સૂરદાસનાં વ્રજ ભાષાનાં પદોનો આસ્વાદ : વ્રજભાષાનાં કવિઓમાં અષ્ટસખામંડળની સ્થાપના

પૂર્વી મોદી મલકાણ

માનનીય શ્રી વાંચક મિત્રો, આ વર્ષે હું અષ્ટછાપીય કવિ શ્રી સૂરદાસનાં પદો પરનું વિશ્લેષણ લઈને આવી રહી છુ. આ પદોમાં આપણે સૂરદાસજીએ કૃષ્ણની બાલ્યલીલા વિષે જે લખ્યું છે તે વિષે સમજવા પ્રયત્ન કરીશું. આશા છે કે; આ નવો વિષય આપ સૌને ચોક્કસ ગમશે કારણ કે આપનું ગમવું તે મારા માટે ઉત્સાહવર્ધક પીણું છે.

આપણે આ પદો પરની યાત્રા શરૂ કરું તે પહેલાં શ્રી સૂરદાસજી કોણ હતાં તે વિષે જાણવું જરૂરી છે તેથી આપણી યાત્રાનો પ્રારંભ આપના પરિચયથી કરીશું.

++++++++++++++++++++++++++

શુધ્ધાદ્વૈત બ્રહ્મવાદનાં સ્થાપક અને પ્રથમ આચાર્ય શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુ હતા. આપે પુષ્ટિ સંપ્રદાયની સ્થાપના કરેલી. આ માર્ગને વલ્લભ સંપ્રદાય તરીકે પણ માનવામાં આવે છે. પુષ્ટિમાર્ગ સગુણપાસના અને સગુણવાદને માને છે અને ભગવાનની કૃપા જ પોષણ કરે છે તે ભાવના સિધ્ધ થયેલી છે.

શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુ પછી આપના દ્વિતીય લાલન શ્રી વિઠ્ઠલનાથજી તે પુષ્ટિ સંપ્રદાયના બીજા આચાર્યચરણ બન્યાં. શ્રી વિઠ્ઠલનાથજીનો જન્મ સંવત્ ૧૫૧૬માં ચરણાટમાં થયો હતો. આપશ્રીના મોટાભાઇ શ્રી ગોપીનાથજી નિત્યલીલામાં પધાર્યા ત્યારપછી આપનો પ્રવેશ આચાર્યચરણ તરીકે થયો હતો. આપ શ્રી વિઠ્ઠલનાથજી આચાર્ય બન્યાં ત્યારે આપે સેવા-વિધિનો ક્રમ વધારવાનો અને તેમાં વિકાસ લાવવાનો વિચાર કર્યો. આ વિકાસના માર્ગમાં આપનું સૌ પ્રથમ ધ્યાન શ્રી વલ્લભના ચાર કવિઓ તરફ પડ્યું. શ્રી વલ્લભના આ ચાર કવિઓને શ્રી વિઠ્ઠલનાથજી નાની વયથી સાંભળેલાં આથી આપશ્રી વિઠ્ઠલનાથજીએ પણ વિધિસર સંગીતના શાસ્ત્રો-ગ્રંથોનું અધ્યયન કર્યું. ( ब्रजसुभाषिनि – १६-९ ) મોટા થયાં બાદ આપ શ્રી વિઠ્ઠલનાથજીએ સંપ્રદાયની સેવાના મુખ્ય અંગો રાગ ( સંગીત ), ભોગ ( સામગ્રી ) અને શૃંગાર કલા વિકસાવી. આ કલાઓમાંથી સર્વપ્રથમ રાગ ના ( સંગીત ) ઉત્કર્ષ હેતુ “સંગીત રત્નાકર” ગ્રંથના આધાર પર અષ્ટ સંગીતાચાર્યોની સંખ્યા નિયત કરવાનો વિચાર કર્યો. જ્યારે આપશ્રીને આ વિચાર આવ્યો તે સમયે આપના પિતાશ્રી અને પુષ્ટિ સંપ્રદાયનાં પ્રથમ આચાર્ય શ્રી વલ્લભાધીશજીના ચાર અને આપના પોતાનાં ત્રણ સેવકોની ત્યાં ઉપસ્થિતી હતી. પણ અષ્ટની ભાવનાને પરિપૂર્ણ કરવા માટે આપે “વિષ્ણુદાસ છીપા” નામના વ્રજવાસી કવિનો સમાવેશ કર્યો. સંત શ્રી તુલસીદાસજીના કાકાના દીકરા ભાઈ શ્રી નંદદાસજીનું જ્યારે પુષ્ટિમાર્ગમાં આગમન થયું ત્યારપછી ૧૬૦૭માં વિધિવત્ત “અષ્ટછાપ સખામંડળ”ની સ્થાપના થઈ. આ સમય દરમ્યાન વિષ્ણુદાસ છિપા વૃધ્ધ થયાં હોવાથી આપની નિમણૂક મંદિરના દ્વારપાળ તરીકે કરવામાં આવી.

