લ્યો,આ ચીંધી આંગળી: ઘરની પછીતે દટાયેલો પ્રેમ [૨]

પૂર્વાર્ધથી આગળ

રજનીકુમાર પંડ્યા

(નોંધ:

ત્રીજા પુરુષ એક વચનમાં લખાયેલી આ વાત લેખકના પોતાના જીવનની છે. લેખકનું ઘરનું હુલામણું નામ રંજુ હતું.)


કોઇ મીઠા સ્પર્શની એને તલબ રહેતી હશે ? પશુપક્ષીઓને પણ ?

રંજુને આનો જવાબ ઘરમાં નહિં, ઘર બહાર મળ્યો.

આ પછી રંજુને દૂર દૂરના સ્થળે પણ જવાનું  થતું. ઓખા, દ્વારકા, બેટ, જાફરાબાદ, જેતપુર પણ બે-ચાર મહિને જ આવવાનું  થતું. જિંદગીમાં બીજી અનેક અનેક અનેક સમસ્યાઓની સતત સતામણી શરુ થઇ ગઇ હતી. આ બધા વચ્ચે ગેઢીની યાદ ગૌણ બની ગઇ હતી. બાની તબિયત પણ સારી રહેતી નહોતી. ગેઢી એમને બહુ પરેશાન કરતી હતી. દિવસમાં એક વાર પાંજરું સાફ કરવા જતી બાને હાથે ચાંચ મારી વારંવાર લોહી કાઢતી હતી. જામફળ ધરવા ગયેલા બાપુજીના હાથને એણે કરડી લીધું હતું. એનો કકળાટ વધી ગયો હતો.

મીઠું બોલવાનું અને સીસોટી વગાડવાનું એ જાણે કે સાવ ભૂલી જ ગઈ હતી. માત્ર રંજુ આવતો ત્યારે જ ઘરનાને એનો મીઠો અવાજ સાંભળવા મળતો. જો કે એ વખતે પણ એ રંજુની ધરેલી આંગળી સામે ગરદન ધરી દેતી.

****  ****  ****

રંજુ બહારગામથી આવ્યો ત્યારે ખબર પડી કે ગેઢી ઊડી ગઈ હતી. સૌએ અપરાધીની જેમ રંજુ પાસે વાત કરી. રંજુ કશું બોલ્યો નહીં. મનમાં થોડો ચચરાટ થયો. વિચાર આવ્યો કે હવે તો ક્યાં હશે એ ગેઢી ? શું કરતી હશે? કોઇ વૃક્ષની ડાળે હશે કે કોઇના ઘરમાં ? સવાલોના જવાબ માત્ર કલ્પનાઓમાં જ હતા.  

પણ એક વાર ઘરની બહાર ફરવા નીકળ્યો અને કોઇ મિત્રની સાથે મોટેથી વાત કરતાં કરતાં એ ચાલતો હતો. હજુ ચાર-છ ગલી વટાવી ત્યાં તો એકાએક એને અવાજ સંભળાયો : ‘રંજુ,રંજુ,રંજુ!’ રંજુએ ચમકીને ચોતરફ જોયું. ગેઢીનો આવાજ ? હા, ખાતરી જ હતી. કોઇ અજાણ્યું પંખી મારું નામ શી રીતે બોલે ? હતો તો ગેઢીનો જ અવાજ !

મિત્રે પૂછ્યું, ‘ કેમ ઉભો રહી ગયો ?’

રંજુએ કહ્યું,  ‘ લાગે છે કે કોઇએ મને સાદ કર્યો. ‘

‘ગાંડા!’ મિત્રે કહ્યું, ‘અહીં કોણ તને બોલાવે ?’

રંજુએ કહ્યું : ‘ખબર નથી. તારી વાત સાચી. મને ભણકારા થયા, યાર.’

ત્યાં તો ફરી એ જ અવાજ આવ્યો ‘રંજુ,રંજુ,રંજુ.’

