હકારાત્મક અભિગમ – ૧ – શ્રધ્ધાને સીમાડા

નવી લેખમાળાના પ્રારંભે પ્રાસંગિક નિવેદન

જીવન અને જીવનમાં બનતી ઘટનાઓને સમજણથી જોવાની, સ્વીકારવાની સમજ એટલે હકારાત્મક અભિગમ. આ એક એવો અભિગમ, એવી આત્મજ્યોતિ જેનાથી આત્મા સ્વંય પ્રકાશિત થાય. એવું મને લાગ્યું છે.  ભૂતકાળમાં બની ગયેલી કે વર્તમાનમાં બનતી ઘટનાઓને સમ્યકબુદ્ધિથી સમજીને ભવિષ્ય માટે સ્વયં સજ્જ થવાની સમજ આપે એવો અભિગમ.

આ એક એવી લેખમાળા છે જેના પ્રત્યેક લેખના વિષયો સાથે મારા વિચારો જોડાયેલા અનુભવ્યા છે.  જ્યારે કોઈ વાત દ્રષ્ટાંત સાથે આપણી સામે આવે ત્યારે એ વાત સરળતાથી મનને સ્પર્શે છે.

એક સત્ય એ હતું કે હંમેશા મને સાવ થોડામાં ઘણું કહી જતી વાત અત્યંત સ્પર્શી જતી. કોઈપણ બાબત આપણને ત્યારે જ સ્પર્શે જ્યારે આપણું અંતર એ સત્ય સમજતું જ નહી પણ સ્વીકારતું પણ હોય. હકારાત્મક અભિગમના પ્રત્યેક લેખ સાથે એક વાત નિશ્ચિત થઈ કે હું જે માનતી કે વિચારતી હતી એ એમાં પ્રતિબિંબિત થતું અનુભવતી અને માટે જ મને એ લખવમાં સરળતા રહેતી. આ સળંગ ૫૧ લેખ કશાય આયાસ વગર અને અત્યંત આનંદથી લખાયા છે.

આશા છે મારા મનને સ્પર્શતી વાત વેબગુર્જરીના વાચકોના મનનેય સ્પર્શે ગમે.

રાજુલ કૌશિક


સુશ્રી રાજુલબેન કૌશિકની ‘હકારાત્મક અભિગમ’ લેખમાળા આજથી દર મહિને ચોથા બુધવારે પ્રકાશિત થશે.


શ્રધ્ધા ને સીમાડા

રાજુલ કૌશિક

મેક્ફાર્લેન્ડમાં પ્રિમ્રોઝ નામનું ડે કેર અને ફર્સ્ટ ગ્રેડ સુધીની સ્કૂલ જેમાં મારી પૌત્રી અને પૌત્ર ભણે. ખુબ સરસ સ્કૂલ અને અત્યંત પ્રેમાળ ટીચરો. વાત છે ૨૦૧૦ના સમયની. તે સમયે અમે વિઝિટર વિસા પર એટલાંટા આવતા –જતા રહેતા અને ત્યારે ક્યારેક અમારે પણ બાળકોને સ્કૂલે લેવા મુકવા જવાનો યોગ થતો. આવા અવાર-નવાર યોગના લીધે હવે તો ટીચર્સ પણ અમને ઓળખવા માંડ્યા હતા.

અમારો પરિવાર જૈન એટલે જ્યારે અમેરિકા આવવાનું થાય ત્યારે અમે મહુડી દર્શન કરીને નીકળતા. જો કે મહુડીના ઘંટાકર્ણ મહાવીર પર કોને શ્રધ્ધા નહી હોય. જૈન અને જૈનેતર પણ હવે તો મહુડીના દર્શને આવતા થયા છે. મહુડીનો પ્રસાદ કહો કે આશીર્વાદ સમી રક્ષા પોટલી તો અમારે અવશ્ય અમેરિકા સૌ માટે લેતા આવવી એવો સૌનો આગ્રહ એટલે આ વખતે પણ અમે રક્ષા પોટલી લેતા આવ્યા. નાનકડી રિયાએ એની મમ્મીના હાથે રક્ષા પોટલી જોઇને એના હાથે પણ બંધાવી. સતત એના હાથ પર આ રક્ષા પોટલી જોઇને એના ટીચરે એને એક દિવસ રક્ષા પોટલી અંગે પૂછ્યું. રક્ષા પોટલીના મહત્વથી અજાણ એ સાડા ચાર વર્ષ નાનકડી રિયાએ કહ્યું

“ I don’t know. My Nani knows. .”રિયાએ મારી તરફ આંગળી ચીધી.

