નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ-૨

‘એ કામ ભગવાન કરતાં તમારો દીકરો સારી રીતે કરી શક્યો હોત’

નલિન શાહ

માનસી અને પરાગ અમેરિકાના શહેર હ્યુસ્ટનના ટેક્સાસ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટનાં છાત્ર હતાં. માનસી ફિઝિશિયન થવા માંગતી હતી અને પરાગ સર્જન. માનસીનાં મા-બાપ નાનપણમાં જ ગુજરી ગયાં હતાં. ગરીબ પરિવારમાં જન્મેલી માનસીનો ઉછેર નર્સની નોકરી કરતી એની નાનીએ કર્યો હતો. માનસીને અમેરિકામાં ભણાવવાનું નાનીનું સપનું હતું અને એ સાકાર કરવા એમણે એમની ખૂન પસીનાની કમાઈ સોંપી દીધી હતી.

પરાગ શ્રીમંત કુટુંબનો એક માત્ર વારસ હતો. પિતા હયાત નહોતા પણ માએ કદી એને પૈસાનો અભાવ અનુભવવા દીધો ન હતો. અભણ અને આડંબરમાં રાચતી એની મા ધનલક્ષ્મીની એક જ આકાંક્ષા હતી કે પરાગ અમેરિકાથી મોટો ડૉક્ટર થઈને આવે અને ખૂબ કમાઈને કોઈ શ્રીમંત કુટુંબમાં લગ્ન કરે અને એમને મોટાઈનું પ્રદર્શન કરવાનો મોકો પ્રદાન થાય.

માનસી સ્વરૂપવાન હતી તો પરાગનું વ્યક્તિત્વ પણ આકર્ષક હતું. સિમલામાં ભણેલા પરાગનું વાક્ચાતુર્ય પણ નોંધપાત્ર હતું. પહેલી જ દૃષ્ટિએ માનસીના પ્રેમમાં પડ્યો હતો. ક્યારેક ક્યારેક એ સિફતથી માનસીને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. માનસી સ્વમાની હતી અને પરાગની મદદ લેવાના પ્રસંગો ટાળતી, પણ નમ્રતાનો ડોળ કરી શબ્દોની જાળમાં બાંધી એને મનાવી લેતો.

પાંચ વર્ષના વસવાટ દરમિયાન બંને વચ્ચે સારી એવી ઘનિષ્ટતા થઈ હતી. આખરે જ્યારે પરાગે લગ્નનો પ્રસ્તાવ મુક્યો ત્યારે માનસી અસંમજસમાં પડી ગઈ. પરાગનો પારિવારિક શ્રીમંતાઈનો એને મોહ નહોતો અને નહોતી એ વ્યાવસાયિક રીતે સ્થાઈ થયા વગર લગ્નનાં બંધનમાં બંધાવા માંગતી હતી. જો કે એ સત્યાવીસ વરસની ઉંમરે પહોંચી ગઈ તો પણ કેવળ નાનીની આકાંક્ષા પૂરી કરવા નાનીની રજામંદીથી લગ્નનો પ્રસ્તાવ મંજૂર કર્યો. નાની એનું સર્વસ્વ હતી. નાનાનું ઋણ તો એ જિંદગીમાં કદી ચૂકવી શકે તેમ નહોતી.

નાનીના પત્રો છેલ્લા કેટલાક મહિનાથી ફિલોમિના હસ્તક લખાયેલા આવતા હતા. ફિલોમિના નાનીના હાથ નીચે નર્સિગનું શિક્ષણ પામી હતી. એ નાનીની માનીતી હતી અને એટલે નાનીએ એને દીકરીની જેમ રાખતાં માનસીની ગેરહાજરીમાં એ નાનીનો બુઢાપાનો સહારો હતી. છેલ્લા પત્રમાં એને લખ્યુ હતું કે હવે નાનીની તબિયત કથળી ગઈ છે અને માનસીનો સુખી સંસાર જોવાની આશામાં ટકી રહ્યાં હતાં. એ વાંચીને માનસીએ લગ્નની મંજૂરી આપી હતી, તે પણ કેવળ નાનીની હાજરીમાં કરવાની શરતે. પરાગે સ્વદેશ પાછા ફરી પહેલું કામ માનસીની નાનીને મળી એમને પ્રભાવિત કરવાનું કર્યું. માનસીના આવવાને હજી છ-સાત મહિનાની વાર હતી. નાનીની તબિયત લથડી પડી હોવાથી એ આતુરતાથી માનસીની પ્રતીક્ષા કરતાં રહ્યાં.

