લ્યો,આ ચીંધી આંગળી: ઘરની પછીતે દટાયેલો પ્રેમ [૧]

રજનીકુમાર પંડ્યા

(નોંધ:

ત્રીજા પુરુષ એક વચનમાં લખાયેલી આ વાત લેખકના પોતાના જીવનની છે. લેખકનું ઘરનું હુલામણું નામ રંજુ હતું.)


રંજુ ત્યારે માંડ નવ-દસ વરસનો હતો. એ દિવસ શનિવાર હતો અને સવારની નિશાળ હતી. બપોરે રંજુ ઘેર આવ્યો ત્યારે મોટો ભાઈ અને મોટી બહેન એને એક કૌતુક બતાવવા થનગની રહ્યાં હતાં.

‘રંજુ, રંજુ તને ખબર છે ?’  એના ભાઈએ કહ્યું : ‘આપણે ઘેર એક પોપટનું બચ્ચું આવ્યું છે ?’

‘બે દિવસ પહેલાં જ તું પોપટ, પોપટનું વેન કરતો હતો ને. લે, આ એની મેળે જ આવી ગયો.’ બહેને એની સામે પાંજરું ધર્યું.

પાંજરું શું હતું ? પાંજરાના નામે માત્ર શાકભાજી રાખવાનું શીકું હતું. બે દિવસ પહેલાં રંજુએ પોપટ પાળવાનું વેન લીધું હતું. ત્યારે મોટાભાઈએ શીકામાં એક લીલા રંગનું મોટું રીંગણું મૂકીને મશ્કરીમાં કહ્યું હતું ‘લે, આ પોપટ.’ આજે એ શીકામાં થરથર ધ્રુજતું પોપટનું બચ્ચું હતું, ખરેખરું.

થોડી વાર પહેલાં કોણ જાણે કેવી રીતે મેડીની દીવાલને કાંગરેથી આ બચ્ચું ધબ દઈને નીચે પડ્યું હતું. પાછળ બિલાડી ટાંપીને ઊભી હતી. બહેને દોડીને એને સાડીના છેડામાં સંભાળીને લઈ લીધું. મોટો પણ દોડી આવ્યો. બચ્ચું કંપતુ હતું. ક્યાં રાખવું એને ?  બાપુજી બહાર બજારે ગયા હતા. બા રસોડામાં હતાં. બન્ને એમની પાસે ગયા અને આ વાત કરી કે એમણે પણ સાત કામ પડતાં મુકીને તરત જ શાક રાખવાનું શીકું ઉંધું વાળીને ખાલી કરી આપ્યું. અમે એ થરથર ધૂજતા બચ્ચાંને હળવેકથી એમાં છોડી દીધું. મારા હાથમાંથી મુકત થઇને બચ્ચું શીકાના તળિયાના સળિયા ઉપર નાના નાના પગના નખ ભરાવીને બેસી ગયું, પણ હજુ એના લીલાછમ શરીરમાંથી કંપ હજી ગયો નહોતો. એવો કંપ કે જે એના શરીરની આરપાર અનુભવી શકાય. મીંડા જેવડી આંખો તગતગાવીને એ જગતને જોઈ રહ્યું.

‘હમણાં ભલે રહ્યું.’ બા બોલ્યાં, ‘મોટું થશે એટલે ક્યાંક આંબવાડિયામાં છોડી આવીશું, એને મરચાં આપો.પોપટને લીલાં મરચાં બહુ ભાવે.’

‘ના, ના, બા.’ બહેન બોલી : ‘રંજુ હમણાં પોપટનું વેન કરતો હતો. ભલે રહ્યું આ બચ્ચું.’

રંજુ એ બચ્ચાના દુર્બળ દેહ તરફ જોઈ રહ્યો. એણે પોપટનું વેન કર્યું હતું, પણ એ કંઈ આવો પોપટ નહિ. એણે તો પોતાના એક ભાઈબંધને ત્યાં મોટો જંગબારી પોપટ જોયો હતો. મીઠું મીઠું બોલે એવો. આ તો નાનકડું બચ્ચું હતું.

