શબ્દસંગ : સંવેદનાત્મક સમાજદર્શન-પુરુષાર્થની કથા

(પગમેં ભમરી –પાંચમું ચરણ )

નિરુપમ છાયા

               સર્જનાત્મક સાહિત્યકૃતિઓના અનેક પ્રકાર છે. કેટલુંક સાહિત્ય પ્રભાવી હોવા છતાં સર્જનાત્મકતાની   કસોટીની  એરણે એ ખરું ન ઊતરે પણ સમગ્રપણે એક ભિન્ન દૃષ્ટિએ, સૂક્ષ્મ રીતે એમાં આપણે  સર્જનાત્મકતા અનુભવી શકીએ. મૂળ વતની કચ્છના પણ પગમાં ભમરી હોય તેમ સતત પરિભ્રમણ કરતા રહીને ભારતના બની ગયેલા છે એવા ‘અધા’નાં હૃદયસભર લોકસંબોધનથી ખ્યાત શ્રી લીલાધર માણેક ગડાએ  સમાજકાર્ય માટે ભ્રમણ કરતાં સંવેદનાત્મક દૃશ્યો, વાતો જે  એમનાં હૃદયમાં સ્થિર થયાં એની કથાની શ્રેણીમાં અગાઉ પ્રસિદ્ધ થયેલ ચાર અનોખાં પુસ્તક પછી ‘પગમેં ભમરી-પાંચમું ચરણ’ પણ એવી જ કથાઓ લઈને આવ્યું છે.

                ગીતાના ત્રીજા અધ્યાયમાં કર્મયોગની ચર્ચા થઇ છે. એના વિષે ઘણા વિદ્વાન, દૃષ્ટા, સિદ્ધ લોકોએ ચર્ચા કરી છે. એમાં એક શબ્દ મળે છે, ‘લોકસંગ્રહ’. કૃષ્ણભગવાન  કહે છે, ‘લોકસંગ્રહમેવાપિ સંપશ્યન કર્ત્રુમર્હસિ’ યોગી અરવિંદ ‘ગીતાનીબંધો’માં આ સૂત્રનું  ગહન તત્વદર્શી વિશ્લેષણ કરે છે. એમની ભૂમિકા ઘણી ઉચ્ચ છે.

તેઓ કહે છે,”…વળી લોકસંગ્રહનો વિચાર કરીને પણ તારે કર્મો ચાલુ રાખવાં જોઈએ. જ્ઞાની પુરુષે અનાસક્ત થઈને લોક્સંગ્રહને પોતાના ઉદ્દેશ્ય તરીકે રાખીને કર્મો કરવાં જોઈએ. ઈશ્વર સાથે અને ઈશ્વરની અંદર રહેલાં અને જેમાં ઈશ્વર પોતે વસે છે તે સર્વ પ્રાણીઓ સાથે આધ્યાત્મિક એકતા પ્રાપ્ત કરવાના નિયમનો અહીં ઉલ્લેખ છે…..પ્રભુમાં વ્યક્તિની સાર્થકતા સાધવાનો અને સર્વને પોતામાં સમાવનાર એવા પ્રભુની સાચી વેદી પર અહંને અર્પણ કરવાની આજ્ઞા કરે છે…..ક્ષુદ્ર પોતાપણાનો લય કરીને પોતાનામાં રહેલા વિરાટ આત્માને પ્રાપ્ત કરેલો હોય છે, એણે  પોતાની જાતનું  દિવ્યતામાં રૂપાંતર સાધેલું હોય છે.” શબ્દો ગહન લાગે પણ આ જ વાતને સરળ રીતે વધારે સ્પષ્ટ વ્યવહારિક અર્થમાં ‘ગીતા બોધવાણી’નાં ‘જનકનું ઉદાહરણ’ પ્રકરણમાં રવિશંકર મહારાજ મૂકે છે, “જનકાદિ…લોકોને કલ્યાણ થાય એવાં કામો આસક્તિ વગર કરતા હતા… ‘લોક્સંગ્રહ’નો અર્થ એટલે  કે જે કંઈ કર્મ કરું છું તેનાથી લોકોને જોવાથી ફાયદો થાય અને કરવાથી પણ ફાયદો થાય. પોતાની જાતને હોમી દેવી એને પણ લોકકલ્યાણ કહે છે.”

