સત્યજિત રાયની સૃષ્ટિ – ૧૩ – નાયક

ભગવાન થાવરાણી

ફિલ્મ ચારૂલતા વાળા આઠમા મણકામાં આપણે સત્યજિત રાયની ફિલ્મ-સર્જક તરીકેની મહાનતા સંદર્ભે એમના માટે AUTEUR શબ્દ-પ્રયોગ કરેલો. AUTHOR ઉપરથી ઉતરી આવેલા અને વિશેષ કરીને ફિલ્મ-સર્જકો માટે વપરાતા આ વિશેષણનો અર્થ થાય છે એક બહુ-આયામી સંપૂર્ણ ફિલ્મકાર, જે ફિલ્મ-સર્જનના દરેક પાસા (એટલે કે દિગ્દર્શન ઉપરાંત કથા-પટકથા-સંવાદ, ફિલ્માંકન, સંકલન, કલા-નિર્દેશન, દ્રષ્ય-આયોજન, સંગીત વગેરે) ને એ હદે પ્રભાવિત કરે કે જાણે એ જ સમગ્ર ફિલ્મનો લેખક હોય, સમગ્ર ફિલ્મ ઉપર એમનો એકમેવ સિક્કો હોય. ફિલ્મના દિગ્દર્શન ઉપરાંતના પાસામાં નામ ભલે અન્ય કોઈકના હોય, અસર એમની જ હોય. ફિલ્મ-સર્જનના દરેક ક્ષેત્રે રાયના  ‘હસ્તક્ષેપ’ના કારણે કેટલાક ખરા અર્થમાં પ્રતિભાશાળી સાથીઓ – કેમેરામેન સુબ્રત મિત્રા, સંગીતકાર અલી અકબર ખાન – ને એમની સાથે ફાવ્યું નહીં. રાય ઉપરાંત આવા વિશ્વ-સિનેમાના AUTEURS માં ક્રિસ્ટોફર નોલાન, માર્ટીન સ્કોર્સીસ, ફેડ્રીકો ફેલીની, વૂડી એલન, માઈકલેંજેલો એંતોનિયોની, અકીરા કુરોસાવા, ઈંગમાર બર્ગમેન, બર્નાર્ડો બારતોલૂચી,  યાસુજીરો ઓઝૂ, આંદ્રે તારકોવ્સ્કી અને ફ્રાંસ્વા ત્રૂફોના નામ માનભેર લઈ શકાય. આપણા રાજકપૂર પણ કંઈક અંશે આ વ્યાખ્યામાં આવે. હા, રહસ્યકથાઓ અને થ્રીલરના બેતાજ બાદશાહ આલ્ફ્રેડ હિચકોકને તો આ યાદીમાં કેમ ભૂલાય ! સર્વકાલીન મહાન ફિલ્મોમાં આદરભેર કાયમી સ્થાન ધરાવતી એમની ફિલ્મ VERTIGO (1958) વિષે એમણે કહેલું કે ‘ એ ફિલ્મમાં બધું જ મેં નક્કી કરેલું. ફિલ્મમાં તમે પીળી ફોક્સવેગન કાર રોડ ઉપરથી પસાર થતી જુઓ તો તમને કહી દઉં કે ફોક્સવેગન એ મારી પસંદ છે અને એનો પીળો કલર પણ મેં જ નક્કી કર્યો છે !’

આજની ફિલ્મ નાયક ( ૧૯૬૬ ) આ શ્રુંખલાની તેરમી ફિલ્મ. યોગાનુયોગ, રાયની સર્જક તરીકેની પણ આ તેરમી ફીચર ફિલ્મ. એમની પોતાની જ વાર્તા હોય એવી કેવળ ત્રણ ફિલ્મોમાંની આ કાંચનજંઘા પછીની બીજી ફિલ્મ. આપણે ગત હપ્તે ચર્ચી એ કાંચનજંઘા અને આજની ફિલ્મ નાયક દરમિયાન રાયે અભિજાન (૬૨ – આ શ્રેણીમાં સમાવિષ્ટ નથી), મહાનગર (૬૩ – ચર્ચી ગયા), ચારૂલતા (૬૪ – ચર્ચી ગયા) અને કાપુરુષ-ઓ-મહાપુરુષ (૬૫ – આ શ્રેણીમાં સમાવિષ્ટ નથી) બનાવી. હવે પછીના બે મણકાઓમાં એમની વધુ બે ફિલ્મો આશાનિ સંકેત ( ૧૯૭૩ ) અને છેલ્લે પથેર પાંચાલી ( ૧૯૫૫ ) વિષે વાત કરીને વિરમીશું. 

રાય જ્યારે ફિલ્મની વાર્તા પોતે લખતા ત્યારે પહેલેથી જ કઈ ભૂમિકા કોણ ભજવશે એનો ચિતાર એમના મનમાં રહેતો. ‘ નાયક ‘ ના લેખન વખતે એમના મનમાં કેંદ્રીય ભૂમિકા માટે માત્ર અને માત્ર ઉત્તમ કુમાર હતા. એ મહાન કલાકાર હતા એ માટે નહીં, પણ વાર્તાના નાયક અરિંદમ મુખર્જીની જેમ એ પણ વાસ્તવમાં બંગાળી ફિલ્મોના મહાનાયક હતા એટલે ! ઉત્તમ કુમાર જ્યારે માત્ર ૫૩ વર્ષની વયે ૨૦૦ બંગાળી અને ૮ હિંદી ફિલ્મો કરી સદ્ગતિ પામ્યા ત્યારે રાયે એમની સાથેના અનુભવો અંગે કહેલું ‘ મારી બન્ને ફિલ્મો (રાયની ચિડીયાખાના માં પણ એ હતા) દરમિયાન ભાગ્યે જ એવું બનેલું કે મારે એમને કોઈ દ્રશ્યનું વિશ્લેષણ કરીને સમજાવવા પડ્યા હોય.  એ સતત પોતાના કામ પ્રત્યેના સમર્પણ અને અભિનયની કુદરતી બક્ષિશને કારણે મને ચકિત કરતા રહેતા ! જાણે એમના ચરિત્રને ઘોળીને પી ગયા હોય ! ‘ (કલકતામાં ઉત્તમ કુમારના નામનો એક રોડ અને મેટ્રો સ્ટેશન પણ છે.)

