સત્યજિત રાયની સૃષ્ટિ – ૧૨ ‘કાંચનજંઘા’

ભગવાન થાવરાણી

સારી કવિતાના પઠનના કેટલાક વણલખ્યા નિયમો છે. પ્રથમ પઠનમાં બહુધા કવિતા વાંચી જવાની હોય છે, સ્થૂળ રીતે. બીજી વાર વાંચીએ ત્યારે આપોઆપ એ કવિતા સ્વયંને ખોલે છે. કવિતા પ્રત્યે સંવેદનશીલ હોઈએ, કવિતા નામની જણસ વેરે નિસબત હોય તો અર્થ આપોઆપ નિષ્પન્ન થવા લાગે. જેમ વધુ વાર વાંચીએ તેમ વધુ નિહિતાર્થો અને એનું સૌંદર્ય ઉઘડવા લાગે. અનેક વાર એવું થાય કે પ્રથમ વાંચને સપાટ કે નીરસ લાગેલી કવિતા ધીમે ધીમે ખૂલી, આપણી અંદર ઉતરતી જાય અને આપણને પહેલાં અફસોસ અને પછી રાહત થાય કે એને પહેલા પઠન પછી છોડી દીધી હોત તો કેવો અનર્થ થાત !

કેટલીક ફિલ્મની બાબતમાં પણ એવું છે. અનેક ફિલ્મો કવિતા જ હોય છે ને ! (જેમ કે તીસરી કસમ !) એનું પ્રથમ દર્શન માત્ર ચક્ષુઓથી થાય. આંતરચક્ષુઓ પછીથી ચિત્રમાં આવે. બીજા શબ્દોમાં, કોઈ ફિલ્મ માત્ર એક વાર જુઓ અને એને ઉત્કૃષ્ટ (અથવા સામાન્ય) ની શ્રેણીમાં મૂકી દો તો કોઈક ઉણપ માનવી રહી. અલબત, આવું હું અંગત રીતે માનું છું. 

આજે ચર્ચવાના છીએ એ સત્યજિત રાયની ફિલ્મ  ‘ કાંચનજંઘા ( ૧૯૬૩ )ની જ વાત કરીએ. વર્ષો પહેલાં રાયના મૃત્યુ પછી એ દુરદર્શન ઉપર પ્રસારિત થયેલી ત્યારે જોયેલી. જોયા પછી મનના એક ખૂણે એને સરેરાશ ફિલ્મ તરીકે ઢબૂરી દીધેલી. આ શ્રુંખલા માટે જે પંદર ફિલ્મો નિર્ધારેલી એમાં એનો સમાવેશ નહોતો. એની જગાએ ‘ ઘરે બાઈરે ( ૧૯૮૪ ) હતી. (એ ફિલ્મ પણ સારી જ છે.), વિવેચકોના એકંદરે નબળા (રાયની કક્ષાને નજરમાં રાખતાં !) અભિપ્રાયો છતાં. પછી થયું, કાંચનજંઘા ફરી એકવાર જોઈ તો લેવી જ જોઈએ. પચ્ચીસ વર્ષ પહેલાંનો અભિપ્રાય કદાચ ભૂલભરેલો હોય. ચમત્કાર થયો. આ તો ઉમદા કવિતા ! ફરી જોઈ. નક્કી કર્યું, આ ફિલ્મ તો લેવી જ અને આપસમ ગુણીજનો લગી પહોંચાડવી. 

કાંચનજંઘા રાયની આઠમી ફીચર ફિલ્મ. આપણે છેલ્લે ચર્ચી એ દેવી પછી આવી તીન કન્યા અને પછી આ ફિલ્મ. (એ જ વર્ષે એમણે અભિયાન પણ આપી). અનેક દ્રષ્ટિકોણથી એ અનોખી ફિલ્મ છે. રાયની પ્રથમ રંગીન ફિલ્મ. એમની પોતાની જ વાર્તા ઉપરથી બનેલી પહેલી ફિલ્મ. એક પૂર્ણ પ્રયોગાત્મક ફિલ્મ. પોતાના સમયથી ઘણી આગળ. એક રિયલ ટાઈમ ફિલ્મ એટલે કે ફિલ્મ જેટલો સમય ચાલે એટલો જ સમય ફિલ્મના ઘટનાક્રમમાં પણ પસાર થાય. આખીયે ફિલ્મ લગભગ પૂરેપૂરી આઉટડોર અને એ ય દાર્જિલિંગના ઓબઝર્વેટરી હિલ આસપાસના વર્તુળાકાર માર્ગો ઉપર આકાર લે. બધા પાત્રો એ વાંકાચુંકા રસ્તાઓ ઉપર વાતો કરતા ફરતા રહે. બધી જ ઘટનાઓ (કે અઘટનાઓ !) દાર્જિલિંગની એક ઢળતી બપોરે બનવાની શરુ થાય અને ફિલ્મની ૧૦૨ મિનિટની લંબાઈ જેટલા વાસ્તવિક સમયમાં જ પૂરી થાય. આ ફરતા અને વાતો કરતા પાત્રોને એમના ભ્રમણ દરમિયાન એમના પરિવારની નાનકડી બાળકી ટુકલુ ટટ્ટુ ઉપર સવાર મળતી રહે થોડા-થોડા અંતરે (કારણ કે રસ્તા ગોળાકાર છે !), જાણે એ કોઈ METRONOME તાલ-માપક હોય ! આ ભ્રમણ દરમિયાન જ પાત્રની જિંદગીઓનું નિર્માણ – પુનર્નિર્માણ થતું રહે અને દૂર ઊભેલું અદ્રષ્ય કાંચનજંઘા શિખર આ બધા ચરિત્રોને મૂક નીરખતું રહે ! (આ પ્રકારે અલગ-અલગ પાત્રોની સમાંતરે ચાલતી વાર્તાને ફિલ્મની ભાષામાં HYPERLINK કહે છે. રાયના ગુરુ રેન્વારની ફિલ્મ RULES OF THE GAME માં વાર્તાકથનની આ પદ્ધતિ હતી.) 

કાંચનજંઘા એટલે વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી ઊંચું શિખર. પશ્ચિમ બંગાળના હિલ સ્ટેશનો દાર્જિલિંગ અને કાલિમ્પોંગ અને સિક્કિમના ગંગતોકમાં એના દર્શન શક્ય છે, જો વાતાવરણ ચોક્ખું હોય તો – જે ક્યારેક જ હોય છે. 