માનસી આવી ત્યારે નાની પથારીવશ હતી. નાનીને ઊંડે ઊંડે શંકા હતી કે આ એની છેલ્લી બીમારી હશે. માનસી આવી, કેવળ નાનીના સંતોષ ખાતર તરત જ લગ્ન લેવાનું નક્કી કર્યું. પરાગે હનિમૂન માટે કાશ્મીર જવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે માનસીએ કચવાતા મને મંજૂરી આપી. ‘પ્લેનમાં જઈશું અને આવીશું એટલે ચાર દિવસથી વધુ નહીં થાય’. પરાગે આશ્વાસન આપ્યું. પણ નાની અચાનક કોમામાં સરી જવાથી બધો પ્લાન ખોરવાઈ ગયો. માનસી નાનીનું બિછાનું છોડવા તૈયાર નહોતી.

ન્યુરોલોજીસ્ટને કન્સલ્ટ કર્યા હતા અને જરૂરી ટેસ્ટ પણ થઈ ગયા હોવાથી હોસ્પિટલમાં રાખવાની કોઈ ખાસ જરૂર નહોતી જણાતી અને તે પણ ડૉક્ટર અને નર્સ તરીકે માનસી અને ફિલોમિના હાજર હોવાથી સીત્તેર વટાવી ચૂકેલાં નાનીની બચવાની આશા નહીંવત્ હતી એ માનસી જાણતી હતી છતાં એણે આશા ના છોડી હનીમૂન પર જવા માટે ઉત્સુક પરાગ કોઈ પણ ભોગે માનસીને નાનીની બીમારીની ચિંતામાંથી મુક્ત કરવા માંગતો હતો. બહુ વિચારીને માનસીનો નિસ્તેજ ચહેરો જોઈને એણે એનો પ્રસ્તાવ મૂકવાની હિમ્મત કરી, ‘તું બહુ થાકી ગઈ લાગે છે. ચાલ જરા બહાર ગાડીમાં આંટો મારી આવીએ. ફિલુ અહીં બેઠી છે, કોફી પીને આવી જઈશું.’ માનસી કમને ઊઠી, સાડી સંકોરી વાળમાં કાંસકો ફેરવ્યો અને બહાર નીકળી.

રેસ્ટોરામાં કોફી પીતાં પીતાં પરાગે સાહજિક રીતે પૂછ્યું, ‘હવે કાશ્મીરનું શું થશે? હોટેલનું બુકીંગ પણ થઈ ગયું છે.’

‘કાશ્મીર તો બે મહિના પછી પણ હશે પણ માની કદાચ…’ એ વધુ આગળ ના બોલી શકી.

‘માનસી, તને ખોટું ના લાગે તો એક વાત કહું?’

માનસીએ જવાબ ના આપ્યો. પરાગ આગળ બોલ્યો,

‘એક ડૉક્ટર તરીકે તું જાણે છે કે હવે બધા પ્રયત્નો વ્યર્થ છે. બે દિવસ કે બે મહિના અંત તો નિશ્ચિત છે.’

‘કેમ કોઈ ચમત્કાર ન થઈ શકે?’ માનસી દૃઢતાથી બોલી.

‘એ તો લાખોમાં એક જેવી વાત કહેવાય.’

‘મારી નાની પણ લાખોમાં એક છે.’

‘એ તારો પ્રેમ બોલાવે છે, તારા મેડીકલ સાયન્સનું જ્ઞાન નહીં.’

‘તો બીજો ઉપાય પણ શું છે?’

‘છે’ પરાગ ધીરેથી બોલ્યો. ‘જો તું પ્રેક્ટીકલ વિચાર કરે તો.’

‘હું કાંઈ સમજી નહીં.’

‘હું એમ કહેવા માંગું છું કે જો અંત નિશ્ચિત હોય તો આ બધા ફાફા મારવાનો શું અર્થ? હું કેવળ તારી નાનીની વાત નથી કરતો. મારી મા હોત તો પણ મેં એમ જ વિચાર્યું હોત.’

‘એટલે?’ માનસીએ વિસ્મયતાથી પૂછ્યું.