‘બે મહિનામાં મોટો થઈ જશે.’ ભાઈ બોલ્યો.

‘પણ એને બોલતાં આવડે? આપણાં નામ લેતાં આવડે ?’

બહેનને ક્યાંક જોયેલું એક દૃશ્ય યાદ આવી ગયું. એ બોલી : ‘મારી બહેનપણીને ત્યાં એક પોપટ છે. એને એ લોકો દાતણ ઘોંચીઘોચીને બોલતાં શીખવાડે છે. એમ એને તરત આવડી જાય..’

રંજુએ એની સામે જોયું. એની ધ્રુજારી ઓછી થઈ હતી, પણ ચાંચ પહોળી કરીને એ હજી હાંફતું હતું. રંજુને દયા આવી ગઈ : ‘ના, ના, આપણે એને દાંતણ ભોંકી ભોંકીને બોલતાં નથી શીખવાડવું.’

એણે હાથમાં એક મરચું લીધું. બચ્ચાની ખુલ્લી ચાંચ આગળ ધર્યું. એના ગળામાંથી કાંઈક આછો પાતળો ઘરઘરાટી જેવો અવાજ સંભળાયો. એણે મરચું નીચે મૂક્યું અને રંજુ સામે જોયા કર્યું.

થોડીવારે ઘરની ડેલી ખખડી. બાપુજી અંદર આવ્યા. આવીને હજી એમણે ઉંબરા પાસે પગરખાં ઊતાર્યા જ હશે કે તરત જ રંજુએ દોડી જઈને કહ્યું: ‘ભાઈ, ભાઈ, પોપટ આવ્યો આપણે ત્યાં.’

હા, ઘરમાં પિતાને સૌ બાળકો ‘ભાઇ’ કહીને સંબોધતાં હતાં.

બીજા પગમાંથી પગરખાં કાઢ્યાં વગર જ બાપુજી બારણે ઊભા રહી ગયા. એમના ચહેરા ઉપર વિસ્મય છવાઈ ગયું.

’કેમ?’ રંજુએ પૂછ્યું. ‘પોપટ આવ્યો એ ન ગમ્યું, ભાઈ ?’

‘ના.’ બાપુજી બોલ્યા: ‘એવું નથી ભાઈ, હું તો કુદરતના ખેલનો જ વિચાર કરું છું કે હમણાં જ બજારમાં એક ભંગારના વેપારીએ મને પૂછ્યું કે એક હિજરતી મુસલમાન શેઠનું સરસ મજાનું પિત્તળનું પાંજરું મારી પાસે આવ્યું છે. તમારે લેવું છે? મેં એને હમણાં જ ના પાડી અને કહ્યું કે ભાઈ, પોપટ નથી ને પાંજરાને અમારે શું કરવું ? ને અહીં આવું છું ત્યાં આ પોપટ !’ એ મરક્યા.

એમની વાત સાચી હતી. એ 1947ના દેશના ભાગલાના અને બન્ને પક્ષે હિજરતના દિવસો હતા. બન્ને પક્ષે આતંક છવાયેલો હતો. અહીં ભારતમાં મુસલમાનો યુધ્ધના ધોરણે ઉચાળા ભરીને હિંદુસ્તાનને છોડી રહ્યા હતા. ઘરવખરી, રાચરચીલું બધું જ પાણીના મૂલે વેચી રહ્યા હતા. એ લોકોએ વેચી નાખેલા કે ત્યાગી દીધેલા માલ-સામાનની આખી એક જંગી જુદી ગુજરી બજાર ઉભી થઇ ગઇ હતી જેતપુરના મોહમ્મદી મંઝીલ બંગલાની સામે.