ફિલ્મની કથા-પટકથા રાયે દાર્જિલિંગમાં દસ દિવસ સળંગ રોકાઈને લખી હતી. એ પછી સમગ્ર ફિલ્મનું શૂટીંગ પણ સળંગ ચોવીસ દિવસમાં પૂરું કર્યું. ફિલ્મનું કથાવસ્તુ દાર્જિલિંગના રસ્તાઓ ઉપર ફરતા ચૌધરી પરિવારના (અને અન્ય કેટલાક)  સભ્યો વચ્ચે ચાલતી વાતચીત દરમિયાન આકાર લે છે અને એ દરમિયાન જ સમેટાઈ પણ જાય છે. ફિલ્મમાં કોઈ કેંદ્રીય પાત્ર નથી. પરંપરાગત અર્થનું કોઈ વર્ણન નથી. ફિલ્મમાં દાર્જિલિંગનું હવામાન સંતાકૂકડી રમે છે. પહેલાં સૂર્યપ્રકાશ, પછી વાદળો, પછી ધુમ્મસ, પછી ધુમ્મસ હટે, વાદળો વિખેરાય અને અંતે કાંચનજંઘા શિખર એની પૂર્ણ ભવ્યતા સાથે દ્રષ્યમાન બને ! કુદરતનો આ ક્રમ જેમ-જેમ આગળ વધે તેમ-તેમ પાત્રોના મૂડ અને મનોસ્થિતિ પણ બદલાતા જાય. બાહ્ય રીતે કોઈ ઘટના ન બને પણ આંતરિક ઉથલપાથલો થતી રહે. પહેલાં પ્રફુલ્લતા, પછી ચિંતા, વિસંવાદિતા, ઉત્પાત અને અંતે પરિસ્થિતિ થાળે પડતી હોય એમ લાગે. બધા પાત્રોના વસ્ત્રો પણ આખીયે ફિલ્મમાં એ ના એ જ રહે છે.

ફિલ્મ જોઈએ એ પહેલાં ફિલ્મના પાત્રોનો પરિચય :

રાયબહાદુર ઈંદ્રનાથ ચૌધરી ( છબી બિશ્વાસ – પાંચ કંપનીના ચેરમેન ઉદ્યોગપતિ – અંગ્રેજોની ચશ્મપોશી અને અનુસરણ કરીને સંપત્તિ મેળવી છે. એમની રીતરસમોના આંધળા અનુયાયી. ઘમંડી અને તુમાખીદાર. પરિવારના સદસ્યો ઉપર એકહથ્થુ જોહુકમી ચલાવે છે. બધા એમનાથી ડરે છે. આપણે એમને જલસાઘર અને દેવીમાં જોઈ ગયા. )

લાવણ્યા ચૌધરી  (કરુણા બેનર્જી – ઈંદ્રનાથના ઓછાબોલા, દબાયેલા પત્ની. એ પતિના આધિપત્યથી ત્રસ્ત છે. આપણે એમને દેવીમાં જોયા. )

મોનિષા ચૌધરી ( અલકનંદા રોય – રાયબહાદૂરની અપરિણિત અને સ્વતંત્ર વિચારસરણી ધરાવતી સુશિક્ષિત પુત્રી.)

અનીમા ( અનુભા ગુપ્તા – રાયબહાદૂરની પરિણિત પુત્રી. એને એક નાની બાળકી ટુકલુ છે. પતિની શરાબ- જુગારની આદતથી ત્રસ્ત પણ પોતે પોતાના પ્રેમી સાથે લગ્ન પછી પણ સંબધ રાખે છે.)

શંકર ( સુબ્રત સેન – અનીમાનો પતિ. એને પત્નીના પ્રેમ પ્રકરણની જાણ છે. થોડાક વ્યસનો ધરાવતો પણ સ્પષ્ટવક્તા અને ઈમાનદાર.)

અનિલ ચૌધરી ( અનિલ ચેટર્જી – રાયબહાદૂરનો છેલબટાઉ, ઉડાઉ અને રોમિયોગિરીમાં મસ્ત ઉછાંછળો કુંવારો દીકરો. )

જગદીશ ( પહાડી સાન્યાલ – પક્ષીપ્રેમી. રાયબહાદુરના સાળા. લાવણ્યાના ભાઈ. વિધુર. તરંગી પરંતુ પ્રામાણિક અને સંતુલિત. બીજા બધાની જેમ એમને પણ રાયબહાદુર પ્રત્યે અણગમો છે. આપણે એમને અરણ્યેર દિન રાત્રિમાં જોયા. )

ટુકલુ ( ઈંદ્રાણી સિંગ – અનીમા / શંકરની મીઠડી નાનકડી પુત્રી. )

બેનર્જી ( એન. વિશ્વનાથન – ઇંગ્લંડ ભણીને આવેલો હોનહાર એંજિનિયર. થોડોક દંભી પરંતુ સ્વતંત્ર વિચારસરણી ધરાવનાર. રાયબહાદુરે એને દીકરી મનીષા માટે પસંદ કર્યો છે. )

અશોક રોય ( અરુણ મુખર્જી – ભણેલો બેકાર યુવાન. એ વિધવા માની સારવાર અર્થે પોતાના કાકા સાથે દાર્જિલિંગ આવ્યો છે. સ્વમાની અને પોતાની માન્યતાઓમાં સુસ્પષ્ટ. )

શિવશંકર રોય ( હરિધન મુખર્જી – અશોકના કાકા. પુરાણી વિચારસરણીના દકિયાનૂસી માણસ. પૈસાદારોથી અભિભૂત. )

રાયબહાદુર અને એમનો સાત જણનો પરિવાર કલકતાથી દાર્જિલિંગ આવ્યો છે. બધા એક મોંઘી હોટલમાં રોકાયા છે. હવાફેર અને પ્રકૃતિદર્શન ઉપરાંત એમનો અહીં આવવાનો એક અગત્યનો હેતુ પુત્રી મોનિષાનું વેવિશાળ બેનર્જી સાથે ગોઠવવાનો છે. બેનર્જી પણ આ માટે જ અહીં આવ્યો છે. મોનિષા સાથે એની થોડીક મુલાકાતો થઈ ચુકી છે. આજે એ સૌનો દાર્જિલિંગમાં સતરમો અને છેલ્લો દિવસ છે. બધા આશા રાખે છે આજના દિવસે બેનર્જી મોનીષા આગળ લગ્નનો પ્રસ્તાવ મૂકશે. એ લોકોને એ પણ ઉમેદ છે કે સત્તર દિવસ રોકાયા છતાં ન દેખાયેલું કાંચનજંઘાનું શિખર આજે તો દર્શન દેશે જ. કાલે સવારે તો નીકળી જવાનું છે. 

ટાઈટલ્સમાં સ્વયં રાયે દોરેલા, દાર્જિલિંગના રસ્તાઓ ઉપરથી પસાર થતા સ્થાનિકો અને પ્રવાસીઓના રેખાચિત્રો. સાથે પહાડી રાગમાં જોડકણાં જેવું લેપ્ચા બાળગીત અને બાંસુરીવાદન.

