તલત મહેમૂદનાં યુગલ ગીતો – ગીતા (રોય) દત્ત સાથે : મખમલી સ્વર અને મધુર કંઠનું વિરલ સંમિશ્રણ

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ

તલત મહમૂદ(જન્મ: ૨૪ ફેબ્રુઆરી, ૧૯૨૪ | અવસાન: ૮ મે ૧૯૯૮) નાં ગીતોમાં નીચા સુરે મખમલી સ્વરનું પ્રાધાન્ય  જોવા મળે છે. તેમની ગાયકીનો, એ કારણે, એક એવો અલગ અંદાજ હતો કે સંગીતકારે પોતાની શૈલીને તેમની ગાયકીના ઢાળમાં ઢાળવી પડે. ગીતા દત્ત (મૂળ નામ – ગીતા ઘોષ રોય ચૌધરી, જન્મ : ૨૩ નવેમ્બર, ૧૯૩૦ | અવસાન: ૨૦ જુલાઈ ૧૯૭૮) ઈશ્વરદત્ત સુમધુર કંઠની સાથે બહોળી રેન્જની ગાયકીનાં ગાયિકા હતાં. બે અલગ અલગ પ્રકારની ગાયન શૈલીનાં સમકાલીન ગાયકોનાં યુગલ ગીતની રચનાઓ કરવી એ સંગીતકારો માટે એક અણખૂટ ખજાનામાંથી મનપસંદ રત્નો વીણવા જેવી તક ગણાય. પરંતુ બન્નેની કારકીર્દીને તેમની નિયતિઓએ એવા વળાંકો વચ્ચે ખીલવી કે સંખ્યાની દૃષ્ટિએ આ બે ગાયકોનાં યુગલ ગીતોની સંખ્યા (બહુ) મર્યાદિત રહી.

સંખ્યાની દૃષ્ટિએ તલત મહમૂદ – ગીતા દત્તાના યુગલ ગીતોનો આંકડો તલત મહમૂદ- લતા મંગેશકર અને તલત મહમૂદ – આશા ભોસલેનાં યુગલ ગીતો પછીના ક્રમે આવે છે. પરંતુ, આ બન્ને ગાયકોનાં અન્ય ગીતોની જેમ તેમનાં યુગલ ગીતોને પણ માત્ર સંખ્યાની દૃષ્ટિએ ન તો મુલવી શકાય કે ન તો માણી શકાય. તલત મહમૂદનો મખમલી સ્વર ગીતા દત્તના આગવા મધુર કંઠ સાથે જે સંમિશ્રણ સર્જે તેની અનુભૂતિ તો સાંભળ્યે જ પરખાય.

તલત મહમૂદની યાદને આપણે આ મંચ પર તેમના જન્મદિવસના મહિનામાં તેમનાં વિસારે પડી રહેલાં ગીતોને યાદ કરીને તાજી કરવાનો ઉપક્રમ રાખ્યો છે. તે અનુસાર, આપણે

૨૦૧૭માં તલત મહમૂદનાં વિસારે પડેલાં કેટલાંક યુગલ ગીતો

૨૦૧૮માં તલત મહમૂદ: ઓછો સંગાથ થયેલાં સહકલાકારો સાથેનાં યુગલ ગીતો

૨૦૧૯માં તલત મહમુદનાં મુબારક બેગમ અને મધુબાલા ઝવેરી સાથેનાં યુગલ ગીતો, અને

૨૦૨૦માં તલત મહેમૂદનાં યુગલ ગીતો – ગીતા (રોય) દત્ત સાથે – ૧૯૫૦થી ૧૯૫૨

સાંભળ્યાં છે

આજના અંકમાં હવે આપણે તલત મહમૂદ અને ગીતા દત્તનાં યુગલ ગીતોની આપણી સફર આગળ ધપાવીશું.