શ્રી વિઠ્ઠલનાથજી સ્થાપિત આ અષ્ટછાપ કવિમંડળે કૃષ્ણ લીલા અને કૃષ્ણ ભક્તિના પદોની એવી રચના કરી જેમાં સારસ્વત યુગનાં પ્રકૃતિ તત્ત્વ સાથે પોતાનાં કાળનાં સામાજિક રીતિ રિવાજ અને ખાનપાનને પણ વણી લીધાં. આ મંડળમાં કુંભનદાસજી અને સૂરદાસજી એ બે કવિ-સખાઓ વયોવૃધ્ધ, પરમાનંદદાસજી, ગોવિંદસ્વામી અને કૃષ્ણદાસ અધિકારીજી એ ત્રણ કવિઓ મધ્યમવર્ગનાં, છીત્ત સ્વામી, ચતુર્ભુજદાસજી અને નંદદાસજી એ ત્રણ નવયુવાન કવિ-સખાઓ હતાં. કાવ્ય સૌષ્ઠવની દૃષ્ટિએ આ મંડળમાં સૂરદાસજીનું સ્થાન પ્રથમ અને નંદદાસજીનું સ્થાન દ્વિતીય છે. શ્રી વલ્લભાધીશનાં વંશનાં ચોથા આચાર્ય શ્રી ગોકુલનાથજીનાં સમયમાં આપે આ અષ્ટછાપ મંડળને “અષ્ટસખા મંડળ”ને નામે પણ ઓળખ્યું કારણ કે અનૌસરના સમયમાં આ જ કવિઓ દેવદમન શ્રીનાથજીના અંતરંગ સખાઓ હતાં. શ્રી વિઠ્ઠલેશજીચરણનાં નિત્યલીલામાં પધાર્યા બાદ આ અષ્ટછાપમંડળનો પ્રભાવ લગભગ ૮૪ વર્ષ સુધી વ્રજથી લઈ બંગાળ -રામેશ્વર સુધી રહ્યો. ત્યાર પછી આ મંડળની અસર નીચે આધુનિક સમયમાં ભારતેન્દુ મંડળ, રસિક મંડળ, મતવાલા મંડળ વગેરે ઉભર્યા છે, પણ તેમનો પ્રભાવ આ અષ્ટછાપ જેટલો થયો નહીં. આ અષ્ટછાપ કવિઓ કે સખાઓ એ રચેલા કિર્તનો તે પાછળથી “અષ્ટ છાપીય સંગીત” તરીકે ઓળખાયાં. સમયાંતરે આ જ સંગીતે અને ગુજરાત રાજસ્થાનની હવેલીઓમાં પણ મુખ્ય સ્થાન મેળવ્યું.

૧) શબ્દ અને તેનો અર્થ:- અનૌસરનો સમય -જે સમયમાં સેવા ન ચાલતી હોય પણ કાર્ય તથા મન શ્રીજીનાં ચિંતનમાં હોય તે સમય.

હવેલી અને હવેલી સંગીતનો પ્રાદુર્ભાવ:-

અગાઉ જણાવ્યું તેમ અષ્ટછાપીય સંગીત હવેલી સંગીત તરીકે પણ ઓળખાયું. આ હવેલી સંગીત શબ્દ શા માટે આવ્યો તે વિષે પણ જોઈ લઈએ.

શબ્દ મૂળ ફારસી ભાષાનો શબ્દ “હવેલી” નો અર્થ “ભવ્ય અને સુખ સુવિધાથી પૂર્ણ થયેલું નિવાસસ્થાન” તરીકે થાય છે. એક સમય હતો કે ગામમાં રાજાના મહેલ પછી બીજું સ્થાન કોનું તો કહે, નગરના દેવ-દેવીઓનું. આ દેવ -દેવીઓ કોણ ? તો કહે તે પ્રભુના રૂપમાં હોય અથવા તો નગરશેઠ -શ્રેષ્ઠના રૂપમાં. ( મધ્યકાલીન સમયના ગ્રંથો -સાહિત્યોમાં જણાવવામાં આવ્યું છે કે, સામાન્યજનો રાજા હોય કે નગરના એ શ્રેષ્ઠીઓને “પ્રભુ કે દેવ”ને નામે સંબોધતાં ) મધ્યકાલીન સમયના મધ્યભારતમાં રહેતાં આવા શ્રેષ્ઠીઓના નિવાસ સ્થાનને મંદિર અથવા મહાલય કહેવામાં આવતું ત્યાં આર્નત ગુજરાતમાં આવા શ્રેષ્ઠીઓ અને દેવ -દેવીઓના નિવાસસ્થાનને માટે “હવેલી” શબ્દ પ્રસિધ્ધ હતો.

