ફિલ્મસંગીતના નકશીકારો : (૧૧) દિલીપ ધોળકીયા

પીયૂષ મ. પંડ્યા

હિન્દી ફિલ્મી સંગીત વિશે વાત કરીએ ત્યારે એક બાબત ખાસ ધ્યાન ખેંચે છે કે સંગીતકારો, સહાયક સંગીતકારો, એરેન્જર્સ કે પછી વાદ્યકારો મહદઅંશે ગોવા, બંગાળ, પંજાબ કે પછી મહારાષ્ટ્રના વિસ્તારોમાંથી આવ્યા હોય છે. એ ક્ષેત્રમાં ગુજરાતી નામો બહુ સાંભળવા નથી મળતાં. હા, સુખદ અપવાદ તરીકે જયકિશન અને કલ્યાણજી-આણંદજી જેવા સંગીત નિર્દેશકો તેમ જ કસબીઓમાં મેન્ડોલીન વાદક કિશોર દેસાઈ તેમ જ (પારસીઓને ગુજરાતી ગણીએ તો) લોર્ડ્સ કુટુંબના સભ્યોનાં નામ ગણાવી શકાય.

આવું જ એક ગુજરાતી નામ છે દિલીપ ધોળકીયાનું. પણ એ ગાયક અને ગુજરાતી સુગમ સંગીતના પુરસ્કર્તા તરીકે એટલી નામના પામ્યા છે કે હિન્દી ફિલ્મી સંગીતના ક્ષેત્રમાં એમના પ્રદાન વિશે ઓછી માહિતી ઉપલબ્ધ છે. હકિકતે એમણે હિન્દી ફિલ્મોના સંગીત ક્ષેત્રે સંગીતકાર, સહાયક સંગીતકાર, એરેન્જર, ગાયક તેમ જ વાદક એમ બધી જ ભૂમિકાઓ નિભાવી છે.

સને ૧૯૨૧ના ઑક્ટોબર મહિનાની પંદરમી તારીખે જૂનાગઢ ખાતે જન્મેલા દિલીપભાઈને સંગીત જાણે કે ગળથૂથીમાં મળ્યું હતું. એમના દાદા સારા ગાયક પિતાજી અચ્છા વાંસળીવાદક હતા. નાની વયથી જ દિલીપભાઈએ ગાયકી અને વાંસળીવાદન શીખવાનું શરૂ કરી દીધું હતું. યુવાવસ્થામાં એમણે સંગીતક્ષેત્રે કારકીર્દિ બનાવવાનું નક્કી કરી લીધું. મુંબઈ જઈને એ માટેની તકો શોધવાનું શરૂ કર્યું અને શાસ્ત્રીય સંગીતની પ્રારંભિક તાલિમ પંડીત પાંડુરંગ આંબેરકર પાસેથી લીધી. એમને સૌપ્રથમ સ્વીકૃતિ મુંબઈના રેડીઓ સ્ટેશન દ્વારા મળી, જે એમની ગાયકીને કારણે હતી. એ અરસામાં એમનો પરિચય સંગીતકાર ખેમચંદ પ્રકાશના ભાઈ રતનલાલ સાથે થયો, જે પોતે પણ સંગીતના ક્ષેત્રે કાર્યરત હતા. એ ઓળખાણને લીધે સને ૧૯૪૪માં ખેમચંદ પ્રકાશના નિર્દેશનમાં ફિલ્મ ‘ભંવરા’ના એક ગીતમાં કુંદનલાલ સાયગલ સાથે કોરસમાં ગાવાની તક દિલીપભાઈને મળી. એ ગીત હતું ‘ઠુકરા રહી હૈ દુનીયા, હમ હૈ કી સો રહે હૈ’.