તસવીર નેટ પરથી

હવે એનાથી ના રહેવાયું. અવાજના સગડે સગડે એણે એ અજાણ્યા ઘરની ડેલી ખખડાવી. ઓળખીતા દરજી ચકુભાઇનું ઘર હતું. એ તો રંજુના શેરીગોઠીયા હતા, પણ ઘેર નહોતા. લાભુભાભીએ આવકાર આપ્યો. મિત્ર સાથે એ અંદર ગયો ને જોયું તો ત્યાં ગેઢી શાકના શીકે પુરાયેલી હતી ! રંજુને જોઇને એ એકદમ થનગનવા માંડી. એ જોઇને રંજુને પેટમાં શેરડો પડ્યો છતાં એણે આંગળી ધરી કે તરત ગેઢીએ ગરદન ધરી, આંખો મીંચી દીધી. અને ફરી એ જ ઉંહકારા જેવો પક્ષીસ્વર.

‘તમને આ ક્યાંથી મળી?’

‘સામે વંડી પર બેઠી’તી.’ ચકુભાઇનાં પત્ની લાભુભાભી બોલ્યાં, ’ મિંદડી ઝપટ મારવા જતી’તી ત્યાં અમારા બટુકનું ધ્યાન પડ્યું એટલે બચાવી લીધી, ઘરમાં લાવ્યા ને આ શિકે પૂરી દીધી.’

ખરો ખેલ હતો. ગેઢીએ રજવાડી પાંજરું છોડ્યું તો ફરી એ શિકાનિવાસમાં આવી પડી !

‘આ મારી છે.’ રંજુએ કહ્યું: ‘મને આપી દેશો?’

‘લઇ જાવ ને ભાઇ, અમારે શું કરવી છે ?’ લાભુભાભી બોલ્યાં; ‘અહીં તો એ છોકરાંવને મજા પડે એટલે લાવ્યા તે એ તો રોજ અમારાં આંગળાને લોહીઝાણ કરી મેલે છે.’

ગેઢી પાછી રંજુને ઘેર આવી ગઈ.

****  ****  ****

પણ પછી એક વાર રંજુ બહારગામ હતો ત્યારે ગેઢીએ બા-બાપુજીની હથેળી ફરી લોહીલુહાણ કરી. એ લોકો ત્રાસી ગયા. શું કરવું ? રંજુ તો વરસને વચલે દા’ડે ઘેર આવે છે તો શું એ આવે ત્યાં સુધી આપણે તથ્યા સહન કરવી? હવે તો એ રાતે બંધ પાંજરેય કકળાટ કરી મૂકે છે. બે ઘડી જંપવાય દેતી નથી દેતી !

કંટાળીને બાપુજી એક ટપ્પો (ઘોડાગાડી) કરીને પાંજરાને લઈને બાજુમાં આવેલા પૂજની ઓરડી (એક જૈન) મંદિરના આંબાવાડિયામાં એને છોડી મૂકવા ગયા. પણ …

રજામાં રંજુ વતનમાં આવ્યો ત્યારે બાપુજીએ વાત કરી; ‘અર્ધે રસ્તે પહોંચ્યા પછી મેં ટપ્પો પાછો વળાવ્યો..મને મનમાં એક સણકો ઉઠ્યો કે તને કેટલી વહાલી છે આ ગેઢી ? મનમાં થયું રે જીવ, કોઇક ઋણાનુંબંધ લાગે છે. શા માટે એ છોડાવવાનું પાપ મારે કરવું ? ને વળી…..’ એમની આંખ સહેજ ભીની થઇ ગઇ:  ‘વળી તું ઘેર આવે ત્યારે તને કેવું લાગે?’