નાયક ફિલ્મમાં આખી વાત માત્ર ચોવીસ કલાકની કલકત્તાથી દિલ્હીની ટ્રેન મુસાફરીની છે. નાયક અરિંદમ મજબૂરન એ મુસાફરી કરે છે કારણકે છેલ્લી ઘડીએ દિલ્હી કોઈક પ્રતિષ્ઠિત પુરસ્કાર જાતે લેવા જવાનું નક્કી કર્યું હોવાથી હવાઈ ટિકિટ નથી મળી. પણ કેવું-કેવું બને છે આ એકદિવસીય પ્રવાસ દરમિયાન !  મુસાફરીના વર્તમાન સહપ્રવાસીઓ ઉપરાંત સાત ફ્લેશબેક અને બે સ્વપ્નોમાં આવતા જીવનના અન્ય સાથીઓના પરિચય દ્વારા રાય જે મુસાફરી દર્શકોને કરાવે છે એ અપ્રતિમ છે ! આ મુસાફરી એટલે જાણે જીવન સ્વયં હાજરાહજૂર ! એ અવધિ દરમિયાન, ઉપરથી સફળ લાગતા આ મહાનાયકના જીવનની નિષ્ફળતાઓ, હતાશાઓ, પસ્તાવાઓ, સ્ખલનો, એકલતા, દ્રોહ અને માનવીય લોલુપતા જે રીતે ઉઘાડ પામે છે એ આઘાત પમાડનારી છે અને સામાન્ય દર્શકને પ્રતીતિ કરાવનારી પણ કે આ કહેવાતો મહાનાયક એના જીવનના અને ટ્રેનના મારા-તમારા જેવા સહપ્રવાસીઓ જેવો જ એક સરેરાશ ઈંસાન છે ! ઉપરછલ્લો આત્મવિશ્વાસથી છલકાતો નાયક ફિલ્મમાં હસે છે, રડે છે, કરગરે છે. એ ભયભીત છે, દ્વેશીલો છે, નિર્દય છે, બાદશાહ છે, ફકીર છે, મહત્વાકાંક્ષી છે, ડરપોક છે, રોમાંટિક  છે અને નાસીપાસ પણ છે અને આ બધું ઉજાગર થાય છે ફિલ્મની નાયિકા અદિતિ સેનગુપ્તા (શર્મિલા ટાગોર)ના માધ્યમ દ્વારા ! 

ફિલ્મમાંથી પસાર થઈએ. 

અરિંદમ મુખર્જી રેલવે પ્રવાસ માટે વસ્તુઓ પેક કરી રહ્યો છે. એ સુપર સ્ટારની એક પણ ફિલ્મ હજૂ સુધી નિષ્ફળ ગઈ નથી. એ એકલો અને અપરિણિત છે. એનો મિત્ર – કમ – સેક્રેટરી જ્યોતિ (નિર્મલ ઘોષ) એના દિલ્હી આગમનની જાણ લાગતા-વળગતાને ફોન કરીને કરી રહ્યો છે. અરિંદમ કહે છે, મારે તો ઘરેડમાંથી છટકવું છે. ટ્રેનમાં ઊંઘની ગોળીઓ ખાઈને સૂતો રહીશ. એની જે છેલ્લી ફિલ્મ રિલીઝ થઈ છે એના પ્રાથમિક બોક્સ ઓફિસ રિપોર્ટ બહુ ઉત્સાહવર્ધક નથી. અધૂરામાં પુરુ, અરિંદમે એક ક્લબમાં કરેલી મારામારી વિષે પણ આજના છાપાઓમાં છપાયું છે. 

મારવાડી નિર્માતા હીરાલાલ અરિંદમને પોતાની નવી ફિલ્મ માટે કરારબદ્ધ કરવા ઘરે રુપિયા લઈને પધાર્યા છે. એ અરિંદમની ચાપલૂસી કરી એડવાંસ લઈ લેવા કાલાવાલા કરે છે. અરિંદમ એમને પોતાના છાપાવાળા પરાક્રમની વાત કરે છે અને ‘ તમારી ફિલ્મ વિષે પછી જોઈશું ‘ કહી એમને વિદાય કરે છે. એની નવી ફિલ્મની હીરોઈન પ્રોમિલા (સુમીતા સાન્યાલ)નો ફોન આવે છે. એ પેલી મારામારી અંગે કોઈક ખુલાસો કરવા માંગે છે પણ અરિંદમ રુક્ષતાથી એની વાત કાપી નાંખે છે.

હાવડા રેલવે સ્ટેશન. AC એકસ્પ્રેસ દિલ્હી જવા માટે તૈયાર ઊભી છે. લોકો મહાનાયકને પોતાના સહપ્રવાસી તરીકે ભાળી ઉત્તેજિત છે. અરિંદમ વાળા ફસ્ટ ક્લાસ કૂપેમાં ઉધ્યોગપતિ હરેન બોઝ (રણજીત સેન), એમના પત્ની મનોરમા (ભારતી દેવી) અને તાવથી પીડાતી એમની કિશોરી પુત્રી બુલબુલ (લાલી ચૌધરી) છે. બાજૂના કૂપેમાં પબ્લીસીટીના વ્યવસાયી પ્રિતીષ સરકાર (કામૂ મુખર્જી), એમની મહત્વાકાંક્ષી અને ખૂબસુરત પત્ની મોલી (સુસ્મિતા મુખર્જી) અને WWWW નામના ધાર્મિક સંપ્રદાયના દંભી સ્વામી (સત્યા બેનર્જી) છે. અન્ય એક કૂપેમાં વયોવૃદ્ધ અને મરજાદી ચોખલિયા અઘોર ચેટર્જી (જોગેશ ચેટર્જી) છે. બાજુની એસી ચેર કારમાં આધુનિકા નામના ઉગતા સ્ત્રી મેગેઝીનમાં નવયુવાન અને અપરિણિત તંત્રી અદિતિ (શર્મીલા), એની બહેનપણી સેફાલિકા (જમુના સિંહા) અને એનો પતિ અજય (સુબ્રત સેનશર્મા) છે. પ્રિતીષ સરકારનો પ્રવાસનો છુપો મકસદ છે, સાથે પ્રવાસ કરતા હરેન બોઝને ગમે તે રીતે પટાવીને એમના ઉધ્યોગ સામ્રાજ્યનો પબ્લીસીટી કોંટ્રાક્ટ હસ્તગત કરવો, પોતાની વાક્પટુતા ઉપરાંત પત્ની મોલીનો  ‘ ઉપયોગ ‘ કરવો પડે તો પણ !

કંડક્ટર અરિંદમને માનભેર એમના કૂપે સુધી મૂકી જાય છે. એ એમને વિનંતી કરે છે કે બુઢ્ઢા અઘોર ચેટર્જીને રાજી કરવા એમને જરાક મોઢું દેખાડી દે ! અઘોર ફિલ્મો અને ફિલ્મ સ્ટારોના કટ્ટર વિરોધી છે અને એમની શરાબખોરીના પણ ! અરિંદમ એમને આશ્વાસન આપે છે કે એ પીવાનો તો છે પણ એનો કૂપે અલગ છે ! હરેન બાબૂ અરિંદમને પોતાના કૂપેમાં પ્રવેશતો જોઈને પત્નીના કાનમાં કહે છે કે આ ક્યાં અહીં આવ્યો ! આજના છાપામાં જ એણે કરેલા પરાક્રમના સમાચાર છે. ઉપરની બર્થ ઉપર એમની બીમાર પુત્રી બુલબુલ છે જે અરિંદમની ગાંડી ચાહક છે. એણે એની બધી ફિલ્મો જોઈ છે ! અરિંદમ પ્રવેશતાંવેંત હરેન બાબૂથી કેમેય ન ખૂલતું સ્ક્વોશ બોટલનું ઢાંકણું આસાનીથી ખોલી આપી બુલબુલ અને એની માના દિલ જીતી લે છે ! આને કહેવાય હીરો ! 

અરિંદમના પ્રશંસકોના શોર વચ્ચે ટ્રેન ઉપડે છે. 

હરેન બાબૂ પાઈપ પીતાં-પીતાં પોતાનો રુતબો અને જ્ઞાન પુરવાર કરવા, અમેરિકા અને જાપાનના ફિલ્મોધ્યોગે ભરેલી હરણફાળની વાત કરે છે. ‘ આપણા ફિલ્મકારોએ ગુણવત્તાની દરકાર જ ન કરી. બસ વધુ ફિલ્મો, વધુ ગંદકી. ‘  ‘ હા. એટલે જ તો કુટુંબ નિયોજન જરૂરી છે. મજાકમાં કહી, ઊભો થઈ અરિંદમ ડાઈનીંગ કારમાં ચાલ્યો જાય છે. 