‘એટલે…એટલે…’ પરાગ અચકાતાં અચકાતાં બોલ્યો.

‘હું એમ કહેવા માંગુ છું કે એક ઇન્જેક્ષનથી નાનીનો યાતનામાંથી છૂટકારો થઈ જાય. હું મર્સી કિલીંગની વાત કરું છું. ડેથ સર્ટીફિકેટની વ્યવસ્થા બહુ સહેલાઈથી થશે.’

‘તું…તું…શું બોલ્યો!!!’ માનસીની આંખો ફાટી ગઈ, ચહેરો તમતમી ગયો, ‘તું મારી નાનીને મોત આપવા માંગે છે ને, તારી જનેતા માટે પણ આવું વિચારી શકે છે!’ ‘તું મને સમજતી નથી, હું કેવળ બીમારને જીવલેણ બીમારીની યાતનાઓમાંથી છૂટકારો આપવાની વાત કરું છું.’

માનસી અવાચક થઈ પરાગ તરફ જોઈ રહી.

તિરસ્કાર અને ઘૃણાના ભાવ એના ચહેરા પર તરી આવ્યા, ‘તને ચિંતા મારી નાનીની યાતનાની નથી, ચિંતા તારા હનીમૂનની છે.’

‘મારા નહીં, આપણા’

‘તારા, કેવળ તારા, હું કોઈ હનીમૂનના મૂડમાં નથી.મને લાગે છે તું માણસ પણ નથી ને ડૉક્ટર પણ નથી; જો કંઈ હોય તો ફક્ત વાસનાનો ભૂખ્યો અધમ પ્રાણી’ ગુસ્સાથી માનસી તમતમી ઊઠી. બીજી પળે ટેબલ ઉપર માથું ઢાળી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ‘જે નાનીએ મારે ખાતર પોતાની જિંદગી સોંપી દીધી એના મોતનું હું કારણ બનું, મારા શિક્ષણને લજવું? મારા પ્રિયજનનો વિશ્વાસઘાત કરું?’

‘માનસી શાંત થા, તું મને કદાચ બરાબર સમજી નથી.’પરાગ દયામણો થઈને બોલ્યો.

માનસી ખુરશી પાછળ ખસેડી ઊભી થઈ ગઈ, ‘હું સમજી છું, બરાબર સમજી છું, બહુ મોડેથી સમજી છું. તારું આ રૂપ કદી નહોતું કલ્પ્યું’ અને ત્વરિત પગલે રેસ્ટોરાની બહાર નીકળી ગઈ.

‘માનસી ઊભી રહે, હું આવું છું.’

માનસી જવાબ આપ્યા વગર ટેક્સીમાં બેસી ચાલી ગઈ.

આજે જ્યારે સાસુએ ભગવાન પાસે મોત માંગ્યુ ત્યારે એ વીતેલો પ્રસંગ માનસીના માનસ પર ઊપસી આવ્યો અને અનાયાસે બોલાઈ ગયું, ‘એ કામ ભગવાન કરતાં તમારો દીકરો સારી રીતે કરી શક્યો હોત.’

ભૂતકાળ જ્યારે નજર સામે આવીને ઊભો હોય ત્યારે એ વિચારે વ્યથિત થઈ ગઈ કે જિંદગીમાં કેટલી મોટી ભૂલ કરી બેઠી હતી. લગ્નની મંજૂરી આપતી વેળા એણે એની કેવળ નાનીની ખુશી સર્વોપરી સમજી, પોતાનાં ભવિષ્યનો વિચાર ના કર્યો.

એની માની જેમ માનસી પણ એના માતા-પિતાનું એક માત્ર સંતાન હતી. પિતા રેલ્વેમાં નોકરી કરતાં હોઈ ઘણું ખરું બહાર રહેવું પડતું. મા સ્કૂલમાં શિક્ષિકા હતી. નાની મુંબઈની ગર્વર્નમેન્ટ હોસ્પિટલ કે.ઈ.એમમાં હેડ નર્સ હતાં. ઘણું ખરું નાઇટ-ડ્યૂટી કરી દિવસમાં માની ગેરહાજરીમાં નાની માનસીની દેખરેખ રાખતાં.