હવેલી વિષે જાણ્યાં પછી હવે “હવેલી સંગીત” વિષે જોઈએ. મુઘલ બાદશાહ ઔરંગઝેબનાં હુમલાઓ પછી વ્રજવાસી સમાજ શ્રીનાથજી બાવા સાથે વ્રજ છોડીને રાજસ્થાન તરફ નીકળ્યાં તે સમયે પુષ્ટિ સંપ્રદાયનાં અન્ય સેવ્ય સ્વરૂપો પણ નીકળ્યાં. આ સેવ્ય સ્વરૂપોએ સમય જોઈએ ગુજરાતની હવેલીઓમાં પ્રવેશ કર્યો ત્યારે સાથે સાથે સંપ્રદાયના સંગીતે પણ કર્યો પણ કોઈપણ ઓળખ વિના. લગભગ ૧૯૬૯ થી ૧૯૭૧ વચ્ચે પુષ્ટિ સંપ્રદાયના આ સંગીતને આકાશવાણી દિલ્લીમાં સ્થાન મળ્યું. તે સમયે આ સંગીતને પ્રસારિત કરવા માટે સંપ્રદાયનું જોર ન પડે તે હેતુથી ડો.ડી.જી વ્યાસજી અને પુષ્ટિમાર્ગીય સંગીતના સર્વાધિક સંગીતકાર શ્રી લક્ષ્મણ પ્રસાદ ચૌબેજી ( મથુરા ) એ પરામર્શ કરી આ “પુષ્ટિમાર્ગીય સંગીતને હવેલી સંગીત” તરીકેનું નવું નામ આપ્યું અને આ નવા નામ સાથે આકાશવાણી પરથી સવારે સાત વાગે પ્રસારિત કરવામાં આવ્યું. આકાશવાણી દ્વારા આ અપાયેલાં નવા નામને શુધ્ધાદ્વૈત પુષ્ટિ સંપ્રદાય દ્વારા સ્વીકારી લેવામાં આવ્યું આમ સૂરદાસજી અને અન્ય કવિઓ દ્વારા રચેલા કિર્તનોને પુષ્ટિમાર્ગીય સંગીત, અષ્ટછાપ સંગીત અને હવેલીસંગીત એમ ત્રણ નામ મળ્યાં અને એ જ નામે રેડિયો આકાશવાણી દ્વારા પ્રસિધ્ધ થયાં.


©૨૦૨૦ પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ । purvimalkan@yahoo.com


સુશ્રી પૂર્વી મોદી મલકાણની નવી શ્રેણી ‘સૂરદાસનાં વ્રજ ભાષાનાં પદોનો આસ્વાદ’ દર મહિને ચોથા સોમવારે પ્રકાશિત થશે.

પદોનો આસ્વાદ કરાવતી વખતે પદને વધારે સારી રીતે સમજાવવા માટે તેઓ શ્રાવ્ય વિવરણ પણ રજૂ કરવાનાં છે જે દરેક અંકમાં એમ્બેડ કરીશું.

-સંપાદક મંડળ , વેબ ગુર્જરી

Author: Web Gurjari

7 thoughts on “સૂરદાસનાં વ્રજ ભાષાનાં પદોનો આસ્વાદ : વ્રજભાષાનાં કવિઓમાં અષ્ટસખામંડળની સ્થાપના

 1. સુરદાસજી નાં પદો, પુષ્ટિમાર્ગ અને હવેલી સંગીત વિશે લેખ બદલ આભાર. હવેલી સંગીત ની મીઠાશ અને તેનાં ગાયકોનું જુદું જ ઘરાણુ કહી શકાય.

 2. જો હવેલી સંગીતના પદો ઓડિયો રૂપમાં મૂકયાં હોત વધુ મજા માણી સકત!!!

  1. માનનીય શ્રી દિનેશભાઈ, આપે જે ઓડિયોરૂપની વાત કરી તે કઈ રીતે કહો છો તે સમજાવશો? પદ ને રાગનાં રૂપમાં કે આખા પદનું વિશ્લેષણ ઓડિયોના રૂપ માં ?

   પૂર્વી

 3. Hun Dinesh Bhai sathe Agree chu.aakha pad ne Audio na roop ma mukva ma avshe to vadhu Anand avshe. Tethi Karine jo vanchi na Shakay to akhu pad sambhali to Shakay.

  1. Aakhu pad tame Gujrati ma samjavsho to maja parshe. Aamey boli e tyare Vistruti male the. Ne tame pushti marg vishe vadhu jano cho, agau Ghana samayiki ma me Tamara lekh vanchya che tethi. Have aa nava vishay mate aa asha che mate plz pura pad no Gujarati bhawarth samjavava vinAnti.

 4. જિગનાબહેન આપને માટે પણ એ જ પ્રશ્ન છે જે શ્રી દિનેશભાઈ માટે છે. કૃપા કરી સવિસ્તર બતાવવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published.