આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૩

પ્રવાસી યુ. ધોળકિયા

‘આપણે કેટલા પ્રાચીન?’ લેખના પ્રથમ બે લેખાંકમાં આપણે પ્રાચીન ભારતની ઐતિહાસિક પરંપરા પ્રમાણે છ મનુઓ, ૪૫ પ્રજાપતિ, સપ્તર્ષિ અને ૨૭ વ્યાસ દ્વારા વિશ્વ અને ભારતમાં સંસ્કૃતિ અને સભ્યતા કઈ રીતે સ્થાપિત કરવામાં આવી તે વિશે ટુંકું વિશ્લેષણ કર્યું.

કોઈ પણ ઐતિહાસિક કે સાંસ્કૃતિક પરંપરાની ચર્ચા તેની કાળગણત્રી – Chronology  – વિના અપૂર્ણ ગણાય.  આપણે આપણા લેખમાં આધુનિક વૈજ્ઞાનિક સિધ્ધાંતો, પૃથ્વીનું પર્યાવરણ અને અન્ય કુદરતી પરિબળોને લક્ષ્યમાં રાખીને એક લાખ વર્ષના કાળક્રમમાં પ્રથમ મન્વંતરથી અત્યાર સુધીના સમયને આવરી લીધો છે.

પરંતુ, વિશ્વના અનેક પ્રાચીન દેશો ઈતિહાસની આવી કાળગણત્રીને કરોડો વર્ષોમાં મુકે છે. તેની સામે આજે એવું કહેવાય છે કે વિશ્વની સંસ્કૃતિ ૬,૦૦૦ વર્ષથી વધારે પ્રાચીન નથી. વળી, આવી સંસ્કૃતિઓમાં સુમર, ઈજિપ્ત પછી ભારતનો ત્રીજો ક્રમ છે, એવું પ્રમાણભૂત ઈતિહાસ તરીકે શાળા-મહાશાળાઓમાં શીખવાય છે. અહીં આપણા દેશની સંસ્કૃતિ ૫,૦૦૦ વર્ષ પ્રાચીન ગણવામાં આવે છે. હવે જો આ પ્રમાણે આપણે પ્રાચીન ગ્રંથોનું  અવલોકન કરીએ તો ઋગ્વેદ પ્રમાણે ૫ યુગો હતા અને તે પાંચ વર્ષમાં જ સમાપ્ત થઈ હતા એવું જોવા મળે છે. આમ થવાનું એક કારણ એ હોઈ શકે કે એ સમયમાં હજુ કાળગણત્રી જેવી  સમય કાળની કોઈ ગણત્રી અસ્તિત્ત્વમાં જ ન હતી.

શતપથબ્રાહ્મણ પ્રમાણે જગત રચયિતા પ્રજાપિતાના પ્રાગટ્ય સાથે જ કરોડો વર્ષ પહેલાં તેમાંથી બે પરિબળો ‘કાળ’ અને ‘મૃત્યુ’નો પ્રાદુર્ભાવ થયો. તેથી એ સ્વાભાવિક છે કે પુરાણોની ગણત્રી પ્રમાણે તે સમયગાળો કરોડો વર્ષોનો હોય. તેથી, વર્તમાનમાં ૩૬મા શ્વેતવરાહ કલ્પનાં આજ  (ઈ.સ.૨૦૨૦) સુધી ૧૯૭,૨૯,૪૯.૧૨૦ વર્ષ પુરાં થઈ ગયાં છે. બધા ભારતીયો માને છે કે આપણે જે કળિયુગમાં જીવીએ છીએ તેનાં કુલ્લ ૪,૩૨,૦૦૦ વર્ષ છે. આપણે તો હજુ કળિયુગનાં ૫,૦૦૦ વર્ષ જ પુરાં કર્યાં છે.

હાલનું શિક્ષિત માનસ આવી કરોડો વર્ષની કાળગણત્રીને સ્વીકારવા તૈયાર નથી. તો, એનો શો ઉકેલ હોઈ શકે? આપણા સદ્‍નસીબે હિંદીભાષી વિદ્વાન વાસુદેવ પોદ્દારે તેમનાં પુસ્તક ‘વિશ્વ કી કાલયાત્રા‘માં આ વિશે સાચું અર્થઘટન કર્યું છે. તેઓ જણાવે છે કે વિશ્વના સર્જન વખતે જે પ્રજાપતિ -વિરાટ પુરુષ (હિરણ્ય ગર્ભ)નું પ્રાગટ્ય થયું તેને આ કરોડો વર્ષની કાળગણત્રીમાં જ વર્ણવી શકાય. માનવજાત આ વિરાટ પુરુષની સરખામણીએ અતિ તુચ્છ છે. એટલે કે તે ઈતિહાસ પુરુષ છે, એટલે તેમની કાળગણત્રી હજારો વર્ષમાં જ હોઇ શકે.  