ભંગારીયાઓનો એક આખો વર્ગ એના પર નભતો થઇ ગયો હતો. એમાં શ્રીમંત મેમણો પોતાના સુખી દિવસોમાં બર્મા-રંગુનથી હોંશથી લઇ આવ્યા હોય એવી શોખ-સામાનની વસ્તુઓનો આડેધડ ખડકલો જોવા મળતો હતો તો એક તરફ મોટા મોટા છત્રીપલંગો અને બર્મિઝ ગ્લાસના હાંડી ઝૂમ્મરો પણ ફૂટપાથ પર પડેલા જોવા મળતા હતા. એક જમાનામાં રંગુનથી મોંઘા ભાવે ખરીદાયાં હશે એવાં અનેક મેલાં થઇ ગયેલાં રમકડાંઓથી ફૂટપાથ પર એમનાં નાગોડીયાં બચ્ચાંઓ રમતાં હતાં. ન તો એની અસલી કિમતની ભંગારીયાઓને ખબર હતી કે ન તો ખરીદારોને. સોદા વખતે એ ‘ચીજ’ નામના એક જ શબ્દમાં એ બધું સમાઇ જતું હતું.

પિતાજી એને એ પગલે એ પાછા બજારમાં ગયા અને એવી એક ચીજ તે પિત્તળનું સામાન્ય કરતાં ઠીક ઠીક મોટું એવું પાંજરું લઈ આવ્યા. મોટું સુંદર પાંજરું હતું. પિત્તળના એક ફુલબુટ્ટેદાર મોટા થાળને અવળો કરીને એના પૂરા વર્તુળમાં પિત્તળના જ સળીયા ખોસીને ઉપરથી જતાં એને ઘુમ્મટાકારે વાળીને એક કાચની પ્લેટમાં એના બીજા છેડાઓ એકત્ર કરીને ઘુમ્મટ અને એની ઉપર એને ટિંગાડવા માટે આંકડીયો બનાવવામાં આવ્યો હતો. અંદર પક્ષીને ઝુલવા માટે ઝૂલો અને એક બેઠક પણ બનાવવામાં આવી હતી.

રંજુએ પોતાના હાથે જ બચ્ચાને એમાં છુટું મુકી દીધું તે એ ડગુમગુ ચાલે છેક દૂર જઇને બેસી ગયું.

**** **** ****

બહેનની વાત સાચી હતી, બે જ મહિનામાં એ બચ્ચાંએ ગજું કર્યું. એ વધવા માંડ્યું. થોડા જ વખતમાં એ પૂરા કદનો પોપટ બની ગયો, પણ એને ગળે કાળો કાંઠલો ફૂટ્યો નહીં, કે જેની અમને સૌને ઇંતેજારી હતી. જોવા આવનારામાંથી કોઈ કહેતું કે એ તો સૂડો છે, કાંઠલો ક્યાંથી ફૂટે ? સાંભળીને રંજુનું દિલ ઘવાતું.  ’ના, ના, મારો પોપટ તો પોપટ જ છે.’ એ કહેતો. રોજ સવારે એને ગળે કાળી ઝાંય વરતાય એની રાહ જોતો અને નિરાશ થતો. પણ અને એક દિવસ એક જાણકારે એને જોઈને કહ્યું કે આ તો માદા પોપટી છે, એને કાંઠલો નહિ ફૂટે. આપણે ત્યાં સ્ત્રીઓને મૂછો ન ફૂટે એમ જ.

કાંઠલો ન ફૂટ્યો તો કાંઈ નહિ, પણ એને બોલતાં સારું આવડી ગયું હતું. કોઈએ એને બોલતાં શીખવાડ્યું નહોતું. પણ એણે રંજુનું નામ રટતાં શીખી લીધું હતું અને સીસોટીમાં પણ એ નામ ટહુકતાં એને આવડી ગયું હતું. ગળું ફુલાવીને એ પોપટી બેસતી ત્યારે ખૂબ વહાલી લાગતી. બહેને એનું નામ ગેઢી રાખ્યું હતું. ગેઢી એટલે કંઈ નહિ, માત્ર એનું ફુલાયેલું ગળું જોઈને સ્ફુરી આવેલું લાડકું નામ. પણ એ ગેઢી ભારે તોફાની હતી. ઘરના સૌ એના પાંજરામાં આંગળી નાખતા ત્યારે કરવત જેવી ચાંચથી બટકું ભરી લેતી, અને લોહી કાઢતી, ‘કીચુ…કીચુ….કીચુ….’ કરીને કાળો કકળાટ કરી મુકતી. પણ કોણ જાણે કેમ એક માત્ર રંજુ આંગળી નાખતાં એ એકદમ નરમ ઘેંસ થઈ જતી. આંખો બંધ કરીને સમાધિમાં આવી ગઇ હોય એમ ગરદનને ખૂબ નીચે નમાવી, ચાંચને ઊંચી કરીને એ ધીમો મીઠો ધ્વનિ કરતી. એ નમેલી અર્ધ ગોળાકાર ડોકી ઉપર રંજુ વહાલથી ધીમી ધીમી આંગળી ફેરવતો ત્યારે આંખો બીડી જતી. ( તસ્વીર જુઓ.) 