કહ રહી હૈ ધડકને પુકાર કર, ચુપકે ચુપકે ધીરે ધીરે પ્યાર કર – લાલ પરી (૧૯૫૪)- સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: અસદ ભોપાલી

ગીતા દત્તનાં કે / અને તલત મહમૂદનાં ચાહકો માટે આ ગીત યાદોની એવી દુનિયામાં લઈ જાય તેમાં ભુતકાળની આવી અનેક અવિસ્મરણીય યાદો ઢબુરાઈને પડી હોય છે.

મુહબ્બત કી દુનિયા મેં બરબાદ રહેના મગર કુછ ન કહેના – લકીરેં – સગીતકાર: હફીઝ ખાન – ગીતકાર: શેવાન રિઝ્વી

નીચા સુરમાં વહેતું ગીત ગીતના કરૂણ ભાવને ઘૂંટે છે.

વાહ રે વાહ ભગવાન…હજ઼ાર હાથવાલે, મંદિર કે દ્વાર ખુલે ઔર તેરે મુંહ પર તાલે – મહા પૂજા (૧૯૫૪) – સંગીતકાર: અવિનાશ વ્યાસ – ગીતકાર: રમેશ ગુપ્તા

અવિનાશ વ્યાસ અને ગીતા દતના સંગાથે એ સમયની ગુજરાતી ફિલ્મોમાં બહુ જ લોકપ્રિય ગીતો આપ્યાં છે. બન્નેની સાથે કામ કરવાની ફાવટ પ્રસ્તુત ગીતમાં સહજ બની રહે છે. ગીતા દત્તનો સ્વર ખાસ સુરમાં, ઊંચા સુરમાં સાખીથી શરૂઆત કરતા તલત મહમૂદની સાથે, અકળ લીલા કરી રહેલ ઈશ્વરની સામે ફરિયાદ કરવા જોડાય છે.

આયે તો કૈસે આયે… મજબુર કર દિયા હૈ,,,,મિલ જાયે કોઈ તુમ સે આ કે સહર નહી કોઈ – સંગમ (૧૯૫૪) – સંગીતકાર: રામ ગાંગુલી – ગીતકાર: હસરત જયપુરી

અહીં ગીતા દત્ત ઊંચા સુરમાં સાખી ઉપાડે છે જેને વાદ્યવૃંદનો સમુહ સાથ પુરાવે છે. ગીતા દત્ત ગીતને પણ પ્રમાણમાં ઊચા સુરમાં જ ગાય છે જેની સાથે તલત મહમૂદનો સ્વર અનોખી જુગલબંધી રચીને ગીતના નિરાશામાંથી પ્રગટતા ક્રોધના ભાવને જીવંત કરે છે.

રાત હૈ અરમાન ભરી…ઔર ક્યા સુહાની રાત હૈ, આજ બીછડે દિલ મિલે હૈ, તેરા મેરા સાથ હૈ – સંગમ (૧૯૫૪) – સંગીતકાર: રામ ગાંગુલી – ગીતકાર: હસરત જયપુરી

ગીતનો ઉપાડ ઊંચા સુરમાં ગવાતાં, હલેસાં મારતાં નાવિકો પોતાનો તાલ મેળવવ અગાતં હોય એવાં,  સમુહ ગાન થી થાય છે. ગીતનો ભાવ પ્રસ્થાપિત કરવા માટે આટલું સમુહ ગાન પુરતું છે. આપણને ખ્યાલ આવી જ જાય છે કે આ દૃશ્ય મંદ પ્રવાહે વહેતી નદીમાં એક નાવમાં ખુલ્લી ચાંદની રાતનું હશે. ગીતના બોલ પછીથી પ્રેમી યુગલનાં મિલનની આ ઘડીની પૂર્તિ કરે છે.

તલત મહમૂદ – ગીતા દત્તનાં ખુબ લોકપ્રિય ગણાતાં યુગલ ગીતો પૈકીનું આ યુગલ ગીત આજે પણ સાંભળવું એટલું જ ગમે છે.