કેટલાંક પુરાણો પ્રમાણે કૃત (સત), ત્રેતા, દ્વાપર અને કળિ એમ ચાર યુગનો સરવાળો ૧૨,૦૦૦ વર્ષનો હતો. આપણી લેખમળાનો આધાર સંદર્ભ હિંદી પુસ્તક ‘પુરાણોં મેં વંશાનુક્રમિક કાલક્રમ‘ છે. તેના વિદ્વાન વ્યાસશિષ્ય લેખક કુંવરલાલ જૈન, દાખલા દલીલો સાથે, આપણા પ્રાચીન ઈતિહાસની કાળગણત્રીને ૩૨,૦૦૦ વર્ષની પુરવાર કરે છે. પરંતુ આપણે જે વૈજ્ઞાનિક પરિબળોને આધારે ૧ લાખ વર્ષની ગણત્રી કરી છે તેની સાથે આ બન્ને કાળગણત્રીઓ સુસંગત નથી. આવી અનિર્ણાયક પરિસ્થિતિમાં આપણી મદદે કચ્છ સિંધના ત્રિકાળજ્ઞાની અને મહાન સંત મામૈદેવની ચાર યુગની કાળગણત્રી આપણા કાળક્રમ સાથે બંધ બેસે છે, મામૈદેવની ચાર યુગની કાળગણત્રી નીચે પ્રમાણે છે.

 વિગતવર્ષ
કૃત યુગ (સત યુગ) – અસુર અને દેવોના યુદ્ધ દરમ્યાન ઈન્દ્ર દ્વારા બલિરાજાના પરાજય સાથે અંત થયો૩,૭૦૦
પંચજન્ય અને સૂર્યચંદ્ર વંશના યુગને ત્રેતા યુગ માનવામાં આવે છે. ભગવાન રામે જ્યારે રાવણનો વધ કર્યો ત્યારે આ યુગનો અંત આવ્યો.૫૦,૦૦૦
રામ-રાવણના યુદ્ધ પછીથી મહાભારતના યુદ્ધની સાથે દ્વાપર યુગનો સમય પૂર્ણ થયો.૮,૪૦૦
કળિયુગ – આ યુગ ઈ.સ. ૧૯૭૮-૭૯માં પુરો થઈ ગયો છે. હાલ તેની સો વર્ષની યુગસંધિ ચાલે છે.૭,૯૦૦
 કુલ વિતેલાં વર્ષો…૭૦,૦૦૦

ઉપરોક્ત કાળગણત્રી પ્રમાણે આપણી લેખમાળામાં જે ઘટનાઓની આપણે  વાત કરી ચુક્યાં છીએ તેમને નીચે મુજબ ગોઠવી શકાય.

 વિગતવર્ષ
માનવજાત સંસ્કૃતિ સ્થાપવા સક્ષમ બની ૧૦,૦૦૦
મનુ-પ્રજાપતિ-સપ્તર્ષિ યુગ૧૭,૫૦૦
ચાક્ષુસ-મન્વંતર-દક્ષ પ્રાચેતસ્  યુગ૨,૫૦૦
દક્ષ પ્રાચેતસ્ થી મન્વંતરોને સ્થાને કાળગણત્રી ચાર યુગોમાં કરવામાં આવી. મામૈદેવની કાળગણત્રી મુજબ આ ચાર યુગનાં કુલ વર્ષો    ૭૦,૦૦૦
 સંપૂર્ણ કાળગણત્રીનાં કુલ વર્ષો૧,૦૦,૦૦૦

+            +            +

દક્ષ પ્રાચેતસ્ ની ૧૩ કન્યાઓ અને તેમનાં સંતાનો

હવે પછીનો વિશ્વનો ઈતિહાસ મુખ્યત્ત્વે દક્ષ પ્રાચેતસ્ ની ૧૩ કન્યાઓ અને તેમના કાશ્યપપરમેષ્ટિ સાથે થયેલાં લગ્નસંબંધથી ઉત્પન્ન થયેલી મહાન પ્રજાઓની આસપાસ આકાર લે છે. પુરાણો, રામાયણ અને મહાભારત આ હસ્તીઓનો વિસ્તૃત ઈતિહાસ રજૂ કરે છે. પરંતુ આ બધાં પુરાણોનું જ્યાં સુધીમાં લેખિત, અને પછી મુદ્રિત, દસ્તાવેજીકરણ થયું ત્યાં સુધી આ જ્ઞાન એક પેઢીથી બીજી પેઢી મોઢામોઢ હસ્તાંતરણ થતું હતું. એ કારણે જ્ઞાન આપનાર કે લેનારના પોતાના દૃષ્ટિકોણ અનુસાર, જુદાં જુદાં પાત્રોનાં જીવન વૃતાંત ‘સારાં’ કે ‘ખરાબ’ પાત્ર તરીકે ઘુંટાતાં ગયાં. પરિણામે. આજની કરોડોની હિંદુ પ્રજા માટે કેટલાંક સંતાનો જેટલાં શ્રદ્ધાનાં કેન્દ્રો છે તેટલાં જ અન્ય સંતાનો ધિક્કારનાં પાત્રો બની રહ્યાં છે. જોકે સ્થળ સંકોચને લઈને આપણે તેનો ટુંક પરિચય જ કરીશું. આ માટે આપણે જે. પી. મિત્તલનાં ‘એન્સિયન્ટ ઈન્ડિયા‘ નામનાં પુસ્તકનો આધાર લીધો છે.

