બાળવાર્તાઓ : ૨૪ – ટેણુ અને હંસ

પુષ્પા અંતાણી

વાંદરાનું એક નાનકડું બચ્ચું હતું. એનું નામ ટેણુ. ટેણુનું આ દુનિયામાં કોઈ નહોતું. એ ખૂબ ભલું હતું. બધાંનાં કામ કરી આપે. બધા દોસ્તોને ફળ તોડી આપે. તેથી એ બધાંને બહુ વહાલું લાગતું હતું. એના ઘણા દોસ્તો હતા. એ રહેતું હતું એ જ ઝાડ પર એક વાંદરો અને વાંદરી રહેતાં હતાં. એ બંને બહુ ઝઘડાખોર હતાં. આળસુ પણ હતાં. એમને પોતાના માટે ખાવાનું લેવા જવાની પણ આળસ આવે. ટેણુ એમને પણ ફળો લાવી આપતો.

        ટેણુ સવાર આખી કામ કરે, સાંજે તળાવકિનારે ફરવા જાય. એને તળાવના સામા કિનારે જવાનું બહુ મન થતું, પણ એને તરતાં આવડતું નહોતું. એથી દુ:ખી થઈને બેસી રહેતું. એ તળાવમાં એક હંસ રહેતો હતો. એ દરરોજ ટેણુને જુએ. એને ટેણુ બહુ ગમતું હતું. એક દિવસ હંસ ટેણુ પાસે આવ્યો. એણે એને પૂછ્યું:

        “તું દરરોજ અહીં બેસીને શું વિચારે છે?”

        ટેણુ કહે: “મારે એકવાર આ તળાવના પાણીમાં થઈને સામે કિનારે જવાનું બહુ મન છે, પણ મને તરતાં આવડતું નથી. હું કેમ જાઉં?”

હંસે કહ્યું: “બસ, આટલી જ વાત છે? ચાલ, બેસી જા મારા ઉપર. હું તને સામા કિનારે લઈ જઈશ અને પાછું અહીં લઈ આવીશ.”

        ટેણુ તો કૂદકો લાગાવીને હંસ ઉપર બેસી ચઢી બેઠું. હંસ સ..ર.ર..ર.. કરતો પાણીમાં તરવા લાગ્યો. જોતજોતામાં સામા કાંઠે પહોંચી ગયાં. ટેણુના આનંદનો પાર ન રહ્યો. હંસ ફરી એને આ બાજુના કિનારે લઈ આવ્યો.

        ટેણુએ કહ્યું: “હું તારો ઉપકાર ક્યારેય ભૂલીશ નહીં.”

        ટેણુ ખુશ થતું ઘેર ગયું. એ બીજા દિવસે હંસ માટે ઘણાંબધાં ફળ લાવ્યું. હંસ પણ એની રાહ જોતો હતો. ટેણુએ હંસને ફળ આપ્યાં. આટલાં બધાં ફળ જોઈને હંસ આશ્ર્ચર્યમાં પડી ગયો.

        ટેણુએ કહ્યું: “આ બધાં ફળ તારા માટે જ છે. તારે ઘેર લઈ જજે. કાલે મને તળાવમાં ફરવાની બહુ મજા આવી હતી.”

હંસે કહ્યું: “કેમ, આજે તળાવમાં ફરવું નથી?”

ટેણુએ પૂછ્યું: “તું આજે પણ મને લઈ જશે?”

હંસે જવાબ આપ્યો: “કેમ નહીં? ચાલ, બેસી જા મારી પીઠ ઉપર.”

 પછી તો ટેણુ રોજ હંસ ઉપર બેસીને તળાવમાં ફરવા લાગ્યું.

