નિસબત : શપથ બાઈડેનના, સ્મરણ સૈન્ડર્સનું

ચંદુ મહેરિયા

આખરે કમને ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં પોતાની હાર સ્વીકારવી પડી છે.૭૮ વરસના  જો બાઈડેન ૨૦મી જાન્યુઆરી ૨૦૨૧ના રોજ અમેરિકાના ૪૬મા પ્રમુખ તરીકે શપથ લીધા છે. ચાર વરસનો ટ્રમ્પનો કાર્યકાળ અને તેમનું પ્રમુખ તરીકે ચૂંટાવું તે જો અમેરિકાના લોકતંત્રનું તળિયું દેખાડનારી બીના હતી  તો પરાજય સ્વીકારવાની ટ્રમ્પની ધરાર ના અને બાઈડેનના વિજયને આખરી કરવા મળેલા સંસદની સંયુક્ત બેઠક સમયે ટ્રમ્પ સમર્થકોએ સંસદ પરિસરમાં ઘૂસી આચરેલી હિંસા,  ટ્રમ્પવાદ કેટલો ખતરનાક છે અને લોકશાહીને ખતમ કરી દેનારો છે તે દર્શાવે છે.

૨૦૧૬માં ડેમોક્રેટ ઉમેદવાર હિલેરી ક્લિન્ટન સામે રિપબ્લિક ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા ટ્રમ્પ ત્યારે પણ કહેતા હતા કે “જો હું હારીશ તો પરિણામ નહીં સ્વીકારું”  અને ચાર વરસ પછી આજે પણ એમ જ કહે છે ! તરફેણ કે વિરોધના જનાદેશની જાણે કે તેમને પરવા જ નથી. કશી જ રાજકીય કારકિર્દી વિનાના એક ધનકુબેર ૨૦૧૬માં રાષ્ટ્રના સર્વોચ્ચ પદે ચૂંટાયા તેણે બહુ વખણાયેલી અમેરિકી પ્રજા અને તેની લોકશાહીનો વિશ્વને વાસ્તવિક સાક્ષાત્કાર કરાવ્યો હતો. ચાર વરસના ટ્રમ્પના શાસનકાળથી અને વિદાય વેળાની હિંસાથી ટ્રમ્પ અને તેમની વિચારધારાથી વિશ્વના લોકશાહી દેશોનું  ચિંતિત બનવું સ્વાભાવિક છે. “ટ્રમ્પ-નોટ માય પ્રેસિડેન્ટ”નો વિપક્ષી નારો અને હું “આખા દેશનો પ્રેસિડેન્ટ છું” ના  ટ્રમ્પબબડાટ વચ્ચે ચાર વરસ વહી ગયા.પણ વિદાયવેળાની હિંસાથી  ટ્રમ્પ કોણ,, શું, કોના અને શા માટે છે તે સ્પષ્ટ થયું છે. ૨૦૧૬ અને ૨૦૨૦માં ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન અને પોતાના રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાન અનેક વિષાક્ત અને વિભાજક વિચારો વ્યક્ત કર્યા તેની નવાઈ ન લાગવી જોઈએ. પણ અમેરિકાના એક મોટાવર્ગનું તેમને સમર્થન મળ્યું તે આશ્ચ્રય અને આઘાતજનક છે. અમેરિકાની કહેવાતી મહાન લોકશાહી અને તેની સર્વસમાવેશી નીતિના એનાથી લીરેલીરા ઉડી ગયા છે.