ત્યાં અદિતિ, એની સખી અને એનો પતિ પહેલેથી બેઠા છે. અદિતિનું મેગેઝીન સરસ છે પણ બહુ ચાલતું નથી. થોડીક જાહેરાતો ઉપર નભે છે. સેફાલિકા કહે છે, ‘ મારા પતિની બહુ ઓળખાણો છે. તને થોડાક ગ્રાહકો અપાવશે.’ અદિતિ પોતે દિલ્હી કોઈક સરકારી ગ્રાંટ માટે જાય છે. અરિંદમને આવતો જોઈ સેફાલિકા ઉત્સાહથી બૂમ પાડી ઊઠે છે. અદિતિ પણ એને ઓળખે છે પણ એને એનામાં ઝાઝો રસ નથી. ‘મેં એમની એક-બે ફિલ્મો જોઈ છે. સારા કલાકાર છે. આજના છાપામાં એમના વિષે છપાયું છે.’ એ ઊભી થઈ અરિંદમના ઓટોગ્રાફ લે છે પણ સાથે સાથે સણસણતી સ્પષ્ટતા કરે છે કે આ તો મારી ભાણી માટે છે ! અરિંદમ કટાક્ષ કરે છે કે હા, તમે તો બંગાળી ફિલ્મો ન જ જુઓ ને ! અદિતિ નિર્લેપ છે, લગભગ અવગણના સમીપે ! કોઈ મોટી પ્રતિભાથી અભિભૂત થવું એની પ્રકૃતિમાં જ નથી. સખીને કહે છે, ‘નાયકો કંઈ ઉપરથી ઉતરી આવ્યા ન હોય. એ સર્વગુણસંપન્ન પણ ન હોય.’ પતિ કહે છે, ‘અરિંદમ તો આધુનિક કનૈયો છે. કાયમ ગોપીઓથી ઘેરાયેલો.’

ડાઈનીંગ કારમાં હરેન બાબૂ વેઈટર ઉપર રોફ મારે છે. ‘દાર્જિલિંગ આ રહ્યું અને તમે ટ્રેનમાં ત્યાંની ચા પણ ન રાખો ? બિયર પણ નહીં ?’ પ્રિતીષ સરકાર લાગ જોઈ આવીને એમની સામે બેસે છે. એ અહોભાવપૂર્વક હરેન બાબૂની નામના અને ઉપલબ્ધિઓને બિરદાવે છે, પોતાનો પરિચય આપે છે, મોટા માણસોના નામ કહે છે જે પહેલેથી એના ગ્રાહકો છે. હરેન બાબૂ ગૌરવથી કહે છે ‘પુરુષાર્થ શું ન કરી શકે ?’ અને  ‘ભારત જેવા દેશે ટ્રેન સેવાઓમાં ઠીક-ઠીક સુધારો કર્યો છે.’

ચેર કારમાં અદિતિ કોઈક મેગેઝીનમાં અરિંદમ વિષેનો લેખ વાંચીને કહે છે ‘એમણે ખાસ કંઈ સંઘર્ષ કર્યો હોય એવું લાગતું નથી. નસીબદાર છે, બીજું કંઈ નહીં.’ સેફાલિકા કહે છે ‘મોકાનો લાભ લઈને તું એમનો ઈંટર્વ્યુ લે ને ! તારું મેગેઝીન ઉપડશે.’ અદિતિ પોતાના મેગેઝીનને ફિલ્મોથી અળગું રાખવા માંગે છે પણ બહેનપણીની વાત માની લે છે. અરિંદમ પાસે જાય છે ‘બીજી ભાણેજ માટે ઓટોગ્રાફ ?’  ‘ના. તમને વાંધો ન હોય તો તમને થોડાક સવાલો પૂછવા છે.’ એ પોતાની વિગતે ઓળખાણ આપે છે. ‘મારા મેગેઝીન માટે ઈંટર્વ્યુ.’  ‘તમારા જેવા જૂજ અપવાદને બાદ કરતાં મારી જિંદગી વિષે બધા બધું જ જાણે છે.’ ‘હા, પણ તમારા વિષે લખાય છે એ બહુ રસપ્રદ નથી.’ કહી અદિતિ, ‘ આટલી ખ્યાતિ કેવી લાગે છે? આ બધી ઝાકઝમાળ વચ્ચે કોઈ અભાવ લાગે ? કોઈ ખાલીપો ? ‘ જવાબમાં અરિંદમ, ‘તમને બધું સાચેસાચું કહી દઉં તો મારી બોક્સ ઓફિસનું શું થાય? વધારે વાતો કરવાનો કોઈ અર્થ નથી. અમે રહ્યા પડછાયાના પ્રદેશના માણસો અને એ વિષે બધા જાણે તે ઠીક નહીં. જોકે તમને નહીં સમજાય.’  ‘કેમ ? સમજાય છે ને. તમે એવું કેમ ઇચ્છો છો કે કાયમ લોકોની નજરમાં નાયક જ બની રહો ?’ અદિતિને અરિંદમનું વલણ અપમાનજનક લાગે છે. ‘મને ખબર નહોતી, તમારી બોક્સ ઓફિસ આવી તકલાદી હશે. નહીંતર પરેશાન ન કરત.’ બન્ને એકબીજાથી નારાજ થઈ છૂટા પડે છે.

અદિતિ બહેનપણીને કહે છે  ‘ અરિંદમ જેવા લોકો મને એવા નાજુક છોડની યાદ અપાવે છે જેને થોડોક વધુ તડકો કે હવા મળે તો કરમાઈ જાય ! ‘

ડાઈનીંગ કારમાં બોઝ અને સરકાર. બોઝ બળાપો કાઢે છે કે આપણા દેશમાં કલ્પનાશીલતા વિકસી જ નહીં. પ્રીતીષ ‘ તમારા જેવા વિચારવંત ગ્રાહક અમને મળે તો અમે ઘણું બધું કરી દેખાડીએ. ‘ પ્રીતીષની પત્ની મોલી આવે છે. બોઝ એને લોલુપ નજરે તાકી રહે છે. ‘ બંગાળી સ્ત્રીઓ સુંદરતાની પ્રતિકૃતિ હોય છે. પ્રચારના વ્યવસાયમાં તો એ બહુ ચાલે. તમારા પતિને કહોને તમને આ વ્યવસાયમાં લાવે ! આજકાલની સ્ત્રીઓ તો વિમાન ઉડાડે છે, પર્વતો ચડે છે, વાઘનો શિકાર કરે છે અને તમે ગૃહિણી બની બેસી રહેશો ? ‘ સરકાર સમજે છે કે બોઝ એની પત્નીને રમાડે છે પણ એને એ જ જોઈએ છે. 