સૂર્યપ્રકાશ અને મોડી બપોર. રાયબહાદુર ઈંદ્રનાથ સૂટ-બૂટમાં હોટલની બહાર નીકળે છે. દમામદાર અને પડછંદ. ઘડિયાળમાં ચારના ટકોરા. રાયબહાદુરને સફેદ ચામડી માટે લગાવ છે. એ સામે મળતા દરેક ગોરાનું અભિવાદન કરે છે. એમના સાળા જગદીશ નીકળે છે. એ બનેવીના કડપને રમૂજમાં લે છે. એમના હાથમાં પક્ષીશાસ્ત્રનું કોઈક પુસ્તક છે અને મોઢું એમાં ખૂંપેલું છે.’આ હાથમાં શું છે ? ‘  ‘આજે એ પંખીને ગોતી કાઢવાનો છેલ્લો પ્રયત્ન કરીશ. અવાજ સાંભળ્યો છે એટલે હશે તો ખરું જ.’ ‘ પહેલાં કાંચનજંઘાના દર્શનનું વિચારોને !’ સાળા બનેવીને પુસ્તકમાં એ દુર્લભ પંખીનું ચિત્ર દેખાડે છે. ‘તે આને ભૂંજીને ખાવાનું કે શેકીને ?’ ઈંદ્રનાથ સાળાની ઠેકડી ઉડાડીને બધાને હોટલમાંથી તાકીદે બહાર બોલાવી લાવવાનો આદેશ આપે છે. 

રાયબહાદુરનો ઇશ્કમિજાજી સુપુત્ર અનિલ ઉછળતો-કૂદતો બહાર નીકળે છે. રાયબહાદુર એને કડકાઈથી પૂછે છે, ‘સવારી ક્યાં ચાલી ?’ એ કોઈક ચુલબુલીને મળવા જવાની ઉતાવળમાં છે. એ શમ્મીકપૂરના વહેમમાં છે. (એ જ દિવસોમાં યોગાનુયોગ દાર્જિલિંગમાં શમ્મી કપૂરની ફિલ્મ ‘પ્રોફેસર’નું શૂટીંગ પણ ચાલતું હતું.) 

નાનકડી ટુકલુ કહે છે, ‘ આજે તો મારે ઘોડા પર ધરાઈને ફરવું છે.’ મા અનીમા એના વસ્ત્રો ઠીક કરે છે. હોટલનો વેઈટર આવીને અનીમાને એક પત્ર આપે છે. એ એના પ્રેમીનો પત્ર છે. એ ચુપચાપ એને પર્સમાં મૂકે છે. હોટલના એમના કમરામાં જઈ, એ સિગરેટ ફૂંકતા પતિ શંકરને કહે છે, ‘ આજે તો બહાર નીકળો. આજે મનીષાને પેલો છોકરો પ્રપોઝ કરવાનો છે. ‘ શંકરને આ પ્રકારના ગોઠવાયેલા અને એ પણ સસરાના આદેશથી પ્રયોજાયેલા લગ્નોથી નફરત છે. એ ભુક્તભોગી છે. પોતાના લગ્નજીવનથી એ વાજ આવી ગયો છે. પત્નીના લફરાની એને જાણ છે. ‘મનીષા કંઈ કઠપુતળી છે ? તારા કુટુંબમાં બધું સાહેબની મરજીથી જ થાય. એ છોકરો મનીષાની પ્રકૃતિને અનુકુળ આવે એવો છે જ નહીં. મનીષાએ ના પાડી દેવી જોઈએ. કમનસીબે એને પહેલેથી શીખવવામાં આવ્યું છે કે વ્યક્તિગત સુખ કરતાં પરિવારની પ્રતિષ્ઠા અગત્યની છે.’ મનીષા એમના કમરામાં કંઈક લેવા આવે છે તો લાડકી સાળીને પણ હળવાશથી કહી દે છે કે પ્રેમમાં ન હો તો લગ્ન કરતી નહીં. 

હોટલની બહાર રાયબહાદુર સાળાને કહે છે કે આજે જો પેલો છોકરો મનીષા આગળ લગ્નનો પ્રસ્તાવ મૂકી દે તો આ ફેરો વસૂલ ! જગદીશ એમની વાત ન સાંભળ્યાનો ડોળ કરી પુસ્તકમાંથી માથું ઊંચું કરતા નથી અને ‘સરસ પંખી !કહી અગાઉના એમના અપમાનનો બદલો લઈ લે છે ! 

રાયબહાદુરના પત્ની લાવણ્યા નીકળે છે. ‘આટલું મોડું?’ બાજુના પાટા ઉપરથી નીકળતી ટ્રેનનો છુકછુક અવાજ. ‘ચાલ, આપણે નીકળીએ. બીજા આવશે નિરાંતે.’ નીચેના રસ્તે કોઈક સ્થાનિક ખાંસતો નીકળે છે તો રાયબહાદૂર પત્નીને કહે છે, ‘ઊભી રહે. એને નીકળી જવા દે.’ એમને આ અભણ, ગોબરા અને માંદલા લોકો ગમતા નથી ! 

બહાર કાકા શિવશંકર રોય ભત્રીજા અશોક સાથે માલ રોડે પહોંચાડતા પગથિયા હાંફતાં-હાંફતાં ચડે છે. (હિલ સ્ટેશનોમાં સામાન્યત: માલ રોડને બાદ કરતાં કપરુ ચઢાણ કે ઉતરાણ હોય, ક્યારેક પગથિયાં પણ !) એ બબડતા બબડતા યુવાન ભત્રીજાને સૂચનાઓ આપતા રહે છે. અશોકને એ ગમતું ન હોવા છતાં. એ લોકો અશોકની વિધવા માના સ્વાસ્થ્ય-લાભ માટે દાર્જિલિંગ આવ્યા છે. 

રાયબહાદુર અને પત્ની. એ પત્નીને મનીષાની ઈચ્છા અંગે, એમણે મનીષા માટે પસંદ કરેલા છોકરા અંગે અભિપ્રાય પૂછે છે, એ જાણવા છતાં કે એમની ઈચ્છા વિરુદ્ધનો અભિપ્રાય ચૌધરી કુટુંબમાં વર્જ્ય છે ! સ્મિત પણ એમની મરજી હોય તો જ કરાય ! બાજુમાંથી ઘોડા પર પસાર થતા ગોરા મુસાફરનું અભિવાદન એ અહોભાવપૂર્વક કરે છે. એ એમના પ્રત્યેની વફાદારી અને ચશ્મપોશીનો કુનેહપૂર્વક ઉપયોગ કરીને જ આ સ્થાને પહોંચ્યા છે. બન્ને ચોકમાં એક બેંચ ઉપર બેસે છે. બીજા અનેક પણ બેઠા છે. 

કાકા-ભત્રીજા ચઢાણ પૂરું કરીને ખુલ્લામાં આવે છે. કાકાને દૂર બેઠેલા રાયબહાદૂર દેખાય છે. થોડાક વર્ષ પહેલાં એમના દીકરા અનિલને ટ્યુશન કરાવવા એ એમના ઘરે જતા. એ અશોકને કહે છે, ‘લો. આ તો ઘેર બેઠા ગંગા ! ચાલ, ઉતાવળ કર. હું તારો પરિચય કરાવું. એ તારી નોકરીનું ગોઠવી આપશે. બહુ મોટા માણસ છે.’ અશોકને આવી ભલામણો પસંદ નથી. કાકા વિનીત અવાજમાં પોતાની ભૂતકાળની સેવાઓની યાદગીરી આપી રાયબહાદુરને પોતાના નબાપા ભત્રીજા માટે કંઈક ગોઠવી આપવા આજીજી કરે છે. રાયબહાદુર તુચ્છકારથી અશોકની લાયકાત પૂછે છે. 