એ દરરોજ હંસ માટે ફળ લાવતો, તેથી પેલાં વાંદરા અને વાંદરીને ફળ ઓછાં મળવા લાગ્યાં. આજકાલ ટેણુ ફળ કેમ ઓછાં લાવે છે તે જાણવા વાંદરા-વાંદરીએ બીજા દિવસે એનો પીછો કર્યો. બંને તળાવથી થોડે દૂર એક ઝાડ પાછળ સંતાઈ ગયાં. જોયું તો ટેણુ હંસની પીઠ ઉપર બેઠો અને બંને તળાવમાં ફરવા ગયાં. વાંદરો અને વાંદરી વિચારવા લાગ્યાં કે હવે શું કરવું. ટેણુ પાછું તો આવશેને? થોડી વાર રાહ જોઈએ.

થોડી વાર પછી ટેણુ અને હંસ પાછાં આવ્યાં. પછી બંને એક ઝાડ નીચે બેઠાં અને અલકમલકની વાતો કરવા લાગ્યાં. ટેણુએ હંસને ફળ આપ્યાં. ફળ લઈને હંસ તળાવમાં ચાલ્યો ગયો. ટેણુ પોતાના ઘર બાજુ ગયું.

વાંદરાએ વાંદરીને કહ્યું: “તો આમ વાત છે! આજકાલ આપણા ભાગનાં ફળ હંસને મળે છે!”

વાંદરી વિચારમાં બેસી રહી. થોડી વાર પછી બોલી:

“મને એક યુક્તિ સૂઝી છે.”

“શું?”

વાંદરીએ પોતાની યુક્તિ વાંદરાને કહી. વાંદરો રાજી થઈ ગયો.

બીજા દિવસે ટેણુ તળાવના કિનારે આવ્યું. હંસ તૈયાર જ હતો. બંને તળાવમાં ફરવા નીકળ્યાં. થોડી વાર પછી પાછાં આવ્યાં. રોજના નિયમ પ્રમાણે હંસ ઝાડ નીચે આવ્યો. ટેણુ ફળ લઈને એની પાછળ આવી રહ્યું હતું ત્યાં જ હંસની ચીસ સંભળાઈ:

“ટેણુ, અહીં કોઈએ જાળ પાથરી છે. હું જાળમાં ફસાઈ ગયો છું… હવે શું થશે?”

ટેણુ દોડતું નજીક આવે એ પહેલાં જાળ ઉપર ખેંચાઈ. ટેણુએ ઉપર જોયું તો વાંદરો-વાંદરી જાળ ખેંચી રહ્યાં હતાં. એ બંને મોટે મોટેથી હસતાં હતાં. ટેણુ કંઈ પૂછે તે પહેલાં બંને હંસને લઈને કૂદકા મારતાં ભાગી ગયાં. હંસ ચીસો પાડતો હતો. એકાએક આવું બન્યું તેથી ટેણુ હેબતાઈ ગયું હતું, છતાં એ એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદકા મારતું વાંદરા-વાંદરીનો પીછો કરવા લાગ્યું. પણ એ બંને ખૂબ દૂર નીકળી ગયાં હતાં. તેઓ હંસને લઈને ક્યાં ગયાં એની ટેણુને ખબર પડી નહીં.

આ બાજુ વાંદરા-વાંદરીએ હંસને દૂર આવેલા એક મોટા ઝાડની બખોલમાં સંતાડી દીધો. એમણે વિચાર્યું  કે હંસ બખોલમાં ભૂખ ને તરસથી મરી જશે.

ટેણુ શોધી શોધીને થાક્યું, પણ હંસ મળ્યો નહીં. છેવટે રાત પડી ત્યારે એ ઘેર આવ્યું. એને જરા પણ ચેન પડતું નહોતું. એણે જોયું કે વાંદરો-વાંદરી ઝાડ પર નહોતાં. એ વિચારવા લાગ્યું, મારા દોસ્તને ક્યાં લઈ ગયાં હશે. સવાર પડતાં જ એ ફરી હંસને શોધવા નીકળી પડ્યું. હંસને શોધતાં શોધતાં એ ખાસું દૂર નીકળી આવ્યું.

