શ્વાસમાં વાગે શંખ : જૂજવાં રૂપમાં અનંતનું દર્શન

દર્શના ધોળકિયા

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની;
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની !

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને,
જ્યાં જ્યાં ચમન, જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની !

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં છે ઝૂમખાં;
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની !

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમ બ દમ બોલી રહી ઝીણી સિતારી આપની !

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મનો બધા;
યાદી બનીને ઢાલ ખેંચાઈ રહી છે આપની !

દેખી બુરાઈ ના ડરું, હું શી ફિકર છે પાપની ?
ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની !

થાકું સિતમથી હોય જ્યાં ના કોઈ ક્યાં એ આશના;
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની !

જ્યાં જ્યાં મિલાવી હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેશાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની !

પ્યારું તજીને પ્યાર કોઈ આદરે છેલ્લે સફર,
ધોવાઈ યાદી ત્યાં રડાવે છે જુદાઈ આપની !

રોવું ન કાં એ રાહમાં એ બાકી રહીને એકલો ?
આશકોના રાહની જે રાહદારી આપની !

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું;
જૂની નવી ના કોઈ તાજી એક યાદી આપની !

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની !

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને એ જ છે યાદી આપની.

સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’  

કવિ કાન્તની જેમ જ કલાપી પણ એમના સમયના મંથનનિમગ્ન વ્યક્તિ હતા. કાન્તનું મંથન ધર્મમંથન હતું તો કલાપીનું પ્રણયમંથન.

ઈ.સ. ૧૮૭૪થી ૧૯૦૦ દરમિયાનના માત્ર છવ્વીસ વર્ષના આયુકાળમાં કલાપી કેટકેટલું જીવ્યા, મથ્યા ! સૌરાષ્ટ્રના લાઠીમાં જન્મ, રાજકોટની રાજકુમાર કૉલેજમાં આઠ વર્ષનો અભ્યાસ, અંગ્રેજી પાંચ પુસ્તક સુધીનો જ. કૌટુંબિક ખટપટોમ માતા-પિતાનું નાની વયે અવસાન. બે પત્નીઓથી થયેલો સંસારક્લેશ, આંખોમાં ખીલનું દર્દ જેવા વિષમ  સંજોગોની વચ્ચે કોમળ પ્રકૃતિનો આ રાજકુમાર મથીમથીને જીવ્યો ને છતાંય સંસ્કૃતના આચાર્ય મમ્મટ કથિત કુદરતે દીધેલ પ્રતિભાના બળે પમર્યો-વિસ્તર્યો. સાહિત્યરસિક શિક્ષકો, દરબાર વાજસૂરવાળા જેવા વિદ્યારસિક મિત્રો, ગોવર્ધનરામ, કાન્ત, બળવંતરાય, જટિલ જેવા સાક્ષર રત્નોથી ઘેરાયેલા કલાપીનું આગવું ઘડતર થયું કલા, ધર્મ, રાજનીતિ, કવિતા ને તત્વજ્ઞાનથી તેમની જિજ્ઞાસા આ સૌ થકી પોષાઈ ને સંવર્ધાઈ.

કલાપીની કવિતા પ્રારંભાઈ પ્રણયના દર્દનાં આલેખનથી, પ્રણયની આરઝૂથી, પ્રણયે અર્પેલા વિષાદથી. એ કવિતાઓનું મૂલ્ય ઓછું નથી પણ ખોબા જેવડા જીવનના ઉતરાર્ધમાં કલાપીનો પ્રેમ વ્યાપક થતો થતો સર્વવ્યાપક પ્રભુમાં ક્રમશઃ રૂપાંતરિત થતો રહ્યો. નવલરામ ત્રિવેદીએ કલાપીની કાવ્યયાત્રાનો નકશો ઉચિત રીતે આંકી આપતાં નોંધ્યું : ‘જીવનની વિશાળ મીમાંસા કલાપીનાં કાવ્યોમાં નથી. કલાપીની કવિતાનું ક્ષેત્ર મર્યાદિત છે. તેમણે મોટે ભાગે પોતાના દિલનું દર્દ જ ગાયું છે…તે સર્વ કાવ્યોનું પ્રેરકબળ ભલે પ્રેમ હોય, છતાં કોઈ-કોઈ વખત એ પ્રેમનું નૂતન માનસશાસ્ત્રીઓ કહે છે તે પ્રમાણે ઊર્ધ્વગમન થઈ તેમાં તત્વચિંતનનું અવનવું દર્શન થાય છે.’

