સાયન્સ ફેર – કેસ્લર સિન્ડ્રોમ : શું ભવિષ્યમાં અવકાશીય સંશોધનો માટે કોઈ અવકાશ જ નહિ બચે?

જ્વલંત નાયક

‘સ્પેસ’ શબ્દ આજે દરેક દેશને આકર્ષી રહ્યો છે. કેમકે દરેક દેશને સ્પેસ – એટલે કે અવકાશ વિજ્ઞાનમાં અગ્રેસર હોવાના ફાયદા સમજાઈ ગયા છે. લગભગ દરેક વિકસિત દેશ ક્યાંતો પોતાની સ્વતંત્ર સ્પેસ એજન્સી ધરાવે છે. ભારત જેવો વિકસિત દેશ પણ સ્પેસ રેસમાં જરાય પાછળ નથી. પણ આ સ્પેસ રેસને પ્રતાપે એક એવી સમસ્યા ઉભી થઇ છે, જેના વિષે સામાન્ય માણસોને ભાગ્યે જ કલ્પના આવે. અને આ સમસ્યા એટલે સ્પેસ ડેબરીઝ – અવકાશીય ‘ભંગાર’ની સમસ્યા! અને આ ભંગારને પ્રતાપે નજીકના ભવિષ્યમાં પેદા થનાર કેસ્લર સિન્ડ્રોમ!

છેક ૧૯૭૮માં નાસાના વિજ્ઞાની ડોનાલ્ડ કેસ્લરે અવકાશીય સંશોધનો બાબતે એક જુદા જ પ્રકારનો વિચાર રજૂ કરેલો. વધુ સ્પષ્ટ રીતે કહીએ તો, ડોનાલ્ડ કેસ્લરે વધુ પડતા અવકાશીય સંશોધનોના ભયસ્થાન તરફ અંગુલિનિર્દેશ કરેલો. કેસ્લરના કહેવા મુજબ જો અવકાશમાં પૃથ્વીની આસપાસની ભ્રમણકક્ષામાં વધુ પડતો ‘ભંગાર’ (space debris) ભેગો થઇ જશે, તો એના ટુકડાઓ એકબીજા સાથે અથડાઈને બીજા અનેક ટુકડાઓનું સર્જન કરશે! પરિણામે એક સમય એવો આવશે જ્યારે પૃથ્વીની ભ્રમણકક્ષા ભંગારના ટુકડાઓથી ઉભરાઈ જશે, અને પછી કોઈ ઉપગ્રહ કે યાન આ ભ્રમણકક્ષામાં મુસાફરી કરીને અવકાશીય સંશોધનો કરી શકશે નહિ! ડોનાલ્ડ કેસ્લરની આ કલ્પના બાદ અવકાશીય ભંગારને કારણે ઉભી થનારી સમસ્યાઓ ‘કેસ્લર સિન્ડ્રોમ’ તરીકે ઓળખાતી થઇ. કદાચ એ સમયે કેસ્લરે જે વિચાર રજૂ કર્યો, એમાં તમને અતિશયોક્તિ લાગી શકે છે. પરંતુ અવકાશ વિજ્ઞાનીઓના કહેવા મુજબ કેસ્લરના વિચારમાં તથ્ય છે જ. કેસ્લરે જેટલી કલ્પના કરી છે, એના અમુક ટકા ભંગાર પણ અવકાશીય ભ્રમણકક્ષાઓમાં તરતો થઇ જશે, તો એનાથી અવકાશી સફર સામે પ્રશ્નાર્થ ચિહ્ન લાગી શકે છે.

અહીં અવકાશીય ભંગાર – space debris એટલે સ્પેસ મશીનરીઝના એવા ટુકડાઓ, જે અવકાશયાત્રીઓ દ્વારા અવકાશમાં ત્યજી દેવાયા હોય. કેટલાક સેટેલાઈટ પોતાના મિશનમાં નિષ્ફળ જાય અથવા મિશન પૂરું કર્યા બાદ કોઈ કામના ન રહે, એને પૃથ્વી પર લાવી શકાતા નથી. ઘરનો જૂનો ભંગાર જે રીતે માળિયામાં રખડતો મળી આવે, એ જ પ્રમાણે આવા સેટેલાઈટ્સને પણ ભ્રમણકક્ષામાં રઝળતા મૂકી દેવા પડે છે! એ સિવાય રોકેટમાંથી છુટા પડેલા ભાગો પણ આજ રીતે અવકાશીય ભ્રમણકક્ષામાં ‘રખડતા’ હોય છે. આ બધો અવકાશીય કચરો સ્પેસ જંક (space junk) તરીકે પણ ઓળખાય છે.