 બહુ શોધ કરી, છતાં હંસ મળ્યો નહીં. છેવટે નિરાશ થઈને એ એક ઝાડ પર થાક ખાવા બેઠું. એવામાં એણે કોઈનો ઝીણીઝીણી ચીસો જેવો અવાજ સાંભળ્યો. ટેણુ જે દિશામાંથી અવાજ આવતો હતો તે તરફ ગયું. જોયું તો ઝાડની બખોલમાં હંસ કણસતો હતો. એ હજી પણ જાળમાં બંધાયેલો હતો. ટેણુને જોઈને હંસ રડવા લાગ્યો.

ટેણુએ કહ્યું: “તું જરાય ગભરાઈશ નહીં. હું હમણાં જ તને છોડાવું છું.”

ટેણુ ઝડપભેર દોડતું દોડતું એના ભાઈબંધ ખોલુ ઉંદર પાસે પહોંચ્યું. એણે ખોલુને બધી વાત કરી અને મદદ કરવા કહ્યું. ખોલુ તરત દોડ્યો. થોડી વારમાં ઉંદરની આખી ફોજને લઈ આવ્યો. ટેણુ એમને પેલી બખોલ પાસે લઈ ગયું. ઉંદરો બખોલમાં ગયા. ત્યાં એમણે જાળમાં બંધાયેલા હંસને જોયો. ખોલુ ઉંદર બોલ્યો, “માંડો જાળ કાપવા.” બધા ઉંદર દાંતથી કટ… કટ કરતા જાળ કાપવા લાગ્યા. થોડી વારમાં જાળ કપાઈ ગઈ અને હંસ બહાર આવ્યો. એ ખૂબ ગભરાઈ ગયો હતો.

ટેણુએ કહ્યું: “આપણે હંસને તો બચાવી લીધો, પણ મારે વાંદરા-વાંદરીને પાઠ ભણાવવો છે.”

ખોલુ કહે: “મને લાગે છે કે એ બંને હંસની તપાસ કરવા અહીં પાછાં આવશે જ.”

ટેણુ કહે: “આપણે એક કામ કરીએ, બધા ઉંદરો બખોલમાં સંતાઈ જાઓ. વાંદરો-વાંદરી જેવાં બખોલ પાસે આવે કે તરત એમના પર એકસાથે તૂટી પડજો.”

ઉંદરો બખોલમાં ચાલ્યા ગયા. ટેણુ અને હંસ ઝાડ પાછળ સંતાઈ ગયાં. ખોલુની વાત સાચી પડી. થોડી વાર પછી વાંદરો અને વાંદરી આવ્યાં. તેઓ હંસને જોવા માટે જેવાં બખોલ પાસે ગયાં તે સાથે જ બધા ઉંદરો એમના પર તૂટી પડ્યા અને કરડવા લાગ્યા. ઓચિંતા થયેલા હુમલાથી બંને ખૂબ ગભરાઈ ગયાં અને પીડાથી ચીસો પાડવા લાગ્યાં. ત્યાં ટેણુ અને હંસ ઝાડ પાછળથી બહાર નીકળી સામે આવ્યાં. વાંદરો અને વાંદરી બધું સમજી ગયાં અને હાથ જોડીને માફી માગવા લાગ્યાં.

ટેણુએ કહ્યું: “તમે જે કર્યું એ માફ કરી શકાય એમ નથી, પણ જો તમે આ જંગલ છોડીને ચાલ્યાં જાઓ તો જ અમે તમને માફ કરીએ.”

 વાંદરા અને વાંદરીને થયું કે હવે બચવાનો બીજો કોઈ ઉપાય જ નથી. તેથી જરા પણ વિલંબ કર્યા વગર બંને ત્યાંથી નાસી ગયાં. ટેણુ અને હંસે ખોલુ અને બધા ઉંદરોનો આભાર માન્યો. સૌ ખુશ થતાં પોતપોતાના ઘેર ગયાં.

Author: Web Gurjari

1 thought on “બાળવાર્તાઓ : ૨૪ – ટેણુ અને હંસ

Leave a Reply

Your email address will not be published.