પોતાના કૂપેમાં અરિંદમ સિગાર પીતાં ધુમાડાના વલયો છોડે છે. ઉપર જાગતી પડેલી કિશોરી બુલબુલ એને મુગ્ધતાથી નીરખે છે. અરિંદમની આંખ મીંચાય છે. એનું સ્વપ્ન :

આકાશમાંથી હજારની નોટોની વર્ષા. નોટોના ઢગલાઓ. અરિંદમ પ્રસન્ન ચિતે એ ઢગલાઓ ઉપર કદમ મૂકતો નોટોને હસરતથી નિહાળે છે. નોટોના મુઠ્ઠા ભરીને ઉછાળે છે. સૌથી ઊંચા ઢગલા ઉપર ચડીને ઊભે છે. સહસા ટેલિફોનની ઘંટડી વાગે છે. એ બહાવરો બની ઘંટડીનો સ્રોત શોધે છે. નોટોના ઢગલામાંથી ઠેકઠેકાણે બહાર નીકળેલા માનવ-કંકાલોના હાથમાં ટેલિફોન ટેકવેલા છે. જોરશોરથી ગાવાના સમૂહ અવાજો. અચાનક એ પોતે નોટોના ઢગલા વચ્ચેની ગર્તામાં ધસી પડે છે. ગરકાવ થવા લાગે છે. બહાર નીકળવાની મથામણ કરે છે. દૂર, એની નાટકની દુનિયાના મિત્ર અને ગુરુ શંકર દા ( સોમેન બોઝ ) નિરાંતે બેઠા છે. ‘ શંકર દા, બચાવો ! ‘ એ બૂમ પાડે છે. શંકર દા રાજવીના વસ્ત્રોમાં છે પરંતુ મૃતાત્મા જેવા દેખાય છે. એમના ચહેરા પરના પોપડા ઉખડી રહ્યા છે. એ ઊભા થઈ, અરિંદમને બચાવવાનો ઉપક્રમ કરતા હોય તેમ હાથ લંબાવે છે પણ પકડતા નથી. અરિંદમ ગર્તામાં ધસી પડે છે અને ઊંઘમાંથી હાંફળા-ફાંફળા જાગી જાય છે. એ ઊઠીને બેસે છે. હાંફે છે. શ્રીમતી બોઝ ‘ શું થયું ? ‘ પૂછે છે.

મજાની વાત એ છે કે કેટલાક વિવેચકોએ આ સ્વપ્ન-પ્રસંગને એક ઉત્કૃષ્ટ દ્રષ્ય તરીકે બિરદાવેલ છે તો વળી કેટલાકે એને સાવ સામાન્ય અને રાયના સ્તરથી ઉતરતું પણ ગણાવ્યું છે ! ફિલ્માંકનની દ્રષ્ટિએ અને હવે પછી આવનારા શંકર દાના ચરિત્રને સમજવા એ ઉપકારક છે એ નિર્વિવાદ છે.

મોલી ડાઈનીંગ કારમાંથી પાછી આવતી રહી એટલે પ્રીતીષ પૂછે છે કે આવા માલેતુજાર મુર્ગા પાસેથી લાભ મેળવવાનો સોનેરી અવસર હતો અને તું આવતી રહી ! તારા સામે જોતો હતો તો શું થઈ ગયું ? એમને તું ગમે છે. તું થોડીક મદદ કર. કોંટ્રાક્ટ મારા ખિસ્સામાં જ છે. એમણે દિલ્હી એમના ઘરે આપણને નિમંત્ર્યા છે. તું થોડોક અભિનય કર. એમને કંપની આપ. આ તો રમત છે. વ્યુહ છે. સમજ. મોલીને પતિની વાત ગમતી નથી. 

ફિલ્માંકનની રીતે વધુ એક ઉત્તમ દ્રષ્ય. ટ્રેન કોઈક નાના સ્ટેશને ઊભે છે. અરિંદમ ઉતરે છે. અદિતિ ટ્રેનની બારીમાંથી એને જુએ છે. ચાવાળો નીકળે છે. અરિંદમ એની પાસેથી કુલ્હડમાં ચા લે છે. એ ટ્રેનમાં બેઠેલી અદિતિને ઇશારાથી ચાની ઓફર કરે છે. અદિતિ હસીને ના પાડે છે. ગાડીની વ્હીસલ. અરિંદમ દોડીને ચડે છે. આખો પ્રસંગ સામાન્ય લાગે ખરો પણ એવું નથી. એ અરિંદમ અને અદિતિ બન્નેના ચરિત્રાંકનમાં કશુંક મહત્વનું ઉમેરે છે અને બન્નેના સંબંધોમાં પેલી કડવાશ પછી કંઈક હકારાત્મક.

અરિંદમ ડાઈનીંગ કારમાં. અદિતિ સામે. ‘ તમારી સાથે બેસવું સારું. તમને મારામાં કે મારા કામમાં દિલચસ્પી નથી એટલે ! એ અદિતિને પોતાના થોડીક વાર પહેલાંના સ્વપ્નની વાત કરે છે. અદિતિ પોતાના પર્સની પાછળ કાગળ રાખી, અરિંદમને ખબર ન પડે એમ બધું લખતી જાય છે. (એ અપ્રતિતિકર છે. સામે જ બેઠેલા માણસને એ લખતી હોય એની ખબર ન પડે એ થોડુંક વધુ પડતું લેખાય !) અરિંદમ એને શંકર દાનો પરિચય આપે છે. ‘શંકર દા નાટકોમાં હતા. હું પણ. એ ફિલ્મોના પ્રખર વિરોધી. મને એમના નાટકોમાં હીરો બનાવતા.’ ફ્લેશબેક. 

જ્યોતિ (અરિંદમનો મિત્ર અને હાલનો સેક્રેટરી) બેઠો છે. નાટકનું રિહર્સલ ચાલે છે. શંકર દા લાલચોળ મુદ્રામાં જ્યોતિને ખખડાવે છે કે તું અરિંદમ માટે ફિલ્મની ઓફર કેમ લઈ આવ્યો ?  અને પછી અરિંદમને  ‘તું મારા નાટકનું સત્યાનાશ વાળવા ઈચ્છે છે ? તારે પૂંછડિયો તારો બનવું છે, મારી પીઠ પાછળ ?’ અરિંદમ ખુલાસા કરે છે પણ શંકર દા અડગ છે. ‘ફિલ્મમાં કળા નથી. ફિલ્મ એક્ટર તો માત્ર કઠપુતળી હોય. બધા અન્યો નચાવે તેમ નાચવાનું. અને પ્રેરણાના મુખ્ય સ્રોત સમાન પ્રેક્ષકો આંખની સામે બેઠા હોય એવો સંતોષ ફિલ્મોમાં ક્યાંથી ? એ જ તો ખરો રોમાંચ છે. તું સફળ તો ફિલ્મોમાં પણ થઈશ. પણ એ માંગ અને પુરવઠા પ્રમાણે ચાલતો ધંધો છે. બે ફિલ્મ હિટ અને તમે ટોચ પર. બે ફિલ્મ ફ્લોપ અને સીધા તળિયે. ‘

પરત ડાઈનીંગ કાર. ‘એ હતા શંકર દા’ (ફરી ફ્લેશબેક). દુર્ગાપૂજાના મૂર્તિવિસર્જન સમયે જ શંકર દાને હૃદયરોગનો હુમલો આવે છે. એ તુરંત મૃત્યુ પામે છે. ‘ કેવા જીવંત માણસ અને પળવારમાં ચાલ્યા ગયા! એમની ચિતા સળગતી હતી અને મારામાં જાણે પરિવર્તન આવ્યું. મેં જ્યોતિને પૂછ્યું, શું બધા જ મહાન કલાકારો કઠપુતળી હોય ? બ્રાંડો, બોગાર્ટ, પોલ મુની જેવા પણ ? અને જ્યોતિ ‘સફળ કઠપુતળી મહિને ત્રીસ હજાર કમાય એ તો વિચાર.’ મેં ત્યાં જ નક્કી કર્યું. મારે ફિલ્મોમાં જવું છે. 