આ વાતનું સમર્થન કલાપીના એક પત્રમાં સાંપડે છે. હિંમતરામ દવેને કવિ લખે છે : ‘અત્યારે તું જે કવિતા વાંચે છે તે….કોઈ વ્યક્તિને સંબોધિને નહીં, પણ પ્રભુ તરફ દ્રષ્ટિ રાખીને લખાય છે…દુનિયામાં પ્રભુ ન હોય તો કશો આરામ મળે તેમ નથી, તેઓ વિના કાયમ કશું નથી.’

જીવન ને પ્રણયે આપેલાં અપાર મંથન પછી કવિને પ્રભુના અંકમાં વિરામ મળ્યો છે તેને પ્રતીતિ પ્રસ્તુત ગઝલમાં પામી શકાય છે. કલાપીનું પ્રથમ કાવ્ય ‘ફકીરી હાલ’ પણ ગઝલ હતી ને તેમનું છેલ્લું કાવ્ય ‘આપની યાદી’ પણ ગઝલ જ છે. એ ઘટનાને નવલરામ ત્રીવેદી ઉચિત રીતે જ અર્થસૂચક અસસ્માત કહે છે.

છવ્વીસ વર્ષનો આ વેદનશીલ રાજકુમાર રાજકારણના ને જીવતરના મલિન પરિવેશની સંકડાશમાં જીવ્યો છતાંય જીવતરની છેલ્લી પળોમાં તેનું અનુસંધાન ભીતરના આલોકથી સધાયું એને એનું સદભાગ્ય ગણવું પડે. કાવ્યના આરંભથી માંડીને કાવ્યના અંત સુધી કવિએ મનભરીને પ્રભુને નીરખી પારખી લીધો ! ક્યાં ક્યાં ? જ્યાં જ્યાં નજર પડી ત્યાં ત્યાં. જ્યાં ને ત્યાંની વચ્ચે એક પણ જગા કોઈ ન રહી. પ્રભુને જોવાનો એ આશ્વાસનરૂપ પ્રયત્ન ન હતો. કવિને ત્યાં ત્યાં પ્રભુ ઠાંસોઠાંસ ભરેલો, અનાયાસ જોવા મળ્યો. ‘યાદી ભરી ત્યાં આપની’માં કેટકેટલું સૂચવાઈ ગયું ? જ્યાં જુએ ત્યાં પ્રભુની યાદથી મન ભરાઈ જાય એટલો એ ઠાંસોઠાંસ ભર્યો છે, અહેહં સઘળે ઠામ, અરે, જીવતરનાં નકારાત્મક ગણાતાં રૂપોમાં સુદ્ધાં ! પ્રભુનાં દર્શન આરંભે સ્થૂળ વસ્તુઓ ને વ્યક્તિઓમાં કવિને થવાં લાગ્યાં. પ્રિયાના ગાલથી લાલિમામાં, વૃક્ષોમાં, દરિયા પરથી આવતી મીઠી લહેરમાં, ને એ દર્શન કેવું કોમળ ને ચિત્રાત્મક આલેખન પામ્યું છે ! દરિયાની લહેર મીઠી છે તો ત્યાં પ્રભુ પણ દેખાય છે ‘નાજુક સવારી’ બનીને આવતા. દરિયાની લહેરો જાણે નાવ બનીને પ્રભુને ઝુલાવી રહી ન હોય ! નીચે જો દરિયામાં જ થયેલું પ્રભુદર્શન તો ઉપર ‘તારા ઉપર તણા તણાં ઝૂમી રહ્યાં છે ઝૂમખાં’માંય પ્રભુની ઝાંખી ! તારા ઉપર લટકેલા તારાના ઝૂમખાંનું ચિત્ર કેવું તો આસ્વાદ્ય બન્યું છે ! આ ઝૂમખાંની પાછળ છે ‘આપની’ કચેરી, ને એય પાચી ‘ગેબી.’ કલાપીની આંખને જ એ દેખાય. પ્રભુનું દર્શન કરવા માટે અર્જુનની જેમ ‘દિવ્યદ્રષ્ટિ’નું વરદાન જોઈએ, ને તે પણ પ્રભુ સામેથી આપે. એ માગ્યે મળે નહીં. ગેબી કચેરીમાં ચાલતો પ્રભુનો દરબાર કલાપી જેવાને માટે આંખવગો, પ્રજ્ઞાવગો. ધીમે-ધીમે સ્થૂળ વસ્તુજગતમાંથી કવિ સરત પણ ન રહે તેમ સૂક્ષ્મ જગતમાં સકરતા ગયા છે. પ્રભુ કવિના લોહીના લયમાં વહી રહ્યો છે, તેથી તો કવિના શ્વાસિચ્છવાસના લયમાં પ્રભુની ઝીણી સિતાર બજી રહી છે. બહાર દેખાયેલા પ્રભુ કેટલા નીકટ આવતા ગયા ! તપશ્ચર્યા કરતા બાળક ધ્રુવને ધ્યાનસ્થ અવસ્થામાં તેના માટે આવીને ઊભા રહેલા પ્રભુ ન દેખાતાં પ્રભુએ તેના હૃદયમાં દેખાવું પડેલું. અંદર પ્રભુને ઊભેલા જોઈને રોમાંચિત થયેલા ધ્રુવની આંખ ખૂલી ગઈ ને પ્રભુ ફરી તેની પ્રત્યક્ષ થયા અંદરથી બહાર. અહીં ઊલટું થયું. બહાર દેખાતા પ્રભુને જોઈને રોમાંચિત થયેલા કવિ ધ્યાનસ્થ થયા ને પ્રભુને અંદર વહેવું પડ્યું લોહી થઈને શ્વાસ થઈને, આ ‘ઝીણી-સિતારી’ માત્ર કવિના નહીં, ભક્તના કાન જ સંવેદી શકે.

