ફિર દેખો યારોં : કળા હોય કે કાનૂન, અશ્લિલતા જોનારની આંખમાં વસે છે?

બીરેન કોઠારી

‘તાકી ન રહેશો. અમે સ્તનપાન કરાવીએ છીએ.’ આ ફોટોલાઈન ધરાવતી એક તસવીર મલયાલમ સામયિક ‘ગૃહલક્ષ્મી’ના મુખપૃષ્ઠ પર ત્રણેક વરસ અગાઉ છપાયેલી. જાહેરમાં સ્તનપાન કરાવવા બદલ મહિલાઓ સંકોચ ન અનુભવે એ માટેની એક ઝુંબેશના ભાગરૂપે ગીલુ જોસેફ નામની મોડેલનું ખાસ ફોટોશૂટ કરાવીને તેની સ્તનપાન કરાવતી તસવીર આ સામયિકે તસવીર મુખપૃષ્ઠ પર મૂકી હતી. અશ્લિલતાની ફરિયાદ થઈ અને મામલો અદાલત સુધી પહોંચ્યો. વડી અદાલતના ન્યાયમૂર્તિઓની બેન્‍ચે અશ્લિલતાની ફરિયાદ કાઢી નાખી અને કહ્યું, ‘અમારા શ્રેષ્ઠ પ્રયત્નો છતાં આ તસવીરમાં અમને અશ્લિલતા જણાઇ નથી કે તેના લખાણમાં કશું વાંધાજનક જણાયું નથી. રાજા રવિ વર્મા જેવા કલાકારનાં ચિત્રોને જોઈએ એ જ દૃષ્ટિએ અમે આ તસવીરને જોઇ છે. સૌંદર્ય જેમ જોનારની આંખમાં વસે છે, એવું જ કદાચ અશ્લિલતા વિશે છે.’ આમ, કેરળની વડી અદાલતે સામયિકની, તસવીરની, અને ખરેખર તો મૂળ મુદ્દાની તરફેણમાં ચુકાદો આપ્યો.

બીજા મામલાનો નિકાલ પોલિસ ફરિયાદથી આવી ગયો. તાજેતરમાં થયેલા મિન્‍ત્રા નામની કંપનીના લોગો (પ્રતીકચિહ્ન) બદલવાના મામલે અનેક લોકોએ પ્રતિક્રિયા આપી, જેમાંના મોટા ભાગનાનો સૂર એ હતો કે અશ્લિલતા જોનારની આંખમાં વસે છે. આ વિવાદને પગલે ગઈ કાલ સુધી સાવ અજાણી રહેલી નાઝ પટેલ નામની યુવતી અચાનક પ્રસિદ્ધ અને મોટા ભાગના લોકો માટે મજાકનો વિષય બની ગઈ છે. ‘મિન્‍ત્રા’ના પ્રથમાક્ષર અંગ્રેજી અક્ષર ‘એમ’માં આ યુવતીને સ્ત્રીની પ્રસૂતિમુદ્રા (ડિલીવરી પોઝ) દેખાયો. પોતાને દેખાયું એવું જ અન્યોને લાગે છે કે કેમ એ વિશે તેણે અમુક પરિચીતોને પૂછ્યું. આખરે તેણે પોલિસ ફરિયાદ નોંધાવી. આ મામલાને અદાલત સુધી પહોંચવાનો વારો જ ન આવ્યો. કંપનીના સંબંધિત અધિકારીઓ સાથે વાત થઈ અને તેઓ પોતાનો લોગો બદલવા માટે સંમત થઈ ગયા. એકાદ મહિનામાં તેઓ તેનો અમલ કરી દેશે એવી ખાત્રી આપી. આ મામલે સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો પર લોકોએ નાઝ પટેલની ‘નારીવાદી’ માનસિકતાની ભરપૂર ખીલ્લી ઉડાવી.

આ બન્ને કિસ્સામાં સામ્ય હોય તો સંવેદનશીલ મુદ્દાનું છે, જેના કેન્‍દ્રમાં મહિલા છે. કાનૂને તેમાં મહિલાઓની સંવેદનશીલતાની તરફદારી બતાવી છે.

ત્રીજા કિસ્સામાં મહિલાઓ, કાનૂન અને સંવેદનશીલતા છે, પણ તેનું પરિણામ જુદું છે. 39 વર્ષના એક આરોપી પર બાર વર્ષની એક બાળા પર યૌન ઉત્પીડનનો આરોપ હતો અને નાગપુર સેશન્સ કોર્ટે તેને ભારતીય દંડસંહિતા 354 હેઠળ એક વર્ષની તથા ‘પોક્સો’ (પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્‍સીસ એક્ટ) અંતર્ગત ત્રણ વર્ષની સજા ફટકારી હતી. અલબત્ત, મુંબઈ વડી અદાલતનાં જસ્ટિસ પુષ્પા ગનેડીવાલાએ આ સજા રદ કરી. બાળકો પર થતા જાતીય હુમલા સામે રક્ષણ માટે ‘પોક્સો’નો ખાસ કાયદો બનાવવામાં આવેલો છે. આ કાયદાનું અર્થઘટન કરતાં જસ્ટિસ પુષ્પાએ કહ્યું: ‘વક્ષસ્થળને બળજબરીથી સ્પર્શ કરવો એ યૌન ઉત્પીડન નથી. પોક્સો હેઠળ યૌનહુમલો ત્યારે જ ગણાય જ્યારે યૌનસંબંધને ઇરાદે ત્વચાથી ત્વચાનો સ્પર્શ (સ્કીન ટુ સ્કીન ટચ) કરવામાં આવ્યો હોય. એટલે કે કોઈ સગીર બાળાના વક્ષસ્થળનો તેણે પહેરેલે કપડે સ્પર્શ કરવાને યૌન ઉત્પીડન કહી શકાય નહીં.’ જસ્ટિસ પુષ્પાએ, અલબત્ત કાનૂનના દાયરામાં રહીને જ આ ચુકાદો આપ્યો હશે. આમ છતાં, તેમણે કરેલી વ્યાખ્યા ખતરનાક છે. સર્વોચ્ચ અદાલતે આ ચુકાદાને અટકાવ્યો છે. સાથે સાથે ત્રણ સભ્યોની કોલેજિયમે મુંબઈ વડી અદાલતના કાયમી ન્યાયાધીશ તરીકે પુષ્પા ગનેડીવાલાની ભલામણને પણ રદ કરી દીધી છે!