અમેરિકાના પ્રમુખની વર્તમાન ચૂંટણીમાં ડેમોક્રેટિક પક્ષના જો બાઈડેન અને રિપબ્લિકન પક્ષના ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુકાબલો હતો. અમેરિકી મતદારોએ ટ્રમ્પને બીજી મુદત આપી નથી. અને વર્તમાન પ્રમુખના પરાજયની ઘટના અમેરિકામાં અઢી દાયકા બાદ ઘટી છે. જોકે ૨૦૧૬ કરતાં ૨૦૨૦માં ટ્રમ્પના વોટ વધ્યા છે. ! ૨૦૨૦ની આ ચૂંટણીના અનેક અંધારા અજવાળા અને મુખ્ય પાત્રોમાં એક નામ બર્ની સૈન્ડર્સનું છે. વિચિત્ર અને વિશિષ્ટ એવી અમેરિકી પ્રમુખની ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવાર બનવું તે પણ પ્રમુખ બનવા જેટલું અનિવાર્ય અને અઘરું  છે. ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડેનને પ્રમુખની ઉમેદવારી માટે પક્ષના ‘ડેમોક્રેટિક સોશ્યાલિસ્ટ’ નેતા બર્ની સૈન્ડર્સનો મુકાબલો કરવો પડ્યો હતો.

મૂડીવાદી અમેરિકામાં પ્રમુખપદનો ઉમેદવાર કોઈ સમાજવાદી અને ડાબેરી વલણવાળો નેતા પણ હોઈ શકે છે તે વાત જ કેટલી રોમાંચકારી છે. એંસી વરસના અમેરિકી રાજનીતિજ્ઞ બર્ની સૈન્ડર્સ એમના ડાબેરી અને સમતાવાદી વિચારો માટે જાણીતા છે ૧૯૬૪માં એમણે શિકાગો યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કરેલું છે. કોલેજકાળથી જ તેઓ જાહેર પ્રવ્રુતિઓમાં, ખાસ તો અમેરિકાની સિવિલ રાઈટ મુવમેન્ટમાં, જોડાયા હતા. ઈઝરાયેલમાં રહ્યા બાદ તે અમેરિકામાં આવી ફીલાન્સ જર્નાલિસ્ટ બન્યા. ચૂંટણીના રાજકારણમાં જોડાઈને હારજીત મેળવતા રહ્યા છે. ૧૯૮૧ થી ૮૯ સુધી તેઓ બર્લીન્ગટોનના મેયર, ૧૯૯૧ થી ૨૦૦૭ સુધી અમેરિકાની પ્રતિનિધિસભાના સભ્ય, અને તે પછી વરમોન્ટથી સેનેટર તરીકે ચૂંટાયા છે. .

૧૯૯૧થી ડેમોક્રેટિક પાર્ટી સાથે જોડાયેલા બર્ની સૈન્ડર્સ ૨૦૧૬માં પક્ષના રાષ્ટ્રપ્રમુખ પદના ઉમેદવાર હિલેરી ક્લિન્ટન અને ૨૦૨૦માં જો બાઈડેનના મુખ્ય પ્રતિસ્પર્ધી હતા. ૨૦૧૬માં તેમણે હિલેરીને મજબૂત લડત આપી હતી. એ સમયે તેમની ઉમેદવારી પાર્ટીના વિભાજન સુધી પહોંચી હતી. ૧૯,૦૦૦ વિવાદાસ્પદ ઈમેલ, વિકિલિકસની ભૂમિકા જેવા વિવાદો પણ સર્જાયા હતા. હિલેરીને પાર્ટીના સત્તાવાર પ્રમુખ ઘોષિત કરતાં પૂર્વે પક્ષે હિલેરી તરફી વિવાદાસ્પદ ઈમેલ તથા પક્ષ પ્રમુખની પક્ષકારની ભૂમિકાને કારણે ડેમોક્રેટિક પક્ષના તત્કાલીન પ્રમુખ ડેબી વાસેરમૈન શુલ્ત્જે રાજીનામુ આપી,  બર્નીની માફી માંગવી પડી હતી. જોકે ૨૦૧૬ની તુલનામાં ૨૦૨૦માં સૈન્ડર્સને બહુ જલદી હથિયારો હેઠા મુકી બાઈડેનની ઉમેદવારી સ્વીકારી લેવી પડી હતી. પરંતુ તેમણે “ચૂંટણી અભિયાન ખતમ થયું છે, ન્યાય માટેનો સંઘર્ષ જારી રહેશે” એવો હુંકાર કર્યો હતો.

ડેમોક્રેટિક પાર્ટીએ પૂર્વે હિલેરી અને આ વખતે બાઈડેનને સૈન્ડર્સને બદલે પસંદ કર્યા તેમાં પક્ષની મધ્યમમાર્ગી ભૂમિકા મહત્વની છે. સૈંડર્સ અમેરિકી સમાજ અને શાસનમાં તળિયાઝાટક બદલાવ ચાહે છે. બર્ની સૈન્ડર્સના ચૂંટણી મુદ્દામાં- સૌને માટે મફત કોલેજ શિક્ષણ અને તમામને માટે સરકારી આરોગ્ય સેવાઓ, કાળાઓ અને લેટિન અમેરિકી મૂળના લોકોને અન્યાયકારી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં ફેરફાર, આવકની અસમાનતાની નાબૂદી અને ધનિકો પર વધુ ટેક્સ, લઘુતમ વેતનમાં વધારો, આર્થિક, સામાજિક વંશીય અને પર્યાવરણીય ન્યાય- મુખ્ય હતા. ડેમોક્રેટિક પાર્ટીને આ મુદ્દાઓ લઈને પ્રમુખની ચૂંટણી લડવી આકરી લાગતી હતી અને સૈન્ડર્સ તેમના માટે જોખમી ઉમેદવાર હતા. પક્ષનો રૂઢિવાદી જ નહીં થોડો ઉદારવાદી વર્ગ પણ તેમના સમર્થનમાં નહોતો. પક્ષના મોટાભાગના નેતાઓ યથાસ્થિતિના તરફદારો હતા અને તેઓ તળિયાઝાટક પરિવર્તન ઈચ્છતા નહોતા. અપ્રવાસીઓને મફત આરોગ્ય સેવાઓ, અમેરિકી સીમામાં ગેરકાયદે પ્રવેશને માન્યતા અને ઈમિગ્રેશન અને કસ્ટમ એન્ફોર્સમેન્ટ  હઠાવવા જેવા મુદ્દા સાથે ડેમોક્રેટ વોટર પણ સંમત નહોતા અને જો સૈન્ડર્સને ઉમેદવાર બનાવાય તો ભેદભાવ અને ન્યાયના મુદ્દે ટ્રમ્પનું પલ્લું ભારે થવાની શક્યતા હતી. હથિયારોના તરફદાર સૈન્ડર્સ સંરક્ષણ બજેટમાં કાપ અને અન્ય દેશોમાંથી અમેરિકી સેનાને પરત બોલાવવા જેવા વિચારો ધરાવતા હતા.અને તેઓ માનવ અધિકારો અને લોકશાહી મૂલ્યોના મોટા સમર્થક છે.  તેથી અમેરિકી સરકાર અને પ્રજાની જગત જમાદારની છાપ ભૂંસાઈ જવાની હતી.એટલે પણ સૈન્ડર્સ સ્વીકાર્ય નહોતા.