રંજુને થયું કે બાપુજીને કહી દે કે એવું કશું નથી પોતાને, હવે કંઇ ખાસ એવું રહ્યું નથી. પણ એમ બોલી ના શકાયું કારણ કે એ સાવ સાચું પણ નહોતું. એટલે એવા શબ્દો એના હોઠે આવ્યા પહેલાં ખડી ગયા.ગેઢી પ્રત્યે પ્રેમ નહોતો એવું કંઈ નહોતું, પણ જિંદગીની અતિ ઝડપી ગતિમાં આવો બારીક તંતુ ક્યાં સુધી સલામત રહે ?

****  ****  ****

ફરી વર્ષો વીતી ગયાં. હવે તો બાપુજી પણ અવસાન પામ્યા હતા. વારંવારના સ્થળાંતરને કારણે ગેઢીને સાથે લઈ જઈ શકે એવી રંજુની પરિસ્થિતિ નહોતી અને એવી વૃત્તિ પણ નહોતી. હવે તો ઉમરવાન થયેલાં બાએ ગેઢીને થોડે દૂરના એના સંબંધીને ઘેર સાચવવા આપી દીધી હતી. રંજુ વતનમાં આવ્યો ત્યારે પહેલી વાર આ વાત સાંભળી ત્યારે મન થયું કે એ સંબંધીને ત્યાં જઈને ગેઢીને જોઈ આવે. આંગળી ધરે અને….

પણ આવું કશું બનતું નહોતું એનાથી. વતનની દરેક મુલાકાત વખતે એ એવો મનસૂબો કરતો પણ પરિવારમેળામાં, મિત્રોને મળવામાં ગેઢીને જોવા જવાનું રહી જતું. છેલ્લે વિદાય લેતી વખતે એ મનમાં અપરાધભાવ અનુભવતો અને બા ન પૂછતાં તો પણ કહેતો, ‘હવે આવીશ ત્યારે જરૂર ગેઢીને જોઈ આવીશ.’

પણ એક વાર વતનમાં આવીને કોણ જાણે કેમ એને ગેઢી સાંભરી. સાથે એનો એક મિત્ર મનોહર હતો. ‘ચાલ જઈ આવીએ બા, ગેઢીને જોવા. આમને આમ આઠ-નવ વર્ષ થઈ ગયાં.’ એમ બોલીને બા સાથે એ અને મિત્ર ગયા. એક લોહાણા પરિવારમાં ગેઢીની સાચવણી થતી હતી. ઠીક ઠીક કહી શકાય એવું પીંજરું હતું. એની નજીક ગયા કે તરત જ ગેઢીએ પોતાની ગરદન અર્ધ ગોળાકારમાં ધરી દીધી અને એ સાથે જ આઠ વર્ષનો ગાળો એક સામટો ઓગળી ગયો. ગેઢીએ ગળામાંથી અગાઉ જેવો ઊંડો અવાજ કાઢ્યો. પણ એ અવાજમાં ક્ષીણતા પ્રવેશી ગઇ હતી. એણે જોયું કે એક વખતનું એ બચ્ચું હવે વૃદ્ધ થયું હતું. પીછાં ઓછાં થઈ ગયાં હતાં. ચહેરાની લીલાશમાં ફિક્કાશ આવી ગઇ હતી. પગના પંજા બરછટ અને પીળા થઈ ગયા હતા.

પણ તોય આંખો ખોલીને ગેઢીએ રંજુ સામે જોયું અને પછી એ જ ચિરપરીચિત ટહુકે  બોલી, ‘રંજુ!’

રંજુની આંખમાં પાણી ઘસી આવ્યાં. ઈચ્છા તો ઘણી થઈ આવી કે એને ઘેર લઈ આવવાનું બાને કહેવું. પણ બાની અવસ્થા અને એકલવાયાપણું જોતાં આમ કરતાં-કહેતાં જીભ ઊપડી નહીં. લાચાર નજરે, માફી માગતી નજરે એણે ગેઢી સામે જોયું તો ફરી એણે ગરદન નમાવી-ગળામાંથી ધીમો ઘરઘરાટ કર્યો. રંજુએ ફરી આંગળી બતાવીને એ ઝૂકેલી ગરદન પર પીંછાની હળવાશથી ફેરવી. ગેઢીની આંખો ઘેનમાં પડી ગઇ હોય એમ અર્ધબંધ થઈ ગઈ.