દેખો દેખો જી બલમ, દે કે બિરહા કા ગમ મેરા નન્હા સા જિયા તડપાના ના – બહુ (૧૫૫) – સંગીતકાર: હેમંત કુમાર – ગીતકાર: એસ એચ બિહારી

ગાયન અને વાદ્યસજાવટની એવી સ-રસ અગુંથણી કરાઈ છે કે ઝડપી લયમાં હોવા છતાં ગીતનાં માધુર્યને ઝાંખપ નથી લાગતી. ગીતા દત્ત પણ સુરની રમતિયાળ ચડઉતરની મજા લેતાં અનુભવાય છે.

ઠંડી ઠંડી હવાઓમેં, તારોં કી છાઓંમે, આજ બલમ ડોલે મોરા જિયા – બહુ (૧૯૫૫) – સંગીતકાર: હેમંત કુમાર ગીતકાર: એસ એચ બિહારી

ગીત સાંભળતાં એવું અનુભવાય કે પરદા પર આ ગીત ઘોડા ગાડી કે એ સમયે વધારે પ્રચલિત હતી એવી સાયકલ જેવાં વાહન પર સવારી કરતાં ગવાતું હશે  એ મુજબની ગીતની બાંધણી સરળ ઝડપી ધુન પર રચવામાં આવી છે. સમય રાતનો હશે?

ક્યા પાયા દુનિયા ને….દો પ્યાર ભરે દિલ તોડ કર ક્યા પાયા દુનિયા ને – દરબાર (૧૯૫૫) – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: અસદ ભોપાલી/પ્રેમ ધવન

બે યુવાન દિલોના સહજ પ્રેમની સાથે દુનિયા જે રીતે વર્તે છે તેની સામે, કરૂણ ભાવમય ગીતમાં સવાલ ઊઠાવાયેલ છે.

દોનો જહાં કે માલિક, તેરા હી આસરા હૈ… રાઝી હૈ હમ ઉસીમેં જિસ મેં તેરી રજ઼ા હૈ – ખુલ જા સિમ સિમ (૧૯૫૬) – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: અસદ ભોપાલી

માત્ર યોગાનુયોગ જ છે – ઉપરનાં જ ગીતની ટીમ હવે ઈશ્વર સામે લાચારી ભરી અરજ ગુજારીને દુનિયાના સિતમો સામે પનાહ માગે છે.ઊંચા સુરમાં જવાનો વારો હવે તલત મહમૂદનો જણાય છે. 

ઓ અરબપતી કી છોરી… ગોરી ગોરી…દિલ્લી દૂર નહીં – મખ્ખીચૂસ (૧૯૫૬) – સંગીતકાર: વિનોદ – ગીતકાર: પંડિત ઈન્દ્ર

ગીત છે તો હિંદી ફિલ્મોમાં બહુ પ્રચલિત એવા છેડ છાડ પ્રકારનું, ફરક માત્ર એટલો કે એ છેડ છાડ પ્રેમ થઈ ગયા પછીની મસ્તીનો છે. તલત મહમૂદને રમતિયાળ ગીત ગાવાનો લાભ મળ્યો છે તે સાથે મહિપાલને પણ સૂટટાઈમાં સજ્જ થઈ પરદા પર રમતિયાળ ગીત ગાવા મળવાની દુર્લભ તક મળી ગઈ છે !

સારે જગ સે નૈન ચુરાકે હો ગયી મૈં તેરી – નાગ પદ્મિની (૧૯૫૭) – સંગીતકાર સન્મુખ બાબુ ઉપાધ્યાય – ગીતકાર પ્રેમ ધવન

ફરી રમતિયાળ પ્રેમ છલકાવતું એક ગીત, જે ગીતા દત્તને ગાવું સહજ નીવડ્યું હશે, પણ તલત મહમૂદ પણ એટલી જ સહજતાથી ભાવ ઝીલે છે.