નરસિંહની ગોપીની જેમ : ‘ઝીલણાં ઝાંઝર વાજે વૃંદાવનમાં’. છેક વૃંદાવનમાં વાગતં કૃષ્ણનાં ઝાંઝર જૂનાગઢમાં નરસિંહના કાને પકડી પાડયાં ! તેમ બહાર-અંદર વિરાટ રૂપે કવિને પ્રત્યક્ષ થયેલા પ્રભુનું દર્શન કવિતાનો જાણે પ્રથમ ખંડ છે ! તો બીજા ખંડમાં આ દર્શને જે જાગૃતિ, અવધાન, અવેરનેસ આપી તેમાં કવિએ કવિએ આપેલો રદિયો છે. પ્રભુપ્રાપ્તિની નિશાની શું ? પ્રભુને પોતાના ગર્ભમાં સમાવનાર જણ અનેરું સ્વસ્થ્ય પ્રાપ્ત કરે તે. કવિએ આવે નરવી જીવનદ્રષ્ટિ પ્રાપ્ત કરી છે. તેથી જ કવિ બાહ્ય આક્રમણો – જેના માટે તેઓ ‘દુશ્મન’ શબ્દ વાપરે છે. જેવા કે ષડ્ રિપુઓ ને પ્રભુના વિરોધીઓ – બંનેથી અલિપ્ત થઈ શક્યા છે. કેમ કે તેના સામે ઢાલ થઈને લડે છે ‘આપની યાદી.’ પોતાની બૂરાઈઓની પણ કવિને ચિંતા નથી, તેને ધોવા પખાળવા ને કવિને સ્વચ્છ કરવા પ્રભુ બેઠો છે ને ! હા, કવિયે આખરે માણસ છે. ‘આપની યાદી’ના થડને ટેકે વેલી ચડવા યત્નશીલ છે ત્યારે બાહ્ય અત્યાચારો તેમને થકાવે પણ છે. એક તો પ્રભુને પામવાનું આકરું ચઢાણ ને ઉપરથી અત્યાચારો. પણ બરોબર દ્રૌપદી વસ્ત્રાહરણની જેમ પ્રભુની યાદ એ ક્ષણે કવિને ઘેરી વળે છે ને એની તાજગીના શરાબની રોનકથી કવિના થાકને ફૂંક મારીને ક્યાંય ઉડાડી દે છે. કવિ જ્યાં-જ્યાં હાથ ફેલાવે છે ત્યાં-ત્યાં પ્રભુ પોતાનો હાથ આપીને કવિનો હાથ સાહી લે છે. અદ્રશ્ય હસ્તને જોઈને આભારવશ થયેલા કવિનું હૃદય ઝૂકી પડે છે. પ્રભુનાં મિલન ને વિરહનો અનુભવ કવિ કરે છે. કોઈ પ્રિયજનની મૃત્યુ વેળાએ. પ્રિયજનની જુદાઈ સાથે ભળે છે તો પ્રભુની જુદાઈ. એ જુદાઈમાં રડવુંય કવિને મંજૂર છે. પ્રભુની યાદનો ઝૂરાપો ક્યાંથી?