આ પછી એમને સ્વતંત્ર ગીતો ગાવાની તકો પણ મળી. આમ, ફિલ્મી પાર્શ્વગાયન ઉપરાંત તે નિયમિત ધોરણે રેડીઓ ઉપર પણ ગાતા હતા એટલે તે સમયે HMV (‘હીઝ માસ્ટર્સ વોઈસ’) રેકોર્ડીંગ કંપનીમાં કાર્યરત વાસુદેવ ભાટકર જેવા ગુણીજનનું ધ્યાન દિલીપભાઈ તરફ ખેંચાયું. આ એ જ વાસુદેવ કે જે પોતાની દીકરી સ્નેહલ ભાટકરના નામથી ફિલ્મોમાં સંગીત આપતા હતા. આ પરિચય થકી HMV કંપનીએ દિલીપભાઈના સ્વરમાં ગવાયેલાં બે ગીતો ધરાવતી રેકોર્ડ બહાર પાડી. એ ગીતો હતાં વેણીભાઈ પુરોહિતે લખેલાં ‘આધા તેલ ઔર આધા પાની’ અને ભીંત ફાડીને પીપળો રે ઉગ્યો’.

આમ ગાયક તરીકે એમની કારકિર્દી આગળ વધી રહી હતી એવામાં દિલીપભાઈને એક અમૂલ્ય તક સને ૧૯૫૦માં મળી. સંગીતકાર અજિત મરચન્ટ ગુજરાતી ફિલ્મ ‘દિવાદાંડી’નાં ગીતો તૈયાર કરી રહ્યા હતા. એ પૈકીનું એક ગીત પાર્શ્વગાયક મુકેશના અવાજમાં રેકોર્ડ કરવાનું હતું. પણ બન્યું એવું કે એ દિલીપભાઈને ફાળે ગયું. એ સાથે જ ઈતિહાસ સર્જાઈ ગયો એમ કહીએ તો ખોટું નથી. એ ગીત હતું વેણીભાઈ પુરોહિતનું લખેલું ‘તારી આંખનો અફીણી’. આજે ૭૧ વરસ પછી પણ એ ગીત તરોતાજા રહ્યું છે. વિવિધ ગાયકોએ કરેલી તેની અવદશા છતાં તે વિવિધ સ્વરૂપે અત્યારની યુવા પેઢીમાં ખાસ્સું પ્રિય છે. એવા ઘણા લોકો છે કે જે દિલીપભાઈને અને આ ગીતને એકબીજાના પર્યાય તરીકે ઓળખાવે છે.

સંગીતકાર ચિત્રગુપ્તના નિર્દેશનમાં દિલીપભાઈએ એક અનન્ય રેકોર્ડીંગ કરાવ્યું. ફિલ્મ ‘સાક્ષી ગોપાલ’ (૧૯૫૭)ના આ ગીતની વિશિષ્ટતા એ છે કે એમાં એકદમ ઉડીને કાને પડતું વાંસળીવાદન ખુદ એમનું જ છે! ગાયક પોતે હાર્મોનિયમ સિવાયનું કોઈ વાદ્ય વગાડે એવી ઘટના ભાગ્યે જ બની હશે. એમણે આ ફિલ્મ માટે સંગીતકાર ચિત્રગુપ્તના સહાયક અને ગીતોના રેકોર્ડીંગ દરમિયાન એરેન્જર તરીકેની ભૂમિકા પણ ભજવી હતી. આમ, ગાયક, વાદક, એરેન્જર તેમ જ સહાયક સંગીતકાર એક જ વ્યક્તિ હોય એવું ઉદાહરણ જૂજ હશે.. એ ગીત હતું ‘રૂનઝૂન બજે પૈંજની રે’.