મનીષા આવે છે. અશોક સાથે એનો પરિચય કરાવવામાં આવે છે. એ બન્ને, બુઢ્ઢાઓથી થોડેક દૂર જઈ વાતો કરે છે. અભ્યાસની, ટાગોરની, દાર્જિલિંગના સૌંદર્યની. બન્નેના વિચારોમાં સંવાદિતા છે. 

બેનર્જી આવે છે. રાયબહાદૂરે મનીષા માટે પસંદ કરેલો દેખાવડો યુવાન. ‘મને નથી લાગતું કે કાંચનજંઘા આજે પણ દેખા દે.એ બન્નેને એકાંત આપવા રાયબહાદુર અને પત્ની નીકળી જાય છે, એકાદ કલાક પછી ઓકડેન આગળ મળવાનું નક્કી કરીને. 

અશોક ચિત્રમાંથી ખસી દૂર ઊભો છે. એ પેલા બન્નેની નિકટતા સમજી ગયો છે. બેનર્જી મનીષાએ પહેરેલા ઈયરીંગના વખાણ કરે છે (એણે જ ભેટ આપ્યા છે એ વાત ભૂલી ગયાનો ડોળ કરીને !) ‘તને ગમે છે એ ફૂલ મેં શોધી કાઢ્યું છે. ચાલ દેખાડું.’ બન્ને અશોકની હાજરીને અવગણી ચાલવા લાગે છે.

બીજી બાજુ રંગીનમિજાજ અનિલ એક ઓપનએર રેસ્તરાંમાં એક હસીનાને પટાવવાના ભરપૂર પ્રયત્નો કરી રહ્યો છે. પેલી એને બરાબરનો રમાડે છે. એ ‘બાય બાય’ કરીને જાય ત્યાં એ બીજી (વિદ્યા સિંહા નગણ્ય રોલમાં)ને પકડે છે. એના કૂતરાંના ફોટા પાડી એને રીઝવવાનો પ્રયત્ન કરે છે. (વાર્તાના આ સંક્ષિપ્ત સબ-પ્લોટને મુખ્ય વાર્તા સાથે નિસબત નથી.)

અનીમા અને પતિ શંકર માલ રોડ પર. બન્ને વચ્ચે મનમુટાવ જારી છે. અનીમા પતિ પાસે શોપીંગ માટે પૈસા માંગે છે અને એને  ‘ ઉડાઉ, જુગારી ‘ કહી ઉતારી પાડે છે. દીકરી ટુકલુ ઘોડા ઉપર એમની આગળથી પસાર થઈ જાય છે. અનીમા પતિથી અળગી થઈ એક બેંચ પર બેસી  ‘ પેલો ‘ પત્ર કાઢે છે.

મનીષા અને બેનર્જી. બેનર્જી મનીષા માટે પેલું ફૂલ લઈ આવે છે. એ મનીષાને, પોતે જ્યાં કામ કરે છે એ જગ્યા વિષે વાત કરે છે. મનીષા પૂછે છે, ‘તમને એકાંત નથી ગમતું ને ?’  ‘શા માટે ગમે ? હું કોઈ સાધુ થોડો છું ! હા, અણગમતા સંગાથ અને એકલતા વચ્ચે પસંદગી હોય તો એકલતા પસંદ કરું. અને હા, હું તો તારી સાથે અનૌપચારિક થઈ ગયો. તું હજી અળગી-અળગી છો. ઈંગ્લેંડમાં તો સ્ત્રી – પુરુષો છૂટથી મળે. મારા પણ ત્યાં કેટલીક સ્ત્રીઓ સાથે સંબંધો હતા. આ એટલા માટે કહું છું કે તારાથી કશું છુપાવવા નથી માંગતો. હવે તને મળ્યો છું તો લાગે છે કે એ સંબંધો મહત્વહીન હતા. (આ ઈમાનદારી પણ એક પ્રકારનો દંભ છે એ વર્તાઇ આવે છે !) અચાનક બેનર્જીનો એક મિત્ર ભટકાય છે. બન્ને મિત્રો વાતો કરે છે ત્યાં દૂર ઊભેલી મનીષાને અશોક મળે છે. બન્ને વાતે વળગે છે એટલામાં મિત્રનો કેડો છોડાવી બેનર્જી ત્યાં આવે છે. મનીષા અશોકનો પરિચય કરાવે છે. 

રાયબહાદુર અને પત્ની. ‘મનીષાના લગ્ન ડિસેંબરમાં પતી જાય તો સારું.‘  ‘અને મારી દીકરીનું ભણતર અને પરીક્ષા ?’   ભણીને એણે પતિએ કમાયેલા પૈસા જ વાપરવાના ને !‘ રાયબહાદુરના સ્ત્રીના સ્થાન વિષેના વિચારો સ્પષ્ટ છે. ‘જતાં પહેલાં આજે કાંચનજંઘા દેખાય તો સારું. મેં મનીષાને ચોક્ખું કહ્યું છે કે હું આ લગ્નની તરફેણમાં છું.‘  ‘પણ મનીષાની પોતાની ઈચ્છાનું શું ?’  ‘એ ઓગણીસની અને હું સાઈઠનો. અનુભવનો ફેર નહીં ? હું એનું બુરું ઈચ્છું ? અનીમા આપણી ઈચ્છાથી પરણી. સુખી નથી ? ( ! ) મારા પિતાએ એમની મરજીથી તારી સાથે નક્કી કર્યું. તો હું સુખી નથી ? તું સુખી નથી ? હું કહું છું તો બરાબર જ હોય. અને સાંભળી લે. મને સોગિયા ચહેરા પસંદ નથી.લાવણ્યા પરાણે હસે છે. ‘તું બેસ. હું જરા ફરી લઉં. બધાએ અહીં જ ભેગા થવાનું છે.

જગદીશ બાબુ વૃક્ષો વચ્ચે. એમને કદાચ પેલું દુર્લભ પક્ષી દેખાયું છે. એ દૂરબીન લઈ એના અવાજને અનુસરે છે. એમને થોડેક દૂર મનીષા, બેનર્જી અને અશોક દેખાય છે. પેલા બન્નેને એકલા છોડી દેવા જગદીશ બાબુ અશોકને પોતાની સાથે લે છે. ‘તને પક્ષીઓમાં રસ ખરો ?’ એ અશોકને પોતાના શોખની વાત કરે છે. ‘રાગ-રાગિણીઓની ઉત્પત્તિ પણ પક્ષીઓના ગાનમાંથી જ થઈ છે.’ એ યાયાવર પક્ષીઓની અને એમની હજારો માઈલની મુસાફરીની વાત કરે છે. અશોક પણ થોડુંઘણું જાણે છે. ‘એક દિવસ આ અણુ ધડાકાઓથી બધા પક્ષીઓ નાશ પામશે. યાયાવરી પણ નહીં રહે.’ એ ફરી કોઈક કલરવ પાછળ દોડે છે. અશોક એમનું પાગલપન રસપૂર્વક નિહાળી રહે છે. 