આના પર ઘણી ચર્ચા થઇ શકે પણ એ વિષયાંતર થઇ જાય એટલે સુજ્ઞ ભાવકો એને વિશાળ અર્થમાં સમજી લેશે, અને  લોકસંગ્રહનાં આ  સૂત્રનું ઉત્તમ ઉદાહરણ  ‘પગમેં ભમરી’ પુસ્તક શ્રેણીનાં દરેક પુસ્તકની જેમ પાંચમાં ચરણમાં પણ મળે છે. એટલે એ પુસ્તકની જ વધારે વાત કરીએ પણ તે પહેલાં અધાનો એક નાનકડો પરિચય  મેળવી લઈએ.

માંડવી પાસે આવેલું ભોજાય ગામ તેમનું મૂળ વતન પણ વ્યવસાયાર્થે મુંબઈ વસ્યા.  સંવેદનશીલ હૃદય, પુસ્તકો વાંચતાં, ચિંતન કરતાં અને એમ પછી સમાજવાદી વિચારધારાનો પ્રભાવ પણ થયો. માતાપિતા પણ એ જ વિચારધારાનાં એટલે પણ એ તરફ વળ્યા અને સેવાક્ષેત્ર તરફ ખેંચાયા. તેમનું આ વલણ સમજીને પરિવારમાં ભાઈઓએ પણ  વ્યવસાયમાં તેમનો  હિસ્સો રાખીને તેમને   સમાજસેવા માટે આગળ વધવા આગ્રહ કર્યો.

પ્રારંભ બિદડાથી કર્યો. ત્યાં આરોગ્ય સંકુલના પાયાથી લઈને વિકાસ સુધી યોગદાન રહ્યું. તે પછી અબડાસા લખપતમાં વિવિધ કારણોસર આરોગ્ય સેવાની ઊણપ જણાઈ એટલે પોતાના ગામ ભોજાયને કેન્દ્ર બનાવી સર્વોદય ટ્રસ્ટના માધ્યમથી કામ શરુ કર્યું. અત્યારે તો  ત્યાં પૂર્ણ કક્ષાની, ડાયાલીસીસ સેન્ટર અને નિષ્ણાત ડોક્ટરો સાથેની  હોસ્પિટલ છે અને અનેક પ્રકારના આરોગ્ય કેમ્પોનું આયોજન કરે છે. આમ કામ કરતાં કરતાં મંદબુદ્ધિના બાળકોનો ખ્યાલ આવ્યો એટલે કુમાર અને કન્યાઓ માટે કામ શરુ કર્યું અને અત્યારે તો બંને માટે શિક્ષણ અને  તાલીમ સાથેની વ્યવસ્થા ધરાવતાં  આવાસીય સંકુલો કાર્યરત છે. આમ સમજસેવા ક્ષેત્રે આગળ જતાં લોકોનો સંસ્થાઓનો પરિચય થતો ગયો એ અનુભવોને એમના સમાજનાં મુખપત્ર ‘પગદંડી’માં આલેખતા રહ્યા.

ધરતીકંપ સમયે પણ પુનર્વસન કાર્યમાં સક્રિય રહ્યા. એક વખત તો એવું થયું કે એક યુવતીએ એમના વિષે વાંચ્યું, પ્રભાવિત થઇ  અને પોતે નિશ્ચિત કરેલ હેતુ માટે એક્સેલના કાંતિસેન શ્રોફના માધ્યમથી ‘અધા’ને મળી  પછી તો એ બંનેના સંયુક્ત પ્રયત્નોથી અનેક વિરોધો, અવરોધો, રજુઆતો પછી એક ઈતિહાસ રચાયો, VSSMનું કાર્ય સિદ્ધ થયું. આ યુવતી એટલે મિત્તલ પટેલ જેનો પરિચય આપવાની ભાગ્યે જ જરૂર હોય. ૧૫-૨૦ વર્ષની દોડધામ, સંઘર્ષને અંતે  અત્યારે હવે આ મંચ ડિસા પાસે વિશાળ જમીન મેળવી શક્યું છે અને ત્યાં એવાં જ વિશાળ સંકુલ માટે આયોજન થઇ રહ્યું છે. આજે  ૮૨ વર્ષની ઉંમરે પણ એટલા જ  સક્રિય એવા આ છે ‘અધા’.          

પુસ્તક જેમને અર્પણ થયેલું છે એમનાથી જ પ્રારંભ કરીએ. ગીતાની ભાષાના વિશાળ અર્થમાં ‘કર્મયોગી’, ‘કર્તવ્યની કેડીએ પ્રેરક મહિલા વ્યક્તિત્વો’માંથી મહિલા સશક્તિકરણનાં પાયારૂપ કાર્યોથી લઈને વિકાસના તબક્કા સુધી સક્રિય સુષ્માબહેન અને ‘વિચરતા સમુદાય સમર્થન મંચ’ (VSSM)નાં માધ્યમથી સમાજ સમક્ષ લોક્સંગ્રહનું ઝળહળતું ઉદાહરણ પ્રસ્તુત કરનાર મિત્તલ પટેલ હવે તો આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત છે પણ પારુલ ભારાંબે અને ગીતા ગાલા તો તેમનાં કાર્યથી સહુનાં  હવે  પરિચિત થતાં જાય છે.