વર્તમાન. અદિતિ ચશ્મા ઉતારે છે. ‘તમે ચશ્મા વિના ખૂબસુરત લાગો છો.અદિતિ તુરંત ઉતારેલા ચશ્મા પહેરી લે છે ! (યાદગાર અને સૂચક ! ‘મારે કોઈ અન્યની નજરમાં ખૂબસુરત નથી ઠરવું !’ )

ટ્રેન બર્દવાન સ્ટેશને થોભે છે. સ્ટેશન ઉપર અરિંદમના પ્રશંસકોનું ટોળું. એ લોકો અરિંદમ-અદિતિ બેઠા છે એ બારી બહાર ટોળે વળ્યા છે. અદિતિ મૂંઝારો અનુભવે છે. એ ત્યાંથી ઊઠીને જતી રહેવા માંગે છે. અરિંદમ ખુશ છે. આ ટોળા જ તો એનો આનંદ છે !  ‘ એ લોકો એમ માને છે કે ટ્રેનમાં મારું શૂટીંગ ચાલે છે અને તમે હીરોઈન છો.’ અદિતિ બારીનું શટર પાડવાનો નિષ્ફળ પ્રયત્ન કરે છે. 

ગાડી ચાલે છે. ‘તમે લગ્ન કેમ નથી કર્યા ? ફિલ્મોમાં કામ કરવું છે ?’ અદિતિ ના પાડે છે. વાત બદલી પૂછે છે  ‘તમને તમારું પહેલું શૂટીંગ યાદ છે ?’ ફ્લેશબેક.

મુકુંદ લાહિરી ( બિરેશ્વર સેન ). ફિલ્મોના અભિનય જગતના શહેનશાહ. અરિંદમ નવો-સવો પોતાની પહેલી ફિલ્મના સેટ પર પ્રવેશે છે. ‘ બ્રજેશ્વર ? ‘ મુકુંદ દા એને એના પાત્રના નામે બોલાવે છે. એમને એ આદત છે. ફિલ્મમાં અરિંદમનું પાત્ર એમના દીકરાનું છે. અરિંદમ એમની સાથે પૂરા આદરથી વર્તે છે. સેટ ઉપર મુકુંદ દાનો દબદબો રહેતો. એ માનતા કે અભિનેતા જ સૌથી અગત્યનો છે. એ ન હોય તો બધું થંભી જાય ! (પેલા નાટકવાળા શંકર દાથી વિરુદ્ધની માન્યતા !) એમની દાદાગીરીનો એક પુરાવો એ કે એ શૂટીંગ દરમિયાન પોતાના સંવાદોમાં ફેરફાર કરી નાંખતા અને કોઈ કશું બોલતું નહીં ! શોટ દરમિયાન અરિંદમના અવાજમાં કોઈક ત્રુટિ કાઢી એ અરિંદમને બધાની હાજરીમાં તતડાવી કાઢે છે. 

ડાઈનીંગ કાર. ‘ મને એમની અભિનય શૈલી ક્ષતિપૂર્ણ લાગી. જમાના સાથે અસંગત.ફરી ફ્લેશબેક.

મિત્ર જ્યોતિએ મને દારુ પીતો કર્યો. મુકુંદ દાએ મને જાહેરમાં ખખડાવ્યો એની દાઝ હતી મારા મનમાં. એમને તકલીફ એ હતી કે હું સ્વતંત્ર રીતે વિચારું એ એમને ગમતું નહોતું. અભિનયમાં એમની મર્યાદા એ કે ગમે તે પાત્ર આપો, એ એક જ રીતે ભજવે ! એ જ અવાજ, એ જ મુદ્રા (આપણને હિંદી ફિલ્મના આવા એક જાની યાદ આવે !) એ અભિનય હતો જ નહીં. કદાચ મારા અભિનયે એમને એમની નબળાઈઓથી વાકેફ કર્યા.‘ 

વર્તમાન. અદિતિ નવોદિત-કાળના અરિંદમના આત્મવિશ્વાસથી પ્રભાવિત છે. ‘મને મારી એ પહેલી ફિલ્મ અસહ્ય લાગેલી. પરંતુ હકીકત એ કે ફિલ્મ પછી હું ઓટોગ્રાફ આપી-આપી થાકી ગયેલો. પબ્લીકની બલિહારી, બીજું શું ! (વારે વારે સિગરેટ કે ચિરૂટ સળગાવતા અરિંદમ અને અન્ય પાત્રોને જોઈને આપણને વિચાર આવે કે એ જમાનામાં એ સી કંપાર્ટમેન્ટમાં એ કેવી રીતે ચલાવી લેવાતું ??) ફરી ફ્લેશબેક.

ત્રણેક વર્ષ પહેલાં રાત્રે ઘરે મળવા આવ્યા મુકુંદ લાહિરી. કહે, મને ઓળખ્યો ?  તમને કેમ ભૂલાય?  કંઈક પીવડાવ. મેં વ્હીસ્કી મંગાવી એમના માટે. મુકુંદ દાએ પોતાની સફળતા અને પછી અચાનક પડતીની વાત કરી. હું એમને લાપરવાહીથી જોતો રહ્યો. કદાચ મને, એમની આવી હાલત જોઈને છુપો આનંદ પણ થયો.‘ સિંહાસન તો હજીય છે. હું જ ગબડી પડ્યો. તારો તો જમાનો છે. મને કંઈક નાનું-મોટું કામ અપાવ ને ! ગમે તે ચાલશે. ચોકીદારની ભૂમિકા પણ.’ હું અવિચળ રહ્યો. 

વર્તમાન. અદિતિ. ‘ પછી તમે એમને કામ અપાવ્યું?’  ‘શું ફાયદો? કાયમ મોર્ફીનના નશામાં રહેતો માણસ શું ઉકાળવાનો હતો ?’  ‘ ઓહો ! તો છેવટે તમે વેર વાળ્યું, એમ ને ? તમે અપમાન ભૂલી શક્યા નહીં.’ અરિંદમને અદિતિના શબ્દોમાં રહેલો વ્યંગ વાગે છે. અદિતિ વાત બદલી, ‘ જૂઓ. બારી બહાર બધું સુક્કું-ભઠ્ઠ દેખાય છે. ‘ હા. તમારા જેવું જ.‘  ‘કેમ ? તમે શુષ્ક નથી ? તમે ક્રૂર નથી ? તમે વેર વાળ્યાં કે નહીં? ‘ હવે પ્રહારનો વારો અદિતિનો છે. ‘ અંતરાત્માનો અવાજ-ફવાજ તમને મુબારક!‘  ‘એમાં ખોટું શું ? એનાથી તો માણસ માણસ રહે છે.’ અરિંદમ થોડો ઢીલો પડી કહે છે, ‘ ચાલો. આનાથી પણ એક ખરાબ અનુભવ કહું.’ ફ્લેશબેક .