દિલીપભાઈની ઓળખમાં એમની ગાયકી ખાસ્સી પ્રભાવક બની રહી છે. પણ એમનું સંગીતક્ષેત્રે સારું એવું પ્રદાન છે. એમનાં ગાયેલાં ગીતો એક અલગ લેખનો વિષય બને છે એથી આ લેખમાં એનો ઉલ્લેખ ટાળીએ. અહીં એમનાં અન્ય પાસાં ઉજાગર કરવાનો ઉપક્રમ છે. પહેલાં તો એમને એક સંગીતનિયોજક સ્વરૂપે જાણીએ. એમણે કેટલીક હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. જો કે એમને મોટાં બેનર્સની ફિલ્મો મળી નહીં. ‘ભક્તિમહિમા’ (૧૯૬૦), ‘તીન ઉસ્તાદ’, ‘સૌગંધ’ (૧૯૬૧) અને ‘બગદાદ કી રાતેં (૧૯૬૨) જેવી બી કે સી ગ્રેડની ફિલ્મોમાં સંગીત આપ્યા પછી એમને ૧૯૬૨માં અશોકકુમાર જેવા દિગ્ગજ અદાકારની ફિલ્મ ‘પ્રાઈવેટ સેક્રેટરી’માં તક મળી. એ ફિલ્મનું મન્ના ડેના સ્વરમાં ગવાયેલું અને અશોકકુમાર ઉપર ફિલ્માવાયેલું એક ગીત ‘જા રે બેઈમાન તુઝે જાન લીયા’ તો આજે પણ ખાસ્સું લોકપ્રિય છે. એ સિવાય દિલીપભાઈના નિર્દેશનમાં લતા મંગેશકર, આશા ભોંસલે, ગીતા દત્ત, દક્ષિણ ભારતિય ગાયિકા એસ. જાનકી, શમશાદ બેગમ, તલત મહમૂદ મુકેશ અને મહંમદ રફી જેવાં ગાયકોએ ગાયું છે. બધું મળીને કુલ સાત હિન્‍દી ફિલ્મો તેમણે સંગીત નિર્દેશક તરીકે કરી.

(‘વીર ઘટોત્કચ’માં દિલીપ રાયના નામે સંગીત)

જો કે દિલીપભાઈને હિન્દી ફિલ્મોમાં સંગીતનિર્દેશક તરીકે બહુ તકો ન મળી. એમણે ‘સત્યવાન સાવિત્રી’ (૧૯૬૩), ‘મોટા ઘરની દીકરી’ (૧૯૬૪), ‘કંકુ’ (૧૯૬૮), ‘મેના ગુર્જરી’ (૧૯૭૫), ‘ડાકુરાણી ગંગા’ વગેરે જેવી અગિયારેક ગુજરાતી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું.

(‘મેના ગુર્જરી’ના સંગીતકાર)

સંગીતનિર્દેશક તરીકે ક્ષમતા મુજબની સફળતા ન મળી, પણ દિલીપભાઈએ સહાયક સંગીતકાર તરીકે કામ ચાલુ રાખ્યું. સને ૧૯૫૧થી ૧૯૭૨ દરમિયાન એમણે ચિત્રગુપ્તના સહાયક તરીકે અને એરેન્જર તરીકે ‘સાક્ષી ગોપાલ’ (૧૯૫૭), ‘નયા સંસાર’ (૧૯૫૯), ‘ગંગા કી લહરેં’ (૧૯૬૪), મૈં ભી લડકી હૂં’ (૧૯૬૪) અને ‘પ્યાર કા સપના’ (૧૯૬૯) જેવી ફિલ્મો કરી. એમના ઝીણવટભર્યા પ્રદાનથી ચિત્રગુપ્ત ખુબ જ પ્રભાવિત હતા. ફિલ્મ ‘મૈં ભી લડકી હૂં’ના એક ગીતનું વાદ્યવૃંદ ધ્યાનથી સાંભળતાં ખ્યાલ આવે છે કે એક એરેન્જર તરીકે એમણે યોગ્ય મકામ ઉપર યોગ્ય વાદ્યને કેવી સીફતથી ઉપસાવ્યું છે.

આ ફિલ્મની શ્રેયયાદીમાં દિલીપભાઈનો ઉલ્લેખ ડી, દિલીપ તરીકે કરવામાં આવેલો જોઈ શકાય છે.

એસ.એન.ત્રિપાઠીના સહાયક તરીકે પણ તેમણે કામ કર્યું.

ચિત્રગુપ્તની સાથે એમણે દક્ષિણ ભારતની કેટલીક ફિલ્મો માટે સંગીત તૈયાર કરવામાં પણ પ્રદાન કર્યું. પ્રસ્તુત છબીમાં દક્ષિણ ભારતના કોઈ સ્થળે ચિત્રગુપ્ત, લતા મંગેશકર અને અન્ય સાથીદારો સાથે દિલીપભાઈ દ્રશ્યમાન થાય છે.