મોટા ભાગનાં સંતાનો માતાના નામથી ઓળખાતાં એ વાતની અત્રે ખાસ નોંધ લેવી ઘટે.

હવે આપણે દક્ષની ૧૩ કન્યાઓ અને કશ્યપનાં લગ્નથી થયેલ વંશવૃક્ષોનો સંક્ષિપ્ત ઈતિહાસ જોઈએ.

૧ – ૨ દિતી અને દનુ નામની પુત્રીઓથી અનુક્રમેદૈત્યો અનેદાનવોનો જન્મ થયો. તેઓ વચ્ચે સુમેળભર્યા સંબંધ હતા. આ દૈત્યો અને દાનવો સંયુક્ત રીતે અસુરો તરીકે ઓળખાયા. તેઓ વયમાં મોટા હોવાથી પૂર્વદેવો પણ કહેવાયા. કેટલાક મહાન અસુરોમાં હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ, પ્રહલાદ, નમુચિ, સંબર, કેશી, રાહુ અને વિપ્રચિતિ ઈત્યાદિ થયા. દિતીએ મરૂતપુત્રોને પણ જન્મ આપ્યો, જેમાંના ૫૦ ટકા અસુર પક્ષે રહ્યા, અને બાકીના દેવોના પક્ષમાં ચાલ્યા ગયા.

૩ અદિતી અને કશ્યપનાં સંતાનો એટલે ૧૨ આદિત્યો. આ અદિત્યોમાં ધાતા, વરૂણ, અંશ, ભગ, વિવસ્વાન(૧), ઈન્દ્ર, ત્યષ્ટા, મિત્ર, અર્યમા,પર્જન્ય, પુષા ને વિષ્ણુ હતા. ઈન્દ્રએ અસુરો પર વિજય મેળવ્યા પછી આદિત્યો દેવો તરીકે ઓળખાયા.

૪ અરિષ્ટા નામની કન્યાએ કિન્નરોને જન્મ આપ્યો.

૫-૬ ક્ર્દુ અને સુરસાના પુત્રોમાંથી નાગવંશનો ઉદય થયો, જેમાં શેષ, વાસુકિ, તક્ષક, ઐરાવત, ધનંજય, ધૃતરાષ્ટ્ર, દુર્મુખ, કપિલ તથા નહૂષ પ્રખ્યાત નાગો હતા.

૭ સુરભિએ જે ૧૧ પુત્રોને જન્મ આપ્યો તે રૂદ્ર કહેવાયા, જેમાંના પ્રસિદ્ધ રૂદ્ર શંભુ, ત્ર્યંબક, અપરાજિત, હર, કપર્દિ અને કપાલિ કહેવાયા.

૮ વિનિતાએ બે પુત્રો ગરૂડ અને અરૂણને જન્મ આપ્યો. આ ગરૂડે દેવોને મદદ કરેલ. એટલું જ નહીં, પણ સ્વર્ગમાંથી, જાનના જોખમે, સોમકળશ લાવીને ઈન્દ્ર અને વિષ્ણુને આપ્યો. આથી ખુશ થઈને વિષ્ણુએ પોતાના વાહન તરીકે ગરૂડરાજને સ્થાન આપ્યું.

વિનિતાના બીજા પુત્ર અરૂણનાં સંતાનો એટલે સંપાતિ અને જટાયુ. આ જ જટાયુની પાછલી પેઢીએ રામાયણકાળમાં રાવણને ઘાયલ કરી, જ્યારે રામ ત્યાંથી પસાર થયા ત્યારે તેમને સીતા વિશે માહિતી આપી.

૯ ક્રોધવશાના સંતાનોએ પણ નાગકન્યાઓ સાથે લગ્ન કર્યાં. એટલે તેઓ પણ નાગકુળના વંશજો કહેવાયા.

૧૦ ઈરા. તેનાં સંતાનો  તૃણા કહેવાયાં.

૧૧ ખાસા નામની કન્યાએ યક્ષોને જન્મ આપ્યો. કુબેર પ્રખ્યાત યક્ષ હતા, જેનાં લગ્ન લક્ષ્મી-૨ સાથે થયાં. જોકે આ યક્ષકુળમાં પાછળથી રાક્ષસકુળ કહેવાયું, જેમાં રાવણનો જન્મ થયો. રાવણથી આપણે બધા પરિચિત છીએ.

૧૨ મુનિ અને કશ્યપે ગંધર્વોને જન્મ આપ્યો.

૧૩ કશ્યપની ૧૩મી પત્નીનું નામ તામ્રા હતું.

કશ્યપનાં અન્ય સંતાનો વિશે અને દેવાસુર યુગ વિશે હવે પછી….


ક્રમશઃ….લેખાંક ૪ માં       


શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

1 thought on “આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૩

Leave a Reply

Your email address will not be published.