‘ બિરેશ ( પ્રેમાંશુ બોઝ ) મારો બચપણનો મિત્ર. એ રાજકારણમાં ગયો. હું બેકાર હતો.’ બિરેશ કામદારોને ભાષણ આપે છે. ‘ કંપની દ્વારા આપણું શોષણ થાય છે.’ એ અરિંદમને પણ કામદાર ચળવળમાં ભાગ લેવા કહે છે. ‘ તારા કલ્પના-જગતમાંથી બહાર આવ. વાસ્તવિક દુનિયાની તને ખબર નથી. તારું વ્યક્તિત્વ જોતાં તું ભાષણ આપે તો બહુ અસર પડે.’  ‘  મારા નાટકોનું શું થાય ?’ એક વાર બિરેશની ધરપકડ થઈ, કામદારોને ભાંગફોડ માટે ઉશ્કેરવા બદલ. પાંચ વર્ષ મેં એને જોયો નહીં. દરમિયાન હું નામ અને દામ કમાયો. ફ્લેટ લીધો. એક વાર એ અચાનક મારા ઘરે પ્રગટ્યો. હું પ્રેસ અને ફોટોગ્રાફરોથી ઘેરાયેલો હતો. એ જોઈ રહ્યો. ‘ મેં તારી એક પણ ફિલ્મ જોઈ નથી.’  ‘એમાં તેં કશું ગુમાવ્યું નથી !’ થોડીક વાર પછી એ મને આગ્રહ કરીને મારી કારમાં , હડતાલ ઉપર બેઠેલા કામદારોના ઝૂંડ પાસે લઈ ગયો. મારી કાર જોઈ બધા ‘અરિંદમ જિંદાબાદ !’ ના નારા લગાવવા માંડ્યા ! આશ્ચર્ય ! બિરેશે મને કહ્યું કે હું એમને સંબોધન કરું. એ લોકો ચોવીસ દિવસથી હડતાલ ઉપર હતા. મેં કહ્યું, ‘ અસંભવ ! હું આ બધામાં ન પડું. મારું સ્થાન તો જો. તારે પૈસા જેટલા જોઈએ, માંગી લે પણ આ ઝંઝટ ન જોઈએ. આમાં લાગણીની વાત ન આવે.’ હું મારી કાર લઈ બિરેશને ત્યાં જ છોડી ભાગી છૂટ્યો. 

વર્તમાન. ડાઈનીંગ કાર. ‘ એક વાત નક્કી. એ દિવસથી હું બિરેશની નજરોમાં સાવ ઉતરી ગયો. મને ક્યારેક એવું લાગે છે કે મારે આટલું બધું બદલાવું નહોતું જોઈતું.અદિતિ. ‘ તમે કેટલાય લોકોને આનંદ પણ આપો જ છો ને ! બસ. ટિકિટ બારીની ચિંતા ન કરો.’  ‘તમને નહીં પહોંચાય.‘  ‘કારણ કે હું ફિલ્મના ગોખેલા સંવાદ નથી બોલતી !’ બન્ને છૂટા પડે છે.

અરિંદમ પોતાના કૂપેમાં. બુલબુલ હંમેશ મૂજબ જાગે છે. અરિંદમ ઊંઘની ગોળી ખાય છે. બુલબુલ, ‘તમે માંદા છો ?’ અરિંદમ સ્પષ્ટતા કરે છે. ‘ફરીથી સુઈ જશો? ગોળી વિના સુઈ જ ન શકો ?’

સ્વપ્ન. અરિંદમના ફ્લેટમાં પ્રોમિલા. (સુમિતા સાન્યાલ. એ આનંદ અને આશીર્વાદ હિંદી ફિલ્મોમાં હતા. ત્રણેક વર્ષ પહેલાં અવસાન પામ્યા) એને અભિનેત્રી બનવું છે અને એ માટે એ ‘ ગમે તે કરવા ‘ તૈયાર છે !  ‘તમને હીરોઈન બનાવીને મને શું ફાયદો  ‘ પ્રોમિલા રડે છે. અરિંદમ ગભરાય છે ત્યાં તો એ ખડખડાટ હસી પડે છે. ‘ જોયો ને મારો અભિનય ? મને રડવા માટે ગ્લિસરીનની જરૂર નથી પડતી.’ અરિંદમ ‘તમારું નામ કહો. મારી આત્મકથામાં તમારો ઉલ્લેખ જરૂર કરીશ.’  ‘તમે તો કેટલાય પ્રેમ-દ્રષ્યો ભજવ્યા છે. મને જોઈને નર્વસ કેમ છો ?’  ‘નર્વસ નથી. સંયમિત, શિષ્ટ અને સુસંસ્કૃત છું.’  ‘તમે મેકઅપ વિના વધારે આકર્ષક લાગો છો.’  ‘તમે કાલે આવો.’  ‘રાત્રે ? ‘ પ્રોમિલા ‘ખુલ્લું આમંત્રણ’ આપીને જાય છે. 

બોઝ અને સરકાર શતરંજ રમે છે. (દરેક રીતે !) બોઝ શરાબ પીએ છે. પૂછે છે ‘તમારા પત્ની ક્યાં?’ ઉપરની બર્થ ઉપર બેઠેલા WWWW વાળા સ્વામી આ તમાશો નિહાળે છે. એમને શરાબની ગંધ ખૂંચે છે. આમ તો ત્રણેય બહાર કંઈક છે અને અંદર કંઈક ! 

અરિંદમ હજૂ તંદ્રામાં છે. એને મુકુંદ લાહિરીનો, કામદારોના સુત્રોચ્ચારનો અવાજ સંભળાય છે. એને સ્ટુડિયોની લાઇટો વચ્ચે પ્રોમિલાનો અવાજ સંભળાય છે. અરિંદમ એ અવાજ પાછળ ખેંચાય છે. એ અવાજ પાછળ દોરાતો એક રેસ્તરાંમાં પ્રવેશે છે. ત્યાં અનેક લોકો કાળા ચશ્મા પહેરીને બેઠા છે. અરિંદમ  ‘ પ્રોમિલા કહીને સાદ પાડે છે અને એક માણસ ઊભો થઈ  ‘ તમે મારી પત્નીને શોધો છો?’ કહી એને ગાળ આપે છે. અરિંદમ એને ફેંટ મારે છે. ‘ કટ કટ ના અવાજ સાથે જાણે ફિલ્મનું દ્રષ્ય પૂરું થાય છે અને અરિંદમ જાગી જાય છે. એ સફાળો ઊભો થઈ, બેગમાંથી શરાબની બોતલ કાઢી બહાર નીકળે છે. 

બહાર મોલી મળે છે. ‘ મારે ફિલ્મોમાં કામ કરવું છે. મને બધું આવડે છે. અરિંદમને પ્રોમિલાવાળો અનુભવ યાદ છે. ‘તમે તો પરણેલા છો ને ? તમારા પતિને કહેજો, મારી સાથે વાત કરે.

બોઝ નશામાં બહાર નીકળે છે. મોલીને જોઈ કહે છે, ‘ તમે ક્યાં હતા ? હળતા-મળતા રહો. મારા ઘરે આવો’ . દરેક જણ જાણે કોઈ ચાલ ચાલે છે.

અરિંદમ ટોઈલેટમાં શરાબ ગટગટાવે છે. 

મોલી પતિને કહે છે, ‘ હું તમે કહેશો તેમ કરીશ. બોઝ સાથે હળીશ-મળીશ. પણ તમે અરિંદમને કહો કે હું ફિલ્મોમાં કામ કરું એ તમને મંજૂર છે. બન્નેનું કામ ચાલે.’ પ્રીતીષને એ મંજૂર નથી. 