મનીષા અને બેનર્જી ચાલતા રહે છે. ‘આપણે લોકો જે કંઈ કરીએ એ કોઈ તત્કાલ પરિણામ કે લાભ માટે કરીએ છીએ.‘  ‘પણ મારા મામા જેવા લોકો પણ જરુરી છે.’ મનીષા વાત-વાતમાં ટાગોરની ઘરે-બાઈરેના નાયક-નાયિકા વચ્ચેના સામંજસ્યની વાત મૂકે છે. એ સાહિત્યની વિદ્યાર્થિની છે. બેનર્જી કહે છે કે પતિ-પત્નીની પસંદગી અલગ હોય તો પણ દાંપત્ય-જીવન સુખી હોઈ શકે. બાજુમાંથી ઘંટડી ઝૂલાવતા યાકનું ધણ પસાર થાય છે અને બેનર્જીની વાત દબાઈ જાય છે. મનીષા ચુપ રહ્યા બાદ આખરે કહે છે, ‘ધુમ્મસ ઘેરાઈ રહ્યું છે. મને ધુમ્મસ ગમે છે.‘  ‘મને પણ !’  ‘તો આપણે બસ ચાલતા જ રહીએ અને કશું ન બોલીએ તો !

નીચે ચોકમાં અનીમા એકલી. ચર્ચ ટાવરમાં પાચનાં ટકોરા. થોડેક દૂર પતિ શંકર એકલો બેઠો છે. એ અનીમાને ચર્ચા કરવા બોલાવે છે. ‘દસ વર્ષમાં આપણું લગ્નજીવન ગંધાઈ ગયું છે. એ વિષે આપણે ક્યારેય વિચાર્યું ? યોગ્ય સમય અને જગ્યા છે. દીવાલોને કાન હોય, પહાડોને નહીં. મૂર્ખામી અને વિશ્વાસ નબળાઈ હોય તો હું ગુનેગાર છું. તારે લગ્ન પહેલાં પણ કોઈક જોડે સંબંધો હતા જે તેં પછી પણ ચાલુ રાખ્યા. હું બેવકૂફ અને તું ઉત્તમ અભિનેત્રી. હું મારા પૈસા થોડાક આડા-અવળા વાપરું તો પણ આપણે ભૂખે નહીં જ મરીએ.અનીમા રડે છે. ‘હું કંઈ તારા ઉપર આરોપ નથી મૂકતો.‘  ‘ મેં પણ તમારું ઓછું સહન નથી કર્યું. તમારો જુગાર. તમારો નશો.’  ‘અમુક કૌટુંબિક વારસો હોય. તેં પેલા માણસમાં શું જોયું ? ચહેરાનું એટલું મહત્વ !‘  ‘એ મને ચાહે છે. હું પણ એને ચાહું છું.’  ‘તો મને પરણી શું કામ ?’  ‘બાપૂજીને તો તમે ઓળખો છો. મેં એ માણસને પણ કહ્યું હતું કે મારા લગ્ન પછી બધું બંધ પણ..’ 

દૂરથી ટુકલુ ઘોડા ઉપર ‘મમ્મી, પપ્પા’ પોકારતી પસાર થાય છે. એ પાછી ફરી – ફરી માને તાકતી રહે છે.

વાદળો ઘેરાય છે. બધું ધુંધળું. જાણે ઓઝલ.

રાયબહાદુરના પત્ની લાવણ્યા એકલા બેઠા છે. ટુકલુ એમની આગળથી પણ  ‘દાદીમાં’ બૂમ પાડતી પસાર થાય છે. ‘હું હજી થોડાક ચક્કર મારવાની.’ કહેતી જાય છે. 

અશોક એકલો. સામેથી આવતા ઈંદ્રનાથને જોઈને એ પાછો ફરવા જાય છે ત્યાં ઈંદ્રનાથ એને રોકે છે. અશોક અનિચ્છાએ પાછો ફરે છે. ‘તને મારી બીક લાગે છે ? હું કંઈ કરડીશ તને ?’ રાયબહાદુર એને એની ઊંચાઈ અને ઉંમર પૂછે છે. બન્ને સાથે ચાલતા રહે છે. ઈંદ્રનાથ એને પોતાની યુવાનીની વાતો ગૌરવપૂર્વક કહે છે. એ કેવું શાનદાર ક્રિકેટ રમતા, કેવી રીતે એક વાર અંગ્રેજો સામે સદી ફટકારતાં સહેજમાં રહી ગયેલા વગેરે. એ અશોક પાસેથી અપેક્ષા રાખે છે કે એણે  ‘ જિંદગીમાં કંઈક શીખવા એમની પાસેથી પ્રેરણા’ લેવી જોઈએ.  ‘જા, દોડતો જઈને હોટેલથી મારું મફલર લઈ આવ. ઠંડી વધી છે.’ અશોક મફલર લઈ આવે છે. ‘હું ક્રિકેટ રમતો. ફૂટબોલ ક્યારેય નહીં.’ ધુમ્મસ ઘેરાય છે.’ તારે નોકરી શોધવી જોઈએ. વગદાર માણસની લાગવગમાં તકલીફ એ કે ક્યારેક કુપાત્ર પણ ફાવી જાય. પછી તો યુનિયન અને ભાષણો. અમારા જમાનામાં બ્રિટિશરોને હંફાવવા એ ફેશન થઈ પડેલી. અને પેલા આઝાદીના લડવૈયાઓ ! લડીને નાહક ખુવાર થઈ ગયા. આઝાદીથી આપણને શું ફાયદો થયો એ તમારે યુવાનોએ નક્કી કરવાનું ‘ અશોકને એમની વાતો, લહેજો, ઘમંડ ગમતો નથી. ‘ બ્રિટિશરોએ મને રાયબહાદુરનો ખિતાબ આપ્યો એનો મને ગર્વ છે. તારે નોકરી જોઈતી હોય તો મને કલકતામાં મળ. પણ તારા કાકાને કહેજે, એપોઈંટમેંટ લઈને આવે. કેટલા પગારમાં તારું ચાલી જાય ? બસો, ત્રણસો ?’ રાયબહાદુરને અશોકનું મૌન અકળાવે છે. એ એમની મહેરબાનીથી બીજાની જેમ અડધો-અડધો કેમ થતો નથી ? ‘કેટલી જરુર પડે, બોલ. બેકાર છો ને ?’ ‘ ના’  ‘ તો ? ‘  ‘ટ્યુશન કરું છું ‘  ‘એમાં કેટલા મળે ? ‘  ‘મહિને પચાસ રુપિયા’  ‘ \એમાં શું થાય ? નોકરી જોઈએ છે ને !’  ‘હા.’  ‘તો કેમ મળશે ?’ રાયબહાદુર લગભગ બરાડે છે. એમનો ગુસ્સો આસમાને છે.  ‘મા રા  પો તા ના  પ્ર ય ત્નો  થી’ અશોક ઠંડકથી જવાબ વાળે છે. રાયબહાદુર ધુંઆંફુંઆ સિગરેટ ફેંકી ચાલતા થાય છે. એમની આવી અવહેલના કોઈએ કરી નથી. એમના ગયા પછી અશોક ખડખડાટ હસે છે. પણ પછી સહસા ‘મેં આ શું કરી નાંખ્યું ?’ એવું વિચારી ચિંતામાં ગરકાવ થઈ જાય છે. 

મનીષા અને બેનર્જી. ‘ હું તને ગમતો નથી ?’  ‘ગમો છો ને !’  કોઈ પુરુષમાં આનાથી વધુ શું હોય તો તને ગમે ? ‘ કહી બેનર્જી મનીષાના ખભે હાથ મૂકે છે. મનીષા મૂંઝારો અનુભવે છે. દૂરથી આવતા અવાજોના ઘોંઘાટના બહાને મનીષા વાત કાપી નાંખી આગળ વધી જાય છે. એને કદાચ સ્પર્શ ગમ્યો નથી. ઘનઘોર ધુમ્મસમાં બેનર્જી મનીષાની પાછળ દોડે છે. મનીષા માલ ચોગાનમાં પહોંચી ચુકી છે. એ ગભરાયેલી છે. એ બેનર્જીને આવતો જુએ છે પણ બોલાવતી નથી. 

અનીમા અને શંકર. શંકર  ‘ તારી પાસે આજીવિકાનું કોઈ અન્ય સાધન હોય તો ભલે અલગ થઈ જા. તારો પ્રેમી જવાબદાર માણસ છે કે નહીં, એ તને પરણશે કે નહીં એ ચકાસી લેજે. હું તને છૂટી કરવા તૈયાર છું.‘  ‘આ શું કહો છો તમે !’  બરાબર જ કહું છું. આવા જીવનનો કોઈ અર્થ નથી.મનીષા સ્તબ્ધ છે.  ‘જો હું એને ના પાડી આ બધું બંધ કરી દઉં તો ? હું પણ રાજી નથી. પણ હવે ટેવ જેવું થઈ ગયું છે. મેં એને પત્રો લખવાની ના પાડી પણ એ માનતો નથી.’  ‘તું નવી જિંદગી ભલે શરુ કર. આજકાલ તો આવું બધું સામાન્ય છે. ભવાડો થાય એની બીક ન રાખ. કદાચ બાપૂજીથી ડરતી હોઈશ.‘  ‘ના. ડર નથી. પણ ટુકલુનું શું ? એ આપણને બન્નેને ચાહે છે.’ 

ટુકલુ ઘોડા પર ગાતી-ગાતી પસાર થાય છે. 

જગદીશ મામાને દૂરથી રવીંદ્ર-ગાન ગાતી પોતાની બહેન લાવણ્યાનો અવાજ સંભળાય છે. ‘મને કારાવાસ પસંદ નથી. એ બોજો આકરો છે.’ ધુમ્મસ ધીમે-ધીમે વિખેરાઈ રહ્યું છે. ‘આ અજાણ્યા દેશે મારો તારણહાર કોણ ? મને આ પીડામાંથી કોણ છોડાવશે ? ‘ લાવણ્યા જે કદી પોતાના શબ્દોમાં કહી શકી નથી એ વાત ટાગોરના ગીત થકી કથે છે. કેમેરા સરકતો-સરકતો એના લગી પહોંચે છે. એ એકલી છે. દરેક રીતે. જગદીશ આવી એના ખભે હાથ મૂકે છે. ‘તને બહુ દિવસે ગાતાં સાંભળી. બધા ક્યાં ? ‘  ‘આટલામાં જ છે.’ એ ભાઈ આગળ હૈયું ખોલે છે. ‘મને મનીષાની ચિંતા છે.’  ‘ચિંતા શેની ? તારી દીકરી ભણેલી છે. છોકરો પણ સરસ છે.’  ‘ પણ એની પોતાની ઈચ્છાઓનું શું ? ભાઈ, મનીષાને તાત્કાલિક કહો કે એ એની મરજી મૂજબ નિર્ણય લે. કોઈ જબરજસ્તી નથી. હું એમને પહોંચી વળીશ.’ (ધુમ્મસ ખરેખર હટી ગયું છે  ) છેવટ લગી શરણાગતિની જિંદગી ક્યાં લગી ? ‘ જગદીશ બાબુ જાય છે. 

મનીષા એકલી. સામેથી અશોક આવે છે. ‘ઓહો એકલા ? બેનર્જી બાબુ તમને એકલા પડવા દે એવું લાગતું નહોતું.‘  ‘તમે પપ્પાને નોકરીની વાત કરી ?’  ‘મારી નોકરીની શું ચિંતા ? તમને તો બીજી અનેક ચિંતાઓ છે. વસ્ત્રોની, ટાપટીપની, કોને સોરી અને થેંક યુ કહેવું એની.‘  ‘તમે આમ કેમ વાત કરો છો ?’ અશોકને ભૂલ સમજાતાં માફી માંગે છે. ‘તમે મારી માની તબિયત વિષે પૂછ્યું ત્યારે પણ મને ઔપચારિકતા જેવું લાગેલું. જાણે એ સૌજન્ય હોય.‘  ‘હા, તો સૌજન્યમાં ખોટું શું ?’  ‘હું તમારા પ્રકારની ઊંચા ઘરાનાની છોકરીને ક્યારેય મળ્યો નથી. જેમની પાસે કાર, બંગલો, બગીચા હોય. જેમના ઘર બહાર – કૂતરાથી સાવધાન – એવા બોર્ડ હોય‘  ‘મારા વર્ગના બધા ખરાબ થોડા હોય !’  ‘અચ્છા સાંભળો. મેં આજે શું કર્યું, ખબર ? તમારા પિતાજીએ મને નોકરીની ઓફર લગભગ કરી જ દીધેલી. મેં ના પાડી દીધી. મને થયું, ફરી એ જ અરજી, ઈંટર્વ્યુ, ઊછીનું પેંટ. પણ હવે લાગે છે કે ખોટું કર્યું. મહીને ત્રણસો રુપિયા !આટલું કહી અશોક એક યાદગાર વાત કહે છે :

કદાચ આ જગ્યાનો પ્રતાપ છે. અહીં કશુંક અકથ્ય છે. ભવ્ય હિમાલય, દેવદારના ઊંચા વૃક્ષો. પ્રકાશ, છાયા, વાદળો અને ધુમ્મસની નિરંતર સંતાકૂકડી. જાણે કોઈ માયાવી જગત. બધું પળવારમાં બદલાઈ જાય. આપણે જાણે આપણે નહીં, અન્ય કોઈ હોઈએ. કોઈક વિશિષ્ટ વ્યક્તિ કે નાયક. કોણ જાણે ક્યાંથી આપણામાં હિંમત પ્રવેશી જાય છે. સાવ બેફિકર. એવું લાગે જાણે આપણને કોઈ રોકી ન શકે. એકદમ નિર્બંધ. કલકતામાં હોત તો હું ના પાડવાની હિંમત ન કરી શક્યો હોત.’ એ ફરી મનીષાની માફી માંગે છે. ‘હા. તમે બીજા જેવા નથી.’. મનીષા જાય છે.