આમ લાંબો સમય ચાલતું. સૌ તાકી રહેતાં.. રંજુ તો એને ખવડાવતો પીવડાવતો નહીં છતાં ગેઢી આમ કરે ? ગેઢીનું આ વર્તન કોઈને સમજાતું  નહીં.

**** **** ****

બહેન પરણીને સાસરે ગઈ. મોટો ભાઈ નોકરી માટે બહારગામ ચાલ્યો ગયો. અને રંજુ પોતે કોલેજ કરવા ભાવનગર ગયો. કોલેજમાં જઈને એ ભણવામાં, પ્રવૃત્તિઓમાં, મિત્રોમાં ખોવાઈ જતો. ગેઢીની યાદ બહુ આવતી નહીં, પણ વેકેશનમાં એ ઘેર આવતા વતનને સ્ટેશને મોડી રાતે ઊતરતો ત્યાં જ ગેઢીની યાદ સળવળી ઊઠતી. ટપ્પામાં બેસીને એ ઘેર પહોંચતો અને બારણે ઊભા ઊભા જ અવાજ દેતો ‘બા.’ ત્યાં જ બાના હોંકારાને બદલે  ગેઢીનો ટહુકો અડધી રાતે પણ ગુંજી ઊઠી જતો. ઓરડામાં દાખલ થઇને રંજુ જેવું પાંજરાને ચોતરફ ઢાંકેલું કપડું ઊંચુ કરતો કે તરત જ ગેઢી એની ડોક ધરી દેતી અને આંખો બીડી જતી. અને ગળામાંથી અસ્પષ્ટ એવો ધ્વનિ કાઢતી. રંજુનું મન આંદોલિત થઇ ઉઠતું. કઇ જાતની એ ચેષ્ટા હતી? કંઈ સમજાતું નહોતું.

**** **** ****

પણ એનો જવાબ એને લાંબા સમયે મળ્યો. એ સરકારી ઑડીટર તરીકેની નોકરીએ લાગ્યો હતો. સ્થાનિક ભંડોળની સંસ્થાઓ ને સુધરાઇઓના ઑડીટર તરીકેની ગામેગામ મહીના મહીનાના મુકામો કરીને કામ કરવાની એની નોકરી હતી. 1961માં એ ઉપલેટા સુધરાઇનું ઑડીટ કરતો હતો અને એને કામ કરવા માટે આપવામાં આવેલી ઓફીસ ત્રીજે માળે હતી કે જ્યાંથી મોજ નામની નદી દેખાતી અને એને કિનારે જૂના કાળા ગઢની રાંગ દેખાતી. કામથી  આંખોને જરા વિશ્રામ આપવા એ અનેક વાર બારીની બહાર નજર દોડાવતો. એવી જ એક ક્ષણે ગઢની રાંગે બેઠેલા બે પોપટ પર એની નજર પડી. એ બે અંદરો અંદર કદાચ ગેલ કરતાં હતાં. એને પોતાની ગેઢી યાદ આવી ગઇ. એને વધુ રસ પડ્યો. લાગ્યું કે એ નર-માદાની જોડી હતી. ધ્યાનથી જોયું તો પોપટ પોપટીના ગળે હળવી હળવી ચાંચ મારતો હતો ત્યારે પોપટી  ગરદન નમાવીને ગળામાંથી ધીમો ધીમો ધ્વનિ કરતાં કરતાં એને સમર્પિત થઈ રહી છે.  કેટલીયે વાર સુધી એ દૃશ્ય એ જોતો રહ્યો. એને ફરી તીવ્રપણે ગેઢી યાદ આવી ગઇ.