અરિંદમ નશામાં ચકચૂર, ચાલતી ટ્રેનના દરવાજે જાય છે. એ મન અને શરીરથી અસ્થિર છે. જાણે દરવાજો ખોલી કૂદી પડવાનો હોય ! પસાર થતા કંડક્ટરને બોલાવી ચેર કારમાંથી મિસ સેનગુપ્તાને બોલાવી લાવવાનું કહે છે. દરમિયાન નશાની હાલતમાં એ અઘોર ચેટર્જીના કૂપેમાં ડોકિયું કરી કોઈ રોમાંટિક ગીત ગાય છે. સિદ્ધાંતવાદી ડોસા નાક આડો રૂમાલ રાખે છે. અરિંદમ ખડખડાટ હસે છે, જાણે એમના ચોખલિયાપણાની ઠેકડી ઉડાડતો હોય !

 ફરી દરવાજા આગળ. કંડક્ટર અદિતિને લઈને આવે છે. ‘હું પીધેલો છું. મારે તમને કંઈક કહેવું છે.’ અદિતિ એની હાલત પામી જાય છે. ‘આજના છાપામાં મારા વિષે જે છપાયું છે એનો ખુલાસો.’  ‘મને બધી ખબર છે. હવે વધારે કશું જાણવું નથી.’  ‘તો તમારા ઈંટર્વ્યુનું શું ?’ બોઝ ટોઈલેટમાંથી બહાર નીકળી અદિતિને તિરછી નજરે જુએ છે અને નીકળી જાય છે.  ‘ મારે કહેવું તો પડશે જ. અંદર બધું ભેગું થયું છે. બીજું કોઈ છે નહીં જેને કહું. અત્યારે જે લોકો મને પોંખે છે એ બધા હરામીઓ હું નિષ્ફળ જાઉં તો…’ આપણને આપણા ર.પા. નો શેર યાદ આવે :

‘સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ
ભોંયરાઓ એના ક્યાં-ક્યાં નીકળે !’

બોઝ ફરીથી ટોઈલેટમાં જાય છે. (એમને આ બન્નેની વાતમાં તામસી રસ પડ્યો છે !) 

અદિતિ  ‘ જાણવા જેવું બધું મેં જાણી લીધું છે.’। ‘તમને ખબર છે, મારી નવી ફિલ્મ ફ્લોપ જવાની છે? ‘  ‘હા. કારણ કે તમારું મન એમાં હતું જ નહીં.’  ‘ હવે તમને ખબર પડી ને કે આ દેવતુલ્ય નાયકની અસલિયત શું છે ?’  ‘હા.’  ‘તો બસ. વાત પૂરી. તમે જાઓ ભલે.’  ‘ના. પહેલાં તમને કૂપે સુધી મૂકી જાઉં પછી. (અદિતિને કશુંક અમંગળ થવાની શંકા છે !)’  ‘અને હા. તમે મન ફાવે તેમ લખજો મારા વિષે. મને કોઈ પરવા નથી મિસ આધુનિકા!’

અરિંદમ લડખડાતો એના કૂપેમાં. એ અર્ધબેભાનાવસ્થામાં બર્થ પર ઢળી પડે છે. શ્રીમતી બોઝ એનો લબડી પડેલો પગ ઉઠાવી પાછો બર્થ ઉપર મૂકે છે. ઉપરની બર્થથી બુલબુલ બધું જૂએ છે. (અરિંદમની મહાનતા અંગે એનું ભ્રમનિરસન થઈ રહ્યું છે હવે !)

અલીગઢ આવ્યું છે. દિલ્હી હવે દૂર નથી. ઉપર સ્વામીજી પેકીંગ કરે છે. એ પ્રીતીષને પૂછે છે, ‘ તમે ધાર્મિક સંસ્થાઓની પબ્લીસીટીનું કામ કરો છો ? અમારી wwww સંસ્થાની દરેક મોટા શહેરોમાં શાખાઓ છે. વર્ષે ચાલીસ હજારનું પબ્લીસીટી બજેટ છે. હું તમને દિલ્હીમાં મળીશ. ‘ પ્રીતીષ ચકિત!

અરિંદમ ઊઠે છે. શ્રીમતી બોઝ  ‘ મારી દીકરીને તમારી જાદુઈ હાજરી ફળી. તાવ ઊતરી ગયો. ‘ અરિંદમ હેતથી બુલબુલને પોતાના ફોટો પર હસ્તાક્ષર કરી આપે છે. 

ડાઈનીંગ કારમાં અદિતિ જાણે અરિંદમની રાહ જૂએ છે. અરિંદમ આવતાં પૂછે છે, ‘ કેમ છો ? ‘  તમને તો હવે બધી ખબર છે. મને લાગતું નથી આપણે ફરી મળીએ. તમે કંઈ ફિલ્મોમાં કામ કરવાના નથી.‘  ‘ ના. અમે તો શેરીઓ, ટ્રામ અને બસના માણસ.’  ‘ મારી થોડીક ફિલ્મો નિષ્ફળ જાય તો હું પણ ત્યાં જ આવી જાઉં.‘  ‘ ના. એવું નહીં થાય. તમે ટોચ ઉપર જ રહેશો. ‘ અદિતિ પર્સમાંથી ઈંટર્વ્યુ વાળા કાગળો કાઢે છે અને અરિંદમના દેખતાં ફાડી નાંખે છે ! અરિંદમ  ‘અરે ! કેમ ફાડી નાંખ્યા ? સ્મૃતિના આધારે લખશો હવે તમારા મેગેઝીનમાં ?’  ‘ના. હું એ બધું કેવળ સ્મૃતિમાં જ રાખીશ.અદિતિ ચશ્મા પહેરે છે. ‘ આવજો ‘ કહી નીકળી જાય છે. અરિંદમ એને જતી જોઈ રહે છે.

દિલ્હી. બધા ઊતરે છે. પ્લેટફોર્મ પર અરિંદમના ચાહકોની ભીડ. બધાના હાથમાં હાર અને ગુલદસ્તા. કેમેરામેન. પત્રકારો. અરિંદમ પોતાની પડછાયાની દુનિયામાં પાછો ફરે છે :

સારી દુનિયા હમેં પહચાનતી હૈ
કોઈ હમ-સા ભી ન તન્હા હોગા..

અદિતિને પણ પિતા લેવા આવ્યા છે. એ ભીડભાડથી છટકવા ત્વરિત પગલે પ્લેટફોર્મ છોડવા માંગે છે. નાયક છેલ્લી વાર એને જોઈ રહે છે..

અંત.

*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=

આપણે દર્શકો પણ જાણે એક દીર્ઘ મુસાફરી પૂરી કરીએ છીએ. ક્યાંય એવું લાગતું નથી કે એ ટ્રેન નહીં, સ્ટુડિયોમાં ઊભા કરેલા આબેહૂબ સેટ હતા. યશના અધિકારી છે રાય ઉપરાંત બંસી ચંદ્રગુપ્ત અને સુબ્રત મિત્રા.