જો બાઈડેન પણ સૈન્ડર્સને “દેશમાં પરિવર્તન માટેનો મજબૂત અવાજ” તો ગણે છે પરંતુ તેમના ધરમૂળથી સુધારાના સમાજવાદી વિચારોને  માન્ય રાખતા નથી. સૈન્ડર્સનો ચૂંટણી એજેન્ડા અમેરિકાના મૂડીવાદના સર્વવ્યાપી પ્રતીકોની અવહેલના કરનારો છે. જોકે સૈન્ડર્સને પોતાના ચૂંટણી મુદ્દા કંઈ ક્રાંતિકારી લાગતા નથી. તેઓના મતે, “બરાબરી કે સમાનતાનો વિચાર એ કોઈ ક્રાંતિકારી વિચાર નથી અમેરિકાનું નિર્માણ જ સમાનતાના વાયદા પર થયેલું છે.”  એજ્યુકેશન લોનને તેઓ “ભણવા ઈચ્છતા  વિધાર્થીઓને માથે મરાતો દેવારૂપી દંડ” માને છે. “દુનિયાના અનેક દેશોમાં વરસોથી અને સરળતાથી શિક્ષણ મફત છે તો અમેરિકામાં મફત શિક્ષણનો વિચાર ક્રાંતિકારી કઈ રીતે ગણાય ? “ તેવો પ્રશ્ન પણ તેઓ કરે છે. “જો દેશનો પાંચમાંથી  એક નાગરિક દવા ખરીદી શકતો ન હોય તો તે અમીરી કેવી ? “ એવો સવાલ પણ આ સમાજવાદી નેતા ઉઠાવે છે. અમેરિકામાં હવે સત્તાની ધુરા ડેમોક્રેટના હાથમાં આવી છે. આફ્રો-અમેરિકન અને મુસ્લિમ મધ્ય નામ ધરાવતા કાળા નેતા બરાક હુસેન ઓબામાને જે અમેરિકાએ લાગલગાટ પ્રમુખની બે ટર્મ આપી તેણે તેમના અનુગામી તરીકે ભારાડી, માથાફરેલ અને વિભાજક વિચારધારા ધરાવતા ટ્રમ્પને પસંદ કર્યા હતા. હજુ અમેરિકામાં કોઈ મહિલા રાષ્ટ્રપ્રમુખના પદે આવી શક્યાં નથી. ત્યારે સૈન્ડર્સના સમાજવાદી વિચારોની અમેરિકી મતદારોમાં સ્વીક્રુતિ અશક્ય લાગે છે.

આ ચૂંટણીની જે કેટલીક ઉજળી બાજુ છે તેમાં,  પહેલીવાર કમલા હૈરિસના રૂપમાં ભારતીય મૂળના અશ્વેત મહિલાનું  અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ બનવું, ટ્રમ્પના અનેક ધમપછાડા છતાં રિપબ્લિકન પક્ષના ઉપરાષ્ટ્રપ્રમુખ માઈક પેંસ, ટ્રમ્પ નિમ્યા ન્યાયાધીશો અને અમેરિકી સંસદનું તેમના પક્ષે ન રહેવું,ટ્રમ્પ મંત્રીમંડળના કેટલાક સભ્યો અને કેટલાક રિપબ્લિકન સાંસદોનો  ટ્રમ્પના વિરોધમાં અને દેશના બંધારણ અને લોકતાંત્રિક મૂલ્યોના સમર્થનમાં હોવું –  મુખ્ય છે. આ બધી બાબતોએ દેશને વધુ કલંકિત થતો બચાવ્યો છે. એટલે આશા જાગે છે કે . ચાર વરસ પછી ૨૦૨૪-૨૫માં જ્યારે અમેરિકી પ્રમુખની ચૂંટણી યોજાશે ત્યારે અને તે પછી પણ સૈન્ડર્સનો ચૂંટણી એજેન્ડા ચર્ચામાં રહેશે તો તે સૈન્ડર્સનું અમેરિકી લોકશાહીને બહુ મોટું પ્રદાન હશે.

અમેરિકા આમ કરી શકશે ?


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

2 thoughts on “નિસબત : શપથ બાઈડેનના, સ્મરણ સૈન્ડર્સનું

  1. સમગ્ર ઘટનાક્રમનું વિશ્લેષણ કરી, આગવી શૈલીમાં લખાયેલો લેખ વાંચવો ગમ્યો. એક બીક સતાવતી રહે છે કે આપણે પણ ઝડપથી ન જવાના રસ્તે જ ઢસડાઈ રહ્યા છીએ.

  2. અમેरीકાના એક મોટાવર્ગનું તેમને સમર્થન મળ્યું તે આશ્ચ્રય અને આઘાતજનક છે. અમેरीકાની કહેવાતી મહાન લોકશાહી અને તેની સર્વસમાવેશી નીतीના એનાથી લીરેલીરા ઉડી ગયા છે. पोस्ट मां कहेवाती महान लोकशाहीने आ કશી જ રાજકીય કારકિર્દી વિનાના એક ધનકુબેર लीरेलीरा करी नाख्या…

Leave a Reply

Your email address will not be published.