ચિત્રગુપ્ત (ડાબે), લતા મંગેશકર(મધ્યમાં) અને અન્ય સાથીદારો સાથે દિલીપભાઈ જમણી બાજુએ

આગળ વધતાં લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથે પણ સને ૧૯૭૨થી ૧૯૮૮ સુધી ‘આન મીલો સજના’ (૧૯૭૨), ‘મેરા ગાંવ મેરા દેસ’ (૧૯૭૨), ‘નયા દિન નયી રાત’ (૧૯૭૪), ‘સરગમ’ (૧૯૭૯), ‘ચુનૌતી’ (૧૯૮૦), ‘તીસરી આંખ’ (૧૯૮૨) અને ‘જાનુ’ (૧૯૮૫) જેવી ફિલ્મો માટે સહાયક સંગીતકાર અને એરેન્જર તરીકે કામ કર્યું. એ ફિલ્મો પૈકીનાં બે ગીતો સાંભળીએ, જેની એરેન્જમેન્ટ બહુ વખણાતી આવી છે. એક તો ફિલ્મ ‘મેરા ગાંવ મેરા દેસ’ (૧૯૭૨)નું ગીત ‘માર દિયા જાય’ અને બીજું ફિલ્મ ‘સરગમ’ (૧૯૭૯)નું ‘ડફલીવાલે ડફલી બજા’. જે તે જગ્યાએ દિલીપભાઈની સીધી જ નિગેહબાની હેઠળ વાગી રહેલા વાદ્યવૃંદને સાંભળવું એ એક લ્હાવો છે.

નીચે ફિલ્મ ‘સરગમ’ની શ્રેયયાદીમાં દિલીપભાઈનું નામ જોઈ શકાય છે

સને ૧૯૭૧ આસપાસ દિલીપભાઈનો સંપર્ક હૃદયનાથ મંગેશકર સાથે થયો. એ ગાલીબની કેટલીક ગઝલોને સ્વરબધ્ધ કરીને એનું રેકોર્ડીંગ કરવા તૈયારી કરી રહ્યા હતા. આ કાર્યમાં એમણે સહાયકની જવાબદારી દિલીપભાઈને સોંપી. આ આલ્બમ સને ૧૯૭૩માં બહાર પડ્યું અને ખુબ લોકપ્રિય બની રહ્યું. એ પૈકીની બે રચનાઓ સાંભળીએ.

એની સફળતાથી પ્રેરાઈને હૃદયનાથે મીરાંબાઈનાં ભજનોની રેકોર્ડ માટે તૈયારી શરૂ કરી અને વધુ એકવાર સહાયક તરીકે દિલીપભાઈને કરારબદ્ધ કર્યા. એ રેકોર્ડ પણ ખુબ જ લોકપ્રિય બની હતી. એ પૈકીનું એક ભજન પ્રસ્તુત છે.

તે પછી હૃદયનાથે દિલીપભાઈનો સાથ લઈને ભગવદ્ ગીતા તેમ જ જ્ઞાનેશ્વરી ગીતાની રેકોર્ડ્સ પણ તૈયાર કરી હતી. મુંબઈનાં વ્યવસાયિક વર્તૂળોમાં તે ડી.દિલીપ અને દિલીપ રોયના નામે ઓળખાતા હતા.

મુંબઈમાં અને એ પણ મહદ્અંશે હિન્દી ફિલ્મી વર્તૂળોમાં પ્રવૃત્ત રહેવા છતાં દિલીપભાઈએ ગુજરાતી ફિલ્મોમાં તો સંગીત આપ્યું જ, સાથે સાથે એમણે ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રે પણ પ્રદાન કર્યું છે. એમનું સ્વરાંકિત કરેલું એક અવિસ્મરણીય ગીત સાંભળીએ. હરિન્દ્ર દવેના શબ્દોને લતા મંગેશકરે સ્વર આપ્યો છે.