દિલ કો લગા કે ભુલ સે દિલ કા નિશાં મિટા દિયા – ડૉક્ટર ઝેડ – સંગીતકાર મનોહર – ગીતકાર અખ્તર રોમાની

ફિલ્મનું નામ પણ અજાણ્યું છે અને સંગીતકાર પણ ખાસ જાણીતા નથી.પરંતુ તલત મહમૂદ અને ગીતા દત્ત વારાફરતી અંતરામાં જે રીતે આલાપ દ્વારા ગીતન અબોલ ઝીલે છે તે તેમના સ્વર પરના કાબુનું સચોટ ઉદાહરણ બની રહે છે. ઢોલકનો તાલ વાદ્ય તરીકે ઉપયોગ કરીને વૉલ્ઝની ધુનનો પ્રયોગ કરાયો છે. ગીત ગાવાં સરળ નથી જણાતું , પણ બન્ને ગાયકોએ ગીતને જે રીએ ન્યાય આપ્યો છે તેને કારણે ગીત ફરી ફરી સાંભળવું ગમે છે.

તુમ સા મિત મિલા દિલ કા ફૂલ ખીલા, ચલતે રહેં યું હી સનમ, ખુશીયોંકા કાફિલા – મિડનાઈટ (૧૯૭૨) – સંગીતકાર: સુબીર સેન – ગીતકાર ?

ફિલ્મ પરદા પર રિલીઝ થઈ જ નહીં. પણ કેટલાં ગીતોની રેકર્ડ્સ બહાર પડી ગઈ હતી, જેને કારણે તલત મહમૂદ અને ગીતા દત્તે સાથે ગાયું હોય એવું આ છેલ્લું ગીત આપણને સાંભળવા મળી રહ્યું છે.

તલત મહમૂદ – ગીતા દત્તનાં યુગલ ગીતોમાં તુમ્હારી મોહબ્બત કા બદલા (સંગીતકાર દાન સિંગ – ફિલ્મ બહાદુર શાહ ઝફર [!?])નો ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ ગીત નેટ પર નથી મળી શક્યું. તે જ રીતે જિમ્મી દ્વારા સંગીતબધ્ધ થયેલ ગૈર ફિલ્મી યુગલ ગીત ચંદા હંસે હસ રહી ચાંદની પણ નેટ પર નથી મળી શક્યું.

તલત મહમૂદ અને ગીતા દત્તનાં યુગલ ગીતો પર ફરી એક નજર કરતાં મુખ્ય પ્રવાહના સંગીતકારોની ગેરહાજરી ખાસ ધ્યાન પર આવે છે. મુખ્ય પ્રવાહના જે જે સંગીતકારોએ મોટાં નિર્માણ ગૃહોની ફિલ્મો માટે એ સમયે સંગીત આપ્યું તેમાં જો તલત મહમૂદ મુખ્ય ગાયક હોય તો ગીતા દત્ત મુખ્ય ગાયિકા ન હોય એવું વધારે બનતું તે એક ખાસ કારણ આમ થવ અપાછળ હોઈ શકે. જોકે આપણને જે ગીતૉ અહીં સંભળવાં મળે છે તે બધાં જ ખુબ જ પ્રતિભાશાળી, પણ પ્રચલિત અર્થમાં સફળ ન રહી શક્યા હોય એવા સંગીતકારો દ્વારા રચાયાં છે. જેથી તલત મહમૂદના મખમલી સ્વર અને ગીતા દત્તના કંઠની મિઠાશનાં અનોખાં સંમિશ્રણનો  એક ચીરસ્મરણીય યાદનો અવસર આપણા માટે ફરી વાર મુકી ગયો છે.


પાદ નોંધ:  તલત મહેમૂદનાં ગીતા (રોય) દત્ત સાથે યુગલ ગીતો અને તેનાં અંગ્રેજી સંસ્કરણ Talat Mahmood: Duets with Geeta Dutt એક સાથે વાંચવા /ડાઉનલોડ કરવા માટે તલત મહેમૂદનાં ગીતા (રોય) દત્ત સાથે યુગલ ગીતો ।  Talat Mahmood: Duets with Geeta Dutt પર ક્લિક કરશો.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.