સંસારના રાહમાં ગુજરતાં ગુજરતાં કંઈ કેટલાંય સ્મરણો ચિત્તમાં ઊભરાય છે, જૂનાં પણ ને નવાં પણ. ક્યાંક એમાં આનંદ છે, તો ક્યાંક વિષાદ. પણ એ સૌનું અતિક્રમણ થઈ શકે છે એકમાત્ર ‘તાજી’ એવી આપની યાદમાં. એ એવી જ, પ્રફુલ્લ છે.

પ્રભુની યાદથી સંતૃપ્તિ અનુભવતા કવિ અંતે સ્થૂળ જગતથી સંપૂર્ણ મુક્ત થવાની છેલ્લી ક્ષણે ગાઈ ઊઠ્યા છે તેમ, અત્યાર સુધી મેળવેલું સર્વ જ્ઞાન છો ઊડી જતું ! સઘળું ભલે વિસ્મૃત થતું, એકમાત્ર આપની યાદી જ બસ છે. ન કરે નારાયણ ને ક્યાંક, ક્યારેક પોતાનો પગ લપસી પડે તોય કવિને ચિંતા નથી. પ્રભુની યાદીનો ટેકો કવિને સંપૂર્ણપણે બચાવી લેશે એવો કવિને વિશ્વાસ છે.

જીવનભર પ્રણય ને જીવતરથી થાકતા રહેલા કલાપી જીવતરના અંતે એક અનાયાસ,અચાનક થયેલા ઝબકારની કોઈ વિરલ ક્ષણે એક નવલું, દિવ્ય દર્શન પામી શક્યા છે એનું આ કવિતા પ્રમાણ છે. પ્રિયાને સચ્ચાઈથી ચાહતા રહેલા કવિનો  પ્રણય પ્રભુ પ્રેમમાં સહજ રીતે રૂપાંતરિત થઈને આવી ‘ઇશ્કે હકીકી’ ગઝલ તેમની પાસેથી સંપડાવી શક્યો છે. આ ગઝલ માત્ર કવિતા ન બનીને હૃદયોદગાર બની છે. ધીરેન્દ્ર મહેતા આ કાવ્યમાં ઉચિત રીતે જ કલાપીની તન્મયતા, નમ્રતા, આભારવશતા, આદ્રતા ને વિશ્વાસ નિહાળે છે. આ સઘળાં તત્વો કલાપીનું અહીં એક નીવડેલા ભક્તજન તરીકે સંસ્થાપન કરે છે. શોભના સાથે લગ્ન કરીને કલાપીએ ઇચ્છ્યું છે : ‘હવે જોવા ચાલ્યું હૃદય મુજ સાક્ષાત હરિને’ તેમની આ અભીપ્સા, તેમની આ છેલ્લી કૃતિમાં પૂર્ણવિરામ પામીને વિરમી છે.   

* * * * *

ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ
• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧
•ઇ-પત્રવ્યવહારનું સરનામું: dr_dholakia@rediffmail.com

Author: Web Gurjari

1 thought on “શ્વાસમાં વાગે શંખ : જૂજવાં રૂપમાં અનંતનું દર્શન

  1. oho !!!!! અંતે એક અનાયાસ,અચાનક થયેલા ઝબકારની કોઈ વિરલ ક્ષણે એક નવલું, દિવ્ય દર્શન પામી શક્યા છે એનું આ કવિતા પ્રમાણ છે.

Leave a Reply

Your email address will not be published.