બેનર્જી મનીષાને શોધતો પહોંચે છે. ‘મને લગ્નની કોઈ ઉતાવળ નહોતી. તને મળ્યો પછી જ એ વિચાર પ્રવેશ્યો. હવે મને લાગે છે કે એ સંભવ નથી. બધું ભૂલી જઈએ. પણ એક વાત કહી દઉં. અહીંના વાતાવરણના કારણે કદાચ તને એવું લાગે કે પ્રેમ જ સર્વસ્વ છે. કલકત્તા ગયા પછી જો એવું સમજાય કે સલામતી પ્રેમ કરતાં અગત્યની છે અને સલામતીમાંથી પ્રેમ જન્મી શકે તો મને કહેજે. બરાબર ?’  ‘  અત્યારે ? ‘  ‘અત્યારે તું મુક્ત !મનીષા રાહત અને અહોભાવ અનુભવે છે. (એના પોતાના જ ઘરમાં એણે માબાપે યોજેલા બબ્બે નિષ્ફળ લગ્નો જોયા છે !) બેનર્જી જાય છે. રસ્તો અને પ્રવાસીઓ એ ના એ જ રહે છે.

અનીમા અને શંકર. હવે ધુમ્મસ પૂર્ણત: વિખેરાઈ ગયું છે. તડકો નીકળ્યો છે. અનીમા ‘તો હવે શું કરવું છે ?’  ‘તારી પાસે પેલા પત્રો અત્યારે છે ? મેં એ વાંચ્યા છે. કાઢી આપ.’ અનીમા વિચારે છે. એ પર્સમાંથી પત્રો કાઢે છે. ‘એ પત્રોનો મારી હાજરીમાં જ નાશ કરી શકીશ ?’ અનીમા પત્રો ફાડીને ફેંકી દે છે. ‘હું પણ બદલાઈશ. તારી જેમ મને પણ તકલીફ તો પડશે. પણ મને સમજાયું છે કે તારા વિના તો જીવી શકાય, પણ ટુકલુ વિના..’ ટુકલુ દોડતી આવે છે. શંકર એને તેડી લે છે. ‘મમ્મીને કહે, ચાલો ઘરે જઈએ.’

મનીષા પાછી ફરી અશોકને બોલાવે છે. ‘તમારા મા સારા થઈ જશે. હું ઔપચારિકતાથી વાત નથી કરતી.’  જાણું છું.‘  ‘કલકત્તા મળશો ને ? ‘  ‘ના. તમારા ઘરમાં પ્રવેશવા નહીં દે. એપોઈંટમેંટ લેવી પડે.‘  ‘મારા મિત્રોને એ લાગુ પડતું નથી.’

મામા  ‘મોની’ના નામની બૂમ પાડે છે. એ દૂરબીનથી મનીષા અશોકને સાથે ઊભેલા જુએ છે. કંઈક સમજીને મુસ્કુરાય છે અને પાછા ફરે છે. મનીષા ‘તમે મારે ત્યાં આવશો ને ! અમારે ત્યાં કૂતરાં નથી.’  ‘ઓહો ! તો તો આવીશ.‘  ‘ ને હા, તમે મને મોનિકા કહી બોલાવતા હતા. મારું નામ મનીષા છે. ‘ ‘ હું યાદ રાખીશ.

હવે એકલા પડેલા બેનર્જી પાસે નાનકડું લેપ્ચા બાળક ભીખ માંગે છે. એ એને પોતાના ખિસ્સામાંથી કાઢી કેડબરી ચોકલેટ આપે છે.

રાયબહાદુર પણ હવે એકલા છે. એ મનીષા અને અશોકને સાથે જુએ છે. અશોક એમની બાજુમાંથી પ્રસન્ન- ચિતે ‘ગુડ ડેકહીને વિશેષ બોલ્યા વિના પસાર થઈ જાય છે. 

પેલો છોકરો ચોકલેટ ખાય છે, ટાઈટલ્સ વખતે આવતું બાળગીત ગાતાં-ગાતાં. રાયબહાદુર એને રોષથી  ‘અમીરોની ચોકલેટ’ ખાતાં જુએ છે. એ ઊંડા વિચારમાં છે. બધું એમની મરજી વિરુદ્ધ થઈ રહ્યું છે. એ બધાના નામની બૂમ પાડે છે. બધાએ અહીં એકઠા થવાનું હતું. કોઈ નથી !

કાંચનજંઘા શિખર વાદળા હટાવીને પૂર્ણ કળાએ ઝગમગે છે. ઘણા દિવસે પહેલી વાર. અને જેમને એ શિખર જોવાની તાલાવેલી હતી એમને એ જોવાની ફુરસદ નથી…

*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*=*= *=*=

ફિલ્મમાં સંગીત સ્વયં રાયનું છે અને સિનેમાટોગ્રાફી એમના એ સમયના માનીતા સુબ્રત મિત્રાની.

ફિલ્મના કથાનકની ગૂંથણીમાં નરી કાવ્યાત્મકતા છે. સૂર્ય પ્રકાશે છે ત્યારે બધું ખુશનુમા છે. બધા પાત્રોના મન આનંદિત અને શાંત છે. વાદળા ઘેરાતાં અંદરના રહસ્યો ખૂલતા જાય છે. ધુમ્મસ ફેલાતાં દરેક ચરિત્રના મનની શંકાઓ ડોકાય છે. ધુમ્મસ વિખેરાતાં બધી શંકાઓ નિર્ણયોમાં સ્વરુપાંતર પામે છે અને બધા પાત્રોમાં નવી જિંદગી અને આશાનો સંચાર થાય છે, ભવ્ય કાંચનજંઘા સ્વરૂપે ! સમગ્ર ફિલ્મમાં નર્યું ભ્રમણ છે અને એ ભ્રમણ દરમિયાન ફિલ્મના મુખ્ય પાત્રોની વાતચીત. 

ફિલ્મના કેન્દ્રવર્તી વાર્તાલાપ મનીષા અને બેનર્જી, અનીમા અને શંકર, રાયબહાદુર અને અશોક અને મનીષા અને અશોક વચ્ચે છે. 

દાર્જિલિંગ નગરનું બંગાળીઓની જિંદગીમાં એક વિશિષ્ટ સ્થાન છે. એમનું ત્યાંનું વર્તન એમના મેદાની સ્વભાવ કરતાં અલગ હોય છે. એક બાજુ કલકત્તાની દરિયા સમાન હુગલી અને દરિયો અને બીજી બાજુ ઉત્તુંગ હિમશિખરો ! એ બન્ને વચ્ચે દરેક પ્રકારનો માહોલ સમાવિષ્ટ થઈ જાય ! 

ફિલ્મ દરેક રીતે રાયની બીજી ફિલ્મો કરતાં અલગ તરી આવે છતાં ફિલ્મમાં સર્વત્ર એમનો ટ્રેડમાર્ક માનવીયતા દેખાતી રહે છે. જેમ કે આ વાત જે બેનર્જી મનીષાને કહે છે ‘તું એમ કહેવા માંગે છે કે દરેક લગ્ન ગુણધર્મો અને શોખ સરખા હોય તો જ થઈ શકે  ‘ અને મનીષા જવાબ વાળે છે કે  ના. એ તો એબ્સર્ડ કહેવાય  ‘ દર્શકને તરત બન્ને પાત્રો સાચા લાગે !

