ફિર દેખો યારોં : હીરોશિમા અને નાગાસાકીનાં મકાનોને ગાયનાં છાણ વડે લીંપ્યા હોત તો…

બીરેન કોઠારી

ભોપાલમાં 1984માં બનેલી ગેસ લીકની દુર્ઘટનામાં વીસ હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયેલાં. છતાં તેમાં અમુક લોકોનો બચાવ થયો હતો. શાથી ? ભારતનાં અને રશિયાનાં અણુ ઉર્જાકેન્‍દ્રોને રેડિયેશનથી બચાવવા શો ઉપાય કરવામાં આવે છે? આ બન્ને સવાલનો જવાબ એક જેવો છે. ભોપાલમાં જે લોકો પોતાનાં મકાનોમાં બંધ હતાં અને જેમનાં મકાન પર ગાયનાં છાણાં થાપવામાં આવેલાં એ લોકોનો બચાવ થયેલો. ભારત અને રશિયાનાં અણુ ઉર્જાકેન્‍દ્રોને રેડિયેશનથી બચાવવા માટે તેની પર ગાયના છાણનું આવરણ લગાવવામાં આવે છે. આનું કારણ એ કે ગાયના છાણમાં એન્‍ટિસેપ્ટિક (સડાપ્રતિરોધી), એન્‍ટિરેડિયોએક્ટિવ (કિરણોત્સર્ગપ્રતિરોધી) અને એન્‍ટિથર્મલ (ઉષ્ણતાપ્રતિરોધી) ગુણધર્મો હોય છે. ગાયના દૂધનો રંગ એકદમ સફેદને બદલે આછો પીળાશ પડતો શાથી હોય છે? કારણ કે, તેમાં સુવર્ણનો અંશ હોય છે.

આ જવાબ વાંચીને આશ્ચર્ય થાય, રમૂજ થાય કે આઘાત લાગે, પણ તે અપાયા છે પૂરેપૂરા ગંભીરતાથી. આ અને ગાયને લગતી જાણકારીના બીજા અનેક સવાલ એ ઑનલાઈન પરીક્ષામાં પૂછાશે. કુલ 75 ગુણના પેપરમાંના દરેક સવાલ વૈકલ્પિક જવાબ સાથે એક કલાકમાં લખવાના રહેશે. બાર ભાષાઓમાંથી કોઈ પણ એકમાં પરીક્ષા આપી શકાશે. પ્રાથમિક (આઠમા ધોરણ સુધી), માધ્યમિક (નવમાથી બારમા ધોરણ સુધી), કૉલેજ (બારમા પછી), ભારતીય નાગરિક અને આંતરરાષ્ટ્રીય અથવા તો બિનનિવાસી ભારતીયો માટે- એમ કુલ પાંચ શ્રેણીના પરીક્ષાર્થીઓ હશે.

આગામી ફેબ્રુઆરીમાં ‘કામધેનુ જ્ઞાનવિજ્ઞાન પ્રચાર પ્રસાર પરીક્ષા’ નામની  આ પરીક્ષા યોજાવાની છે રાષ્ટ્રીય કામધેનુ આયોગ (આર.કે.એ.) ના ઉપક્રમે. 2019-20ના બજેટમાં આ આયોગની રચનાની જોગવાઈ કરવામાં આવી હતી. દેશી નસલની ગાયોના સંવર્ધન, સાતત્યપૂર્ણ વિકાસ અને આનુવંશિક સુધારણાના મુખ્ય હેતુ સાથે આ આયોગ રાષ્ટ્રીય ગોકુલ મિશનના ભાગ તરીકે કાર્યરત રહેશે. આ પરીક્ષા માટે જે કોર્સસામગ્રી તૈયાર કરવામાં આવી છે તેમાં ભારતીય ગાયનાં ગુણગાન ગાવામાં આવ્યાં છે. લેખના આરંભે અપાયેલી માહિતી પણ આ કોર્સમાં સામેલ છે.

પાલતૂ પશુઓની વસતિગણતરીના 2012ના આંકડા અનુસાર આપણા દેશમાં 1910 લાખ ગાયો 1087 લાખ ભેંસો હતાં, જેમાં ગાયની 43 અને ભેંસની 16 ઓલાદનો સમાવેશ થાય છે. દૂધના ઉત્પાદનમાં ભારત વિશ્વભરમાં અગ્રક્રમ ધરાવે છે અને 2017-18ના વર્ષમાં કુલ 176.35 એમ.એમ.ટી. (મિલિયન મેટ્રિક ટન) દૂધનું ઉત્પાદન થયું હતું. ગ્રામ્ય અર્થવ્યવસ્થામાં પશુપાલનની પ્રચંડ ક્ષમતાને ધ્યાનમાં રાખીને આ ક્ષેત્રને સુવ્યવસ્થિત કરવા માટે આર.કે.એ.ની રચના કરવામાં આવી હતી.