આ અગાઉ પણ એક-બે કિસ્સામાં આ જસ્ટિસે આપેલા ચુકાદા વિવાદાસ્પદ હતા. તેમની વાત પોતાની રીતે તાર્કિક હોઇ શકે એમ બને, પણ ‘પોક્સો’ના કાયદાના હાર્દ સાથે તે સુસંગત નથી એ સ્પષ્ટપણે જણાય છે. બાળકો પર થતા જાતીય અત્યાચારને નિયંત્રીત કરવા માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે. ઘણા ખરા કિસ્સામાં બને છે એમ બાળકો મોટે ભાગે પરિચીત કે પારિવારિક વ્યક્તિ દ્વારા આવા અત્યાચારનો ભોગ બનતા હોય છે. તેને કારણે મામલો ઘરમેળે જ નીપટાવી દેવાનું વલણ હોય છે. આવા મામલે પોલિસ કે એથી આગળ અદાલત સુધી જવા માટે આપણા દેશના સામાજિક માહોલમાં ઘણી હિંમતની જરૂર પડે છે. આ કાયદાનો દુરુપયોગ કોઇ પર વેર વાળવા માટે થાય એવી શક્યતા સાવ ઓછી છે, કેમ કે, તેમાં પીડિત એક બાળક હોય છે. આવા કિસ્સામાં સંબંધિત પરિવારને અનેકગણી માનસિક યાતનામાંથી પસાર થવું પડતું હોય છે. જસ્ટિસ પુષ્પા ખુદ એક મહિલા હોવા છતાં તેમણે આપેલો આવો ચૂકાદો વિચારતા કરી મૂકે એવો છે.

આ શ્રેણીમાં ચોથો કિસ્સો હાથરસનો છે, જેમાં બળાત્કાર અને હત્યા પછી પીડિતાના મૃતદેહના અંતિમ સંસ્કાર સ્થાનિક સત્તાવાળાઓએ પીડિતાનાં પરિવારજનોની ઉપસ્થિતિ વિના બારોબાર કરી નાખ્યા હતા.

આ ચારે કિસ્સામાં મહિલાઓ માટેની સંવેદનશીલતા કેન્‍દ્રમાં છે. પણ તેમાં સામસામા અંતિમો જોવા મળે છે. ‘મિ‍ન્ત્રા’ જેવા કિસ્સે તે વધુ પડતી અને હાસ્યાસ્પદ લાગે એવી છે, તો હાથરસના કિસ્સામાં તેનો સદંતર અભાવ જોવા મળે છે. નારીવાદી વલણ ધરાવવું અલગ વાત છે, અને મહિલાઓના મુદ્દે સંવેદનશીલતા દાખવવી જુદી બાબત છે. ‘મિન્‍ત્રા’ જેવા મુદ્દે એક મહિલાએ બતાવેલી જાગૃતિ નોંધપાત્ર કહી શકાય એવી છે, જ્યારે હાથરસના મામલે અને નાગપુરના આરોપીના કિસ્સે સત્તાતંત્ર તેમજ ન્યાયતંત્રનું વલણ અત્યંત ચિંતાજનક છે. ગર્ભનિરોધક સાધનો કે માસિકસ્રાવ સંબંધી ઉત્પાદનોની પારિવારિક ગણાતા ટી.વી.ના માધ્યમ પર વધતી જતી જાહેરખબરો જોઇને પ્રગતિશીલતાનો અહેસાસ થાય. બીજી તરફ ઓ.ટી.ટી. પ્લેટફોર્મ પરની વેબસિરીઝ કે ફિલ્મોમાં કોઈ પણ પાત્રના મોંએ અચાનક મૂકાતી મહિલાજનનાંગોને લગતી ગાળો સાંભળીને સાંસ્કૃતિક અને માનસિક પછાતપણું છાપરે ચડીને પોકારતું જણાય. હકીકત એ છે કે એક નાગરિક તરીકે જાહેરમાં આપણે ગમે એ દેખાડો કરતા હોઇએ, સમગ્રપણે આપણી સામાજિક માનસિકતામાં ભાગ્યે જ કશો ફરક પડેલો જણાય છે. સત્તાતંત્ર પણ આપણી જ માનસિકતાનું પ્રતિબિંબ પાડે છે. આ બાબતે સજાગ અને સભાન બનવાની સાથોસાથ વધુ સંવેદનશીલ બનવાની એક નાગરિક તરીકે જરૂર છે. તેનો આરંભ જાતથી અને પરિવારથી થાય તો જ લાંબે ગાળે એ સામૂહિક લક્ષણ બની શકે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૪-૦૨–૨૦૨૧ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


સંપાદકીય નોંધ – બન્ને સાંદર્ભિક તસવીરો નેટ પરથી સાભાર લીધેલ છે. તેમના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.