(ગેઢી સાથે લેખક)

‘બા!’ રંજુએ કહ્યું :‘ચાલો જઈએ હવે.’

પરાણે પગને બીજી દિશામાં વાળીને રંજુ ચાલવા જ જતો હતો ત્યાં બાએ પૂછ્યું : ‘તું કહે તો આપણે લઈ જઈએ હો ! હું સાચવીશ.’

‘ના, બા!’ રંજુ બોલ્યો: ‘જિંદગીમાં બધી જ ઈચ્છાઓ પૂરી કરવી જરૂરી નથી.’

‘રંજુ!’ અચાનક ગેઢી બોલી.

રંજુએ સામે જોયું. એ ટગર ટગર એની સામે જ જોઈ રહ્યો.

‘ચાલો.’ રંજુ બોલ્યો અને સૌ ચાલવા લાગ્યા. રસ્તામાં વિચાર આવતો હતો : કોણ કહે છે પ્રેમમાં શરીરનું મહત્ત્વ નથી ! આની જગ્યાએ કદાચ કોઈ મનુષ્ય હોત ! કોઇ સ્ત્રી ! તો શું આપણે આમ ચાલી નીકળત ?

****  ****  ****

રંજુ પોતાની નોકરીને ગામ પાછો આવ્યો. અને કામમાં પરોવાઈ ગયો. પણ પછી દસ જ દિવસમાં બાનો પત્ર આવ્યો કે ભાઈ,  ગેઢીનું તારા ગયા પછી થોડા જ દિવસમાં અવસાન થયું છે. મરતી વખતે એના તમામ પીંછાં ખરી ગયાં હતાં. એના દેહને હું આપણા ઘેર લઇ આવી. આપણા ઘરની પછીતે દાટ્યો છે.

પત્ર વાંચીને મગજમાં સૂનકાર છવાઈ ગયો. પણ બીજી જ ક્ષણે કોઈનો ફોન આવ્યો. એ સાથે જ એ ફોનનાં અનેક અનુસંધાનો અને એની અનેક જંજાળરેખાઓ ધસી આવી અને ફરી મનને એના ગૂંચળાઓથી ભરી દીધું.

એ ફોન લેવા ઉતાવળે પગલે ચાલ્યો અને બોલ્યો : ‘હેલો….’

એ વખતે હવામાં એક અદૃશ્ય પૂર્ણવિરામ પ્રગટ્યું, જેણે જિંદગીના આકાશને ગ્રસી લીધું.


(સમાપ્ત)


લેખકસંપર્ક-

રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

6 thoughts on “લ્યો,આ ચીંધી આંગળી: ઘરની પછીતે દટાયેલો પ્રેમ [૨]

  1. આગવી શૈલીમાં કહેવાયેલી સત્યકથા બહુ જ ઘેરી અસર છોડી જાય એમ છે.

  2. 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 કાંઈજ લખી શકું તેમ નથી હમણાં જ હું મારા નાના પપ્પીને ૨૧ જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ ગુમાવી ચુક્યો છું મેક્ષ તેનું નામ ૧૨ વર્ષથી સાથે હતો ખુબજ દુખ થયું છે તે જ દિવસે મારી સ્વ. પત્ની રશ્મીનો જન્મ દિવસ હતો

  3. હ્રદય સ્પર્શી આલેખન.લાગણીશીલ કલમ થી જ આવી ભૂતકાળ નાં હ્રદય સ્પર્શી ઘટના નું આલેખન થઈ શકે.

Leave a Reply to સુરેશ જાની Cancel reply

Your email address will not be published.