એના ટીચરે અત્યંત ઉત્સુકતાથી રક્ષા પોટલી અંગે મને પૂછ્યું. ટીચર સમજી શકે એટલી સરળતાથી મેં રક્ષા પોટલીનું મહત્વ સમજાવ્યું કે રક્ષા પોટલી એ શ્રધ્ધાનું પ્રતિક છે. અમારા મન એ ઇશ્વરના આશીર્વાદ છે જે આપણી રક્ષા કરે છે.

મારા આશ્ચર્ય વચ્ચે મિસિસ લોરીએ પૂછ્યું…. “ Can I have this please? Will you tie it to me? I really need this. I am suffering from so many problems.” અને તેમણે તેમના અને તેમના પરિવારની સમસ્યાઓ વિશે મને વાત કરી. બીજા દિવસે હું એમના માટે રક્ષા પોટલી લઈ આવીશ એવી મેં ખાતરી આપી.

બીજા દિવસે મિસિસ લોરી મારી જ જાણે રાહ જોતા હતા. એમનો વિશ્વાસ મને પણ સ્પર્શી ગયો. એમના હાથ પર રક્ષા પોટલી બાંધતા પહેલા મેં મારા ચંપલ કાઢીને નવકાર મંત્રનું રટણ કર્યું. મારું જોઇને એમણે પણ શુઝ ઉતારીને આંખો બંધ કરી મારી સામે હાથ લાંબો કર્યો. રક્ષા પોટલી રિયાના જમણા હાથ પર જોયેલી એટલે જ કદાચ એમણે સીધો જમણો હાથ ધર્યો. મારે કહેવાની જરૂર પણ ના રહી. તે સમયે તેમના ચહેરા પર જે શ્રદ્ધાના ભાવ હતા એ જોઇને મને તાજુબ્બી થઈ. રક્ષા પોટલી બંધાવી તે સમયે તેમના ચહેરા પર અને જ્યારે એમણે આંખો ખોલી ત્યારે આંખોમાં પણ જે આશાની લકીર જોઇ મેં મનોમન ઘંટાકર્ણ ભગવાનને પ્રાર્થના કરી. “ હે ઘંટાકર્ણ મહાવીર, મિસિસ લોરીની આપ પરની શ્રદ્ધા ફળજો.” મિસિસ લોરીએ પણ અત્યંત ભાવપૂર્વક બે હાથ જોડીને ઉપર બેઠેલા પરમતત્વ તરફ જોયું.

ક્યાં મહુડી અને ક્યાં મેક્ફાર્લેન્ડ? પણ મિસિસ લોરીને જોઇને એ સમયે સમજાયું કે ઇશ્વર પર સાચી શ્રદ્ધાને કોઇ સીમાડા હોતા જ નથી કે નડતા નથી. શ્રદ્ધા જ આપણને તારે છે અને તરતા રાખે છે. ઇશ્વર પરની શ્રદ્ધા જ માનવ પ્રત્યેની શ્રદ્ધાનો ઉદ્ભવ હશે ને?


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

6 thoughts on “હકારાત્મક અભિગમ – ૧ – શ્રધ્ધાને સીમાડા

  1. બહુ જ સરસ લેખ. ભગવાન પ્રત્યેની શ્રધ્ધા ખરેખર તમારી આપત્તિઓ દૂર કરે જ છે.

  2. ઈ વિદ્યાલય પર આ શ્રેણી મૂકેલી, અહીં એ બહુ જ ગમતીલી સામગ્રી અહીં ફરી પ્રગટ થતી જોઈ હરખ થાય છે.

  3. સુજ્ઞ બેન રાજુલબેન
    મિસિસ લોરી એ જમણો હાથ આગળ કર્યો અને શ્રદ્ધા ને કોઈ સીમાડા નથી નડતા, ઇશ્વર પરની શ્રદ્ધા જ માનવ પ્રત્યેની શ્રદ્ધાનો ઉદ્ભવ હશે ને? આ ત્રણ વાક્યોએ મારી આંખો ભીની કરી દીધી . તમારી કલમ માં તાકાત છે . આપની અન્ય કૃતિ ક્યાં વાંચી શકાય એ જણાવવા કૃપા કરશો જી .

  4. બહુ જ સરસ લેખ .શ્રધ્ધા ને તર્ક થકી ના મુલવાય .

  5. ફેબ્રઆરીમાં ચોથો બુધવાર નથી, પણ આવતા હપ્તાનો ઇન્તજાર રહેશે.

Leave a Reply

Your email address will not be published.