ઘણા વખતે એક વાત એને સમજાઈ ગઈ હતી કદાચ. પાંજરે પૂરાયેલું પંખી કેટલા બધા નૈસર્ગિક સુખોથી વંચિત રહેતું હશે ! એ શું કરે એને પામવા ! વાત કોઇ ગયા જનમની હોતી જ નથી, જે કાંઇ તૃપ્તિઓ, અતૃપ્તિઓ હોય છે તે આ જન્મની ભૂમિમાં જ જન્મતી હશે અને આ જન્મની ભૂમિમાં જ દફન થઇ જતી હશે ?

કોઇ મીઠા સ્પર્શની એને તલબ રહેતી હશે ? પશુપક્ષીઓને પણ ?

એનો જવાબ હવે પછી મળવાનો હતો. 


આવતા સપ્તાહે…( ક્ર્મશઃ )


લેખકસંપર્ક-

રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

7 thoughts on “લ્યો,આ ચીંધી આંગળી: ઘરની પછીતે દટાયેલો પ્રેમ [૧]

 1. નૈસર્ગિક અને…….
  અદ્ભૂત વાત છે…. હા… સાચું જ તો છે.. પશુ પક્ષી ને ય નૈસર્ગિક સુખ ની ઝંખના તો હોતી જ હશે.. પણ જતાવે કેમ?? અને બતાવે કોને???
  પણ આ બાબતે આવો વિચાર લેખક ને જ આવે…

  બીજા હપ્તા ની રાહ માં

 2. જવાબ તો ઉતરાર્ધ વાંચ્યા પછી જ આપી શકાય તેમ ચ્હે, અત્યારે ફક્ત એટલું જ કહી શકાય કે અદ્ભુત લાગણી.

 3. વાહ સરસ હૃદયસ્પર્શી વાત, માણસ માત્ર માનવીને જ પ્રેમ કરે તેવું નથી માનવી ને પશુ સાથે પણ પ્રીત બંધાય છે, તેમાં પશુ પંખી પણ એટલીજ સહજતા થી જોડાતા હોય છે, પશુ પંખી પણ લાગણી ભૂખ્યા હોય છે ને
  ગઢીને પણ બાળક રંજુ સાથે પ્રીત છે એ સ્પષ્ટ વર્તાય છે, રંજુ મોટો થઈ મોટા સાહિત્યકાર બન્યા ત્યારે પણ એટલીજ લાગણી તેની બધા સાથે બંધાય છે, રજનીકુમાર પંડ્યા સાથે એકવાર સંસર્ગમાં આવો એટલે તરતજ સામેવાળો લાગણીથી તરબતર થઈ જાય તેવું મેં તથા મારા જેવા અનેકે અનુભવ્યું છે. આ લાગણીનો પ્રવાહ આજે પણ ધાણીફૂટ વહે છે. કહેવત છે કે પુત્રના લક્ષણ પારણાંમાંથી

 4. वार्ता तो तमारी हमेशा संवेदनशील अने रस पडे एवीज होय छे पण आ वार्ता साथे मुकेल तमारो जुवानीनो निर्दोषता सभर, अलगारी फकिरी नी आभा धरावतो फोटो एक अणधार्या मळेल मोटा इनाम जेवो लाग्यो.
  आ, धणा बधाने पोताना प्नीय दिवसो याद कराववानु अनेरु कारण पण बन्यो हशे.

 5. માનવી પોતાના શોખ માટે પક્ષો ઓ ને નૈસર્ગિક જીવન અને સુખ થી વંચિત રાખે છે પણ શરૂઆત ની જીવદયા ને અવગણી ન શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *