મૌલિકા દેરાસરી
આજે શીર્ષક વાંચીને નવાઈ લાગી હોય તો એ આ લેખ વાંચ્યા પછી હવાઈ જશે. કેમ કે, જ્યાં કિશોરકુમાર હોય ત્યાં નવાઈની કોઈ નવાઈ જ ન હોય!
ક્યારેક તો એ એવું એવું લઈ આવે કે આપણે વિચારતા જ રહી જઈએ કે આ જરા ધૂની લાગતા માણસના દિમાગમાં કેટલું ભર્યું પડ્યું હશે!
કિશોરકુમારના ખુલ્લા, મનમૌજી અવાજમાં અલગ અલગ સંગીતકારો સાથે ગવાયેલા ગીતોને યાદ કરી રહ્યા છીએ આપણે.
આજના જે સંગીતકાર છે, તેઓ તો માની જ બેઠા હતા કે કિશોરકુમાર સંગીત નથી જાણતા અને તેમને ગાયક ગણી શકાય નહીં. પ્રથમ ફિલ્મના રેકોર્ડિંગ પહેલા કિશોરદા સંગીતકારને મળવા ગયા ત્યારે આ સંગીતકારે સુણાવી દીધું કે મેં તમને પહેલા ક્યારેય સાંભળ્યા નથી. કિશોરકુમારે કંઇક ગાઈને સંભળાવ્યું, છતાં એમને સાંભળવા મળ્યું કે તમને સંગીતની એબીસી જ ખબર નથી.
આમ સંભાળીને હાર માની લે તો કિશોરકુમાર શેના?
છેવટે આ સંગીતકાર યાને કે સલિલ ચૌધરી સાથેની પ્રથમ ફિલ્મ – નૌકરી, તેમને મળી તો ખરી. પણ… સલિલદાએ કિશોરકુમારની ખાસ નોંધ ના લીધી. ત્યારબાદ લગભગ સત્તર વર્ષ પછી, સલિલ ચૌધરીએ કિશોરની ગાયકી પ્રતિભા વિશે પોતાનું વલણ બદલ્યું હતું. ૧૯૭૧માં ફિલ્મ મેરે અપનેનું ગીત – કોઈ હોતા જીસકો અપના.. જે સલિલદાનો કિશોરકુમાર પ્રત્યેનો અભિપ્રાય સમૂળગો બદલી નાખવા માટે કારણભૂત બન્યું હતું. સલીલ ચૌધરીએ તે પછી કહ્યું હતું કે, હું આ છોકરામાં સ્પાર્ક જોવા બદલ દાદા બર્મન (સચિનદેવ બર્મન) ને સલામ કરું છું.
સલિલ ચૌધરી કિશોરકુમારના અવાજની વિશાળ પહોંચના ચાહક હતા. કિશોરદાના સંગીત પ્રત્યેના સમર્પણને તેમણે દાદ આપતા કહ્યું હતું કે: ગાવાની બાબતમાં કિશોરકુમાર અત્યંત સમર્પિત હતા. આ સંપૂર્ણ સમર્પણથી જ તેઓ એ કિશોરકુમાર બન્યા, કે જેમને આપણે અદ્ભૂત ગાયક તરીકે ઓળખીએ છીએ.
જી હાં… આજની સફર છે એક અપ્રતિમ સંગીતકાર સલિલ ચૌધરી સાથે કિશોરકુમારે ગાયેલા ગીતોને સમર્પિત.
૧૯ નવેમ્બર, ૧૯૨૨ના રોજ બંગાળના ૨૪ પરગણા જીલ્લાના હરીણવી ગામે જન્મ્યા હતા, સલિલ ચૌધરી. બંગાળ જેમને શોલિલદાના લાડકા નામે ઓળખે છે. સલિલદા ઉમદા સંગીતકાર તો હતા જ, સાથે તેમનામાં એક સારા નાટ્યકાર, કવિ અને લેખકના અંશો પણ મોજૂદ હતા. સંગીતમાં આપણાં પારંપરિક વાદ્યોનો તેમણે બખૂબી ઉપયોગ કર્યો એટલું જ નહિ, પણ અનેક વાદ્યો તેઓ જાતે પણ વગાડી જાણતા. વાંસળી, સિતાર, પિયાનો, ઈસરાજ જેવા વાદ્યો તેઓ સરસ વગાડતા. તેમનું સંગીત ફક્ત બંગાળી કે હિન્દી ભાષા પૂરતું મર્યાદિત નથી રહ્યું. તેમણે ઘણી મલયાલમ, ગુજરાતી, મરાઠી, તમિળ, તેલુગુ, કન્નડ, આસામી અને ઉડિયા ફિલ્મોમાં પણ બહેતરીન સંગીત પીરસ્યું છે.
સલિલ ચૌધરી સાથે કિશોરકુમારની સફરની શરૂઆત થઈ વર્ષ ૧૯૫૪ની ફિલ્મ – નૌકરીથી.
પ્રેમ થયા પછી પ્રિયજન સાથે ઘર વસાવવાનું સપનું હંમેશા મનમાં રમતું રહે છે, જેને વાચા આપતા આ ગીતમાં કિશોરકુમાર સાથે ઉષા મંગેશકર ગાય છે શૈલેન્દ્રના બોલ –
છોટા સા ઘર હોગા બાદલો કી છાંવ મેં, આશા દીવાની મન મેં બાંસુરી બજાયે..
આગમાંથી તપી તપીને જેમ શુદ્ધ સોનું નીકળે છે, એમ જ તપીને શુદ્ધ થયેલા દિલની વાત કરતા કિશોરકુમાર કહે છે:
અર્ઝી હમારી મર્ઝી હમારી, જો સોચે બિના ઠુકરાઓગે.. બડા પછતાઓગે.
પ્રેમ અને ઘર વસાવવાના સપના સાથે જિંદગીમાં એક ખાસ જરૂરિયાત ઊભી થઈ જ જાય છે, પૈસાની. એના વગર તો સહજીવનના સપના પૂરા કરવા અઘરા થઈ પડે છે. એટલે જ તો શૈલેન્દ્ર એ લખવું જરૂરી થઈ પડે છે અને કિશોરકુમાર એ વાત એક આગવા અંદાજમાં મૂકે છે આપણી સમક્ષ –
એકસો આઠવીં અર્ઝી મેરે અરમાનો કી, કર લો મંજૂર કિ બેકારી સે બેઝાર હૂં મૈં… એક છોટી સી નૌકરી કા તલબગાર હૂં મૈં.
આ તમામ ગીતોમાં સલિલ ચૌધરીના સંગીતનો કમાલ પણ મહેસૂસ થયા વિના રહેતો નથી. પારંપરિક વાદ્યો સાથે કર્ણપ્રિય સંગીત ઉપજાવ્યું છે આ ફિલ્મમાં.

એ પછીની ફિલ્મ હતી ૧૯૫૬ની: આવાઝ
આ ફિલ્મમાં ઝિયા સરહદીની રચનાને કિશોરદાએ આપ્યો છે અવાજ.
દુનિયામાં આપણી આસપાસ ફેલાયેલા દુઃખોની પીડાને વાચા આપી છે એ ગીતમાં. અને દુઃખોને પણ મસ્તીથી ગાઈને ખુશ્બુદાર કેમ બનાવવા એ તો કોઈ કિશોરકુમાર પાસે જ શીખે.
દુનિયા કે કૈસે કૈસે ગમ, કહીં જ્યાદા કહીં કમ…
૧૯૫૬ની જ બીજી એક ફિલ્મ હતી, પરિવાર.
આ ફિલ્મમાં શૈલેન્દ્રની રચનાઓને સંગીતબદ્ધ કરી હતી સલિલ ચૌધરીએ.
મનમાં ઉમંગો ભરીને કોઈ છોકરીના ઘરે હાથ માંગવા જાય અને ત્યાં કોઈને જોઈને ઉમંગોની હવા નીકળી જાય ત્યારે ગવાય:
કૂવે મેં કૂદ કે મર જાના, યાર તુમ શાદી મત કરના..
કારણ? એ જાણવા માટે તો સાંભળો કિશોરદાના અવાજમાં આ ગીત.
આ જ ફિલ્મનું એક મજેદાર ગીત હતું- કિશોરકુમાર, આશા ભોંસલે, લતા મંગેશકર અને મન્નાડેના અવાજમાં.
એક નવી દુનિયામાં પહોંચવાનો અનુભવ કરવો હોય તો આ ગીત જોવું પડે, જે તમને પહોંચાડશે હોનોલુલુ. જી હાં.. આ ગીતમાં એ પણ સાંભળવા મળશે કે હોનોલુલુ શબ્દ જો કિશોરકુમાર બોલે તો કઈ રીતે બોલે!
હમ જા પહુંચે હોનોલુલુ. ફક્ત આ એકલા ગીતનો વીડિયો ઉપલબ્ધ નથી, પણ નીચેની લિંકમાં પરિવાર ફિલ્મના અન્ય ગીતોની સાથે તમને હોનોલુલુ જવા પણ મળશે.
વર્ષ ૧૯૫૭ની એક ફિલ્મ હતી, મુસાફિર. જેના કિશોરકુમારના અવાજમાં આવેલા એકમાત્ર ગીતને યાદ કરવાનું કેમ ભૂલાય. આ ગીતમાં કિશોરકુમાર બહુ જ પ્રેમથી મમ્મી નિરૂપણ રોયને મનાવતા ગાતા દેખાય છે.
કોઈ કહે ચાંદ, કોઈ આંખ કા તારા.. મુન્ના બડા પ્યારા.
હવે આવ્યું ૧૯૬૨નું વર્ષ, જે લઈ આવ્યું ફિલ્મ ઇતિહાસમાં અને આપણા દિલોમાં હંમેશ માટે અંકિત થઈ ગયેલી ફિલ્મ – હાફ ટિકિટ.
જી હાં… કિશોરકુમારની અભિનેતા અને ગાયક તરીકેની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાં સ્થાન પામે છે આ ફિલ્મ. ફક્ત કિશોરદાની જ નહીં, કોમેડી ફિલ્મોમાં અવ્વલ દરજ્જાની ગણાતી આ ફિલ્મના ગીતો આજે પણ રાજ કરે છે આપણાં દિલોદિમાગ પર.
કિશોરદા સાથે છે સુંદરતા અને અભિનયનો સંગમ એવી અભિનેત્રી મધુબાલા. જે ફિલ્મને ચાર ચાંદ લગાવે છે, એવું કેમ ના કહી શકાય! સલિલ ચૌધરીએ પણ અવિસ્મરણીય સંગીત આપ્યું છે આ ફિલ્મમાં, જે આપણને ઝૂમી ઉઠવા માટે મજબૂર કરી શકે છે.
આંખોમાં અને દિલમાં છૂપાયેલો રાઝ વ્યક્ત થાય છે ગીતા દત્ત અને કિશોરકુમારના અવાજમાં.
આંખો મેં તુમ, દિલ મેં તુમ હો.
તુમ્હારી મરજી માનો કે ના માનો
યહ રાઝ એ દિલ તુમ જાનો કે ના જાનો.
ચાંદ અને રાતની સાક્ષીમાં જ્યારે પ્રિયજનનો સાથ હોય ત્યારે મન રોકાયું ના રોકાય અને ગાય: ચાંદ રાત તુમ હો સાથ ક્યા કરે, અજી અબ તો દિલ મચલ મચલ ગયા.. પલ જો યે બદલ બદલ ગયા…
લતા મંગેશકર અને કિશોરકુમારના યુગલ સ્વરોમાં છે આ ગીત.
સલિલ ચૌધરીએ સંગીતનો જાદુ પાથર્યો હોય એવું એક ઓર ગીત સાંભળો. કિશોરદાનો મસ્તીભર્યો અંદાજ તો છે જ આ ગીતમાં પણ સાથે લતા મંગેશકરના અવાજની ઉંચાઈઓ પણ સાંભળવા મળશે આ ગીતમાં.
સલિલ ચૌધરીએ એક બંગાળી દૈનિક બર્તામાનના ૧૬ ઓકટોબર, ૧૯૮૭ના એક લેખમાં કહ્યું હતું – “કિશોર એક મહાન કલાકાર હતા. તેમના માટે ગીતો કંપોઝ કરતી વખતે મને મુકેશ માટે જેવી ચિંતા કરવાની જરૂર નહોતી. લતા માટે પણ એવું જ છે. લતા અને કિશોર માટે, તેમની વોકલ રેન્જ એ કક્ષાની છે કે તે વિશે જરાય ચિંતા કરવા જેવી નથી.”
સલિલજીએ કહેલી એ વાત આ દોડતા – ભાગતા ગીતમાં બખૂબી વ્યક્ત થાય છે. લતાજી અને કિશોરદાના અવાજમાં –
વો એક નિગાહ ક્યા મિલી, તબિયતેં મચલ ગઈ, ઝરા વો મુસ્કુરા દિયે શમાએ જૈસે જલ ગઈ.
હવેના ગીતમાં કિશોરદા બન્યા છે ફેરીવાળા.. મેળામાં જેનું ફિલ્માંકન થયું છે એવું આ મનોરંજક ગીત જોવાની પણ મજા છે.
અરે લે લો જી લે લો હૈ યે દિલ કા હીરા સચ્ચા. ના પક્કા હૈ ના કચ્ચા, માલ હૈ યે સબ સે અચ્છા.
કિશોરકુમારના જબરદસ્ત વોઇસ મોડ્યુલેશનનો એક ઓર નમૂનો એટલે આ ગીત.
અરે વાહ મેરે માલિક ખૂબ હૈ તેરે ખેલ, પાગલ સારે કુત્તે ઘૂમે, સમજદાર કો જેલ.
કિશોરકુમાર પોતાના અવાજ પાસે કેવું કેવું કામ લઈ શકતા હતા એના તમામ ઉદાહરણો ફિલ્મ હાફ ટિકિટના ગીતોમાં મોજૂદ છે.
જેમ કે આ લેખનું શીર્ષક ગીત, અરે! વાહ વાહ વાહ…😀
આ ગીત જોતા જોતા સાંભળશો તો જીવનના દુઃખદર્દ કેટલીક ક્ષણો તો ભૂલાઈ જ જશે એની ગેરંટી.
હવે વાત કરીએ એ ગીતોની, જેને કિશોરકુમારના અવાજની અદ્ભૂત કારીગરીનો ઉત્તમ નમૂનો કહી શકાય.
આ ગીતના રેકોર્ડિંગની પણ એક કહાણી છે. આ ગીત કિશોરકુમારે લતા મંગેશકર સાથે રેકોર્ડ કરવાનું હતું. પણ રેકોર્ડિંગના દિવસે લતાજી કોઈ કારણસર આવ્યા નહિ. કિશોરકુમારે તો પોતાના સ્વભાવ મુજબ ગાવાનું શરૂ કરી દીધું. કમાલ ત્યાં સર્જાયો કે લતાજીએ ગાવાની પંક્તિઓ પણ કિશોરકુમારે ગાવા માંડી, એ પણ સ્ત્રી સ્વરમાં. ત્યાં હાજર વાદકો પણ ચકિત થઈ ગયા! અને આ ગીત એવું અપ્રતિમ બન્યું કે લતાજીએ ગાવાનો વારો જ ન આવ્યો. અને આમ આપણી સમક્ષ ઉઘડ્યું, કિશોરદામાં રહેલું એક અનન્ય સર્જનાત્મક પાસું.