આ બંને બહેનો  ‘લોકસંગ્રહ’ની શ્રી અરવિંદે કરેલી મીમાંસાનું પ્રત્યક્ષ દર્શન કરાવતી, સચોટ ઉદાહરણ પૂરું પાડતી, ‘અધાની’ દ્રષ્ટિ,ભાવનાનો ચમત્કાર જ કહેવાય.તાજેતરમાં જ યોજાયેલા પુસ્તકના  લોકાર્પણ કાર્યક્રમમાં ગીતા બહેને જે વાત કરી તે સન્માન જન્માવે એવી છે. માત્ર છ ચોપડી પાસ આ બહેન પહેલાં આરોગ્ય સંસ્થામાં જોડાયાં અને પછી  અધાનાં માતૃશ્રીની ઉત્તરાવસ્થામાં સેવા કરી, પણ આ બન્ને વખતે તેમની કર્તવ્યપરાયણતા અને નિષ્ઠાએ અધાને પ્રભાવિત કર્યા અને તેમને સ્ત્રી રોગો અને ગર્ભાશયનાં કેન્સરની અદ્યતન સારવાર અંગેનું પ્રશિક્ષણ અપાવ્યું અને ગીતાબહેને જાતે લગનપૂર્વક એમાં એટલું કૌશલ્ય કેળવ્યું કે એના કેમ્પોમાં  ઓપરેશન વખતે ડોકટરોને ઉપયોગી થાય છે. એ જ રીતે મંદબુદ્ધિ બાળકીઓ  માટે કાર્યરત ‘માનસી’ સંસ્થાનાં પ્રાણ સમાં ‘અધા’ની શોધ અને ઘડતરનાં પરિણામરૂપ પારુલબહેન પણ એવું જ વ્યક્તિત્વ. સંસ્થામાં રહીને વિકાસ પામી રહેલી  એક બાળકી મોટી થતાં એનાં માતાપિતા એને પરણાવવા માટે હઠપૂર્વક સંસ્થામાંથી લઇ ગયાં એ રાત્રે પારુલબહેન સૂઈ ન શકયાં!  અધાએ જે સંસ્થાઓ વિકસાવી, એના માટે  આવા અનેક  કાર્યકરો તૈયાર કર્યા તેમની દરેકની આવી જ  વાત છે.

                       પુસ્તકના  છ વિભાગો, ‘જાત ઘસીને ઉજળાં થયાં’માં સમાજનાં વિવિધ ક્ષેત્રોમાં  બાબા આમટેના પુત્ર પ્રકાશ આમટે સહિત કાર્યરત વ્યક્તિત્વો, ‘ગ્રામીણ મહિલાઓની વેદના’માં સ્ત્રીહૃદયના વલોપાત સાથે મહિલાઓ માટે પુરુષોનાં રુગ્ણ માનસનું દર્શન, ‘વંચિતોની વાતો’ દ્વારા સમાજમાં આવશ્યક જાગૃતિની વાત, દંભને ચીરતી અનુભવકથાઓ ‘ધર્મ અને ઢકોસલા’માં, તેમજ આવતીકાલ માટે આશા જગાવતી વાતો ‘જળ હી જીવન’માં મૂકીને અને પ્રકીર્ણ મળીને કુલ્લે લગભગ ૩૯ લેખો દ્વારા નૂતન પાસાં તરફ આંગળી ચીંધતાં માનવ ચિત્તને ઢંઢોળવાનો સફળ પ્રયત્ન કર્યો છે.         

                      પુસ્તકમાં અધાની યાત્રામાં જે મુકામો આવ્યા એની સંવેદનાત્મક વાતો દ્રવિત પણ કરી દે, હચમચાવી દે અને ક્યારેક આક્રોશ પણ જન્માવે પણ પ્રસ્તુતિ એટલી સબળ છે કે એ વાંચતાં હતાશા નથી જન્મતી, નિરાશ પણ નથી કરતી પરંતુ વાસ્તવિક દર્શન સમાજકાર્ય માટે લોક્સંગ્રહના સાચા અર્થમાં પ્રવૃત્ત થવા પુસ્તકમાં મળતાં વ્યક્તિત્વો, સંસ્થાઓ, પરિસ્થિતિ કે વિચાર સાથે જોડાઈને સક્રિય યોગદાન માટે પ્રેરે  છે. પુસ્તકનું આ મોટું વિધેયાત્મક પાસું એને અગાઉ કહ્યું તેમ ભિન્ન અર્થમાં સર્જનાત્મક સિદ્ધ કરે છે.