ફિલ્મમાં માત્ર રાયબહાદુર ઈંદ્રનાથ જ એક એવા વ્યક્તિ છે જેમની કોઈ પણ અન્ય પાત્ર સાથેની વાતચીત આપણને સંવાદ લાગે જ નહીં ! એમને માત્ર પોતાની જ વાત કહેવી છે અને પોતે ઇચ્છે એ જ સાંભળવું છે ! સર્જકે સમજી-વિચારીને અંતે એમને નિતાંત એકલા – એકલા પડી ગયેલા – દેખાડ્યા છે ! અભિનય પક્ષે આ પાત્ર ભજવતા છબી બિશ્વાસ જ શિરમોર છે. અનિલ ચેટર્જી જેવા ઉમદા કલાકાર (એ રાયની મહાનગરમાં નાયક હતા) સાવ નગણ્ય એવી રાયબહાદુરના પુત્ર અનિલની ભૂમિકામાં વેડફાઈ ગયા છે. એને સાંકળતા ફિલ્મના એક – બે પ્રસંગો પણ બિનજરૂરી છે. 

રાયની પ્રથા વિરુદ્ધ, સમગ્ર ફિલ્મમાં લગભગ બધું જ સંવાદોથી ઉજાગર થાય છે, મૌન કે ચહેરાની ભાષા ભાગ્યે જ છે ક્યાંય. 

ફિલ્મમાં મનીષા (અલકનંદા રોય) વાળું પાત્ર રાયે પહેલાં હિંદી ફિલ્મ અભિનેત્રી આશા પારેખને ઓફર કર્યું હતું. એમની પાસે સળંગ તારીખો ન હોઈ વાત આગળ વધી નહીં. 

ફિલ્મના અંતમાં કાંચનજંઘા શિખર માત્ર પ્રેક્ષકોને દેખાય છે. જેમને એ છેલ્લા દિવસે જોવાની ઉમેદ હતી એ બધા પોતપોતાની સમસ્યાઓમાં પરોવાયા છે ! 

આપણે હવે જાણીએ છીએ કે રાયને ફિલ્મોમાં આવવાની પ્રેરણા મહાન સર્જક વિત્તોરિયો દ સિક્કાની ૧૯૪૮ ની ફિલ્મ બાઇસિકલ થીફ પરથી મળેલી. એ જ વિત્તોરિયો દ સિક્કાએ પોતાની ૧૯૭૩ ની ફિલ્મ A BRIEF VACATION ની પ્રેરણા રાયની આ ફિલ્મ કાંચનજંઘા ઉપરથી લીધેલી ! જાણે ઋણ -સ્વીકાર !

ઈરા સાક્સની ૨૦૧૯ની ફિલ્મ FRANKIE ની પ્રેરણા પણ કાંચનજંઘા છે. રાજશ્રી ડે નામના નિર્દેશિકા હવે આબાર કાંચનજંઘા નામથી મૂળ ફિલ્મની SEQUEL બનાવી રહ્યા છે.

કાંચનજંઘા કદાચ રાયની સૌથી ઓછી જોવાયેલી ફિલ્મ છે. એમની ફિલ્મોના કિસ્સામાં જેમ હમેશા બનતું આવ્યું છે તેમ, ફિલ્મ રિલીઝ થઈ એ વખતે એને દર્શકો અને વિવેચકોનો બહુ જ મોળો પ્રતિસાદ મળેલો. 

કાંચનજંઘા શિખરની જેમ જ કાંચનજંઘા ફિલ્મ પણ દર્શકો આગળ સહેલાઈથી ખૂલતી નથી …


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

10 thoughts on “સત્યજિત રાયની સૃષ્ટિ – ૧૨ ‘કાંચનજંઘા’

 1. 👏👏👍. I have not seen the movie, but after reading this I will definitely watch. I am really enjoying these series.
  Thank you.

 2. એક જ જગાએ અને તે પણ કુદરતનાં ખોળે કંડારેલી આ ફિલ્મ, આપનો લેખ વાંચ્યા પછી જોવી જ પડશે. YouTube ઉપર છે.

  1. આભાર નીતિનભાઈ !
   હાજી. યુટ્યુબ પર છે અને એની લિંક પણ આર્ટિકલમાં આપેલી જ છે.

 3. આ શ્રેણી વાંચવાની ખૂબ મઝા આવે છે. હવે ત્રણ જ હપ્તા બાકી છે ?
  રિત્વિક ગટક કે કોઈ વિદેશી સર્જક પર લખી ને આ શ્રેણી ચાલુ ના રાખી શકાય ? હા, બે શ્રેણી વચ્ચે થોડો વિરામ લઈ લેવાનો .
  સત્યજિત રે ને સમજવા માં આપે ખૂબ મદદ કરી છે. ખૂબ ખૂબ આભાર !

  1. આભાર સમીરભાઈ !
   આપસમ સુજ્ઞ ફિલ્મ-મરમીઓનો સંગાથ ઉપકારક રહે છે.
   આ શ્રેણી એટલે ‘ સત્યજિત રાયની સૃષ્ટિ’ નું સમાપન થાય છે.
   પછીની ગતિવિધિ વિષે જોઈશું.

   1. દરેક ફિલ્મ વિશે વાંચતી વખતે થતું કે *ઓહો આનાથી વધારે ઉત્તમ કોઈ વિવરણ /આસ્વાદન નાં જ હોય… પણ પછી ની ફિલ્મ વિશે એનાથી પણ ઉત્કૃષ્ટ આસ્વાદન કરાવો છો…!!
    પણ હવે શું????? આપનો ખુલાસો વાંચ્યા પછી મન ઉદાસ થયું કે આ છેલ્લી ફિલ્મ હતી…..!!!!!!!

    અદ્ભૂત આલેખન કળા નાં ધની આપને પ્રણામ…. આપે બીજી વાર વાંચી એ આ શ્રેણી નાં તમામ વાંચકો/ભાવકો માટે આશીર્વાદ રૂપ પુરવાર થયું….
    કોઈ બીજા સ્વરૂપે મળતાં રહો એવી આશા સાથે…..

    1. ખૂબ ખૂબ આભાર ઊર્મિલાબહેન !
     હજી આ લેખમાળાના ત્રણ મણકા ફિલ્મ નાયક, અશાની સંકેત અને પથેર પાંચાલી વિષે બાકી છે. એ પછી જોઈશું.

 4. શ્રી થાવરાણી જી ની આ લેખમાળા વાંચતી વખતે, “કાંચનજંઘા” હ્ર્દયસ્થ થયું, હવે આ ફિલ્મ પાત્રલેખન અને સંવાદો આ અર્થસભર વિવરણ બાદ જ ફિલ્મ માણવી ગમશે.. રાયબહાદુર સચોટ લાગે છો !!!! સમીરભાઈ કહ્યું તેમાં હું ઉમેરો કરું આ માળા પૂર્ણ થયા પછી હોલીવુડ ની આવી જ ફિલ્મો વિશે પણ વિચારો તો ખૂબ ગમશે.. રે સાહેબ ની ઓળખ આપના થકી જ મને થઈ , આભાર થાવરાણી સાહેબ…..

Leave a Reply

Your email address will not be published.