દિલીપભાઈએ પોતાના જીવનનાં અંતિમ વર્ષો વ્યવસાયિક નિવૃત્તિ સ્વીકારી, અમદાવાદમાં વિતાવ્યાં. વચ્ચે ‘સરસ્વતીચંદ્ર’ નામક ટેલીવિઝન શ્રેણીનું સંગીત તૈયાર કરી આપ્યું. અલબત્ત, અન્યથા નિવૃત્ત એવા દિલીપભાઈ એ સમયગાળા દરમિયાન પણ ખાસ્સા વ્યસ્ત રહ્યા. અમદાવાદમાં યોજાતા સુગમ સંગીતના અને ચુનંદાં ફિલ્મી ગીતોના કાર્યક્રમોમાં પહેલી હરોળમાં બિરાજેલા દિલીપભાઈ અચૂક જોવા મળતા. નોંધનીય છે કે એ છેવટ સુધી કાર્યક્રમ માણી, કલાકારોને તેમ જ આયોજકોને બિરદાવી અને પછી જ વિદાય લેતા. ૮૦ વરસથી પણ વધુ ઉમર અને રુપેરી કેશ થકી સ્થાનિક વર્તૂળોમાં એ દિલીપકાકા તરીકે જાણીતા હતા.

તેમના નાના પુત્ર રજત ધોળકીયાએ સંગીતકાર તરીકેનો પિતાનો વારસો આગળ ધપાવ્યો છે.

જૈફ વયે અસલી રંગમાં દિલીપકાકા

તારીખ ૩૦ ડીસેમ્બર ૨૦૧૦ના રોજ મુંબઈમાં આયોજિત એક સમારંભમાં દિલીપભાઈને અને અજિત મરચન્ટને ભારતિય વિદ્યાભવનનું મુનશી સન્માન અર્પણ કરવાનું હતું. એ માટે મુંબઈ ગયેલા દિલીપભાઈની તબિયત ત્યાં એવી લથડી કે એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. હાથે અને નાકમાં ટ્યુબ્સ નાખેલી હોવા છતાં એ સમારંભની આગલી સાંજે એમણે હોસ્પિટલની પથારીએથી શુભેચ્છા સંદેશાનું વીડિઓ રેકોર્ડીંગ કરાવ્યું.

હોસ્પિટલની એ પથારીએથી દિલીપકાકા બેઠા ન થયા. સને ૨૦૧૧ના જાન્યુઆરી મહિનાની બીજી તારીખે એમણે આખરી શ્વાસ લીધો. આજે એમની વિદાયને દસ વરસ પૂરાં થઈ ગયાં છે પણ એમની યાદો સંગીતપ્રેમીઓના હૃદયમાં અકબંધ છે.

થોડું અલંકારિક સમાપન કરવું હોય તો કહી શકાય કે ‘તારી આંખ નો અફીણી’ ગીત સાથે એના શબ્દકાર વેણીભાઈ પુરોહિત, સ્વરનિયોજક અજિત મરચન્ટ અને ગાયક દિલીપ ધોળકીયાનાં નામો શાશ્વત કાળ સુધી ટકી રહેવાનાં છે.


નોંધ……      

તસવીરો અને માહિતી નેટ ઉપરથી સાભાર.

વીડિઓ ક્લીપ્સ એનો વ્યવસાયીક ઉપયોગ નહીં થાય એની બાહેંધરી સહ યુ ટ્યુબ ઉપરથી સાભાર.

મૂલ્યવર્ધન…. બીરેન કોઠારી.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

3 thoughts on “ફિલ્મસંગીતના નકશીકારો : (૧૧) દિલીપ ધોળકીયા

  1. …………

    पीयुषभाई पंडयाए महेनत करी दीलीपभाई धोळकीया, डी. दीलीप, दक्षीणभारतना स्थळ साथेनी छबी, छेवटे मार दीया, रजकण अने जैफ वये असली रगमां काका….
    खरेखर पीयुषभाईए असली जणांवेल छे.

    छेल्ले नोंध …….. वाह वाह !!!!!

    …………

Leave a Reply

Your email address will not be published.