            ગ્રામીણ મહિલાઓની વેદનાની વાત કરતાં કહે છે, “તેમની વ્યથા કથા પર ગૌર કરતાં એક જ બાબત ધ્યાનમાં આવે છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારોના અબજો રુપીયાના આરોગ્ય બજેટો હોવા છતાં એમાંનું રતીભાર પણ એકલદોકલ વૃદ્ધાઓ માટે વપરાય છે ખરું?” એજ સંદર્ભમાં અન્યત્ર લખે છે,”પાંચ હજાર વર્ષમાં માણસે ઘણી બધી ભૌતિક પ્રગતિ કરી છે, પણ એના સ્ત્રી પ્રત્યેના રવૈયામાં કોઈ નોંધપાત્ર ફરજ આવ્યો હોય એવું માત્ર ઉપરછલ્લું દેખાય છે. તે સ્ત્રીને નીચી પાયરીએ જ માને છે.” સ્ત્રીને ભયંકર શારીરિક તકલીફ થાય અને તાત્કાલિક ઓપરેશન કરાવ્વવાનો સવાલ ઊભો થાય ત્યારે પણ પતિ રજા નથી આપતો કારણ કે ઘર કોણ સંભાળે? કોઈક સંજોગોમાં સંસ્થા સ્ત્રીને પૈસા આપે તો સ્ત્રી સ્વીકારે નહીં અને કહે કે આ પૈસા મારો માણસ લઇ લેશે અને આડા અવળા વાપરી નાખશે.

આરોગ્યની વાસ્તવિકતા બતાવતાં કહે છે કે “અર્થશાસ્ત્રીઓ જે અભ્યાસ કરે છે તેનાથી સાચો તાગ મળે છે કે કેમ એ શંકા છે. આંકડાઓને આધારે થીયરી ઓફ એવરેજને લક્ષ્યમાં લઈને વિશ્લેષણ કરાય છે, રીપોર્ટ તૈયાર થાય છે, પણ વાસ્તવમાં એવું હોતું નથી. વાસ્તવિકતા કંઈક નોખી  જ હોય છે.” જે શિક્ષિતોની મનોવૃત્તિનું દર્શન કરાવે છે. એક જગ્યાએ ચાબખા મારતાં લખે છે, “એક જીલ્લો, જ્યાં ઉદ્યોગો અને માળખાંના વિકાસ માટે છેલ્લા દાયકામાં એક લાખ કરોડ રૂપિયા ઠલવાયા છે, તેમાંથી ૦.૦૦૧% પણ મહિલા આરોગ્ય માટે ખર્ચાયા છે ખરા? આ માટે આપણે  સરકારને જવાબદાર ગણીએ તે પહેલાં આ પ્રશ્ન આપણે  સમાજોને પૂછીએ.”

પછી વિવિધ ધાર્મિક સ્થાનો અને ધાર્મિક મહોત્સવો પાછળ થતાં લખલૂટ ખર્ચ તરફ અંગુલિનિર્દેશ કરી, ઉમેરે છે, “એમાંથી કેટલો આર્થિક સ્ત્રોત આરોગ્ય તરફ વહેવડાવવામાં આવે છે? સ્વસ્થ વ્યક્તિ, નિરામય પરિવાર સુંદર સમાજનું નિર્માણ કરે છે. એવો સમાજ જ ધર્મનો રખેવાળ બની શકે છે.  પોતે જે ધર્મના છે તેનો દંભ  ખુલ્લો પાડતાં અચકાતા નથી અને કહે છે કે,ધર્મ કદી  પણ સમસ્યાઓ ઊભી ન કરે., એ  તો  ઉકેલ આપે.

નર્મદાની વાહ વાહ થાય છે ત્યારે કવાંટ ગામના સંદર્ભમાં લખે છે, “માત્ર ૧૭૦૦ કે ૨૦૦૦ ફીટ ઊંચે પાણી પંપ કરી, કવાંટ  ગામનાં  તરસ્યાં ગામડાઓને પાણી ન  આપી શકાય? માત્ર ઈચ્છાશક્તિનો અભાવ અને બળીયાના બે ભાગની શોષણવૃત્તિ આ અન્યાયનું કારણ છે.” એક સાચા સમાજવાદીએ ઉચ્ચારેલ આ નગ્ન  સત્ય છે!