એ હકીકત છે કે આપણી સંસ્કૃતિમાં ગાયનું માહત્મ્ય આદિકાળથી રહેલું છે. સાથે એ વાસ્તવિકતાને નકારી શકાય નહીં કે વર્તમાન સમયમાં, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ગાયોની ભયાનક અવદશા થયેલી જોવા મળે છે. રસ્તે રઝળતી, રસ્તાની વચ્ચોવચ્ચ બેઠેલી, કચરાપેટીની આસપાસ પોતાનો ખોરાક શોધતી, પ્લાસ્ટિકની કોથળીઓ ખાતી અને સરવાળે રાહદારીઓ તેમ જ વાહનચાલકોને અડચણરૂપ લાગતી ગાયનાં દૃશ્યો સાવ સામાન્ય છે. આ ગાયો કંઈ આસમાનમાંથી ટપકતી નથી. ટેક્નોલોજીના વર્તમાન યુગમાં વ્યક્તિના ફોન પરથી તેનું સ્થાન ગણતરીની મિનીટોમાં શોધી શકાય છે, પણ રસ્તે રખડતી ગાયના માલિકની ભાળ મેળવી શકાતી નથી. કહેવાનો મતલબ એમ નથી કે ગાયો કશા કામની નથી. મુખ્ય વાત ગાયોની અવદશાની છે. એ માટે જવાબદાર તેના માલિકથી લઈને સત્તાતંત્ર સુધીના સહુ કોઈ છે.

પ્રાચીન કાળમાં ખેતી આધારિત જીવન હોવાથી ગાયો જીવનનો એક હિસ્સો હતી. આજે તેનો ખપ રાજકારણ પૂરતો રહી ગયો છે. હિન્‍દુઓ ગાયને પવિત્ર પ્રાણી માને છે, પરિણામે હિન્‍દુકેન્‍દ્રી રાજનીતિમાં ગાયનું સ્થાન એક મહોરા જેવું બની ગયું છે. ગાયને ચરવા માટેની ગોચર તરીકે ઓળખાતી ગામની પડતર જમીન સાવ નજીવી કિંમતે ઉદ્યોગગૃહોને પધરાવી દેતાં રાજકારણીઓને ખચકાટ થતો નથી. અને પછી તેઓ ગાયને બચાવવા માટે અભયારણ્ય બનાવવા નીકળી પડે છે. મધ્ય પ્રદેશના આગર માળવા જિલ્લાના સાલરિયા ગામમાં ગૌ અભયારણ્ય કાર્યરત છે. મધ્ય પ્રદેશમાં ગાય માટેનો વેરો ઝીંકવા માટેની વિચારણા થઈ રહી છે અને દેશની સૌ પ્રથમ ‘ગૌ કેબિનેટ’ પણ મધ્ય પ્રદેશમાં રચાઈ છે. ઝનૂની ગૌરક્ષકોની આખેઆખી પ્રજાતિ અસ્તિત્ત્વમાં આવી છે. ‘આર.કે.એ.’ ગાય અંગેના કાયદા અને નીતિઓમાં જરૂરી બદલાવ અંગે અભ્યાસ અને રજૂઆત કરશે. 

ગાયને આપણે માતા સમાન માનીએ છીએ એ વાત શાળાના નિબંધમાં જ રહી ગઈ છે. ‘કામધેનુ જ્ઞાનવિજ્ઞાન પ્રચાર પ્રસાર’ના કાર્યક્રમ અંતર્ગત સંસ્કૃતિના મિથ્યાભિમાન અને મિથ્યાગૌરવ ઉપરાંત પોતાની વ્યાખ્યા અનુસારના રાષ્ટ્રપ્રેમને જ પ્રોત્સાહન અપાઈ રહ્યું હોય એવું સ્પષ્ટપણે જણાય છે. આ અંગેની કોર્સસામગ્રીમાં અપાયેલી વિગતોમાં દેશી નસલની ગાયના ગુણને વિદેશી નસલની ગાયના અવગુણ સાથે સરખાવીને દેશી ગાયને ચડિયાતી બતાવવાના પ્રયત્નો ગંભીરતાથી કરવામાં આવ્યા છે. દરેકને પોતાની માતા શ્રેષ્ઠ લાગે એ સ્વાભાવિક છે, પણ એનો અર્થ એવો નથી કે અન્યોની માતા ઉતરતી છે. આયોજનબદ્ધ રીતે અને સરકારી રાહે આમ કરાઈ રહ્યું છે એ તેના હેતુની ગંભીરતાને બદલે કંઈક બીજી જ છાપ ઊપસાવે છે.

નિગમ અને આયોગનો ઉપયોગ મોટે ભાગે પોતાની પ્રિય વ્યક્તિઓને ખુરશી આપીને રાજી કરવાથી વિશેષ નથી. આથી આ ‘ધરમની ગાયના દાંત’ કોઈ ગણતું નથી. કામધેનુ આયોગનો ઉપક્રમ ગાયને દોહીને કૂતરીને પાવાનો બની રહેશે કે કેમ, એ તો સમય કહેશે. દરમિયાન, ગાયમાતા પર અતિશય પ્રેમ દાખવીને ઉત્તરાયણના દિવસે તેમને ઘૂઘરી ખવડાવી ખવડાવીને મરણતોલ બનાવી દેનારા ‘પુત્રો’ વર્ષના બાકીના દિવસોએ પણ એવો જ પ્રેમ દાખવે એ અપેક્ષિત છે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૪-૦૧–૨૦૨૧ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.