેન્ક કચ ડાન્ક તોન્ક હાં !

         ટેન્ક વિજયી જેવીઃ

કળે ડતો ચડ કળ હું

ટેન્કત ટેન્કત ટેન્કત ટેન્કત ટેન્કત

ડતો કળે ચટ કળ હું

ટેન્કત ટેન્કત

હેન્ક તોન્ક ડટ કાંચ ટાંક હા !

    માણસની વેદના અને તેના

    મરણિયા હુમલાનો આનંદઃ

ટેન્ક કળે હું ટચડાતો હું

ટેટે ળેળે હેહે ચૂં

ચે ચે ચે ચે ચે ચે

ટેન્કત ટેન્કત

હાંક ટાન્ક કચડા હાં તો એ.

       ટેન્કની પીછેહઠઃ

કહું કચ હકું હચ

હકું હચ કહું કચ

હકું કચ હકું હચ

હકું હચ કહું કચ…

– સિતાંશુ યશશ્ચંદ્ર


વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની કવિતા નીચેનાં વીજાણુ સરનામે પદ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-

સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

Author: Web Gurjari

7 thoughts on “ચી મિહન માટે એક ગુજરાતી કવિતા – સિતાંશુ યશશ્ચંદ્ર / આસ્વાદ : વેણીભાઈ પુરોહિત

 1. આ કાવ્ય મુકવા બદલ આભાર .આ ધ્વનિ યુક્ત પ્રયોગાત્મક કાવ્ય ને આકાશવાણી અમદાવાદ ઉપરથી એક કવિ સમાયેલાં માં ૮૦ના દસકામાં શ્રી શીતાંશુ યશશ્ચંદ્રના
  મુખે સાંભળવાનો લ્હાવો મળ્યો . સાલ તો બરાબર યાદ નથી પણ ” ટેન્કત ટેન્કત ટેન્કત ટેન્કત ટેન્કત” હજુ યાદ છે .

 2. આ ભાષાનાં બીબાંની બહારના બળવાખાર શબ્દોથી રચેલું કવિ શ્રી સિતાંશુ યશચંદ્રનું કાવ્ય નિર્ધારિત ચોકઠામાં બેસતું નથી અને તેમ છતાં એ શબ્દોનો અર્થ, એ અર્થનો જે ગજબનો ધ્વનિ અહીં પ્રગટ થયો છે એ સમજવાનું શ્રી વેણીભાઈ પુરોહીતના આસ્વાદ વગર શક્ય બન્યું ન હોત.

 3. “કેટલાક પરાજય તે વિજયને ક્ષુલ્લક બનાવીને વધામણીના હકદાર બની જતા હોય છે. આ કવિતાની રચનામાં રૂઢ ભાષાએ નક્કી કરેલા શબ્દોનો અશાસ્ત્રીય પરાજય છે, પણ એ પરાજય એવો પાણીદાર છે કે ગોઠવેલા શાસ્ત્રીય શબ્દોનો વિજય ગોથું ખાઈ જાય.” અમદાવાદમાં જ  આકાશવાણી અમદાવાદ પરથી સાંભળેલ સ્વર  પડઘાયો. 
  રસિક રસાસ્વાદ.

 4. સીતાંશુભાઈને વંદન. વીસમી સદીએ ચાર મહાન સંઘર્ષવીરો જોયા – મહાત્મા ગાંધી, હો ચી મિન્હ, માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયર અને નેલ્સન મંડેલા. એમનો યુગ પણ જાણે એ જ ક્રમમાં ચાલ્યો.જાણે પ્રકૃતિ પોતે જ નવા રસ્તે જવા માગતી હોય.
  શબ્દો તો શું છે? આપણે જ એમાં અર્થ ઉમેરીને અસ્તિત્વ આપીએ છીએ. નવા શબ્દો, નવો ધ્વનિ નવી દુનિયાની માંગ કરે છે.કદાચ ભાવિના ગર્ભમાં આ શબ્દોનો અર્થ હોય.

 5. ઉત્તમોત્તમ ઘ્વનિ-કાવ્ય !
  આમતેમ પથરાયેલા શબ્દોમાં ટેન્ક દેખાય છે, સંભળાય છે.
  ગત વર્ષે ‘પ્રતિદ્વંદી’ ના આસ્વાદ વખતે આ ઇન્ટરવ્યૂ અને એના નિહિતરથો વિષે વિગતવાર લખેલું.
  હો ચી મીંહ ખરા અર્થમાં મહાનાયક હતા…

 6. અનોખું અને અદભૂત ધ્વનિ-કાવ્ય.. પ્રથમ વાર આ કાવ્ય વાંચવામાં આવ્યું ત્યારે આશ્ચર્યનો પાર રહ્યો ન હતો. પછી આસ્વાદ વાંચ્યા પછી ત્રણેક વાર વાંચ્યું. તે પછી અતિ આનંદની અનુભૂતિ થઈ. આ અંગે સિતાંશુભાઈનો સપર્ક કર્યા વગર ક્યાંથી રહી શકાય? જવાબમાં ખાસ નોંધ મોકલવા માટે આદરણીય સિતાંશુભાઈનો દિલથી ખૂબ ખૂબ આભાર.
  વે.ગુ. અને વાચકો આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે.

 7. બારાખડીના બળવાખોર અક્ષરો,
  વેણીભાઈ પુરોહિતે આ બળવાખોર અક્ષરોને ધસમસતી ટેન્કની જેમ વાપર્યા છે.
  “હજી ગઈકાલના તાજા જ ઈતિહાસમાં માથાનો ફરેલો છતાં ય માથાનો ઠરેલો એક મક્કમ માનવી આપણે જોયો… એનું નામ છે હો ચી મિન”
  એક નાનકડા દેશનો સળેખડાં જેવો માનવી એક અણુશસ્ત્ર સજ્જિત દેશને હંફાવી શકે એ આ અક્ષરો જેવું જ કમાલનુ કામ છે.
  નવી પેઢી આ અક્ષરોનુ નવું અર્થઘટન જરુર કરશે.

Leave a Reply to Bhagwan thavrani Cancel reply

Your email address will not be published. Required fields are marked *