નકસલવાદની સમસ્યાનું પણ આ સમાજવાદી  વિશ્લેષણ કરવાનું ચૂકતા નથી. “વિવેક અને અંકુશ વગરનું ઔદ્યોગિકરણ અને એ માટે તમામ રીતે અનુકૂળ બની રહેવાની રાજ્ય અને શાસનની માનસિકતા સરવાળે આર્થિક અસમાનતા પેદા કરશે અને તેમાંથી આ પ્રકારનાં આંદોલનો જન્મ લેશે.” આ દરેક લેખોમાં સમાજની અનેકવિધ સમસ્યાઓનું દર્શન પણ થાય છે અને ઉકેલ પણ મળે છે.

મહિલાઓની વેદનામાં સ્ત્રી સશક્તિકરણ માટેનું મંથન, વંચિતોની વેદનામાં કાયદાને નેવે મૂકતાં સર્વસત્તાધીશ તંત્રના જુલમ અને નીંભરતા, તો કોઈક વિભાગમાં વળી સામાજિક સમરસતાની આવશ્યકતા વગેરે જેવી બાતો પર પ્રકાશ ફેંકે છે. ‘ધર્મ ને  ઢકોસલા’માં તો આપણને અધામાં એક સમાજ ચિંતક જ જણાય છે એવા વિચારપૂર્ણ લેખો છે.            

                         પુસ્તકમાં અધાની યાત્રામાં જે મુકામો આવ્યા એની સંવેદનાત્મક વાતો દ્રવિત પણ કરી દે, હચમચાવી દે અને ક્યારેક આક્રોશ પણ જન્માવે પણ પ્રસ્તુતિ એટલી સબળ છે કે એ વાંચતાં હતાશા નથી જન્મતી, નિરાશ પણ નથી કરતી પરંતુ વાસ્તવિક દર્શન સમાજકાર્ય માટે લોક્સંગ્રહના સાચા અર્થમાં પ્રવૃત્ત થવા, પુસ્તકમાં મળતાં વ્યક્તિત્વો, સંસ્થાઓ, પરિસ્થિતિ કે વિચાર સાથે જોડાઈને સક્રિય યોગદાન માટે પ્રેરે  છે. પુસ્તકનું આ મોટું વિધેયાત્મક પાસું  છે એથી જ  અગાઉ કહ્યું તેમ તેને  ભિન્ન અર્થમાં સર્જનાત્મક સિદ્ધ કરે છે.

                         થોડા જુદા અર્થમાં મોરારીબાપુના શબ્દોમાં, સમગ્ર રીતે પુસ્તક ‘પ્રભાવિત’ કરે છે અને હૃદયને પ્રેરિત ‘પ્રકાશિત’ પણ કરે છે. ‘શબ્દસંગ’ની યાત્રામાં પ્રાપ્ત થયેલા સીમાચિન્હમાં આ  શબ્દો પણ  ઉમેરાય છે.


[‘પગમેં  ભમરી –પાંચમું ચરણ’. લે. લીલાધર માણેક ગડા (અધા). પ્રકાશક: વિવેકગ્રામ પ્રકાશન વી. આર. ટી. આઈ. નાગલપુર રોડ, માંડવી કચ્છ. મોબા. ૯૮૨૫૨૪૩૩૫૫.  પૃષ્ઠ: ૨૬૪. કિંમત રુ. ૨૬૦. પ્રથમ આવૃત્તિ: જાન્યુઆરી ૨૦૨૧.] 


શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

Author: Web Gurjari

1 thought on “શબ્દસંગ : સંવેદનાત્મક સમાજદર્શન-પુરુષાર્થની કથા

  1. “પછી વિવિધ ધાર્મિક સ્થાનો અને ધાર્મિક મહોત્સવો પાછળ થતાં લખલૂટ ખર્ચ તરફ અંગુલિનિર્દેશ કરી, ઉમેરે છે, “એમાંથી કેટલો આર્થિક સ્ત્રોત આરોગ્ય તરફ વહેવડાવવામાં આવે છે? સ્વસ્થ વ્યક્તિ, નિરામય પરિવાર સુંદર સમાજનું નિર્માણ કરે છે. એવો સમાજ જ ધર્મનો રખેવાળ બની શકે છે. પોતે જે ધર્મના છે તેનો દંભ ખુલ્લો પાડતાં અચકાતા નથી અને કહે છે કે,ધર્મ કદી પણ સમસ્યાઓ ઊભી ન કરે., એ તો ઉકેલ આપે.” સુંદર વિશ્લેષણ.
    સરયૂ પરીખ

Leave a Reply

Your email address will not be published.