આટલી ચર્ચા પછી સ્વયંસ્પષ્ટ છે કે જેમ જેમ અવકાશીય સંશોધનો માટે આપણે વધુને વધુ ઉપગ્રહો છોડતા જઈશું, તેમ તેમ અવકાશીય ભ્રમણકક્ષાઓમાં ભંગારનું પ્રમાણ વધતું જ જવાનું! પરિણામે એક સમય એવો આવશે કે ભ્રમણકક્ષાઓ ભંગારથી એટલી ઉભરાઈ જશે, જેથી કરીને નવા કોઈ સેટેલાઈટને મુસાફરી માટે ચોખ્ખો માર્ગ જ નહિ મળે! ઇન ધેટ કેસ, ડોનાલ્ડ કેસ્લરે જેની કલ્પના કરેલી એ કેસ્લર સિન્ડ્રોમ સાચો પડતો લાગે છે ને?!

હાલ અવકાશમાં કેટલો સ્પેસ જંક છે?

હાલમાં ૨,૦૦૦ જેટલા એક્ટિવ સેટેલાઈટ્સ અવકાશીય ભ્રમણકક્ષામાં આંટા મારે છે. અને એ સાથે જ ૩,૦૦૦ જેટલા ‘ડેડ સેટેલાઈટ્સ’ની હાજરી પણ ખરી! આ સિવાય કદમાં ૧૦ સેન્ટીમીટર કરતા મોટા હોય એવા આશરે ૩૪,૦૦૦ જેટલા મશીનરીઝના ટુકડાઓ પણ અવકાશમાં વિખેરાયેલા છે. જો આમાંનો કોઈ એકાદ ટુકડો પણ સેટેલાઈટ સાથે અથડાઈ પડે, તો મોટું નુકસાન થવાની સંભાવના પૂરેપૂરી! આ ટુકડાઓ સહિતનો ભંગાર કોઈને કોઈ સ્પેસ મિશન પછી ત્યજી દેવાયેલો હોય છે. આ ભંગાર જો પૃથ્વીની નજીક હોય તો થોડા જ વર્ષોમાં એ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે, જે પૈકીનો મોટા ભાગનો ભંગાર વાતાવરણ સાથેના ઘર્ષણને કારણે આકાશમાં જ બળીને રાખ થઇ જાય છે. બહુ થોડા ટુકડાઓ પૃથ્વી પર સાંગોપાંગ પાછા ફરે છે. પરંતુ જે ભંગાર પૃથ્વીથી ૩૬,૦૦૦ કિલોમીટર કે એથીય દૂરની ભ્રમણકક્ષામાં આંટા મારતો હોય, એને પાછા ફરતા સેંકડો કે ક્યારેક હજારો વર્ષો લાગી શકે છે! આ સમય દરમિયાન આ ટુકડાઓ બીજા સેટેલાઈટ્સ અને અવકાશી મિશન્સ માટે જોખમરૂપ બની રહે છે. બીજી એક વાત પણ અહીં નોંધવા જેવી છે. અમેરિકા, ચાઈના અને ભારત જેવા દેશો મિશન પૂરું થયા બાદ પોતાના જ સેટેલાઈટ્સને મિસાઈલ વડે ઉડાવી મૂકવાની ક્ષમતા ધરાવે છે. જો આ દેશો આવું કરે, તો અવકાશીય ભંગારમાં મોટા પાયે વધારો થાય! (માર્ચ ૨૦૧૯માં જ ભારત આ પ્રકારના ઓપરેશન્સ માટે ‘મિશન શક્તિ’ હેઠળ એન્ટી-સેટેલાઈટ મિસાઈલનો પ્રયોગ કરી ચૂક્યું છે. જો કે ‘મિશન શક્તિ’ના બીજા વધુ હેતુઓ પણ છે, જેની વિગતે વાત ટૂંક સમયમાં કરીશું.)

શું કેસ્લર સિન્ડ્રોમ ઝડપથી વાસ્તવિકતા બનશે?

અવકાશીય ભંગાર વિષે જાણ્યા બાદ સ્વાભાવિક રીતે જ ચિંતા થાય કે શું ખરેખર ડોનાલ્ડ કેસ્લરની કલ્પના સાચી પડશે? અવકાશીય ભંગારનું પ્રમાણ એટલું બધું વધી જશે કે અવકાશીય મિશન માટે કોઈ અવકાશ જ નહિ બચે?!

વિજ્ઞાનીઓ ધરપત આપે છે કે એટલીસ્ટ, હાલમાં તો સ્પેસ જન્કથી ખાસ ખતરો નથી. સ્પેસ મિશન સાથે સંકળાયેલા લોકો અવકાશીય ભંગાર સાથેની અથડામણ ટાળવાના દાવપેચ અજમાવતા રહે છે. ભંગાર અથડાવાને કારણે કોઈ સેટેલાઇટને ગંભીર નુકસાન પહોંચ્યું હોય એવું ભાગ્યે જ બન્યું છે. આવી ઘટના છેલ્લી વાર છેક ૨૦૦૯માં અમેરિકન સેટેલાઈટ સાથે બનેલી. જો કે આવનારા ભવિષ્યમાં કેસ્લર સિન્ડ્રોમ નહિ જ દેખાય, એની કોઈ ખાતરી નથી!


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com  પર થઇ શકે છે.


Disclaimer: The images in this post have been taken from net for non-commercial purpose. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.