આ કે સીધી લગી દિલ પે જૈસે કટરીયા.. ઓ ગુજરિયા
લે ગઈ મેરા દિલ તેરી જુલ્મી નજરિયા.. ઓ સાંવરિયા
આ ગીત ‘એક ચતુર નાર’ ની જેમ જ કિશોરદાની ક્રિએટિવિટીની ચરમસીમા સમાન છે.
હિન્દી ફિલ્મ સંગીતના ઇતિહાસનું કદાચ આ પ્રથમ અને અંતિમ ગીત હશે જે પુરુષ અને સ્ત્રીના અવાજમાં એક જ ગાયકે ગાયું હોય અને એ પણ તદ્દન સાહજિકતા અને સંપૂર્ણતાથી ! ગીતનું ફિલ્માંકન જોવાથી મન મસ્તીમાં ડૂબી જવાની પૂરી સંભાવના છે.
આપણે ઉપર જે પણ ફિલ્મોની વાત કરી એ તમામ ફિલ્મોના મુખ્ય અભિનેતા તરીકે પણ કિશોરદા હતા. એટલે આ ગીતોમાં આપણને અવાજ અને અભિનય બંને દૃષ્ટિકોણથી કિશોરકુમારને ઓળખવાનો મોકો મળે છે.
કિશોરકુમાર પોતાની અંદર છૂપાયેલી પ્રતિભાઓને ક્યારેક એવી રીતે બહાર કાઢતા કે જેનાથી ખુદ એક ઇતિહાસ રચાઈ જતો. અનેક પ્રસંગો એવા છે, કે જ્યાં ગીતોમાં કિશોરદાએ પોતાના દિમાગની ઉપજમાંથી કંઇક ઉમેર્યું છે અને એ જ સૌથી લોકપ્રિય બન્યું છે. અને કદાચ આ જ કારણ છે કે કિશોરકુમાર અન્ય કરતા અલગ પડે છે અને પોતાની અપૂર્ણતાઓ સાથે પણ આપણા દિલોના શહેનશાહ બનીને બેઠા છે.
સલિલ ચૌધરી સાથે કિશોરકુમારના ગીતોની સફર હજુ અટકતી નથી. આગળના મુકામ પર ફરી મળીશું. ત્યાં સુધી ગુનગુનાવતા રહો મજાના ગીત અને કહેતા રહો – અરે વાહ વાહ વાહ…
મૌલિકા દેરાસરીનાં વીજાણુ સંપર્કસૂત્ર
· ઇ-પત્રવ્યવહારઃ maulika7@gmail.com
· નેટ જગતઃ મનરંગી
‘હોનોલૂલૂ’ ગીત પહેલવહેલી વાર વરસો અગાઉ રેડિયો સિલોન પર સાંભળેલું. ગીત સાંભળવા લાયક તો ખરું જ, ‘જોવાલાયક’ પણ છે. કિશોરકુમારે કેટકેટલી ભૂમિકાઓ કરી છે!
કિશોર કુમાર અભિનેતા હોય અને ગાયક પણ હોય એટલે કોમ્બો પેક જેવો ફાયદો થાય. સલિલ ચૌધરી આ ગીતોમાં કિશોરને કારણે એવા ખીલ્યા છે કે એના જેવાં બીજાં ઉદાહરણ નહીં મળે. કિશોર કુમાર પ્રતિભાસંપન્ન ગાયક હતા, અને એટલાજ ઉત્તમ અને કુદરતી અભિનેતા હતા.
સચિન દેવ બર્મનની જેમ કિશોર કુમારના અવાજનો સલિલ ચૌધરીએ પૂરો લાભ લીધો છે.