જ્યારે માનસી પાંચ વર્ષની હતી ત્યારે એની મા ઘરમાં મામૂલી કામ કરતાં એ થાકી જતાં હતાં. સ્કૂલનો એક દાદરો ચઢતા પણ હાંફી જતાં હતાં. જ્યારે નાનીએ અંતે હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું ત્યારે ખબર પડી કે એના હાર્ટના નીચેના ભાગમાં એક કાણું હતું જેને મેડીકલ ભાષામાં વેન્ટ્રીઅલ સેપ્ટ્રલ ડીફેક્ટસ કહેવાતું હતું. એ ઓપરેશન કરવામાં જોખમ હતું અને તત્કાળ ન કરવું પણ પાલવે તેમ નહોતું. નાનીએ માનસીના પિતાને બહુ સમજાવ્યા કે નહીંવત્ ખર્ચામાં કે.ઈ.એમ.માં એ ઓપરેશન કરાવે. ખર્ચા કરતાં પણ મહત્ત્વનું કારણ એ હતું કે ત્યાંના સર્જન ડૉક્ટર પી.કે.સેન બહુ જ કાબેલ અને ખ્યાતનામ સર્જન હતા. પણ પિતા માન્યા નહીં. જો કાબેલ અને ખ્યાતનામ સર્જન હોય તો પ્રાઈવેટ પ્રેક્ટિસમાં લાખો કમાવાનું છોડીને સરકારી નોકરી પર નિર્વાહ કરે?

નાનીની વાત સાચી છતાં માનવામાં ન આવે એવી હતી. પણ પ્રાઈવેટમાં ઓપરેશન કરાવવામાં પણ મુશ્કેલી હતી. સાડી ચારસોનો પગાર મેળવતા માનસીના પિતા માટે પીસ્તાળીસથી પચાસ હજાર રૂપિયાની વ્યવસ્થા કરવાની કોઈ ગુંજાઈશ નહોતી. નાની તો દીકરીની જિંદગી બચાવવા સર્વસ્વ સોંપી દેવા તૈયાર હતી પણ એની પાસે બચતમાં વહાલ સિવાય કશું નહોતું અને વહાલ નથી વેચાતું કે નથી ખરીદાતું. જે ગણ્યાગાંઠ્યા સર્જનો હતા એમને માટે તો પેશન્ટની લાચારી રોજની બાબત હતી. એમને માટે તો ‘વર મરો કે કન્યા મરો પણ ગોરનું તરભાણુ ભરો’ જેવી બાબત હતી. જેણે કેવળ પૈસા કમાવવા વ્યવસાય અપનાવ્યો હતો એવા ડૉક્ટરો માટે હિપોક્રિટસ સોગંધવિધિ કેવળ જરૂરી વિધિ માત્ર હતી. વ્યાવસાયિક જિંદગીમાં એનું કોઈ મહત્ત્વ નહોતું ને વર્ષે વર્ષે એવા ડૉક્ટરની સંખ્યા વધતી જતી હતી. જે એક જમાનામાં ભગવાન કહેવાતા હતા, એ હવે કસાઈનું બિરુદ પામી રહ્યા હતા. એટલે માનસીના પિતાની શંકા સાહજિક હતી કે કેવળ સરકારી હોસ્પિટલની નોકરીમાં નિર્વાહ કરનારા કોઈ ‘ભગવાન’ અસ્તિત્વમાં હોઈ શકે ખરા!

પૈસા ઓપરેશન પહેલાં ભરવાના હોઈ માનસીના પિતાએ સંકોચ છોડી ઘણા સામે હાથ ફેલાવ્યા. મિત્રોએ પણ બને તેટલી મદદ કરી, પણ એ પત્નીની જિંદગી બચાવી ના શક્યા. માનું અકાળે મૃત્યુ અને પિતાએ કરેલો સંઘર્ષ પાંચ વરસની માનસીનાં મન પર કારમો ઘા કરી ગયું.