કહે છે, TO KNOW A MAN IS TO KNOW HIS TRAGEDY. અહીં આપણે લોકો ‘ નાયક ‘ના જીવનના પડદા પાછળ રહેલી કરુણતા જાણીને એક પ્રકારનો હાશકારો પણ અનુભવીએ છીએ કે આપણે એ નાયક નથી ! રાયે અદ્ભુત કુશળતાપૂર્વક અરિંદમ અને અદિતિના સંબંધોને પ્રથમ પારસ્પરિક ઉપેક્ષા-સભર ચીતરીને પછી ધીમે-ધીમે એમને આદર અને સહાનુભૂતિમાં પરિવર્તિત થતા દેખાડ્યા છે. વળી એ સંબંધોમાં પ્રેમ જેવી કોઈ ઝાંખી-પાંખી ઝલક પણ પ્રવેશવા નથી દીધી. છે તો કેવળ સમજદારી ! અદિતિ બૌદ્ધિક રીતે અરિંદમથી આગળ છે. એની સારપ એ વાતમાં નિહિત છે કે એ અરિંદમને બન્ને વચ્ચેના સંપર્કની જમીન પૂરી પાડે છે. 

ફિલ્મમાં નાયકના સહયાત્રીઓ બે પ્રકારના છે. ટ્રેનના સાથી મુસાફરો અને એના જીવનમાં આવી ચુકેલા પાત્રો. સર્જક રાય એ બન્ને દ્વારા વ્યાપાર અને દંભના જગત ઉપર પણ પ્રકાશ ફેંકે છે. હંમેશ મૂજબ, એમની જિજ્ઞાસામાં પણ કરુણા છે અને હંમેશ મુજબ એ એમના પાત્રો માટે કોઈ પ્રકારનો ન્યાય તોળતા નથી. ફિલ્મમાં નાયક તરીકે ઉત્તમ કુમાર તો ઉત્તમોત્તમ છે જ (અનેકના મતે આ એમની શ્રેષ્ઠ ફિલ્મ છે), શર્મિલા ટાગોર અદિતિના સંયમશીલ પાત્રને જે રીતે મૂર્તિમંત કરે છે એ જોઈને આફરીન પોકારાઈ જાય ! 

રાય કહેતા  ‘ કોઈ પણ ફિલ્મની સૌથી અમૂલ્ય ક્ષણો શબ્દહીન હોવી જોઈએ. ફિલ્મમાં આવા મૌનની ક્ષણો – વિશેષતર અરિંદમના બે સ્વપ્ન પહેલાંની પળો – ખાસ્સી છે.

અદિતિ સિવાય ફિલ્મનું દરેક પાત્ર, પોતે જે છે નહીં તે પુરવાર કરવા મથે છે. હરેન બોઝને જ લો. શરુઆતમાં સ્ત્રી-સ્વાતંત્ર્યની શાણી વાતો કરતો એ માણસ આગળ જતાં સ્ત્રી-શોષણ પર આવી જાય છે ! 

ફિલ્મ બે સ્તરે કામ કરે છે. આપણે અરિંદમ મુખર્જીને કઈ રીતે જોઈએ છીએ તે અને અરિંદમ પોતાને કઈ રીતે જુએ છે એ. આ બન્ને છેડા મળે છે જ્યારે અરિંદમ અદિતિ સાથે સંવાદ આદરે છે. આ સંવાદ દરમિયાન જ અદિતિ જાણે છે કે પ્રશંસકો, લોકપ્રિયતા અને સફળતાના મહોરા હેઠળ એક એકલવાયો માણસ છે જેને મિત્રની સૌથી વધારે જરૂર છે !

ફિલ્મમાં અદિતિ ઝાઝું ઊઘડતી નથી. ઈરાદાપૂર્વક. એની વાતચીતમાં એનું ચરિત્ર એક મક્કમ, સુસ્પષ્ટ, નો-નોનસેંસ અને સિદ્ધાંતશીલ સ્ત્રી તરીકે ઉપસી આવે છે. ફિલ્મના એક દ્રષ્યમાં એ કડક અવાજે અરિંદમને ઠપકો આપે છે અને એ ક્ષણાર્ધમાં એ પોતાનું હૃદય ઉઘાડતી હોય એવું લાગે. 

ઈંગમાર બર્ગમેનની ૧૯૫૭ની ફિલ્મ WILD STRAWBERRIES અને નાયકમાં ઘણી સમાનતાઓ છે. બન્નેમાં ફિલ્મના મુખ્ય પાત્રો એમના ક્ષેત્રોની કામગીરી માટે કોઈક પુરસ્કાર લેવા દૂરના પ્રવાસે નીકળે છે અને એ દરમિયાન પોતાના જીવનની આંતર્ખોજ કરે છે. બંગાળી સર્જક સૃજિત મુખર્જીની  ‘ઓટોગ્રાફ‘ ( ૨૦૧૨ ) પણ એક રીતે નાયકને અપાયેલી અંજલિ છે. 

ફિલ્મનો અંત આવતાં-આવતાં દર્શકો તરીકે આપણને પ્રશ્ન થાય કે ટ્રેનના બધા મુસાફરોમાં કોઈ ખરેખર સુખી હતું ખરું ? અથવા બીજી રીતે, શું આપણે સૌ કાયમ સુખની શોધ ખોટી જગ્યાએ કરતા હોઈએ છીએ ?

કોઈકે લખ્યું છે કે નાયક ફિલ્મ ડુંગળી જેવી છે. દરેક દર્શન સાથે નવા-નવા પડળ ઊઘડે ! 

ફિલ્મની શરુઆતમાં આધુનિક કનૈયા તરીકે વર્ણવાયેલો નાયક અંત સુધીમાં એક દુખી, દયાજનક અને તૂટેલો માણસ પૂરવાર થાય છે જે એક સમાંતર વાસ્તવિકતાથી ઘેરાયેલો છે અને જે એક સામાન્ય માણસના સાદા આનંદ માણવા પણ સક્ષમ નથી !

ફિલ્મના અંતની એક અદ્ભૂત પળ. અરિંદમ છેલ્લે અદિતિને બોલાવે છે પોતાના આખરી ગુનાની વાત કહેવા. એ નશામાં છે. અદિતિ કહે છે, મને બધી ખબર છે ! શાબ્દિક કબૂલાત સાંભળવાના આ ઈનકાર દ્વારા એ અરિંદમના અંત:કરણની શુદ્ધતા બરકરાર રાખે છે. એકરાર તો ક્યારનો કરાઈ ચૂક્યો છે. આખી વાત એણે સાંભળી લીધેલ છે અને એ બધું ભીતરે જ રહેશે, વેચાશે નહીં !

ફિલ્મનો અંત એક રીતે માનવીય વિશ્વાસનો વિજય છે. એ આપણામાં આશા જન્માવે છે કે અરિંદમ પોતાની તકલીફોમાંથી પાર ઉતરશે.

રાયની અન્ય ફિલ્મો જોવા ધૈર્ય જોઈએ. નાયક જોવા સંયમ ! 

દરેક સિનેમા-પ્રેમીને આ ફિલ્મ જોવાની ભલામણ છે. જેમને સિનેમા એના વિશુદ્ધ સ્વરૂપમાં પસંદ હોય !


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

3 thoughts on “સત્યજિત રાયની સૃષ્ટિ – ૧૩ – નાયક

  1. સુંદર આલેખન. એક જ બેઠકે લેખ વાંચ્યો. તમારી ઝીણવટભરી છણાવટ માણીને આ બધી જ ફિલ્મો જરૂરથી જોઈશ. આભાર🙏

    1. ખૂબ ખૂબ આભાર આપનો !
      નિયમિત આ શ્રેણી વાંચી અને પ્રતિભાવ આપવા બદલ…

Leave a Reply

Your email address will not be published.