દેવું ચૂકવવા માનસીના પિતાએ ફુરસદના સમયે બહારનાં નાનાં મોટાં કામો કર્યાં જે થકી કમાણીમાં વધારો થઈ શકે. ઘણે ખરે અંશે સફળ પણ થયા પણ એ બધું એમના સ્વાસ્થ્યના ભોગે. રેલ્વેમાં પ્રચલિત એવી લાંચની પ્રથાનું અનુસરણ એમના સ્વભાવની વિરુદ્ધ હતું. માનસી જ્યારે સમજણી થઈ ત્યારે નાની ઘણીવાર એના પિતાના ભોગની વાત એના મગજ પર ગર્વથી કસાવતી હતી. માનાં મરણનાં એક વર્ષની અંદર માનસીના પિતાનું પણ રેલ્વે અકસ્માતમાં મોત થયું જ્યારે એની આખરી ઘડી ગણાતી હતી ત્યારે માનસીની નાનીને એમણે કહ્યું કે ‘મોત તો મારુ જન્મથી જ નિર્માણ થયું હશે પણ જે સંજોગોમાં થયું એનો મને આનંદ છે. જે વળતર મળશે એ બાકીનું દેવું મૂકવવાને કારણે માનસીનાં શિક્ષણમાં બહુ ઉપયોગી થઈ પડશે.’

ડ્યુટી પર થયેલા એક્સિડન્ટનું વળતર અને પ્રોવિડન ફંડમાંથી દેવું ભરપાઈ કરીને વધેલા પૈસા નાનીએ લાંબા ગાળાના ફિક્સ ડિપોઝિટમાં મૂકી દીધા જે માનસીને યોગ્ય સમયે શિક્ષણ માટે કામ આવે.

માની બીમારી, પિતાની વ્યથા અને જનરલ હોસ્પિટલમાં ગરીબ અને લાચાર દર્દીઓની સેવામાં કાર્યરત એની નાની સાથે ગાળેલી અસંખ્ય પળો માનસીનાં માનસ ઉપર અંકિત થઈ ગઈ હતી. નાનીને એક જ આકાંક્ષા હતી કે માનસી ભવિષ્યમાં ડૉક્ટર થઈ, સાચા અર્થમાં ભગવાન સાબિત થાય. દુનિયાના નિયમોને બદલે એના અંતરાત્માને અનુસરે.

જ્યારે માનસીને મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું ત્યારે નાનીએ હોસ્પિટલની નોકરી છોડી ધનવાન પેશન્ટ્સને ઘેર નાઈટ ડ્યુટીનું કામ સ્વીકાર્યું. કેવળ વધારે મહેનતાણાની લાલચે માનસીનું ભવિષ્ય જ હવે એમના અસ્તિત્વનું કેન્દ્રબિન્દુ હતું. જ્યારે માનસીએ એમ.બી.બી.એસ. થઈને હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ શરૂ કરી ત્યારે નાની ફૂલ્યાં ન સમાયાં. યાતનાઓ વિસરાઈ ગઈ, નાનીની આકાંક્ષા માનસીને હૃદયરોગની નિષ્ણાંત બનાવવા અમેરિકા મોકલવી હતી. પિતાની મૂડીનું વર્ષો પહેલાં કરેલું રોકાણ ઉપરાંત કેટલાક ધનાઢ્ય પેશન્ટ્સ સાથે જાળવેલા સંબંધોનો નાનીએ વગર સંકોચે ઉપયોગ કર્યો અને અમેરિકામાં ભણવાની જોગવાઈ કરી.

વિદાયવેળાએ નાનીએ માનસીને ગળે લગાડી માથે હાથ મૂક્યો, ‘પ્રભુને એક જ પ્રાર્થના છે કે તું ભણેલું સાર્થક કરે અને જિંદગીમાં ઠરીઠામ થાય પછી મારે જીવ્યાનું કોઈ પ્રયોજન ના રહે.’

‘કેમ મારી આકાંક્ષા પૂરી ના કરો?’

‘કઈ આકાંક્ષા?’ નાનીએ વિસ્મયથી પૂછયું.

‘તમે આખી જિંદગી મારા માટે ઝઝૂમ્યાં છો.’

માનસીએ શરારતભર્યા લહેજામાં કહ્યું, ‘હવે તમે આરામ કરો, હિંચકે મ્હાલો, વગર માગ્યે તમારી સેવામાં બધું હાજર થાય. મારી મોટરમાં મંદિર જાઓ અને પ્રભુનો પાડ માનો.’

સાંભળીને નાની ગંભીર ના રહી શક્યાં. ‘કેમ તને વળી, પ્રભુ ક્યાંથી સાંભર્યા? તું તો કદી મંદિરે જતી નથી?’

‘પ્રભુને શોધવા મંદિર જવાની જરૂર નથી.’ માનસી હસીને બોલી ‘તમને જોઈને સમજી શકું છું કે પ્રભુ કેવા હશે.’


ક્રમશ: – પ્રકરણ-3

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.